Category Archives: હરીશ દાસાણી

“વાર્તા બનતી નથી “. – હરીશ દાસાણી.

એક લીટીનો પત્ર.
અને ન ઉકલે તેવાં હસ્તાક્ષર.
તેનું મોઢું લાલચોળ થઈ ગયું.
આંખોમાં આંસુ આવી ગયાં. ગુસ્સો અને હતાશા બંનેના સંયુક્ત આક્રમણ સામે તે હારી ગયો.
ટેબલ પર માથું ઢાળીને બેસી ગયો.
દસ મિનિટ થયા છતાં ચા ઠરી ગઇ તો પણ તે ઊભો ન થયો તો પત્ની નજીક આવી.
“શું થયું છે?”
“કોઈ દુર્ઘટના?”.
“કોઈ મિત્રના ખરાબ સમાચાર મળ્યા છે?”
અચાનક પત્નીની નજર તેની પાસે રહેલા પોસ્ટકાર્ડ પર ગઇ અને હસવા લાગી.
“ઓહો ,આ વાતમાં સાહેબ આટલાં નારાજ થઈ ગયા છે?
ખોટું ન લાગે તો એક વાત કહું?”.
તેણે ટેબલ પર ઢળેલું માથું ઊંચક્યું.
પત્ની સામે જોઈ રહ્યો.

“શું છે તારે?”.
“હા. હવે મારા પર ગુસ્સો કરજો. કાલે જ કહેતા હતા ને કે પત્ની એટલે ગુસ્સો ઠાલવવાની જગ્યા !
ગુસ્સો કરો મારા ઉપર. ચા ઢોળી નાખો. છાપાં ફાડી નાખો. ટીવી ના રિમોટનો ઘા કરી દો !”
તે સ્તબ્ધ થઈ પત્ની સામે જોઈ રહ્યો. બાથરૂમમાં ગયો. ફ્રેશ થઈ પાછો આવ્યો અને પત્નીને સામે ખુરશી પર બેસાડી. હવે તેના અવાજમાં ઉશ્કેરાટ કે અશાંતિ ન હતી.
“બોલ,શું કહેવું છે તારે?”
“જુઓ, તમે ફરી પાછા તમારી વાર્તા વાંચી જુઓ અને પછી જાતે જ નક્કી કરો કે વાર્તા બને છે?
નથી કોઈ ઘટના. નથી કોઈ પાત્રો. નથી કોઈ સંઘર્ષ. નથી કોઈ નિશ્ચિત વિચારો.
તમે અત્યાર સુધી વાંચેલું, સાંભળેલું, યાદ રાખેલું કાગળમાં આડું અવળું ઉતારી દીધું છે. અસ્તિત્વવાદ,પરાવાસ્તવ,એલિયેનેશન,સમાજવાદ,વિજ્ઞાન,અર્થશાસ્ત્ર,સમાજશાસ્ત્ર,પર્યાવરણ……..
કેટલું બધું ઠાંસીને ભરી દીધું છે……..પણ….દાળ, ચોખા, પાણી, મીઠું, બધું જ હું તમને અલગ અલગ પીરસીને આપું તો ભાવશે તમને?
બધું એકરસ થાય તો ખીચડી બને.
આ જ વસ્તુ તંત્રી, સંપાદક તમને કહે ત્યારે કેમ તમને ખોટું લાગી જાય છે?”
તેની આંખો વિસ્મય, આનંદ અને સ્વસ્થતા પૂર્ણ દેખાઇ.
સાહિત્ય વિશે પત્ની આટલી ઊંડી સમજ ધરાવે છે !
તે હસવા લાગ્યો. “મને તો એમ કે તને સારી રસોઈ બનાવતા જ આવડે છે ! પણ…..”
“તો પછી સાહેબ સાંભળો તમે. પત્નીએ કહ્યું-હું ચાલીસ વર્ષોથી વાર્તા ઓ લખું છું અને અનેક વાર્તાઓ છપાયેલી પણ છે.
“હેં………….?”.તે મુગ્ધ બની જોઈ રહ્યો.
પત્નીએ બેગ ખોલી તેમાંથી પોતાની છપાયેલી વાર્તાઓ તેને બતાવી.
“પણ…આ તો કોઈ સ્વપ્નદ્રષ્ટા નામની વ્યક્તિ એ લખેલી છે. આ તારી છે?”
“હા. મારું ઉપનામ સ્વપ્નદ્રષ્ટા છે. ”
અને બીજી એક વાત. સાહેબ; હવે તમને મળેલ પોસ્ટકાર્ડના અક્ષરો તો જરા તપાસી જુઓ. !
“કેમ?”
“કેમ કે આ પોસ્ટકાર્ડ મેં લખેલું છે. તમે જે સામયિકમાં વાર્તા મોકલી હતી તેના સંપાદક મંડળમાં હું છું. ત્યાં પણ સ્વપ્નદ્રષ્ટા નામ છે !”
તે તાળીઓ પાડીને નાચવા લાગ્યો.
મળી ગઇ ! મળી ગઈ ! બની ગઇ-વાર્તા બની ગઇ !
હવે પત્ની આશ્ચર્યથી તેની સામે જોઈ રહી. તેણે કહ્યું-મારી વાર્તા તો મારી સામે જ ઊભેલી છે !યુરેકા….યુરેકા…!
મને ખબર ન હતી કે વાર્તા તો ચાલીસ વર્ષો પહેલાં જ બની ગઇ હતી !

હરીશ દાસાણીના બે કાવ્યો

આ માણસને મારી સાથે નહીં ફાવે.

પ્રેમ ન કરશે.

પ્રેમની પંડિતાઇ કરશે.

ના ઓગળશે.

ના પીગળશે.

કરમકપાળે હાથ દઇ કઠણાઇ કરશે. Continue reading હરીશ દાસાણીના બે કાવ્યો

કવિતા -શબ્દથી અશબ્દ તરફની યાત્રા (હરીશ દાસાણી)

કવિતા આ દ્રશ્ય સૃષ્ટિમાં એક રહસ્યમય વસ્તુ છે.

કવિતા આકાશમાં સતત ઉડતા પંખી જેવી અથવા હાથમાંથી સરકતી રેતી જેવી કે હવામાં ઉડી જતા કપૂર જેવી જ છે.

શબ્દનો ઉપયોગ કરવા છતાં તે શબ્દમાં બંધાતી નથી. એક શબ્દ કવિતામાં આવે ત્યારથી તેના અનેક રૂપ પ્રગટ થાય. Continue reading કવિતા -શબ્દથી અશબ્દ તરફની યાત્રા (હરીશ દાસાણી)

વળાંક (હરીશ દાસાણી)

 

આશા રાહ જુએ છે.

વિચાર કરે છે.

નિર્ણાયક ઘડી આવી ગઇ છે.

તેની પાસે માત્ર નવ મિનિટનો સમય છે.

સિંગાપોરની ફલાઇટનું બોર્ડીંગ શરૂ થાય તે પહેલાં નક્કી કરવાનું છે. Continue reading વળાંક (હરીશ દાસાણી)

હરીશ દાસાણીના કાવ્યો

(૧૯૫૧ માં પોરબંદરમાં જન્મેલા શ્રી હરીશ દાસાણી ૧૯૭૦ થી ૨૦૦૭ સુધી બેંકમાં નોકરી કરતા હતા. હાલમાં તેઓ મુંબઈમાં રહે છે. કવિતા લખવાની શરૂઆત તો એમણે છેક ૧૯૬૬ થી કરી દીધેલી, જે શોખ એમણે આજ સુધી જાળવી રાખ્યો છે. એમની કવિતાઓ પરબ સૃષ્ટિ, નવનીત, અખંડ આનંદ, મિલાપ, નિરીક્ષક અને અન્ય સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. એમની વાર્તાઓ અને અન્ય ગદ્ય લખાણ કંકાવટી, અખંડ આનંદ, નવચેતન અને સંકલ્પમાં પ્રકાશિત થયાં છે. આકાશવાણીના રાજકોટ કેંદ્ર ઉપરથી એમની કવિતાઓ અને વાર્તાઓ પ્રસારિત થઈ છે. આંગણાંના તેઓ નિયમિત મુલાકાતી છે.

આજે એમની ટુંકી ટુંકી પંક્તિઓવાળી પાંચ કવિતાઓ અહીં રજૂ કરૂં છું. એમની કેટલીક કવિતાઓમાં માત્ર શબ્દાર્થ સમજવો પુરતું છે, તો કેટલીકમાં ભાવાર્થ અને ગુઢાર્થ સમજવા પડે એમ છે. –સંપાદક)

Continue reading હરીશ દાસાણીના કાવ્યો