કવિ શ્રી સુરેશ દલાલ (જન્મતારીખ 11/10)નું એક ગીત આજે માણો.
એમણે કવિ વર્ડ્ઝવર્થના એક ગીતની પ્રથમ પંક્તિનો અનુવાદ કર્યો અને પછી બાકીનું ગીત પોતાની રીતે લખ્યું-
“‘હું વાદળ જેવો એકલવાયો ભટકું છું’
ખીણ ખીણમાં ફરી વળું ને શિખર શિખર પર ભટકું છું.
સરવરમાં હું કદી જોઉં છું તરવરતા પડછાયાને
એક પલકમાં લઉં સમેટી મારી વિધ વિધ માયાને
અનેક મારાં રૂપ છતાંય અરૂપનું હું લટકું છું
એકલો છું પણ એકલતાની મારા મનમાં શૂળ નથી
સભર થાઉં ને વરસી જાઉં એકાન્ત સમ કોઈ ફૂલ નથી
વિશાળ આ આકાશમાં હું તો નાનું અમથું ટપકું છું”
કવિ: સુરેશ દલાલ
સ્વરકાર: ગાયક: અમર ભટ્ટ
સુ.દ. કવિતામાં પ્રયોગો માટે જાણીતા છે. લોકગીતની પ્રથમ પંક્તિ લઇ ગીત પોતાની રીતે પૂરું કરવું, કહેવત પરથી ગીત લખવું, મધ્યકાલીન કવિતાની પ્રથમ પંક્તિ લઇ ગીત લખવું…..
અહીં વર્ડ્ઝવર્થની પ્રથમ પંક્તિ લીધી છે.
બીજી પંક્તિમાં ‘શિખર શિખર પર ભટકું છું’ એમ એમણે લખ્યું; પણ ગાતાં ગાતાં મને વિચાર આવ્યો કે સિદ્ધિનાં એક શિખર પર પહોંચાય પછી ઘણાને અટકેલા જોયા છે એટલે ‘શિખર શિખર પર અટકું છું’ એમ ગાવાની છૂટ લીધી છે.
‘લટકું’ શબ્દ ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ ને ‘વારી જાઉં રે સુંદર શ્યામ તારાં લટકાંને’ યાદ કરાવશે
‘ટપકું’ એટલે કે બિંદુ- એટલે કે નજીવું અસ્તિત્વ કે (કાળું) ટપકું ?
અમર ભટ્ટ