Category Archives: પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ- પ્રીતિ સેનગુપ્તા

પ્રીતિ સેનગુપ્તા – પરિચય

પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવિયત્રી, વાર્તાકાર, નવલિકાકાર અને લેખિકા છે. તેમણે અનેક સુપ્રસિદ્ધ પ્રવાસવર્ણનો લખ્યા છે.  કાકાસાહેબ કાલેલકર પછી, એવી જ ઉચ્ચ કક્ષાના પ્રવાસવર્ણનો લખીને, એમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે, જેને માટે આવનારી પેઢી એમને કાયમ યાદ રાખશે. ઉત્તર ધ્રુવનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય ને એ પણ ગુજરાતી સ્ત્રી તરીકે એમણે ભારતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

આ ઉપરાંત પણ, એમને મળેલા પારિતોષિકોનું લીસ્ટ ખૂબ લાંબુ છે, જે અહીં વિગતવાર આપવું શક્ય નથી. તાજેતરમાં ૨૦૧૯માં એમને પ્રતિષ્ઠિત નંદશંકર (નર્મદ) ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ચંદ્રક પહેલીવાર અમેરિકા સ્થિત કોઈ સાહિત્યકારને આપવામાં આવ્યો છે.

તેમણે ‘અશક્ય’ અને ‘નામુમકિન’ ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.

“પૂર્વ” તેમનું પ્રથમ પ્રવાસ વર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તે પછી તેમના અનેક પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમણે અંગ્રેજીમાં પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જુઇનું ઝુમખું’ (ગીત અને ગઝલ સંગ્રહ) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘ખંડિત આકાશ’ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને’ ઓ જુલિયટ’ પ્રગટ થયા હતા. ‘એક સ્વપ્નનો રંગ’ તેમનો વાર્તા સંગ્રહ છે.

‘અવર ઇન્ડિયા’ તેમનું છબીકલા પરનું પુસ્તક છે.

થોડા સમય પહેલાં, આપણે એમની ટૂંકી વાર્તાઓનો લાભ લીધો હતો અને આજે મને ખૂબ જ આનંદ છે કે એમના જેવા સંપૂર્ણ સાહિત્યકારની નીવડેલી અને સક્ષમ કલમનો લાભ નવલકથા રૂપે આપણને ફરી મળી રહ્યો છે. તારીખ જુલાઈ ૬, ૨૦૨૦, સોમવારથી એમની નવલકથા “બે કાંઠાની અધવચ” આપણે શરૂ કરી રહ્યાં છીએ. પ્રીતિબેનનું “દાવડાનું આંગણું”માં ખૂબ આદરપૂર્વક સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપ સહુ આ નવલકથાને ખુલ્લા દિલે આવકારશો અને માણશો.

જયશ્રી વિનુ મરચંટ (સંપાદક)

બે કાંઠાની અધવચ

પ્રકરણ :

ટેલિફોન્ની ઘંટડી વાગતી રહેલી – એક, બે, ત્રણ

ઓહ્હો, સચિન અકળાવા માંડેલો.

ઓહ્હો, એ લેતી કેમ નથી? અંજલિને ચીઢ ચઢવા માંડેલી

ઓહ્હો, લઉં છું, કેતકી ફોનને કહેતી કહેતી રીસિવર ઉપાડવા દોડેલી.

Continue reading બે કાંઠાની અધવચ- પ્રીતિ સેનગુપ્તા

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૪-હું જતો રહું પછી

હું જતો રહું પછી

સવાર ક્યારે થઈ એની આજે જલદી ખબર પડે

તેમ હતું નહીં, કારણ કે આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું હતું. ભઈ, અહીં તો આવું જ હોય, કેશવભાઈ આ જાણતા હતા, તોયે એમણે આકાશ સામે જોઈને માથું હલાવ્યું. આમ સાવ કાળું કરી મૂકવાનું, ને તે ય રવિવારની સવારે?

થોડો ગડગડાટ થયો, જાણે કે વાદળોએ જવાબ આપ્યો, ને પછી આકાશ જે તૂટી પડ્યું છે, જાણે કેશવભાઈની વાત પર ગુસ્સે ન થયું હોય! જોકે એમને તો આ આકાશી નખરાં ગમતાં હતાં. એમણે જલદી જલદી ચહા બનાવી કપ લઈને એ બાલ્કનીમાં આવ્યા ત્યારે હજી વરસાદ ચાલુ જ હતો. “મૂશળધાર વરસાદનો અવાજ સાંભળતાં સાંભળતાં ગરમ ચહા પીવાની બહુ મઝા આવે, હોં,” એ હંમેશાં વીણાબેનને કહેતા. વીણાબેન સામે કહેતાં, “ના, પણ ઝરમર જેવું તો કઈં નહીં!”

હવે આમ તો કેશવભાઈએ મન વાળી લીધું હતું, ને રોજ ચહા પીતાં આંખો ભીની થવા દેતા નહીં. શરૂશરૂમાં બહુ અઘરૂં પડ્યું હતું એમને. ચહા ઝેર જેવી લાગતી અને આંસુ પણ એમાં ભળી જતાં. ટેવ પ્રમાણે માથું હલાવીને એ મનોમન કહેતા, ‘વીણી, તેં ટાઈમસર મને ચહા બનાવતાં શીખવાડી દીધું હતું, જાણે તને ખબર પડી ગઈ હતી કે મને જરૂર પડશે!’

વીણાબેન અને કેશવભાઈ સારી એવી મોટી ઉંમરે અમેરિકા આવી વસ્યાં હતાં. એકનો એક દીકરો હેમેન ભણવા માટે મિશીગન આવ્યો ત્યારે ’પાછો અમદાવાદ આવીશ જ’ એવી ખાતરી આપતો ગયો હતો. ત્યારે એ પોતે પણ ખરેખર એમ જ માનતો હતો. પણ, પછી જેમ બીજા હજારો દીકરાઓ સાથે બન્યું તેમ હેમનને પણ સરસ જોબ મળી ગઈ અને રૂપાળી લેટિના, મારિસૉલ સાથે પ્રેમ થયો ને એ બેઉ પરણી પણ ગયાં. પછી તો અમદાવાદ જવાની વાત લગભગ ભૂલાઈ ગઈ હતી.

પણ, હા, એવું નહોતું કે એ મા-બાપને ભૂલી ગયો હતો. એણે એમને અમેરિકા ફરવા બોલાવ્યાં, અને પછી ગ્રીન કાર્ડ પણ અપાવી દીધું. આ સમય દરમિયાન, એ અને મારિસૉલ સારી ઋતુ મળે એ આશયથી જેક્સનવીલ ફ્લોરિડામાં રહેવા આવી ગયાં. કેશવભાઈ અને વીણાબેને એમના ખાસ મિત્ર ધીમંતભાઈ અને સુશીબેન જ્યાં ટેમ્પા, ફ્લોરિડામાં રહેતાં હતાં, ત્યાં રહેવાનું પસંદ કર્યું હતું. કેશવભાઈ અને વીણાબેન સમજતાં હતાં કે હવે તો દેશમાં પણ દીકરા પર વધુ પડતો હક નથી કરી શકાતો તો પરદેશમાં તો વાત જ શી? આ કારણે એમણે દીકરા અને વહુથી થોડે દૂર રહેવામાં જ ડહાપણ સમજ્યું.

ધીમંતભાઈના બંને દીકરા, સુરેશ અને સુધીરની, બે મોટેલો હતી. એમણે ખુશીથી કેશવકાકાને કામ પણ આપી દીધું. કેશવભાઈએ નજીકમાં ગાડી ચલાવતાં પણ શીખી લીધું, જેથી બેઉ મોટેલમાં જરૂર પ્રમાણે જઈ શકાય. કેશવભાઈએ મન જલદીથી મનાવી લીધું હતું પણ વીણાબેનને થોડી વાર લાગી. એ હંમેશાં કહ્યા કરતાં કે મરવું તો ઈન્ડિયામાં જ છે, હોં. કેશવભાઈ પાસે એ વચન પણ લેવડાવતાં કે, જામનગરના સ્મશાનમાં જ મારે છેલ્લી ચિતા પર ચઢવું છે!

તે સમયે કેશવભાઈ ચીડથી કહેતા, “છેલ્લી ચિતા એટલે શું? તું કેટલી વાર ચિતા પર ચઢી છે?”

“અરે જિંદગીના દરેક દિવસે સ્ત્રીઓને ચિતા પર ચઢવાનું હોય છે. શું દેહને બાળે એ જ આગ? ને રોજ જીવ બળતો રહે એનું શું?” ધીમંતભાઈ કહેતા, “કેશવલાલ, તમે નહીં પહોંચો દલીલમાં, ને, હવે તો વીણાબેન, ઘણું શીખી ગયાં છે અને અમેરિકન બની ગયાં છે! આ સુશીને જ જુઓને!” અને સુશીબેન એથી આગળ એમને બોલવા પણ ન દેતાં!

અચાનક, વીણાબેન સાવ ટૂંકી માંદગી ભોગવીને, અમેરિકામાં જ, અણધાર્યાં જ જતાં રહ્યાં. કેશવભાઈ વચન પાળી નહોતા શક્યા તેથી લાંબા વખત સુધી એમનો જીવ બળ્યા કર્યો હતો, પણ, મનોમન એ રટતા રહેતા ‘વીણી, હું તારી ભસ્મ તો ઈન્ડિયા લઈ જ જઈશ!’ કેશવભાઈ અને ધીમંતભાઈ બેઉ સાથે ઈન્ડિયા જવાના હતા પણ કઈં ને કઈં કારણોસર એ હજી શક્ય બન્યું નહોતું.

હવે જાણે કે દિવસના કલાકો વધી ગયા હતા તેમ, કેશવભાઈ મોટેલના કામ પછી, હોસ્પિટલમાં વોલન્ટિયર તરીકે પણ જવા માંડ્યા હતા – અઠવાડિયામાં બે વાર તો ક્યારેક ત્રણ વાર પણ જતા. ક્યારેક નર્સો સાથે તો ક્યારેક ઈન્ડિયન ડોક્ટરો સાથે વાત કરતા. ને, ક્યારેક વળી, એકલા પડી રહેલા દર્દીઓને પણ એ કંપની આપવા બેસી જતા. એમને એવું પણ થતું કે જિંદગીમાં હજી કેટલું બધું જાણવાનું છે!

એક સાંજે કેશવભાઈના સેલ પર ઓચિંતો સુધીરનો ફોન આવ્યો. “કાકા, તમે પપ્પાના રૂમ પર જલદી આવો.” ધીમંતભાઈ છેલ્લા થોડા દિવસોથી એ જ હોસ્પિટલમાં દરદી હતા. ત્રણેક વર્ષ પહેલાં ધીમંતભાઈને હાર્ટમાં સ્ટેન્ટ મૂકાવેલો હતો. આમ તો સારું જ હતું પણ છેલ્લા થોડા સમયથી એમને ગભરામણ થતી હતી તેથી હોસ્પિટલમાં ટેસ્ટસ કર્યા પછી ઓબઝરવેશન માટે મૂક્યા હતા. તે દિવસે પણ એમને ગભરામણ થતાં, સુધીરે કેશવભાઈને ફોન કરીને બોલાવી લીધા હતા. હવે તો, કેશવભાઈ પણ વધુમાં વધુ સમય ધીમંતભાઈ સાથે વિતાવતાં. ધીમંતભાઈને વધુ શ્રમ ન પડે એથી વાતો ન કરતાં પણ એમને ગમતા ઝવેરચંદ મેઘાણીના ગીતો ગણગણતા રહેતા. ધીમંતભાઈ હંમેશાં કેશવભાઈને કહેતા કે, ‘અલ્યા, ઈશ્વરે શું અવાજ આપ્યો છે તને? શું સૂરમાં ગાય છે!’  અત્યારે પણ, જ્યારે કેશવભાઈ ગાતા ત્યારે ધીમંતભાઈના ફિક્કા મોઢા પર સ્મિત આવી જતું, અને આંગળી જરાક ઊંચી કરીને ધીરે અવાજે કહેતા, “વાહ, કેશવલાલ!”

ગયા બે દિવસથી ધીમંતભાઈને સારું હતું અને હવે થોડીક વાતો પણ કરવા માંડ્યા હતા. સુશીબેનેને એમનું મીઠું ચિડવવાનું પણ પાછું ચાલુ થઈ ગયુ હતુ. કેશવભાઈને એમ પણ કહેલું કે, “હું હવે સારો થવા માંડ્યો છું. તારો લાભ હવે બીજા વધુ બિમાર દર્દીઓને આપ.” હવે બે દિવસથી કેશવભાઈ પણ એમનો વધુ સમય બીજા બિમારોને આપવા માંડ્યા હતા.

એ સાંજે, ઓચિંતો જ સુધીરનો ફોન આવ્યો ને, એમને ધીમંતભાઈના રૂમ પર જલદી આવવાનું કહ્યું. કેશવભાઈ ઉતાવળે પગલે ધીંમંતભાઈના રૂમ પર ગયા. દિકરા-વહુઓ ચૂપચાપ દરવાજા પર જ ઊભા હતાં. સહુની આંખોમાં આંસુ હતાં. રૂમમાં કાળી ધબ્બ સ્તબ્ધતા હતી. ખાટલાની પાસે સુશીબેન નિર્જીવ પૂતળું બની ગયા હોય એમ ઊભા હતાં. કેશવભાઈનો મિત્ર કઈં પણ કહ્યા વગર અનંતની યાત્રા પર નીકળી ચૂક્યો હતો. કેશવભાઈ માથું હલાવતાં, આંખોમાં આંસુ સાથે, સ્વગત બોલી રહ્યા હતા, ‘અલ્યા, આવી છેતરપીંડી? મને મૂકીને આગળ જવાની આટલી ઉતાવળ? કેશવભાઈ ધીમંતભાઈને ઊઠાડવા માટે એમના હાથ ખેંચતા હતા અને કહેવા માંડ્યા, “ઊઠી જા, મારા ભાઈબંધ! આ શું નાટક કરી રહ્યો છે! જો, જો, બધાં જ તારા નાટકથી હવે ઈમ્પ્રેસ થઈ ગયા છે. ઊભો થા હવે!” અને એમનો અશ્રુ બંધ છૂટી ગયો! સુધીર એમને રૂમની બહાર લઈ ગયો અને કહે, “કાકા, આ શું કરી રહ્યા છો? તમારે તો અમને સહુને ધીરજ બંધાવવાની હોય. તમે ભાંગી પડો તો કેમ ચાલે?” બંને વહુઓ સુશીબેનેને પણ બહાર બીજી બાજુ લઈ ગઈ.

કેશવભાઈના ગળામાંથી હજી અવાજ નહોતો નીકળતો. વીણાબેન ગયાં ત્યારે પણ કદાચ એમને આટલો આઘાત નહોતો લાગ્યો. ધીમલો તો એમનો ભાઈબંધ જ નહીં, પણ, જોડિયો ભાઈ હતો. એના વગર એમના જીવનનો હવે કોઈ અર્થ પણ નહોતો! એટલામાં સુરેશ કેશવકાકા માટે પાણી લઈ આવ્યો. બંને ભાઈઓ ઊંચાનીચા થઈ રહ્યા હતા. એમણે કેશવભાઈને કહ્યું, “કાકા, એક પ્રોબ્લેમ છે અને એમાં તમારી સલાહ જોઈએ છે.” સુધીરે કહ્યું અને આગળ ચલાવ્યું.

“કાકા, અહીં રહેતાં અનેક ઈન્ડિયનોની જેમ, પપ્પાને પણ ઈન્ડિયામાં મરવું હતું અને એવું ન થાય તો મૃતદેહને ઈન્ડિયામાં બાળવો એવું પપ્પા માત્ર મમ્મીને જ કહીને ગયા હતા. મમ્મી હમણાં શોકમાં છે અને એને ખબર નથી કે એ શું કહી રહી છે!” એટલામાં જ સુરેશ અકળાઈને બોલ્યો, ‘અરે, ડેડ બોડીને પ્લેનમાં ઈન્ડિયા લઈ જવાય? કલાકોના કલાકો- અરે, બે દિવસ લાગે!”

કેશવભાઈ હચમચી ગયા અને એમના ગળામાંથી ઘાંટો નીકળી આવ્યો, “અરે, સુરેશિયા, ડેડ બોડી? તું શું બોલી રહ્યો છે? એ તારા પપ્પા છે!’

સુધીરે એમને શાંત પાડતા કહ્યું, “સોરી કાકા, એ પણ શોકમાં છે.”

કાકા કહે, “જો સુધીર, એમેને કોફિનમાં મૂકીને ત્રણ સીટો ખરીદીને પ્લેનમાં ન લઈ જવાય? તેં સરકારના અને કસ્ટમના નિયમોની તપાસ કરી છે ખરી?

“કાકા, તપાસ તો નથી કરી પણ, આ બધું કરવામાં કેટલો ખર્ચો થાય તેની તમને ખબર નથી લાગતી!’

“તો તને તારા પપ્પા કરતા, પૈસા વધુ વ્હાલા છે?” કેશવકાકાનો ઘાંટો મોટો થયો.

સુરેશથી બોલાઈ જવાયું, “તે તમને પૈસા વ્હાલા હતા, વીણાકાકી કરતાં? વીણાકાકી ગુજરી ગયા ત્યારે બોડીને કેમ ઈન્ડિયા ના લઈ ગયા? તમને વીણાકાકી કરતાં પૈસા વ્હાલા હતા?”

કેશવભાઈ, ઓચિંતા જ થયેલા આ આઘાતથી મૂઢ થઈ ગયા. વીણાની છેલ્લી ઈચ્છાની ખબર તો સુરેશને ખબર હોય એની શક્યતા નહીંવત હતી, છતાં સુરેશ આજે આવું બોલી ગયો! વાત તો સાચી હતી કે વીણાની છેલ્લી ઈચ્છા પોતે પણ ક્યાં પૂરી કરી શક્યા હતા? પણ તે ફક્ત ખર્ચાના હિસાબે નહીં. જો પોતે પૈસા માગ્યા હોત તો હેમેને કદાચ આનાકાની વિના પૈસા આપ્યા પણ હોત પણ એ કઈ રીતે લઈ જાત વીણાના મૃતદેહને? પોતે જ ખુદ મરવા જેવા થઈ ગયા હતા અને તદુપરાંત, વીનાના મૃતદેહમાં, ચેપી, અજાણ્યા બેક્ટિરિયા અને વાયરસનો મેડિકલ પ્રોબ્લેમ પણ થઈ ગયો હતો તેથી, મૃતદેહને પ્લેનમાં લઈ જવાની રજા સરકાર અને મેડિકલ ઓથોરીટી પાસેથી મળવાની કો જ શક્યતા હતી જ નહીં.. કેશવભાઈ પોતાનામાં જ ખોવાઈ ગયા. સુરેશે એમની દુખતી રગ પર હાથ મૂકી દીધો હતો.

સુધીરે પરિસ્થિતિને સંભાળી લેવા કહ્યું, “કાકા, મોટેલો છોડીને જવું શક્ય પણ ક્યાં છે? તમે તો બધું જ જાણો છો!”

“હા ભઈ, બરબર છે” અને આશિર્વાદમાં હાથ ઊંચો કરીને ત્યાંથી નીકળી ગયા.

એમણે પોતાની શાંતિ માટે પછી તો મૃતદેહને ઈન્ડિયા કેવી રીતે મોકલી શકાય એની તપાસ કરી અને એના વિષેની વિગતો જાણીને એમને માનવામાં જ ન આવ્યું! કેટલી બધી અમેરિકાની અને ભારત સરકારની પરમીશનો લેવી પડે અને ફોર્મસ ભરવા પડે અને એના પછી પણ એ રજા મળે કે ન મળે, અને ખર્ચો પણ ખૂબ જ થાય! આ બધું કર્યા પછી પણ મૃતદેહને તો કાર્ગોમાં જ, બીજા બધા સામાન સાથે જ લઈ જવો પડે, આથડતાં, પછડાતાં! આ બધી બાબત સમજી શકાય એવી હતી છતાં કેશવભાઈને એ મૃત સ્વજનના અપમાન જેવી લાગી. કોણ જાણે કોફિન ચઢાવતા-ઊતારતા, કદાચ પછાડે કે ફેંકે પણ ખરા..! સારું જ થયું કે વીણીને એ રીતે ન મોકલી કે ન લઈ જવાયું. આ સાથે જ જીગરી મિત્રના અથડાતા-પછડાતા દેહના વિચારે કેશવ્ભાઈનો શ્વાસ રૂંધાઈ ગયો!

ધીમંતકાકાની પાછળ ગોઠવેલી પ્રાર્થનાસભામાં હેમેન અને મારિસૉલ જેકસનવિલથી ખાસ આવ્યાં હતાં. એ બેઉએ કેશવભાઈને ખૂબ સમજાવ્યા કે હવે એમના ખાસ મિત્ર, ધીમંતકાકાના જવા પછી કેશવભાઈ સાવ એકલા પડી ગયા છે તો કેશવભાઈએ જેકસનવિલ આવી જવુ જોઈએ. હેમેને એમને કહ્યું પણ ખરું, “પપ્પા, તમારી તબિયત પણ સારી નથી લાગતી. આવી જાઓ અમારી સાથે રહેવા.” પણ, કેશવભાઈ માન્યા નહીં, ને, સામે દલીલ કરી કે, “મારી ચિંતા ન કરો. હું ઠીક થઈ જઈશ અને જ્યારે થશે કે નથી રહેવાય એમ, ત્યારે તમને જણાવી દઈશ, જરાય મૂંઝાતા નહીં, દીકરા.”

વીણાબેનની ગેરહાજરીને પચાવવા જેમ એમણે માનસિક મહેનત કરી હતી તેમ હવે ધીમંતભાઈની ખોટને સહ્ય બનાવવા કરવા માંડી, પણ, ઝવેરચંદના ગીતો ગળામાં અટકતાં હતાં. સતત ઉચાટ અનુભવાતો હતો, અને મગજમાં ઘૂમરીઓ ઊઠતી હતી. કેશવભાઈને જ્યારે આ ઉચાટનું કારણ જ નહોતું સમજાતું તો ઉપાય તો ક્યાંથી જ સમજાય? કેશવભાઈએ હમણાં તો મોટેલમાં જવાનું ચાલુ રાખ્યું હતું. ધીમંતભાઈના દીકરાઓને અને સુશીબેનને કેશવભાઈ દુખ પહોંચાડવા નહોતા માગતા. હોસ્પિટલમાં હવે તો એ રોજ જતા. ઈન્ડિયન દર્દીઓને ખૂબ જ મદદરૂપ થતા પણ, અન્યભાષી દર્દીઓને પણ કેશવભાઈ એમના સહ્રદયી મિત્ર લાગતા. દરેકના જીવનની પરિસ્થિતિઓ જોઈને એમને થતું કે વીણીનું કહેવું સાવ સાચું હતું કે ખરેખર માણસમાત્રને રોજેરોજ ચિતા પર ચઢવું જ પડતું હોય છે!

એક દિવસ, જેના બચવાની કોઈ આશા નહોતી તેવા એક દર્દી અને એના કુટુંબીજનો પાસેથી મેજીક શબ્દો, “ડોનેટ ફોર સાયન્સ” સાંભળ્યા અને એનો અર્થ જાણ્યો કે જાણે એમના મનમાં ઊઠતા વિચારોના વમળો સ્થિર થઈ ગયાં અને મનમાં સતત રહેતા ઉચાટમાંથી જાણે ઉઘાડ થઈ ગયો! આટલા દિવસોની મૂંઝવણનું કારણ પણ સમજાયું અને ઉપાય પણ મળી આવ્યો!

કારણ તો એ હતું કે પોતાના મૃત્યુ પછી કેશવભાઈ એકના એક દીકરા હેમનને કે બીજા કોઈનેય કોઈ પણ રીતે હેરાન કરવા નહોતા માગતા. ઈન્ડિયામાં જઈને મરવાની કે બળવાની તો વાત જ નહોતી. છતાં એ દ્વિધા કોઈના પણ મનમાં ન રહે તેવું તેઓ ઈચ્છતા હતા. એવામાં ‘દેહદાન’ જેવો શબ્દ એમને જાણવા મળ્યો, અને જાણે મન પરથી ભાર ઊતરી ગયો. ઘણા દિવસે કેશવભાઈને ઝવેરચંદ મેઘાણીના ગીતો ગણગણવાનું મન થઈ આવ્યું. દેહદાન માટેની જરૂરી માહિતી એમણે મેળવી લીધી અને એને માટેના જરૂરી બધાં જ ફોર્મસ ભરીને નોંધણી પણ કરાવી લીધી. એ સાથે જ, એમને વીણાબેનની ભસ્મ, જે હજી અહીં જ હતી, એને માટે પણ સરસ આઈડિયા સૂઝી આવ્યો.

એમણે ધીરજથી વીલ લખ્યું. એની ચારેય કોપી નોટોરાઈઝ્ડ પણ કરાવી લીધી. હેમનને હમણાં નહીં પણ સમય આવે એ કોપી મળે એની વ્યવસ્થા પણ એમના વીલમાં કરી, એટલું જ નહીં, પણ, હેમેનને એની કોપી ઘરમાંથી સહેલાઈથી મળી આવે, એવી રીતે ઘરમાં મૂકી.

એમના વીલમાં બે મુખ્ય બાબતો હતી, અને આ બેઉ આ દેશમાં શક્ય હતી એની ખાતરી પણ કરી લીધી. આ બેઉ બાબતો નીચે પ્રમાણે હતી. “એક વાત એ કે, હું જતો રહું પછી મારો દેહ હોસ્પિટલમાં વિજ્ઞાનના લાભ માટે દાન કરવો. બીજી વાત એ કે, હું જતો રહું પછી, હોસ્પિટલમાંથી દેહદાનની વિધી પતી જાય પછી, અગ્નિદાહ કરવો અને મારી ભસ્મ સાથે મારી પત્ની વીણાની રાખ મેળવીને એને ધરતી પર ઝરમરાવી શકાય તો એમ કરવું (જો વીણી, તને ગમતી હતી તેવી ઝરમર તું જ થઈ જવાની) અને જો એ શક્ય ન હોય તો અમારી ભસ્મ દરિયામાં વહેવડાવી દેવામાં આવે. (વીણી, વરસાદનો અવાજ નહીં તો મોજાંનો ઘૂઘવાટા તો હશે સાથે!)

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૩-દરિયા વગરના દિવસો

દરિયા વગરના દિવસો

એમનું નામ બહુ સરસ હતું, અરુણોદય. જાણે બંગાળી-બંગાળી લાગે, અરુણોદય. એ કહેતા કે એમના ફાધરનું પોસ્ટિંગ બહુ શરૂઆતમાં ઉત્તર બંગાળીમાં થયેલું. ત્યાં આ નામ એમણે સાંભળેલું, ગમી ગયેલું, ને યાદ રહેલું. પછી ફાધર જ્યારે પરણ્યા, અને દીકરો જન્મ્યો ત્યારે ફાધરે આ નામ પાડવાનો આગ્રહ રાખ્યો. પછીથી સ્કૂલમાં એમણે નામ નવેસરથી ફક્ત અરુણ લખાવ્યું. બીજા કેટલાયે અરુણોમાંના એક બની ગયા. પણ એ કોલેજમાં આવ્યા, અને કળાકાર તરીકે ઓળખાવા લાગ્યા ત્યારે ફરીથી અરુણોદય નામ એમણે અપનાવ્યું. બીજાં બધાં માટે એ એમનું તખલ્લુસ હતું. કેવળ મારે માટે જ એ એમનું રીતસરનું નામ હતું. હું એમેને અરુણોદય કહીને બોલાવતી ત્યારે બધાંને થતું કે હું એમની મજાક કરું છું. એ જાણતા કે એવું નહતું. એમણે મને કહ્યું હતું કે મારે મોઢેથી એ નામ સાંભળવું એમને બહુ ગમતું હતું. હું ચિડાવતી, “શું પોતાના જ નામના પ્રેમમાં પડી ગયા છો?” એ કહેતા, “ના તારા પ્રેમમાં!’ ને, હું હસતી – મોટી જોક હોય એમ!

        દરરોજ અરુણોદય સાથે વાતો પૂરી થતી નહીં. જોકે અમે બે એકલાં હોઈએ ત્યારે સંકોચ થવા માંડતો, કે ચૂપ થઈ જવાતું. શાથી, તેની ખબર વળી શાની પડે? બીજાં સાથે ટોળામાં હોઈએ ત્યારે અમારું વાકચાતુર્ય બહુ ખીલતું – અરુણોદયનું, ને એટલું જ મારું પણ!

        આ પ્રેમનું પણ કૈં ગજબ હોય છે. એ અદ્રશ્ય હોય, ભૂગર્ભમાં જતો રહે, સમાંતર ધારા થઈને ચાલે. જોકે આ બધું કુશલા સમજી, અને કેટલુંક અનુભવી પણ ચૂકી, ત્યારે વચમાં ઘણાં વર્ષો વીતી ગયેલાં, એ પછી, છેલ્લે, કશો અણજાણ્યો પસ્તાવાનો ભાવ એને કોરી રહેતો હતો, તે પણ પ્રેમનું જ એક સ્વરૂપ. જાતે જ એક જણને ખોઈ બેઠાં હોવાનું ભાન થવું –મોડું મોડું, તે આ સ્થિતિ છે. કુશલાના બી.એ. પાસ કરતાં જ લગ્ન થઈ ગયેલાં. એને તો વધારે ભણવાની ઈચ્છા હતી, પણ પાત્ર બહુ સારું હતું, એમ એણે સાંભળ્યા કર્યું હતું. સુનય સાથે મળવાનું થયું તે પછી એ પણ મનોમન એવું જ કહેવા માંડી ગઈ હતી. સુનય ઊંચો ને દેખાવડો હતો, હસમુખો અને હોશિયાર હતો, એટલું જ નહીં, પણ એક શીપિંગ કંપનીમાં મોટો ઓફિસર હતો. એના સફેદ યુનિફોર્મમાં તો એ એવો સરસ લાગતો કે એના પર ધ્યાન જાય જ! કુશલાની બહેનપણીઓ કહેતી કે એ બરબર રણબીર કપૂર જેવો લાગે છે! સુનય વર્ષના કેટલાય મહિના બહાર રહેતો હતો, એના પર જાણે કે કોઈનું યે ધ્યાન જ ના આપ્યું. એ બહાર જ નહીં, પણ એને તો સામટા ઘણા મહિના દરિયા પર રહેવાનું થતું હતું. કોણ જાણે કેમ કોઈનેય એ વાત વિચારવા જેવી કેમ ન લાગી? કુશલાને પણ એ બાબત વિચારવા જેવી ન લાગી! એ પ્રશ્ન કુશલાએ પોતાને પૂછ્યો હતો. પણ તે તો લાંબા સમય પછી! એ દરમિયાન એ કહેવા માંડેલી, “હું હવે બરાબર ખલાસી બની ગઈ છું.” એ તો સારું હતું કે એને ક્યારેય દરિયો નડ્યો નહીં. સુનય ગર્વ કરીને બધાંને કહેતો; “કુશલામાં ને મત્સ્યકન્યામાં કોઈ ફેર ખરો?”

          સંસાર આવો હોઈ શકે તેવી કલ્પના પણ કુશલાએ કરી નહોતી. કુશલાને માટે તો આ જ એના જીવનની શરૂઆત હતી. આગલા વર્ષોનું જીવ્યું જાણે ફક્ત અત્યાર માટેની તૈયારી રૂપે જ હતું. જે છૂટ્યું હતું તે સાનંદ છૂટ્યું હતું. કોઈ કે કશું એને યાદ નહોતું આવતું. મમ્મી-પપ્પાની સાથે તો ફોનથી વાતો થતી જ રહેતી, અને હવે તો સ્કાઈપના સિગ્નલ સાગર પર પણ આવી શકતા હતાં. કુશલાએ પેરિસમાં વાળ કપાવેલાં, તેને એની મમ્મીએ નોટિસ કર્યું હતું.

ત્રણેક વર્ષ પછી પહેલીવાર નાના ભાઈ કેયૂરનાં લગ્ન પર કુશલા અને સુનય બંને ઈન્ડિયા ગયેલાં. નાની ભાભી જુહી બેંગલોરની હતી. બધાં જાન લઈને ત્યાં ગયાં હતાં. લગ્નના અસંખ્ય સમારંભો પછી છેક અમદાવાદ જવા જેટલો ટાઈમ સુનય પાસે હતો નહીં. ઘરનાં બધાં જ ત્યાં મળી ગયેલાં એટલે કુશલા પણ એની સાથે જ સ્ટીમર પર પાછી જતી રહી હતી.

કુશલાને કાંઠા-કિનારાની ઝંખના ક્યારેય થઈ નહોતી. એને મઝધાર જ બહુ ગમતો. સાગર અને ગગનની ભૂરી ભૂરી છીપની વચમાં કીમતી મોતી જેવું વહાણ, એ પવનના સંગમાં દૂર દૂર સરકતું જતું હોય, ને ક્ષિતિજ હસતી હસતી નજરની સાથે રમતી હોય. બસ, આ જ જોઈને કુશલા રોજ વિસ્મય અનુભવતી, – કેટલા બધા દરિયા, એક પછી એક, એકમેકની સાથે ગુંથાયેલા લાગતા! એકસરખા તોયે જુદા! કુશલા વિચારતી, ઝરણું હોય તો નાચતું-કૂદતું જાય, નદી હોય તો વળાંક લેતી હોય, દરિયો હોય તો ઊછળીને પણ બતાવે. તો પોતાના જીવનનો આ કેવો પ્રવાહ છે, જે સતત સીધો ને સરળ જઈ રહ્યો છે? શું તે ઊંડો નથી એટલે ચંચળ નથી? એકવિધ છે તેથી ક્યાંય વળતો નથી? કેવો જુદી જ જાતનો હશે એના જીવનનો જળ સમૂહ? કદાચ, એવી કોઈ વાર્તા હશે કે જેને કોઈ મધ્ય ના હોય ને કોઈનેય તેમાં રસ ન પડતો હોય?

પહેલાં એકવાર તો આ વિચારથી કુશલાને હસવું આવી ગયું. પણ પછી, પવનની સાથે હાથમાંનો લાંબો સ્કાર્ફ ફરકાવવાની રમત રહેવા દઈને, એ ગંભીર બની ગઈ. સુનય સાથેના આ જીવનથી જુદું એને કશું જ જોઈતું નહોતું. બધી જ બાબતે બેઉના વિચારો મળતા હતાં અને સરખા હતાં, સિવાય કે બાળકના સંદર્ભમાં ક્યારેક કુશલાને લાગતું કે એ કદાચ ક્યારેક જુદું વિચારે છે! સુનયને બાળકો નહોતા જોઈતા. કુશલા પણ સંમતિથી કહેતી કે, “હા, પૃથ્વી પર છોકરાંની ખોટ નથી. તો, આપણાં એક કે બે બાળકોને જ પ્રેમ કરીએ એનાં કરતાં અનેકોને પ્રેમ કરી શકીએ તો વધારે સારું છે.” ગરીબ બાળકોના હિત માટે કામ કરતી સંસ્થાઓને તેઓ નિયમિત રીતે દાન કરતાં.

પણ, ક્યારેક જ કુશલાને થતું કે આવા સરસ સુનયનો વંશજ હોવો જોઈએ! સુનય આ વાતને હસી કાઢતો અને કુશલા ત્યારે અંદર જ ગૂંચવાતી. “એકલા સુનયનું જ કારણ કેમ, મારું પોતાનું પણ આમાં કારણ અથવા માનવાનું પણ હોય કે નહીં?” આ પ્રશ્નનો એને કદી જવાબ નહોતો મળતો. બાકી આમ તો બેઉ એ વિચારીને ખૂબ જ ખુશ થતાં કે અચાનક જ મળી ગયેલાં આપણી વચ્ચે કેટલો બધો પ્રેમ છે! સમય વિતતો જતો હતો. છ એક મહિના પછી, મમ્મીની પંચોતેરમી વર્ષગાંઠના પ્રસંગે ભારત જવાનું થયું. બેઉએ એવું નક્કી કર્યું કે કુશલા આગળ જાય અને સુનય પછીથી આવશે. જવાના બે મહિના પહેલાં કુશલાને થોડુંક જુદું જુદું લાગતું હતું-એના દેહમાં અને મનમાં! ત્રીજે મહિને પણ એ રજસ્વલા ન થઈ ત્યારે એને કોઈ શંકા ન રહી. એને સુનયને બધું જ કહેવું હતું, પણ, પહેલાં, આ બાબતે એ થોડું પોતે જ વિચારવા માગતી હતી. ધીરજથી વાત કરવાનો સમય મળે એ પહેલાં જ કુશલાને ઈન્ડિયા જવા નીકળી જવું પડ્યું. એને થયું, સુનય એકાદ અઠવાડિયામાં તો ઈન્ડિયા આવવાનો જ છે ત્યારે નિરાંતે વાત કરાશે. પણ, અંતમાં એવું બન્યું કે મમ્મીની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે, સુનયથી સ્ટીમર પરની જવાબદારીઓને કારણે અવાયું નહીં. કુશલા અમદાવાદ પહોંચી ત્યારથી જ એને થાક બહુ લાગતો હતો. અચાનક જ કુશલાને પેટમાં દુખાવો ઊપડ્યો. ડોક્ટર પાસે ગયાં ત્યારે ચૂકાદો એ આવ્યો કે બાળક બચ્યું નહોતું ને પેટમાં જ મૃત્યુ પામ્યું હતું. “પહેલીવારની પ્રેગનન્સીમાં આવું થાય, એમાં કઈં બહુ ચિતાનું કારણ નથી.” ડોક્ટરે કહ્યું હતું.

કુશલા મનમાં હેબતાઈ ગઈ હતી, “આ કેવું? એ આવ્યું ક્યારે અને ગયું ક્યારે? આવું છું અને જાઉં છું એવું કશું જ કહેવાનું નહીં?” પહેલીવાર એને પવનની દિશા અને મોજાંનું જોર અનપેક્ષિત લાગ્યાં. એને એ પણ થયું, ‘બાળક તો જોઈતી ચીજના લીસ્ટમાં હતું જ નહીં, તો એના નહીં હોવાનું દુખ કેમ?” આટલી સમજણ હોવા છતાંયે એને માટે કિનારો રેતાળ થવા માંડ્યો હતો!

        થોડા દિવસ પછી એની કોલેજની એક સખી, હીનાએ સહુ મિત્રો સાથે મળવાનું ગોઠવેલું. એણે કુશલાને કટાક્ષમાં કહ્યું હતું કે, “તું જોજે તો ખરી કે કોઈ ઓળખાય છે કે નહીં!” કુશલાને સાચે જ કોઈ તરત ઓળખાયું નહીં! વચમાં દરિયા જેટલાં લાંબા સાત વર્ષ વીતી ગયા હતા. ધીરે ધીરે એ જૂની બહેનપણીઓ સાથે વાત કરવા લાગી. એ બીજાં વિષે રસ બતાવતી રહી અને પોતા વિશે વાત કરવાનું ટાળતી રહી. ત્યાં જ એની પાછળથી કોઈએ પૂછ્યું, “શું મારી સાથે વાત કરવાનો વારો આજની તારિખમાં આવવાનો ખરો?” આટલા વર્ષે પણ કુશલાએ એ અવાજ ઓળખી લીધો. “અરુણોદય?” બસ, અને એ કોલેજના સ્વરૂપમાં હતી એવી એના ચતુર, ચપળ અને હસતી-હસાવતીના અવતારમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ. આ સાત વર્ષોમાં અરુણોદય પણ પરણી ગયેલા. એમણે એને કહ્યું પણ ખરું કે, “હા, બધાની જેમ હું પણ સંસારનું સુખ પામી રહ્યો છું.” ત્યાં જ નજદીક ઊભેલું કોઈક બોલ્યું, “કુશલા, અમે બધાં જ મધર અને ફાધર થઈ ગયાં છીએ પણ તું હજી એવી ને એવી જ દેખાય છે!”  કુશલા અને અરુણોદયે, એ સમયની ટેવ પ્રમાણે ત્વરિત ચાતુર્યોક્તિઓમાં થોડો સમય ગાળ્યો હતો, એની યાદ આવતાં જ કુશલા તરત જ બોલી ઊઠી હતી. “અરે, હજી તો થોડી જ ગઈ છે અને બહુ તો બાકી છે!” કુશલા બીજાઓ સાથે આમ હસવા-બોલવામાં સમય ગાળતી હતી ત્યારે પણ એને એમ જ લાગતું હતું કે અરુણોદય એને જ જોઈ રહ્યા હતા, બિલકુલ એવી રીતે, જેમ એ એમને જ જોઈ રહી હતી!

        ખરેખર તો એને થયું કે આ સમય દરમિયાન અરુણોદય એને પ્રમાણી રહ્યા હતા. કોલેજકાળમાં જેમ એ કુશલાના પ્રત્યેક હાવભાવ, અરે એની આંખના પલકારાને પણ ઓળખી શકતા, શું એ જ પ્રમાણે હજુ આજે પણ એને જાણતા હતા? કુશલાએ બાળક ગુમાવ્યું હતું એ બધાંથી છુપાવી રાખ્યું હતું. ભાઇ-ભાભી પાસેથી પણ કોઈનેય ન જણાવવાનું વચન લીધું હતું, એટલે સુધ્ધાં કે મમ્મીને પણ નહોતું જણાવ્યું! એના મનમાં, જીવનમાં અકસ્માતે ખાલી પડી ગયેલી એ જગા આજે જાણે અરુણોદયની નજરોમાં પકડાઈ જતી હોય એમ લાગતું હતું.

        કુશલા ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. અરુણોદય બહાર ઊભ ઊભા એની જ રાહ જોતા હતા. એમણે ઓચિંતો કુશલાનો હાથ પકડીને એને રોકી. સહેજ જેવો સ્પર્શ, ને એ સાથે જ બધા દરિયાનાં બધાં મોજાં ત્યાં ને ત્યાં થંભી ગયા! સચેતન કુશલા જાણે બધીર બની ગઈ હતી! જાણે મધદરિયે આવેલા ઝંઝાવાતમાં ફાટતા જતા શઢની જેમ વીતેલાં વર્ષોના લીરા ઊડવા માંડ્યા હતા! અરુણોદય કશું કહી રહ્યા હતા પણ એ જાણે કશું જ સાંભળી શકતી નહતી!

“તું થાકેલી લાગે છે. ફરી મળજે.” કુશલાને લાગ્યું, કદાચ અરુણોદય એમ બોલ્યા હતા કે, “કોઈ પણ વાત કરવી હોય તો ફરી મળજે!” ખારી હવામાં સૂકાતો હોય એવા અવાજે કુશલા બોલી, “ચોક્કસ.” અને, પકડાયો હતો તેવો જ ઓચિંતો જ હાથ છૂટી ગયો. કુશલાને લાગ્યું, બધા જ દરિયા એકસામટા મઝધારેથી વરાળ થઈ ગયા!

******

“સમય વીતતો ગયો. સુનય અને હું હજી દરિયા પર જ છીએ, હા, પણ, વહાણ પર નહીં. સુનયને હાર્ટએટેક આવ્યો પછી એણે વહેલી નિવૃત્તિ લઈ લીધી હતી. એના જેવાને કોઈ પણ માંદગી નડે એની જ નવાઈ! તે પછી અમે મુંબઈથી થોડે દૂર એક ઘર લઈ લીધું છે. દરિયા પર દરિયા પાસે તો રહેવું જ હતું. સુનયથી પણ વધારે મારે! છીપની વચમાં કે મઝધાર પર ના રહી શકું, પણ, એવા કિનારે તો રહી શકું કે જ્યાં જોરદાર મોજાંની સાથે મઝધાર મારી પાસે આવી પણ શકે અને જઈ પણ શકે!

સુનયે એક કિતાબ લખવી શરૂ કરી છે. એ કહે છે કે દરિયા સાથે વિતાવેલા સમય પર લખી રહ્યા છે. હું માનું છું કે ધીરે ધીરે લખાણ દરિયા વગરના દિવસો ઉપરનું થતું જશે! મને ઘણીવાર એવું કેમ લાગે છે કે સુનયને મારી અંદરની ખાલી જગા દેખાઈ ગઈ છે? કઈ રીતે દેખાઈ હશે? શું મારી આંખોની અંદર જોયું હશે, સુનયે, કે, પછી મારા સ્મિતોની પાછળ? એ કશું જ બોલ્યા નથી, પણ, મનેય સુનયની અંદર બની ગયેલી ખાલી જગ્યાનો અંદેશો આવી ગયો છે. શું કારણ હશે એનું? શું થયું હશે સુનયને? હું પણ કશું બોલતી નથી. સાંજે ભીની થયેલી રેતી પર અમે ચાલવા નીકળીએ છીએ ત્યારે અમારી બાજુમાં કેટલાયે જુદા જુદા દરિયા ઘુઘવતા હોય છે. અમે વાતો કરતાં રહીએ છીએ, ને, પોતપોતાની અંદરની ખાલી જગ્યાને એકબીજાંથી સંભાળતા- સંતાડતાં રહીએ છીએ, પોતપોતાના ખાનગીપણાંને ખાનગી રાખતાં!

મારે તો જે અકસ્માત્ ગુમાવી દીધેલું, તેની યાદ ઉપરાંત સમજ્યા વગર જેને જતો કરેલો તે પ્રેમ માટેનો અપરાધભાવ પણ સાચવતાં રહેવાનું છે. જો આટલું મારી પાસે ન બચી શકે તો ફક્ત પેલી ખાલી જગ્યા જ બાકી રહી જશે, એવો ભય મને સતત સતાવે છે.

અરુણોદય, કેટલું સરસ હતું એમનું નામ! “અરુણોદય”, હું પછી ક્યારેય એમેને મારા અવાજમાં આ નામ સંભળાવી ન શકી. એ નામ કેવળ દરિયો સાંભળે એમ ઉચ્ચારવાનુંયે બન્યું નહીં. જેવું એ નામ બોલવા જાઉં છું કે એમણે વર્ષો પહેલાં કહેલા બે શબ્દો પડઘાય છે –“તારા પ્રેમમાં- દરિયામાંથી કિનારા સુધી, પાણીમાંથી રેત સુધી, પાણીમાંથી રેત સુધી, મઝધારમાંથી મારા સુધી…!”

*********

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૨-એકનો એક પ્રેમી

એકનો એક પ્રેમી

હમણાં હમણાંથી કિનારી બહુ વિચિત્ર મુડમાં રહેતી હતી. ક્યારેક ઉદાસ અને ક્યારેક ચૂપ થઈ જાય, તો ક્યારેક અધીરી ને ઉતાવળી થઈ જતી, પણ અકળાયેલી તો હંમેશાં જ રહેતી એવું કેશવને લાગતું હતું. વાત વાતમાં ચિડિયાં કરતી રહેતી અને જીભયે કડવી થઈ ગયેલી. એને વારંવાર બધી બાબતમાં વાંકું જ પડ્યા કરતું.

સારું હતું કે કેશવ સ્વભાવે ધૈર્યવાન હતો. ૨૨ વર્ષોના લગ્નજીવન પછી પણ કેશવને કિનારી હજી એટલી જ ગમતી હતી> કિનારી – એની કિની, આખો દિવસ બેગમ અખ્તરની ગાયેલી ગઝલો ગણગણતી જાય, ને, ઘર આખામાં ફરતી જાય. કોઈવાર કેશવ એને બાથમાં લઈ લે. અને “એ મહોબ્બત તેરે અંજામ પર રોના આયા” જેવી લીટી ગવાતી હોય તો એને પૂછે, “કેમ ભઈ, તારા પ્રેમનો એવો કેવો અંજામ આવ્યો છે? અહીં હું તો તારો પડ્યો બોલ ઝીલવા હાજર તો છું, એથી વિશેષ બીજું શું કરું, કહે!” કિનારી એના ગાલ પર ટપલી મારતી ને, હસતી ત્યારે એવી સરસ લાગતી, કે ભાગ્યે જ કેશવને જો એના પર ગુસ્સો આવ્યો હોય તો કિનારીનું સ્મિત જોતાં જ લાપતા થઈ જતો! આવી સદા હસતી, ગાતી એની “કિની”ને આ શું થઈ ગયું છે, કેશવ પોતાને જ પૂછ્યા કરતો.

હવે તો કેશવ જે કઈં પણ બોલે કે કરે એમાં એને વાંધો જ પડતો. “આજે જમવામાં કઈંક સરસ બનાવજે” એવું કહે તો જવાબ મળતો, “કેમ રોજ બનાવું છું તો સારું નથી હોતું?” જો કેશવ એવું કહે કે “ચાલ, આજે બહાર જમવા જઈએ.” તો તો આવી જ બન્યું! કિનારી છણકો કરીને કહેતી, “કેમ હવે ઘરનું ખાવાનું નથી ભાવતું?” સૌથી વધારે કડવાશ સુહાસિની અને ડેવિડની બાબતે આવી ગઈ હતી. આમ તો એ લોકો એકેમેકને ઘણાં વર્ષોથી ઓળખતાં હતાં, અને, વખતોવખત ભેગાં પણ થતાં. પણ, હમણાંથી કિનારીને વાંધા જ પડતાં. “આમ તો નામ છે દેવેન્દ્ર, પોતે પક્કો ઈન્ડિયન, તો ડેવિડ નામ રાખવાની જરૂર શી? અને પાછાં બહેનબા પાછાં પોતાને ફક્ત “સુ’ – સુંદરનો “સુઉઉઉઉ…!” અમેરિકામાં લોકોને જીભે ચડે એટલે દેવેન્દ્રે “દેવ/ડેવિડ” નામ કર્યું હતું અને સુહાસિનીનું “સુ” કર્યું હતું. અરે, કિનારી પોતે પણ પોતાનું હુલામણું નામ “કિની” જ બધાને કહેતી. કેશવ જો આ વાત યાદ કરાવતો તો, કિનારી સામો હુમલો કરતાં વ્યંગમાં કહેતી, “હા ભઈ, તમારી “સુ”ની વાત તો ન જ થાય!”

આજકાલ સુહાસિનીના ઘણા ફોન આવતા પણ એ કેશવના મોબાઈલ પર જ ફોનો કરતી. કિનારીને આમ તો એની જાણ ન થાત પણ એકવાર કેશવ આઘોપાછો હતો ત્યારે એના મોબાઈલની ઘંટડી વાગતાં, એણે ફોન ઉપાડ્યો હતો. કિનારીને ખૂબ નવાઈ લાગી હતી કે સુહાસિનીને કેશવના મોબાઈલ પર ફોન કરવાની એવી તે શું જરૂર પડી? ઘરના જ નંબર પર જ ફોન કરવાનો હોય ને? તે સમયે તો એણે સુહાસિની સાથે વાત પતાવી પણ પછી કેશવ પર તૂટી પડી, “છાનુંમાનું તમારા બેઉ વચ્ચે આ શું ચાલી રહ્યું છે?”                કેશવે એને પાસે બેસાડીને કહ્યું, “અમારી વચ્ચે કઈં જ નથી ચાલતું પણ ડેવિડ ખૂબ માંદો છે. એને કદાચ પ્રોસ્ટેટનું કેન્સર છે. આ બધી વાતોમાં મારી સલાહ પૂછવા મને ફોનો કરતી હોય છે.”                                                                                   “ઓહો, એ માંદો છે તો મને કહેવામાં શું તકલીફ પડી તમને બંનેને? અને તું કઈં ડોક્ટર તો નથી તો તારી સલાહ શું કામ માંગવી પડે?” તોયે, કેશવે એની સામે કોઈ દલીલ ન કરી, કે ન ગુસ્સો કર્યો. કિનારીના વાળ સહેલાવીને એ મીઠું હસ્યો, ને, પછી, કિનારીને ગમતી ડીવીડી ચાલુ કરી. હવે ઉદાસ થઈ ગયેલી કિનારી સોફા પર જરા આડી પડી. એને થોડી શરમ પણ આવતી હતી કે કેમ એનું મન આવું કરતું હતુ, પણ, એટ અ ટાઈમ, આવું કેમ થઈ જતું હતું એની એને ખબર જ નહોતી પડતી! શુજાતખાનના ગળામાં, અમીર ખુશરોનું ગાન ચાલુ હતું, “છાપ, તિલક સબ છીની રે, મોસે નૈના મિલાય કે..!” આ સુફી પ્રેમ ગીત સાંભળતાં જ કિનારીએ દિલ પર હાથ મૂક્યો.. એના મુડના ચઢાવ-ઉતારની પાછળ હતો બિજૉન, અને તે પણ આટલાં વર્ષે! કિનારી એને ભૂલી જ ગઈ હતી. એની યાદોની કનડગતને થંભી ગયે તો જમાનો વીતી ગયો હતો…! અમેરિકામાં કેશવ સાથેનું એનું જીવન સુખી હતું. વ્હાલસોયાં દિકરો-દિકરી, સારાં મિત્રો, મોટું ઘર અને ઈન્ટરનેશનલ વેકેશનો, અને એ સાથે કેશવ હજી એના પર મુગ્ધ રહ્યો હતો! આનાથી વધુ સુખ પણ શું હોય શકે?

આમ તો ભૂતકાળની યાદને માટે કોઈ જ કારણ નહોતું, પણ થોડા સમય પહેલાં, મેનહૅટનમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલના પ્રસંગે એણે બિજૉનને જોયો હતો. પહેલાં કરતાં થોડો જાડો થઈ ગયો હતો અને વાળ પણ થોડા ઓચા થઈ ગયા હતાં પણ હતો તો એનો એ જ! બે ફેશનેબલ સ્ત્રીઓનું ધ્યાન એના પર ન્યોછાવર થયેલું હતું. એ અહીં અમેરિકામાં ક્યાંથી? હવે એ અહીં રહેતો હશે? એવું હોય તો તો આવી જ બન્યું! કિનારીને ચિંતા થઈ. બિજૉનને મળવા તો એ નહોતી જ ગઈ પણ એને મળવાનું ન થાય એવી રીતે એ સંતાતી રહી હતી! કેશવને ત્યારે નવાઈ પણ લાગેલી કે આફ્ટર-પાર્ટીમાં રોકાવાના બદલે એન નીકળી કેમ જવું હતું, પણ, કિનારીએ કહ્યું કે એનું માથું સખત દુઃખે છે, એટલે એ પણ કોઈ આનાકાની વિના નીકળી ગયો હતો.

બિજૉન કિનારીનો પહેલો પ્રેમ હતો, ને કદાચ આખરી પણ…! એ પછી ફરી એવો રોમાન્ટીક પ્રેમ પણ ક્યાં થયો હતો..? કેશવ સાથે ઊંડો સ્નેહ-ભાવ ખરો પણ એ તો સહ-સંસારને કારણે. બિજૉનની સાથે તો હ્રદયે પહેલવહેલી વાર પ્રેમ પંથ પર પગલાં પાડ્યાં હતાં. બધું જ પહેલવહેલું વળી – એ નજરોનું મળવું, એ શરમાવું, એ હાથ પકડવું, એ બેઉના ઓષ્ઠદ્વયોનું મળવું, એ ચુંબન અને એક વાર_ _ _! કિનારી ઝબકી ગઈ. વર્ષો પહેલાં જ્યાં મજબૂત ડેમ બાંધ્યો હતો, તે અચાનક જ ભાંગી પડવા માંડ્યો હતો? એ ઊભી થઈ, પણ, ખરેખર તો, જે એક વારની યાદ એને આવી તે વારે પણ એવું ખાસ કશું બન્યું નહોતું, બસ, ગાઢ આલિંગન અને એક ચુંબન, સંપૂર્ણ સમર્પણ નહોતું જ થયું, ને, બિજૉનનો કેવો ગુસ્સો સહન કરવો પડ્યો હતો! અને, એકલો જ ગુસ્સો નહીં પણ બિજૉનના હાથનો પણ પરચો મળ્યો હતો! આ યાદ બિજૉનને જોતાં જ ફરી જીવતી થઈ હતી! ને તેથી જ એના મનનો ગભરાટ પણ ફરી જાગ્યો હતો.

હવે એ કેશવને આ વિષે બધું જ કહી દેવા માંગતી હતી, પણ, ત્યારે સમય હતો નહીં. સાંજના બંનેને એક પાર્ટીમાં જવાનું હતું. કિનારીએ સોનેરી કિનાર, પાલવ અને બુટ્ટીઓવાળી મણિપુરી હાથવણાટની કાળી સાડી પહેરી. કેશવે આંખોમાં એટલા પ્રશંસાના ભાવ સાથે એની સામે જોયું કે કિનારીના મન પરથી ફરીથી આગળનું બધું સરી ગયું. એના જીવનમાં આ એક જ સંબંધ આધારભૂત હતો, તે એ જાણતી હતી, વર્ષોથી જાણતી હતી. બિજૉન ફરી મળી જશે એવી કોઈ શક્યતા તો હતી નહીં, અને ગભરાઈ જવાનો કોઈ પ્રસંગ આવવાનો નહોતો, એમ માનીને એ નિશ્ચિંત હતી. પાર્ટીમાં ઘણાં આવી ગયાં હતાં. પીણાંના ટેબલ પર ખાસ્સી ભીડ થઈ ગઈ હતી. કિનારી અને કેશવ ઓળખીતાં મિત્રો સાથે સરસ અટવાઈ ગયાં હતાં કે ના ઓળખતાં અને ઓછું ઓળખતાં હોય એવા લોકોને મળવાનો વારો જ ન આવ્યો. વચમાં બંને છૂટાં પણ પડી ગયાં. કેશવ બીજા પુરુષો સાથે હાથમાં ડ્રિન્ક લઈને ઊભો હતો. બંને દેશોના રાજકરણની ચર્ચા જોરશોરથી ચાલતી હતી. કિનારી જરૂર પ્રમાણે મદદ કરતી હતી- ક્યારેક રસોડામાં તો ક્યારેક ગેસ્ટરૂમ તરફના કબાટમાંથી કશું કાઢી લાવવામાં.

પાર્ટીમાંથી છેવટે બંને ઘેર જવા નીકળ્યાં ત્યારે ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું. ગાડીમાં બંને ચૂપ હતાં બંનેએ વિચાર્યું કે એ થાકી હશે કે એ થાક્યો હશે. છેવટે કિનારીથી ના રહેવાયું. એણે પૂછ્યું, “એ કોણ હતું?”  “કોણ કોણ હતું?” કેશવે સામું પૂછ્યું.

“અ  રે, પેલી બહુ દેખાવડી નહતી, એવી એ કોણ હતી? તું બહુ ઓળખતો હોય તેમ વાત કરતો હતો ને?”

“ઓહ એ? એ તો માલા હતી.

“સારું ભઈ, માલા! પણ એ હતી કોણ?”

કેશવે જરા અટકીને કહ્યું, ‘કિની આપણે નક્કી કર્યું છે ને કે પચીસમી લગ્નની વર્ષગાંઠે એકબીજાને બધું જ કહી દઈશું! રાહ જોઈ લે ત્યાં સુધી!”

“મજાક કરે છે??” કિનારીએ તીખાશથી પૂછ્યું, “બીજાં ત્રણ વર્ષો રાહ જોવાની વાત કરે છે તે મારી મશ્કરી કરી રહ્યો છે?”

“એવું નથી કિની, વાત ખાસ અગત્યની નથી રહી હવે, પણ, છતાં કહું છું. એ માલા સાથે મારું નક્કી થયું હતું.”

“શું? એની સાથે તારા વિવાહ થયા હતા?”

“ના વિવાહ સુધી વાત નહોતી પહોંચી. થોડી વાતચીત થઈ હતી બેઉ કુટુંબો વચ્ચે. ને, અમે પણ બે-ત્રણ વાર મળ્યાં હતાં.”

“પછી શું થયું? આગળ કેમ ન ચાલ્યું?”

“મને ખબર નથી. મને તો એટલું જ કહેવામાં આવ્યું હતું કે એણે બીજે વિવાહ કરી લીધા છે.”

“હં, એટલે બિચારા તને પછી, મને પરણવું પડ્યું! મારાથી ચલાવું પડ્યું! વિચારો કેશવ!” ફરીથી એના મનમાં કટુતા ફેલાવા માંડી.

 “જો કિની, ખરેખર તો માલા બિચારી કહેવાય. એના હસબંડની વાત કરવા લાગેલી. બીજી સ્ત્રીઓ સાથે ફરે છે, એ તો ઠીક, પણ માલાને મારી પણ બેસે છે!”

પછી વાત બદલતા કેશવે કિનારીને પૂછ્યું, “પણ તું પેલાને ક્યાંથી ઓળખે?”

‘અરે જે બહુ દેખાવડી નથી એનો હસબંડ. તું બહુ ઓળખતી હોય તેમ વાત કરતી હતીને? કેશવે કિનારીના જ સૂરમાં એના જ શબ્દો વાપર્યા.

તો બિજૉન માલાનો હસબંડ હતો? ને, હજી એવો જ ક્રૂર હતો? તો, તો, માલા બિચારી ખરી જ. પાર્ટીમાં અચાનક બિજૉનને જોઈને, પહેલાં તો કિનારીને ગભરાટ થઈ આવેલો. એ સામસામે થઈ જશે તો? ને ત્યારે એ કિનારીને સંભળાવા માંડશે તો? અહીં બધાની વચમાં ફિયાસ્કો તો નહીં થાયને? કિનારીએ સિફતથી કાળજી લીધી કે એ એકલી ન પડે ને બિજૉનની નજીક પણ ન હોય. એ એટલે પાર્ટીમાં ઓળખીતાંઓ વચ્ચે રહી અને જરૂર પડે ત્યારે મદદ કરતી રહી. એને હાશ પણ થઈ હતી કે આટલાં બધાંની વચ્ચે એ બિજૉનની નજરે નહોતી પડી.

રસોડાની પાછળના ગેસ્ટરૂમ પાસેના કબાટમાંથી વધારે નેપકીન અને કાંટા-ચમચી કાઢી લાવવા કિનારીને જવું પડ્યું. એ નિશ્ચિંત ભાવે એકલી ગઈ. સામેથી આવતી એક મહેમાન સ્ત્રી ગભરાયેલી કેમ લાગતી હશે એવું સહજ વિચારતી એ આગળ ગઈ તો ગેસ્ટરૂમના બારણાની બહાર બિજૉનને ઊભેલો જોયો. હવે તો એ પણ ગભરાઈ. પાછી ફરી જાય તે પહેલાં બિજૉન એની પાસે આવ્યો. કિનારીએ જોયું કે એના હાથમાં દારૂ ભરેલો ગ્લાસ હતો, એની આંખો લાલ થયેલી હતી, જબાન થોથરાતી હતી. આશ્વર્ય જેવું તો એ લાગ્યું કે બિજૉન એની સામે જોતો હતો પણ એની આંખોમાં ઓળખાણનો કોઈ ભાવ નહોતો. દારૂની અસર નીચે એ કોઈ જોર વગરના જાનવર જેવો બનેલો હતો. કિનારી સહેલાઈથી ખસી ગઈ. બિજૉનને ભીંતનો આધાર લેવો પડ્યો અને એના હાથમાંનો દારૂ એનાં કપડાં પર ઢોળાઈ ગયો. તરત મોઢું બગાડીને એ કપડાં ખંખેરતો ગેસ્ટરૂમમાં જતો રહ્યો.

આવી હાલત થઈ ગઈ છે એની? કિનારી નવાઈ પામી. ફરીથી એને માલા માટે સહાનુભૂતિ થઈ. કેવો ઈત્તફાક હતો, એણે વિચાર્યું, કે એક સમયે અમારાં બેઉનું જીવન આ બેય સાથે કઈંક અંશે સંકળાયું હતું. ને, કેવી નિરાંત કે પોતાને ભાગે કેશવ આવ્યો હતો!

       એકદમ ને, અચાનક કિનારી નિશાત ગાર્ડનમાં હતી. સ્વચ્છ અને સુગંધી પવન એની આસપાસ ફરી વળ્યો હતો. એના આનંદનો પાર ન હતો. એણે ઊંડો શ્વાસ મનમાં ભરીને આંખો બંધ કરી. જોયું તો પોતે હારબદ્ધ ફુવારાની વચ્ચેના પથ પર નાચી રહી હતી, ગાઈ રહી હતી – “કોઈ કહે દે ગુલશન ગુલશન, લાખ બહારેં એક નશેમન”

       હવે ગાડીમાં એ પોતાના એકના એક ને વહાલામાં વહાલા ઘર તરફ જઈ રહી હતી ત્યારે એનો એકનો એક પ્રેમી પૂછી રહ્યો હતો એને કે, તું ઓળખતી હતી એને?

મુક્ત થઈ ગયેલી કિનારીએ પણ વાત સાવ બદલી. કહે, “અરે, જોવા તો દે, મોબાઈલ પર કોનો મેસેજ છે?”

વાંચીને એણે સાચી લાગણીપૂર્વક કેશવને કહ્યું, “જો, બહુ સારા ખબર છે. સુહાસિનીનો મેસેજ છે. એ કહે છે કે ડેવિડ હોસ્પિટલમાંથી ઘેર આવી ગયો છે. ધાર્યું હતું એટલું ખરાબ સ્ટેજ એના કેન્સરનું નથી. ધીરેધીરે એને દવાપાણીથી સારું થતું જશે, એમ ડોક્ટરો માને છે. કાલે આપણે મળવા જશું હોં.”

કેશવે પણ નિરાંત અનુભવી. “સુહાસિનીએ આપણને વિગતે જણાવ્યું, એ સારું થયું” પણ, એણે કિનારીને છોડી નહીં. જરા વારમાં એણે પાછું કિનારીને પૂછ્યું, “પણ, પેલો કોણ હતો એ તો કહે.”

“અરે, કહું છું. પણ કમાલ છે તું, એ બે જ મિનિટમાં તું મને જોઈ પણ ગયો?” પછી કિનારીએ બેફિકરી રીતે કહ્યું, “કોઈ દારૂડિયો હતો, મારા પર લાઈન મારવા જતો હતો.”

“ઓહો, એમ કે? તો તો વાંધો નથી.”

“નહીં કે?” કિનારીએ એને ચિડાવ્યો.

કેશવ શાંતિથી બોલ્યો, “તને કોઈમાં રસ હોય તો જ મારે ચિંતા કરવાની હોય! બાકી તારા પર લાઈન મારવાની મહેનત તો ઘણા કરતા હશે, કિની, પણ બુદ્ધુઓને ક્યાં ખબર છે કે તું તો ક્યારનીયે મારી જાળમાં ઝૂલે છે!” અને કિનારીનો હાથ પકડીને આગળ બોલ્યો, “ને, હું તને ક્યારેય છટકવા દેવાનો નથી.”

ગાડીમાં પ્રસરી ગયેલી કાશ્મીરી હવા કિનારીના હાસ્યથી રણકી ઊઠી હતી.

 

 

 

 

 

 

 

 

 

પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ-૧-ફરજના ભાગ

(પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવિયત્રી અને લેખિકા છે. તેમણે અનેક પ્રવાસવર્ણનો લખ્યા છે. ૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમણે ‘અશક્ય’ અને ‘નામુમકિન’ ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.

પૂર્વ” તેમનું પ્રથમ પ્રવાસ વર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તે પછી તેમના અનેક પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમણે અંગ્રેજીમાં પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ જુઇનું ઝુમખું (ગીત અને ગઝલ સંગ્રહ) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ખંડિત આકાશ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને ઓ જુલિયટ પ્રગટ થયા હતા. એક સ્વપ્નનો રંગ તેમનો વાર્તા સંગ્રહ છે.

અવર ઇન્ડિયા તેમનું છબીકલા પરનું પુસ્તક છે.

આવતા ત્રણ મહિના આપણે એમની ટુંકી વાર્તાઓનો લાભ લઈશું, પણ પ્રીતિબહેનના અન્ય સર્જનોનો લાભ પણ ભવિષ્યમાં આંગણાંને જરૂર મળશે એની મને ખાત્રી છે.

પી. કે. દાવડા (સંપાદક) )

ફરજના ભાગ

એ રાતે હજી સાડા દસ જેવા થયા હતા. સૂવા માટે હજી વહેલું હતું. કૌશિકભાઈ અને ચેતના બહેન નિરાંતે ટેલિવિઝન પર સિરિયલ જોઈ રહ્યાં હતાં. થોડીવાર પહેલાં એમની રેવાબાઈ રોજના રિવાજ પ્રમાણે એક રકાબીમાં થોડી દ્રાક્ષ અને સફરજનની ચીરીઓ આપી ગઈ હતી. ચેતનાબહેને કહેલું, “હવે તું બેસ અને ટીવી જોવું હોય તો જો.”  રેવાબાઈ કુટુંબ સાથે ઘણાં વર્ષોથી હતાં. ચેતનાબહેન જ નહીં, કૌશિકભાઈ પણ એમેને ઘરનાં જ ગણતાં. મન થાય ત્યારે એ સાથે બેસીને ટીવી જોતાં, એ રાતે રેવાબાઈને વહેલાં સૂઈ જવું હતું.  એમણે કહ્યું, “સવારના પહોરમાં વડીઓ પાડવી છે, જેથી, તડકો ચઢે એટલે તરત સૂકાઈ જાયને.”

“એને કામનો થાક નથી” ચેતના બહેન બોલ્યાં.

“આ વર્ષે કાળી દરાખ શું મીઠી આવી છે, નહીં” કૌશિકભાઈનું ધ્યાન ટીવીથી પણ વધારે ફ્રૂટમાં હતું.

બે-ત્રણ દ્રાક્ષ એક સામટી મોઢામાં મૂકતાં ચેતનાબહેને કહ્યું, “વાહ!”

એ જ વખતે ફોનની ઘંટડી સાંભળીને બંનેને નવાઈ લાગી. આ ટાઈમે ફોન કોણ કરે? બધાં સિરિયલ જોતાં હોય. ફોન કરવાનો વિચાર પણ કોને આવે? એમનો દિકરો સૂરજ અમેરિકામાં, ને બહુ ફોન ના કરે. પહેલાં પહેલા બંને ફોનની રાહ જોતાં, વલખતાં, ફોન આવે ત્યારે સૂરજને જરા વઢતાં – કે, ‘ભઈ, મહિને એક વાર ફોન કરવાની ટેવ પાડોને?’ પણ, એવું ક્યારેય બન્યું નહીં. પણ એવું ક્યારેય બન્યું નહીં. વહુથી કહેવાઈ ગયેલું, “કેટલા પૈસા થાય છે, ખબર છે? ખાલી’ કેમ છો’ કહેવાનું હોય ને બધાં સારાં જ હોય એમ માની લેવાનું!” પણ, એવું ક્યારેય બન્યું નહીં. વહુથી કહેવાઈ ગયેલું, સૂરજ પણ બોલેલો, “પપ્પાજી, અમેય અહીં એવા કામમાં હોઈએને કે ક્યાં દિવસો જતા રહે એનો ખ્યાલ જ ન રહે!”

અને, બંનેએ મન વાળી લીધેલું. જ્યારે ફોન ક્યારેક આવે ત્યારે ફરિયાદ કરતાં નહીં, ને, લાંબી વાતો કરવા પણ ના બેસતાં. એ રાતે ફોન સૂરજનો જ હતો. “ઓહો, કેમ છો ભઈ? સુરખી બેટા મઝામાં? લે, મમ્મી, તમને_ _ _ “

“ના, ના, પપ્પાજી, તમને સારા સમાચાર આપવાના છે. સુરખીને ન્યુઝ છે!”

“અરે વાહ, ભઈ! કોન્ગ્રેચ્યુલેશન્સ, તમને બંનેને. લે, આ મમ્મી વિશ કરે _ _ _ _”

“એક મિનિટ, પપ્પાજી. જરાક તમારી સાથે કામની વાત કરી લઈએ!” સૂરજે ઉતાવળે કહ્યું.

“હા, બોલ ભઈ.”

“એવું છે કે સુરખી તો અહીં સાવ એકલી. એને જાતે બધું ફાવશે નહીં _ _ _”

“હા, ભઈ, તમારી ત્યાંની જિંદગી તો એવી જ _ _ _ _”

“પપ્પા, જરા પૂરી વાત તો સાંભળી લોને_ _ _ જરા!”

સૂરજ કદાચ ઘડિયાળ તરફ જોતો હશે, કૌશિકભાઈએ ઉદાસ ભાવે વિચાર્યુ.

“અમારે અહીં ડિલિવરીમાં અને પછી બાળકને ઉછેરવામાં કોઈની જરૂર પડશે, એટલે, મમ્મીએ અહીં આવી જવું પડશે, એમણે એકલાંએ જ…..!”

“શું કહે છે, સૂરજ? પછી અહીં ઘર કોણ ચલાવશે?” “અરે, તમારે ક્યાં અહીં જેવાં કોમ્પલિકેશન્સ હોય છે? ત્યાં માણસોની ખોટ નથી. સહેજમાં કોઈ પણ કામ કરી આપનારાં મળી જાય. ને, રેવાબાઈ તો છે જ ને? તો, જુઓ પપ્પા, અત્યારે હવે વધારે વાત નહીં પોષાય. ટૂંકમાં, અમારા એક ફ્રેન્ડ સાથે કાગળ મોકલું છું. એમાં બધી વિગત લખું છું કે મમ્મીએ ક્યારે આવવાનું છે. તો ચાલો આવજો.”

આટલી મોડી રાતે કૌશિકભાઈ ચેતનાને અપસેટ કરવા નહોતા માગતા, એથી એમણે ચેતનાને કહ્યું, “સૂરજ ફરી ફોન કરવાનો છે, ત્યારે તું ધરાઈને વાતો કરજે.”

કૌશિકભાઈ સવારની કોલેજ પૂરી કરીને દોઢેક વાગ્યે આવી ગયા. જમીને આડા પડવાની રોજની ટેવ, પણ આજે એમની ઊંઘ ઊડી ગઈ હતી. ચેતનાબહેન બોલ્યાં, “બપોરના સૂઈ નહીં જશો તો પછી સાંજથી બગાસાં ખાશો હોં અને મારી સિરિયલ બગાડશો.” કૌશિકભાઈ મૂંઝવણમાં હતા કે સૂરજ સાથે થયેલી વાત ચેતનાને કહેવી કે નહીં અને કહેવી તો ક્યારે? એ તો સાવ દુ:ખી થઈ જવાની. કૌશિકભાઈ અને ચેતનાબહેન ક્યારેય એકલાં નહોતા પડ્યાં. હંમેશા સાથે અને સાથે જ. દીકરો અમેરિકા ગયો પછી બંને એકબીજાના આધાર બની ગયા હતાં.  એ મનમાં વિચારતાં રહ્યાં કે ચેતના માર વગર ત્યાં, અમેરિકામાં શું કરશે અને હું અહીં શું કરીશ એના વગર?

કૌશિકભાઈએ ચેતનાને ગઈ કાલ રાતે સૂરજે આપેલા ખુશખબરની વાત ચેતનાને કરતી વખતે વ્હાલનું સંબોધન વાપરતાં કહ્યું, “સૂરજે શું કહ્યું છે ખબર છે? એણે કહ્યું કે મમ્મી વગર તો ચાલશે જ નહીં, એને કે સુરખી વહુને..!” સુરજનો કહેવાનો ઢંગ એ ચેતનાને કહેવા નહોતા માંગતા. પોતાની રીતે એમણે કહ્યું, “જો, એમણે આપણને વિનંતી કરી છે….!

“શેની વિનંતી?”

“એમ કે, તારી ખૂબ જ જરૂર પડશે, એટલે તને આગ્રહ કરીને ખાસ બોલાવી છે.”

“હા તે જઈશું, દિકરાને ત્યાં પ્રસંગ હોય તો જવાનું જ હોયને?” ચેતનાબહેન હજુ સમજ્યાં નહોતાં કે એકલાને જ બોલાવવામાં આવ્યાં હતાં.

પછીના દિવસોમાં તો જાણે શુંનું શું થઈ ગયું! સૂરજનો મિત્ર કાગળ આપવા આવ્યો, ત્યારે એણે સૂરજના કહ્યા પ્રમાણે બધી લાંબી વાત કરી. વિઝા માટેના જરૂરી કાગળો પણ એ લેતો આવેલો, અને કહે, “તમારા દિકરાનું કામ ખૂબ જ ચોક્કસ છે હોં! કશું જ ભૂલ્યો નથી.” ફિક્કાં પડી ગયેલાં મા-બાપ સંમતિનું સહેજ હસેલાં.

જુલાઈની ચોથીએ અમેરિકાનો સ્વાતંત્ર દિન, એ દિવસે બાળકના જન્મની ટેન્ટેટીવ તારીખ ડોક્ટરે આપી હતી. આથી મમ્મીએ જૂનના છેલ્લા અઠવાડિયામાં આવી જવાનું, એમ સૂરજે કહેવડાવેલું. આ જાણ્યું ત્યારથી પતિ-પત્ની બેઉ ઉદાસ થઈ ગયાં હતાં. દસ મહિનાનો વિયોગ નક્કી હતો, પણ બેઉને થતું હતું કે કેમ કરીને આ સમય જશે? કૌશિકભાઈ અમેરિકા જવા માટે પોતાની ટિકિટની સગવડ કરી શકે એમ હતા પણ સૂરજે કાગળમાં ચોખ્ખું લખ્યું હતું કે બે જણને આટલો સમય રાખવાનું પોષાય એમ નથી. વળી મમ્મી તો આખો સમય બિઝી રહેવાની, એટલે પપ્પાજી એકલા પડવાના, ને ખોટા બોર થવાના. એના કરતાં પછી વખત આવ્યે જોઈશું.

સૂરજે વિઝાના ખર્ચાના અને ટિકિટ માટેના ડોલર મોકલાવેલા, અને કહેલું કે વન-વે ટિકિટ ઈન્ડિયાથી ઘણી સસ્તી પડે છે, અને મેં ટ્રાવેલ એજન્ટને પૂછ્યું છે કે આશરે કેટલા થાય, તો, આટલા ડોલર્સમાંથી થઈ જશે ટિકિટ.

ટિકિટ ખરીદવાની થઈ ત્યારે ખબર પડી કે એ પૈસા પૂરા નહોતાં. કૌશિકભાઈએ પોતે બેન્કમાંથી પૈસા કાઢીને ખૂટતાં ઉમેરી દીધા હતા.

ચેતના બહેનને એ સાંત્વના આપતા રહ્યા કે દિકરાને જરૂર હોય ત્યારે મદદ કરવાની આપણી ફરજ છે, ખરું કે નહીં? તું ચિંતા ન કર, દસ મહિનાની જ વાત છે, એ તો ક્યાંય નીકળી જશે! પછીની રજાઓમાં તો એ મને બોલાવવાનો જ છે.

*******

સૂરજનો ફ્લેટ આટલો નાનો હશે એવું ચેતનાબહેને વિચાર્યું નહોતું. કરકસર તો એ સમજતાં હતાં પણ દિકરો-વહુ આટલી કંજૂસીથી કેમ રહેતાં હતાં એ એમને સમજાતું નહોતું. એક બેડરૂમ હતો એ દિકરો વહુ વાપરતાં હતાં. ડાયનીંગ એરિયામાં એક પાટ મૂક્યો હતો એ ચેતનાબહેનનો ખાટલો હતો! રસોડામાં બે જણ જ ખાઈ શકે એવું નાનું ટેબલ હતું. દિકરો વહુ જમી રહે પછી ચેતનાબહેન જમવા બેસતાં.

શરૂઆતના દિવસો ઝડપથી ગયા. બેબી આવી પછી થોડી અવરજવર રહી, ને મહિનો સુરખી ઘરે રહી, પણ, છોકરું સંભાળવા મમ્મી હતાં એથી નોકરી પર જલદી ચઢી ગઈ. એ પછી ચેતનાબહેનના દિવસો સાવ સૂના થઈ ગયા. કૌશિકભાઈ અઠવાડિયે બે વાર ફોન કરતાં હતાં એ પણ બંધ થઈ ગયું. સુરખીએ કહ્યું કે ગમે ત્યારે ફોનની ઘંટડી વાગે તો અમારી ચાંદની રાણી જાગી ન જાય? શનિ-રવિ અમે ઘરે હોઈએ ત્યારે મહિને એકાદવાર ફોન કરે તો વાંધો નથી.

નાનકડી ચાંદની સૂતી હોય ત્યારે ચેતના બહેન ફ્લેટનું બારણું ખોલીને કોઈક વાર ઊભા રહેતાં – બારણામાં જ કારણ, ઘરની ચાવી હજી એમને અપાઈ નહોતી. સૂરજે કહેલું કે એક્સટ્રા બનાવવાની છે પણ રહી જાય છે. સૂરજે એ પણ કહેલું કે તું એકલી જવાની પણ ક્યાં છે? ચેતનાબહેન લાંબા કોરીડોરમાં ઊભા રહેતાં આગળ પાછળ કોઈ દેખાતું નહીં, જાણે કે ભૂતિયું મકાન હોય અને એમાં એ નજર કેદ હોય! આવા જીવનને લીધે જ સહુ એકલપેટા થઈ જતાં હશે, એ વિમાસતાં અને કૌશિકભાઇના સાથને ઝંખતા રહેતાં.

ચાંદની ત્રણ મહિનાની થઈ પછી સુરખીની રજામંદી અને સૂચના પ્રમાણે ચેતનાબહેન એને બાબાગાડીમાં બરાબર ઢાંકીને, સવારના ભાગમાં, ઘરની નજીકના બાગમાં બહાર ફરવા લઈ જતાં અને બાર વાગ્યા પહેલાં ઘરે પાછા આવી જતાં, જેથી ચાંદનીને તડકો ન લાગે. ત્યાં એમની મુલાકાત શુભા સાથે થઈ. એ એની ત્રણેક વર્ષની દિકરી ઝુમુને લઈને આંટો મારવા આવતી. વાતવાતમાં શુભાએ કહેલું કે સૂરજ અને સુરખીને એ સાધારણ ઓળખતી હતી. આસપાસના સ્ટોરોમાં એ બધાં ક્યારેક મળી જતાં હતાં.

શુભા અને ચેતના બહેન વચ્ચેનો ઉમરનો તફાવત હતો છતાં બંને વચ્ચે મૈત્રી બંધાઈ. શુભા જ્યારે ચાંદનીને રમાડવાને બહાને ઘરે આવી હતી ત્યારે એણે સુરખીને પૂછી લીધું હતું અને એની રજામંદીથી શુભા, ચેતનાબહેનને દર રવિવારે બપોરે પોતાની સાથે બહાર લઈ જવા માંડી. પછી ધીરે ધીરે, સાથે જમવાનો સંબંધ પણ બંધાઈ ગયો. કોઈ વાર બહાર તો કોઈ વાર પોતાના ઘરે શુભા ચેતનાબહેને આગ્રહ કરીને જમાડી લેતી, અને કહેતી, “દીદી, જરા પણ સંકોચ ન કરો. તમે જ

જુઓ છોને કે મારા હસબંડ કામમાંથી ઊંચા જ નથી આવતાં. મને પણ તમારી કંપની ગમે છે.”

થોડા વખત પછી શુભાએ ચેતનાબહેને પૂછ્યું કે, “દીદી, મારે પાંચ મહિનાનો એક કોર્ષ કરવાનો છે. એ પછી હું લેબ ટેકનિશિયનની નોકરી માટે એપ્લાય કરી શકીશ. તમને વાંધો ન હોય તો ઝુમુને સવારે દસથી બપોરે એક સુધી રાખશો?”

“મને વાંધો નથી પણ સુરખીને ગમે કે ન ગમે.”

‘હું એની સાથે વાત કરી લઈશ. પણ દીદી, હું તમને થોડા પૈસા પણ આપીશ. તમે એ માટે જરા પણ આરગ્યુ ન કરતાં અને એ વાત આપણે સુરખીને નહીં કરીએ. એ પૈસા તમે તમારે માટે વાપરજો.”

ઝુમુ બહુ શાંત અને મીઠ્ઠી હતી. ચેતનાબહેનને દિદા દિદા કહેતી. શુભાએ સમજાવેલું કે બંગાળીમાં નાનીને “દિદા” કહે છે. ચેતનાબહેન બંને બાળકીઓને ફેરવીને આવે પછી શુભાએ મોકલાવેલું દૂધ પીને ઝુમુ સૂઈ જતી. ઊઠીને પછી શુભાએ મોકલાવેલું કેળું ખાતી અને ત્યાં સુધીમાં તો શુભા આવીને એને લઈ જતી. સુરખીના ઘરનું કશું જ ન વપરાય તથા ચાંદનીના રૂટિનમાં કઈં દખલ ન થાય, એની શુભા અને ચેતનાબહેન બેઉ કાળજી રાખતાં

શિયાળાનો અંધારો સમય પણ શુભાને લીધે ખૂબ સારો ગયો પણ હવે એમને કૌશિકભાઈની ચિંતા મનમાં રહેવા માંડી હતી. માર્ચ મહિનો શરૂ થવામાં હતો ત્યારે ચેતનાબહેને સૂરજને કહ્યું કે, “ભઈ, હવે એમના વિઝાની તૈયારી કરો. આવતા મહિને એમનું પણ ત્યાંની કોલેજનું વેકેશન શરૂ થવાનું તો ત્યારે અહીં આવી જાય તો સારું ને?”

સૂરજે જવાબ તૈયાર જ રાખેલો, “મમ્મી, તને તો ખબર છે ને કે, અહીં એક વધારે માણસની જગ્યા જ નથી. પપ્પા આવશે તો ક્યાં સૂશે?” પછી જાણે બાળકને પટાવતો હોય તેમ કહે, “હમણાં થોડા પૈસા બચાવીને મોટો ફ્લેટ લઈએ ત્યાં સુધી શાંતિ રાખ. પછી જોઈશું” ચેતનાબહેને હવે પોતાનો જ વાંક લાગવા માંડ્યો હતો કે પહેલાં પણ એણે જોઈશું કહ્યું હતું ત્યારે જ એમણે સમજી જવાનું હતું કે સૂરજની ઈચ્છા જ નથી કે પપ્પાજી આવે! રખેને ખર્ચો વધી જાય!

ચેતનાબહેન મનમાં ખૂબ ગુસ્સે થયાં અને એથીયે વધુ, દુઃખી થયાં. એમણે ત્વરિત નિર્ણય કરી લીધો અને સૂરજને કહે, “જો, સૂરજ, મને આવ્યે દસ મહિના થઈ ગયા છે. આપણે વાત થઈ હતી કે પપ્પાજી પણ આવશે અને પછી અમે બીજા બે મહિના રહીશું અને બેબીને એક વરસની કરી આપીશું. હવે જો એ ન આવવાના હોય તો આવતા મહિને હું પાછી જવા ઈચ્છું છું.” સુરખી કઈં બોલવા જતી હતી પણ એને વચ્ચેથી જ અટકાવીને કહ્યું, “જુઓ બેટા તમારા પ્રત્યેની મારી ફરજ સમજીને કોઈ પણ દલીલ વિના હું અહીં આવી. તમે બંને યુવાન છો અને પોતાની મરજી પ્રમાણે જીવી શકો છો. પપ્પાજીને ત્યાં એકલા રહેવું કેટલું કઠિન હશે એ હું સમજું છું. મને એમની તબિયતની ચિંતા છે અને હવે મારી ફરજ એમના પ્રત્યે છે.”

“તો પછી, મમ્મી, તમારે અમારી મુશ્કેલી પણ સમજવી જોઇએને?” સુરખીથી ન રહેવાયું.

સૂરજે એમાં ઉમેર્યું, “મમ્મી, આટલા બધા ખર્ચામાં તમારી ટિકિટની વ્યવસ્થા કરવી અઘરી છે.”

“ભલે, તો હું પપ્પાજીને કહીશ.”

“એમની પાસે હશે ઈન્ટરનેશનલ ટિકિટ કઢાવી શકાય એટલા પૈસા?”

અપમાન ગળી જઈને, સંયમથી પણ દ્રઢ અવાજે એ બોલ્યાં, ‘તું એની ચિંતા ન કરતો. એ સગવડ કરી લેશે.”

ખરેખર તો એ જાણતાં હતાં કે શુભાએ આપેલા પૈસા એમની ટિકિટ અને થોડી ખરીદી માટે પૂરતા હતા. શુભાની સાથે બહાર જવાનું થયું, ત્યારે એમણે પાડોશીઓને આપવા બદામ ખરીદી. ઘર માટે મોઘોદાટ સુગંધી કેસરનો ડબ્બો ખરીદ્યો. રેવાબાઈ માટે સાડી અને સેન્ટની શીશી લીધી, એમ વિચારીને કે ભલેને, એ પણ શોખ પૂરા કતી! આ બધું ખરીદીને થોડા દિવસ શુભાને ત્યાં જ રહેવા દીધું. શુભાના હસબંડની ઓફિસમાંથી એમના ડોલર્સ વાયર ટ્રાન્સફર કરાવી લીધાં અને ટિકિટની વ્યવસ્થા કૌશિકભાઇ તરફથી થઈ છે એવું સૂરજને કહ્યું. સુરજને એની ગરીબીની દલીલ કરવાની કોઈ તક જ ન આપી. શુભાને ત્યાંથી ફોન કરીને કૌશિકભાઈને કહ્યું કે, “ઈન્ડિયાથી ટિકિટ સસ્તી છે, આથી આ પૈસા ટ્રાન્સફર કર્યા છે. સુરજ આવતા વર્ષે આપણને સાથે બોલાવશે.

જે બેગ લઈને આવેલાં, એજ બેગ લઈ ચેતના બહેન પાછા જઈ રહ્યાં હતાં. શુભાએ ઘરે આવીને બહુ વિવેકથી સૂરજ અને સુરખીને કહ્યું કે તમે બેઉ નાના બાળક સાથે તકલીફ ના લેતાં. હું જ દીદીને એરપોર્ટ મૂકી આવીશ. મારી ઝુમુને ગાડીમાં ફરવાનું ગમશે પણ ખરું. સૂરજ અને સુરખી ફિક્કું હસેલાં.

જવાના દિવસે ચેતનાબહેને આવજો કહેવા સૂરજ અને સુરખી નીચે ઊતરેલાં. સુરખીના હાથમાં ઊંચકેલી ચાંદનીના માથા પર વ્હાલથી હાથ ફેરવીને, એના નાનકડા હાથમાં એક કવર મૂકતાં ચેતનાબહેને કહ્યું, ‘પપ્પાજીએ ખાસ આશિર્વાદ આપ્યા છે અને શુકનના એકાવન ડોલર્સ મોકલાવ્યા છે.”

બે પળ કવરને હાથમાં ફેરવ્યા પછી ચાંદનીએ કવર મોમાં ખોંસ્યું. સુરખી એને ખેંચવા ગઈ, પણ તરત ન નીકળ્યું, ત્યારે એ બોલી, “અરે વાહ, ચાંદની રાણીને દાંત આવ્યાં છેને કઈં?”

સુરજનો “આવજો” કહેવા, નકામો જ ઊંચો થયેલો હાથ નીચે પડતો ગયો ત્યારે એ સ્તબ્ધ થઈને વિચારતો હતો કે મમ્મીએ જતાં પહેલાં પાછું વળીને જોયું પણ નહીં!