Category Archives: બાબુ સુથાર

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

ડો. બાબુ સુથાર જેવા વિદ્વાન ભાષાશાસ્ત્રી અને સાહિત્યકાર પાસેથી એમની આત્મકથા “મને હજી યાદ છે” અને ગુજરાતી ભાષાના વ્યાકરણ-વિજ્ઞાનનું જ્ઞાન કરાવતી સીરીઝ, “ભાષાને શું વળગે ભૂર” મળી, એ “દાવડાનું આંગણું”નું સૌભાગ્ય છે. ગયા અઠવાડિયે “ભાષાને શું વળગે ભૂર” નો છેલ્લો હપ્તો હતો.

આજે એમની વિદ્વતાસભર કલમ આપણને વિશ્વ સાહિત્યના વાર્તા જગતના બગીચામાં ટહેલવા લઈ જાય છે. એમણે નીચેના લેખમાં કહ્યું છે તેમ, કોપીરાઈટના કારણે વાર્તાઓના ભાષાંતર કરવા શક્ય નથી પણ રસાસ્વાદ તો જરૂર કરાવી શકાય. તો આવો, આપણે આજથી આ નવી પ્રારંભ થતી સિરીઝ, “વાર્તા રે વાર્તા” ના શ્રી ગણેશ કરીએ. બાબુભાઈ, આપને “આંગણું” અને એના વાચકો વતી વંદન કરું છું અને આટલો સમય ફાળવીને આટલા સુંદર રત્નોની ગુજરાતી ભાષાને ભેટ આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજથી શરૂ કરીને જ્યાં સુધી બાબુભાઈ થાકે નહીં ત્યાં સુધી, દર શુક્રવારે, આપણે આ “વારતા રે વારતા” માં રજુ થનારા, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ, એમની તાકતવર અને અભ્યાસુ કલમ થકી માણવાનું વાચક મિત્રો, રખે ને ચૂકી જતાં! આજનો પહેલો હપ્તો, આપણને વિશ્વ સાહિત્યની વાર્તાઓના ખજાનાને ‘ખૂલ જા સીમસીમ” કહીને દરવાજા ખોલી આપે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાબુભાઈ.

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

વાર્તાલેખકોને બોલાનોની સલાહ

બાબુ સુથાર

ચીલીના લેખક રોબર્તો બોલાનોએ (Roberto Bolano) Advice on the Art of Writing Short Stories નામનો એક સરસ લખ્યો છે. એમાં એમણે વાર્તાલેખકોને બાર સલાહો આપી છે. જો કે, આ સલાહો આપતી વખતે એમણે લેટિન અમેરિકન ભાષાના લેખકોને ધ્યાનમાં રાખ્યા છે. એમ છતાં મને એવું લાગે છે કે એમની ઘણી બધી સલાહ આપણને પણ કામ લાગે એવી છે.

Continue reading “વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર

ગુજરાતીમાં લટકણિયાં

બાબુ સુથાર

ગુજરાતી ભાષામાં લટકણિયાંના સંદર્ભમાં પણ ઠીક ઠીક ગેરમસજ પ્રવર્તે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ વાક્યના આરંભમાં આવતા ‘તો’ને પણ લટકણિયું ગણતા હોય છે. દા.ત. આ વાક્ય જુઓ: (૧) ‘તો તમે કાલે આવશોને?’ અહીં વાક્યના આરંભમાં આવતો ‘તો’ લટકણિયું નથી.

Continue reading ભાષાને શું વળગે ભૂર -૪૮) -બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર? – (૪૭) બાબુ સુથાર

શું ભાષાઓ મરે ખરી? – બાબુ સુથાર

ઘણા લોકો કહે છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. એની સામે કેટલાક લોકો એમ પણ કહે છે કે ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. ભાષા તો વહેતી નદી જેવી છે. એ સતત બદલાયા કરશે પણ મરશે નહીં. જો કે, આવી દલીલો કરતા લોકો એક વાત ભૂલી જાય છે કે સરસ્વતી પણ એક નદી હતી અને એ પણ એક જમાનામાં સતત વહેતી હતી. અત્યારે એ નદી કેવળ પુરાણોમાં ને દંતકથાઓમાં જ મળી આવે છે. જો કે, આપણા માટે સવાલ એ છે કે ભાષાઓ મરે ખરી?

Continue reading ભાષાને શું વળગે ભૂર? – (૪૭) બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ગુજરાતી સંખ્યાવાચકો

બાબુ સુથાર

વિશેષણોની વાત કરતી વખતે આપણે એક, બે, સવા, સો જેવા સંખ્યાવાચકોની પણ વાત કરેલી. આપણે એમણે વિશેષણોની કોટીમાં મૂકેલા. પણ હવે એક પ્રશ્ન થાય છે: આ સંખ્યાવાચકો ભલે ક્યાંક ક્યાંક વિશેષણની જેમ વર્તતા હોય પણ એ સાચેસાચ વિશેષણ છે ખરા? દા.ત. આપણે ‘ઊંચો છોકરો’ કહી શકીએ. એટલું જ નહીં, ‘ઊંચો’ની જગ્યાએ સંખ્યાવાચક ‘એક’ પણ મૂકી શકીએ.

Continue reading ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ગુજરાતીમાં અસ્તિત્વવાચકો

બાબુ સુથાર

ગુજરાતી વ્યાકરણ પરનું કોઈ પણ પુસ્તક લો. એમાં ‘પેલો મોહન છે’ અને ‘પેલો માણસ શિક્ષક હતો’ જેવાં વાક્યોમાં આવતા ‘છે’ અને ‘હતો’ જેવા શબ્દો માટે મોટે ભાગે તો ‘સહાયકારી ક્રિયાપદ’ શબ્દ વપરાયેલો જોવા મળશે. પણ શું એ સાચેસાચ સહાયકારી ક્રિયાપાદો છે ખરાં? Continue reading ભાષાને શું વળગે ભૂર – (૪૬) – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૪) – બાબુ સુથાર

ગુજરાતીમાંસાથસંયોજકો

બાબુ સુથાર

આપણે ગુજરાતી ભાષાના વિવિધ પ્રકારના સંયોજકો જોયા. એમાં એક પ્રકાર હતો ‘સમુચ્ચયવાચક સંયોજકો’નો. ‘અને’ આ પ્રકારનો સંયોજક છે. દાખલા તરીકે, (૧) ‘લીલા અને મોહન આવ્યાં’ જેવું વાક્ય લો. અહીં આપણે ‘લીલા’ અને ‘મોહન’ને સમુચ્ચયવાચક ‘અને’થી જોડ્યાં છે. આવો જ બીજો એક સંયોજક પણ છે. પણ, આપણા ભાષાશાસ્ત્રીઓએ કે વ્યાકરણશાસ્ત્રીઓએ એના પર ખાસ ધ્યાન આપ્યું નથી. એ છે ‘સાથે’. કેટલાક ભાષકો ‘સાથે’ના વિકલ્પે ‘જોડે’ અને ‘હારે’ પણ વાપરે છે. આ ‘સાથે’ પણ ‘અને’ પ્રગટ કરે છે એ જ માહિતી પ્રગટ કરે છે. જેમ કે, આ વાક્ય લો: (૨) ‘લીલા મોહન સાથે આવી’. વાક્ય (૧) અને (૨) બન્નેમાં a (લીલા) અને b (મોહન) એક જ ક્રિયા c (આવવું) કરે છે. એનો અર્થ એ થયો કે વાક્ય (૧) અને વાક્ય (૨) બન્નેનો તાર્કીક અર્થ એકસમાન છે. પણ, બન્નેનું વ્યાકરણ એકસમાન નથી. એમ હોવાથી ભાષાશાસ્ત્રીઓને જેટલો ‘અને’ જેવા સમૂચ્ચયવાચક સંયોજકોના અભ્યાસમાં રસ પડે છે એટલો જ રસ ‘સાથે’ જેવા સંયોજકોના અભ્યાસમાં પણ પડે છે. અને એથી જ એમણે ‘સાથે’ જેવા સંયોજકને ‘Comitative સંયોજક’ તરીકે ઓળખાવ્યો છે. ગુજરાતીમાં આપણે એને ‘સાથે-સંયોજક’ કહી શકીએ.  Continue reading ભાષાને શું વળગે ભૂર – (૪૪) – બાબુ સુથાર

“મને સાંભરે રે  “- દાવડાસાહેબ અને હું – બાબુ સુથાર

(આજે દર શુક્રવાર માટે મૂકાતી, બાબુભાઈ સુથાર લિખીત સીરીઝ, “ભાષાને શું વળગે ભૂર” ના પ્રકરણને બદલે, બાબુભાઈ સુથારે દાવડા સાહેબ સાથેના એમના સંબંધને ખૂબ વ્હાલથી યાદ કરીને આ લેખ લખ્યો છે અને દાવડાસાહેબની સ્વીકૃતિ અને ઈચ્છાને  આધીન થઈને આ લેખ અહીં પ્રગટ કરી રહી છું. આ આંગણું દાવડાભાઈએ શરૂ કર્યું અને એમનું જ રહેશે.)

“મને સાંભરે રે  “- દાવડાસાહેબ અને હું

બાબુ સુથાર

હું અને મારાં પત્ની, કેલિફોર્નિયાના બે એરિયામાં આવેલા પાલો આલ્ટોમાં છન્નુ વરસના ‘દાદા’ના હુલામણા નામે ઓળખાતા હરિકૃષ્ણ મજમુદારની સેવા કરવા આવ્યાં ત્યાં આગળ મેં ‘દાવડાનું આંગણું’માં ક્રમશ: પ્રગટ થતી મારી આત્મકથા અટકાવેલી. એમ કરવા પાછળ એક કારણ હતું: હું મને થયેલા અનુભવો વિશે પ્રામાણિકતાપૂર્વક લખી શકું એમ ન હતો. Continue reading “મને સાંભરે રે  “- દાવડાસાહેબ અને હું – બાબુ સુથાર

ભાષાને શું વળગે ભૂર – (૪૫) – બાબુ સુથાર

ગુજરાતી ઉદગારવાચકો
બાબુ સુથાર

આપણામાંના ઘણાને કલાપીની ‘રે પંખીંડાં! સુખથી ચણજો’ કવિતા યાદ હશે. એમાં કલાપીએ આવી પંક્તિઓ લખી છે: (૧) ‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’; (૨) ‘રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી’; અને (૩) ‘રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી’. આમાં આવતા ‘રે’ અને ‘રે રે’ હકીકતમાં તો ઉદગારવાચકો છે. આપણે જોઈ શકીએ છીએ કે આમાંની પહેલી પંક્તિમાં એ ‘રે’નો ઉપયોગ પંખીઓને સંબોધવામાં કરે છે. બાકીની બે પંક્તિઓમાં એ ‘રે રે’નો ઉપયોગ પોતાનો અંગત ભાવને, અહીં ‘આક્રંદનો ભાવ’ કહી શકાય, પ્રગટ કરવા માટે કરે છે. કેવળ કલાપીએ જ નહીં, ગુજરાતી ભાષાના ઘણા કવિઓએ એમની કવિતાઓમાં આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. મજાની વાત તો એ છે કે કેવળ કવિઓએ જ નહીં, આપણે પણ રોજબરોજના વ્યવહારમાં આ પ્રકારના શબ્દોનો અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે, ‘અરેરે, તમને શું થયું?’; ‘હે ભગવાન, તું કંઈક કર.’ ‘ઓહો, તમે તો આજે બહુ રૂપાળા લાગો છોને કંઈ’. ઊર્મિબેન દેસાઈને બાદ કરતાં મોટા ભાગના ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ આવાં ઉદ્ગારવાચકો પર છૂટીછવાઈ નોંધો આપી છે. ઊર્મિબેને એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં આ વિષય પર એક નાનકડું પ્રકરણ લખ્યું છે અને એમાં એમણે ગુજરાતી ઉદગારવાચકોનું અર્થ અને વ્યવહારના માપદંડથી વર્ગીકરણ પણ આપ્યું છે.

એમના મતે ગુજરાતી ઉદગારવાચકોને (૧) હર્ષવાચક (જેમ કે: વાહ, શાબાશ, હાશ, આહા, ધન્ય..), (૨) દુ:ખવાચક (જેમકે: હાય હાય, હાય રે, ઓહ, ઓહ્, ઓરે…) (૩) આશ્ચર્યવાચક (જેમકે: ઓહ, ઓહોહો, અધધધ, હેં…), (૪) ધિક્કારવાચક (જેમ કે: હટ્, છી, છટ્, થૂ, ફટ્…), (૫) સંબોધનવાચક (જેમ કે: એ, એય, અરે, ઓ, હે, હેય…), (૬) પ્રશ્નવાચક (જેમ કે: હં…), (૭) અનુમતિવાચક (જેમ કે: હંઅ, હોવે, હો, હાં, હં…), (૮) નિષેધવાચક (જેમ કે: અહં, ઊંહું…) અને (૯) આશીર્વાચક (જેમ કે: ખમ્મા…) જેવા પ્રકારોમાં વહેંચી શકાય. આ ઉપરાંત એમણે હાલરડામાં વપરાતા કેટલાક ઉદ્ગારવાચકો (જેવા કે: હલુલુલુ, હાં હાં…) તથા બીજી ભાષામાંથી લાવવામાં આવેલા ઉદ્ગારવાચકો (જેવા કે: હલો, બાય બાય, ટા ટા, ઓકે…), અભિવાદનવાચક (જેવાકે: નમસ્તે, નમસ્કાર, તથાસ્તુ. જે જે…) અને સાવચેતીવાચક (જેમ કે: સાવધાન, ખબરદાર…) જેવા ઉદગારવાચકો પણ આપ્યા છે.

પ્રશ્ન એ થાય કે ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારના શબ્દો સાથે કઈ રીતે કામ પાર પાડશે? હું સમજું છું ત્યાં સુધી ભાષાશાસ્ત્રીઓ સૌ પહેલાં તો આ શબ્દોની સંરચનાનો અભ્યાસ કરશે. કેમકે, કેટલાક શબ્દો રવાનુકારી છે તો કેટલાક વળી બીજી વ્યાકરણમૂલક કોટિમાંથી લાવવામાં આવ્યા છે. જેમ કે, ‘શાબાશ’ શબ્દ જુઓ. હું જ્યારે કોઈને એમ કહું કે ‘શાબાશ’ ત્યારે એનો અર્થ એ થયો કે હું સામેની વ્યક્તિને શાબાશી આપી રહ્યો છું. હું એને કહી રહ્યો છું કે ‘હું તને શાબાશી આપું છું’. પણ, હું જ્યારે ‘ઓહ્’ બોલું ત્યારે હું એવું કશું કહી રહ્યો નથી. હું કેવળ મારી લાગણી વ્યક્ત કરતો હોઉં છું. એ જ રીતે ‘હોવે’ જેવા શબ્દો જુઓ. મૂળે તો ‘હા’ શબ્દ છે. જેમ ‘હા’ ‘ના’ પ્રશ્નોના જવાબમાં ‘હા’ વપરાય છે એમ ‘હોવે’ પણ વપરાય છે. જો એમ હોય તો એને ઉદગારવાચકોમાં મૂકી શકાય ખરો?

એ જ રીતે બીજો પ્રશ્ન થાય Placement ને લગતો. આ ઉદ્ગારવાચકો વાક્યની બહાર આવી શકે કે વાક્યની અંદર. જેમ કે, ઉપર ટાંકેલી કલાપીની કવિતામાં ‘રે’ અને ‘રે રે’ વાક્યની પહેલાં આવે છે. પણ, ‘મને થયું કે અરેરેરે, મોહનને શું થયું?’ જેવાં વાક્યો આપણા માટે પડકાર રૂપ બની જાય. એ જ રીતે, ગરબા જેવાં સાહિત્યિક સ્વરૂપોમાં આવતો ‘રેલોલ’ શબ્દ પણ પડકારરૂપ બને. અહીં સવાલ એ છે કે આ પ્રકારના શબ્દોના Placement ની બાબતમાં આપણે એક સામાન્ય સિદ્ધાન્ત પર કઈ રીતે આવી શકીએ? આ કે તે શબ્દ વાક્યની પહેલાં કે પછી આવે એ તો Description થયું. ભાષાશાસ્ત્રીઓ કેવળ Description આપીને સંતોષ ન માને.

એવો એક ત્રીજો પ્રશ્ન થાય આ પ્રકારના શબ્દોના કાર્યનો. ભાષાશાસ્ત્રમાં આ વિષય પર ઘણું કામ થયું છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ જર્મન મનોવૈજ્ઞાનિક અને ભાષાશાસ્ત્રી કાર્લ બુહલરના (૧૮૭૯-૧૯૬૩) ભાષાસિદ્ધાન્તના આધારે આ પ્રકારના શબ્દોનું વર્ગીકરણ કરે છે અને એવો દાવો કરે છે કે ઉદ્ગારવાચકો પ્રતીકાત્મક નહીં પણ Deictic હોય છે. ‘Deictic’ શબ્દ સમજવા માટે આપણે સૌ પહેલાં પ્રતીકાત્મક શબ્દો સમજવા પડશે. જ્યારે હું ‘વૃક્ષ’ શબ્દ બોલું ત્યારે એ શબ્દ કોઈ એક ચોક્કસ એવા વૃક્ષનો ઉલ્લેખ નથી કરતો. પણ જ્યારે હું ‘આ વૃક્ષ’ એમ કહું ત્યારે હું એક ચોક્કસ એવા વૃક્ષની વાત કરતો હોઉં છું. એ ‘ચોક્કસતા’નો ભાવ ‘આ’ના કારણે ઉમેરાય છે. બહુલર કહે છે કે એનો અર્થ એ થયો કે ‘આ’ જેવા શબ્દો કશાક ભણી ‘આંગળી ચીંધતા’ હોય છે. આવું Pointing નું કામ કરતા શબ્દોને Deictic શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ માને છે કે ઉદગારવાચક શબ્દો કશાક ભણી આંગળી ચીંધતા હોય છે. એમ હોવાથી એમને પ્રતીકાત્મકને બદલે Deictic શબ્દો ગણવા પડે. જ્યારે કલાપી એમ કહે કે ‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’ ત્યારે એમાં આવતો ‘રે’ ‘પંખીડાં’ ભણી (આંગળી) ચીંધતો હોય છે. એ જ રીતે, ‘રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી’; અને ‘રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી’ જેવી પંક્તિઓમાં આવતા ‘રે રે’ પણ પ્રતીકાત્મક નથી. એ પણ Deictic છે. એ કવિની લાગણી ભણી (આંગળી) ચીંધતા હોય છે. એ જ રીતે માનો કે હું મારી જાતને આમ કહું તો: ‘ઓહ્ બાબુ, તું આવું વિચારે છે!’ ત્યારે ‘ઓહ્’ ઉદગારવાચક શબ્દ મારા તરફ (આંગળી) ચીંધતો હોય છે. પણ, જો હું બીજા કોઈ બાબુને આમ કહું તો એમાં આવતો ‘ઓહ્’ શબ્દ વાક્યની બહાર રહેલા બીજા કોઈક બાબુ તરફ (આંગળી) ચીંધતો હોય છે. જેમ, રમેશ એમ કહે કે ‘હું શિક્ષક છું’ અને મહેશ એમ કહે કે ‘હું શિક્ષક છું’ તો બન્નેમાં ‘હું’ ના અર્થ જુદા થાય; બરાબર એમ જ ઉદગારવાચકોના અર્થ પણ સંદર્ભ પ્રમાણે બદલાય.

મને લાગે છે કે ગુજરાતી ઉદગારવાચકો પર વધારે નહીં તો બે શોધનિબંધો લખી શકાય. એક તે સાહિત્યમાં, ખાસ કરીને ગુજરાતી કવિતામાં આવતા ઉદ્ગારવાચકો પર અને બીજો તો ગુજરાતી ભાષામાં ઉદ્ગારવાચકો કઈ રીતે કામ કરે છે એના પર. આશા રાખીએ કે કોઈક આ બીડું ઝડપી લેશે.

ભાષાને શું વળગે ભૂર? – (૪૪) – બાબુ સુથાર

ગુજરાતીમાં Pro-Sentences
બાબુ સુથાર

જેમ નામની જગ્યાએ આપણે સર્વનામ વાપરી શકીએ એમ વાક્યની જગ્યાએ સર્વ-વાક્ય (Pro-Sentence) વાપરી શકીએ ખરા? કોઈને આ પ્રશ્ન વિચિત્ર લાગશે. એને થશે કે ભાષામાં સર્વનામ હોઈ શકે પણ સર્વ-વાક્ય તો કઈ રીતે હોય? પણ, જો આપણે સર્વનામની વ્યાખ્યા પ્રમાણે જઈએ તો આપણને આપણી ભાષામાં, એટલે કે ગુજરાતીમાં પણ, નામની જગ્યાએ વપરાતા કેટલાક શબ્દો જોવા મળશે. જો એમ હોય તો એ શબ્દોને આપણે સર્વ-વાક્ય (Pro-Sentences) કહી શકીએ ખરા? દાખલા તરીકે નીચેનો સંવાદ લો:

મહેશ: તું મારી સાથે આવે છે?
મીના: ના.

લીલા: રમેશ, તેં કરી ખાધી?
રમેશ: હા.

અહીં, ‘ના’ અને ‘હા’ શબ્દો હકીકતમાં તો અનુક્રમે ‘હું તારી/તમારી સાથે આવતી નથી’ અને ‘મેં કેરી ખાધી છે’ જેવાં વાક્યોની અવેજીમાં વપરાયા છે. જેમ, ‘રમેશ જાગ્યો અને પછી એ સીધા જ રસોડામાં ગયો’ માં આવતો ‘એ’ ‘રમેશ’ માટે વપરાયો છે બરાબર એમ જ.
મેં આ અગાઉ પણ લખેલું કે જેમ જેમ ભાષાવિજ્ઞાનનો વિકાસ થતો ગયો એમ એમ આપણી વ્યાકરણમૂલક કોટિઓ વિષેની સમજ પણ બદલાતી ગઈ. એને પગલે કેટલીક કોટિઓ કાળગ્રસ્ત થઈ ગઈ, કેટલીક નવી ઉમેરાઈ, કેટલીક વિભાજિત પણ થઈ. એટલું જ નહીં, જે નવી ઉમેરાઈ એમાંની કેટલીક તો સિદ્ધાન્તજીવી હતી. અર્થાત્, એ, જે તે ભાષાસિદ્ધાન્તની નીપજ હતી. એવી કોટિઓની કલ્પના કર્યા વગર એ ભાષા સિદ્ધાન્ત બરાબર કામ કરે જ નહીં. જો કે, સર્વ-વાક્ય કોઈ સિદ્ધાન્તજીવી કોટિ નથી. આ કોટિ હકીકતમાં તો આપણા નિરીક્ષણની નીપજ છે. આપણે કદાચ હવે ‘હા’ અને ‘ના’ ને આ રીતે જોતા થયા છીએ. એ પહેલાં એ કેવળ હકારવાચક અને નકારવાચક શબ્દો જ હતા.
જો કે, આપણને અહીં બે પ્રશ્નો થશે. સૌથી પહેલો પ્રશ્ન તે એ કે તો પછી શબ્દકોશમાં ‘હા’ અને ‘ના’ ને વ્યાકરણની કઈ કોટિમાં મૂકવા જોઈએ? અને બીજો પ્રશ્ન: શું આપણે કાયમ વાક્યની જગ્યાએ કેવળ ‘હા’ કે ‘ના’ વાપરીએ છીએ. દાખલા તરીકે નીચેના ઉદાહરણો જુઓ:

મહેશ: તું મારી સાથે આવે છે?
મીના: ના. નથી આવતો.

લીલા: રમેશ, તેં કરી ખાધી?
રમેશ: હા. ખાધી છે.

ઉપરનાં બન્ને ઉદાહરણોમાં ક્રિયાપદ વાપરવાથી કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં આપણી પાસે બે વિકલ્પો છે. સર્વ-વાક્યો વાપરવાનો અથવા નહીં વાપરવાનો. ભાષકો આમાંથી કયો વિકલ્પ વધારે પસંદ કરે છે એ એક તપાસનો વિષય છે.
જો કે, મેડ્રિયન ચીની ભાષામાં જરા જુદા જ પ્રકારની પરિસ્થિતિ છે. એમાં જો આપણો જવાબ હકારમાં હોય તો ક્રિયાપદ નહીં વાપરવાનું. પણ, જો નકારમાં હોય તો વિકલ્પે ક્રિયાપદ વાપરી શકાય. Paul Schachter અને Timothy Shopen એમના ખૂબ જાણીતા એવા Parts-of-speech systems નામના લેખમાં આવું ઉદાહરણ આપે છે:

Ni qu ma? Qu/Bu(qu)
you go Q go/not (go)
‘Are you going?’ ‘yes’/‘no’

પણ, આપણે એક વાત ભૂલવાની નથી કે આ પ્રકારનાં સર્વ-વાક્ય કેવળ હા/ના પ્રશ્નાર્થવાચક વાક્યોના જવાબ આપવા માટે જ વપરાય. ભાષાશાસ્ત્રીઓ એવાં વાક્યોને polar sentences તરીકે ઓળખાવે છે.
એમ છતાં, આ ‘હા’ અને ‘ના’નું વ્યાકરણ પણ આપણને લાગે છે એટલું સરળ તો નથી જ. જો કે, આપણે એમને એટલી સહજતાથી આત્મસાત કરેલાં હોય છે કે આપણે ભાગ્યે જ એમના સંકુલ કહી શકાય એવા વર્તનની નોંધ લેતા હોઈએ છીએ. દાખલા તરીકે આ વાક્ય જુઓ:

મીના: રમેશે કહ્યું ખરું કે કાલે મોહન આવશે?
લીલા: ના, નથી કહ્યું.

આપણા માટે પ્રશ્ન એ છે અહીં ‘ના’ શબ્દ કયા વાક્યની અવેજીમાં વાપરવામાં આવ્યો છે? આપણે એમ કહી શકીએ કે ના, રમેશે નહીં પણ મહેશે કહ્યું છે? એ જ રીતે, આપણે એમ કહી શકીએ ખરા કે ના, રમેશે એમ કહ્યું કે મોહન પરમદિવસે આવશે. કાલે નહીં? એ જ રીતે, આપણે એમ પણ કહી શકીએ કે ના, રમેશે એમ કહ્યું છે કે કાલે મહેશ આવશે, મોહન નહીં. એમ છતાં આપણને આ પ્રકારનાં વાક્યોમાં રહેલી સંદિગ્ધતા ખાસ નડતી નથી. જો કે, રમૂજી ટૂચકાઓમાં ક્યારેક આવી સંદિગ્ધતાનો લાભ લેવામાં આવતો હોય છે ખરો.
એ જ રીતે, આ ઉદાહરણ જુઓ:

મોહન: લીલા કાલે આવશે?
મીના: હા. {આવશે}

અહીં ‘હા’ Pro-Sentence તરીકે સ્વીકાર્ય છે. પણ હવે આ જ ઉદાહરણને આ રીતે જુઓ:

મોહન: લીલા કાલે આવશે કે?
મીના: હા, આવશે.

અહીં, ‘આવશે’ ક્રિયાપદ ફરજિયાત છે. જો કે, એની સામે છેડે, ‘હા’ ન વાપરીએ તો ચાલે. અર્થાત્, અહીં ‘હા’ વિકલ્પે વપરાયો છે.
આવું જ એક બીજું રસ પડે એવું ઉદાહરણ છે. ભાષાશાસ્ત્રીઓ વાક્યોના પ્રકારો પાડતી વખતે ઘણી વાર અસ્તિત્વમૂલક વાક્યોની વાત કરતા હોય છે. જેમ કે, ‘આ રમેશ છે?’ આ વાક્યનો જવાબ ‘હા’ કે ‘ના’ હોઈ શકે. પણ, આપણે ભાગ્યે જ ‘હા છે’ એમ કહીશું. દાખલા તરીકે:

મીના: આ રમેશ છે?
ગીતા: હા/ના.

પણ, આપણે આમ ભાગ્યે જ કહીશું:
મીના: આ રમેશ છે?
ગીતા: હા છે/ના નથી.

હવે નીચેના વાક્યો લો:

મીના: રમેશ ઘેર છે?
ગીતા: હા/ના. અથવા હા છે/ના નથી.

ઉપરના ઉદાહરણોમાં ‘હા’ કે ‘ના’ અથવા તો ‘હા છે’ અને ‘ના નથી’ બન્ને સ્વીકાર્ય છે. કોઈ કહેશે કે ‘આ રમેશ છે’ જેવાં confirmation વાક્યોના જવાબમાં ‘હા’ કે ‘ના’ વાપરી શકાય. પણ કદાચ એ જવાબ પણ બિલકુલ સાચો નથી લાગતો. દાખલા તરીકે આ ઉદાહરણ લો:

મીના: આજે ગરમી છે?
લીલા: હા/ના અથવા હા છે/ના નથી.

અહીં પણ confirmation વાક્ય છે તો પણ બન્ને જવાબ શક્ય બને છે. આ ભેદને કદાચ દર્શક સર્વનામ સાથે કોઈ સંબંધ હશે ખરો કે? આ એક તપાસનો વિષય છે.
જો આ પ્રમાણે જ જઈએ તો કદાચ ગુજરાતીમાં આપણને બીજાં પણ સર્વ-વાક્યો મળી રહે. દાખલા તરીકે આ સંવાદ લો:

મીના: વાદળો ઘેરાયાં છે. વરસાદ આવશે.
બીના: મને પણ એવું લાગે છે.

શું અહીં ‘એવું’ pro-sentence તરીકે કામ કરે છે? કે પછી એ એક પદની અવેજીમાં વપરાયું છે? ભાષાશાસ્ત્રીઓ કહેશે કે આ શબ્દ તો અહીં પદની (phrase) અવેજીમાં વપરાયો છે. જો એમ હોય તો જેમ સર્વનામ, સર્વ-વાક્ય એમ સર્વ-પદ પણ હોય કે નહીં? ગુજરાતીમાં ‘એવું’ની જેમ ‘એમ’ પણ વપરાય છે. દા.ત. આ સંવાદ જુઓ:

રમેશ: કોરોના વાયરસ જશે નહીં.
મોહન: મને પણ એમ લાગે છે.

કેટલાક ભાષાશાસ્ત્રીઓ આ જ રીતે, pro-verbs (સર્વ-ક્રિયાપદ?), pro-adjectives (સર્વ-વિશેષણ), interrogative pro-forms અને pro-adverbsની (સર્વ-ક્રિયાવિશેષણ) પણ વાત કરે છે. પણ, ગુજરાતીમાં એવી કોઈ સ્વતંત્ર વ્યાકરણમૂલક કોટિઓ છે કે નહીં એની તપાસ કરવાનું હું વાચકો પર છોડી દઉં છું. આખરે ભાષા એક વ્યવસ્થા છે. એમાં કશું પણ અસ્તવ્યસ્ત નથી હોતું અને માનો કે ક્યારેક હોય પણ તો ભાષાશાસ્ત્રીઓ એના ખુલાસા શોધવાના પ્રયાસો કરતા હોય છે. ભાષામાં રસ ધરાવતી દરેક વ્યક્તિએ કાન સરવા રાખવા પડે. લોકો કંઈક બોલે અને એમાં કશુંક unusual હોય તો એ તરત જ એ વ્યક્તિના ચિત્તમાં આવેલી પ્રયોગશાળામાં જતું રહેવું જોઈએ. એ વિના ભાષા પર કામ કરવાનું અઘરું બની જાય.

ભાષાને શું વળગે ભૂર – (૪૩) – બાબુ સુથાર

ગુજરાતીમાં તુલના – બાબુ સુથાર

માણસ માત્ર તુલના કરતો હોય છે. અને એથી જ તો જગતની તમામ ભાષાઓમાં તુલના કરવાની એક ચોક્કસ એવી વ્યવસ્થા હોય છે. જો કે, આ વ્યવસ્થા ભાષાએ ભાષાએ જુદી પડતી હોય છે. એમ છતાં, ભાષાશાસ્ત્રીઓએ, અલગ અલગ ભાષાઓના અભ્યાસના અંતે, એ વ્યવસ્થાનું એક વ્યાકરણ શોધી કાઢ્યું છે. એ પ્રમાણે જોતાં માણસ માત્ર કાં તો બે વસ્તુઓને સરખાવે, કાં તો એ બે વસ્તુઓને ચોક્કસ એવી Rank માં મૂકે. જ્યારે આપણે કહીએ કે (૧) ‘આ બિલાડી વાઘ જેવી છે’ ત્યારે આપણે ‘બિલાડી’ અને ‘વાઘ’ને સરખાવતા હોઈએ છીએ. એથી આવાં વાક્યોને આપણે સરખામણીમૂલક વાક્યો કહી શકીએ. એ જ રીતે, જ્યારે આપણે એમ કહીએ કે (૨) ‘આ બિલાડી વાઘ કરતાં નાની છે’ ત્યારે પણ આપણે ‘બિલાડી’ને ‘વાઘ’ સાથે સરખાવતા હોઈએ છીએ. પણ, એમ કરતી વખતે આપણે ‘બિલાડી’ને ‘વાઘ’ના કદની સાથે સરખાવતા હોઈએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય (૧) માં આપણે સરખાપણાને ધ્યાનમાં લીધું છે તો વાક્ય (૨) માં આપણે વિષમપણાને અથવા તો વિષમતાને ધ્યાનમાં લીધી છે. ભાષાશાસ્ત્રીઓ જેની તુલના કરવાની હોય એને object of comparison તરીકે ઓળખાવતા હોય છે. આપણે એને ટૂંકમાં OBJ કહીશું. એ જ રીતે, જેમાં સરખામણી કરતા હોઈએ છીએ એને ભાષાશાસ્ત્રીઓ standard of comparison તરીકે ઓળખાવતા હોય છે. આપણે એને STD કહીશું. જેમ કે, વાક્ય (૨)માં આપણે બિલાડીને વાઘ સાથે ‘કદ’માં સરખાવીએ છીએ. એથી અહીં ‘વાઘનું કદ’ STD બનશે. એટલું જ નહીં, આવી સરખામણી વ્યક્ત કરવા માટે આપણે ચોક્કસ એવાં વિશેષણો પણ વાપરતા હોઈએ છીએ. જેમ કે, વાક્ય (૨) માં આપણે ‘નાનું’ વિશેષણ વાપર્યું છે. આપણે આ વિશેષણ માટે ADJ સંજ્ઞા વાપરીશું. કોઈ પણ ભાષામાં તુલનામૂલક વાક્યો કેવળ વાક્યની રીતે જ મહત્વનાં નથી હોતાં. એવાં વાક્યોની પાછળ ઘણી વાર કેટલાક સાંસ્કૃતિક વિચારધારા તો કેટલાક પૂર્વગ્રહો પણ છુપાયેલા હોય છે. જ્યારે આપણે એમ કહીએ કે (૩) ‘વિજ્ઞાનમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધારે નબળી હોય છે’ ત્યારે આપણે તુલના તો કરીએ જ છીએ પણ સાથોસાથ આપણો છોકરીઓ માટેનો પૂર્વગ્રહ પણ વ્યક્ત કરતા હોઈએ છીએ. આપણે અહીં છોકરાઓને આદર્શ માનીને ચાલતા હોઈએ છીએ. એ જ રીતે જ્યારે આપણે કોઈ છોકરાને એમ કહીએ કે (૪) ‘શું છોકરીની જેમ રડે છે’ ત્યારે પણ આપણે એવું સ્વીકારતા હોઈએ છીએ કે રડવાનું કામ છોકરીઓનું હોય છે, છોકરાઓનું નહીં! જો કે, આ લેખમાં આપણે આ પ્રકારની વાક્ય રચનાઓની પાછળ રહેલી વૈચારિક માન્યતાઓ કે પૂર્વગ્રહોની વાત નથી કરવાના. એને બદલે આપણે ગુજરાતીમાં તુલનાત્મક વાક્યોની સંરચના કેવી હોય છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
સરખાપણું બતાવવા આપણે ‘જેવું’ વાપરતા હોઈએ છીએ. એના માટે આપણે ‘સરખાપણુંદર્શક’ જેવો શબ્દ બનાવી શકીએ. ભાષાશાસ્ત્રીઓ એવા શબ્દો માટે marker of equals જેવા શબ્દો વાપરતા હોય છે. આવા શબ્દો માટે આપણે MKR જેવું સંક્ષિપ્ત સ્વરૂપ વાપરીશું. ગુજરાતીમાં સરખાપણું બતાવતાં વાક્યોમાં OBJ અને STD નો ક્રમ કોઈ પણ હોઈ શકે. જેમ કે: (૫) ‘બિલાડી વાઘ જેવી છે’ અને (૬) વાઘ બિલાડી જેવો છે. વાક્ય (૫) માં OBJ તરીકે ‘બિલાડી’ છે ને STD તરીકે ‘વાઘ’ છે. એની સામે, વાક્ય (૬) માં OBJ તરીકે ‘વાઘ’ છે અને STD તરીકે ‘બિલાડી છે’. જો કે, બન્ને વાક્યોમાં MKR નું સ્વરૂપ બદલાતું હોય છે. (૫) માં ‘બિલાડી’ સ્ત્રીલિંગ એકવચન હોવાથી ‘જેવું’ બદલાઈને ‘જેવી’ બને છે જ્યારે વાક્ય (૬) માં ‘વાઘ’ પુલ્લિંગ એકવચન હોવાથી ‘જેવું’ ‘જેવો’ બને છે. જો કે, ગુજરાતીમાં સમાનતા દર્શાવવા માટે એક બીજી પણ વાક્યરચના છે. દા.ત. આ વાક્ય લો: (૭) ‘બિલાડી અને વાઘ બેઉં સરખાં.’ એ જ રીતે, આપણે (૮) ‘બધા રાજકારણીઓ સરખા’ એમ પણ કહી શકીએ. પણ, આપણે કદી પણ (૯) ‘એક રાજકારણી સરખો’ નહીં કહી શકીએ. આ પ્રકારની વાક્યરચનાઓમાં પણ ‘સરખું’ જેની સરખામણી કરવામાં આવી હોય એ બન્નેનાં લિંગ અને વચન લે. જો એમનાં લિંગ જુદાં હોય તો એમની વચ્ચેનો clash અંતિમે નપુસંકલિંગમાં પરિણમે.
અસમાનતા દર્શાવવા માટે આપણે મોટે ભાગે બે પ્રકારની વાક્યરચનાઓ વાપરતા હોઈએ છીએ: (૧) OBJ-STD-MKR-ADJ અને (૨) STD-MKR-OBJ-ADJ. દાખલા તરીકે આ વાકયો જુઓ: (૧૦) કૂતરો બિલાડી કરતાં મોટો છે. અહીં ‘કૂતરો’ OBJ છે, ‘બિલાડી’ STD છે, ‘કરતાં’ MKR છે અને ‘મોટો’ ADJ છે. એમનો ક્રમ આમ છે: OBJ-STD-MKR-ADJ. એની સામે આ વાક્ય જુઓ: (૧૧) ‘બિલાડી કરતાં કૂતરો મોટો છે’. આ વાક્યમાં પણ એ જ OBJ, MKR, STD અને ADJ છે પણ એમનો ક્રમ જુદો છે. અહીં આ ક્રમ છે: STD-MKR-OBJ-ADJ. યાદ રાખો કે આ બન્ને પ્રકારની રચનાઓમાં આપણે હંમેશાં ‘કરતાં’ (અનુસ્વાર સાથે) વાપરતા હોઈએ છીએ. એટલું જ નહીં, આ પ્રકારની વાક્યરચનાઓમાં જો ADJ વિકારી હોય તો એ હંમેશાં OBJ નાં લિંગવચન પ્રમાણે બદલાતું હોય છે. પછી શબ્દક્રમ ગમે તે હોય. આ પ્રકારની તુલનાઓમાં ક્યારેક ‘તુલનાની માત્રા’ પણ પ્રગટ કરવામાં આવતી હોય છે. જેમ કે (૧૨) ‘બિલાડી કરતાં કૂતરો વધારે મોટે છે’. અહીં, ‘વધારે’, ‘ઓછું’ જેવાં પ્રમાણદર્શક વિશેષણો વાપરવામાં આવતાં હોય છે.
જેમ કોઈ બે પદાર્થ સમાન હોય એમ કોઈ બે પદાર્થ અસમાન પણ હોય. એ જ રીતે, કોઈક પદાર્થ, જે, તે પદાર્થ વર્ગમાં ઉત્તમ પણ હોય અથવા તો કનિષ્ક પણ હોય. અંગ્રેજીમાં એ ભાવ વ્યક્ત કરતાં વાક્યો માટે આપણે superlative વાક્યો વાપરતા હોઈએ છીએ. ગુજરાતીમાં પણ એવાં વાક્યો છે. એમાં superlative નો ભાવ વ્યક્ત કરવા આપણે કાં તો ‘સૌથી’ અથવા ‘સૌમાં’ જેવા શબ્દો વાપરતા હોઈએ છીએ. આપણે એમને SUPER તરીકે ઓળખાવી શકીએ. આ પ્રકારની વાક્યરચનાઓ આમ તો ખૂબ સરળ લાગે. પણ જ્યારે એમનું આકારવાદી વિશ્લેષણ કરવા બેસીએ ત્યારે આપણે ઘણા પડકારોનો સામનો કરવાનો આવે. જો કે, આપણે એ પ્રકારના વિશ્લેષણમાં નહીં પડીએ. કેમ કે આ લેખમાં મારો આશય આ પ્રકારની વાક્યરચનાઓની સંરચના સમજાવવા પૂરતો જ મર્યાદિત છે. આ પ્રકારનાં વાક્યો સમજવા આ વાક્ય જુઓ: (૧૩) ‘લીલા સૌથી/સૌમાં હોંશિયાર’. આ જ વાક્ય આ રીતે પણ લખી શકાય: (૧૪) ‘લીલા સૌ વિદ્યાર્થીઓમાં હોંશિયાર’. જો કે, (૧૫) ‘લીલા સૌ વિદ્યાર્થીઓથી હોંશિયાર’ જેવું વાક્ય વપરાય છે કે કેમ એ વિશે હું ચોક્કસ નથી. પણ, એ હકીકત છે કે આ પ્રકારનાં વાક્યોમાં ‘સૌ’ પછી નામનો લોપ કરી શકાય અને નામને લાગેલો વિભક્તિનો પ્રત્યય પછી ‘સૌ’ને લાગતો હોય છે. ‘સૌ’ને બદલે આપણે SUPER નો ભાવ વ્યક્ત કરવા ‘બધું’ અને ‘સર્વ’ પણ વાપરી શકીએ. જેમ કે, (૧૬) ‘લીલા બધા વિદ્યાર્થીઓમાં હોંશિયાર’ અથવા તો (૧૭) ‘લીલા સર્વ વિદ્યાર્થીઓમાં હોંશિયાર’.
ગુજરાતીમાં ક્યારેક, ખાસ કરીને સંસ્કૃત ભાષાના પ્રભાવ હેઠળ ‘ઉચ્ચ’, ‘ઉચ્ચતર’ અને ‘ઉચ્ચતમ’ જેવાં તુલનાવાચક રૂપો વાપરીને પણ તુલના કરવામાં આવતી હોય છે. જો કે, એ પ્રકારની વાક્યરચનાઓ મેં અહીં ધ્યાનમાં લીધી નથી.