Category Archives: અંતરનેટની કવિતા

અંતરનેટની કવિતા – અનિલ ચાવડા

એક વૃક્ષનો વીમો

લોગ ઇનઃ

આજે ગઈ’તી હું એલઆઈસીની ઑફિસમાં,
ઇન્સ્યોરન્સ લેવા, મારા પ્રિય ઝાડનું!

દેખાય આશ્ચર્ય ઓફિસરની આંખ મહી…

પૂછેઃ ‘ઇન્સ્યોરન્સ? એક ઝાડનું?’

પણ, એ માત્ર વૃક્ષ નથી,
વૃક્ષ રૂપે અવતરેલ ઋષી છે.
સ્વજન છે મારું…
એનો વીમો તો ઉતરાવાયને?
ચક્રવાત, વરસાદમાં એને કાંઈ થઈ જાય તો?

ઓફિસર પૂછે વીમાની કીમત…

કરો સરવાળોઃ

રોજ સવારે એનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા સૂર્યનાં કિરણો દ્વારા મારા આંગણામાં પુરાતી રગોળી…
એ મસ્ત ઠંડક આપનારો છાંયડો…
પક્ષીઓનો કલરવ,
ખિસકોલીઓનો દોડાદોડ અને ઉછળકૂદ
વાંદરાઓનું તોફાન,
નવી ઊગતી કૂંપળનું વિસ્મય,
અને એક સ્વજનની હૂંફ!

ઓફિસર નિઃશબ્દ!

વીરલ જોશી

વીમા જેવા વિષય પર ઓછી કવિતા લખાઈ છે. આપણે ત્યાં કાર, સ્કૂટર, ઘર જેવાં સાધનોનો વીમો સહજતાથી લેવાય છે. માણસના જીવન વીમા ને મેડિકલ વીમા ને એવા બધા તો અનેક વીમાઓ છે, પણ અહીં કવયિત્રી વીરલ જોશી વૃક્ષનો વીમો લેવાની વાત કરે છે. વૃક્ષનો વીમો લેવાની વાત સંવેદનશીલ છે. આવો વિચાર કોઈ કવિહૃદયને જ આવી શકે. લાભશંકર ઠાકરે વૃક્ષ નામનું એક એકાંકી લખેલું. તેમાં એક માણસ અચાનક વૃક્ષ થઈ જાય છે. તેના શરીર પર કૂંપળો ફૂટવા લાગે છે. ઘરના બધા જ લોકો ચિંતા કરવા લાગે છે, દુઃખી દુઃખી થઈ જાય છે. આ ઘટના સમાચાર જગતમાં વાયુવેગે પ્રસરે છે. બધા જોવા આવે છે અને તેમાંથી ઘરનાને કમાણી થવા લાગે છે. શરૂઆતમાં આવી ઘટનાથી બધા દુઃખી થઈ ગયા હતા, હવે એ જ ઘટનાને કેશ કરી રહ્યા છે. આખરે એટલા બધા પૈસા આવી જાય છે કે ઘર મોટું કરવામાં તેમને આ જ વૃક્ષ નડે છે અને કાપવાની નોબત આવે છે. કવિને અને વૃક્ષને સીધો સંબંધ છે. કવિ વૃક્ષનું પ્રતિક લઈને અનેક સંદર્ભોની વાત કરતો હોય છે. વૃક્ષ એ સંવેદનાનું હાથવગું અને જીવંત પ્રતીક છે.

વીમો લેનાર માણસો જાણતા હશે કે વીમા એજન્ટો કઈ રીતે વાત કરતા હોય છે. તેમની વાતો રસપ્રદ હોય છે. એ આપણને એમ પૂછે કે ક્યારે વીમો લેવો છે, જાણે એમ પૂછતા હોય કે ક્યારે મરવાનું છે! પછી આગળ ઉમેરે કે તમારી વાઇફનો પણ વીમો સાથે સાથે લઈ જ લોને. એક સાથે બે રિસ્ક કવર થઈ જશે. તમે મરશો તો તમારી પત્નીને ફાયદો થશે ને પત્ની મરશે તો તમને! અને બંને મરશો તો બાળકોને! આ બધું એ એટલી સહજતાથી બોલતો હોય કે જાણે એક કપડું ફાટે તો બીજાને થીંગડું થશે ને બીજું ફાટે તો પહેલાને! આજકાલ અનેક જાતના અને અનેક ભાતના વીમાઓ અપાય છે. એ જોતા લાગે છે કે અમુક કવિસંમેલનમાં જતાં પહેલાં શ્રોતાઓએ વીમો ઉતરાવી લેવો જોઈએ.

અહીં કવયિત્રીના સ્વજન સમા વૃક્ષના વીમાની વાત છે. તે ઓફિસરને જઈને કહે છે કે મારે મારા પ્રિય ઝાડનું ઇન્સ્યોરન્સ લેવું છે. સ્વાભાવિક છે કે ઝાડના ઇસ્યોરન્સથી વીમા ઓફિસરને આશ્ચર્ય થાય જ. પ્રશ્ન પણ થાય કે વૃક્ષનું ઇન્સ્યોરન્સ? તેણે તો કાયમ બીજા પ્રકારના જ ઇન્સ્યોરન્સ ઉતાર્યા હોય. પણ વીરલ જોશી જણાવે છે કે તે વૃક્ષ, વૃક્ષ નથી, મારું સ્વજન છે. વરસાદ, ચક્રવાતમાં તેને કંઈ થઈ જાય તેની મને ચિંતા છે. એટલે સ્વજનનો વીમો તો ઉતારવો જ પડે ને?. ઓફિસર બાપડો પોતાની ડ્યૂટીમાં આવતું હોય તેમ પછી પૂછે બેસે કે ઠીક છે તો પછી વીમાની કીમત શું નક્કી કરવી? તેના આવા સવાલ સામે કવયિત્રી કીમત રજૂ કરે છે. પાંદડામાંથી ચળાઈનો આવતાં સૂર્યકિરણો, તેના દ્વારા પુરાતી રંગોળી, છાંયડો, પંખીઓનો કલરવ, ખિસકોલીઓની દોડાદોડ, વાંદરાની ઉછળકૂદ, કૂંપળનું વિસ્મય અને એક સ્વજનની હૂંફ!

આ બધું સાંભળ્યા પછી ઓફિસર નિઃશબ્દ થઈ જાય છે. આ બધાની કીમત તો ક્યાંથી આંકી શકાય? એક વૃક્ષ પાસેથી માણસને કેટકેટલું મળતું હોય છે. અત્યારનો સમય જ એવો છો કે પહેલાં નવાં બિલ્ડિંગો બનાવવા માટે બધાં જ વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને પછી વૃક્ષારોપણનાં અભિયાનો ચલાવવામાં આવે છે! આવા સમયમાં વૃક્ષમાં પોતાના સ્વજનને જોતી વ્યક્તિને તેનો વીમો ઉતારવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે. વીરલ જોશી વિદ્યાર્થિની છે, પણ તેમની કવિતામાં પક્વતા છે. તેમની કવિતાની ડાળ પર માંડ થોડીક કૂંપળો ફૂટી હશે, પણ તેમાં રહેલી સંવેદના તેમનું જમાપાસું છે. વૃક્ષનો વીમો ઉતારવાનો વિચાર કવિને જ આવી શકે.

લોગ આઉટઃ

ઘર સળગે તો વીમો લેવાય,
સપનાં સળગે તો શું કરવું?

– ગણપત ચાવડા

અંતરનેટની કવિતા-(૧૨) – અનિલ ચાવડા

બાળપણમાં ઉખાણાની રમત રમી હોય એવું કોઈને યાદ છે?

લોગ ઇનઃ

સરસ સરોવર એક, ભર્યું છે નિર્મળ નીરે,
પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે.

તે સર સમીપ જાય, બૂડે જન જોતાં ઝાઝા,
દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા.

કવિ શામળ કહે કારમું, હોંશીજનને હિત હશે,
સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.

શામળ ભટ્ટ

શામળ ભટ્ટ આપણા મધ્યકાલીન સમયના કવિ. મદ્યકાલીન સમયમાં તેમણે રચેલી પદ્યવાર્તાઓ ખૂબ જ લોકપ્રિય હતી. તેમનો વ્યવસાય કથાકારનો હતો. આજે જેમ મોરારિબાપુ રામકથા કરે છે, તેમ એ સમયે શામળ ભટ્ટ પદ્યવાર્તાઓ કહેતા. તે સમયે મનોરંજનના વિશેષ સાધનો હાથવગાં નહોતા. લોકો આખા દિવસના કામથી પરવાર્યા પછી સાંજે આ વર્તાઓ સાંભળવા ઉમટતા. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશકાળની પૌરાણિક કથાઓનો આધાર લઈને શામળ ભટ્ટ સુંદર વાર્તાઓ રચતા. એ વાર્તામાં પોતાની મૌલિક કથનકળા અને કલ્પનાકળા તેઓ ઉમેરતા. આ વાર્તાઓનો મુખ્ય આશય સમાજને મનોરંજન સાથે બોધ આપવાનો રહેતો. વાર્તાઓમાં ઘણી વાર ઉખાણાં પણ આવતાં. કાવ્યસ્વરૂપે આવતાં આ ઉખાણાં લોકોની બુદ્ધિને કસતાં. વાર્તામાં રહસ્ય જગવતાં. આજનાં બાળકોને જોકે ઉખાણાં સાથે વિશેષ નિસબત નથી, તેમને રાય્મ્સ અને ગેમ સાથે ઘરોબો છે. તેમને મોબાઈલ સાથે મૈત્રી બંધાઈ ગઈ છે. આ મૈત્રી બીજી રમતોને જલદી નજીક આવવા દેતી નથી. પહેલાંના સમયમાં રમાતી ઉખાણાની બૌદ્ધિક રમત બાકળોમાંથી આજે ગાયબ થઈ ગઈ છે. બાળપણમાં ઉખાણાની રમત રમી હોય એવું કોઈને યાદ છે? આજના અમુક યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોને બાળપણમાં રમેલી ઉખાણાની રમતો યાદ હશે. કેટકેટલાં ઉખાણાં પૂછાતાં, ગમ્મતો થતી. ખૂબ મજા પડતી. એક જનાવર એવું, પૂંછડે પાણી પીતું’, ‘કૂવામાં કોષ તરે. જેવાં અનેક ઉખાણાં પૂછાતાં.

ઉપરની કવિતા ઉખાણાં સ્વરૂપે છે. આપણે મગજ કસીને નક્કી કરાવનું છે કે એ ઉખાણું શેનું છે? કવિએ તો વાત કરી દીધી કે એક સરસ સરોવર છે, તેમાં નિર્મળ નીર ભર્યું છે, પણ એ નીર કોઈ પી શકતું નથી. એ સરોવરને આરે આવીને કોઈ હંસ પણ બેસતા નથી. કોઈ પંખી પણ આવતાં નથી એવું કહીને કવિએ જિજ્ઞાસા જગાવી છે. વળી આ સરોવરમાં અનેક લોકો ડૂબી ગયા છે એવું કહીને રહસ્ય પણ ઊભું કર્યું છે.

આ ઉખાણું અરીસા વિશેનું છે. અરીસો નિર્મળ અને સ્વચ્છ સરોવર જેવો હોય છે. તે સરોવરનો આભાસ ઊભો કરે છે. આપણે ત્યાં કવિતામાં અરીસાને સરોવર જેવો કે સરોવરને અરીસા જેવું ઘણી વાર કહેવામાં પણ આવ્યું છે, પણ અરીસારૂપી સરોવરનું પાણી કોઈ પી થોડું શકે?  તેના કિનારે કોઈ પંખી ઓછાં બેસવાં આવે? વળી અરીસામાં જોઈને પોતાના રૂપની પાછળ ઘેલા થનારા આપણે ત્યાં ક્યાં ઓછા છે! સરોવરમાં ડૂબવાની વાત અરીસામાં જોઈને પોતાની જ પાછળ ઘેલા થવાની છે. પોતાના જ પ્રેમમાં પડવાની વાત તો ઘણી જૂની છે. હજારો વર્ષ પહેલાં નાર્સિયસ નામનો એક માણસ હતો. તે ખૂબ જ રૂપાળો હતો. પણ તે વખતે અરીસાની શોધ નહોતી થઈ. તેણે પોતાને ક્યારેય જોયો નહોતો. તેને જોઈને ઇકો નામની એક સુંદર યુવતી તેના પ્રેમમાં પડી હતી. પણ નાર્સિયસે તેને ઠુકરાવી દીધી, ધીરે ધીરે તે દુબળી પડતી ગઈ, એ હદે દુબળી પડી ગઈ કે તેનું શરીર સાવ જતું રહ્યું, માત્ર તેનો અવાજ જ બચ્યો. કદાચ આજે અવાજ માટે ઇકોસાઉન્ડ શબ્દ વપરાય છે, તે ત્યાંથી આવ્યો હોય તો નવાઈ નહીં! આ નાર્સિયસ એક દિવસ એક શાંત સરોવરમાં પાણી પીવા માટે ઉતર્યો. સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પોતાના જ પ્રેમમાં પડી ગયો. તે ચુંબન કરવા ગયો, ત્યાં તેનું પાણીમાં રહેલું પ્રતિબિંબ વમળોમાં વિખરાઈ ગયું. આવું વારંવાર થયું. તે ન પાણી પી શક્યો કે ન પોતાના પ્રતિબિંબને ચૂમી શક્યો. આખરે તરસને લીધે તેનું મૃત્યુ થયું. અરીસો પણ આપણને આપણા પ્રેમમાં પાડે છે, તેના આ ભેદી જાદુથી બચવા જેવું ખરું. પરંતુ આ ઉખાણાને અંતે કવિ સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે. એવું કહી પતિ પાસે અરીસો મગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળે છે તેવો પણ સંકેત કરે છે.

ઉખાણું માણસની બુદ્ધિને કસે છે. ઉખાણાં રચનારની એ જ તો કળા છે કે તેનો રચનાર તમને દિશા ચીંધે છે, રહસ્ય જગવે છે, ભરમાવે પણ છે. આજના સમયમાં અમુક જિગર જોષી પ્રેમ જેવાં બાળસાહિત્યમાં ખેડાણ કરતાં સાહિત્યકારો ઉખાણાં રચી રહ્યા છે તે સારી વાત છે. શામળના ભટ્ટના આ ઉખાણાની વાત કર્યા પછી, થોડાક ઉખાણાંથી જ લેખને લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

રાતે જુએ ને દિવસે અંધ, પાસે જાઓ તો મારે ગંધ,
પગ ઉપર ને નીચે અંગ, કાળો મેશ જેવો છે રંગ.

(ચામાચીડિયું)

બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ,
જે કોઈ આવે વચમાં, કપાઈ જાય એની કચકચમાં.

(કાતર)

હવા કરતા હળવો હું, રંગે બહુ રૂપાળો છું,
થોડું ખાઉં ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં.

(ફુગ્ગો)

શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ કરે અવાજ,
હાથ મહીં વસવાટ કરે, જન્મી એવી ઝટ મરે.

(ચપટી)

અંતરનેટની કવિતા- (૧૧) – અનિલ ચાવડા

એકવાર યમુનામાં આવ્યું ‘તું પુર

લોગ ઇનઃ

એકવાર યમુનામાં આવ્યું’તું પુર,
મથુરાથી એક વાર માથે મૂકીને કોક લાવ્યું’તું વાંસળીના સુર,

પાણી તો ધસમસતા વહેતાં રહેને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો,
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો;

ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં બાઝી રહ્યાં છે નુપૂર…
એકવાર યમુનામાં આવ્યું’ પુર…

જુકેલી ડાળી પર જુક્યું છે આભ કંઈ જોવામાં થાય નહીં ભૂલ,
એવું કદંબવૃક્ષ ઝૂલે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ?

પાણી પર અજવાળું તરતું રહેને એમ આંખોમાં ઝલમલતું નૂર…

એકવાર યમુનામાં આવ્યું’તું પુર…

કાંઠો તો યમુનાનો, પૂનમ તો ગોકુળની, વેણ એક વાંસળીનાં વેણ,
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ, નેણ એક રાધાનાં નેણ…

એવાં તે કેવા કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર…

એકવાર યમુનામાં આવ્યું’તું પુર…

માધવ રામાનુજ

કૃષ્ણજન્મનો તહેવાર આપણે ત્યાં ખૂબ ધામધુમથી મનાવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં અનેક કૃષ્ણકાવ્યો લખાયાં છે. ગુજરાતી ભાષામાં જ કેમ? ભારતની અનેક ભાષામાં કૃષ્ણભક્તિએ સાહિત્યનો ઘણો ખરો ભાગ રોક્યો છે. નરસિંહ મહેતાએ પોતાનાં મોટાભાગનાં પદોમાં કૃષ્ણપ્રેમ ગાયો છે, મીરાં તો કૃષ્ણની પ્રેમદીવાની હતી. તેણે તો કૃષ્ણને જ જીવન સમર્પિત કરી દીધું હતું. મધ્યકાલિન સાહિત્યમાં ભક્તિરસથી છલકાય છે. અર્વાચીન અને આધુનિક સમયમાં પણ કૃષ્ણ હંમેશાં બિરાજમાન રહ્યા છે. માધવ રામાનુજે કૃષ્ણજીવનની ઘટનાઓને કવિતામાં જરા અલગ સૌંદર્યથી નિરૂપી છે. તેમનું આ ગીત ખૂબ જ જાણીતું છે.

કૃષ્ણજન્મનો ઉત્સવ એ યમુનામાં આવેલા પુરની વાત છે, મથુરાથી માથે મુકાઈને આવેલી એક ટોપલીની વાત છે, ટોપલીમાં મુકાઈને આવેલા વાંસળીના સુરની વાત છે. કૃષ્ણજન્મ થયો છે, એવી સીધી જ વાત કરવી હોય તો કવિતા કરવાની જરૂર ક્યાં છે? કવિને તો આ વાત વધારે વિશેષ રીતે કહેવી છે. સમગ્ર ઘટનાના ભાલ ઉપર કૃષ્ણજન્મની મહત્તાનું તિલક કરવું છે. એટલે માટે જ તો મથુરાથી માથે મૂકીને કોઈ વાંસળીના સૂર લાવ્યું હતું એમ કહે છે. મૂળ ઘટના શું છે તે આપણે બધા જ જાણીએ છીએ. દેવકીએ તેના આઠમા સંતાનને જન્મ આપ્યો અને કંસ તેને મારવા આવે તે પહેલા જ વાસુદેવ તેને લઈને ગોકુળ નીકળી પડે છે. પુષ્કળ વરસાદ પડી રહ્યો છે, વચ્ચે યમુનામાં પુર આવ્યુ છે, પણ મનોજ ખંડેરિયાએ લખ્યું છેને- ટોપલીમાં તે જ લઈ નીકળી પડે, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. કૃષ્ણ ગોકુળ પહોંચી ગયા. આ ઘટના આપણાથી જરા પણ અજાણી નથી, પણ જ્યારે માધવ રામાનુજ મથુરાથી માથે મૂકીને વાંસળીના સુર લાવવાની વાત કરે ત્યારે એ જ ઘટના એક જુદી આંખથી દેખાય છે. કૃષ્ણ હોય અને વાંસળી ન હોય એવું તો ક્યાંથી બની શકે? અહીં કવિ વાંસળીને બદલે સુદર્શન પણ કહી શક્યા હોત, પણ તેમને કૃષ્ણનું એ રૂપ નથી દર્શાવવું, તેમને તો કૃષ્ણજન્મનું સૌંદર્ય વ્યક્ત કરવું છે. એટલે જ તેમણે વાંસળીના સુરની વાત કરી છે. કૃષ્ણજન્મના આ સમાચારથી ચારેબાજુ આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પાણીની જેમ ગોકુળમાં વાત વહેતી થઈ ગઈ છે. તેના લીધે જાણે ફળિયું, શેરી, પનઘટ, હયું બધે જ નુપૂર બાજી રહ્યાં છે.

કવિતાના બીજા બંધમાં જાણે પરોક્ષ રીતે ગોપીઓના વસ્ત્રની કૃષ્ણ દ્વારા થયેલી ચોરીનો આછો સરખો સંકેત કવિ કરતા હોય તેવું લાગે છે. ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ? ડાળી પર ગોપીઓનાં વસ્ત્રો ફૂલ જેવાં શોભી રહ્યાં છે. પાણી પર અજવાળાં જેમ ગોપીઓની આંખમાં નૂર ઝલમલ થઈ રહ્યું છે.

કાંઠો તો યમુનાનો, અર્થાત તેના જેવા અન્ય કોઈ નદીના કાંઠા ન હોઈ શકે તેવું નથી, પણ અહીં યમુનાના કાંઠાને વિશેષ મહત્ત્વ અપાયું છે, કૃષ્ણના સંદર્ભમાં! પૂનમ પણ ગોકુળની, બીજી નહીં, કેમકે કૃષ્ણએ ગોકુળવાસીઓની અનેક પૂનમને પોતાની હાજરીથી વધારે રળિયાત કરી છે. વેણ તો વાંસળી સિવાય બીજા ક્યાંથી હોઈ શકે, અને સ્વાભાવિક છે કે એ વાંસળી કૃષ્ણના હોઠથી ફુંકાતી હોય! મારગ મથુરાનો એટલા માટે કે તે મારગે કૃષ્ણ જાય છે. મોરપીચ્છ બાળકૃષ્ણના માથે આપણે હંમશાં જોયું છે. અને રાધાના નેણમાં કૃષ્ણ માટે પ્રેમનો છલકાતો આખો સાગર છે. એના સિવાય અન્ય નેણનો અહીં સદર્ભ પણ ટંકાય ક્યાંથી? પણ કૃષ્ણને જવું પડે તેમ છે, તે મથુરા જાય છે. કહેણ આવ્યાં છે. પ્રશ્ન સાથે કવિતા પૂર્ણ થાય છે- એવા તે કેવા કહેણ, જે દૂર દૂર લઈ ગયા…  આખી કવિતા બાળકૃષ્ણ યમુના પાર કરીને ગોકુળ આવ્યા અને મથુરાની વાટે વિદાય લીધી ત્યાં સુધીનો આછો પ્રવાસ છે. સરળતા, સહજતા, ગેયતા આ કવિતાનો પ્રાણ છે.

લોગ આઉટઃ

ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા,
વર્ષોથી જે ના કીધું તે હવે કહું છું, ‘સોરી રાધા!’

હવે મળે તો સાથે રહું ને ગોકુળ હું ના છોડું,
યમુના તીરે સેલ્ફી લઈને ટ્વિટર ઉપર ચોડું.

તને સમયના સ્ક્રીન ઉપર મેં મોરપીંછથી દોરી રાધા!
વર્ષોથી જે ના કીધું તે હવે કહું છુ, ‘સોરી રાધા!’
– અક્ષય દવે

અંતરનેટની કવિતા – (૧૩) – અનિલ ચાવડા

શ્વાસની છેલ્લી સફરમાં એકલો છું

લોગ ઇનઃ

શ્વાસની છેલ્લી સફરમાં એકલો છું,
હું હવે મારા નગરમાં એકલો છું. Continue reading અંતરનેટની કવિતા – (૧૩) – અનિલ ચાવડા

અંતરનેટની કવિતા – (૯) – અનિલ ચાવડા

‘જેટલા ઘસાવ એટલી મહેક આવે’

લોગ ઇનઃ

સ્હેજ જો હળવાશ છે? તો કર કવિતા!
હોઠ ઉપર હાશ છે? તો કર કવિતા! Continue reading અંતરનેટની કવિતા – (૯) – અનિલ ચાવડા

અંતરનેટની કવિતા – (૮) – અનિલ ચાવડા

જાતને મળવા તમારે એકલા પડવું પડે

લોગ ઇન

જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે. Continue reading અંતરનેટની કવિતા – (૮) – અનિલ ચાવડા

અંતરનેટની કવિતા – (૭) – અનિલ ચાવડા

મુક્તિ એ પણ મુક્ત થવાની ઝંખનાનું બંધન છે 

લોગ ઇનઃ
એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ આપી શકીશ એવું કાંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી
કે નથી રૂપેરી રાતનાય ઓરતા,
એક્કેય વાયદા કે વેણ નથી જોઈતાં
એમાં ગુલમહોર છોને મ્હોરતા,

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું
સાંજ તણી ઝંખનાએ અહીં…

મારામાં ઉગેલું મારાપણું ય હવે
તારામાં રોપી હું છુટ્ટી
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
હવે ખોલી દે બાંધ આ મુઠ્ઠી

ચીતરેલા ફૂલનેય ફૂટે સુગંધ
એવું આંખોમાં જોતી હું રહી…

– નંદિતા ઠાકોર

પ્રેમ માગણીને વશ નથી થતો, લાગણીને વશ થાય છે. આખું જીવતર એક જ પળમાં પ્રેમ નામના દોરાથી ગુંથાઈ શકે છે, પણ આપોઆપ નહીં ગુંથાય. ગુંથાવા માટે શરત વિનાની કોઈ શરત હોય છે, માગણી વિનાની માગણી હોય છે. અપેક્ષાહીન અપેક્ષા હોય છે. કોઈ પ્રેમ કે સંબંધ અપેક્ષા વિનાનો ન હોઈ શકે. માતાપિતા બાળકને મોટું કરે છે, ઉછેરે છે, એવી અપેક્ષામાં કે મોટો થઈને તે અમારું ઘડપણ ઉજાળશે. બહેન ભાઈને રાખડી બાંધે છે, જેથી ભાઈ રક્ષણ કરે. પતિપત્ની લગ્નગ્રંથિથી જોડાય એ જ વખતે તેમને અનેક અપેક્ષાઓના છેડાછેડીથી જોડી દેવામાં આવે છે. માણસ ક્યારેય અપેક્ષાઓથી પર નથી થઈ શકતો. એટલે જ આ કવિતામાં કાવ્યનાયિકા કહે છે, એક ક્ષણ માત્રમાં હું મારું આખું જીવતર તારામાં પરોવી દઉં, પણ એ પરોવવાની ક્ષમતામાં બેસી શકે એવું કંઈક તું મને આપી શકીશ?  

એવું કંઈ એટલે શું? પ્રેમી તો ઝંખતા હોય છે પ્રિયતમ કે પ્રિયતમા સાથેની કોઈ સુંદર સોનેરી સ્વપ્નભરી સાંજ, તેમને ઉજવવા હોય છે પ્રિયપાત્ર સાથે પોતાના ઉમંગભેર ઓરતા, પણ અહીં કાવ્યનાયિકાને એવું કશું નથી જોઈતું. સોનેરી સાંજને પણ ઠોકર મારી શકે છે, રૂપેરી રાતને ય એ હડસેલવા તૈયાર છે. પ્રિય પાત્ર પાસેથી વાયદાના વેણ લઈને તે ખરાઈ પણ નથી કરવા માગતી કે તું મને બધું આપી જ દે!  વાયદા કે વેણથી એ દૂર રહેવા માગે છે. તેને તો ગુલમહોર જેમ તેની મેળે ખીલી જવા દેવાનું કહે છે. વાયદાના તાંતણે બંધાઈએ છીએ ત્યારે આપોઆપ આપણામાં અપેક્ષાના પર્ણ ફૂટતાં હોય છે અને પર્ણ તો પીળાં પણ પડી શકે, ખરી પણ શકે. અપેક્ષાઓનાં પર્ણનું ખરવું પીડાદાયક હોય છે. એટલા માટે જ કાવ્યનાયિકા કોઈ પણ અપેક્ષાને ઉગાડવા નથી માગતી. અઢળક પામવાની બધી જ ઝંખનાઓ છોડી દેવા માગે છે. છોડવું એ પ્રેમનું પ્રથમ પગથિયું છે અને છોડવુંનો અર્થ મેળવવું થાય છે. જેટલા જેની પાછળ ભાગશો, એટલું જ તે દૂર જશે, જેવા કોઈની પાછળ દોડવાનું છોડી દેશો, આપોઆપ એ તમારી સામે આવશે.

એટલા માટે જ કાવ્યનાયિકા પોતીકાપણું કાવ્યનાયકમાં રોપીને છુટ્ટી થઈ જાય છે. વ્યક્તિની અંદર શું મ્હોરે છે?  પોતાકીપાણું! હું હું છુ, તમે તમે છો, પેલા એ પેલા છે. મારાપણું એ મારું અસ્તિત્વને છતું કરે છે. હું આ મારાપણું સમગ્રપણે તારામાં રોપીને મુક્ત થઈ જવા માગું છું. મુક્તિ એ પણ મુક્ત થવાની ઝંખનાનું બંધન છે. કાવ્યનાયિકા છુટ્ટી થવાનું કહે છે, પણ થતી નથી. તે પ્રિયપાત્ર સાથે જોડાયેલી રહે છે. જોડવું એ પ્રેમનો પ્રથમ પાઠ છે. પ્રેમીઓ એ પાઠ સારી રીતે ભણે છે. તેને ભણવા માટે લેવાથી દેવા સુધી અને ત્યાગવાથી પામવા સુધીનો અભ્યાસ કરવો પડે છે. એવું કંઈ પામવાની આશામાં જ તો કાવ્યનાયિકા નાયકને મુઠ્ઠી ખોલવા કહે છે.એવું કંઈકનો અર્થ ખૂબ મોટો છે. જેની માટે આખુંય જીવતર પરોવી શકાય એવું શું હોઈ શકે?  એ વાત તો મોઘમ છે. જો છતી થઈ જાય તો તેની મજા નથી રહેતી. અત્તરની શીશીને હંમેશાં બંધ રાખવી જોઈએ, ખૂલી જાય તો સુગંધ ઊડી જાય. નાયિકાએ કહેલી એવું કંઈની વાત પણ અત્તરની શીશી જેમ સુગંધથી ભરેલી છે. તે એવા લાગણી નીતરતા ભાવ સાથે નાયક સામે જોઈ રહી છે કે ચીતરેલા ફૂલનેય સુગંધ ફૂટે

એવું કંઈનો અર્થ અહીં આમ સામાન્ય લાગે, પણ છે નહીં. નંદિતા ઠાકોર આખી વાતને સરસ ગુંથીને મૂકી આપે છે. તેઓ ગીતના ભાવને મોગરાની માળા જેમ ગુંથે છે. એટલા માટે જ તો ચીતરેલા ફૂલને સુગંધ ફૂટે છે. પોતે ગાયિકા છે એટલે તેમનાં કાવ્યોમાં ગીતનો લય સ્વાભાવિકપણે આવે છે. તેમના ગીતમાં તેમનું સ્ત્રીપણું છલકે છે. 

લોગ આઉટઃ

છાતીમાં ચોમાસું રોપીને આમ તમે
વરસ્યા વિના તે શીદ ચાલ્યા?

તરતા ઉનાળાનો કાળઝાળ થોર
જોને આઠે તે અંગ અહીં વાગે,
વાદળિયાં શમણાથી વળતું ના કાંઈ
એ તો જળબંબાકાર થવા માગે,

વેરીને આમ તમે વ્હાલપના વાયરાઓ
ફરક્યા વિના તે શીદ ચાલ્યા?

કીકીમાં કેટલાય જન્મોથી રોપેલી
કૂંપળ કોળ્યાના મને કોડ,
વરસાદી વાયદાને નાહક પંપાળીને
વહેતા મુકવાનું હવે છોડ

રોપીને આંગણામાં મોરલાનું થનગનવું
ગ્હેક્યા વિના તે શીદ ચાલ્યા?

– નંદિતા ઠાકોર

અંતરનેટની કવિતા – (૬) – અનિલ ચાવડા

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

લોગ ઇનઃ
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

મિલિન્દ ગઢવી

ગઝલનું બંધારણ કહે છે કે તેમાં ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે ઓગણીસ શેર હોવા જોઈએ. અહીં મિલિંદ ગઢવીએ ચાર જ શેરની ગઝલ રચી છે, પણ સંઘેડાઉતાર છે. તેમણે ધાર્યું હોત તો તે પાંચ શેર લખી શક્યા હોત, પણ ચાર શેરમાં જ તેમણે પોતાની કમાલ બતાવી દીધી છે. સારો કવિ પાંચમા શેરની લાલચમાં નથી પડતો.

ગઝલની પ્રથમ પંક્તિમાં જ શૂન્યતાનો રાસ દોરવાની વાત કરી છે. રાસ રમવામાં તો ટોળું જોઈએ, વધારે લોકો જોઈએ. અહીં તો કોઈ નથી, શૂન્યતા છે અને વળી શૂન્યતાનો રાસ છે. નરસિંહ મહેતા કૃષ્ણની રાસલીલા જોવામાં લીન થઈ ગયા, હાથ બળી ગયો તે વાત આપણે સૌ જાણીએ છીએ, પણ અહીં તો તું નથી નામની શૂન્યતા રાસ રમી રહી છે. શૂન્યતાનો રાસ હોય એવા સમયે ભીંતોના અટ્ટહાસ્ય સિવાય બીજું શું હોઈ શકે? તેમણે રદીફ પણ છેક સુધી સુંદર રીતે નિભાવ્યો છે. પ્રતિકો, કલ્પનોનું નાવિન્ય તરત ધ્યાન ખેંચે છે. કવિતાના ભાવને તે વધારે સઘન રીતે રજૂ કરી છે. કવિ નયન દેસાઈએ પ્રિય પાત્રના જવાથી થતા વિરહની વાત કંઈક આ રીતે લખી છે, સુના ઘરમાં ખાલી ખાલી માળ-મેળિયું ફરશે, તમે જશોને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે. અહીં તો પાત્ર ઓલરેડી જઈ ચૂક્યું છે. એટલા માટે જ તો શૂન્યતાનો રાસ દોરીને કવિ લખે છે તું નથી!’

પોતાના ગમતા પાત્ર સાંથે સાંજ વિતાવવી એ જીવનનો એક લહાવો હોય છે. આ લહાવો કાયમ ન પણ ટકે. ભગવતીકુમાર શર્માએ લખ્યું છે, ઉદાસી આ સૂરજની આંખે ચડી છે, તમારા વિના સાંજ ડૂસકે ચડી છે. મિલિંદ ગઢવીએ પ્રિય પાત્ર વિનાની સાંજને ચીવટાઈથી રજૂ કરી છે. કવિ બહુ સાબદા છે. સીધી રીતે તેમને કશું નથી કહેવું, તે વાતને થોડી મરોડે છે, કહે છે કે ગમતી સાંજને ચાખ્યાને વર્ષો વીતી ગયાં. સાંજને ચાખવાની વાત કેટલી અર્થસભર છે ! સાંજને ચાખી નથી શકાઈ, અર્થાત આંખ ભૂખી છે, એટલે કવિ અહીં ઉપવાસ દોરવાની વાત કરે છે. આંખના ઉપવાસની વાત ભાવવાહી રીતે કરે છે.

પ્રિય પાત્રના ન હોવાના ભાવને તે વધારે ને વધારે ઘૂંટે છે. હૃદયની મધ્યમાં કયો ટાપુ હોઈ શકે? ત્યાં તો ગમતી વ્યક્તિની યાદો હોય, વિતાવેલી પળો હોય. તેની હાજરીથી તો આ ટાપુ મઘમઘતો રહેતો હોય છે, પણ જ્યારે તે ન હોય ત્યારે હૃદયનો ટાપુ નિર્જન થઈ જાય છે. કવિ હૃદયના ભેંકાર ટાપુ પરના એક કારાવાસમાં કેદ થઈ ગયા છે. જોકે હૃદયમાં કારાવાસ ઓછો હોય? પણ ગમતી વ્યક્તિ સાથે ન હોય ત્યારે એ કારાવાસથી કમ પણ નથીને?

કવિ પોતાના મૌનને ઉર્મિલાના મૌન સાથે સરખાવે છે. લક્ષ્મણ રામ સાથે વનવાસમાં ગયા, પણ ઉર્મિલા તો ઘરે રહ્યા હતા. કવિએ પોતાના વિરહને રજૂ કરવા માટે ઉર્મિલાના પાત્રનું પ્રતિક લીધું છે. તેમની અંદર પણ વિરહનું મૌન સતત પાંગરીને મોટું થતું જાય છે. આ મૌન જાણે વનવાસમાં પરિવર્તિત થઈ ગયું છે. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ જેવું અમર ગીત લખનાર બોટાદકરે તો ઉર્મિલા વિશે મોટું ખંડકાવ્ય રચેલું છે. ઉર્મિલાનું પાત્ર જાણે વિરહનું જીવતું જાગતું પ્રતિક બની ગયું છે. મિલિંદ ગઢવી પ્રતિકનો પ્રયોગ સારી રીતે કરી જાણે છે. તે ગુજરાતી, ઉર્દૂ બંને ભાષામાં ગઝલ રચે છે. સંચાલનકળા પણ તેમને હાથવગી છે. બાહુબલિની જેમ તેમની સાહિત્યિક પ્રસ્તુતિમાંથી ગુજરાતી, ઉર્દૂ અને સંચાલનકળા એમ ત્રણે તીર એક સાથે નીકળે છે, જે ભાવકના હૃદયને વીંધવામાં કાબેલ છે. પ્રિય વ્યક્તિ ન હોવાથી ગઝલના શેર લખવા પડે છે, બેફામ સાહેબની ગઝલથી લેખને લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.

દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે,
ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે.

તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ,
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે.

હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો,
થઇ ગયું છે આ બધું અંધેર તારે કારણે.

મારી પોતાની જ હસ્તીને કરૂ છું નષ્ટ હું,
જાત સાથે થઇ ગયું છે વેર તારે કારણે.

તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.

તું જીવાડે છે ભલે, પણ જો દશા ‘બેફામ’ની,
કેટલા પીવા પડે છે ઝેર તારે કારણે?

બરકત વીરાણી ‘બેફામ’

અંતરનેટની કવિતા – (૫) – અનિલ ચાવડા

“ઘણીયે ના ભણી રાતે, સવારે સહી કરી દીધી  ” – ગઝલ  – અશરફ ડબાવાલા

લોગ ઇનઃ
વગડતે ઢોલ ને ઊભી બજારે સહી કરી દીધી,
જખમના લાગની નીચે કટારે સહી કરી દીધી. Continue reading અંતરનેટની કવિતા – (૫) – અનિલ ચાવડા

અંતરનેટની કવિતા – અનિલ ચાવડા

“નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ”

લોગ ઇનઃ

કોણે કીધું ગરીબ છીએ? કોણો કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક. Continue reading અંતરનેટની કવિતા – અનિલ ચાવડા