Category Archives: અન્ય

“દોસ્તી અનલિમિટેડ”-(૨)-સેજલ પોન્ડા

દોસ્તી અનલિમિટેડ

લેખનઃ સેજલ પોન્ડા

પઠન કલાકારઃ ધર્મેન્દ્ર ગોહિલ

જે સર્જન કરે એ સર્જક.

ચમત્કાર કરે તે ઈશ્વર. 

જ્ઞાન આપે તે ગુરુ.

ભવિષ્ય ભાખે તે જ્યોતિષ.

જાદુ કરે તે જાદુગર.

જો આ બધી વિશેષતા એક જ વ્યક્તિમાં હોય, તે એ છે દોસ્ત..!

જેને રાત્રે બે વાગે જગાડી શકાય, ગુસ્સો કરી જેને મારી શકાય,

જેની સામે હસી શકાય, રડી શકાય, જેની મશ્કરી કરી શકાય

સપનાં વહેંચી શકાય, એ છે દોસ્ત!

સ્વભાવ, સપના, દિશા, આકાશ બધું જ ભિન્ન હોય છતાં એ આપણો દોસ્ત છે!

દોસ્તી માટે એકલક્ષી હોવાનું જરૂર નથી.

દોસ્તી લક્ષનો નહીં, મનનો મેળાપ છે.

દોસ્તી સર્જક બને, ઈશ્વર બને, ગુરુ બને, જ્યોતિષ બને

જાદુગર બનીને વહેતી રહે, એ માટે હું જ કહું છું,

“તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ, દોસ્ત!

નીચેની લીંક પર ક્લીક કરીને ઔડિઓ-વિઝ્યુલની મજા માણો.

https://m.facebook.com/story.php?story_fbid=3061360943917862&id=100001319605046

“આમ અછતા ન થયા..”- કવિઃ રમેશ પારેખ-સ્વરાન્કનઃ અમર ભટ્ટ

કવિ રમેશ પારેખને એમની અવસાનની તારીખે (17 મૅ)યાદ કરું છું. એમની એક ગઝલનું થોડા સમય પહેલા થયેલું સ્વરાન્કન સંભળાવવું છે.
(નીચેની લીંક પર ક્લીક કરીને તમે આ સ્વરાન્કન સાંભ્ળી શકશો)
https://youtu.be/sGYg_EOqLec

‘આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા
(કવિ જગદીશ જોષીએ આ ગઝલના આસ્વાદમાં આ શેરની પ્રથમ પંક્તિ માટે સરસ લખ્યું છે -બે બાજુના ‘આમ’માં માણસ ભીંસાય છે, ભૂંસાય છે. ન તો પૂરો પ્રકટ થાય કે ન ટી પૂરો અપ્રકટ રહે!)
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે
ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા…
(‘સ્વપ્ન’ રમેશ પારેખનો પ્રિય વિષય છે-
સ્વપ્નમાં અત્તરની શીશી રોજ ફૂટી જાય છે
એટલે ખૂશ્બુમાં તિરાડો મને દેખાય છે.)
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા…
(વરસાદના ટીપાને છબીમાં મઢી લેવાની કલ્પના ગમે એવી છે. પન્ના નાયકના એક કાવ્યમાં સુખના સ્નેપશોટની વાત છે. સુંદરમ્ ના કાવ્ય ‘બાનો ફૉટોગ્રાફ’માં ફોટોગ્રાફર ક્લિક કરે છે એ સમયે બાની આંખમાં ‘ઠરેલા’ બોર શા આંસુની વાત છે.)
આજ ખાબોચિયાના થાય છે શુકન રણમાં
તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા…
(કવિને શેનાં શેનાં શુકન થયાં છે? ’આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી’; ‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાના શુકન‘)
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા’
કવિ: રમેશ પારેખ
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
https://youtu.be/sGYg_EOqLec

ઘરની તરસ ~ કવિ: તેજસ દવે ~ આસ્વાદ: હિતેન આનંદપરા

કદી ન આંગણ તુલસી વાવી, કદી ન બાંધ્યાં તોરણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?

જાતે થઈ ખંડેર ઊભાં છો હવે એકલા ઝૂરો
તમે ખરા છો સાંકળ મારી ઘરને ઘરમાં પૂરો

નસીબમાં પણ એને આવ્યું આખેઆખું રણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?
દીવાલ ઉપર પડ્યા ઉઝરડા કેમ કરી એ જોવે?

બારસાખ પર ચીતરેલા એ મોર હજી પણ રોવે
હજી નેજવું કરી જુએ છે રાહ તમારી તો પણ
ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ?

તેજસ દવે

અમદાવાદમાં રહેતા કવિ તેજસ દવેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઓગળતી જિંદગીના સમ’ વાંચવું અને ઠરવું ગમે એવો ગીતસંગ્રહ છે. પ્રસ્તુત ગીત પોણી જિંદગી ઘરને આપતી ગૃહિણીની અંતરંગ વ્યથાને વ્યક્ત કરી ગૃહસ્થને આડે હાથે લે છે.

પુરુષપ્રધાન સમાજ એકવીસમી સદીમાં પણ અત્રતત્રસર્વત્ર જોવા મળશે. ગામમાં એનો દેખાવ કઠોર હશે અને શહેરમાં સોફેસ્ટિકેટેડ હશે, પણ અંદરની વાત તો એક જ રહે છે. ગૃહસ્થ અને ગૃહિણી આ બંનેની વેવલેન્થ પરથી ઘર ખરેખર ઘર બનતું હોય છે. 

અચૂક જોવા મળે છે કે પતિદેવોની ચાંચ ઘરના કામમાં ડૂબતી નથી અથવા તો એમની ઉદાસીનતા નિષ્ઠાને વળોટી જાય છે. માળિયે રાખેલી પસ્તી ઉતારવાની હોય કે પંખા લૂછવાના હોય; તેઓ આ પ્રકારના કામો કરવાને બદલે સાક્ષીભાવે બધું જોયા કરે છે. એ વખતે તેમનામાં નિરંજન ભગત પ્રવેશી જાય છેઃ હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? ક્રિકેટ મેચ ચાલુ હોય ત્યારે આ સાક્ષીભાવ સળવળાટ કરી એવરેસ્ટના રોમાંચને આંબી જાય. પત્ની માટે આ કાયાકલ્પ સમજવો મુશ્કેલ છે. સોફા ઉપર ઠઇઠું બેસીને બધું જોયા કરતા શરીરમાં અચાનક ચોગ્ગા-છગ્ગા ફૂંકાય.

ઘર ચલાવવાની જવાબદારી ઉભય પક્ષે છે. અઢારમી સદીની માનસિકતા સાથે એકવીસમી સદીની જરૂરિયાતો મેળ નથી ખાતી. એક આવકમાં ચાલતું ઘરે હવે બે આવક માગે છે. સ્ત્રીએ જ્યારે જૉબ પણ સંભાળવાની આવે અને ઘર પણ સાચવવાનું આવે ત્યારે પુરુષની જવાબદારી વધવી જોઈએ. રેસ્ટોરાંમાં ઑર્ડર આપીએ એ રીતે ઘરમાં ઑર્ડર છોડવાની ગુસ્તાખી આપણને કોઠે પડી ગઈ છે.

ડાઈનિંગ ટેબલ ઉપર બધી સામગ્રી ગોઠવવાની હોય એમાં પણ કોઈ મદદ ન કરે. થાળી પીરસાય પછી જ જનાબ સદેહે ઊભા થાય. ગૃહિણી અરજ કરે કે ન કરે, ઘરમાં હાથવાટકો થવું એ ફરજ પણ છે અને ગરજ પણ છે. થાળીમાં પીરસાતા ભોજન પાછળનો પરિશ્રમ જેને દેખાતો નથી એમની આંખો ઉપર નિષ્ઠુરતાની સેલો ટેપ ચોંટી હોય છે. મદદ કરવાની વાત તો જવા દો, પ્રિયજનમાં જે પ્રતિભા છે એની ઓળખ પણ નથી હોતી. ઓળખ થાય તો વિકસવાની તક દાબી દેવામાં આવે. સુપેરે  તન વાંચી શકતી ઇચ્છાઓ મન વાંચવાનું સિફતપૂર્વક ચૂકી જાય છે.

સ્ત્રીમાં ઈશ્વરે ભારોભાર સંવેદના મૂકી છે. બાળકના ઉછેર અને પોતાની પ્રતિભાના વિકાસ વચ્ચે જો પસંદગી કરવાની આવે તો એ બાળકને જ પ્રાધાન્ય આપશે. આવા તબક્કે એના સંવેદનને માન આપીને એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મોરના ટહુકા ઉછેરતી છોકરી પરણ્યા પછી ડૂસકાં લણતી થઈ જાય એમાં વાંક કોનો? એના સપનાંઓ ઉપર છોડાતા ટિયર ગેસ અને ફિયર ગેસના શેલ ઘાતકીપણાનો પુરાવો છે. બહુ કપરું હોય છે એક જગ્યાએથી ઉખડીને બીજી જગ્યાએ રોપાવું. રોપાયા પછી જો સરખા ખાતર-પાણી ન મળે તો છોડ અને કોડને મુરઝાતા વાર નથી લાગતી. પાછા પગ કરવા અશક્ય હોય અને છતે પગે સ્ટેચ્યુ થઈ જવાની નિયતિ સર્જાય એ સ્ત્રીત્વ ઉપર કુઠરાઘાત છે. વિશાળ હૃદય સાથે સંકુચિત વલણને ગળી જવાનું અઘરું કામ તે કરે છે. સવારે હડહડ થયેલી હયાતી સાંજે રાહ જોતી ઊભી હોય. એ વખતે પણ એ ચોક્કસ નથી હોતી કે વડકાં મળશે કે વ્હાલ. સમર્પણ સ્ત્રીનો ગુણ છે, પણ સંવેદન પુરુષનો ગુણ ક્યારે બનશે? 

વ્યક્તિગત વેદના પછી સામાજિક વાસ્તવિકતાનો ચિતાર આપતું એક અન્ય ગીત સંગ્રહમાંથી તારવ્યું છે.

ફુટપાથે સૂતેલાં ભૂખ્યાં કોઈ બાળકની
આંખો પર ધ્યાન કદી દેજો
છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી
તમને ના વાગે તો કહેજો

ઈંટ અને સિમેન્ટે ભીંતો બંધાય
        એમ લાગણીઓ થોડી બંધાય છે?
ભીંતેથી પોપડા ખરે ને એમ રોજ
        અહીં માણસ પણ જર્જર થઈ જાય છે
ડામરના રસ્તા પર કાળીધબ ઇચ્છાના
        એકલા નિસાસા ન લેજો

સૂરજ ડૂબે ને પછી ટળવળતી સાંજ
        રોજ ટોળે વળીને મૂંઝાય છે
અહીં નાનકડા રોટલાનો ટુકડો પણ       
માણસની આંખોનું સપનું થઈ જાય છે
કાચ સમી જિંદગીને સાચવતા માણસની       
આંસુની ધાર કદી સહેજો

***

“મનને દળવા બેઠી”- કાવ્ય- દેવિકા ધ્રુવ

કાળના મહાપ્રવાહમાં કેટકેટલું ઘસડાઈ જાય છે, વિસરાઈ જાય છે પણ એ જ સમય ક્યારેક ને ક્યારેક, કોઈ ને કોઈ રીતે મૌન રહી અચાનક,નજર સામે ઘણું બધું પાછું ખડું કરી આપે છે. કોરોનાની  મહામારીના સમયમાં માનવીને સમગ્રતયા બદલાવું પડ્યું અને ઘડિયાળના કાંટે ચાલતો,ઘડીની યે નવરાશ ન પામતો એ જ માણસ સ્વયં કેટકેટલું અવનવા રૂપે ઉલેચી લાવ્યો!

વર્ષો જૂની, થાળાવાળી મોટી ઘંટી, મનને દળવા બેઠી.

મૂઠી ધાન, સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

ઘંટો સુધી બેસી સાથે,

ઘંટી-હાથો પકડી સામે;

ગોળ ઘૂમાવી કચડ કચડ હું

બે પડ વચ્ચે, પીસાતા દાણા, રુદિયે ભરવા બેઠી.

છાજલી પરથી  ઉતારી બરણી,

ડાઘા-ડૂઘી, લૂછીને  ભરતી,

નવા મસોતે ઝાપટી, ઝુપટી

ઢાંકી ઘંટી, કણ કણ ક્ષણની ધરવા બેઠી.

વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી…

મૂઠી ધાન સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

(થાળું=જ્યાં ઘંટીનો લોટ કે દાણા ભેગાં થાય તે થાળું. )

(મસોતુ=સફાઈ કરતું પોતું. ‘કોરોના’ જેવું!)

“વાત કરવી છે ” -ગઝલ- ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલ – “વાત કરવી છે”

લખીને એક ઉપન્યાસ વાત કરવી છે
શું હોય રાતનો અજવાસ વાત કરવી છે

વિતાવી શબ્દનો વનવાસ વાત કરવી છે
હતી મજા કે હતો ત્રાસ વાત કરવી છે

બધા જે દૃશ્યને જોઈ વિતાવે છે જીવન
એ સત્ય છે કે છે આભાસ, વાત કરવી છે

આ કારણે જ તને ખાનગીમાં છે મળવું
તું છે જ ખાસ અને ખાસ વાત કરવી છે

મને તું આપ હે ભગવાન આટલી હિંમત
તું સામે હોય ને બિન્દાસ વાત કરવી છે

તટસ્થતાથી રજૂઆત થાય એ માટે,
દબાવી હર્ષ ને ઉલ્લાસ, વાત કરવી છે

હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી ?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે

                              ભાવિન ગોપાણી

શ્રી ભાવિન ગોપાણીની ગઝલ, “વાત કરવી છે નો આસ્વાદ- જયશ્રી વિનુ મરચંટઃ

વાત કરવા માટે કોઈની પાસે ક્યારે કેટલું જમા થઈ જાય છે એની કોઈ વહી-પોથી ક્યાં હોય છે? કોણ કેટલા તરસ્યા છે, એની સાબિતી જ્યારે જળાશય પાસે જાય ત્યારે જ ખબર પડે છે. શાયર શરૂઆત કરે છે કે એમને આખી નવલક્થા ભરાય એવી અને એટલી વાત કરવી છે અને એ ક્યાં કરવી છે એનાથી અવગત પણ નથી કરાવતા, એટલું જ નહીં, પણ, જેની સાથે વાત કરવી છે એ વ્યક્તિ ત્યાં હાજર છે કે નહીં. એ તો સૌની સંવેદના પર છોડી દીધું છે. અહીં બ. ક. ઠાકોરની આ પંક્તિઓ યાદ આવે છે, “ગમે તો સ્વીકારી લેજે ગત સમય કેરા સ્મરણમાં.” એક ઉપન્યાસમાં પ્રેમની વાત આવે, કુટુંબની વાતો આવે, તિરસ્કાર અને તોફાન પણ હોય, મૈત્રી અને દુશ્મની હોય, રાજકરણ અને સમાજની વાત હોય, કલા અને સંસ્કૃતિ પણ એમાંથી છલકે. આટલી બધી વાતો છાતીમાં ડૂમો ભરાઈને ઊભરાઈ રહી હોય ત્યારે વાત ક્યાંથી માંડવી? વાતનો પ્રારંભ અને પોત પરથી જ નિર્ણય થાય કે વાત હાજર રહેલા પ્રિયજનને કરવી છે કે પછી વિખૂટા પડી ગયેલા વ્હાલને યાદ કરીને, આમંત્રણ આપીને ફરિયાદ કરવી છે, કે, આવ, જરા જો, કેટકેટલી અને કેવી કેવી સુખ-દુઃખની વાતો કરવાની ભેગી થઈ છે. અને, એક નવલકથામાં હોય એટલી અને એવી લાંબી વાતો તો અંધારી રાતના પોતે જ દીવા બની જશે અને રાત આખી ઉજાસનો ઉત્સવ થઈ જશે!

“આંખોઆંખોમાં થઈ જાય વાત તો કેવું?

વાતો વાતોમાં થઈ જાય રાત તો કેવું?”

ન જાણે કેટલા વર્ષોથી શબ્દોને સંન્યાસ લેવડાવ્યો છે. આ સમય પણ કેવો હતો એ પણ કહેવું છે, થોડુંક રડીને અને થોડુંક હસીને!

જીવન આખું જે “મારું છે”, એવા માલિકીપણાના ભાવનું દ્રશ્ય સતત નજર સામે રાખીને, આખો ભવ માણસ કાઢી નાંખે છે અને આ “મારાપણા”નો અંત જિંદગીનો અંત આવે તોયે નથી આવતો.  શું આ “હું” અને “મારાપણું” જિંદગીનું સત્ય છે કે, પછી બસ, સત્યનો આભાસ છે? આ વાત સ્થૂળ અર્થમાં બધાં જ સમજતાં હોય છે અને છતાંય નથી સમજતાં. જેને માટે આટલા બધા ‘મોહ, મોહ કે ધાગે’ વણ્યાં હોય, એને જ પૂછી લેવાય, પણ, એની પાસે તો ઉત્તર ક્યાંથી હશે? એના કરતાં આ આસક્તિ જો પરમ તત્વમાં રાખીએ તો પછી અંતરપટ ખોલતાં જ સત્ય અને આભાસ વચ્ચેના ફરક અને એનો ઉઘાડ પોતાની મેળે થઈ શકે ખરો?

એક એવી ખાસ વાત કરવાની હોય, ગુફતેગુ કરવાની હોય તો ડંકાની ચોટ પરથી એ ખાનગી વાત ખાસ વ્યક્તિને કઈ રીતે કરી શકાય? અહીં નાજુકતાનો આવિર્ભાવ અદભૂત છે. વાત ખાનગી અને ખાસ છે, જેને કહેવી છે એ તો એનાથી પણ વિશેષ ખાસ છે, તો એને ખાનગીમાં જ આવવાનું ઈજન દેવું પડે ને? પણ, એ જો સામે આવશે તો શું થશે, એકેય વાત મોંમાંથી નીકળશે જ નહીં! વાત ક્યારેય કહેવાશે નહીં, પૂરી થશે નહીં અને આમ જ એક વાત કહેવાની ચાહમાં અને રાહમાં સાથે સાથે જ રહીને જિંદગી વિતી જાય તો, તો કહેવું જ શું?

નઝીર દેખૈયાની આ પંક્તિ યાદ આવે છે,

“સંભાળું હોઠને તો નયન મલકી જાય છે,

 બધી નાજુક અદાઓનું જતન ક્યાંથી બને?”

માણસ આખી જિંદગી મંદિરોમાં જઈને ઘંટારવ વગાડ્યા કરે કે ક્યારેક મને ઈશ્વર મળી જાય. પથ્થરની મૂર્તિ સામે તો ઊભા રહીને જે પણ બોલવું હોય તે બોલી નાંખી શકાય પણ જો ભગવાન એક દિવસ ખરેખર રૂબરૂ થઈ ગયા તો? ઈશ્વરના સતત નામ સ્મરણ લેતાં જ તે સમય પૂરતું અંતરમાં અજવાળું થઈ જાય છે, તો જરા વિચારો કે એ પ્રકાશપુંજ આખો ને આખો આપણી સમક્ષ આવીને ઊભો રહી જાય તો? એ તેજપુંજમાં અંજાઈ ગયેલું આપણું આખેઆખું અસ્તિત્વ, એની સમક્ષ કશું બોલવાની કે ફરિયાદો અને રોદણાં રડવાની હિંમત પણ કરી શકીશું ખરા? ત્યારે શું કંઈ પણ યાદ આવશે ખરું? જો ભૂલેચૂકે પણ આવું થાય તો હે પ્રભુ, મને હિંમત આપજે કે, જરા પણ શેહમાં રહ્યા વિના, અંજાયા વિના, તને પોતાનો માનીને જે પણ કહેવું છે તે આમને સામને, બિન્દાસ કહી શકું, અને, ત્યારે એટલી તટસ્થતા પણ રાખતાં શીખવાનું છે કે હર્ષ અને ઉલ્લાસનો અતિરેક ન રખાય. અહીં, ‘વાત કહેવી છે’ એમ નહીં, પણ, ‘વાત કરવી છે’ એમ કવિ ચતુરાઈ વાપરીને કહે છે. ઈશ્વરને આ ચેલેન્જ છે કે મને તું હિમ્મત આપ જેથી હું ખુલ્લંખુલ્લા, તારી જોડે સંવાદ સાધી શકું! આ બહુ જ મોટી વાત છે. પ્રભુને કહેવું કે ‘બેસ, મારી સામે અને આપણે એક લેવલ પર જીવ અને શિવ એક હોઈએ એમ વાત કરીએ! પણ આ તો જ બને જો આત્મા સાથેનું ઐક્ય લાધ્યું હોય!    

છેલ્લા શેરમાં, કવિ સાચે જ ‘ખંગ’ વાળે છે, એ કહે છે,

‘હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે.’

કવિ કહે છે કે જીવ રૂપી ‘હરણ’ ભૂખ અને તરસથી વલખાં મારે છે આજના આ યુગમાં. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ વિજ્ઞાનની, વિકાસની, ટેકનોલોજીની, વિશ્વાસની. પણ, આ પૃથ્વી પર આજે પણ અનેક જીવોની ભૂખ અને તરસ મિટવવામાં આપણે એક જાગૃત સમાજ તરીકે સફળ નથી થયા ત્યારે આ મોટી વાતો કેટલી અર્થહીન લાગે છે, માત્ર એક કાલ્પનિક વાર્તા લાગે છે! હવે કદાચ એવું બની જાય કે આ વાર્તામાં આપણે ફળફૂલ, અનાજ ઊગાડી શકીએ અને એ રીતે કદાચ આ જગતમાંથી ભૂખ મટે! યાદ આવે છે, બહુ જૂની ફિલ્મ, ‘ઉજાલા’નું આ ગીત,

“સૂરજ જરા, આ પાસ આ, આજ સપનોં કી રોટી પકાયેંગે હમ.   અય આસમાં, તુ બડા મહેરબાં, આજ તુઝકો ભી દાવત ખિલાયેંગે હમ!”

આ ગઝલનો છેલ્લો શેર વાંચતા આફરીન કહેવાઈ ગયું પણ જેમ ઉકેલાતો ગયો તેમ, એક માણસ તરીકે, ૨૧મી સદીમાં પણ આપણે ભૂખ અને તૃષાની બેઝીક જરૂરિયાત પણ પૂરી દરેક જીવ માટે નથી કરી શક્યાં, એ સમજાતાં, મારું માથું શરમથી ઝૂકી જાય છે. કવિએ એક ચાબખો સમાજને અને સમાજની વ્યવસ્થાને માર્યો છે. ભગવાન કરે અને આ ચાબખાની કળ ત્યાં સુધી ન વળે જ્યાં સુધી આ પૃથ્વી પરની ‘ભૂખ-તરસ’ની સમસ્યાનું સમાધાન

“જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલોં કી યાદ આતી હૈ”

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-3.png છે
સ્વ. પુરષોત્તમભાઈ દાવડા

આજે અત્યંત ભારે હૈયે આપ સહુને આ સમાચાર આપતાં આંખે આંસુનાં પડળ બાઝ્યા છે. મારા વડીલબંધુ, “દાવડાનું આંગણું”ના જન્મદાતા શ્રી પુરષોત્તમ કે. દાવડા, જે બે એરિયાામાં “પી.કે.” ના હુલામણા નામે જાણીતા હતા, ગઈ કાલે ૬/૧૮/૨૦ને દિન, રાત્રે સાડા અગિયારે દિવંગત થયા છે. દાવડાભાઈનું સૌમ્ય વ્યક્તિત્વ, મળતાવડો સ્વભાવ અને નાનાંમોટાં સહુની સાથે આત્મિયતાથી અનુસંધાન સાધવાની એમની સહજતાએ અમેરિકાના બેઅરિયાના માત્ર આઠ વર્ષોના ટૂંકા વસવાટમાં એમને સહુના આપ્તજન બનાવી દીધા હતા.

એમના જવાથી બે એરિયાના સમાજ અને સ્નેહીજનોને મોટી ખોટ પડી છે. દાવડાભાઈમાં સાહિત્ય અને કલાની ઊંડી સમજ હતી અને આ જ સમજણને એમણે “દાવડાનું આંગણું” શરુ કરીને સમાજમાં વહેંચી. જેમાં પહેલાં માત્ર એમના પોતાનાં લલિતકળાના અને અન્ય સાહિત્ય અને સંસ્કારને લગતાં લેખો મૂકતા હતા પણ ત્રણ વરસોનાં ટૂંકા ગાળામાં એમની સૂઝબૂઝ અને કુનેહથી “દાવડાનું આંગણું” સાહિત્ય અને લલિતકળાનું તીર્થધામ બની ગયું.

એમનું વ્યાવસાયિક જીવન ભારતમાં વીત્યું. એમણે જીવનના પ્રારંભિક કાળમાં સ્ટ્રક્ચરલ એન્જનિયર તરીકે નોકરી કરી પણ પછી થોડા જ સમયમાં એમણે પોતાની પ્રેક્ટીસ શરૂ કરીને અત્યંત સફળતા તો મેળવી જ પણ પ્રોફેશનલ કારકીર્દીમાં પણ પોતાનાં ક્લાયન્ટસ સાથે સહજતાથી ઘરોબો કેળવ્યો હતો.

જીવનના ઉત્તરાર્ધમાં એમણે પોતાની નિવૃત્તિ ગુજરાતીભાષાની સેવામાં ગુજારી. દાવડાભાઈની sincerity એમના અંગત જીવનમાં પણ છલકાતી હતી. એક ખૂબ જ સંવેદનશીલ અને વ્હાલસોયા પિતા, પ્રેમાળ પતિ, સ્નેહાળ અને સદા પોતાની જવાબદારી નિભાવનારા પુત્ર અને ભાઈ તરીકે એમણે કુટંબીજનોની કાળજી લીધી. વતનના મિત્રો અને અહીંના સહુ મિત્રોમાં તેઓ ખૂબ માનીતા હતા અને નાાનાંમોટાં સહુ એમની સાથે દિલ ખોલીને વાત કરી શકતાં.

દાવડાભાઈ, તમારી કમી પૂરી કરવા માટે આભની અનંતતા પણ ઓછી પડવાની છે. અમે સહુ તમને પળેપળ Miss કરીશું. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે. અમારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ.

શહાદતની પરંપરા – કેપ્ટન નરેન્દ્ર ફણસે

એક ઉપસંપાદકની આખરી ‘બાયલાઈન

બ્રિટનમાં જિપ્સીને પહેલી નોકરી મળી હોય તો તે હતી એક ગુજરાતી સાપ્તાહિકના ઉપસંપાદકની. આ સંસ્થામાં એક નિયમ હતો : તેમના સામયિકમાં કોઈ પણ કર્મચારીનો લેખ કે રિપોર્ટ છપાય તો તેમાં તેનું નામ ન આવે.
 ત્યાંની નોકરી છોડ્યા બાદ તેનો એક લેખ તેમના દિવાળી અંક માટે પ્રસિદ્ધ થયો જેમાં તેને પહેલી વાર ‘બાયલાઈન’ મળી. આ લેખનું સંક્ષિપ્ત રૂપાંતર અહીં રજુ કરૂં છું. 

Continue reading શહાદતની પરંપરા – કેપ્ટન નરેન્દ્ર ફણસે

મધ્યાન્હે સૂર્યાસ્ત…શૈલા મુન્શા

મધ્યાહ્ને સૂર્યાસ્ત

સુશાંત સિંહ રાજપૂત, એક ઝળહળતો સિતારો, રુપેરી પડદાની દુનિયામાં પોતાની કેડી કંડારી રહ્યો હતો. આપબળે ટી.વીના નાનકડા પડદેથી ફિલ્મી જગતની ચકાચૌંધ રોશનીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યો હતો….. અને અચાનક જીવનનો અંત લાવી દીધો????

ફિલ્મી જગતથી માંડી સામાન્ય માણસ સહુને આ બનાવે ઝંઝોડી દીધાં.

માનવી અકસ્માતમાં મૃત્યુ પામે, બિમારી, કોરોના જેવી મહામારી, કુદરતી આફતો, બધા સામે માનવી લાચાર હોય અને આપણે કહીએ કે મોતની એક ક્ષણ પણ આઘીપાછી નથી થતી, એ આપણા હાથમાં નથી, પણ કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરે છે, ત્યારે કઈ નબળી ક્ષણ એને એટલો લાચાર કરી મુકે છે કે એ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લે છે?

સવાર પડે છાપામાં, ટી.વીંમાં આવા આપઘાતના સમાચાર આવતા રહેતા હોય છે. ઘણા કારણો હોઈ શકે, ગરીબી, દેવું, લાંબી બિમારી, યુવતીઓ, બાળકી પર થતા બળાત્કાર, દહેજ ભલભલા કારણો હોય છે જ્યાં માનવી હિંમત હારી જાય છે, પણ જ્યારે એક સફળ શિક્ષિત માણસ આપઘાતનો રસ્તો અપનાવે છે ત્યારે મનમાં ઘણા સવાલો ઊઠે છે.

એક વ્યક્તિ જેણે એંજિયરિંગ પ્રવેશ પરીક્ષામાં સાતમો ક્રમ મેળવ્યો. જેના વિશ લીસ્ટમાં ૫૦ સપના કંડારાયેલા, ભારતનો એકમાત્ર વ્યક્તિ જેણે ચંદ્ર પર પોતાની જમીન ખરીદી, નાસાની મુલાકાત લઈ એસ્ટ્રોનૌટ બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી, સ્પેસ અંગે શીખવામાં બાળકોને મદદ કરવી, કૈલાશ પર્વત પર ધ્યાન લગાવવું, જેવી વિવિધ ક્ષેત્રની વસ્તુ જે આ જીવનમાં કરવા માંગતો હોય એને એવી કઈ મજબૂરી આવી કે આવું અંતિમ પગલું ભરવું પડ્યું?

છ મહિનાથી એ ડિપ્રેશનનો ભોગ હતો એવું કહેવાય છે, તો શું બહેનો, મિત્રો, પિતા કોઈને એની મનઃસ્થિતિની જાણ નહોતી? કોઈ એવો ખભો નહોતો જ્યાં એ માથુ ટેકવી શકે? પોતાનુ મન હલ્કું કરી શકે? એવી કઈ અજ્ઞાત પકડ છે, જે માણસને પોતાના કોચલામાંથી બહાર નીકળવા નથી દેતી?

સુશાંત સિંહના આપઘાતે મારા મનમાં પણ વિચારોનો વંટોળ ઉભો કરી દીધો છે. મેં પણ નાની વયમાં માતા પિતાનો સાથ ગુમાવ્યો છે, એ કારણસર અમારા ભાઈ બહેનોના જીવન પણ જુદી જુદી દિશામાં ફંટાઈ ગયા. આ ફક્ત મારો દાખલો નથી, અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં કાંક ઉથલપાથલ થતી હોય છે, પણ આંતરિક એવી કઈ શક્તિ હોય છે જે જીવવા પ્રેરિત કરે અથવા મોતના મુખમાં ધકેલી દે!!

ઘણીવાર આપણે આશાસ્પદ જ્વલંત કારકિર્દી ધરાવતા યુવાન વ્યક્તિ ને માસીવ હાર્ટએટેકમાં મૃત્યુ પામતા સાંભળીએ છીએ જેમની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી હોતી, પુરા તંદુરસ્ત હોય છે, શું એ પણ એક પ્રકારનો આપઘાત હોઈ શકે? માણસ જ્યારે મનની વાત કોઈને કહેતો નથી ત્યારે છાતી પર એ ભાર એટલો અસહ્ય બની જાય છે કે હ્રદય ધબકતું જ બંધ થઈ જાય છે.

એવું કેમ બને છે કે બધાં હોવાં છતાં એક દૂરી, એક ખાઈ સર્જાઈ જાય છે, જેના પર કોઈ પુલ બાંધવાનો યત્ન નથી કરતું અને પછી જીવનભરનો અફસોસ રહી જાય છે. સંબંધોમાં પડેલી તિરાડ આ ખાઈ બની જાય એ પહેલાં એને પુરવાની કોઈ પહેલ કેમ થતી નથી?

ભલભલા સાધુ સંતો, તત્વજ્ઞાનીઓ, હકારાત્મક વલણ ધરાવતા વિદ્વાનો, થોકબંધ પુસ્તકો માનવ સમાજને જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખવાનુ, બધી મુસીબતો સામે લડી લેવાનુ ઘણુ જ્ઞાન આપતાં રહે છે, પણ માનવ મન અને મગજમાં ચાલતાં તોફાનોને સમજવામાં ગોથા ખાઈ જાય છે.

શું ક્યારેય કોઈની ભુલ માફ ના કરી શકાય? એવું પણ કોઈ હોઈ શકે જેની સાથે સંબંધ ના સુધાર્યાનો અફસોસ એના ગયા પછી પણ ના થાય??

એક આશસ્પદ જિંદગી જ્યારે મધ્યાહ્ને અસ્ત પામે છે ત્યારે મન ગ્લાનિથી, દુઃખથી ભરાઈ જાય છે.
કોઈ જ્યોત અકાળે બુઝાઈ જાય પહેલા પ્રભુ એને કોઈ એવો સાથ, કોઈ એવો ખભો, કોઈ એવો મિત્ર જરૂર આપજે જે એને મૃત્યુ રૂપી ખાઈમાં છલાંગ મારતા પહેલા મજબૂત હાથોનો સહારો આપી શકે!!!
ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ

શૈલા મુન્શા તા. ૦૬/૧૫/૨૦૨૦

કાવ્યસંગીતઃ એકાન્તનો શણગાર -‘થોડો વગડાનો શ્વાસ’ – અમર ભટ્ટ

2020  કવિ જયન્ત પાઠકનું શતાબ્દિ વર્ષ છે-

આજે amના કવિ જયન્ત પાઠકની એક રચનાનું પઠન અને એક રચનાનું ગાન(કેવળ હાર્મોનિયમ સંગત સાથે) રજૂ કરવું છે. એ પહેલાં એમની કેટલીક કવિતાઓથી એમની કાવ્યસૃષ્ટિમાં પ્રવેશીએ.

જયન્ત પાઠકનું ખૂબ જાણીતું  કાવ્ય છે
’રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે’
કવિતા ક્યારે કરી શકાય એની જયન્ત પાઠકે આપેલી એક પૂર્વશરત છે-
‘કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.’

પઠન માટેના કાવ્યનું શીર્ષક છે-‘દુખિયારાજી‘.

‘દુઃખની દવા શોધવા નીકળ્યા રે દુખિયારાજી
પરસેવામાં ભરી બજારે પીગળ્યા રે દુખિયારાજી
હર હાટડીએ કાગળિયો બતલાવે  રે દુખિયારાજી
વાંચીને વેપારી ડોક ધુણાવે  રે દુખિયારાજી
કોઈ વળી કૂણો તે સામું જોવે  રે દુખિયારાજી
લાખોમાં આ રોગ એકને હોવે  રે દુખિયારાજી
દવા ન એની ચોરે-ચૌટે મળતી  રે દુખિયારાજી
મળતી તોય તે ભાગ્યે લાગુ પડતી  રે દુખિયારાજી
હતાશ હૈયે હાટ સોંસરા ચાલ્યા  રે દુખિયારાજી
કાગળિયાની કરચ ઉડાડી ચાલ્યા  રે દુખિયારાજી
ગમસીમાડે ઝાડ, મજાની છાયા  રે દુખિયારાજી
હોલાજીની ધૂન, ઢાળી ત્યાં કાયા  રે દુખિયારાજી
સમણે આયા સંત, બાત બતલાયા  રે દુખિયારાજી
બિના દુઃખકે કૌન મનુષ કહલાયા  રે દુખિયારાજી‘

નાની નાની વસ્તુ માટે ફરિયાદ કરનારા, વાંકદેખુઓ ને રોદણાં રળનારા લોકો આપણે ત્યાં ઓછા નથી. એ બધા માટે કવિ કહે છે-
‘બિના દુઃખ કે કૌન મનુષ કહેલાયા રે?’

રાજેન્દ્ર શાહની બે કવિતાઓ છે-
‘બોલીએ ના કાંઈ
આપણું હૃદય ખોલીએ ના કાંઈ
નેણ ભરીને જોઈ લે વીરા, વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ?
આપણી વ્યથા
અવરને મન રસની કથા
ઈતર ન કાંઈ તથા
જીરવી એને જાણીએ વીરા,
પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ’
ને બીજું ગીત છે-
‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?
નાની અમથી જાતક વાતનો મચવીએ નહીં શોર’
—//—
જે ગીત ગાયું છે તેની પ્રેરણા ટાગોરની એક પંક્તિ પરથી મળી છે એવી નોંધ કવિએ કરી છે
‘Where there are roads, I lose my way’.
‘ભૂલા પડ્યા રે ભાઈ ભૂલા પડ્યા
રસ્તા બાંધીને અમે ભૂલા પડ્યા
વ્હેતાં ઝરણાંને જડે સરિતાની દિશ
ને સરિતાને સાગરનો મારગ જડે
ઊડીને આવતાં માળામાં સાંજરે
પંખી આકાશમાં ન ભૂલાં પડે
ભૂલા પડ્યા રે ભાઈ…
જીવન-સરિતાને હોય આરત જો સિન્ધુની
એને ન પંથ કોઈ ચીંધવા પડે
આતમપંખીને હોય આરત જો નીડની
એને ઊડતાં ન કોઈ બાધા નડે
આરતને પંથ એક, શોધ્યું જડે.’
કવિ: જયન્ત પાઠક
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ

રસ્તા હોવા છતાં આપણને જીપીએસ કે ગૂગલ મૅપ્સની જરૂર પડે છે; જયારે ઝરણું નદીને ને નદી સાગરને શોધી કાઢે છે;

પંખી સાંજે પોતાનાં માળા ખોળી કાઢે છે ને તે પણ કોઈ મૅપ્સ વગર. બસ અંદરની આરત જોઈએ.
રસ્તો હોવો, રસ્તો મળવો, રસ્તો કરી લેવો, રસ્તો શોધવો, રસ્તો કાઢવો-આ બધુંય હોય તોય રસ્તો ભુલાય પણ છે ને ઘણી વાર રસ્તો નડે પણ છે!

મનોજ ખંડેરિયાની ગઝલનો શેર યાદ આવે છે
‘આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ
ચીતર્યા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ’

રતિલાલઅનિલની ગઝલરસ્તોખૂબ સુંદર છે
‘નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા
નજરને શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો,
‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત આ હકીકત છે
રહી જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો’

અમર ભટ્ટ

નોંધ: મણિલાલ દેસાઈની પણરસ્તો ગઝલ કહી દઉં
‘વળાંકે વળાંકે વળી જાય રસ્તો,
અને ઢાળ પરથી ઢળી જાય રસ્તો.
કિનારાના વૃક્ષોથી  વૃક્ષાય રસ્તો,
અને પથ્થરોથી તો રસ્તાય રસ્તો.
જતાં આવતાં લોકને પ્રશ્ન પૂછી,
પડી એકલો રોજ પસ્તાય રસ્તો.
અમે તો હતા સાવ અણજાણ જગથી,
ઘરે આવીને સૌ કહી જાય સ્તો.
પડ્યાં રાનમાં કૈંક વરાઈ પગલાં,
થતું મનમાં : કો દી જડી જાય રસ્તો.
દિવસભર ગબડતો, ગબડતો, ગબડતો,
પડ્યે રાત ઊભો રહી જાય રસ્તો.
પગરખાંમાં એ રાત ઊંઘ્યા કરે છે,
સવારે ઊઠીને સરી જાય રસ્તો’

આંગળિયાત – વાર્તા – રશ્મિ જાગીરદાર

આંગળિયાત – રશ્મિ જાગીરદાર

કેયાને એન.આઈ.ટી. બેંગલોરમાં એડમિશન મળ્યું. ઘર છોડીને જવાનું મન નહોતું પણ હવે દિલને ઠેસ પહોંચી ચૂકી હતી. તેણે જવાની બધી તૈયારી કરી લીધી. સોહા મદદ કરશે તેવી આશા પર પાણી ફરી વળ્યું હતું. નીકળવાના દિવસે પણ સોહા હાજર ન રહી શકી. તે કામમાં ગળાડૂબ હતી. મનમાં કોચવાટ અને દુઃખ સાથે કેયા નીકળી તો ગઈ. પણ તેનાથી રહેવાતું નહોતું. મનમાં આશા હતી, સ્હેજ સમય મળશે એટલે સોહા ફોન કરશે. તે અપેક્ષા પણ ઠગારી જ નીકળી. Continue reading આંગળિયાત – વાર્તા – રશ્મિ જાગીરદાર