Category Archives: જયશ્રી વિનુ મરચંટ

“તેં સાંભળ્યું?” -વિનોદ જોષી-આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

‘તેં સાંભળ્યું?’-


ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

                                 – વિનોદ જોષી૨૦૦૯

કવિશ્રી વિનોદ જોષીની ગઝલ ‘તેં સાંભળ્યું?’-નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
પ્રિયતમાના આવવાની ઘડીની કાગડોળે રાહ જોવાની એક આગવી મજા છે. “જો મજા હિજ્ર મેં હૈ, વો મજા વસ્લમેં કહાં!” પણ એક દિવસ એવો આવે કે માંગેલી બધી જ દુવાઓ કબૂલ થઈ જાય અને આલિંગનમાં અચાનક જ પ્રિયતમા આવી જાય, અને એ પણ ફક્ત એક રાત માટે, તો શું થાય? ગઝલનો મતલા એની છાની વાત લઈને આવે છે અને કાનમાં ખુલ્લંખુલ્લા કહી જાય છે. આંગળીઓનું પોતાનું વજૂદ છે અને બીજા બધાં અંગોને આંગળીઓની ઈર્ષા આવે, એવું પણ કંઈક અચાનક જ બને તો? રાત આખી હવે ઊંઘ અને સપનાંનો સવાલ જ નથી ઊભો થતો. પ્રિયતમાના કેશમાં આંગળીઓ ફરતી રહી. ન જાણે કેટકેટલા વર્ષોની રાહ જોવાનો થાક એને ઉતારવાનો હતો. રાતભર ન જાણે સેંકડો માઈલોની સફર ખેડી આવેલી એ આંગળીઓ થાકીને સવારમાં જાગે છે. ટેરવે ટેરવે થાક છે પણ આ મનગમતો થાક છે. એની ફરિયાદ આંગળીઓ નથી કરતી પણ રાત આખી સૂઈ ન શકેલી આંખો એની ચાડી કાનને કરે છે કે, ‘ભઈ, અમે જે રાતભર જોયું, એ તેં સાંભળ્યું કે નહીં?’ પ્રિયતમાની ઝુલ્ફોને રાતભર સહેલાવ્યા કરી, જાણે કે જન્મોજનમનાં વિરહના ઓવારણાં લેવાનાં રહી ગયા હતાં!

અને, હા, આ આંગળીઓ થાકેલી જરૂર છે, શરીર પર જરાના ઓછાયા પણ આવી ચૂક્યાં હોય પણ આ આંગળીઓ તો એ ખંડેર થતી ઈમારતનો હિસ્સો હવે ક્યારેય નહીં રહે. આ આંગળીઓ તો એનાં કેશને રાતભર સંવારતા સંવારતા, મંદારપુષ્પ સમી સદાયે મહેકતી ચિરયૌવના ગુલમ્હોરની કળી બની ગઈ છે! 

આટલાં બધાં વર્ષોની લાંબી ડગર અને એકલાં કાપેલી સફર, એ આંગળીઓના કાપા ગણી શકે એમ પણ ક્યાં હતા? પણ આજે, એકમેક વિના કાપેલી બેઉની જિંદગીમાં, જે ગાઢો સૂનકાર હતો, એવા ચિર સુનકારનું આવરણ આ આંગળીઓ પર કાયમ માટે વસી ગયું હોય એવું લાગતું હતું. પણ પ્રિયજનના આવવાથી અને એના કેશમાં આંગળીઓ રાતભર ફેરવતા, ટેરવા પરથી સૂનકાર તો અદ્રશ્ય થયો જ, પણ હવે દરેક આંગળીઓમાં વાંસળીના સૂરની મિઠાશ વસી ગઈ છે. આંખ બંધ કરીને જરા સાંભળો, તો મુલાયમ સ્વરોનો જાદુ કાનને સંભળાયા વિના ક્યાંથી રહેવાનો હતો? એટલું જ નહીં, ડંકાની ચૉટ પરથી એને કહેવું પણ છે કે, પ્રણયની વાંસળીના સૂરો આ અંગળીઓમાં એ રીતે આવીને વસ્યા જાણે કે શ્રીકૄષ્ણએ જ ગોપીઓને ઘેલી કરવા વાંસળી વગાડી હોય! પ્રેમ હોય ત્યાં કૃષ્ણ હોય અને કૃષ્ણ હોય ત્યાં વેરાની, સૂનકાર અને ભેંકારતા તો સંભવે જ નહીં.

પ્રિયાને જે પણ કંઈ કહેવું છે તે એક જનમમાં પણ કહેવાતું નથી તો એક રાત ક્યાંથી પૂરી પડે? એના રેશમી વાળમાં ફરતી આંગળીઓને જમાનાએ આપેલા અનેક દુઃખ દર્દને પોતાના સ્પર્શથી સહેલાવ્યાં પણ એ ઉઝરડાઓ, અચાનક જ ત્રાટકી પડેલી વિરહની વિનાશકારી વિજળીના હતા. આ વાત કોને કહેવી, કાનને કહે તો કદાચ મુખ સુધી જાય અને ફરિયાદ રૂપે કદાચ ઈશ્વર સુધી વાત પહોંચાડી શકાય..!

પ્રિયાના અંગો પર હાથ ફેરવતાં એક “આહ” નીકળી જાય છે કે જે અંગો ક્યારેક રેશમ-રેશમ હતાં, આજે ત્યાં વર્ષોની બરછટતાએ નિવાસ કરી લીધો છે. ન જાણે શું શું વીત્યું હશે એના પર? પોતાને પડેલી બધી જ તકલીકો ત્યારે ભૂલાઈ જવાય છે જ્યારે પ્રિયપાત્ર સાથે હોય, સામે હોય અને શબ્દો કંઈ પણ ન કહેતા હોય, બરછટતાને અડતાં જ, બસ, સ્પર્શના નાજુક પરપોટાં ફૂટી જતાં, વિતેલાં વરસોનું સરવૈયું પોતે જ મુખર બનીને રહસ્યોને ખોલવા માંડે છે. કારણ, સ્પર્શના પરપોટાનું લાંબુ આયુષ્ય નથી હોતું.

“આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
 એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.”

આ અજાણ્યો દેશ ક્યો છે, અને શા માટે એની કબૂલાત કરવી પડે છે, કંઈક સંદિગ્ધતાથી, કદાચ, કોઈક ખાતરી મેળવવા કે હા, પ્રિયતમ પર જે વિત્યું છે અને એ દેશ-કાળ અજાણ્યો છે, પણ સાંભળ, ચિંતા નહીં કર, મને તો ફાવી જશે. આ જ સમયે, જેમ કોઈ ધીર ગંભીર વડીલ કે વ્હાલા મિત્ર સધિયારો અપાવે એમ કાન કહે છે, “ચિંતા શું કરે છે? આ દેશ ને કાળમાં જે જીવવાનું છે, જીરવવાનું છે, તે અજાણી ભોમકા છે તો શું થયું? પ્રણયની એ ગલી તો જાણીતી છે ને? બસ, ત્યાં એ ગલીમાંથી ગુજરતાં કશું જ અજાણ્યું નહીં લાગે, મેં તો એવું જ સાંભળ્યું છે.” આ કવિશ્રી વિનોદ જોષીની સક્ષમ અને ખમતીધર કલમથી જ નિપજી અને, નીતરી શકે એવી આત્મવિશ્વાસથી છલાકાતી ખુમારી છે, ભરોસો છે, Assurance છે. “તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યું હી મસ્ત નગમે લૂંટાતા રહું!”

આ ગઝલનો છેલ્લો શેર, સમાપન કરે છે, સ્નેહનું, પ્રણયનું, એકમેકની સંભાળ લેવાની અદમ્ય ઝંખનાનું અને જો કોઈ પણ શંકા હજુ રહી ગઈ હોય તો, કે,

“આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
 કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.”

કાફિયા ઓઢવા એટલે “મને પણ”-Me too – ની પૂર્તિ કરવી. હવે પ્રિયા એકલી નથી, એના પર જે કંઈ પણ વીત્યું હોય તો એની સાથે “બેક સીટ” પર, ગઝલના રદીફ જેમ હું સાથે જ છું! અહીં, બધાં જ દ્વૈત ખરી પડે છે અને ગઝલના રદીફ-કાફિયા જેમ ઐક્ય સંધાય છે, આત્માથી આત્માનું, શરીરી તત્વોથી અશરીરી તત્વોનું. અહીં સાંભળવાની અને સંભળાવવાની ક્રિયા-પ્રક્રિયાઓ, બધું જ ખરી પડે છે અને પ્રેમ માત્ર “શિવોડ્હમ્ શિવોડ્હમ્, સચ્ચિદાનંદોડ્હમ્!” બની જાય છે.

આ ગઝલ વિરહની કે દુઃખની નથી પણ પ્રેમ નામના પ્રદેશનું રાષ્ટ્રગીત છે.

ક્લોઝ-અપઃ જિગર મુરાદાબાદી

“શબે-વસ્લ ક્યા મુખ્તસર હો ગઈ,

 જરા આંખ ઝપકી, સહર હો ગઈ.

નિગાહોંને સબ રાઝે-દિલ કહ દિયા,

ઉન્હેં આજ અપની ખબર હો ગઈ.”

ભાવાનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

મિલનની ટૂંકી રાત કેમ તાર-તાર થઈ ગઈ?

જરા આંખ શું મળી, તરત સવાર થઈ ગઈ!

શું છે એ મારા માટે એ તો લ્યો જાણી ગયા!

ભેદ ખોલતી નજર કેવી ધારદાર થઈ ગઈ!”

શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય છઠ્ઠો- જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય છઠ્ઠો

સપ્તાહયજ્ઞની વિધિ- શ્રવણવિધિ કથન

(આગલા પાંચમા અધ્યાયમાં આપણે જાણ્યું કે શ્રીમદ ભાગવત પુરાણની પવિત્ર કથાનું શ્રદ્ધાથી વિધિવત શ્રવણ કરાવીને -કરીને, કઈ રીતે ધુંધુકારીને પ્રેતયોનિમાંથી મુક્તિ અપાવીને ગોકર્ણજી પણ મોક્ષ પામ્યા. પહેલા સ્કંધનો આ છઠ્ઠો અને છેલ્લો અધ્યાય છે. આવતા અઠવાડિયાથી બીજો સ્કંધ પ્રારંભ થશે. આ છઠ્ઠા અધ્યાયમાં ફરીને એકવાર સપ્તાહયજ્ઞની અને સપ્તાહ શ્રવણની વિધિને વિગતવાર વર્ણવવામાં આવી છે. આ બધી જ વિધિ આપણે કથાના પ્રારંભ પહેલાં, શ્રીમદ ભાગવતના મહાત્મ્યના અધ્યાય ૬ અને અધ્યાય ૭ માં આપણે વિગતવાર વર્ણવી છે તો એનું પુનરાવર્તન ના કરતાં, જે આ વિધિને લાગે વળગતી નવી વાત છે એનું જ અહીં આલેખન કરીશું.)   

શ્રી સનકાદિ કહે છેઃ હે મહાભાગ નારદજી, હવે અમે તમને સપ્તાહની વિધિ વિગતવાર કહીશું જેથી નાનાં માં નાની વાત પણ ધ્યાન બહાર ન રહી જાય.

Continue reading શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય છઠ્ઠો- જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(આપણા સમાજમાં અસ્પૃશ્યતાનિવારણની અને કાસ્ટ સિસ્ટમ નાબૂદીની વાતો આઝાદીના ૭૦ વર્ષો પછી પણ થતી હોય, એનાથી વધુ શરમનાક સમસ્યા કોઈ સમાજ માટે જ હોઈ ન શકે! જે દિવસે આપણે માણસને નાત, જાત અને ધર્મના ત્રાજવે તોલ્યા વિના, માત્ર માણસ તરીકે સ્વીકારીશું, ત્યારે જ એક વિકસીત સમાજ તરીકે ગર્વથી પોતાની જાતને આયનામાં જોઈ શકીશું. આપણા સમાજનું આ દૂષણ છે, જેના વિષે ૧૯૯૦માં “પરિવર્તનને પંથે – સ્વામી સચ્ચિદાનંદઃ ” પુસ્તકમાં લખ્યું છે, જે ૨૦૨૦ના ભારતમાં હજુ પણ નજરે પડી જાય છે. સ્વામી સચ્ચિદાનંદની તેજસ્વી કલમના ઓજસનું આ એક કિરણ આપણને આપણા અંતરની ઓળખ કરાવે છે.)

છેલ્લી ટ્રેન છેઃ” – સૌજન્યઃપરિવર્તનને પંથે – સ્વામી સચ્ચિદાનંદઃ

સંપાદનઃ ચિમનલાલ ત્રિવેદી

Continue reading અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ”કબીર બાની” સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(સૌજન્યઃ “કબીર બાની” – અલી સરદાર જાફરી)

********

“સાધો ભાઈ, જીવત હી કરો આસા

જીવત સમઝે જીવત બૂઝે, જીવત મુક્તિનિવાસા!

જીવત કરમ કી ફાંસ ન કાટી, મુયે મુક્તિ કી આસા!

તન છૂટે જિવ મિલન કહત હૈ, સો સબ ઝૂઠી આસા!

અબહું મિલા તો તબહું મિલેગા, નહીં તો જમપુર બાસા!

સત્ત ગહે સતગુરુ કો ચીન્હે, સત્ત-નામ બિસ્વાસા!

કહેં કબીર સાધન હિતકારી. હમ સાધન કે દાસા!”

  • કબીર

ભાવાનુવાદઃ મારા ભાઈ, જ્યાં સુધી જીવો રહો ત્યાં સુધી ઈશ્વર ને પામવાની આશા રાખો. સમજણ અને સૂઝ જીવનની સાથે જ છે. મુક્તિ માટે મોતની રાહ નથી જોવાની, પણ, મુક્તિ આ જ જીવનમાં શક્ય છે. જો આ જનમમાં જ તમે કર્મના બંધનો નહીં તોડી શકાય તો મર્યા પછી મુક્તિ મળવાની આશા જ શી રાખવી? આપણે આ એક ખોટો ભ્રમ પાળીને જ જીવીએ કે આપણે કોઈ પણ રીતે જીવન વિતાવીએ, અંતમાં તો જીવ શિવમાં જ મળી જવાનો છે. ખરેખર તો એવું તો જ બને જો જિંદગીમાં આપણે આત્મા અને ઈશ્વર સાથેનું ઐક્ય સાધી શક્યા હોઈએ. અહીં, મને ખૂબ જ ગમતો શાયર શ્રી કૈલાસ પંડિતનો શેર યાદ આવે છે,

“મોત વેળાની સહજતા પામવા

 જિંદગી સાથે ઘરોબો  જોઈએ”

જો જિંદગી સાથે પોતાપણું કેળવ્યું હોય તો વૈકુંઠ જીવતેજીવ મળ્યું સમજો. જો સત્યના માર્ગ પર ચાલ્યાં ન હોઈએ તો મર્યા પછી પ્રભુ મળશે, એ તો માત્ર ભ્રમણા છે. આ શિવ, એટલે કે પરમ તત્વનું શ્વાસો ચાલતા હોય ત્યારે મળવું એટલે શું? આ પરમ તત્વ કે ઈશ્વરીય તત્વ એટલું જ છે, કે, માત્ર સારા કર્મો કરવાવાળા બનો, સચ્ચાઈથી જીવો અને જગતમાં સર્વે પ્રાણીમાત્ર માટે કરૂણા રાખો, એ જ છે “સત્યમ્ શિવમ્ સુંદરમ્”, પરમ પ્રભુ. સત્યને આજે જ જાણો, સમજો અને પાળો.

સત્-નામ પર આસ્થા આજે રાખો! કાલ જેવું કશું જ નથી, જે છે તે આજમાં છે. મૃત્યુ પછી શું ગતિ પામીશું એનો આધાર જીવન કેવું જીવ્યાં એના પર છે. આ માત્ર શ્વાસો લેવા-મૂકવાની વાત નથી, પણ, સત્યમ્ શિવમ્ સુંદરમ્ પામાવાની સાધના સતત કરવી, એટલું જ માણસ તરીકે આપણે કરી શકીએ છીએ. કબીર કહે છે કે જો દાસ બનવું હોય તો સત્ ની સાધનાના દાસ બનો કારણ અંતમાં એ આપણી સાથે આવે છે અને બાકી બધું અહીં જ છૂટી જાય છે. આટલી સચ્ચાઈ સમજાઈ ગઈ તો આખો ભવસાગર સમજો કે તરી ગયા.

“એક એનું નામ લઈ જુઓ શું શું કરી ગયા!

 ઝાંઝવાનો ભવસાગર સામે પૂરે તરી ગયા!”

અસ્તુ!

શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય પાંચમો- જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય પાંચમો

ધુંધુકારીને પ્રેતયોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર અને ગોકર્ણમોક્ષ

(આગલા અધ્યાયમાં આપણે વાંચ્યું હતું કે આત્મદેવ ધુંધુકારીની દુષ્ટતાથી ત્રાસ પામીને, એના બીજા પુત્ર, ગોકર્ણજીને પોતાની વ્યથા કહે છે. ગોકર્ગોણજી સાધુ છે. ગોકર્ણજીના ઉપદેશથી આત્મદેવ સંસાર છોડીને વનમાં જઈને હરિ ભક્તિમાં શેષ જીવન વ્યતીત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. વનમાં જતા પહેલા આત્મદેવ એની પત્ની ધુંધુલીને પોતાની સાથે વનમાં આવવાનું કહે છે પણ એ પુત્રમોહ ત્યાગી નથી શકતી અને એ ત્યાં ઘરમાં જ રહે છે. હવે વાંચો આગળ.)

Continue reading શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય પાંચમો- જયશ્રી વિનુ મરચંટ

“વાત કરવી છે ” -ગઝલ- ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલ – “વાત કરવી છે”

લખીને એક ઉપન્યાસ વાત કરવી છે
શું હોય રાતનો અજવાસ વાત કરવી છે

વિતાવી શબ્દનો વનવાસ વાત કરવી છે
હતી મજા કે હતો ત્રાસ વાત કરવી છે

બધા જે દૃશ્યને જોઈ વિતાવે છે જીવન
એ સત્ય છે કે છે આભાસ, વાત કરવી છે

આ કારણે જ તને ખાનગીમાં છે મળવું
તું છે જ ખાસ અને ખાસ વાત કરવી છે

મને તું આપ હે ભગવાન આટલી હિંમત
તું સામે હોય ને બિન્દાસ વાત કરવી છે

તટસ્થતાથી રજૂઆત થાય એ માટે,
દબાવી હર્ષ ને ઉલ્લાસ, વાત કરવી છે

હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી ?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે

                              ભાવિન ગોપાણી

શ્રી ભાવિન ગોપાણીની ગઝલ, “વાત કરવી છે નો આસ્વાદ- જયશ્રી વિનુ મરચંટઃ

વાત કરવા માટે કોઈની પાસે ક્યારે કેટલું જમા થઈ જાય છે એની કોઈ વહી-પોથી ક્યાં હોય છે? કોણ કેટલા તરસ્યા છે, એની સાબિતી જ્યારે જળાશય પાસે જાય ત્યારે જ ખબર પડે છે. શાયર શરૂઆત કરે છે કે એમને આખી નવલક્થા ભરાય એવી અને એટલી વાત કરવી છે અને એ ક્યાં કરવી છે એનાથી અવગત પણ નથી કરાવતા, એટલું જ નહીં, પણ, જેની સાથે વાત કરવી છે એ વ્યક્તિ ત્યાં હાજર છે કે નહીં. એ તો સૌની સંવેદના પર છોડી દીધું છે. અહીં બ. ક. ઠાકોરની આ પંક્તિઓ યાદ આવે છે, “ગમે તો સ્વીકારી લેજે ગત સમય કેરા સ્મરણમાં.” એક ઉપન્યાસમાં પ્રેમની વાત આવે, કુટુંબની વાતો આવે, તિરસ્કાર અને તોફાન પણ હોય, મૈત્રી અને દુશ્મની હોય, રાજકરણ અને સમાજની વાત હોય, કલા અને સંસ્કૃતિ પણ એમાંથી છલકે. આટલી બધી વાતો છાતીમાં ડૂમો ભરાઈને ઊભરાઈ રહી હોય ત્યારે વાત ક્યાંથી માંડવી? વાતનો પ્રારંભ અને પોત પરથી જ નિર્ણય થાય કે વાત હાજર રહેલા પ્રિયજનને કરવી છે કે પછી વિખૂટા પડી ગયેલા વ્હાલને યાદ કરીને, આમંત્રણ આપીને ફરિયાદ કરવી છે, કે, આવ, જરા જો, કેટકેટલી અને કેવી કેવી સુખ-દુઃખની વાતો કરવાની ભેગી થઈ છે. અને, એક નવલકથામાં હોય એટલી અને એવી લાંબી વાતો તો અંધારી રાતના પોતે જ દીવા બની જશે અને રાત આખી ઉજાસનો ઉત્સવ થઈ જશે!

“આંખોઆંખોમાં થઈ જાય વાત તો કેવું?

વાતો વાતોમાં થઈ જાય રાત તો કેવું?”

ન જાણે કેટલા વર્ષોથી શબ્દોને સંન્યાસ લેવડાવ્યો છે. આ સમય પણ કેવો હતો એ પણ કહેવું છે, થોડુંક રડીને અને થોડુંક હસીને!

જીવન આખું જે “મારું છે”, એવા માલિકીપણાના ભાવનું દ્રશ્ય સતત નજર સામે રાખીને, આખો ભવ માણસ કાઢી નાંખે છે અને આ “મારાપણા”નો અંત જિંદગીનો અંત આવે તોયે નથી આવતો.  શું આ “હું” અને “મારાપણું” જિંદગીનું સત્ય છે કે, પછી બસ, સત્યનો આભાસ છે? આ વાત સ્થૂળ અર્થમાં બધાં જ સમજતાં હોય છે અને છતાંય નથી સમજતાં. જેને માટે આટલા બધા ‘મોહ, મોહ કે ધાગે’ વણ્યાં હોય, એને જ પૂછી લેવાય, પણ, એની પાસે તો ઉત્તર ક્યાંથી હશે? એના કરતાં આ આસક્તિ જો પરમ તત્વમાં રાખીએ તો પછી અંતરપટ ખોલતાં જ સત્ય અને આભાસ વચ્ચેના ફરક અને એનો ઉઘાડ પોતાની મેળે થઈ શકે ખરો?

એક એવી ખાસ વાત કરવાની હોય, ગુફતેગુ કરવાની હોય તો ડંકાની ચોટ પરથી એ ખાનગી વાત ખાસ વ્યક્તિને કઈ રીતે કરી શકાય? અહીં નાજુકતાનો આવિર્ભાવ અદભૂત છે. વાત ખાનગી અને ખાસ છે, જેને કહેવી છે એ તો એનાથી પણ વિશેષ ખાસ છે, તો એને ખાનગીમાં જ આવવાનું ઈજન દેવું પડે ને? પણ, એ જો સામે આવશે તો શું થશે, એકેય વાત મોંમાંથી નીકળશે જ નહીં! વાત ક્યારેય કહેવાશે નહીં, પૂરી થશે નહીં અને આમ જ એક વાત કહેવાની ચાહમાં અને રાહમાં સાથે સાથે જ રહીને જિંદગી વિતી જાય તો, તો કહેવું જ શું?

નઝીર દેખૈયાની આ પંક્તિ યાદ આવે છે,

“સંભાળું હોઠને તો નયન મલકી જાય છે,

 બધી નાજુક અદાઓનું જતન ક્યાંથી બને?”

માણસ આખી જિંદગી મંદિરોમાં જઈને ઘંટારવ વગાડ્યા કરે કે ક્યારેક મને ઈશ્વર મળી જાય. પથ્થરની મૂર્તિ સામે તો ઊભા રહીને જે પણ બોલવું હોય તે બોલી નાંખી શકાય પણ જો ભગવાન એક દિવસ ખરેખર રૂબરૂ થઈ ગયા તો? ઈશ્વરના સતત નામ સ્મરણ લેતાં જ તે સમય પૂરતું અંતરમાં અજવાળું થઈ જાય છે, તો જરા વિચારો કે એ પ્રકાશપુંજ આખો ને આખો આપણી સમક્ષ આવીને ઊભો રહી જાય તો? એ તેજપુંજમાં અંજાઈ ગયેલું આપણું આખેઆખું અસ્તિત્વ, એની સમક્ષ કશું બોલવાની કે ફરિયાદો અને રોદણાં રડવાની હિંમત પણ કરી શકીશું ખરા? ત્યારે શું કંઈ પણ યાદ આવશે ખરું? જો ભૂલેચૂકે પણ આવું થાય તો હે પ્રભુ, મને હિંમત આપજે કે, જરા પણ શેહમાં રહ્યા વિના, અંજાયા વિના, તને પોતાનો માનીને જે પણ કહેવું છે તે આમને સામને, બિન્દાસ કહી શકું, અને, ત્યારે એટલી તટસ્થતા પણ રાખતાં શીખવાનું છે કે હર્ષ અને ઉલ્લાસનો અતિરેક ન રખાય. અહીં, ‘વાત કહેવી છે’ એમ નહીં, પણ, ‘વાત કરવી છે’ એમ કવિ ચતુરાઈ વાપરીને કહે છે. ઈશ્વરને આ ચેલેન્જ છે કે મને તું હિમ્મત આપ જેથી હું ખુલ્લંખુલ્લા, તારી જોડે સંવાદ સાધી શકું! આ બહુ જ મોટી વાત છે. પ્રભુને કહેવું કે ‘બેસ, મારી સામે અને આપણે એક લેવલ પર જીવ અને શિવ એક હોઈએ એમ વાત કરીએ! પણ આ તો જ બને જો આત્મા સાથેનું ઐક્ય લાધ્યું હોય!    

છેલ્લા શેરમાં, કવિ સાચે જ ‘ખંગ’ વાળે છે, એ કહે છે,

‘હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે.’

કવિ કહે છે કે જીવ રૂપી ‘હરણ’ ભૂખ અને તરસથી વલખાં મારે છે આજના આ યુગમાં. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ વિજ્ઞાનની, વિકાસની, ટેકનોલોજીની, વિશ્વાસની. પણ, આ પૃથ્વી પર આજે પણ અનેક જીવોની ભૂખ અને તરસ મિટવવામાં આપણે એક જાગૃત સમાજ તરીકે સફળ નથી થયા ત્યારે આ મોટી વાતો કેટલી અર્થહીન લાગે છે, માત્ર એક કાલ્પનિક વાર્તા લાગે છે! હવે કદાચ એવું બની જાય કે આ વાર્તામાં આપણે ફળફૂલ, અનાજ ઊગાડી શકીએ અને એ રીતે કદાચ આ જગતમાંથી ભૂખ મટે! યાદ આવે છે, બહુ જૂની ફિલ્મ, ‘ઉજાલા’નું આ ગીત,

“સૂરજ જરા, આ પાસ આ, આજ સપનોં કી રોટી પકાયેંગે હમ.   અય આસમાં, તુ બડા મહેરબાં, આજ તુઝકો ભી દાવત ખિલાયેંગે હમ!”

આ ગઝલનો છેલ્લો શેર વાંચતા આફરીન કહેવાઈ ગયું પણ જેમ ઉકેલાતો ગયો તેમ, એક માણસ તરીકે, ૨૧મી સદીમાં પણ આપણે ભૂખ અને તૃષાની બેઝીક જરૂરિયાત પણ પૂરી દરેક જીવ માટે નથી કરી શક્યાં, એ સમજાતાં, મારું માથું શરમથી ઝૂકી જાય છે. કવિએ એક ચાબખો સમાજને અને સમાજની વ્યવસ્થાને માર્યો છે. ભગવાન કરે અને આ ચાબખાની કળ ત્યાં સુધી ન વળે જ્યાં સુધી આ પૃથ્વી પરની ‘ભૂખ-તરસ’ની સમસ્યાનું સમાધાન

શ્રીમદ ભાગવત કથા – જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ પહેલો

ચોથો અધ્યાય – ગોકર્ણ કથા – ઉપાખ્યાન (ગતાંકથી ચાલુ)

(સ્કંધ પહેલોઃ અધ્યાય ચોથો (ક્રમશઃ)માં આપે વાંચ્યું કે બ્રાહ્મણ આત્મદેવ મહાત્મા સંન્યાસીને કાકલૂદી કરીને સંતાન પ્રાપ્તિ માટે એક ફળ મેળવે છે, જેના ખાવાથી એની પત્ની ગર્ભવતી બની શકે છે પણ નિર્મળ બાળક માટે એની પત્નીએ દયા, દાન, તપ, સંયમ અને ધર્મનું પાલન કરવું પડશે, જે એની શંકાશીલ પત્ની ધુંધુલી કરવા તૈયાર નથી. પોતાની સદ્ય સગર્ભા બહેનની સાથે મળીને એ ગર્ભવતી હોવાનું નાટક રચે છે અને એના બહેનના સંતાનને પોતે બાળકને જન્મ આપ્યો છે કહીને સ્વીકારી લે છે. બહારગામ કથા વાંચવા ગયેલા આત્મદેવ પાછા આવે છે અને સંતાન પ્રાપ્તિ પછી આનંદ વિભોર બની બધાં જાતિ સંસ્કરણ કરે છે. અહીંથી હવે આગળ વાંચો.)

Continue reading શ્રીમદ ભાગવત કથા – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ ભાગવત પુરાણ – કથા – જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ પહેલો

ચોથો અધ્યાય – ગોકર્ણ કથા – ઉપાખ્યાન

(આજની કથા ક્રમશઃ રહેશે અને આવતી કાલે આ અધ્યાયનો બીજો બાકીનો ભાગ મૂકાશે)

(આગલા અધ્યાય (સ્કંધ પહેલો, અધ્યાય ત્રીજો) નો સંદર્ભઃ

સ્કંધ ત્રીજો, અધ્યાય ત્રીજામાં વાંચ્યું કે કઈ રીતે નારદજીને સનકાદિ મુનિઓની સહાય અને માર્ગદર્શનથી ભક્તિના દુખનું નિવારણ કરવા ભાગવત કથાનું આયોજન કરે છે અને ભાગવત મહાત્મ્યથી કથાનો પ્રારંભ કરે છે. ભાગવત મહાત્મ્ય સાંભળતાં જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં નવયૌવન જાગે છે અને ભક્તિ સનકાદિમુનિઓને કહે છે કે એમની કૃપાથી આ નજીવનનો સંચાર એનામાં અને એના પુત્રો, જ્ઞાન અને વૈરાગ્યમાં થયો છે. એમની આજ્ઞાથી કળિયુગમાં હંમેશાં સહુ ભક્તોના હ્રદયમાં ભક્તિ એના પુત્રો, જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિવાસ અવશ્ય કરશે. સનકાદિમુનિઓની આજ્ઞાથી કળિયુગનો પ્રભાવ જેના હ્રદયમાં ભક્તિ એના સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય સાથે રહેતી હશે, એના પર કદી નહીં પડે. આમ જેમના અંતરઆત્મામાં શ્રી હરિની ભક્તિ વિરાજમાન છે તેઓનો જન્મારો સફળ થાય છે. કારણ કે આ ભક્તિને તાંતણે તો સ્વયં નારાયણ બંધાયેલા છે. હવે આગળ ગોકર્ણ ઉપાખ્યાન આગળ ચોથા અધ્યાયમાં વાંચો.)

Continue reading શ્રીમદ ભાગવત પુરાણ – કથા – જયશ્રી વિનુ મરચંટ

“આવે? ના આવે!” -ગઝલ – અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી મરચંટ

                           “આવે? ના આવે!”

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે? ના આવે.

જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે? ના આવે.

નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે? ના આવે.

તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે.

                             –   અનિલ ચાવડા

કવિશ્રી અનિલ ચાવડાની ગઝલ, “આવે? ના આવે!” નો રસાસ્વાદ જયશ્રી વિનુ મરચંટઃ

‘હરિ તમે આવો ને’ નો આર્તનાદનો ઘંટારવ લગભગ ભારતની દરેક ભાષાના કવિઓએ એમની કૃતિઓમાં કર્યો છે. પણ આજના આ કળિયુગમાં નવયુવાન અને આગવો મિજાજ અને જોમથી તરવરતા, ધરખમ કવિ, શ્રી અનિલ ચાવડા જુદી જ વાત કરે છે. કવિને હરિને હ્રદયના મંદિરમાં પધારવાનું આમંત્રણ આપ્યા પછી, હળવે પગલે, ધીરે ધીરે એમના પધારવાની રાહ જોવાની, આ દોડતા યુગમાં મંજૂર નથી. કવિ તો એમની ખુમારીથી હરિને પોતાના માનીને બોલાવે છે કારણ એમને ખાતરી છે કે ઇશ્વર તમારો છે જ, યુગ કોઈ પણ હો. એક અધિકારથી બોલાવો, તો એ એક ઝાટકે આવશે જ! આ ભરોસો રાખો તો બેડો પાર છે. હરિ તો મા પણ છે અને પિતા પણ છે. જો સંતાનો માતાપિતાને આર્તનાદ કરીને નથી બોલાવતાં તો પછી પ્રભુને કરગરીને કેમ બોલાવવા? જેને પોતાના માનો એને કાકલૂદી શું કામ કરવી? એને તો હકથી હાકલ મારીને બોલાવાય. એકવાર આ સમજાય અને પ્રભુ હૈયામાં જ બિરાજતા હોય તો પછી આ શ્વાસોના ટાંકા તૂટી પણ જાય તો કોઈ રંજ નથી, કારણ, તૂટી ગયેલાં શ્વાસ શિવમય થઈ જશે. પછી એ શ્વાસોને સાંધાવાની સોય કે સાંધવાનો હુન્નર, શેનીય જરૂર નથી.

માણસનું વજૂદ કેટલું બટકણું અને ક્ષણભંગુર છે! ટટ્ટાર ગરદન અને છાતી પહોળી કરીને ચાલનારો માણસ તો કાળની એક ફૂંક લાગતાં જ કરમાઈ ગયેલાં અને જરાક પગલાં પડતાં જ ખખડતાં પાંદડાં સમો થઈ જાય છે. જીવનના વાવાઝોડામાં ફંગોળાવવા પોતાની મરજીથી આવો જીર્ણ પર્ણ સમો માણસ ક્યારે સામો ચડીને આવવાનો છે? પણ, સમયનું ચક્ર તો જેમ ફૂલોને ખીલવતી વસંત લાવે છે એમ જ વરસાદ, વિજળી અને વાવાઝોડું પણ લાવે છે. માણસ લાચાર છે. યાદ આવે છે,

“અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈં

રુખ હવાઓં કા  જિધર કા હૈ ઉધર કે હમ હૈં”

ભારતમાં ભવ્ય મંદિરોનું અસ્તિત્વ છે અને છતાં દેશ પરદેશમાં નવા નવા મંદિરો ચણવાની એક જાણે હોડ લાગી છે. ભગવાન મંદિરોમાં જ રહેતો હોત તો એ ક્યા મંદિરમાં રહેવાનું પસંદ કરત? એના કોઈ પરિમાણ – સ્ટાન્ડર્ડ્સ નથી. આ મંદિરો બનાવીને, અંદર પથ્થરની કે સોના-ચાંદીની મૂર્તિઓ સ્થાપવાથી ઈશ્વર આ આલિશાન મંદિરો ને એની મૂરતોમાં કેદ થવા શું કોઈ એપ્લીકેશન કરશે? ભગવાન તો જીવમાત્રમાં છે. જેણે આપણને સૌને બનાવ્યા છે એને આપણે ‘બનાવવાનું’ છોડી દઈશું તો પણ કદાચ એના દરબારમાં આપણી અરજી મંજૂર કરી લેવામાં આવે.

વર્ષોથી વિખૂટા પડ્યાં હોઈએ એના પછી, જો આપણે આપણા સ્વજનને આપણા ઘરમાં અને હ્રદયમાં પધારવાનું આમંત્રણ આપતાં હોઈએ તો પછી, ઈગો, લાજ-શરમની હદ છોડીને, કોઈ પણ જાતનો અવરોધ અને મર્યાદા – Inhibitions & Limitations – રાખ્યા વિના, પાલવ ખુલ્લો પાથરીને, જાજમ બિછાવીને, હ્રદયથી હ્રદયનું અનુસંધાન કરતાં હોય એ રીતે જ બોલાવવા. હા, કાગની ડોળે પછી રાહ જોઈ શકો પણ આપણાં તરફથી બધું જ તૂટેલો સંબંધ બાંધવા આપણે કરી છૂટ્યાં છીએ એનો સંતોષ તો રહેશે! ભલે, એ પ્રિયજન આવે કે ન આવે, એ એની મરજી. અહીં એક અદભૂત મોડ પર ગઝલ આપણને લઈ આવે છે. કવિ કહે છે કે, ‘’મારી અંદર જેટલું છે એ બધું જ તારું છે. હા, તારી પાસે પણ તારું અગાધ વિશ્વ છે જ. હવે તું જ નક્કી કર, તારે શું કરવું છે.” આ એક સેલ્ફલેસ પ્રેમની પરાકાષ્ઠા છે. સાચો પ્રેમ એ જ કહેવાય કે જે જવા ઈચ્છે એને જવા દો, પણ, એને પાછા કદાચ આવવાનું મન થાય, તો, એને માટે તમારા તરફથી બધી જ તૈયારીઓ રાખજો. પ્રિયજન આવે તો ભલે અને ન આવે તોયે ભલે. ન સ્નેહ ઓછો થાય કે ન પછી તૂટેલા કે વિખૂટા પડી ગયેલા સંબંધનો ભાર પણ લાગે!

અને, ગઝલનો આ છેલ્લો શેર આખી ગઝલને ઓપ આપે છે.

“આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
 વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે.”

આ છેલ્લા શેરમાં શેરિયત તો છલકાય છે જ પણ એમાં કવિશ્રી અનિલભાઈના શબ્દોએ રચેલું અદભૂત “કાવ્ય ચિત્ર” છે. કલ્પના કરો, ડૂસકાંના વાદળનું પડળ આંખોમાં, કીકીઓની આડે છવાયું છે અને આંસુ બની એ એની મેળે એક સંવેદનશીલ ક્ષણે વરસવા માંડે છે. ન આંખોને એની ખબર છે કે ન એ આંસુઓને રોકી શકવા માટે મન કે હ્રદય પર કોઈ જોર ચાલે છે. છાતી પર વિજળી પડી છે, એ પણ ચમકારા વિના. આંખોમાં વાદળ આંસુના સમંદર બની વરસું વરસું કરે છે અને છેવટે એક પળ એવી આવે છે કે એ રોક્યા રોકી શકાતા નથી. એટલું જ નહીં પણ, આપણી મરજીથી આપણે જ નક્કી કરેલી ઘડીએ જ આ આંસુ વહેશે એના એંધાણ પણ મળતા નથી. કારણ, આકાશના વાદળો તો વિજળીના ચમકારે ગરજતાં ગરજતાં આવે છે તો સમજ પણ પડે છે. અહીં તો દેખીતી રીતે ન વીજળી ચમકે છે કે ન તો વાદળો ગરજે છે, બસ, રોક્યાં રોકાય નહીં એમ ચૂપચાપ આંસુ વહેતા રહે છે. કવિને કારણો નથી આપવા કે તપાસવા, બસ એક અફર સચ્ચાઈથી ભાવકોને અવગત કરાવવા છે અને એમના ભાવજગત પર પોતપોતાના કારણો અને ચકાસણી સાથે છોડી દીધા છે. ગઝલ અહીં મૂઠી ઊંચેરી ઊઠે છે અને મનના કાંઠાઓને તોડીને પોતે પણ વિમુક્ત – Liberate – થાય છે અને ભાવકોને પણ ઉર્ધ્વગામી બનાવે છે. ભાઈશ્રી અનિલ ચાવડાને આવી ઉપરથી રમતિયાળ લાગતી પણ “મરમ ગહેરા” ગઝલ આપવા બદલ અભિનંદન.

અંતરની ઓળખ – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

મને અહીં હેમિંગ્વેના જીવન સાથે જોડાયેલો એક પ્રસંગ યાદ આવે છેઃ એક ઈન્ટરવ્યુમાં એમને કોઈએ પૂછ્યું, ‘તમારું સર્વ શ્રેષ્ઠ સર્જન કયું? ક્યો સમકાલિન પ્રસિદ્ધ લેખક તમારો ફેવરીટ છે?” હેમિંગ્વેએ થોડોક વિચાર કરીને કહ્યું, “હું દર અઠવાડિયે મારા મોચી પાસે મારા બૂટની પોલિશ કરાવવા જાઉં છું. અને, દર અઠવાડિયે, મારા બૂટને પોલિશ કરતાં કરતાં, તેઓ મને એમના જીવન સાથે સંકળાયેલી અલકમલકની વાત કહે છે. એમની વાત પૂરી થાય ત્યારે જ પોલિશ પણ પૂરી થાય. એક દિવસ હું જ્યારે ગયો ત્યારે એ ખૂબ ઉદાસ હતા. પૂછતાં ખબર પડી કે આગલે દિવસે જ એમના એકના એક, ૧૦ વર્ષના દિકરાનું ફ્યુનરલ હતું. મેં એમને કહ્યું “અરે, તો તમે આજે કામ પર આવ્યા જ કેમ?” એણે જે વાત કહી એ મારી ફેવરીટ સ્ટોરી છે, જે કોઈ બુકમાં લખાઈ નથી. એ બોલ્યા, “અમે ડચ છીએ અને અમારા દેશમાંથી કોમી રમખાણોને લીધે ભાગીને અહીં આવ્યા છીએ. ગઈ કાલે મારો દિકરો સ્કૂલમાંથી પાછો આવતો હતો, ત્યારે રસ્તા પર કોણ જાણે ક્યા કારણોસર તોફાન અને હિંસા ફાટી નીકળ્યા હતા. એમાં એને ક્યાંકથી ગોળી લાગી ગઈ અને એ ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો. પોલીસે આ તોફાન અને હિંસા કરનારાઓને પકડી તો લીધા છે અને મને આજે બોલાવ્યો પણ છે કેસ દર્જ કરવા. મને થયું, મારો દિકરો તો પાછો નથી આવવાનો. હું અને મારી પત્ની એમને સજા અપાવીશું પણ એમાંથી એમના કોઈ સંતાનો પણ બદલાની આગમાં બળીને ભવિષ્યમાં હિંસાકારી નહીં થાય એની શું ખાતરી? જે હિંસાને કારણે અમે અમારો દેશ છોડ્યો, આપણે એ હિંસાના પૂરક તો ન જ થવું જોઈએ. આથી જ અમે નક્કી કર્યું કે અમે અમારા કામમાં જ લાગી જઈશું. મારી પત્ની એના કામે ગઈ અને હું મારા કામે.”  હું અવાક્ હતો. મને દિલાસો આપવા માટે શબ્દો જ નહોતા મળતાં. મેં માત્ર એટલું જ કહ્યું, “મે ગોડ રેસ્ટ્સ હિઝ સોલ ઈન પીસ.” અને રોજની જેમ એમના મહેનતાણાંનાં પૈસા આપવા ગયો તો એમણે કહ્યું, “પેલા ડબ્બામાં નાખી દો. જે લોકો આ રમખાણોને લીધે જેલમાં છે, એમાંનાં જેને પણ એમનાં બાળકો માટે જરૂર હશે એને હું અને મારી પત્ની અમારી એક અઠવાડિયાની કમાણી આપી દઈશું.”  હેમિંગ્વેએ આગળ કહ્યું, “મેં એ ડબ્બામાં પૈસા નાંખ્યા, મારા આંસુ લૂછ્યા અને બૂટ પહેરીને બહાર નીકળી ગયો. એ ભાઈને અને એમની પત્નીને ન તો દેશો વચ્ચેની સીમાઓ નડી કે ન એમણે એ જાણવા પણ કોશિશ કરી કે જેણે એમના સંતાનને મારી નાંખ્યો એ કોણ હતા? દેશકાળની સીમા પરે એક એવું નગર હતું માણસાઈનું, એનું સરનામું મને ત્યારે મળ્યું હતું. એમના હ્રદયની સચ્ચાઈથી છલકાતી, આનાથી ઉત્તમ સ્ટોરી ન તો મેં આજ સુધી વાંચી છે કે ન તો લખી છે.”