All posts by jayumerchant

કાવ્ય- હરીશ દાસાણી

હવે સૌ સૂક્ષ્મસ્થૂળ,સ્થળ-કાળને પામી.
અને આગળ જવાનું છે.
સદા રમતું રહે વડ-પાંદડે એ બાળને પામી.
અને આગળ જવાનું છે.
શબદની આંગળી છોડો હંમેશા મનમાં રમનારા.
બધી સીમા વળોટીને જ ત્યાં.
આગળ જવાનું છે.
નથી જાગૃત,સ્વપ્ન કે સુષુપ્તિ કાળની વાતો.
સહુ પુરુષાર્થ છોડીને જ તો.
આગળ જવાનું છે.
અહીં ના શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધની સૃષ્ટિ.
પરંતુ તે છતાં રમતાં રહી.
આગળ જવાનું છે.
કદી સર્જન,કદી પોષણ,કદી સંહારની લીલા.
સ્વયંભૂ સ્વસ્થ રહીને. જોઇને.
આગળ જવાનું છે.

– હરીશ દાસાણી.

વેશ્યા- એક લઘુકથા-અનિલ ચાવડા

વેશ્યા
– અનિલ ચાવડા

ઘેરાયેલી સાંજે એ ઝરૂખામાં અરીસો લઈને આવી. વર્ષોના એકલવાયા જીવનમાં કદાચ આ કાચનો કટકો જ તેનો સાથી હતો. વર્ષોથી મુંબઈની રેડબજારમાં વીતાવ્યા પછી તેને શાંતિ જોઈતી હતી, એવી શાંતિ કે જ્યાં પુરુષની હવસભૂખી ગંધ ન હોય, જ્યાં કોઈની આંખો તેના શરીર પર સૂયાની જેમ ભોંકાતી ન હોય, જ્યાં છાતી સામે મોં ફાડી જોઈ રહેતા પુરુષોની લાળટપકતી નજર ન હોય, જ્યાં બિભત્સ ચેનચાળા ન હોય…. રોજ સાંજે કોઈ પુરુષ સામે ગ્રાહક થઈને પિરસાવાનું ન હોય… પણ એવી શાંતિ ક્યાં મળે છે…. રાતે એ પુરુષની સોડમાં હાંફતી અને દિવસે ખાલીપાની… 

એ અરીસામાં જોવા લાગી પોતાનો વિલાતો ચહેરો… માથાના વાળ એની જિંદગી જેવા જ ગૂંચવાઈ ગયા હતા… જોકે આ ગૂંચ તો ઉકેલી શકાય તેમ હતી… 

સાંજ થઈ હતી… હમણાં આવી પહોંચશે ભૂખી નજરોના ધાડાં, ફંફોસવા માંડશે આંખોથી એનું શરીર… ટોળામાંથી કોઈ તેને પસંદ કરી લેશે, અંધારામાં કોઈની સામે અન્ન જેમ પોતે પિરસાશે…. 

વિચારોમાં ને વિચારોમાં તે મેલભર્યાં કાંસકાના સહારે ગૂંચ ઉકલવા માંડી… 

તેની નજર ગઈ કાલે અડધા ખાધા – અડધા વણખાધેલા મગફળીના દાણાઓ પર પડી… તેમાં હજી તાજી હતી ગઈ કાલના શરાબની ગંધ… તેના ફોતરાઓ હળવા પવનથી આમથી તેમ હલ્યાં કરતાં હતાં. અમુક ફાડિયા થઈ ગયેલા દાણા, અમુક આખા, અમુક પલળી ગયેલા, અમુક સૂકા…. અમુક ફોતરામાં બંધ… 

મગફળીના દાણા અને ફોતરાં જોવામાં એટલી લીન થઈ ગઈ કે ગૂંચ ઉકેલવી પણ ભૂલી ગઈ. 

ત્યાં એના કાને કશોક અવાજ સંભળાયો… જાણે મગફળીના દાણા અને ફોતરાં પરસ્પર વાત કરી રહ્યા હતા,

મોટા હૃષ્ટપુષ્ટ દાણાવાળી એક મગફળી બોલી, “મારી પરથી ફોતરાં વસ્ત્રની જેમ ઉતારવામાં  આવ્યાં, પછી ચામડી બળી જાય ત્યાં સુધી મને આકરા તાપમાં શેકી, આટલું ઓછું હોય તેમ મારી પર મીઠું ભભરાવવામાં આવ્યું, પછી પીરસી દીધી અજાણ્યાં મોઢાંઓની સામે…. અને તૂટી પડ્યા સૌ મારી પર જન્મોના ભૂખ્યા હોય એમ…”

તેની વાત સાંભળી એક અધબિડાયેલી મગફળી બોલી ઊઠી, અરેરે… “હું તો સાવ વાંઝણી, મારા ગર્ભમાં એક્કે દાણો ઊછર્યો જ નહીં, મારામાં માત્ર ખાલીપો ઊછર્યો… મને સૌએ તુચ્છ ગણી, ચાખી ન ચાખી અને ફેંકી દીધી કચરાના ઢગલામાં…” 

ત્રીજી મગફળી બોલી, “હું તો સાવ ખોરી, અડતાની સાથે જ બધાએ મોં બગાડ્યું… હડધૂત કરી મને… અધૂત જેવો વ્યવહાર કર્યો મારી સાથે… લોકો થૂંક્યા મારી પર…. એમનું મોઢું બગાડવા માટે મને ગાળો ભાંડી…”

એક ખૂણામાં પડેલી મગફળી બોલી, “અરેરે, મારી તો વાત જ શું કરું? મને ખાંડણિયે બરોબરની ખાંડી, ઘાણીમાં પીલીપીલીને મારું તેલ કાઢ્યું, મને સાવ અંદરથી નીચવી લીધી, જ્યારે મારામાં કશો કસ બાકી ન રહ્યો ત્યારે વાળીઝૂડીને નાખી દીધી ગંધાતા ઉકરડામાં…” 

આ સંવાદ સાંભળી અવાચક થયેલી એ સ્ત્રી પોતાના વાળની ગૂંચ ઉકેલી ન શકી… તેની સામે હજારો સ્ત્રીના ચહેરા ઊપસી આવ્યાં. તેણે અરીસામાં જોયું, પણ તેને પોતાના ચહેરાને બદલે મગફળી દેખાઈ… ફોલાયેલી, શેકાયેલી, મીઠું ભભરાવેયેલી, ખાંડણિયે ખંડાયેલી ને પીસાયેલી મગફળી…

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા પ્રારંભ-પ્રથમ સ્કંધ – પહેલો અધ્યાય- જયશ્રી વિનુ મરચંટ

II तत्सत् II

II श्री गणेशाय नमः II

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા પ્રારંભ

પ્રથમ સ્કંધ – પહેલો અધ્યાય

નૈમિષીયોપાખ્યાન – શ્રી સૂતજીને શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન

પ્રાર્થના

જન્માદ્યસ્ય  યતોડન્વયાદિતરત-

                      શ્વાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ્

તેને બ્રહ્મ  હ્રદા  ય  આદિકવયે

                      મુહ્યન્તિ     યત્સૂરયઃ I

તેજો વારિમૃદાં  યથા  વિનિમયો

                       યત્ર  ત્રિસર્ગોડમૃષા

ધામ્ના સ્વેન સદા   નિરસ્તકુહકં

                       સત્યં પરમ્   ધીમહિ II ૧ II

અર્થાત્ઃ  જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે, કારણ-કાર્યરૂપે બધા જે પદાર્થોમાં અનુગત છે, અને પૃથક પણ છે, તે સર્વજ્ઞ છે. તે સ્વયં પ્રકાશ છે. તેણે જ પોતાની સંકલ્પ શક્તિથી આદિકવિ બ્રહ્માને વેદજ્ઞાન આપ્યું છે. જેનું જ્ઞાન જોઈને મોટા મોટા વિદ્વાનો પણ મોહ પામે છે, જેના તેજોમય સૂર્યના કિરણોમાં જળનો અને જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે તેવી જ રીતે જેમાં આ ત્રિગુણમયી સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્ય ભાસી રહી છે અને જે પોતાના જ પ્રકાશથી માયા, મોહથી અને તેના કર્મોમાં લપેટાવાથી મુક્ત છે એવા પરમ સત્ય પરમાત્માનું અમે હ્રદયપૂર્વક ધ્યાન ધરીને શ્રીમદ્ ભગવત પુરાણની કથાનો પ્રારંભ કરીએ છીએ.

મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની પવિત્ર કથામાં મોક્ષપર્યંત ફળની કામનાથી રહિત પરમધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણના સત્પુરુષોએ જાણવા યોગ્ય પરમાત્માના તેજનું નિરૂપણ થયું છે, જે ત્રિવિધ તાપોનો જડમૂળથી નાશ કરે છે. જે સમયે પુણ્યશ્લોકી મનુષ્ય આ કથાના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર એનાં હ્રદયમાં નિવાસ કરે છે. આથી જ શુકદેવજી રચિત પરમાનંદ રૂપી અમૃતરસ ઝરતી ભાગવત પુરાણની કથાનું વારંવાર પાન કરતા રહેવું જોઈએ.

કથા-પ્રારંભ

Continue reading શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા પ્રારંભ-પ્રથમ સ્કંધ – પહેલો અધ્યાય- જયશ્રી વિનુ મરચંટ

થોડી ખાટી, થોડી મીઠી-(૨) દિપલ પટેલ

વાત છે ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ ની, એ સમય હતો જયારે સમગ્ર ભારત દેશમાં એક જ વ્યક્તિની ચર્ચા થતી હતી ‘અન્ના હઝારે’- એક એવા વ્યક્તિ જેમને જન લોકપાલ બીલની માંગણી કરી અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું પ્રત્યેક નાગરિકને દેખાડ્યું.

Continue reading થોડી ખાટી, થોડી મીઠી-(૨) દિપલ પટેલ

પ્રાર્થનાને પત્રો..(૪૭)-ભાગ્યેશ જહા

પ્રિય પ્રાર્થના, 

તારી કવિતા ઑસ્ટ્રેલિયાની કોઇ શાળામાં યોજાયેલા દિવાળી સ્નેહમિલનમાં વંચાણી, એ વીડિયો જોઇને આનંદ થયો. મઝા આવી, નવી પેઢી આવી રીતે માતૃભાષાની રક્ષણની જવાબદારી વિદેશની ધરતી પર લે એનાથી રૂડું શું ? માર આજે તને અહીંની પણ  એ વાત કરવી છે, અમે સાતેક મિત્રોએ ભેગા થઈને ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ એવું ટ્ર્સ્ટ રચ્યું છે. દર મહિનાના બીજા શનિવારે આ પ્રતિષ્ઠાનની એક કાર્યશાળા ચાલે છે, ગાંધીનગરમાં આવેલી ચિલ્ડ્ર્ન યુનિવર્સિટીએ પોતાનો હોલ આ હેતું માટે ફાળવી આપ્યો છે. 

અમે ત્રણ હેતુંઓ રાખ્યા છે. માતૃભાષામાં સજ્જતા, માતૃભાષાનું સંરક્ષણ અને માતૃભાષાનું સંવર્ધન. આમ તો આનું એક મોટું મોટું વિભાજન આવી રીતે થઈ શકે. સજ્જતા એટલે શુધ્ધ ગુજરાતી ભાષા વિશે જાગૃતિ લાવવી. અનેક લોકો ખુબ જ અશુધ્ધ ભાષા બોલતા અને લખતા હોય છે. બોલીઓની પાછી અલગ દુનિયા છે. ઉત્તર ગુજરાતનો લ્હેંકો અને સૌરષ્ટ્રની લોકબોલી ખુબ જ અલગ પડે છે. દક્ષિણ ગુજરાતમાં ત અને ટની માથાકૂટ છે તો વળી ચરોતરની મઝા કંઇક અલગ છે. એટલે આપણી માતૃભાષાની અનેક વિશેષતાઓ એની બોલીમાં જ છલકાય છે. હમણાં હું લંડન ગયેલો, ત્યાંના આફ્રિકાથી આવેલા ભાઈ બહેનોની ભાષા જુદી છે, પણ મીઠી એટલા માટે લાગે છે કે એમાંના ઘણા લોકોએ ભારત કે ગુજરાતમાં બહુ વર્ષો ગાળ્યાં નથી, અથવા તો બિલકુલ જોયું નથી અને તેમ છતાં ભાષાપ્રેમને લીધે ગુજરાતી બોલવાની એક પણ તક જવા દેતા નથી. ધર્મજ સોસાયટી ઑફ લંડન આનું જ્વલંત ઉદાહરણ છે. અને પેલું ગીત તો તને આવડે જ છે, ‘ગુજરાતી થઈ ગુજરાતી કોઇ બોલે નહીં, બરાબર..” આમાં લોકબોલીને સાચવીને કેવી શુધ્ધતા પ્રાપ્ત કરવી એ એક મીઠો ચર્ચાનો વિષય છે. 

લખાતી ભાષા એ બહુ રસપ્રદ અને વૈજ્ઞાનિક અભિગમથી છલકાતો વિષય છે. ગુજરાતી વ્યાકરણ અઘરું નથી, પણ જોડણીના નિયમો વગેરે શીખવા જાવ તો થોડી સતર્કતા રાખવી પડે. ચિલ્ડ્ર્ન યુનિવર્સિટીના પૂર્વકુલપતિ હર્ષદભાઇ શાહ અને મિત્રો આ માટે ભારે જહેમત કરી રહ્યા છે. પાલનપુરની આદર્શ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જેઠાભાઇએ આ કામ ‘મિશન મોડ’માં ઉપાડ્યું છે, એ અનેક જગાએ પહોંચી જઈને સાચી જોડણી શીખવાડે છે. આજકાલ લોકો એમની લોકપ્રિયતા અને નિષ્ઠા જોઇ એમને ‘જેઠાભાઇ જોડણીવાળા’ એવું સંબોધન પણ કરે છે. 

સંરક્ષણનો મુદ્દો થોડો સંવેદનશીલ છે, કારણ આમાં ગુજરાતી ભાષાના અનારોગ્યમાં રસ લેનારા ‘આ તો બહુ સંકુચિત વાત થઈ’ એવો તર્ક અથવા તો હુમલો કરે તેવી શક્યતા છે, પણ અમે માનીએ છીએ કે પ્રાથમિક શિક્ષણ બાળકને માતૃભાષામાં આપવું જોઇએ. આમ કરવાથી એનો માનસિક વિકાસ ખાસ કરીને પૃથક્કરણ અને પ્રત્યાયન [કમ્યુનિકેશન]ની શક્તિ વધે છે. એક તરફ, આપણે સૌ જોઈએ છીએ કે ‘ગતાનુગતિક’ લોક એક પ્રકારના વ્યામોહથી અંગ્રેજી માધ્યમ તરફ દોટ મુકી રહ્યા છે. એ બધાને એવું છે કે બાળકને એની માતૃભાષાથી દુર હટાવીશું તો એ ‘ગ્લોબલ સીટીજન’ બનશે. જો કે આ બધું ચર્ચા કરતાં સમજનો વિષય વધારે છે. અને આપણે તો જોઇએ છીએ કે અમેરિકામાં જે લોકો ખુબ જ સફળતા પામ્યા છે એમની ધંધાકીય આવડત, એમની અદમ્ય સાહસ વૃત્તિ અને નવું શીખવાની વૃત્તિને કારણે શિખર પર પહોંચ્યા છે. 

માતૃભાષાનું સંવર્ધન એ બહુ જ રચનાત્મક અને વિસ્તારક અભિગમ છે. માતૃભાષાની ક્ષમતાનું સૌથી અગત્યનું પરિબળ એનું સાહિત્ય છે. આ માતૃભાષા આપણને સંવર્ધિત કરી શકે તેવી તાકાત છે તો વિશ્વના બદલાતા જતા પ્રવાહોને ઝીલીને આપણે આ ભાષાને વધું અર્થભોગ્ય અને ગ્લોબલ બનાવી શકીએ. વિશ્વસાહિત્ય અને આજના વિશ્વમાં ચર્ચાતા મુદ્દાઓને જો આપણે આપણી માતૃભાષામાં લાવવા મથીએ તો માતૃભાષાનો સ્વત: અને સહજ રીતે વિકાસ થાય. અમારી ઇચ્છા છે કે તમારા જેવા વિશ્વમાં વ્યાપેલા ગુજરાતીઓ શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અનુવાદિત કરે. જગતભરમાં ફેલાયેલા ગુજરાતીઓ ભાષા માટે થોડું થોડું પણ કામ કરે તો ખુબ જ મોટી સેવા થાય. જેમ નોર્થ અમેરિકામાં રામભાઈ ગઢવી અને પશ્ચિમમાં ડો.પ્રતાપભાઈ પંડ્યા જેવા મહાનુભાવો જે રીતે ધુણી ધખાવીને બેઠા છે તેનો મહિમા થવો જોઇએ. એમને અનુસરનારી નાની નાની મંડળીઓ રચાવી જોઇએ. આવું બહુ સ્થાનકો પર થવા લાગશે તો ગુજરાતી ભાષા માટે એક સાનુકુળ વાતવરણ સર્જાશે. 

આ વિષય જેટલો રસીલો છે એટલો જ અઘરો છે. એમાં જેટલી સમજણ ભરેલી છે એથીયે વધુ અસમજણના બાદાશાહો બેઠા છે. શિક્ષણને ધંધ બનાવી બેઠેલા લોકો એ તો માતૃભાષાની માંદગીને એક ‘બીઝનેસ ઓપર્ચ્યુનીટી’ તરીકે જોઇ છે, પણ આપણે આ માર્ગ છોડવો નથી. તમારા જેવા યુવાનો પણ આ બાબતે સુચનો અને ‘ એક્સનપ્લાન’ સાથે આગળ આવે તેવી અપેક્ષા… 

એ જ, 

ભાગ્યેશના 

જયશ્રીક્રુષ્ણ.

“લક્ષ્મણરેખા”- કાવ્ય- પ્રજ્ઞા દાદભાવાળા

લક્ષ્મણરેખા

મારા ઘરનો ઉંબરો

ઘરની મર્યાદા પ્રતિષ્ઠતાનું પ્રતિક
આ મારાં ઘરનો ઉંબરો ..
મમ્મી કહેતી-
સુખ, શાંતિ, વૈભવ લાવે
જો પૂજીએ રોજ આ ઉંબરો
કેટલાયના પગ નીચે કચડાયો હશે!
તોય સૌને પ્રેમથી આવકારે આ ઉંબરો!
બાળકની પગલીથી પુલકિત થતો,
ને ક્યારેક શોકમગ્ન હૈયે વિદાય દેતો ઉંબરો!
પપ્પા જેવો,
અક્કડ, સજ્જડ, કડક થઈ ફરજ બજાવતો
આબરૂનો રક્ષણહાર મારો આ ઉંબરો!
હમણાં હમણાં
અમને રોકતો રહે છે આ ઉંબરો.
આ અચાનક કોણ જાણે કેમ?
લક્ષ્મણરેખા બની ગયો મારો આ ઉંબરો!

                        પ્રજ્ઞા દાદભાવાળા

બહેનશ્રી પ્રજ્ઞા દાદભાવાળા ના કાવ્ય “લક્ષ્મણરેખા” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ઘર એટલે પોતાપણું, એટલે કે જેમાં “હું”, ‘હું પદ” છોડીને, મારી જાત સાથે રહી શકું, એટલું જ નહીં, પણ ઘરનાં અન્ય સભ્યોની અંદર વસેલાં એમનાં પોતપણાંને પોતાની જાત સાથે રહેવાની મોકળાશ પણ ઘર એટલા જ પ્રેમથી આપે. ઘર પોતીકું તો જ લાગે જો આપણે, ઘરનો ઉંબરો વટાવીને ઘરમાં પ્રવેશીએ તેનાં પહેલાં જ, બહારની દુનિયા માટે પહેરેલાં મુખવટાં ઊતારીને ઘરની અંદર આવીએ. ઘરનાં સહુ સાથે ઘરોબો, વ્હાલ અને સહજતા જાળવવા હોય તો ચહેરા પરનાં સહુ ઓઢેલાં ચહેરા, ઘરનો ઉંબરો ઓળંગતાં પહેલાં ઉતારીને આવવું જરૂરી છે. ઘરની પ્રતિષ્ઠા ઘરમાં રહેનારાઓની સચ્ચાઈથી જીવવાની પ્રતિબદ્ધતા અને પોતાની જાત સાથેની જીવંતતાથી જળવાય છે. મોભાદાર ઘર અંતરથી સમૃદ્ધ હોય છે અને આ જ સમૃદ્ધિની મર્યાદા ઘરનો ઉંબરો જાળવે છે, ઘરનાં સભ્યોને અને આવનાર અન્ય જાણીતા-અજાણ્યાં સહુને, ઘરની આ પ્રતિષ્ઠાની યાદ અપાવીને.

દરેક ઘરમાં બા, દાદી કે નાની, હંમેશાં પહેલાંના સમયમાં આંગણાંમાં આવેલો ઉંબરો સારા પ્રસંગે પૂજતા,( હવે તો શહેરોના અજગરો આંગણું જ ગળી ગયા તો ઉંબરાની વાત ક્યાં કરવી?) કારણ એક જ હતું કે, ઘરની મર્યાદાનું અને ઘરમાં બનતાં સારા-નરસા પ્રસંગોની બંધ મુઠ્ઠી ક્યાં ખોલવી, એનું ભાન, સદા ઘરમાં રહેનારાઓના અંતરમાં રહે. બહારનું જગત પણ આ ઊંબર વળોટીને ઘરમાં આવશે પણ એમાંથી કેટલું ઘરમાં રહેવા દેવું અને કેટલું જવા દેવું એની સભાનતા પણ ઘરના દરવાજાની બારસાખ નીચે આડો પડેલો ઉંબરો જ આપે છે. એમાં ઘણાય એવાં હશે કે જે મકાનમાં આવવા માટે લાયક હોઈ શકે, પણ ઘરમાં આવવા માટે નહીં. આવા માણસોના ચરણો નીચે ઉંબરાનું સ્વમાન ઘવાય છે, પણ ઘરની આબરૂ ન જાય એનુંય જતન એણે કરવાનું છે. એને ખબર છે કે આવનારાઓની હકીકત શું છે, પણ એની પૂજા કરાયા પછીના કુમકુમથી ચિતરેલાં શબ્દો, “ભલે પધાર્યા”ની લાજ પણ રાખવા, સહુને આવકારો પણ એ એકસરખા વ્હાલથી જ આપે છે.

આ ઉંબરો કેટકેટલી જીવનની લાઈફ ચેન્જિંગ ઘટનાઓનો સાક્ષી બન્યો છે? નવપરિણીત યુગલનાં સપ્તપદીનાં સાતેય વચન નિભાવવાના કોડનું પ્રવેશદ્વાર બન્યો છે આ ઉંબરો. બાળકનો જન્મની ખુશીઓ મનાવવા શિશુસુલભ કિલકિલાટથી ગાજ્યો છે આ ઉંબરો. ઘરનું કોઈ પોતાનું વિદાય લે ત્યારે છાનાં ડૂસકાં ભરીને રડતો ઊંબરો, ઘરમાં છવાયેલી ઉદાસીના વાતવરણની ચાડી ખાય છે. ઘરના વડીલે કે પિતાએ એક Stern- સખત ને આકરૂં- વલણ અપનાવીને ઘરની બહાર કોઈ કારણોસર જવા માટે ના પાડી હોય અને છતાં જઈએ તો ઘરનું પ્રવેશદ્વાર ઓળંગતાં આ ઉંબરો ક્ષોભ કરાવે છે. આ ક્ષોભ આજ્ઞાનું પાલન કરવા માટેનું ‘રીમાઈન્ડર’ છે. ક્યાં જવું, ક્યાં ન જવું અને કોણ ક્યાં ગયું ને કોણ ક્યાં જાય છે એ બધાંના ઉંબરાનાં વહીખાતામાં હિસાબ લખેલા છે અને આથી જ વિવેકની લક્ષ્મણરેખા બનીને ઉંબરો આપણું સંરક્ષણ કરે છે. જેને લીધે આપણે આપણાં ઘરમાં સુરક્ષિત રહીએ, પણ, એનો અર્થ એ નથી કે સિમીત રહીએ. બહારના વિશ્વની અમાપ સંભાવનાઓના અનંત આકાશનો ઉઘાડ પણ આ ઉંબરો કરી આપે છે -Sky is a limit-નું પ્રવેશદ્વાર પણ આ ઊંબર થકી જ ખૂલે છે.

જીવનમાં આજે આપણે સહુ એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યાં છીએ કે કોરોનાના કાળમાં આ ઉંબરો ઓળંગતાં પહેલાં અનેકવાર વિચાર કરવો પડે છે અને આજે તો દરેક ઘરમાં, પછી એ ઘર ઉંબરાવાળું હોય કે ઉંબરા વગરનું, એક લક્ષ્મણરેખા દોરાયેલી જ છે, એ કેમ ભૂલી જવાય?

અનેક સફળતા અને નિષ્ફળતાઓને નિર્મોહી બનીને, સુખ અને દુઃખને સ્વીકારી લેવાની ઈશાવાસ્યવૃત્તિથી જ નિર્લેપ રહી શકાય છે જેની શીખ આ ઉંબરો આપે છે. સાચા અર્થમાં મર્યાદાપુરુષોત્તમપણાનું પ્રતીક આ ઉંબરો છે.

નિદા ફાઝલીનો શેર અનાયસે યાદ આવે છેઃ

 “બાંધ રખા હૈ કીસી સોચ ને ઘર સે હમ કો,

  વર્ના યે ઘર કી દરો દિવારોમેં રખા ક્યા હૈ!”

બહેનશ્રી પ્રજ્ઞાબેનને આ સુંદર કાવ્ય બદલ ખૂબ અભિનંદન

બે કાંઠાની અધવચ- પ્રીતિ સેનગુપ્તા

પ્રીતિ સેનગુપ્તા – પરિચય

પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવિયત્રી, વાર્તાકાર, નવલિકાકાર અને લેખિકા છે. તેમણે અનેક સુપ્રસિદ્ધ પ્રવાસવર્ણનો લખ્યા છે.  કાકાસાહેબ કાલેલકર પછી, એવી જ ઉચ્ચ કક્ષાના પ્રવાસવર્ણનો લખીને, એમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે, જેને માટે આવનારી પેઢી એમને કાયમ યાદ રાખશે. ઉત્તર ધ્રુવનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય ને એ પણ ગુજરાતી સ્ત્રી તરીકે એમણે ભારતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

આ ઉપરાંત પણ, એમને મળેલા પારિતોષિકોનું લીસ્ટ ખૂબ લાંબુ છે, જે અહીં વિગતવાર આપવું શક્ય નથી. તાજેતરમાં ૨૦૧૯માં એમને પ્રતિષ્ઠિત નંદશંકર (નર્મદ) ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ચંદ્રક પહેલીવાર અમેરિકા સ્થિત કોઈ સાહિત્યકારને આપવામાં આવ્યો છે.

તેમણે ‘અશક્ય’ અને ‘નામુમકિન’ ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.

“પૂર્વ” તેમનું પ્રથમ પ્રવાસ વર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તે પછી તેમના અનેક પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમણે અંગ્રેજીમાં પણ પ્રવાસ વર્ણનો લખ્યા છે.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જુઇનું ઝુમખું’ (ગીત અને ગઝલ સંગ્રહ) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘ખંડિત આકાશ’ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને’ ઓ જુલિયટ’ પ્રગટ થયા હતા. ‘એક સ્વપ્નનો રંગ’ તેમનો વાર્તા સંગ્રહ છે.

‘અવર ઇન્ડિયા’ તેમનું છબીકલા પરનું પુસ્તક છે.

થોડા સમય પહેલાં, આપણે એમની ટૂંકી વાર્તાઓનો લાભ લીધો હતો અને આજે મને ખૂબ જ આનંદ છે કે એમના જેવા સંપૂર્ણ સાહિત્યકારની નીવડેલી અને સક્ષમ કલમનો લાભ નવલકથા રૂપે આપણને ફરી મળી રહ્યો છે. તારીખ જુલાઈ ૬, ૨૦૨૦, સોમવારથી એમની નવલકથા “બે કાંઠાની અધવચ” આપણે શરૂ કરી રહ્યાં છીએ. પ્રીતિબેનનું “દાવડાનું આંગણું”માં ખૂબ આદરપૂર્વક સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપ સહુ આ નવલકથાને ખુલ્લા દિલે આવકારશો અને માણશો.

જયશ્રી વિનુ મરચંટ (સંપાદક)

બે કાંઠાની અધવચ

પ્રકરણ :

ટેલિફોન્ની ઘંટડી વાગતી રહેલી – એક, બે, ત્રણ

ઓહ્હો, સચિન અકળાવા માંડેલો.

ઓહ્હો, એ લેતી કેમ નથી? અંજલિને ચીઢ ચઢવા માંડેલી

ઓહ્હો, લઉં છું, કેતકી ફોનને કહેતી કહેતી રીસિવર ઉપાડવા દોડેલી.

Continue reading બે કાંઠાની અધવચ- પ્રીતિ સેનગુપ્તા

કાઠિયાવાડી ઘર-કાવ્ય-અશોક વિદ્વાંસ

કાઠિયાવાડી ઘર  

ઘરની રક્ષક ડેલી અમારી,  ડેલી દીધી એટલે ઘર સલામત. 

બા’ ર ઊભા રહી ડેલી દેવા (કે દીધેલી ડેલી ઉઘાડવા), આગળિયાની કરી કરામત. 

ડેલી ખોલી અંદર આવો, લાંબી ઓસરી, હીંચકો ભાળો. 

ઓસરીના ખૂણામાં ખાંડણી; પાણિયારે બેડાની માંડણી.  

ઓસરીને ડાબે પડખે એકબીજાને અડકીને, 

ઘરની મર્યાદા સાચવતા,

રાતે જાગી દિવસે સૂતા, 

જોડિયા ભાઈ જેવા બે ઓરડા. 

ઓસરી ઉતરી ફળિયે આવો, 

આભ અને ધરતીને ભાળો. 

શિયાળે તડકાની હૂંફ, ઉનાળે સૂવાનું સુખ. 

કરેણ છે ત્યાં, ને બારમાસી; સુંદર ક્યારે લીલા તુલસી. 

એકઢાળિયું સામી બાજુ, 

છાણાં ને લાકડાની વચ્ચે – 

ઘઉંની કોઠી સાચવનારું.  

એકઢાળિયા ને ઓસરી વચ્ચે, અંદર છેલ્લે છેક રસોડું. 

ચૂલા સામે બેસીને ત્યાં, ઘર-ધણિયાણી ઘડે રોટલો. 

તાવડી, કથરોટ, તપેલી છે ત્યાં – 

પણ રાંધવાનો ત્યાં નથી ઓટલો.  

સાવ સાદા ને સંપત વિનાનાં, કાઠિયાવાડી ઘર અમારાં. 

ઘડિયાળ, રેડિયો, ટી. વી. શા નાં?  જ્યાં કેલેંડરના નહીં ઠેકાણા. 

ખબર નથી, હજી યે હશે ત્યાં સુખી-સંતોષી માનવ રહેનારા?  

અશોક ગો. વિદ્વાંસ

થોડી ખાટી, થોડી મીઠી- જાગૃતિ દેસાઈ શાહ

મારી યાદોના સુંદર પડાવ કે પછી મારી સુંદર યાદો નો પડાવ”

જયશ્રી મરચંટનો ઉત્સાહ એમની ઉમરથી ડબલ કે ટ્રિપલ સ્પીડથી ભાગે છે. એમણે દાવડા સાહેબનું આંગણું મહેકતા રાખવાનું બીડું ઝડપ્યું છે, અને, મારા જેવા એમની ઝડપમાં આવી ગયાં! એમણે મને કહ્યું કે, ‘તું લખ.’ અને મને પણ એમ થયું, કે, ચાલો એમની ઈચ્છાને માન આપી ને કૈંક લખીએ. દાવડા સાહેબનું મૃત્યુ થયું અને એમણે એક ખરા અર્થના મિત્ર ખોયા. પણ જતા જતા માણસ કેવું સર્જન મૂકી જાય કે એમના ગયા પછી પણ એમની સાથે શબ્દોના સંબંધ અવિરત જ રહે છે.

બે અઠવાડિયાના ગેપમાં થોડાક ટેક્સ્ટ મેસેજ આવ્યા અને રીમાઇન્ડર પણ આવ્યા કે તારો લેખ ક્યાં છે?  જયશ્રી આંટીના ફોન પણ આવ્યાં, એટલે હવે તો લખવું જ પડશે! રેડિયો જોકી તરીકે જયારે પણ યાદો અને પ્રસંગો કહું ત્યારે લોકો ને બહુ ગમે છે. તો ચાલો, આજે મારી જીવનની ડાયરીના ખુશનુમા પાનાં તમારી સાથે શેર કરું છું.

બોલીવુડના યુવાન હોનહાર અને સફળ હીરો, સુશાંતસિંહ રાજપૂતે અચાનક જ ‘સો સેઈડ સુસાઈડ’ કર્યો અને માનવામાં નથી આવતું કે એક ધબકતા, ઉત્સાહથી સતત રણકતા યુવાનનું આમ મૃત્યુ થયું. એના પછી બધાને ફિલ્મ જગત માટે બહુ બધી ગેરસમજ ઊભી થઈ ગઈ છે.  જે પણ થઈ ગયું તે કોઈ પણ રીવર્સ ન કરી શકે પણ થોડી પોઝીટીવીટી આપણા જીવનમાં આશાનો સંચાર તો કરી શકે કે બોલીવુડમાં સારા માણસો, કેરીંગ માણસો પણ છે, અને, મારી પાસે સારા, ઘણા સારા અને બહુ જ સરસ એવા પ્રસંગોની હારમાળા છે.

એક સ્ત્રી તરીકે, ઘણા સેલેબ્રીટી, Colleagues પર ક્રશ રહ્યો હતો, છે અને રહેશે એની ખાતરી છે. આ લીસ્ટમાં   વિનોદ ખન્ના, બલરાજ સહાની, રાજીવ ખંડેલવાલ જેવાં અનેક નામ છે.
આજે તમારા સહુ સાથે રાજીવ ખંડેલવાલની વાતો કરવાનું મન છે.
રાજીવ ખંડેલવાલ અત્યંત ઈન્ટ્રોવર્ટ, ખુબજ હેન્ડસમ અને ખુબજ પ્રતિભાશાળી વ્યક્તિ છે. એની સીરીયલ “રિપોર્ટર” પછી મેં નક્કી કર્યું કે મારે એને કોઈ પણ રીતે મળવું જ છે, પણ મને એનો ફોન ન મળ્યો, પણ એના મેનેજરનો મળ્યો. મેં એના મેનેજર અજય છાબરિયાને ફોન કર્યો અને પછી તો, રાજીવની અને મારી દોસ્તી થઈ ગઈ. રાજીવની અમેરિકાની આવી જ એક વિઝિટ દરમિયાન, મેં અમેરિકામાં એની ક્લબિંગ પાર્ટી ગોઠવી. એની સાલસતાને કારણે, એની સાથે જાણે વર્ષોના મિત્ર હોઈએ એમ મન મળી ગયું. એ સમયના ગાળામાં, અમે 5-6 દિવસ સાથે વિતાવ્યા અને બહુ મઝા કરી.
એની પાસેથી હું ઘણું શીખી, અને આજે પણ એની બે શિખામણનું પાલન કરું છું. એક, ડીશમાં ખાવાનું ના છોડવું અને બીજું ગાડી ચલાવતી વખતે ફોન પર વાત ના કરવી. ફોન જો વાપરવો પડે તો bluetooth પર વાપરવો. સેલ ફોનમાં ફોટા કેવી રીતે એડિટ કરવાના, એ પણ એણે સમય લઈને ધીરજથી શીખવાડ્યું

એક વખત અમે હોટેલમાં લંચ પર ગયા હતાં. મેં મારા માટે સલાડ ઓર્ડર કર્યું તો ખરું પણ પછી, એ સલાડ એકદમ સ્વાદ વગરનું હોવાથી મને જરા પણ ના ભાવ્યું. એવી કોઈ શક્યતા નહોતી કે હું એ સલાડ ખાઈને પૂરું કરું.  રાજીવે જોયું કે હું ચમચા સાથે રમત રમતી હતી, એક ક્ષણમાં એને મારી સલાડની પ્લેટ એના તરફ સરકાવી અને મને કહે, “તું અજ્જુ સાથે ડીશ શેર કરી લે, પણ ખાવાનું નહીં ફેંકવાનું કે વધારવાનુ.” આખું સલાડ એણે પૂરું કર્યું, આમ જુઓ તો મારુ વધેલું જ ને!!!
મારું નામ એણે હરફાન મૌલા પાડેલું.
મને હંમેશા લાગતું કે એ બહુ ડિસ્ટન્સ રાખે, રિઝર્વડ રહે. મને એમ કે celebrity આવા જ હોતા હશે. આપણને એ ગમે એટલે જરૂરી થોડું છે કે એ પણ આપણને એટલા જ મહત્વના ગણે? પછી, તો ખબર પણ ન પડી કે ક્યારે રાજીવ અને એનો મેનેજર, અજયનો ભારત પાછા જવાનો સમય આવી ગયો! હું અને મારા પતિ નીલેશ એમને એરપોર્ટ પર મૂકવા ગયા હતા. એરપોર્ટ પર અજય સિગારેટ પીતો હતો એટલે મે એને કહ્યું કે મને જરા cigarette પકડવા દે અને ત્યારે પહેલી વાર મેં રાજીવને ગુસ્સો કરતા જોયો! નિલેશને કહે, ‘તારી વાઇફને અક્કલ નથી. કોઈ દિવસ દારૂ કે સિગારેટ નથી પીતી અને આજે એને સ્મોક કરવું છે?’ મને પણ એના તરફથી પસ્તાળ પડી અને પછી બધું ઠરીઠામ થયું, ત્યારે મેં એને કહ્યું કે મારે તો ખાલી ફોટો પડાવવો હતો. તો મને કહે, ‘પણ તારે સ્મોક કરતી હોય એવો ફોટો પણ કેમ પડાવવો છે? શી જરૂર છે એની?’  ચાલો પત્યું. કોણ જાણે કેમ, પણ મને એમ થયું કે રાજીવે છુટાં પડતાં પહેલાં મને દિલથી ‘થેન્ક યુ’ અને ‘આવજો’ પણ ના કહ્યું!  થોડીવાર પછી પ્લેનમાંથી ખુબજ ઇમોશનલ ટ્વીટ કર્યું અને મેં એ ટ્વીટ કમ સે કમ પચાસ વાર વાંચી. ત્યારે વિચાર આવ્યો, કે, આપણે ઉતાવળમાં, લોકો વિષે કેટલી ખોટી ધારણા બાંધી લઈએ છીએ અને મનમાં પૂર્વાગ્રહ અથવા અસલામતિ કે પછી કદરદાનીના અભાવને પાળી લઈએ છીએ?
પછી એ લોકો પણ ભારત દેશ પાછા ફર્યા અને વાતોનો દોર ઘટ્યો, બસ, ક્યારેક જન્મદિવસ ની શુભકામના અપાય. અમારો એક હિસાબ પણ પતાવવાનો બાકી હતો, એટલે રાજીવ વારંવાર કહેતો કે તને કેવી રીતે પૈસા પહોંચાડું. રકમ બહુ નાની હતી એટલે મેં કહ્યું, ‘રહેવા દે, સમય મળે ત્યારે હું લઈ લઈશ.’

Continue reading થોડી ખાટી, થોડી મીઠી- જાગૃતિ દેસાઈ શાહ

અંતરની ઓળખ-(૮)- સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(સૌજન્યઃ “કબીર બાની”-(૨ ) – અલી સરદાર જાફરી)

********

ભાઈ, કોઈ સતગુરુ સંત કહાવે!

            નૈનન અલખ લખાવૈ !!

પ્રાણ પૂજ્ય કિરિયાતે ન્યારા, સહજ સમાધ સિખાવૈ!

દ્વાર ન રુંધે પવન ન  રોકૈ,  નહિં ભવખંડ  તજાવૈ!

યહ મન જાય યહાં લગ જબ હી પરમાતમ દરસાવૈ!

કરમ કરૈ નિઃકરમ  રહૈ  જો, ઐસી  જુગત  લખાવૈ!

સદા બિલાસ ત્રાસ નહિં તન મેં, ભોગ મેં જોગ જગાવૈ!

ધરતી-પાની આકાસ-પવન મેં અધર મંડૈયા છાવૈ!

સુન્ન સિખર કે સાર સિલા પર, આસન અચલ જમાવૈ!

ભીતર રહા સૌ બાહર  દેખૈ,  દૂજા દ્રષ્ટિ  ન  આવૈ!

  •     કબીર

ભાવાનુવાદઃ કબીર કહે છે, સુણો ભાઈ, સદગુરુ સંત એ જ છે જે આ આંખોને, સ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર નથી એના દર્શન કરાવે છે, જે બહારના, દેખાડાના પૂજા-પાઠથી મુક્તિ અપાવીને સહજ ધ્યાન-સમાધિ શીખવે છે. સાચા સંત, સાચા ગુરુ, દરવાજા બંધ કરીને નથી બેસતા, શ્વાસ રોકવાના ઠાલા અભ્યાસ નથી કરાવતા અને “આ સંસાર અસાર છે, એનો ત્યાગ કરો” એવા માત્ર શાબ્દિક ઉપદેશ નથી આપતા. જ્યારે દંભી અને દેખાવની ક્રિયા-પ્રક્રિયા છોડીને, મન એક પરમતત્વની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે જ પરમાત્માની સાથે અનુસંધાન થાય છે. આ સદગુરુ જ મનુષ્યને કર્મ કરીને નિષ્કર્મ અને નિર્મોહ રહેવાનો રસ્તો બતાવે છે. એકવાર આ રસ્તે ચાલી નીકળ્યાં પછી ‘ભોગ’ ને ‘જોગ’ સાથે જોડવામાં કોઈ મુશ્કેલી નડતી નથી અને એના પછી, દુન્યવી વિલાસની ખેવના ન રહેતાં, આ વિલાસ, દિવ્યતામાં બદલાય છે. આ ઈશ્વરીય અલૌકિકતા જ ચર-અચર, સજીવ-નિર્જીવ, દરેક મનુષ્ય ને પ્રાણી, ધરતી, આકાશ, જળ અને વાયુ, બધામાં આત્મા સ્વરૂપે વસે છે. આથી, સાચા સંત એ જ છે, જે આત્માતત્વને પોતાની અંદર જોતાં શીખવે છે અને સત્યના માર્ગે દોરે છે. એકવાર જે આત્મામાં છે એને જોતાં શીખી જઈએ તો પછી, બહાર પણ એ જ પરમાત્મા રૂપે દેખાય છે અને એ સત્ય છે કે પછી બીજું કશું જ બહાર દેખાશે નહીં. ખરા અર્થમાં, સાચો અદ્વૈતવાદ જ આ છે.