બે કાંઠાની અધવચ – (૧૯) – પ્રીતિ સેનગુપ્તા
(૧૯)
ગ્રીન કાર્ડ આવશે, આવી જશે- કરતાં કરતાં, ઘણા મહિના વીતી ગયા. મોડું થઈ રહ્યું છે, એવા કશા ભયથી કેતકી ક્યારેક ફફડી જતી. શું થવાનો ભય હતો, તે સ્પષ્ટ કહી શકતી નહતી.
સચિન ત્રણ વર્ષનો થવા આવ્યો હતો. કેતકીને ઘેર, સચિનને જોવા બધાં ઉત્સુક હતાં. દેવકીનું નક્કી થવામાં હતું. લગ્નમાં કદાચ ના જવાય, પણ વિવાહ વખતે ત્યાં હોઈએ તો સારું. દીજીની તબિયત કેમ હશે? કોઈએ કશું લખ્યું નહતું એ બાબતે, પણ કદાચ એ જ ભય હતો કેતકીના મનમાં.
સુજીતે કેતકીને કહ્યું નહતું, પણ એક વાર દેશ જઈ આવવાની સલાહ પ્રજીતે એને આપેલી. તમે ફાધર પાસેથી ઘરના દસ્તાવેજ પર સહી કરાવી લેજો, ને ઘર આપણા બેનાં નામે કરાવી લેજો.
કેમ, રંજીતનું નામ પણ મૂકવાનું ને?
અરે, એમણે ક્યાં સંબંધ રાખ્યો છે આપણી સાથે? એ ક્યાં છે, એ પણ આપણે જાણતા નથી.
ગજબ ચાલે છે આ પ્રજીતની બુદ્ધિ. શુંનું શું વિચારતો હશે. વધારે પડતો હોંશિયાર થઈ ગયો લાગે છે મને
તો, સુજીતને થયું. પણ દસ્તાવેજ કરાવી લેવાની સલાહ ખોટી નહતી. આવો દસ્તાવેજ કરાવી તો લેવો જોઈએ. ફાધર અને અમ્મા ક્યાં સુધી રહેવાનાં? ઘર બધાના હાથમાંથી સાવ જાય, એના કરતાં એક વાર ખર્ચો કરીને દેશ જઈ આવવું સારું. આ અગત્યનું કામ તો પતે.
આમ કરતાં જરૂરી પેપર્સ અને પરવાના મળી ગયા, સુજીત અને કેતકીને. સચિનને લઈને બંને દેશ ગયાં ત્યારે કેતકીએ સાસરે જ રહેવાનું ધાર્યું હતું. પણ સુજીતની ઈચ્છા એવી હતી, કે કેતકી નાના સચિનને લઈને, એનાં દીજીને ત્યાં રહે. મુસાફરીનો થાક ઊતરે પછી, ફાધર ને અમ્માને મળવા, લઈ જઈશ તમને બંનેને, સુજીતે કહ્યું. જરાક નવાઇ બધાંને લાગી, પણ થયું કે બરાબર છે, થાક ઊતરે પછી જશે.
કેતકીને પણ નવાઈ તો લાગી, પણ આ નિર્ણય જ વધારે ગમ્યો. આટલા વખતે આવ્યા પછી, પહેલી નજરે એને ઘર જુદું લાગ્યું. કદાચ ઇન્ડિયામાં બત્તીઓનું અજવાળું ઓછું હોય છે, તેથી હશે, કેતકીએ વિચાર્યું. પણ નાનપણના એ ઘરમાં ફરીથી રહેવાનું મળી રહ્યું હતું, એ જ કોઈ ઇનામ જેવું લાગતું હતું એને.
ઘરનાં બધાંને જોઈને એ ખુશ તો થયેલી જ, પણ ચિંતિત પણ થયેલી. પાંચેક વર્ષમાં બધાં કેવાં સૂકાઈ ગયેલાં લાગતાં હતાં. બાપ્સ અને માઇનાં મોઢાં પર આટલો થાક કેમ? અને દીજી તો સાવ નંખાઈ ગયાં હતાં. એક દેવકી બહુ ખીલી હતી.
જગતની સાથે એક હૉસ્ટૅલમાં રહેતાં રહેતાં, અને એક કૉલૅજમાં ભણતાં ભણતાં, બંને પ્રેમમાં પડેલાં. પહેલેથી જ સાથે હરવા-ફરવાની તક, તેમજ છૂટ પણ, એમને મળી ગયેલી હતી. કોઈ રોકનાર કે ટોકનાર હતું નહીં. જીંદગીના પ્રથમ પ્રેમને બહુ માણ્યો એમણે.
લગ્ન કરવાનું બંનેએ જાતે નક્કી કરી લીધું, ને તે પછી દેવકી જગતને, બાપ્સ સાથે મેળવવા, ઘેર લઈ આવી. માઇ જરા ચોંકી ગયાં હતાં. દીજી જાણે, કે હવે જમાનો બદલાઈ ગયો છે, જુવાનિયાં જાતે જ નક્કી કરી લે. બાપ્સને વાતચીતમાં જગત પસંદ પડી ગયો. ભણવામાં સારો હતો, બોલવામાં ઠરેલ હતો, અને એના કુટુંબનો સહેજ ખ્યાલ બાપ્સને હતો પણ ખરો.
આ આખી વાત સાંભળી, ત્યારે કેતકીના મનને જરા ઓછું આવી ગયું હતું. પોતાને પણ જીંદગીનો પ્રથમ પ્રેમ થયો હતો, પણ ક્યાં બન્યું, આવું બધું એના જીવનમાં? ક્યાં હરી-ફરી, કે હસી-બોલી, એ એના પ્રિયજનની સાથે?
અરે, પણ એમાં, ઘરનાં કોઈની રોકટોકનો સવાલ નડ્યો જ નહતો. પ્રેમ ક્યાં પાંગર્યો જ હતો, એનો? કેતકીની સાન જાણે પાછી આવી. હા, ઘરનાં કોઈનો વાંક નહતો. એવો પ્રેમ એના નસીબમાં જ નહતો.
પણ તો, સુજીતે શું ઓછું કર્યું એને માટે? પૂરતો રોમાન્સ ના આપ્યો એણે? અરે, હજી યે ક્યાં અટક્યો છે એ?
આ પછી, કેતકીના મનમાંથી દેવકીને માટેનો ઇર્ષાનો ભાવ નીકળી ગયો. બંને નસીબદાર હતાં. બંનેને પ્રેમ મળ્યો હતો, પણ જુદી જુદી રીતે. બસ, હવે દેવકીના વિવાહમાં બહુ મઝા પડશે.
દીજી સચિનને બહુ વહાલ કરતાં રહ્યાં. રોજ એમની પાસે જ રાખે બાબાને. હાથમાં, ખોળામાં, પણ એને ઊંચકીને હવે એ ચાલી ના શકે. દીજી, તમે બરાબર ખાતાં કેમ નથી?, એમને ગળે વળગીને કેતકી પૂછતી.
દીજી કહેતાં, અરે તુકી, ખવાય તેટલું ખાઈ લીધું જીંદગી આખી. હવે આ બાબાને જોઈને જ પેટ ભરાઈ જાય છે.
પોતાના દીકરાની દીકરીનો દીકરો. વાહ, ઘરમાં ચાર ચાર પેઢીઓ હતી અત્યારે. જોજો, કોઈની નજર ના લાગી જાય મારા લાલજીને. એ માઇને કહેતાં, સચિનની નજર ઊતાર. એના કાનની પાછળ મેંશનું ટીલું કર.
સચિન બોલવા માંડ્યો હતો, પણ હજી થોડું કાલું હતું. એટલું તો મીઠું લાગે. ને એને બોલતો, ને દોડતો, ને બધાં સાથે હળી જતો જોઈને, કેતકીને પરમ સંતોષ થતો.
પેલી બાજુ, સુજીતે ધાર્યું હતું તેમ, ઘરના દસ્તાવેજની બાબતે ફાધરે આભ માથે લીધું. એમની ટેવ પ્રમાણે ઘાંટા પાડ્યા, અને સુજીતને ગાળો ભાંડી. આ સલાહ મને પ્રજીતે આપી છે, એને ગાળો દો, સુજીતે સામે કહ્યું. પણ ફાધર બરાડ્યા, હોઈ જ ના શકે, પ્રજીતના નામે જુઠું બોલતાં પણ શરમાતો નથી તું?
છેવટે સુજીતે ફોન બૂક કરાવીને, પ્રજીત સાથે ફાધરની વાત કરાવી. લાઇન બરાબર નહતી, અને માંડ માંડ સંભળાતું હતું, પણ પ્રજીતે ફાધરને ખાતરી આપી, કે થોડા જ વખત પછી, એ ખાસ એમને મળવા ઇન્ડિયા આવી જશે. ત્યારે નિરાંતે વાતો કરીશું, પણ હમણાં દસ્તાવેજ પર સહી થઈ જાય, તો ઘણું સારું, વગેરે.
એની ડાહી ડાહી વાતોથી ફાધર માની ગયા, એટલે કે એમને માની જવું પડ્યું. પ્રજીત બરાબર જ સમજે ને. વળી, મળવા પણ આવવાનો છે. હવે એ જ આશા પર ફાધર ટકવાના હતા.
દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ થઈ. વકીલોનું અને કૉર્ટનું કામ જલદી નથી જ થતું, એ જાણતો હોવા છતાં, સુજીત ચિંતામાં રહેતો હતો, પણ બહારથી ધીરજ રાખતો હતો. આમ ને આમ તો જવાનો દિવસ આવી જશે. ને તોયે જો તૈયાર નહીં થયો હોય, તો શું મારે પણ, પ્રજીતની સાથે ફરી આવવું પડશે?
એટલા ખર્ચાના વિચારે એ વધારે ચિંતિત થતો હતો.
પણ આખરે વકીલે કહ્યું, કે દસ્તાવેજ તૈયાર છે. ફાધરને લઈને સુજીત કૉર્ટમાં ગયો. ત્યાં બેસી રહેવું તો પડ્યું જ, પણ સહી-સિક્કા થયા ખરા. વકીલે કહ્યું, કે દસ્તાવેજ સુજીત અને પ્રજીતના નામે થઈ ગયો છે. પણ એમનો હક્ક બનશે ફાધર, તેમજ અમ્મા, નહીં હોય ત્યાર પછીથી.
વકીલની વાતથી સુજીતે નિરાંતનો શ્વાસ લીધો. ચાલો, એ હંમેશ માટે રહેવા પાછો દેશ આવે કે ના આવે, એનું પોતાનું ઘર તો રહેશે. પ્રૉપર્ટીના ભાવ તો વધતા જવાના, એટલે બીજું કાંઈ નહીં, તો પૈસા તો મળશે.
પોતે પ્રજીતથી જરાયે ઓછો હોંશિયાર નથી, સુજીત મનોમન ફુલાયો. આ દરમ્યાન ક્યારેક એને રંજીત યાદ આવતો હતો. એને મળવા જવાનું તો બન્યું નહીં, ફોન પર પણ સંપર્ક ના થયો. કાંઈ નહીં, ફરી આવીએ ત્યારે. શું કરું?, બધું તો ક્યાંથી થાય?
આ પછી સુજીત હળવો થઈ ગયો. એ કેતકી અને સચિનની સાથે રહેવા આવી ગયો. બાપ્સને સમજાવી દીધું, કે ફાધરને આમાં વાંધો નથી. સુજીતની હાજરીથી ઘરમાં સરસ વસ્તી રહેતી હતી. ને હવે દેવકીને એણે ધીરેથી કહી દીધું, કે જીતજી કહેવાને બદલે સુજીતભાઈ કહે તો એને વધારે ગમશે. આમે ય હવે જીતજી ને જગતજીમાં ગોટાળા થવાનો સંભવ છે, ખરું કે નહીં? બધાં બહુ હસ્યાં આ મજાક પર.
કેતકીને માટે પણ આ સમય ખૂબ આનંદનો હતો. અમેરિકામાં છેલ્લે છેલ્લે સુજીત થોડો દૂર થતો જતો લાગ્યો હતો. એવું સમજવાની મારી જ ભૂલ હતી. કશો ફેર નથી પડ્યો, કેતકીએ ડાઉટને ખંખેરી નાખ્યો. સુજીતની ભૂખરી-લીલી આંખોમાં ડૂબવાનું હજી એને એટલું જ ગમતું હતું.
કેતકીએ કૉલૅજની બે-ચાર બહેનપણીઓને મળવાનો ટ્રાય કર્યો, પણ બહુ શક્ય ના બન્યું. સચિન, સુજીત, દીજી, માઇ, બસ, આટલાંમાં જ જાણે દિવસ વીતી જતો. સુમી સચિનને રમાડવા એક વાર ઉતાવળે આવી ગઈ. એને સાસરામાંથી બહુ ટાઇમ નહતો મળતો. સૂકાઈ ગયેલી લાગી.
કેમ, બહુ કામ કરાવે છે?, હસતાં હસતાં કેતકીએ પૂછ્યું.
સુમી જરા ગંભીર થઈ ગઈ. કદાચ એવું જ કહેવાય. કામ બહુ ના હોય, પણ ઘરની બહાર જવા દેવાનું બહુ ગમે નહીં –
કોને, તારાં સાસુને?
અરે, એથી યે વધારે વાંધા નણંદને હોય. કંઇક ને કંઇક બહાનું કાઢે, મને ઘેર રાખવાનું. શરદ બધું જુએ, ને સમજે, પણ ના માને કશું કહી શકે, ના નાની બહેનને યે કશું કહી શકે.
નીલુની કંપની સારી રહી. એને રોજ આવવા દીજીએ કહેલું. તું હોય તો તુકીને વાતો કરવાનું ગમે ને. હજી એનાં લગ્ન નહતાં થયાં, એટલે એ નીકળી શકતી હતી. કેતકીનો સંસાર જોઈને, પોતાને માટે જ એનો થોડો જીવ બળતો. શું થશે મારું? ક્યારે થશે આવી મારી જીંદગી?
પણ કેતકી પર દ્વેષ નહીં. તું થોડી બદલાઈ તો છું જ, હોં, તુકી, એણે કહેલું.
કેતકી વિચાર કરવા લાગેલી. તો શું ઘરમાં પણ બધાંને એવું લાગતું હશે? શું ખરેખર બદલાઈ ગઈ હતી પોતે? એણે કહ્યું, કદાચ એવું હોઈ શકે, નીલુ. ત્યાંનું જીવન એવું જુદું છે, કે એ પ્રમાણે તમારે મનને ઍડજસ્ટ કર્યા કરવું પડે, અને જાતને વધારે ને વધારે ડિવેલપ કર્યા કરવી પડે. બધું જાતે જ કરવાનું, એટલે જાણે ઘડીએ ઘડીએ, કાંઈ ને કાંઈ, નવું શીખવું પડે, જાણવું પડે.
પછી કહે, મને એવું લાગે છે, કે તું પણ ત્યાં આવી જઈશ. ત્યાં રહેતો છોકરો જ મળશે તને, તું જોજે.
નીલુ ભારે મનથી કહે, ખરેખર? મને તો થાય છે, કે હું કુંવારી જ ના રહી જાઉં.
ના હવે, આવું શું બોલે છે?, કહીને કેતકી સચિનની પાછળ દોડેલી.
સુજીત અને કેતકીને લાગ્યું, કે બધું કામ સારી રીતે પતતું જતું હતું. હવે ખરીદી કરવા માટે ટાઇમ કાઢી શકાય તેમ હતો. કેતકી બે-ચાર પંજાબી ડ્રેસ ખરીદવા માગતી હતી. સુજીતને બસ, એ સાડી પહેરે તે જ ગમે. એમાં દલીલો કરવી પડી કેતકીએ, કે અહીં આવ્યાં છીએ, ને નવાં કપડાં લઈ લઉં, તો મારે ચાલેને બીજાં ત્રણેક વર્ષ. પાર્ટીમાં સાડી બરાબર છે, જોકે હવે પાર્ટીમાં પણ ભાગ્યે જ કોઈ સાડી પહેરે છે, પણ સાધારણ કામ માટે નીકળો ત્યારે તો ડ્રેસ જ સારો પડે ને.
દીજી વચમાં પડ્યાં, કે હું આપું છું પૈસા, તુકીને જે ગમે તે ભલે ખરીદતી.
સુજીતને ચીડ ચઢી ગયેલી, જરા મોઢું ચઢેલું, પણ કોઈને ખાસ ખ્યાલ ના આવ્યો.
વિવાહના પ્રસંગોમાં તો કેતકી સાડી જ પહેરતી હતી, તેથી સુજીત ખુશ થઈ ગયો, અને ચીડ ભૂલી પણ ગયો. એક દિવસ, એ જાતે જઈને, એક સાડી કેતકીને માટે લઈ આવ્યો. વાહ, શું ટેસ્ટ છે, સુજીતભાઈ, તમારો, દેવકીએ સાડીનાં વખાણ કરેલાં.
સુજીત જાણતો હતો, કે એ નારાયણપેઠી સાડી હતી. કહે, મેં એ નામ દઈને કઢાવડાવી. મને પણ સાડીઓની થોડી ખબર પડે છે ખરી, હોં.
સાડા ત્રણ અઠવાડિયાં તો આમ ક્યાંયે વીતી ગયાં. બસ, તુકી, તું જવાની? એટલાંમાં વખત થઈ ગયો? દીજીને પહેલી વાર ઉદાસ થયેલાં જોયાં હશે કેતકીએ.
સહેજ બોલે, ને દીજીનો શ્વાસ ઊંચો ચઢી જતો હતો. સાવ નરમ અવાજે કહે, ક્યારે મળીશ તું ફરીથી? ક્યારે હું જોવા પામીશ મારા લાલજીને ફરીથી? એને લઈને જલદી પાછી આવીશ ને, તુકી?
કેતકી પાછી એમને વળગી. આવીશ જ ને, દીજી. તમે જીવ ના બાળો. એ જોઈને સચિન પણ વળગ્યો, દી, જી, ના, બાલો
(વધુ આવતા ગુરુવારે)
Like this:
Like Loading...