Category Archives: ભાષાને શું વળગે ભૂર (૩૮)

ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર

ગુજરાતીમાં લટકણિયાં

બાબુ સુથાર

ગુજરાતી ભાષામાં લટકણિયાંના સંદર્ભમાં પણ ઠીક ઠીક ગેરમસજ પ્રવર્તે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ વાક્યના આરંભમાં આવતા ‘તો’ને પણ લટકણિયું ગણતા હોય છે. દા.ત. આ વાક્ય જુઓ: (૧) ‘તો તમે કાલે આવશોને?’ અહીં વાક્યના આરંભમાં આવતો ‘તો’ લટકણિયું નથી.

Continue reading ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર? – (૪૪) – બાબુ સુથાર

ગુજરાતીમાં Pro-Sentences
બાબુ સુથાર

જેમ નામની જગ્યાએ આપણે સર્વનામ વાપરી શકીએ એમ વાક્યની જગ્યાએ સર્વ-વાક્ય (Pro-Sentence) વાપરી શકીએ ખરા? કોઈને આ પ્રશ્ન વિચિત્ર લાગશે. એને થશે કે ભાષામાં સર્વનામ હોઈ શકે પણ સર્વ-વાક્ય તો કઈ રીતે હોય? પણ, જો આપણે સર્વનામની વ્યાખ્યા પ્રમાણે જઈએ તો આપણને આપણી ભાષામાં, એટલે કે ગુજરાતીમાં પણ, નામની જગ્યાએ વપરાતા કેટલાક શબ્દો જોવા મળશે. જો એમ હોય તો એ શબ્દોને આપણે સર્વ-વાક્ય (Pro-Sentences) કહી શકીએ ખરા? દાખલા તરીકે નીચેનો સંવાદ લો:

મહેશ: તું મારી સાથે આવે છે?
મીના: ના.

લીલા: રમેશ, તેં કરી ખાધી?
રમેશ: હા.

અહીં, ‘ના’ અને ‘હા’ શબ્દો હકીકતમાં તો અનુક્રમે ‘હું તારી/તમારી સાથે આવતી નથી’ અને ‘મેં કેરી ખાધી છે’ જેવાં વાક્યોની અવેજીમાં વપરાયા છે. જેમ, ‘રમેશ જાગ્યો અને પછી એ સીધા જ રસોડામાં ગયો’ માં આવતો ‘એ’ ‘રમેશ’ માટે વપરાયો છે બરાબર એમ જ.
મેં આ અગાઉ પણ લખેલું કે જેમ જેમ ભાષાવિજ્ઞાનનો વિકાસ થતો ગયો એમ એમ આપણી વ્યાકરણમૂલક કોટિઓ વિષેની સમજ પણ બદલાતી ગઈ. એને પગલે કેટલીક કોટિઓ કાળગ્રસ્ત થઈ ગઈ, કેટલીક નવી ઉમેરાઈ, કેટલીક વિભાજિત પણ થઈ. એટલું જ નહીં, જે નવી ઉમેરાઈ એમાંની કેટલીક તો સિદ્ધાન્તજીવી હતી. અર્થાત્, એ, જે તે ભાષાસિદ્ધાન્તની નીપજ હતી. એવી કોટિઓની કલ્પના કર્યા વગર એ ભાષા સિદ્ધાન્ત બરાબર કામ કરે જ નહીં. જો કે, સર્વ-વાક્ય કોઈ સિદ્ધાન્તજીવી કોટિ નથી. આ કોટિ હકીકતમાં તો આપણા નિરીક્ષણની નીપજ છે. આપણે કદાચ હવે ‘હા’ અને ‘ના’ ને આ રીતે જોતા થયા છીએ. એ પહેલાં એ કેવળ હકારવાચક અને નકારવાચક શબ્દો જ હતા.
જો કે, આપણને અહીં બે પ્રશ્નો થશે. સૌથી પહેલો પ્રશ્ન તે એ કે તો પછી શબ્દકોશમાં ‘હા’ અને ‘ના’ ને વ્યાકરણની કઈ કોટિમાં મૂકવા જોઈએ? અને બીજો પ્રશ્ન: શું આપણે કાયમ વાક્યની જગ્યાએ કેવળ ‘હા’ કે ‘ના’ વાપરીએ છીએ. દાખલા તરીકે નીચેના ઉદાહરણો જુઓ:

મહેશ: તું મારી સાથે આવે છે?
મીના: ના. નથી આવતો.

લીલા: રમેશ, તેં કરી ખાધી?
રમેશ: હા. ખાધી છે.

ઉપરનાં બન્ને ઉદાહરણોમાં ક્રિયાપદ વાપરવાથી કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં આપણી પાસે બે વિકલ્પો છે. સર્વ-વાક્યો વાપરવાનો અથવા નહીં વાપરવાનો. ભાષકો આમાંથી કયો વિકલ્પ વધારે પસંદ કરે છે એ એક તપાસનો વિષય છે.
જો કે, મેડ્રિયન ચીની ભાષામાં જરા જુદા જ પ્રકારની પરિસ્થિતિ છે. એમાં જો આપણો જવાબ હકારમાં હોય તો ક્રિયાપદ નહીં વાપરવાનું. પણ, જો નકારમાં હોય તો વિકલ્પે ક્રિયાપદ વાપરી શકાય. Paul Schachter અને Timothy Shopen એમના ખૂબ જાણીતા એવા Parts-of-speech systems નામના લેખમાં આવું ઉદાહરણ આપે છે:

Ni qu ma? Qu/Bu(qu)
you go Q go/not (go)
‘Are you going?’ ‘yes’/‘no’

પણ, આપણે એક વાત ભૂલવાની નથી કે આ પ્રકારનાં સર્વ-વાક્ય કેવળ હા/ના પ્રશ્નાર્થવાચક વાક્યોના જવાબ આપવા માટે જ વપરાય. ભાષાશાસ્ત્રીઓ એવાં વાક્યોને polar sentences તરીકે ઓળખાવે છે.
એમ છતાં, આ ‘હા’ અને ‘ના’નું વ્યાકરણ પણ આપણને લાગે છે એટલું સરળ તો નથી જ. જો કે, આપણે એમને એટલી સહજતાથી આત્મસાત કરેલાં હોય છે કે આપણે ભાગ્યે જ એમના સંકુલ કહી શકાય એવા વર્તનની નોંધ લેતા હોઈએ છીએ. દાખલા તરીકે આ વાક્ય જુઓ:

મીના: રમેશે કહ્યું ખરું કે કાલે મોહન આવશે?
લીલા: ના, નથી કહ્યું.

આપણા માટે પ્રશ્ન એ છે અહીં ‘ના’ શબ્દ કયા વાક્યની અવેજીમાં વાપરવામાં આવ્યો છે? આપણે એમ કહી શકીએ કે ના, રમેશે નહીં પણ મહેશે કહ્યું છે? એ જ રીતે, આપણે એમ કહી શકીએ ખરા કે ના, રમેશે એમ કહ્યું કે મોહન પરમદિવસે આવશે. કાલે નહીં? એ જ રીતે, આપણે એમ પણ કહી શકીએ કે ના, રમેશે એમ કહ્યું છે કે કાલે મહેશ આવશે, મોહન નહીં. એમ છતાં આપણને આ પ્રકારનાં વાક્યોમાં રહેલી સંદિગ્ધતા ખાસ નડતી નથી. જો કે, રમૂજી ટૂચકાઓમાં ક્યારેક આવી સંદિગ્ધતાનો લાભ લેવામાં આવતો હોય છે ખરો.
એ જ રીતે, આ ઉદાહરણ જુઓ:

મોહન: લીલા કાલે આવશે?
મીના: હા. {આવશે}

અહીં ‘હા’ Pro-Sentence તરીકે સ્વીકાર્ય છે. પણ હવે આ જ ઉદાહરણને આ રીતે જુઓ:

મોહન: લીલા કાલે આવશે કે?
મીના: હા, આવશે.

અહીં, ‘આવશે’ ક્રિયાપદ ફરજિયાત છે. જો કે, એની સામે છેડે, ‘હા’ ન વાપરીએ તો ચાલે. અર્થાત્, અહીં ‘હા’ વિકલ્પે વપરાયો છે.
આવું જ એક બીજું રસ પડે એવું ઉદાહરણ છે. ભાષાશાસ્ત્રીઓ વાક્યોના પ્રકારો પાડતી વખતે ઘણી વાર અસ્તિત્વમૂલક વાક્યોની વાત કરતા હોય છે. જેમ કે, ‘આ રમેશ છે?’ આ વાક્યનો જવાબ ‘હા’ કે ‘ના’ હોઈ શકે. પણ, આપણે ભાગ્યે જ ‘હા છે’ એમ કહીશું. દાખલા તરીકે:

મીના: આ રમેશ છે?
ગીતા: હા/ના.

પણ, આપણે આમ ભાગ્યે જ કહીશું:
મીના: આ રમેશ છે?
ગીતા: હા છે/ના નથી.

હવે નીચેના વાક્યો લો:

મીના: રમેશ ઘેર છે?
ગીતા: હા/ના. અથવા હા છે/ના નથી.

ઉપરના ઉદાહરણોમાં ‘હા’ કે ‘ના’ અથવા તો ‘હા છે’ અને ‘ના નથી’ બન્ને સ્વીકાર્ય છે. કોઈ કહેશે કે ‘આ રમેશ છે’ જેવાં confirmation વાક્યોના જવાબમાં ‘હા’ કે ‘ના’ વાપરી શકાય. પણ કદાચ એ જવાબ પણ બિલકુલ સાચો નથી લાગતો. દાખલા તરીકે આ ઉદાહરણ લો:

મીના: આજે ગરમી છે?
લીલા: હા/ના અથવા હા છે/ના નથી.

અહીં પણ confirmation વાક્ય છે તો પણ બન્ને જવાબ શક્ય બને છે. આ ભેદને કદાચ દર્શક સર્વનામ સાથે કોઈ સંબંધ હશે ખરો કે? આ એક તપાસનો વિષય છે.
જો આ પ્રમાણે જ જઈએ તો કદાચ ગુજરાતીમાં આપણને બીજાં પણ સર્વ-વાક્યો મળી રહે. દાખલા તરીકે આ સંવાદ લો:

મીના: વાદળો ઘેરાયાં છે. વરસાદ આવશે.
બીના: મને પણ એવું લાગે છે.

શું અહીં ‘એવું’ pro-sentence તરીકે કામ કરે છે? કે પછી એ એક પદની અવેજીમાં વપરાયું છે? ભાષાશાસ્ત્રીઓ કહેશે કે આ શબ્દ તો અહીં પદની (phrase) અવેજીમાં વપરાયો છે. જો એમ હોય તો જેમ સર્વનામ, સર્વ-વાક્ય એમ સર્વ-પદ પણ હોય કે નહીં? ગુજરાતીમાં ‘એવું’ની જેમ ‘એમ’ પણ વપરાય છે. દા.ત. આ સંવાદ જુઓ:

રમેશ: કોરોના વાયરસ જશે નહીં.
મોહન: મને પણ એમ લાગે છે.

કેટલાક ભાષાશાસ્ત્રીઓ આ જ રીતે, pro-verbs (સર્વ-ક્રિયાપદ?), pro-adjectives (સર્વ-વિશેષણ), interrogative pro-forms અને pro-adverbsની (સર્વ-ક્રિયાવિશેષણ) પણ વાત કરે છે. પણ, ગુજરાતીમાં એવી કોઈ સ્વતંત્ર વ્યાકરણમૂલક કોટિઓ છે કે નહીં એની તપાસ કરવાનું હું વાચકો પર છોડી દઉં છું. આખરે ભાષા એક વ્યવસ્થા છે. એમાં કશું પણ અસ્તવ્યસ્ત નથી હોતું અને માનો કે ક્યારેક હોય પણ તો ભાષાશાસ્ત્રીઓ એના ખુલાસા શોધવાના પ્રયાસો કરતા હોય છે. ભાષામાં રસ ધરાવતી દરેક વ્યક્તિએ કાન સરવા રાખવા પડે. લોકો કંઈક બોલે અને એમાં કશુંક unusual હોય તો એ તરત જ એ વ્યક્તિના ચિત્તમાં આવેલી પ્રયોગશાળામાં જતું રહેવું જોઈએ. એ વિના ભાષા પર કામ કરવાનું અઘરું બની જાય.