વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે. સરયૂ
http://વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે અને સરયૂ
સર ચંદુલાલ ત્રિવેદી. સંસ્મરણઃ લે. રમેશ પટેલ
દિવ્ય ભાસ્કર સમાચારમાં પ્રગટ થયેલ સરદાર વલ્લભભાઈની દુર્લભ તસ્વીરોમાં … પંજાબ પ્રાન્તના ગવર્નરન, સર ચંદુલાલ ત્રિવેદીની તસ્વીર જોઈને, હું રોમાંચિત થઈ ગયો..સાચે જ કહું…હું તેમને રુબરુ મળેલ, પણ આ બાબતનો અણસાર મને ન હતો…આવો મારી આ વાત તમને કહું…
કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ ઈજનેર બની, કપડવંજ મુકામે, જીઈબીમાં ૧૯૭૨માં જોડાયો. સબડિવિજન એટલે જાણે કલેક્ટર જેવો રૂઆબ. જુવાનીનો જુસ્સો, કપડવંજ એટલે તેલની મીલો, કપાસના જીનો અને તાલુકા મથક..વિકસિત નગરમાં પાકા રોડ ને ગટર..સુવિધાથી મલકાતું નગર. કવિતાનો ચટકો, હજુ હમણાં લાગ્યો..પણ કવિ શ્રી રાજેન્દ્ર શાહનું વતન..આ કપડવંજ અને ફાલ્ગુની પાઠક..ઈંધણા વીણવા ગઈ’તી જે ગાય છે..એ એમની રચના.
હું સબ સ્ટેશને બેઠો હતો ને આણંદ સર્કલ ઓફિસના સુપરિન્ટેડન્ટ એન્જિનિયરનો ફોન આવ્યો…જીઈબી, હેડ ઓફિસ. વડોદરા, ચેરમેનશ્રીનો ફોન છે..તાત્કાલિક હરિકૃષ્ણ સોસાયટીએ જઈ, તેમની ફરિયાદ વિશે મળી, રિપોર્ટ કરો. હું તો સ્ટાફ સહિત ત્યાં પહોંચ્યો..તે વખતે કપડવંજની લાયસન્સી, બોર્ડે ઓવેરટેક કરેલી, તેનું કમ્પલેન સેન્ટર સિટી પાસે હતું. તેના ઈન્ચાર્જ ઈજનેર પણ ત્યાં આવી ગયા. અમે તેમના ઘર પર ગયા. તક્તી પર લખ્યું હતું. સર સી.એમ.ત્રિવેદી, પંજાબના માજી ગવર્નર… સર ત્રિવેદી રિટાયર્ડ થયા પછી વતનમાં આવી વસ્યા હતા.
અમે બહાર બેઠેલ ચોકીદારને વાત કરી. અમે જીઈબીમાંથી મળવા આવ્યા છીએ. અમને અંદર બોલાવી બેસાડ્યા. તેમની વયોવૃધ્ધ ઉમ્મર છતાં ખુમારીને વિવેક જોઈ, અમે દંગ રહી ગયા. મેં જોયું કે તેમના ઘરની લાઈટ ચાલું હતી…હળવેથી પૂછ્યું. “આપે વિધ્યુત સપ્લાય માટે ચેરમેનશ્રીને ફોન કરેલ….તો શી મુશ્કેલી છે?” તેમણે તેમના ઘરના એટેન્ડેન્ટને ફ્રીઝ બતાવવા કહ્યું. મારી સાથે આવેલ ઈજનેર કહે..આતો ઘરના અંદરનો કોઈ ફોલ્ટ છે, તે તેમણે કરાવવાનો છે. આપણો સપ્લાય તો મીટર સુધી, બરાબર છે. …. ચાલો જઈએ પાછા.
હું ભલે નવો હતો, પણ જે ભારથી સુપરિન્ટેડન્ટ ઈજનેરનો ફોન હતો…તે પરથી લાગેલ કે સ્થાનિક ફરિયાદનો નિકાલ કરવો એ અગત્યનું કામ છે. મેં મારી સાથે આવેલા સ્ટાફ થકી ચેક કરી, સપ્લાય ફ્રીઝને ઓન કરી દીધું. અમને તેમણે બેસાડ્યા, આઈસક્રીમ આપ્યો. મેં તેમને પૂછ્યું, “આપે વડોદરા કેમ ફોન કર્યો? આતો લોકલ ઑફિસનું કામ છે.”
તેમણે કહ્યું કે, “મારે તો ફ્રીઝનો ઉપયોગ દવા વિગેરે માટે ખૂબ જ જરુરી છે…મારી પાસે ડાયરીમાં આ તમારા ચેરમેનશ્રીનો ફોન હતો..તેથી તે નંબર મને લગાવી આપ્યો ને મેં વાત કરી”..મેં તેમને કહ્યું, “હવે પછી આપ..આ બે નંબરે સિટી કે સબસ્ટેશને ફોન કરજો…અમે તાત્કાલિક આવી જઈશું.” સાચું કહું…ત્યાર બાદ મને અમારા સર્કલના ઈજનેરશ્રી ઓળખતા થઈ ગયા ને મને એક શીખ મળી..ફિલ્ડમાં કામ કરનારે સ્થાનિક આગેવાનો, સરપંચ કે સંસ્થાઓ જોડે, સામેથી ચાલી સંબંધો જાળવવા.
એ દિવસે, કેવી ભવ્યતા ભરી જીંદગીના એ સ્વામી, સર સી. એમ. ત્રિવેદીસાહેબને મળવાનું અને અનાયાસ મદદ કરવાનું મને સૌભાગ્ય મળ્યું!…આજે ફોટા જોઈ બોલાઈ જવાયું!——–લે. રમેશ પટેલ.
———
કવિ નાથાલાલ દવે
નિર્વ્યાજ એના સ્નેહની તે વાત ક્યમ કહેવી?
જિંદગી લાગે મધુર તે જીવવા જેવી.
યાદ
આજ સ્વપ્નામાં ફરી આવી છબી દિલદારની,
યાદ એ આપી ગઈ મુજને ભુલેલા પ્યારની.
જિંદગાનીના પરોઢે તું મળી’તી મહેરબાં!
બોલતાં આભે પરિન્દા, “ચાહવા જેવી જહાં,”
ને બજી ઊઠી સિતારી જિદ્દ કેરી કારમી — આજ
એ હતી પહેલી મહોબ્બત, એ ખુમારી, એ નશો,
ખુશનસીબીનો ભરાયેલો છલોછલ જામ શો!
ગુલશને જામી ગજબ મસ્તી ફૂલોના બ્હારની — આજ
ઊડવા આસમાન શું બુલબુલને પાંખો મળી,
સાંપડી ગુમરાહ દિલને પ્યાર કેરી રોશની;
ખીલતાં ગુલને મળી મીઠી નજર આફતાબની — આજ
એ દિન ગયા, દિલબર ગઈ, પલ્ટાઇ સારી જિંદગી,
મારી દોલતમાં રહી ગઈ યાદ ઘેલા પ્યારની,
યાદ એ પાગલ દિલોના બેફિકર ઈતબારની — આજ
—-
અર્પણ
પ્રિય એ વાચક! ઝીલો હાસ્ય કેરાં ફૂલ,
નર્મ મર્મ માણી થાજો મનથી પ્રફુલ્લ.
હસે તેનો વિશ્વ મહીં વિજય નિશ્ચિત,
સર્વ સંકટોને સ્મિત કરે પરાજિત.
——-
મામા, કવિ નાથાલાલ દવે કાવ્યસંગ્રહ ‘ઉપદ્રવ’ ૧૯૭૯
વિશેષ કોણ?
સહેજે અગર ન લઈ શકે, કશું ન દઈ શકું,
ન પ્રેમ કે નફરતની એક બુંદ દઈ શકું.
લેવાને મદદ આવે તો મને રુણી ગણું,
વિશ્વાસના વ્યવહારને સન્માન હું ગણું.
નફરત ભરેલ કોઈના હુંકાર, હુંપણું,
અસ્પર્શ છે, જો મન રહે નિસ્પૃહ આપણું.
હું એ જ છું, કોઈ કહે, પરબ એક પ્રેમનું,
કોઈ જતાવે… હોવું મારું, સાવ નકામું.
અજબની લેણ દેણ છે ઉપકાર ને સ્વીકાર,
વિશિષ્ટ કોણ બેઉમાં, લેનાર કે દેનાર?
—— સરયૂ પરીખ
જ્યાં સુધી લેનાર તમારી ભેટ ગ્રહણ ન કરે ત્યાં સુધી તમે ગમે તેટલાં ઉદાર હો તો પણ ન દઈ શકો. તમે પ્રેમ સભર હો પણ લેનારને તમારી કદર ન હોય તો તેને પ્રેમ દેખાય નહીં.
તેમ જ નફરત કોઈ ઉમદા દિલ સ્વીકારે નહીં, તો વ્યર્થ રહે છે.