Category Archives: અન્ય

એલેક્ઝાંડર ફ્લેમિંગ – એક સંકલન

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

(ડો. આશિષ ચોક્સીના બ્લોગના સૌજન્યથી, સાભાર.)

સમગ્ર માનવજાતિ પર જેમના અનેક ઉપકારો છે તેમાંના એક છેઃ એલેકઝાન્ડર ફ્લેમિંગ. વિશ્વના  લોકો બેક્ટેરિયાના ચેપથી ટપોટપ મરતા હતા ત્યારે સર એલેકઝાન્ડર ફલેમિંગે પેનેસિલિનની શોધ કરી વિશ્વના કરોડો લોકોને બચાવી લીધા છે. સર એલેકઝાન્ડર ફ્લેમિંગ એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ હતા. ફલેમિંગે બેક્ટેરિયોલોજી, ઈમ્યૂનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં ૧૯૨૩માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને ૧૯૨૮માં ફુગ પેનિસિલિયમ નોટાટમમાંથી એન્ટિબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે, જેના માટે તેમને ૧૯૪૫માં હાવર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેઇન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અપાયો હતો.

Continue reading એલેક્ઝાંડર ફ્લેમિંગ – એક સંકલન

“એક જ દે ચિનગારી” – કવિશ્રી હરિહર ભટ્ટ – આસ્વાદઃ પ્રો. મધુસુદન કાપડિયા

આજે ગાંધી જયંતિ નિમિત્તે, ગાંધીજીને અતિશય પ્રિય એવું ભજન-કાવ્ય, ‘એક જ દે ચિનગારી’ નો આસ્વાદ, જે ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન અને વિવેચક,  પ્રો. ડો. મધુસુદન કાપડિયાએ કરાવ્યો હતો, એની યાદ આવી. મેં આ  આસ્વાદ ફરીથી સાંભળ્યો અને થયું આપ સહુ સાથે આને વહેંચું. ડો. મધુસુદન કાપડિયા, એ ગુજરાતી સાહિત્યનું બહુ મોટું નામ છે. એમની કસોટીની એરણ પર જે ખરા ઉતર્યા હોય એ જ કાવ્યોના રસાસ્વાદ તેઓ કરાવે, ભલે પછી તે કાવ્યો નવા-જૂના કે ઓછા પ્રચલિત કવિઓના હોય. એમણે આ કાવ્યનો આસ્વાદ કરાવ્યો એ કવિના શિરે યશકલગી છે. 

આપ સહુ સાથે આ કાવ્ય અને આ કાવ્યનો આસ્વાદ કરાવતાં મને અનહદ ખુશી થઈ રહી છે.

“એક જ દે ચિનગારી” કવિશ્રી પ્રો. ડો. મધુસુદન કાપડિયાએ કરેલો આસ્વાદ સાંભળવાનું ચૂકશો નહીં

“એક જ દે ચિનગારી”

એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

હરિહર ભટ્ટ

આજે ગાંધી જયંતિ છે  અને જોગાનુજોગ એવો થયો કે અમારા મિત્ર શ્રી સુબોધભાઈ ભટ્ટ તરફથી અમને ગાંધીજીએ જે પ્રવચનમાં “એક જ દે ચિનગારી” કાવ્યનો ઉલ્લેખ કર્યો હતો, એ બાબતનો નાનકડો લેખ લખીને મોકલ્યો અને એ સાથે ગાંધીજીના પ્રવચનની ક્લિપ પણ મોકલી.ગાંધીજીને આ ભજન-કાવ્ય ખૂબ જ પ્રિય હતું.  આપણા ગુજરાતી ભાષાના સુગમ સંગીતની યુનિવર્સિટી સમી સંગીતકાર અને ગાયક બેલડી, આદરણીય આસિતભાઈ અને હેમાબેન દેસાઈએ ગાયેલું આ ભજન-કાવ્ય પણ અહીં મૂક્યું છે. આશા છે આપ સહુ વાચકોને ગમશે.


કવિશ્રી હરિહર ભટ્ટ

અમારા પિતાશ્રી હરિહર ભટ્ટ નો પરિચય અને તેમના કાવ્ય “એકજ દે ચિનગારી”ના સત્વનું  ઉલ્લેખ કરતું
ગાંધીજીની પાર્થનાસભાનું પ્રવચન
પ્રસ્તુતકર્તા સુબોધ ભટ્ટ અને સુધાકર ભટ્ટ

કવિશ્રી  હરિહર ભટ્ટનો પરિચય
કવિ હરિહર ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના વેકરિયા ગામમાં ઈ.સ. ૧૮૯૫માં થયો હતો. તેમના પિતા પ્રાણશંકર ભટ્ટ સાવરકુંડલામાં સંસ્કૃત શીખવાડતા. ભાવનગરની શામળદાસ અને મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટીમાંથી B.A.  (MATH) થયા.
મહારાષ્ટ્રમાં આકોલામાં ગણિતનાં શિક્ષક તરીકે શરૂઆત કરી. ૧૯૨૦માં ગાંધીજીએ સાબરમતિ આશ્રમ સ્થાપ્યો. તેઓ નોકરી છોડીને ગાંધીઆશ્રમમાં આવ્યા. અસહકારની લડતમાં પોલીસની લાઠીનો માર અને ૩ વર્ષની જેલ ભોગવી. ૧૯૩૦માં ગાંધીજીએ આશ્રમનું વિસર્જન કર્યું ત્યારે  અમદાવાદની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલમાં ગણિતનાં શિક્ષક બન્યા. ૧૯૫૦માં બી.જે. ઇન્સ્ટીટયુટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચમાં ગુજરાત યુનિવર્સિટીના M.A. અને  Ph.D. ના  ભારતીય ખગોળ વિષયના પ્રાધ્યાપક થયા. ત્યાં નિવૃત્તિ સુધી કામ કર્યું.
૧૯૨૫માં તેમનું “એક જ દે ચિનગારી”  કાવ્ય કુમાર સામયિકમાં પ્રકાશિત થયું. “આશ્રમ ભજનાવલી”થી માંડીને ગુજરાતની માધ્યમિક શાળાઓના પાઠ્યપુસ્તકમાં તેનો સમાવેશ થયો. આશ્રમની પ્રાર્થનામાં ગવાતું અને હજુ શાળાઓની પ્રાર્થનામાં ગવાય છે. ગાંધીજીએ નવેમબર ૧૯૪૭ની પ્રાર્થનાસભામાં તેનો ઉલ્લેખ કર્યો હતો અને “ગાંધી” ફિલ્મમાં તે સાંભળવા મળે છે. નરસિંહરાવ દિવેટિયા અને અન્ય સાહિત્યકારોએ તેને ઊચ્ચ કોટિનું કાવ્ય ગણ્યું છે. ૧૯૩૪માં તેમણે ૨૦ કાવ્યોનો “હૃદયરંગ” નામનો  કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો. તેમના ૪૦ જેટલા કાવ્યો ખગોળની પ્રવૃત્તિઓને લીધે અપ્રાકિશત હતાં. ૨૦૦૩માં તેમના પુત્રો સુબોધ અને સુધાકર ભટ્ટે તે બધા ભેગા કરી ૬૦ કાવ્યોનો એક કાવ્ય સંગ્રહ ”એક જ દે ચિનગારી” નામથી પ્રકાશિત કર્યો. તેમના કાવ્યોમાં ઈશ્વરવિશ્વાસ, દેશપ્રેમ, ગાંધીભક્તિ, હાસ્યરસ અને કુદરતની પ્રશંસા સમાયેલી છે.
ખગોળના ક્ષેત્રમાં તેમણે કુમાર,પ્રસ્થાન અને સંદેશમાં વર્ષો સુધી આકાશદર્શનના લેખો ઉપરાંત ખગોળગણિતના ઘણા પુસ્તકો લખ્યા. પંચાગોના સૂર્ય,ચંદ્ર, અને ગ્રહોના ઉદય-અસ્તના સમયોમાં ભૂલો થતી. તે માટે પંચાંગ સુધારણાની પ્રવૃતિઓ કરી. ૧૯૪૫માં “સંદેશ પ્રત્યક્ષ પંચાંગ” પ્રકાશિત કર્યુ. જરા પણ ભૂલ ન થાય તેવા આધુનિક ગણિતનો તેમાં ઉપયોગ કર્યો. તેનું સંપાદન મૃત્યુ સુધી કર્યું. ભારત સરકારે તેમને All India Calander Reform Committeeના સભ્ય બનાવ્યા. જનતાને આકાશ દર્શન મળે તે માટે ૧૯૬૫ના અરસામાં અમદાવાદમાં વેધશાળા (Observatory)ની સ્થાપના કરી અને તેનું સંચાલન કર્યું. અમદાવાદ રેડીઓ સ્ટેશન પરથી તેમના ગ્રહણ વિગેરે વિષયોના વાર્તાલાપ આવતા અને “એક જ દે ચિનગારી” પણ સંભળાતું !!!
મેઘધનુષની જેમ તેમનું જીવન ઈશ્વરશ્રધા, દેશપ્રેમ, ગાંધીભક્તિ, કાવ્યરચના અને ખગોળશાસ્ત્રના  વિવિધ રંગોથી રંગાયેલું હતું.  તેમનું અવસાન ૧૯૭૮માં થયું. આટાટલા વર્ષો પછી પણ ‘એક જ દે ચિનગારી’ કાવ્ય આજે પણ એટલું જ વંચાય છે અને ગવાય છે.

૮ નવેમ્બર ૧૯૪૭ના ગાંધીજીના આ પ્રવચનને રજુ કરતાં અમને ખુબજ આનંદ થાય છે.  તે YouTubeમાં હિન્દી ભાષામાં છે.

પૂર્વભૂમિકા

બધા જાણે છે તે પ્રમાણે ગાંધીજી સાંજે પ્રાર્થનાસભા કરતા જેમાં પ્રાર્થના પછી તેઓ વર્તમાન વિષય પર પ્રવચન  કરતા. ઓલ ઇન્ડિયા રેડીઓ તેને રેકોર્ડ કરીને તે જ સાંજે તેના બધા સ્ટેશનો પર પ્રસારિત કરતું.

પ્રવચન

૮ નવેમ્બર ૧૯૪૭ની પ્રાર્થના પછી ગાંધીજી એક શિખ સજ્જને મોકલેલ ચિઠ્ઠીની વાત કરે છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તે શિખ ધર્મના પવિત્ર પુસ્તક ગ્રંથસાહીબમાંથી એક ભજન ગાવા માંગે છે. તેનો જવાબ આપતા ગાંધીજી કહે છે કે તેઓ તમામ ધર્મોનું એક સરખું સન્માન કરે છે. અને શિખ સજ્જનનો વિચાર તેમને  ગમે છે. પણ તે ગાંધીજીને મળીને તે ભજન તેમને બતાવે. જો તેમને તે ભજન ગમશે તો ચોક્કસ તેને પાર્થનમાં ગાવા દેશે. પછી (ઉદાહરણ તરીકે), ગાંધીજી અમારા પિતાજી અને તેમના કાવ્ય “ એક જ દે ચિનગારી “નો ઉલ્લેખ કરે છે. જો કે તેઓ કવિનું નામ નથી આપતા. આ ઉલ્લેખ બે મિનિટ જેટલો  ટૂંકો  છે અને પ્રવચનની શરૂઆતની ચાર મિનિટની અંદર છે. જે લોકો હિન્દી નથી જાણતા તેમના માટે ગાંધીજી શું કહે છે તેનો શાબ્દિક અનુવાદ નીચે પ્રમાણે છે:

“અમારે ત્યાં એક ભજન છે. ભજન ગુજરાતીમાં છે. એક (કવિ) ભક્ત છે. તે કહે છે કે આખી દુનિયામાં ઘણી બધી બત્તીઓ ચમકી રહી છે. તે તો સૂર્ય, ચંદ્ર અને તારાગણો છે. તેમાંથી (હે ભગવાન) કૃપા કરીને મને એક ચિનગારી આપ. જો મને તેમાંથી એક ચિનગારી પણ ન મળે તો પછી તો હું શું કરી શકું?

ગાંધીજી  “ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો ……” થી શરુ થતી કાવ્યની ચાર પંક્તિઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. યોગાનુયોગ  એ જ ચાર પંક્તિઓ  ‘ગાંધી “ ફિલ્મમાં પણ ગાવામાં આવી છે!!!

પછી ગાંધીજી શિખ સજ્જનની વિનંતી વિષે કહે છે કે તે જે પ્રાર્થના લાવે તેનાથી તેમને સારો પ્રતિભાવ નહિ થાય તો તેઓ શ્રોતાઓ સમક્ષ રજુ કરતા અનુકુળતા નહિ અનુભવે કારણ કે પછી તો તે રજૂઆત  કૃત્રિમ બની જાય છે.

અને અંતમાં

અમારા પિતાશ્રીને આ પ્રવચનની જાણ ન હતી અને  તેમને એ જાણવાની જરૂર પણ ન હતી, તો ગાંધીજીને અમારા પિતાશ્રી અને તેમના કાવ્યની કેવી રીતે ખબર પડી? તેનો જવાબ બહુ સરળ છે.

૧૯૨૦થી ૧૯૩૦ સુધી અમારા માતાપિતા અન્ય ૮૦ કુટુંબો સાથે  અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહ્યા હતા. ૧૯૨૫માં અમારા પિતાશ્રીનું  “એક જ દે ચિનગારી” કાવ્ય કુમાર માસિકમાં પ્રકાશિત થયું. તરત જ તે ખુબ પ્રસિદ્ધ થયું. આશ્રમના  પ્રાર્થના પુસ્તક “આશ્રમ ભજનાવલી “માં તેને સ્થાન મળ્યું. તેથી ત્યારે અમારા પિતાશ્રી અને ગાંધીજીની હાજરીમાં તે આશ્રમની પ્રાર્થનામાં ગવાતું. ગુજરાતની શાળાઓના પાઠ્ય પુસ્તકમાં હજુ પણ તેનો સમાવેશ થાય છે અને ઘણી શાળાઓમાં પ્રાર્થના તરીકે ગવાય છે. નરસિંહરાવ દિવેટિયા, બળવંતરાય ઠાકોર,  ઉમાશંકર જોશી અને રામનારાયણ પાઠક જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોએ તેને ખુબ જ  ઊચી કોટિનું કાવ્ય ગણ્યું છે. તેમણે લગભગ ૭૦ કાવ્યો લખ્યા હોવા છતાં આ કાવ્યનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અમર છે.

આ પ્રવચનમાં ગાંધીજી કવિ અને તેમના કાવ્ય વિષે બહુ ઓછા શબ્દોનો ઉપયોગ કરે છે. પરંતુ કાવ્યનું સત્વ બતાવવા સાથે સાથે પોતાનો મુદ્દો પણ સાબિત કરે છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી અમને એક સાથે ગૌરવ અને નમ્રતાની લાગણીનો અનુભવ થાય છે. YouTubeના  ઓડીઓ અને વિ ડિઓથી ભરપુર જંગલમાંથી આ પ્રવચન અકસ્માતથી મળ્યું તેથી અમે ખરેખર નસીબદાર છીએ.

તમારા સમય માટે ખુબ જ અભાર. ગાંધીજીનું પ્રવચન સાભળવા માટે કૃપા કરીને નીચેની YouTube લિંક પર ક્લિક કરો અને આનંદ પામો!!

આસિતભાઈ અને હેમાબેન દેસાઈના કંઠે ગવાયેલું “એક જ દે ચિનગારી ” ભજન-કાવ્ય

બે કાંઠાની અધવચ  – (૧૩) – પ્રીતિ સેનગુપ્તા

   બે કાંઠાની અધવચ  —— પ્રીતિ  સેનગુપ્તા

                                      (૧૩)

અમેરિકામાં આવીને, બેએક વર્ષ જેવું, એકલાં નિરાંતે રહેતાં રહેતાં, સુજીત બદલાયો તો હતો જ. જેમકે, એની ખાવાની ટેવમાં ફેર પડ્યો હતો. હજી શાકાહારી તો રહ્યા છે, પણ કેવી કેવી વસ્તુઓ ભાવવા લાગી ગઈ છે એમને. ડોનટ, ને બેગલ, ને મફીન. આ બધું વળી શું છે? Continue reading બે કાંઠાની અધવચ  – (૧૩) – પ્રીતિ સેનગુપ્તા

વિશિષ્ટપૂર્તિ. માર્ગદર્શન. સરયૂ પરીખ. એ રાત. શૈલા મુન્શા.

લઘુકથાઃ જો માર્ગદર્શન મળે…સરયૂ પરીખ

ગૃહત્રાસમાં ફસાયેલી સ્ત્રીઓને મદદ કરવાનું કામ હ્યુસ્ટનમાં રહેતા હતાં ત્યારે મેં શરૂ કરેલું તે ઓસ્ટિનમાં આવ્યા પછી પણ ચાલુ રહ્યું છે. ભારતથી દૂર દેશમાં આવી વસેલી સ્ત્રીનાં પતિની મિત્ર હોઉં તો પણ…, સેવાકાર્યમાં જોડાયેલી છું તે જાણીને, મારી મદદ માંગે છે. અબળાને કાયદા કાનૂનની સમજ પડે અને પોતે અસહાય નથી એટલો ભરોસો અને આત્મશ્રધ્ધા આવે તો, પરિસ્થિતિનો સામનો કરવા કટિબધ્ધ થાય. રડતી સ્ત્રીને વાત કરવાની અને જાણકાર વિશ્વાસુ વ્યક્તિની દિલસોજી અને માર્ગદર્શન મળી શકે…એ વાત,  મને આજે એક અતિતનો પ્રસંગ યાદ આવતા, અત્યંત મહત્વની લાગી.

 આવી કોઈ મદદ જો કનકને મળી હોત…

૧૯૬૦ના સમયની વાત યાદ આવી ગઈ…ભાવનગરમાં મારા બા, ભાગીરથી મહેતા માજીરાજ હાઈસ્કુલમાં શિક્ષિકા હતા. રજાના દિવસે કેટલિક વિદ્યાર્થિનીઓ આવતી અને રસથી કવિતાથી માંડી પોતાની અંગત વાતો બાને કરતી. હું નાની છોકરી તરીકે તેમને જોયા કરતી. તેમાં એક કનક નામની છોકરી એકદમ ચેતનવંતી અને ખુશદિલ હતી. તેને બાને માટે અનન્ય પ્રેમ હતો અને પોતાની અંગત વાતો ખુલ્લા દિલથી કરતી. તેની માતાનાં અવસાન પછી કેવળ પિતાની તેને ઓથ હતી. હાઈસ્કુલ પૂરી કર્યા પછી કોલેજ-કાળ દરમ્યાન કનક અમારે ઘેર આવતી રહેતી. પછી લગ્ન થવાનાં હતાં ત્યારે કંકોત્રી આપવા આવી હતી.

“બેન, મને જોવા આવ્યા અને એમણે હા પાડી પછી મારા અભિપ્રાયને જાણે અવકાશ જ નહોતો. ભણેલો છે…અને આમેય મુરતિયા મળવા મુશ્કેલ તેથી હા જ પાડવાની. અમારા પરિવારોમાં એમ જ થતું આવ્યું છે, મારા પપ્પા બિચારા શું કરે!” કનકની વાતમાં અણગમાનો ધ્વનિ સંભળાતો હતો.

આ વાતને પાંચેક વર્ષ નીકળી ગયા. એક દિવસ બા તેમની બહુ દૂર રહેતી બેનપણીને મળ્યાં પછી રસ્તા પરથી જઈ રહ્યાં હતાં ત્યારે ઊપરનાં ફ્લેટનાં રવેશમાંથી, ‘બેન!’, ‘બેન!’ ની બૂમ સંભળાઈ.

બાએ જોયું તો કનક બોલાવી રહી હતી. બા અટક્યા એટલે દોડતી નીચે આવી અને વળગી પડી. “ચાલો ઊપર, અમારું ઘર બતાવું.” ઘરમાં જતાં પરિચય કરાવતા બોલી, “આ મારા સાસુ છે. ભાગીરથીબેન મારા પ્રિય ટીચર છે.” સાસુએ ભાવરહિત આવકાર આપ્યો. કનક બાની સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગઈ. સાસુ બોલ્યાં, “ચા બનાવીશ કે વાતુ જ કર્યા કરીશ?”

કનક બુજાયેલાં ચહેરે ઊઠી અને રસોડામાં કામે લાગી. મારા બા તેની નજીક ગયા અને તેની નિરાશાભરી હિલચાલ જોઈ રહ્યાં, પણ વાત કરવા જેવું એકાંત નહોતું. કનકના હાથ પર કાળા ચકામા જોઈ બાએ ઈશારામાં પૂછ્યું. કરૂણ નજર બા સાથે મેળવી અને પછી મોટેથી બોલી, “હાં, મારા પપ્પા ગયા વર્ષે હાર્ટઍટેકમાં ગુજરી ગયા.” આ પરથી લાગ્યું કે પતિનો અને સાસુનો ત્રાસ છે અને તેનાં પિયરમાં કોઈ નથી રહ્યું. ચાર વર્ષની દીકરી હતી એ વિષે વાત કરતાં તેનાં ચહેરા પર જરા ખુશી દેખાઈ.

“છોકરીને નીશાળેથી આવવાનો ટેમ થયો, જાવ.” સાસુનો બીજો હૂકમ આવ્યો.

નીચે ઉતરતાં દાદર પર અટકી, કનક લગભગ ડૂસકા સાથે બોલી, “બેન…! જીવન આવું હોય?… કોઈ દિવસ ઠીક હોય છે તો કોઈ દિવસ અસહ્ય! શું કરું સમજ નથી પડતી.”

મારા બાને પંદર મિનિટની કનક સાથેની મુલાકાતમાં સહાનુભૂતિ ઘણી થઈ હશે પણ કોઈ માર્ગદર્શન આપવાનો ઉપાય ધ્યાનમાં નહીં આવી શક્યો હોય.

થોડાં મહિનાઓ પછી કનકની બેનપણીએ આવીને ગોઝારા સમાચાર આપ્યાં હતાં, “કનક બળીને મરી ગઈ…”
ખરેખર, ત્રાસિત વ્યક્તિના આત્માને શક્તિમાન કરવા કોઈ સમયસર મદદ મળે તો જ તેમાંથી સલામત રસ્તો મળી શકે. સમાજસેવામાં કેળવાયેલ સભ્યને કદાચ કઈ રીતે મદદ કરવી તેનો ખ્યાલ આવી શકે.
————————-

                 એ રાત!!!! લે. શૈલા મુન્શા.

   અતિત્લાન સરોવર

                             એ રાત!!!! લે. શૈલા મુન્શા.

જિંદગી માણસને ઘણુ શીખવાડે છે. લગ્ન કરી અમેરિકા આવી ત્યારે માંડ વીસ બાવીસની ઉંમર. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો પણ ધીરે ધીરે જીવન ગોઠવાતું ગયું. સારી નોકરી અને ઘર સંસારની જવાબદારીમાં વર્ષો વિતી ગયા. એક ઈચ્છા મનના ખૂણામાં ગોપિત હતી એને ઉજાગર કરવાનો સમય આવી ગયો. નોકરીમાંથી નિવૃત થઈ કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાવાના આશયથી હું કેલિફોર્નિઆની રોટરી ક્લબ સાથે જોડાઈ. દેશ વિદેશ રોટરીના પ્રોજેક્ટ માટે અમારે જવાનુ થતું. ક્યાંક કેટલી સમૃધ્ધિ અને ક્યાંક કેટલી ગરીબાઈ. નાના ગામોમાં રહેતા લોકોની સાદગી અને અતિથિ ભાવનાના વિવિધ અનુભવો….

આજે એક પ્રસંગની વાત કરવી છે, જેને યાદ કરતાં આજે પણ ભયમિશ્રિત રોમાંચ શરીરના રુંવાડા ઉભા કરી દે છે. વાત છે ૨૦૧૨ ની રોટરી ક્લબનો એક પ્રોજેક્ટ ગ્વાટેમાલા હંડુરસમાં હતો. અમે લગભગ ૧૨ રોટેરિઅન આ કામ માટે ગ્વાટેમાલા ગયા હતા. હંડુરસના રોટરી પ્રમુખે અમારું સ્વાગત કર્યું અને અમારી રહેવાની વ્યવસ્થા પ્રમુખ અને એમના ભાઈને ત્યાં કરવામાં આવી હતી. પ્રમુખ અને ભાઈના ઘરની વચ્ચે મોટું સરોવર હતું, અતિત્લાન ((Atitlan). આ સરોવર ત્રણ મોટા જ્વાળામુખી પર્વતોથી ઘેરાયેલું છે. સરોવરના કિનારે નાના ગામો આવેલા છે, અને ત્યાં પહોંચવાનુ સાધન સ્પીડ બોટ કે હેલિકોપ્ટર સિવાય બીજું કોઈ નથી.

ગ્વાટેમાલાનુ પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ સરસ છે. સેંટ્રલ અમેરિકાનુ સહુથી ઊંડું સરોવર અતિત્લાન (Atitlan) જે લગભગ ૮૪,૦૦૦ વર્ષ પહેલા થયેલા જ્વાળામુખી વિસ્ફોટથી બન્યુ હતું અને ૧૧૨૦ ફુટ ઉંડું છે, એના કિનારે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પોતાના કપડાં ધોતા હતા અને જ્વાળામુખીના ખનિજ તત્વથી ભરેલા સ્વચ્છ પાણીને મલિન કરતાં હતા. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અમેરિકાની રોટરી ક્લબે ભંડોળ ભેગું કર્યું હતુ. એ પૈસાથી ત્યાં સરોવરથી થોડે દુર એક જુદો પાણીનો કુંડ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો, એને લગતી બધી સગવડ ધ્યાનમાં રાખી જેથી લોકો ત્યાં પોતાના કપડાં ધોઈ શકે અને મેલું પાણી કાંકરા, રેત, પથ્થરોમાં થી પસાર થઈ ચોખ્ખું થઈ પાછું સરોવરમાં ભળી જાય. આ પ્રોજેક્ટને અમલમાં મુકવા અમે ગ્વાટેમાલા આવ્યા હતા. ત્યાંંની સ્થાનિક પ્રજા ઘણી ગરીબ હતી અને આ પ્રોજેક્ટથી એમને ઘણો લાભ થવાનો હતો.

અમારા આદર સત્કારમાં ત્યાંના પ્રમુખે સાંજે એમના ઘરે ચાલીસેક જણાં માટે મિજબાનીનુ આયોજન કર્યું હતું. સરસ મેક્સિકન ખાવાનુ, ત્યાંનો જાણિતો બિયર, રમની મહેફિલ જામી હતી. મારા માટે પ્રમુખની પત્નિએ ખાસ શાકાહારી એન્ચીલાડા, કેસેડિયા અને વર્જિન પીનાકોલાડા તૈયાર કરાવ્યા હતા. મજાક મસ્તીનો માહોલ જામતો જતો હતો, મેક્સિકન મ્યુઝીકના તાલે સમુહ નૃત્યનો આનંદ સહુ માણી રહ્યા હતાં. રાત જામતી જતી હતી, સમયનો ખ્યાલ કોઈને નહોતો; પણ મારી નજર ઘડિયાળના કાંટે અને આકાશમાં ઘેરાતા વાદળો તરફ જઈ રહી હતી. દસ વાગવા આવ્યા અને મેં યજમાન હોસેને કહ્યું કે, આપણે પાછા જવાનુ છે અને વરસાદ પડવાની એંધાણી દેખાઈ રહી છે. આવા ખાન પાનની મફેફિલમાં મારી વાત કોણ કાને ધરવાનુ હતું? “અરે! ચિંતા નહિ કર રોમા, હમણા પહોંચી જઈશું, મારી સ્પીડ બોટમાં.” હમણા એટલે સામે પાર પહોંચતા ૪૫ મિનિટ થાય એ ત્યારે હોસેને યાદ નહોતું.

ખેર!! ચલો ચલો કરતાં રાતના અગિયાર વાગ્યા, વાદળ ગરજવા માંડ્યા ત્યારે હોસે ઊભો થયો અને અમે સહુ સ્પીડ બોટમાં ગોઠવાયા. હોસેએ સ્પીડબોટ મારી મુકી અને વિજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો. અંધારી રાત, ઉપરથી પાણી વરસે, સ્પીડબોટની ઝડપને કારણે સરોવરના પાણીની છાલક અમને ભીંજવે, અંતિમ ઘડી આવી ગઈ હોય એમ અમારા સહુના જીવ તાળવે ચોંટ્યા હતા. એક ક્ષણમાં બાળકો પતિ સહુના ચહેરા નજર સામે આવી ગયા, અહિં અતિત્લાનમાં જ આજે અમારી જળસમાધિ થશે એ બીકના માર્યા અમે ચારે જણા એકબીજાનો હાથ સજ્જડ પકડીને બેઠા હતા. ડરને ઠંડીથી સહુ થરથર કાંપતા હતા. એટલું ઓછુ હોય તેમ વધુ પડતા નશાને કારણે હોસે પોતાનુ ઘર ભુલી ગયો, ભળતા કિનારે બોટ રોકી; ઉતરવા જતાં ખ્યાલ આવ્યોને બોટ પાછી વાળી. માંડ માંડ એના ઘરે પહોંચ્યા. પહેલીવાર આભાર વ્યક્ત કરવાનો વિવેક ભુલી અમે સહુ ભગવાનનો ઉપકાર માનતા સુવાના ઓરડામાં જતા રહ્યાં.

એ રાત!!! મારી સહેલી અરૂણા ગોરડિયાનો સ્વાનુભવ…લે. શૈલા મુન્શા તા.૦૯/૧૭/૨૦૨૦
  ——————
     રંગોળી…ઈલા મહેતા

કોઈ જ આવ્યું નથી – વાર્તા – લેખકઃ વિજય ઠક્કર

કોઈ જ આવ્યું નથી….. લેખક: વિજય ઠક્કર

મોક્ષ ઝડપથી ઘરે આવતો હતો.

કોઈ જ કારણ વિના આજે રોજ કરતાં વધારે સ્પીડમાં કાર ચલાવતો હતો. કોણ જાણે કેમ પણ કંઈક અંદરથી ખુશી મહેસુસ કરતો હતો. જાણે કશુંક આનંદપ્રદ ના બનવાનું હોય…!! ક્યારેક અશુભના ઍધાણ મળી જતાં હોય છે એમ ક્યારેક શુભના પણ ઍધાણ મળી જ જાય છે ને.!

Continue reading કોઈ જ આવ્યું નથી – વાર્તા – લેખકઃ વિજય ઠક્કર

“વાર્તાનો વૈભવ” – વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ

વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ

સંધ્યાએ આભલાંને આજ ગેરુઆ રંગથી આખાય રંગી નાખ્યાં હતાં. ઘરે પડીને વહેતાં વાત્રક નદીના આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠે ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફુલગુલાબી બનાવી દીધી. Continue reading “વાર્તાનો વૈભવ” – વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…- દેવિકા ધ્રુવ

(સ્વ. પી. કે. દાવડા, “દાવડાનું આંગણું”ના સ્થાપક અને સ્વ. નવીનભાઈ બેંકર નીસુંદર મૈત્રી હતી. દાવડાભાઈ કાયમ નવીનભાઈની મૈત્રીની વાત ખૂબ આનંદથી કરતા હતા, જે  મારા સ્મરણમાં હજી અકબંધ છે. “દાવડાનું આંગણું”ની પૂરી ટીમ વતી હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ દિવંગત શ્રી નવીનભાઈ બેંકરના આત્માને પરમ શાંતિ અર્પે અને પૂરા પરિવારને એમની ખોટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.)

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…

—દેવિકા રાહુલ ધ્રુવ

બાળપણમાં  જેમની સાથે જીંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય તેવા  નિકટના આત્મીય ભાઈને માટે  ’હતા’ લખવાનું આવે ત્યારે  કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યા છીએ.. અનાયાસે જ નવીનભાઈની અને મારી એકસરખી લેખનશક્તિ કેળવાઈ અને એકસરખા  સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યાં. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ  અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

૯-૨૬-૧૯૪૧ થી ૯-૨૦-૨૦૨૦

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે..જોરથી વલોવાય છે.

ગઈ રક્ષાબંધને…
આ છેલ્લી છે, એ જાણ સાથે હૈયું હચમચાવીને, રાખડી બાંધી’તી.
છેલ્લી ન રહે, એ ભાવ સાથે  ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી.
ચાહ એવી ખૂબ જાગે, ચમત્કાર થાય  ને સઘળુ સારું થઈ જાય પણ
ખોટા, જૂઠા દિલાસા સાથે, કડવું સચ પચાવીને રાખડી બાંધી’તી.
જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?
વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી.
મજબૂત છીએ, આવજે પણ પીડા વિના મળજે ભાઈને, માની જેમ જ,
હકભર્યા હુકમના સાદ સાથે, બહુ જ મન મનાવીને બાંધી’તી.
जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી
રુદિયે શ્રધ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

પણ….  આખરે સપ્ટે.૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબના પાનેપાના ખુલ્લાં જ હતા. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ ગયા.

જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગો, હજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છે. અત્યારે તો  યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું ત્યારે તો મેં તરત લખી આપ્યું હયું પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં…

 નવીન બેંકર એટલે  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.

નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા–રસીલા,મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક–સિનેમા, ફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

“સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ–ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને ‘નિત્યાનંદભારતી’ બનાવે તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે,”જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે ‘સત્યમેવ જયતે‘ સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”

કદાચ એટલે જ એ જીંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારેય જીવી જ શક્યા નથી.

આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું. ૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા.  દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય.  અમે નાની ચાર બેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટાં. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા..પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરે! આ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !

આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયાં. સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા–નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. હંમેશા તેમને લાગતું કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઈનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ,આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.

નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે. તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે.

૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી.ખરસાણી, સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે. ૧૯૭૯માં અમેરિકા આવ્યાં. ન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબ–વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ–ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧–૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી!

૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ હતું.

નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો  નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. મન્નાડે, આશાભોંસલે, અનુમલિક,એ.આર. રહેમાન,ધર્મેન્દ્ર, અમીરખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિઝીન્ટા,પરેશ રાવલ, પદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યાં. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન–પત્રથી નવાજ્યું.. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે.

બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૧)   —– પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૧)   —– પ્રીતિ  સેનગુપ્તા

ગોવાના દરિયા-કિનારા પરના એ રિઝૉર્ટમાં છૂટાં છૂટાં કૉટૅજ હતાં. પરિણીત હોય, કે ના હોય, પણ ત્યાં આવેલા દરેક પ્રેમી-યુગલને પૂરતી પ્રાઇવસી મળતી હતી. Continue reading બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૧)   —– પ્રીતિ સેનગુપ્તા

વિશિષ્ટપૂર્તિ. નેત્ર-યજ્ઞ.

ભાવનગરમાં શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા શરૂ થયેલ નેત્ર-યજ્ઞની અસંખ્ય વાતો અને ચક્ષુદાનની ઘટનાઓ માનવતાને એક મુઠ્ઠી ઊંચે લઈ જાય છે. આજે કલાકાર જ્યોતિભાઈ માનભાઈ ભટ્ટનો લેખ આદરભાવપૂર્વક રજુ કરું છું. સરયૂ.

નેત્ર-યજ્ઞઃ મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો – જ્યોતિ ભટ્ટ.                     
                              
ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રકાશિત.

  

Bhavnagar, 1968

1968માં મેં 35mm કેમેરા, તે પણ ત્રણ લેન્સીસ સાથે વસાવી લીધેલ. શિયાળા દરમિયાન ભાવનગરમાં આવેલ મારા ફેમિલી હાઉસ પર ગયો હતો, ત્યારે ત્યાં મારા પિતાજીની સંસ્થા ‘શિશુવિહાર’માં નેત્રયજ્ઞ ચાલી રહ્યો હતો. આઈ કૅમ્પ (Eye Camp) ને માટે ‘નેત્ર-યજ્ઞ’ તથા ‘કિન્ડરગાર્ડન’ માટે ‘બાળશાળા’ ને સ્થાને ‘બાળમંદિર’ કહેવાની પ્રથા ત્યાં અપનાવાઈ છે. જે આ પ્રવૃત્તિઓને એક આધ્યાત્મિક સ્તર ઉપર લઈ જવા તેની સાથે જોડાયેલાઓને પ્રેરણા આપે છે. એ ‘નેત્રયજ્ઞ’માં આજુબાજુનાં 40સેક કિલોમીટર વિસ્તારમાં રહેતા, મુખ્યત્વે ગ્રામજનો આવતા. જ્યાં તેમને આંખના મોતિયા તથા ઝામર જેવા દર્દોની સારવાર વિના ખર્ચે અપાતી. 

ભારતમાં ગરીબી અને કુપોષણ તથા ધૂળ અને પ્રખર સૂર્ય પ્રકાશ ને કારણે મોતિયા જેવા દર્દોના ભોગ બનનારાઓની સંખ્યા ઘણી મોટી છે. પૂરતી હોસ્પિટલોના અભાવ ઉપરાંત ત્યાં મળતી સારવાર અત્યંત મોંઘી હોય છે. આના નીવેડા તરીકે કેટલીક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળે આ પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. શિશુવિહારના નેત્રયજ્ઞમાં મુખ્ય ડોક્ટર શિવાનંદ અધ્વર્યું હતા. જોકે, તેમને બધા બાપુજી નામે જ ઓળખતા. ડો. શિવાનંદ અધ્વર્યું પહેલા સરકારી મેડિકલ ડોક્ટર હતા. કોઈ કારણસર તેમણે રાજીનામું આપ્યું અને ઋષિકેશ ‘દિવ્ય જીવન સંઘના આશ્રમમાં ગયા. અને ત્યાં જઈ દીક્ષા લઈ સાધુ થઈ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. આશ્રમના મુખ્ય પ્રણેતા (બીજા) શિવાનંદજીએ દીક્ષા તો આપી પરંતુ અધ્વર્યુંજીને ત્યાં રહેવાની રજા ન આપી. કહ્યું કે, ‘તમે જે કામ સારી રીતે જાણો છો, તે જ કામ હવે પાછા જઈને સેવાભાવે લોકોના લાભાર્થે કરો’. એમની આજ્ઞાને અનુસરી અધ્વર્યુંજી સૌરાષ્ટ્ર પાછા ફર્યા અને રાજકોટ પાસે આવેલ વીરનગરમાં મોટું આંખનું દવાખાનું શરુ કર્યું. પરંતુ ત્યાં સુધી જવાનું પણ ગરીબ ગ્રામજનોને પોસાતું ન હતું. તેથી વિવિધ સ્થળોએ જઈ ‘નેત્રયજ્ઞસ્વરૂપે સગવડ પૂરી પાડવાનું શરુ કર્યું. 

શિશુવિહાર’માં મોટી જગ્યા હતી. બાળમંદિરનું મકાન હતું અને એક મોટો શેડ પણ હતો. જેમાં સોએક ખાટલાઓ સમાતા. વધારાના ખાટલાની જરૂર હોય ત્યારે શમિયાનો પણ ઉભો કરાતો. ‘બાપુજીવહેલી સવારથી ઓપરેશન શરુ કરતા. વચ્ચે ત્રણેક વિરામ લઇ સાંજ સુધીમાં એકલે હાથે બધા દર્દીની આંખના ઓપેરશન પૂરા કરી દેતા.શિશુવિહાર’ના 12થી 16ની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ ત્યાં દિવસે તથા રાત્રે સ્વયંસેવક તરીકે કામ કરતા. સંસ્થાના કાર્યકરો ઉપરાંત કેટલાક શહેરીજનો પણ આ નેત્રયજ્ઞમાં સેવા આપવા આવતા. આખી વ્યવસ્થા અંગે વાત કરવી અહીં મુશ્કેલ છે. પરંતુ એક પ્રસંગ યાદ આવે છે. મારા પિતાજીની ઓળખાણને કારણે મને જ્યાં બાપુજી ઓપરેશન કરી રહ્યા હતા, તે સ્થળે જવાની રજા તો મળી. ત્યાં ગયો પણ ખરો. હોસ્પિટલ જેવી સગવડને અભાવે એક નાનો કિશોર હાથમાં ટોર્ચ પકડી દર્દીની આંખ પર પ્રકાશ નાખતો હતો. અને બાપુજી મોતીયું કાઢી રહ્યા હતા. બસ, આટલું જ યાદ છે. પછી આંખ ખુલી ત્યારે ખ્યાલ આવ્યો કે હું મારા ઘરે પથારીમાં સૂતો હતો. જે દૃશ્યો પેલા કિશોર જેવા બાળકો દિવસભર જોઈ શકતા હતા તેના અણસારથી જ હું બેભાન થઇ ગયેલો એમ મને એક કાર્યકરે જણાવેલ.

એ સમયે આજ જેવી ‘ફેકો–સર્જરીની વ્યવસ્થા ન હતી અને ઓપરેશન પછી સાત–આઠ દિવસ દર્દીઓએ ખાટલામાં પડખું ફેરવ્યા વિના સુઈ રહેવું પડતું. કેટલાક ચા – બીડી તથા તમાકુના બંધાણીઓને કાબુમાં રાખવા તે કામ સ્વયંસેવકો માટે સૌથી કપરુ હતું. હું પૂરું અઠવાડિયું ત્યાં રોકાયો અને બધા જ વિધિઓ તથા પ્રસંગોની છબીઓ લેવાની તક મળી.

-જ્યોતિ ભટ્ટ. ઈમેઈલ: jotu72@gmail.com
Photograph of Jyoti Bhatt taken by the artist himself in Baroda, 1967


નેત્ર-યજ્ઞ સાથે સંકળાયેલો પ્રસંગ. ભાવનગર.

મારી નાની બહેન ઉર્વશીની સંભાળ લેવા માટે હરીબહેને અમારે ત્યાં કામ કરવાનું શરું કર્યું હતું. હરીબહેન એક રજપૂત પ્રૌઢા, નમ્ર અને ગૌરવશાળી વ્યક્તિત્વવાળા બહેન લાલ રંગના ગામઠી પોશાકમાં અમારે ઘેર કામ કરવા આવ્યાં. તેમનો બહાર કામ કરવાનો આ પહેલો પ્રયત્ન હોવાથી મૂંઝાયેલાં લાગતાં હતાં. મારા બા, ભાગીરથી મહેતા માજીરાજ હાઈસ્કુલમાં શિક્ષિકા હતાં, તેથી હરીબેન સવારથી સાંજ સુધી અમારે ઘેર રહેતાં અને ઉર્વશીની સંભાળ લેતાં…સાથે છ-વર્ષની હું અને દસેક વર્ષના મુનિભાઈ તેમની સાથે પ્રેમથી હળી ગયાં. અમારાં જીવનમાં શું વળાંક આવ્યો તે આગળ લખું છું, પણ અહીં નેત્ર-યજ્ઞના અનુસંધાનમાં શું બન્યું તે જોઈએ…

વર્ષો પછી એક સવારે ઘરડાં હરીબેન ઘેર આવ્યાં. આંખે મોતિયો ઉતરાવ્યા પછી ચશ્મા પહેરલાં હતાં અને શીશુવિહારમાં કેટલી સરળતાથી આંખે દેખતાં થયાં તેની ખુશીનો પાર ન હતો. હરીબેન પોતાની જેવા અનેક લોકો, જેમને આવા કેમ્પમાં મદદ ન મળે તો કેટલી હેરાનગતિ વેઠવી પડે તેની વાત કરતાં હતાં. નવદંપતિ મુનિભાઈ અને ઈલાભાભી આવીને હરીબેનને પગે લાગ્યાં. મુનિભાઈ કહે, “હરીબેન, તમે અમારાં લગ્નને દિવસે વહેલાં જતાં રહ્યાં હતાં, તેથી આજે આશિર્વાદ લેવાનાં છે.”

મારા બાએ આગળ પરિચય આપતાં ઉમેર્યું, “અને તમે શિશુવિહારવાળા, શ્રી.માનભાઈના સેવાકાર્યની વાત કરો છો… તેમની આ દીકરી છે, ઈલા.” હરીબેન ખુશીનાં માર્યા ઊભાં થઈ ગયાં અને વ્હાલથી મુનિભાઈ-ઈલા પર આશિર્વાદ વરસાવી રહ્યાં. નેત્ર-યજ્ઞના સદકાર્યનો પુરાવો હરીબેનમાં દૃશ્યમાન થયો.

…મારી બહેન ઉર્વશી, પાંચ વર્ષની ઉંમરે બે દિવસનાં તાવમાં અવસાન પામી. એ સમયે મારા માતા-પિતા, મુનિભાઈ અને હરીબેનને સાંત્વના આપી શાંત કરવાં કોઈ શક્તિમાન ન હતું. હરીબેનની યાદ સાથે ઉર્વશીની યાદ જોડાયેલી છે.

અશ્રુબિંદુ

    એક  અશ્રુબિંદુ મારી  પાંપણની કોર પર.
    ગીત લઈ આવ્યું જુની યાદો દિલદોર પર.

   નાનેરી બહેની મારી, ઉર્વશી પરી હતી,
   આવીતી આભથી, પાંચ વર્ષ રહી હતી.
    માતપિતા ભ્રાતાના ઉરની ઓજસ હતી,
    બેન સહજ બચપણની મારી હરીફ હતી.

  ઓચિંતી ઈશ ઘેર પાછી ફરી  હતી,
  માત તાત નજરુંમાં મરુતા ઝરતી હતી.
  ના સુણ્યું જાયે  ગીત ઉરૂ ગાતીતી, 
 
કકડુપતિ રાઘવ રાજારામ” રટતીતી.

    શબ્દો અંહી આવેલાં સૂરોની પાંખ  પર,
  
જઈને જે  ભીંજવશે ભૈયાની આંખ પણ.
   
ઉર્વશીની ઉષ્માથી નયણાંનાં તોરણ પર,
   
મીઠું  હસી ને રડી  કેટલીયે  યાદ  પર.
      ———
સરયૂ પરીખ

થોડી ખાટી, થોડી મીઠી – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

ગુજરાતના એક વિશ્વવિખ્યાત ગીતકાર-સંગીતકારને ૧૯૭૫-૧૯૭૬ ના સમયમાં ‘લાખો ફુલાણી’ પિકચરમાં એક ગુજરાતી ગીતને કિશોરકુમારના અવાજમાં ગવડાવવાની ઈચ્છા થઇ. આ માટે પિકચરના નિર્માતા સાથે તેઓ મુંબઈમાં જુહુ સ્થિત કિશોરકુમારના ઘરે પહોંચી ગયા. કિશોરકુમારના ઘરના ઝાંપે જ તેમને ખબર મળ્યા કે કિશોરકુમાર મહેમુદ સાથે કોઈ ગંભીર ચર્ચા કરી રહ્યા છે. પછી તેઓએ કિશોરકુમારને રૂબરૂ મળી શકાય તે આશા છોડી પોતાનું નામ, ટેલીફોન નંબર ચિઠ્ઠીમાં લખી કિશોરકુમારને પહોંચાડ્યું. ચિઠ્ઠીમાં ‘ફુરસદે વાત કરવા’ વિનંતિ કરી હતી. કિશોરકુમારે ચબરખીમાં બારણે આવનારનું નામ વાંચ્યું – “અવિનાશ વ્યાસ”.  તેઓ જાતે ઉભા થઈ બહાર આવ્યા, બુમ પાડીને અવિનાશભાઈને રોક્યા, વાંકા વળી ચરણરજ માથે ચઢાવી અને કહ્યું, ‘ગુરુજી, મેરે ઘર આપ પહેલી બાર પધારે ઔર બિના આશિર્વાદ દિયે હી લૌટ જાના ચાહતે થે.”

“પદ્મશ્રી” અવિનાશ વ્યાસની ૨૧ જુલાઈના રોજ ૧૦૯ મી જન્મતિથી છે. બારેક હજાર ગીતોના ગીતકાર, ૨૫૦ જેટલી ફિલ્મોના સંગીત નિર્દેશક. અસંખ્ય ગીત-ગરબાઓના રચયિતા, ૪૦ વર્ષ સુધી ગીત-સંગીતની દુનિયામાં છવાયેલું અવિનાશી નામ એટલે અવિનાશ વ્યાસ. લત્તા મંગેશકર, કિશોરકુમાર, મુકેશ અને મુહમદ રફી જેવા ટોચના ગાયકો પણ તેમને ગુરૂ માનતા અને તેમને જુવે તો ચરણ સ્પર્શ કરતા આટલું તેમનું સન્માનીય વ્યક્તિત્વ હતું.

“ગાઓ સૌ સાથે તમને બજરંગીની આણ છે…..” ગુજરાતી સ્વરમાં કિશોરકુમારનું પહેલું ગુજરાતી ગીત ‘લાખોફુલાણી ‘ પિકચરમાં હતું. ૧૯૪૯ માં રજુ થયેલ ‘મંગલફેરા’ ફિલ્મનું ગીત ‘રાખના રમકડા..’ અમર થઈ ગયું. ૧૯૭૭ માં આવેલ ‘દાદા હો દીકરી’ નું ટાઈટલ સોંગ વાગતું ત્યારે જાણે અડધું થિયેટર રડતું તેમ કહેવાતું.  ‘માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો’ તેમની કારકિર્દીનો માસ્ટર પીસ હતો. ‘પંખીડાને આ પિંજરું જુનું જુનું લાગે’ હજુ લોકોની જીભે રમે છે. એકવાર સાંભળ્યા પછી વાંરવાર સાંભળીયે એટલે હુ તુ, તુ, તુ ……જામી રમતોની ઋતુ…… વાદળોની પાછળ પેલા સંતાયેલા પ્રભુજીને પામવા …જગત આખું રમે ..હુ તુ તુ‘
આવી ઈર્ષા ઉપજાવે તેવી લોકચાહના છતાં તેઓ સ્વભાવે ખુબ નમ્ર અને સૌજન્યશીલ હતા. કિશોર કુમારે તેમને શ્રેષ્ઠ અંજલી આપતા કહ્યું હતું, ‘લક્ષ્મી-પ્યારે હો યા કલ્યાણજી- આનંદજી સબ ઇસકે આસીસ્ટન્ટ રહ ચુકે હૈ, ઇતના બડા આદમી કિતના સીધા હૈ..’ શા માટે તેમના માટે લખાયેલા લેખોની આગળ ‘અમર રહે અવિનાશ..’ લખાય છે તે સમજી શકાય છે.

છેલ્લો બોલ: ૨૦૧૨ માં શ્રી અવિનાશભાઈની ૧૦૦ મી જન્મજયંતિ વખતે તેમને શ્રધાંજલી આપવા અમદાવાદમાં એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના હોસ્ટે કાર્યક્રમની શરૂઆતમાં અવિનાશભાઈની સિદ્ધિઓ, ગીતોના આંકડા અને તેમણે મેળવેલા પારિતોષિકો વિશે જાણકારી આપતા કહ્યું, આમ તેઓ ગુજરાતી ગીત ક્ષેત્રે બ્રેડમેન હતા. પછી કાર્યક્રમ શરૂ થયો. કાર્યક્રમની અધવચ્ચે એક શ્રોતાએ સ્ટેજ પર આવી માફી માંગતા કહ્યું, ‘મારે કઈક કહેવું છે.’ હોલમાં શાંતિ છવાઈ ગઈ. આમ પ્રોગ્રામ અટકાવીને આ ભાઈને શું કહેવું હશે? તેમણે કહ્યું, ‘હોસ્ટે જે શરૂઆતમાં કહ્યું, કે અવિનાશભાઈ ગુજરાતી ગીતોના બ્રેડમેન હતા. તેમાં મારે થોડો સુધારો કરવો છે. બ્રેડમેન ક્રિકેટમાં અવિનાશ વ્યાસ હતા એમ આપણે કહેવું જોઈએ.’ હોલ તાલીઓથી ગુંજી ઉઠ્યો.

સાભારઃ (ડો. આશિષ ચોક્સી)
ત️થા વિક્રમભાઈ તન્ના  અને હિમાંશુ  મહેતા તરફથી મળેલ મેસેજ ના સૌજન્યથી, થોડા સુધારા સાથે