Category Archives: યામિની વ્યાસ

“એકઝીટ…!!” – યામિની વ્યાસ – રજૂઆતઃ આર્જવી વ્યાસ

“એકઝીટ…!!”
મસમોટાં શોપિંગ મોલમાં પહેલી વાર ગઈ,
આમ તેમ નજર ફેંકતી એક ખૂણામાં પહોંચી,
જ્યાં હું હોમવર્ક કરતી
અને અહીં રેડીમેઇડ કર્ટનેઇન્સનાં પેકેટ્સની થપ્પી છે,
ત્યાં તો બારી હતી,
ત્યાં તડકાનો ટુકડો રોજ સવારે આવીને  બેસતો,
પપ્પા ત્યાં જ આરામ ખુરશી પર મોટ્ટેથી અખબાર વાંચતાં
ને
આખી દુનિયા જાણે બારીમાંથી કૂદી પડતી,
ને ચાનો કપ ટિપોઈ પર એમ ને એમ પડી રહેતો.
આ અહીં ઈમ્પોર્ટેડ ઓરીજીનલ હેરની વીગ્સ ગોઠવી છે,
ત્યાં નીચે બેસીને મમ્મી માથામાં મઘમઘતું તેલ નાખી કચકચાવીને ચોટલા ગુંથી દેતી..
ને..ત્યાં..
આર્ટીફીશીયલ ડેકોરેટીવ પ્લાન્ટ્સનાં કૂંડા ગોઠવ્યાં છે ત્યાં તુલસી ક્યારો હતો,શ્યામ તુલસી..
મમ્મી સવારે પાણી રેડી પ્રદક્ષિણા કરતી ત્યારે,
સામેનાં મંદિરની રાધેશ્યામની મૂર્તિ પણ મલકી ઊઠતી.
હા..બરાબર આ બાજુ હીંચકો, ત્યાં ચોક ને પેલી બાજુ ચોકડી..
ને વચ્ચે કોતરણીવાળો થાંભલો,
જેનાં પર અમે નાના નાના હાથથી થપ્પો રમતાં..
પેલી પરફ્યુમ્સની બોટલ્સ ગોઠવી છે,
 ત્યાં મધુમાલતીની વેલ હતી,
એની પાછળ અમે બહેનપણીઓ સાથે છૂપાતા,
હવે તો એ બહેનપણીઓ ક્યાં છૂપાઈ હશે?
ખેર..!
અરે આ ફ્લોરલ બેડશીટ્સ ગોઠવી છે ત્યાં તો દાદીની પથારી રહેતી,
પછી તો પથારીવશ દાદી ગઈ ને દાદીવશ પથારી રહી..!
મારી આંખ ડબડબી ઊઠી, ભાગી જવાનું મન થયું,
પીકલ્સનાં પેકેટ્સ પર નજર પડી..
હા..બરાબર અહીં જ તો,
મમ્મી અથાણું બનાવી બરણી ભરતી
ને અમારા ઘરનાં વરસો જૂના પથ્થરો લાલ લાલ થઈ જતાં.
હાથ લંબાવી એક  પેકેટ ઉપાડી,
બીલ પે કરી રીતસરની દોટ મૂકી,
વૉચમેને અટકાવી “મેમ બીલ?”
એણે Exitનો સિક્કો લગાવ્યો,
થયું, હવે કદી નહીં આવું.
ફરી ઉતાવળે પગ ઉપાડવા જાઉં છું ને
પાછળથી જાણે મમ્મી બોલી,
“બેટા, પાછી ક્યારે આવીશ? લે તારા માટે તાજા અથાણાની બરણી ભરી છે!”
અત્યારે જ્યાં આ મસમોટો મૉલ છે ત્યાં પહેલાં અમારું ઘર હતું.
અને હું Exitનાં ઝૂલતાં પાટિયાની નીચે ઊભી રહી ગઈ છું  વચ્ચોવચ્ચ..!
                                                              –    યામિની વ્યાસ
                                                                  (કાવ્ય સંગ્રહ: ‘સૂરજગીરી’ માંથી સાભાર)
ઓડિયો વીઝ્યુઅલ રજૂઆત: આર્જવી વ્યાસ

ઊંચાઈ – કાવ્યઃ યામિની વ્યાસ – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ઊંચાઈ

મને માન છે તિરંગા પર
અને હવે તારા પર પણ
કારણ
લીલો રંગ મને યાદ અપાવે આપણે સાથે વાવેલા લીલાછમ્મ સપનાઓ
સ્હેજ ઉપર નજર કરું તો
ખળખળ વહેતા ઝરણાનું અથડાતું સફેદ ફીણ,
જેમાં આપણે એકબીજા સાથે જીવનને વહેતું મૂકવાનો નિર્ણય કર્યો હતો.
ને એમાં વળી આકાશનાં નમણા
ભૂરા રંગે ઝૂકીને મ્હોર પણ મારી આપી હતી.
અને હવે તો આહાહાહા..મારા કેસરિયાનો કેસરિયો  મિજાજ..
બસ તન મનથી ન્યોછાવર થઈને ઓગળી જવાનો..
આનાથી વધુ ઊંચે ના જોઈ શકી
આંખો ઉલેચાઈને સ્થિર થઈ ગઈ..

આ ત્રણે રંગોમાં વીંટળાઈને તું સૂતો છે
મારી સેંથીના લાલ રંગમાં ભીંજાઈને!
માપી ન શકાય એટલી  ઊંચાઈ પર…

– યામિની વ્યાસ

કાવ્ય સંગ્રહ: સૂરજગીરી
પ્રકાશક: અનન્યા સીટી
રજૂઆત: ઘ્વનિ ત્રિવેદી

આભાર વહાલી ધ્વનિ

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

આ કાવ્ય વાંચતા આંખો ભીની ન થાય તો જ નવાઈ! સાચું કહું તો મને ઝવેરચંદ મેઘાણીનું અમર કાવ્ય, “રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે” ની યાદ આવી ગઈ. એ સમય હતો, આઝાદીની અમર લડતનો. એમાં શહીદ થનારા સુભષચંદ્ર બોઝની નેશનલ લીબરેશન આર્મી જેવા અનેક જૂટના, યુદ્ધ લડવાની કાયદેસરની તાલિમ પામેલાં હતાં, તો અનેક મારા-તમારા જેવા સામાન્ય જનો હતાં.  એ સમયે, આઝાદીની દુલ્હનને વરેલાં વીર સૈનિકો સાથે આમ જનતાએ પણ એ જંગમાં યા હોમ કરીને ઝંપલાવ્યું હતું. આજે પણ આપણે સતત, કોઈ ને કોઈ પ્રકારની આઝાદીની લડત”ને,  અનેકવિધ પ્રકારે લડતાં રહ્યાં છીએ, પણ હવે લડતનાં કારણો અને પ્રકારો બદલાઈ ચૂક્યા છે. કહેવાય છે ને કે,

“દુશ્મનો તો મર્દ છે, જે હોય સામી છાતીએ,
પીઠ પાછળ ઘા કરે એ દોસ્ત હોવા જોઈએ”

આ દેશનું આ કમભાગ્ય છે કે દોસ્ત તો દૂરની વાત છે, પણ અહીં ભાઈ-ભાઈ સમી જ પ્રજા અંદરોઅંદર, ક્યારેક ધર્મને નામે, ક્યારેક બે વિચારધારા વચ્ચેના માત્ર મતભેદ જ નહીં, હવે તો મનભેદને કારણે થતાં આંતરિક વિદ્રોહને નામે, ક્યારેક ‘અમીચંદ’ અને ‘જયચંદ’ સમા ઘરભેદુઓને કારણે તાકાતવર થતા વિદેશી પરિબળો સામે અને ક્યારેક દેશની સીમાઓ પર, આઝાદીની આ લડાઈ હજુ સતત ચાલ્યા કરે છે. હા, પણ સમરાંગણ- લડાઈનું કુરુક્ષેત્ર હવે બદલાઈ ચૂક્યું છે, બસ, જે નથી બદલાયું તે આ કુરુક્ષેત્રથી પાછી ઘર તરફ વળતી “રક્ત ટપકતી સો સો ઝોળી,” જે, હવે ત્રિરંગામાં લપેટાઈને પાછી આવે છે! એની અંદર વીંટળાઈને કોઈનો લાડકવાયો સૂતો છે, જે કોઈનો સાહ્યેબો છે. એની સાથે કોડભરેલી પ્રિયા સમી પત્ની અને પત્ની સમી પ્રિયાએ લીલાછમ સપનાંના વાવેતર કર્યાં છે.  બેઉએ મનોમન, હાથમાં હાથ લઈને, પર્વત પરથી શ્વેત ફેનરાશિ લઈને ખળખળ વહેતાં આ ઝરણાં જેવું સતત વહેતું નિર્મળ જીવન જીવવાના અને એ સપનાંના ખેતરોમાં ઊગેલી લીલોતરીનો આસવના ઘૂંટ પીતાં, પીતાં સાયુજ્ય માણવાનાં ઓરતા હતાં. નજર જેટલી ઊંચે જઈ શકે તેટલી ઊંચાઈથી ઝૂકેલા નીલા અંબરે આશીર્વાદ રૂપી આછા ભૂરા રંગના મંદારપુષ્પોની વૃષ્ટિ કરીને અલૌકિક સ્વીકૃતિ પણ આપી દીધી હતી.

પણ, માતૃભૂમિની રક્ષા કાજે એનો કેસરિયો, આજે કેસરિયા કરીને, એક વીર લડવૈયાને છાજે એવું વીર મૃત્યુ પામીને પાછો આવ્યો છે. આ કેસરી રંગની આભા તો પેલા ભૂરા આકાશની પેલે પાર સુધી પથરાઈ ગઈ છે, જ્યાં સુધી આંખો નિહાળી શકે ત્યાં સુધી અને એની આગળ પણ .. ન જાણે કેટલે ઉપર બ્રહ્માંડ સમસ્તમાં પહોંચશે! હવે તો એવું લાગે છે કે આ નભ પણ એના કેસરિયાના ચરણોમાં જાણે ઝૂકી ગયું છે!

દેશની, વતનની લાજ રાખવા હસતા મોઢે એણે તો જીવ આપી દીધો! જિંદગી જીવવા માટેના સપનાંનો લીલો રંગ, વહેતા ઝરણાંના ફેનરાશિની શુભ્રતાથી સજાવેલ જીવનનું વહેણ અને મૃત્યુની કેસરિયા આભાની પાવનતા- આ ત્રણે રંગોમાં વીંટળાઈને એ સૂતો છે, પણ પ્રિયા સમી પત્નીના લાલ સિંદૂરનો રંગ અને એના આંસુનો અભિષેક એના પાર્થિવ શરીર પર વેરાય છે.. અને એમાં ભીંજાય છે, આ ત્રિરંગાની અંદર રહેલો દેહ, જેની અંદરનો પ્રાણ, હવે તો આ ખોળિયું છોડીને, બ્રહ્મસ્થ થઈને, જીવનને સાર્થક કરીને, આંબી ન શકાય એવી ઊંચાઈ પર પહોંચી ગયો છે.

“મારી સેંથીના લાલ રંગમાં ભીંજાઈને!
માપી ન શકાય એટલી ઊંચાઈ પર…”

મા-ભોમ કાજે પ્રાણ હસતા હસતા ત્યાગી દેનારા યોદ્ધાને મારનારાઓ, તમે એટલું સાંભળી લેજો કે એ વીર લડતાં લડતા હેઠે પડ્યો છે પણ,

“કભી તો સોચ કિ વો શખ્સ કિસ કદર થા બુલંદ,
જો ઝૂક ગયા તેરે કદમોમેં આસમાં કિ તરહ!”

આ કાવ્ય પ્રણય કાવ્ય જ નથી પણ દેશભક્તિ, કર્તવ્ય અને શૃંગારનો અદભૂત સમન્વય છે, જેમાં લાગણી છે પણ લાગણીવેડા નથી, દેશભક્તિ છે, દેશ માટે મરી ફિટવાનો સંકલ્પ પણ છે અને શક્તિ પણ છે. ક્યાંય એકેય તત્વનો અતિરેક નથી થયો. આવા મિશ્ભવના કાવ્યમાં જે સમભાવ હોવો જોઈએ, ને જ્યાં જે ભાવ ઉજાગર થવો જોઈએ, એને કવયિત્રીએ કલાત્મકતાથી અને સહજતાથી સાચવ્યો છે. પણ, એ સાથે કાવ્યના ઊંડાણને જરાયે આંચ આવવા નથી દીધી. આથી જ આ કાવ્ય ભાવવિશ્વને ઝંકૃત કરી જાય છે. આ કવયિત્રીની સિદ્ધહસ્ત કલમનો કમાલ છે.

બહેન ધ્વનિ ત્રિવેદીએ કાવ્યની ગહનતાને એમના અવાજમાં યોગ્ય આરોહ-અવરોહ સાથે જાળવી છે એ બદલ એમને ખાસ અભિનંદન.

ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક પર ક્લીક કરોઃ

https://youtu.be/wEsgh_lNPxE

Attachments area

Preview YouTube video કાવ્ય:ઊંચાઈ:યામિની વ્યાસ રજૂઆત:સુશ્રી ઘ્વનિ ત્રિવેદી

 કાવ્ય:ઊંચાઈ:યામિની વ્યાસ રજૂઆત:સુશ્રી ઘ્વનિ ત્રિવેદી

બે કાવ્યો – યામિની વ્યાસ – “આવર્તન” કાવ્ય આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

કાવ્ય  ૧ –  “આવર્તન “‘ -વાચિકમ: યશ્વી સ્માર્ત

“આવર્તન “‘હેં મા આવર્તન એટલે શું ?”
“આવર્તન એટલે ફરી ફરીને પાછું આવે એ ….”
“રોજ વહેલા ઉઠવાનું – સ્કૂલ – હોમવર્ક…”
“હા…હા… એટલે જ કહું છું…જલ્દી કર… કશું અધૂરું નહિ મુકવાનું…”
દુનિયા આવર્તન પર ચાલે.
રસોઈ, રિવાજ, ફેશન બધું એનું એજ
ફરી ફરી ને નવા રૂપરંગ સાથે
વિજ્ઞાન કે કુદરત આવર્તન પર જ ચાલે
ખળખળ ઉછળતો સાગર તપે વરસાદ આવે
ખડખડ હસતી દીકરી મલકે માસિક આવે”
“તો મા આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનું એજ ફરી થોડું આવે ?”
“હેં…હા…પણ કોઈનો જીવ બચાવતા આપણને શેર લોહી ચઢે એ આવર્તન જ કહેવાય”
“નાની ગુડ્ડુની પથારીમાં પ્લાસ્ટિક અને બાજુવાળા દાદાની પથારીમાં પ્લાસ્ટિક…!”
“હા…આવર્તન કહી શકાય.”

આવા આવર્તનના પાઠ શીખવતી મા મારી રાહ જોતી
…કદી મને સહેજ પણ આવતા મોડું થતું તો…
મા ની નજરમાં સર્જાતું પ્રતીક્ષાનું આવર્તન
પછી એ દીવો ધારતી
જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી
અને સર્જાતું પ્રકાશનું આવર્તન
એ મા ના ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી
પછી મા નો હાથ પકડી એના પ્રિય હીંચકે દોડી જતી
અને રચાતું વહાલનું આવર્તન

મારા નાના પગની ઠેસે મોટું આવર્તન અને
માના મોટા પગની ઠેસે નાનું આવર્તન
એનાથી ઉલ્ટું થતું તો અમે ખૂબ હસતાં
આમ હસતાં હસતાં એક દિવસ મા ના પગ ની ઠેસે હીંચકો ઉપર ગયો…ગયો…ગયો…
પણ…પાછો ન આવ્યો…!

મા, આવર્તન પૂરું કરવાનું હોય !
તારું આ વર્તન જરાય ના ગમ્યું મા…!

હવે કેટલા દીવા ધારું ??

  • યામિની વ્યાસ (કાવ્યસંગ્રહસૂરજગીરી” ના સૌજન્યથી, સાભાર)

 ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો

https://www.youtube.com/watch?v=JiJ-E2sNV0E

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટઃ

કુદરત આખી એક નિશ્વિત Frequency – એક ચોક્કસ સમયના અંતરમાં એની એ ગતિના વારંવાર થતી પુનરાવર્તનની ધરી પર ચાલ્યા જ કરે છે. આ જ આવર્તનોની વચ્ચેના ગાળામાં જીવાય છે તે જ કદાચ જીવન છે. પણ અહીં જ્યારે આવર્તનમાં બદલાવ આવે છે ત્યારે શું થાય છે? આ કલ્પનામાં રાચવા કરતાં આ આવર્તનોની મોજ માણી લેવી જોઈએ. આવર્તન અને પરિવર્તન વચ્ચે ક્યારેક મૂંઝવણ ઊભી થઈ જાય છે અને તે સમયે એક Confusion – વૈચારિક ગૂંચવણનું એક પ્લેટફોર્મ જન્મે છે. આ વૈચારિક ગૂંચવાડાના પ્લેટફોર્મ પરથી ટ્રેન, “અગતિગમન”ના સ્ટેશન તરફ આગળ વધે છે. આવર્તનની ચોક્કસ ગતિ ઓચિંતી ખોરંભાઈ જતાં, એ સ્થળ પરથી પાછા ફરવું અને એની એ જ ગતિનું પુનરાવર્તન થવું અસંભવ છે. અગતિગમનના સ્ટેશન પરથી આગળ, અન્ય આવર્તનો તરફ પ્રયાણ કરવું જ પડે છે. આવી સ્થિતિમાં એક જ સમજણ પડે છે કે મનુષ્ય માત્ર આવર્તનનો આનંદ, એ થતાં હોય ત્યાં સુધી માણે અને પછી પણ સુમધુર યાદોને મનમાં વાગોળીને માણ્યા કરે, એટલું જ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવનના કોઈ પણ તબક્કામાં થયેલા આવર્તનના ભંગાણને અને એ પછીની ગતિવિધીને સ્વકારી લઈને, અન્ય તબક્કાના અવર્તનોને માણતાં માણતાં આગળ વધવું, જીવવું, પણ, “જો કમી થી જીવન મેં, વો કમી તો રહેગી” એ તથ્યને સ્વીકારી લેવું.

જીવનની સહજ ગતિ કાયમ આનંદ અને સલામતી તરફની છે પણ ગતિ અવરોધ થતાં આનંદ અને સલામતી ખોરવાય છે એ જિંદગીની કડવી સચ્ચાઈ પણ છે. આ કડવી સચ્ચાઈમાંથી, આંસુ સાથે ફરિયાદ પણ નીકળે છે.  આ કાવ્યમાં કવયિત્રી બહેનશ્રી યામિનીએ એક પુત્રીને પડેલી એની માતાની ખોટ અને એમાંથી નિષ્પન્ન થતી અસહ્ય વેદનાને વાચા આપી છે પણ એની સાથે, કુદરતના આવર્તનોનો સ્વીકાર કર્યો છે. પણ, પુત્રી એની સામે પોતાનો વિરોધ અને અણગમો મા ને ઉદ્દેશીને નોંધાવે છે. સાચા અર્થમાં તો આ અણગમો મા ના “કાઉન્ટર પાર્ટ” એવા ઈશ્વર સામે દર્જ થયેલો છે. કાવ્યનો વિકાસ વાતચીત અને રમત રમતાં થયો છે પણ આમ હસતાં રમતાં કવિ જ્યારે આ પંક્તિઓ કહે છે ત્યારે આ “ડિવાઈન કનેક્શન” – દિવ્યતાનો ઉઘાડ અનાયસે ભાવકના મનોવિશ્વમાં થઈ જાય છેઃ

“….પછી એ દીવો ધારતી
જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી
અને સર્જાતું પ્રકાશનું આવર્તન
એ મા ના ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી “

દીવા માનવાની અને એની જ્યોતિની વાત એટલી સહજતાથી મૂકાઈ છે કે એ વાંચતાં જ શ્રદ્ધાનો ઉદભવ મનમાં અનાયસે થાય છે. અહીંથી આ કાવ્યનું સ્તર ઊંચકાય છે અને કાવ્ય આપણને સાથે લઈને અનંતતાની યાત્રાએ નીકળી પડે છે,

પુત્રીની અસહાયતા અને પુત્રીના આંસુ ભાવકના મનને ભીંજવી જાય છે, તે સાથે જ, કવયિત્રીના શબ્દો દ્વારા પથરાતો પ્રકાશ, વાચકના અંતરને અજવાળી જાય છે.  બહેન યશ્વી સ્માર્તનું પઠન – વાચિકમ, એમના અવાજના આરોહ-અવરોહ થકી, કવિતાને એની યોગ્ય ઊંચાઈને આંબવામાં હાથોહાથ ફાળો આપે છે. બહેનશ્રી યામિની અને યશ્વીને ખૂબ ખૂબ અભિનંદન.

 

કાવ્ય ૨ઃ   “જળની સામે”

ગીત:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:નમ્રતા શોધન એડિટ:કેવલ ઉપાધ્યાય

જળની સામે કમળ મૂકીને, ફૂલની સામે મહેક મૂકીને
તારી આંખે વસી ગઈ લે, લાખ કરોડો ટેક મૂકીને
પાન આ લીલું જોયું તો હું હરખાઈ ગઈ છું કેમ પૂછી લે,
કાંઠા તો શું નદી જોઈ છલકાઈ ગઈ છું કેમ પૂછી લે,
પળની સામે પ્રેમ મૂકીને આંખે સપનું એક મૂકીને..
તારી આંખે…

હૈયું ડોલ્યું, જંતર વાગ્યું, તારા બે-ત્રણ મીઠાં બોલે,
આજ હવે લાગે છે મુજને કોઈ નહીં બસ તારી તોલે,
મેઘની સામે મોર મૂકીને, મોરની સામે ગહેક મૂકીને..
તારી આંખે…

  • યામિની વ્યાસ

ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો

https://www.youtube.com/watch?v=H5n46WcsXn8

 

મૂંઝવણ – યામિની વ્યાસ – આસ્વાદઃ જયશ્રી મરચંટ

મૂંઝવણ

દરિયામાં
પડું પડું થતાં સૂરજને
મેં મારી નજરથી ટેકવી રાખેલો..
તું આવે ત્યાં સુધી…..

ને પછી,

મારી આંખ જ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું?!!

  • યામિની વ્યાસ

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

એક જીવનમાં કેટકેટલી લાગણીઓના ઊંડા સમુદ્રોમાં માણસે માત્ર પગ નહીં, પણ પગથી માથા સુધી જાત આખી ડૂબાડીને જીવતાં રહેવાનું છે! જિંદગીમાં ઉષ્માસભર સવાર માણી છે, બપોરના ધોમધખતા તડકાને પણ હસતાં, હસતાં જીરવી ગયાં કારણ કે સાથે પ્રિયપાત્ર હતું. હવે જીવનની ઢળતી સંધ્યાએ, આંખે કંકુના સૂરજ આથમવા આવ્યા છે. પ્રિયજન સાથે નથી. અને, કદાચ સાથે કદી પાછાં આવશે પણ નહીં, છતાં જીવનની સંધ્યાએ આથમતા સૂરજને, નજરની અમીટ આશના પાશમાં જકડી રાખીને, ડૂબવા નથી દીધો. માત્ર ને માત્ર, ‘કંઈક ચમત્કાર કદાચ થઈ જાય અને તેઓ આવી પણ જાય ઈચ્છાબળને કારણે બન્યું છે. “ચમત્કારમાં પણ થાય ચમત્કાર એવું પણ બને!” પણ જિંદગીમાં ખરેખર તો એવું ક્યાં થવાનું છે? પ્રિયતમ આવતો નથી અને હવે કવયિત્રી એક અદભૂત કાવ્યમયતા સભર શબ્દસૃષ્ટિ રચે છે;

ને પછી,
મારી આંખ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું?!!”

સૂરજનું ડૂબવાનું નક્કી છે. અહીં, પંક્તિઓ વાંચીને, આત્મસાત કરીને જરા આંખો બંધ કરો તો દેખાશે, જીવતરની સમી સાંજનો સમય, જિંદગીના સાગરતટે, સંધ્યાની લાલિમા ફેલાવીને ડૂબવાની રાહ જોતો પ્રાણરૂપી સૂરજ, જેને રાહ જોતી આંખોની તરસમાં જકડીને રાખ્યો છે. રાહ જોવાયા કરે છે, પ્રિયતમ આવતા નથી, આંસુનો દરિયો હવે આંખોમાંથી વહેવા માંડે છેપ્રાણરૂપી સૂરજને એના નિશ્ચિત સમયે ડૂબવાનું તો છે , પણ એને હવે મૂંઝવણ થાય છે કે ક્યાં જઈને ડૂબે? આંખોમાંથી વહેતા સાત સમંદર મહીં કે પછી ક્ષિતિજ સુધી વિસ્તરેલી, સૂની, શુષ્ક, ડગરના ઝાંઝવામાં? શબ્દચિત્ર આખેઆખું તાદ્રશ થતાં વાચકની આંખોમાં આછા પાણી આવે તો નવાઈ! કવયિત્રીના શબ્દોનો ચમત્કાર છે. બહેન યામિનીબેનનીમૂંઝવણભાવકના દિલની મૂક મૂંઝવણને વાચા આપી જાય છે.

યામિની વ્યાસ – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(યામિનીબેન વ્યાસના કાવ્યસંગ્રહ, “સૂરજગીરી” ની ઈ-બુક હાથમાં આવી ને એ સાથે એક જ બેઠકે વાંચી ગઈ. કોઈ કાવ્ય સંગ્રહ એકવાર તો માત્ર ચાખી શકાય, પણ માણવા માટે તો એક એક કરીને જ દરેક કવિતાને આત્મસાત કરવી પડે. યામિનીબેનની કવિતાઓને વાંચતા એક વાત ઊડીને આંખે વળગી કે સરળતા અને સહજતામાં, ગહનતા પ્રચ્છન રીતે, કવિતાના પ્રવાહમાં વહેતીવહેતી આવે છે અને વાચકોને ભીનાશમાં તરબતર કરી નાંખે છે. આવતા ગુરુવારે યામિનીબેનના સૂરજગીરીના બે કાવ્યોનો આસ્વાદ મૂકીશું. પણ, યામિનીબેન આંગણું માટે ઘરનાં છે, નવાં નથી. આજે સ્વ. વડીલબંધુ દાવડાભાઈએ એમનો અને એમની એક ગઝલનો આસ્વાદ કરાવ્યો હતો ૨૦૧૭માં, તેને, એમને સ્મરીને અહીં ફરી પોસ્ટ કરી રહી છું અને યામિનીબેનનું “દાવડાનું આંગણું”માં ફરી સ્વાગત કરી રહી છું.  યામિનીબેન, આવતા ગુરુવારે ફરી આપના કાવ્યોનો આસ્વાદ મૂકીશું. માનનીય વડીલ, મુરબ્બી પ્રજ્ઞાબેનનો આભાર કે એમણે આ લેખને મોકલ્યો. વાચક્મિત્રો, આ દાવડાભાઈનું લખાણ વાંચીને માત્ર એટલું જ કહું છું કે, “ભાઈ, તમારી કમી સાલે છે.’)

Continue reading યામિની વ્યાસ – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ