ભણાવતા– ભણી લીધું ૧૪ સત્યકથાઃ સરયૂ પરીખ
http://મિત્રો સાથે વાતો. ૧૪ ભણાવતા…સરયૂ પરીખ
હું વિજ્ઞાનની વિદ્યાર્થિની, શિક્ષક તરીકે કેવું કામ કરી શકીશ તે વિટંબણા સાથે Literacy Council, અક્ષરજ્ઞાન આપતી સ્થાનિક સંસ્થાની ઓફીસમાં મળવા ગઈ. સામાન્ય વસાહતનાં નાના મકાનમાં ઉત્સાહ અને આવકારનું વાતાવરણ હતું અને તેનું કારણ તેની નાજુક અને ચેતનવંતી વ્યવસ્થાપક શેલીને કારણે હતું. તેનાં હાસ્યભર્યા સ્વાગતથી જ મારો આત્મવિશ્વાસ ઊંચે સ્તરે પહોંચી ગયો.
“હું થોડાં સમયથી હ્યુસટનમાં રહેવાં આવી છું અને મારે સેવાનાં કામમાં જોડાવું છે. મારી પાસે કોલેજનું શિક્ષણ છે પણ શિક્ષક તરીકેનો અનુભવ નથી.” મારો પરિચય આપતાં મેં જણાવ્યું અને શેલીએ મને પોતાનાપણાથી આવકારી લીધી.
પુખ્ત ઉંમરના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાવા માંગતા સભ્યોને માટે તાલીમ ક્લાસ હોય છે તેમાં હું જોડાઈ. શનિવારે આખા દિવસનો કાર્યક્રમ હતો. હું કોઈને ઓળખતી ન હતી. લંચ સમયે, મેલીંગ નામની બહેન મળતાવડી લાગી. એણે મને એકલી જોઈ બાજુના ટેબલ પર સાથે બેસવા બોલાવી. બધા સાથે પરિચય થયો. અમેરિકન રોબીન, ખૂબ ગોરી, માંજરી આંખોવાળી અને મીઠા સ્મિતવાળી હતી, જેણે અડતાલીશ વર્ષની ઉંમરે ટીચર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું અને નોકરીની રાહમાં હતી. પનામાની મેલીંગ, નિવૃત્ત થયેલ શિક્ષિકા હતી. જીની, કેનેડાની હતી, પણ એન્જિનીઅર પતિ સાથે વર્ષોથી અમેરિકામાં રહેતી હતી. ટાસ્મેનિઆની માર્ગરેટ, અનોખી તરી આવે તેવા વ્યક્તિત્વવાળી હતી. સેવા કરવા જવાનો પહેલો લાભ…મને ચાર નવી બેનપણીઓ મળી અને તેમની સાથેની વર્ષોની મૈત્રી દરમ્યાન વિવિધ દેશો અને ધર્મોનો અનાયાસ અભ્યાસ થયો.
મારી પહેલી વિદ્યાર્થિની, રોઝા, મેક્સિકોની હતી. તેની સ્પેનિશ અને મારી અંગ્રેજીની સમજ-ગાડી ધીમેધીમે આગળ ચાલી. રોઝા ચાલીસ વર્ષની હતી પણ કદ બહુ નાનું હતું અને અપેક્ષાઓ ઘણી મોટી હતી. તેની માતા સાથે થતાં અણબનાવ વિષે ફરિયાદ કરતી જાય અને ભણતી જાય. મને સમજાયું કે ગમે તે સામાન્ય વ્યક્તિને પોતાની મુશ્કેલીઓ અસામાન્ય લાગે છે. થોડા સમયમાં રોઝાને કોઈ નોકરી મળતાં તેણે આવવાનું બંધ કર્યું. દરેકમાં ‘હું પણા’નું પ્રમાણ પોતે કેવા દેખાય છે! કેવા પૈસાદાર છે! તેના પર આધારિત નથી પણ અંતરગત સ્વભાવ પર આધારિત છે.
પછી આવી બહુ ભોળી અને મંદબુદ્ધિ આફ્રિકન-અમેરિકન, બાર્બરા. તેની વાતચીત કરવાની રીત મારે માટે નવી હતી. આડત્રીસ વર્ષની બાર્બરા તેના બે બાળકો, ઓગણીસ વર્ષની દીકરી અને સત્તર વર્ષના દીકરા સાથે માતા-પિતાને ઘેર રહેતી હતી. બન્ને બાળકોના પિતા ક્યાં છે તે પત્તો નહોતો. આટલી નાની ઉંમરે બાળકો! એ સવાલના અનુસંધાનમાં તેણે તરત કહી દીધું કે, તે હવે સાવધાન છે… તે ઉપરાંત, ‘ટ્યુબ ટાઇ’ કરાવી દીધી તેથી ‘વધારે બાળકો નહીં થાય.’
બાર્બરા હોસ્પિટલમાં સફાઈ કામ કરતી હતી. હાઇસ્કૂલ પાસ કહેવાય કારણકે નપાસ નહોતા કરતા. અંગ્રેજી સુધરે તો પોસ્ટલ સર્વિસમાં પરિક્ષા પાસ કરીને સારી નોકરી મળે તે આશયથી મારી પાસે ભણવાનું શરૂ કર્યું હતું. તેને નજીક પડે તે લાઇબ્રેરીમાં ખાસ પરવાનગી લઈ હું તેને સપ્તાહમાં બે વખત મળતી. મજાની વાત એ હતી કે, જે સમય નક્કી કરીએ તેનાંથી પંદર મિનિટ મોડા આવવાની તેની પધ્ધતિનું અનેક વખત પુનરાવર્તન થતું. જે હું કહું તે હસીને સાંભળી રહે ત્યારે તેનાં મોઢામાં એક સોનાનો દાંત હતો તે ધ્યાન ખેંચે. બીજા દાંતમાં તકલિફ થતાં તેને ઠીક કરાવવા બાર્બરા કોઈ મફતમાં ચાલતા ક્લિનીકમાં જતી હતી. એક દિવસ આવીને કહે કે,
“મારી સારી દાઢ ડેન્ટિસ્ટે ભૂલમાં કાઢી નાખી.” બાર્બરાને પોતાનો મુદ્દો સમજાવવાની તકલિફ હતી એ વાત ખરી, પણ આવી મોટી ભૂલ! અને તેને માટે ન કોઈ વળતર કે ન ડેન્ટિસ્ટ માટે સજા! અબૂધ લોકોની કેટલી હદ સુધી અવગણના થતી હોય છે!!
બાર્બરાનું અંગ્રેજી તો ખાસ ન સુધર્યું, પણ મારી મદદથી પોસ્ટલ પરીક્ષાની તૈયારી કરતા ઘણી સમજ વધી… ભલે પાસ ન થઈ. બાર્બરાની દીકરી પણ કમાવા માંડી હતી. બાર્બરાએ પોતાનું ઘર ખરીદવા માટે પ્રયત્ન શરૂ કર્યા. મેં રીઅલએસ્ટેટ એજન્ટ તરીકે બહુ વર્ષો પહેલાં કામ કરેલું. બાર્બરાને હ્યુસ્ટનના એજન્ટ ઊઠાં ન ભણાવે એ માટે હું ચાંપતી નજર રાખતી હતી. નાના મોટા કેટલાયે પ્રશ્નોનો નિકાલ કરવામાં તેને મદદ કરવાની તક મળી. ત્રણ વર્ષમાં…મારી સાથેનાં અભ્યાસના પરિણામ રૂપે, બાર્બરાની જાણકારી ઘણી વધી, અને એક ગૌરવશાળી મકાનમાલિક બની. બાર્બરાના સાથમાં મને અભણ લોકોની મુશ્કેલીઓ સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવી. ભણવું હોય અને મગજ સાથ ન આપે એ એક મોટી લાચારી છે. અને દુનિયામાં ચાલાક માણસોનું વર્ચસ્વ વિસ્તરેલું છે… “બુધ્ધિ અતિ બલવાન.”
ચોથા વર્ષે મૂંગી-બહેરી ટીએનનો મને પરિચય કરાવવામાં આવ્યો અને તેને અંગ્રેજી શીખવતા મારા જીવનનો સાવ અજાણ્યો દૃષ્ટિકોણ મુખરિત થયો. મલેશિયાથી આવેલ ચાઇનીઝ કુટુંબની ટીએન, હાઇસ્કૂલ પાસ હતી પણ કોલેજમાં જવા માટે અંગ્રેજી ભાષામાં કાબેલિયતની જરૂર હતી. ટીએનને શીખવતા મારું પણ અંગ્રેજી વ્યાકરણ સારું થયું. પછી તો કોલેજના અભ્યાસમાં પણ ટીએનને મદદ કરવાનું ચાલું રહ્યું. અમારે ઘેર આવીને કે કોલેજના કેમ્પસ પર કે અહીંતહીં અમે ભણવા-ભણાવવા ગોઠવાઈ જતાં. ટીએન ગ્રાફિક ડીઝાઈનમાં કોલેજ સ્નાતક બની શકી છે. ટીએન મારા જીવનમાં આવી, અને છેલ્લા પંદર વર્ષથી રોકાઈ ગઈ છે. હમણાં કોવિદ-૧૯ની તકલિફ વખતે પણ અમારી મદદ તેને પંહોચી હતી.
એક ખાસ અનુભવ મને બૌધ-ધર્મની સાધ્વીઓ સાથે થયો. શિક્ષણ સંસ્થામાં લગભગ આઠ સાધ્વીઓ અને બે સાધુઓ અંગ્રેજી શીખી રહ્યાં હતાં. એમનાં સેવા-શિક્ષક જતા રહ્યાં તેથી મારા પર એ જવાબદારી આવી. વાળ નહીં કે કોઈ અલંકાર નહીં, બધાં એક સરખા સાદા સફેદ અને વાદળી રંગના પહેરવેશમાં ભણવા માટે ઉત્સુક દેખાતાં. નાનીસી વાત પર તેમનાં ચહેરા પર શાંત સરળ હાસ્ય બહુ જ સહજ રીતે ખીલી ઊઠતું. સાધ્વીઓનો પરિચય વધતાં એમણે શેલી અને મને તેમનાં આશ્રમમાં બપોરનો પ્રસાદ લેવા આમંત્ર્યાં હતાં. તેમનું પ્રેમાળ સ્વાગત અને સાદો ખોરાક પીરસવાની રસમ વિશિષ્ટ હતી.
હ્યુસ્ટનમાં ભગવાન બુધ્ધના બે આશ્રમો છે. મારા વિદ્યાર્થીઓ વિએટનામી હતાં અને તેમનો આશ્રમ ચિન્મયામિશનની સામે જ હતો. મારા વિદ્યાર્થીઓમાં એક અગ્રગણ્ય સાધ્વી હતાં તેમને હું ચિન્મયા- મઠના આચાર્યને મળવા લઈ ગઈ હતી. બન્ને સંત વ્યક્તિઓ એકબીજાનાં પરિચયથી પ્રસન્ન થયાં અને પ્રસંગોપાત આપસમાં પોતાના વિભાગમાં કાર પાર્ક કરવા દેવી વગેરે સહાયતા કરવા માટે સહમત થયાં. મારા વિદ્યાર્થીઓને પોતાના દેશ પાછાં ફરવાનો સમય આવી ગયો. છેલ્લા દિવસે ગુરુદક્ષિણામાં ફૂલ, ફળ આપ્યાં અને એક સાધ્વીએ સ્કાર્ફ આપેલો તે વર્ષો પછી પણ તેમનાં મધુર સાથની યાદ આપે છે.
ગયા વર્ષે ઓસ્ટિનથી હ્યુસ્ટન ગઈ અને એક મિત્રનાં બેસણામાં જવાનું થયું. હું લોકોના મહેરામણમાં નજર ફેરવતી હતી ત્યાં દૂર સોફા પરથી શેલી મને જોઈને સફાળી ઊભી થઈ ગઈ.
“ઓહો, સરયૂ! કેટલા બધા વર્ષો પછી ફરી મળ્યાં!” શેલી દસેક વર્ષથી નિવૃત્ત થઈ ગયેલી. એંશી વર્ષથી પણ વધું ઊંમરની, તો પણ ચેતનવંતી હતી. શેલીને Literacy councilમાં વીશ વર્ષ પહેલાં મળવાનું અને ફરીને એ દિવસે મળવું … જાણે એક આવર્તન પૂરું થયું હોય તેવું લાગ્યું. મારા જીવનમાં મેં જોયું કે લગભગ એક વિષય પર અમુક વર્ષો પ્રવૃત્ત રહ્યાં પછી આપોઆપ એ કર્તવ્ય પૂરું થઈ જાય અને બીજું શરૂ થાય…
દસકામાં વિભાજન
અવિરત આ જીવનમાં દસકાનુ દર્પણ,
પ્રતિબિંબ અલગ કર્મ ક્ષેત્રને સમર્પણ.
શિશુકાળ પ્રેમાંગણ હસી ખીલ્યાં ચાતુર,
બીજા દાયકામાં, ચિત્ત ઉત્સુક ને આતુર.
ત્રીજા દસકામાં જીવન પૂર્ણ કળા ખીલ્યું,
ચોથામાં, ફૂલ મધુ ફળ બની વિલસ્યું.
પંચમ દસકામાં, અનુભવથી ગંભીર,
સેવા સમર્પણ ધ્યાન અંતર મંદિર.
છઠ્ઠા દસકામાં, પૌત્ર પૌત્રીની સંભાળ,
અદભૂત આ આજ ગુંથે કાલની ઘટમાળ.
ગયા દાયકાઓ, પરછાઇને નિહાળું
પળની કોઇ પરિમલમાં મનને ઝબોળું
એક એક કર્મને મેં પૂર્ણતાથી મ્હાણ્યું,
શાંતિ સંતોષ સહજ એ જ મહેનતાણું.
——- સરયૂ
પ્રતિભાવઃ
સંસારનું સુંદર સરવૈયુ,
સંતોષ, શાંતિ સ્વરૂપ સરયૂ,
અહો ,આજ કેવું અનોખું
કલમેથી આપની આજે સર્યું !
દેવિકા ધ્રુવ
વિદ્યાર્થિની ટીએનની વાર્તા>>મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૯.ટીએન…એક વિદ્યાર્થીની.
saryuparikh@yahoo.com
——-
રંગોળી..ઈલા મહેતા