All posts by jayumerchant

“મુકામ Zindagi”- સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દીપલ પટેલ

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ dipal-1.jpg છે

દીપલ પટેલઃ પરિચય

અભ્યાસે કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં માસ્ટર્સ કરેલું છે, 2.5 વર્ષ પ્રોફેસર અને 1.5 વર્ષ eBayમાં સોફ્ટવેર ડેવેલપર તરીકે કામ કર્યું છે.
Tahuko.comમાં કન્ટ્રીબ્યુટર છે નોર્થન કેલિફોર્નિયામાં 5 વર્ષથી tahuko.com અને અન્ય ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમોનું સંચાલન કરેલું છે. ગુજરાતી ભાષામાં પોતાના બ્લોગ ઉપર, ટ્રાવેલબ્લોગ લખે અને પુસ્તક પરિચય લખે છે.
ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ ધરાવે છે. સાહિત્યપ્રેમી અને ભાષા પ્રેમી છે.

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ brinda-1.jpg છે

બ્રિન્દા ઠક્કરપરિચય

અભ્યાસે સોફ્ટવેર એન્જીનીયર. ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ. અઢી વર્ષ કન્ટેન્ટ માર્કેટિંગ એક્સપર્ટ તરીકે બેંગ્લોરમાં ‘પ્રતિલિપિ’ સાથે કામ કર્યું. તેમાં સાહિત્યકારોના 200 જેટલાં ઇન્ટરવ્યૂ કર્યા – ગુજરાતી અને હિન્દી ભાષામાં.
અત્યારે ચેન્નાઈમાં રહે છે   અને ફ્રીલાન્સર તરીકે કામ કરે છે..
લખવાનો અને વાંચવાનો ખૂબ શોખ છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સ્પીકર તરીકે આમંત્રણ મળેલું.
‘मुक़ाम Zindagi’ યુટ્યુબ ચેનલ દ્વારા આસપાસના માણસોની પ્રામાણિકતા, નિષ્ઠા અને જિવાતી જિંદગીઓ વિશે, મેં કરેલા પ્રવાસો વિશે અને સાહિત્ય વિશેની વાતો કરવી છે.
ફેસબુક પેજ : https://www.facebook.com/brinda.thakkar.33
https://www.facebook.com/mukaamzindagi/
યુટ્યુબ ચેનલ : https://www.youtube.com/channel/UCSTu8nKYaB7XKDw4DjQIEAg

આજે “દાવડાનું આંગણું”માં ગુજરાતી સાહિત્ય અને કલા જગતના બે નવયુવાન ચહેરાઓ, દીપલ પટેલ અને બ્રિન્દા ઠક્કરનું સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આ બેઉ જોશથી ભરપૂર અને હોશ ને હોંશથી ગુજરાતી ભાષાની સેવા કરતી યુવાન, તરવરતી યુવતીઓ, આપણા સહુ માટે એક ખુબ સરસ, વાંચવી, સાંભળવી અને જોવી ગમે એવી ઓડિયો-વીઝ્યુઅલ સિરીઝ, “મુકામ Zindagi” લઈને આવ્યાં છે, જેનો લાભ આપણને દરેક શુક્રવારે મળશે. દીપલ અને બ્રિન્દા, આપ બેઉનો આભાર કે આટલી સુંદર સીરીઝ અમારી સાથે શેર કરી.  

સ્કૂલ!~ બ્રિન્દા ઠક્કર – વિડીયો રજૂઆતઃ દીપલ પટેલ

એક એવી દુનિયા હતી, જેનો દરેક દિવસ કંઈક નવું લઈને આવતો.
સવારે નાસ્તો કરતાં- કરતાં કરેલું હોમવર્ક, ખાટી આંબલી લેવા માટે ભેગા કરેલા પૈસા, યુનિફોર્મના ખિસ્સામાં લખોટી અને ભમરડા સંતાડીને લઈ જવાતા.

રીસેસમાં ફટાફટ નાસ્તો પૂરો કરીને દોડ-પક્કડ રમતાં, રોજ ઘૂંટણ છોલાતા અને પડી જઈએ એટલે રોજ દોસ્તો આપણી પર હસતાં. ને તો પણ કેવા તરત ઉભા થઈને, ધૂળ ખંખેરીને દોડવા લાગતા! અત્યારે આટલું જલ્દી ઉભા થઇ શકીએ છીએ? કેટલી વાર લાગે છે બધું ખંખેરતા?

લગભગ રોજ ઝઘડા થતા. ક્યારેક માર-પીટ સ્કૂલમાં થઇ જતી, તો ક્યારેક “તું બહાર આવ એટલે તારી વાત છે!”- આવી ધમકીઓ અપાતી. સાવ નિર્દોષ ધમકીઓ! રીસેસમાં માર્યા હોય એકબીજાને અને સ્કૂલ પત્યા પછી સાથે સાઈકલ ચલાવીને ઘેર જતા હોઈએ!  પેન્સિલ અને પેનની અણી જાણે AK-47 હતી. જે દિવસે ના- ગમતી છોકરી રિબીન નાંખવાનું ભૂલી ગઈ હોય, એ જ દિવસે મૅડમને યાદ કરાવાતું કે રિબીન અને બેલ્ટ ચેક કરોને મેડમ!! અને પેલી છોકરીને ક્લાસની બહાર કાઢે, એટલે આપણે જાણે ઈલેક્શન જીતી ગયા હોઈએ એટલી ખુશી થાય.

ક્લાસમાં ખોટે ખોટી છીંક ખાવાની ને બધાંને ડીસ્ટર્બ કરવાના, ખિસ્સામાંથી સિંગ- ચણા ખાવાના ને પાસ કરવાના છેલ્લી બેંચ સુધી- સાહેબ જોઈ ના જાય એ રીતે! કોઈ છોકરો એક જ છોકરીને જોઈ રહ્યો હોય તો એને પકડી પાડવાનો ને રોજ હેરાન કરવાનો! સર કે મૅડમની કોઈ એક વાતની નકલ રોજ કરવાની, એકનો એક શબ્દ કેટલી વાર બોલે છે એ ગણવાનું!

હોમવર્ક ન કર્યું હોય ત્યારે, અંગુઠા પકડાવતા મારી સ્કૂલમાં, અને પીઠ પર નાનો ચૉક મૂકે. થોડા પણ હલીએ તો ચૉક પડી જાય અને 10 ફૂટપટ્ટી હાથમાં મારે! આજે અચાનક હથેળી પર ધ્યાન ગયું ત્યારે નોટીસ કર્યું કે બધા જેવી સોફ્ટ હથેળી નથી મારી! એની મુલાયમતા એ ફૂટપટ્ટીઓને અર્પણ કરી દીધી હતી વર્ષો પહેલાં! ધૂળમાં રમી- રમીને કપડાં મેલા કરતા, પણ મન કેટલા ચોખ્ખા હતા ત્યારે! અને આજે?

એક વાક્ય ખોટું બોલવાનું હોય તો થરથર ધ્રુજતાં! આંખો ઉંચી ન થઇ શકતી અને ખોટું બોલ્યાનો ભાર રાત્રે ઊંઘવા ન દેતો! અને હવે આપણે આંખોમાં આંખો નાખીને કેટલું સિફતથી ખોટું બોલી નાંખીએ છીએ! ભણેલા- ગણેલા સમજદાર થઇ ગયાને હવે, એટલે કદાચ!

નદી- પર્વત રમતાં ત્યારે કેટલું આસાનીથી પૂછી લેતા – નદી જોઈએ કે પર્વત? અને અત્યારે કલીગને કે રૂમમેટને એટલું પણ પૂછીએ છીએ કે તને પંખો ધીમો ફાવશે કે ફૂલ?

આમ તો મોટા થઈએ તેમ જ્ઞાનની સાથે સમજદારી અને સરળતા વધવી જોઈએ એના બદલે ઊંધી જ દિશામાં ચાલવા લાગીએ છીએ! મુક્ત થવાને બદલે બંધાતા જઈએ છીએ, બાંધતા જઈએ છીએ!

નાના હતાં ત્યારે એટલે નિખાલસ રહી શકતાં હતાં, કારણકે જે નહોતું ગમતું એ તરત કહી દેતા. જૂનું તરત ભૂલી જતાં. ભેંકડો તાણીને રડતાં અને ખડખડાટ હસી પડતાં! હવે બધું જ ઍટીકેટ્સ, મૅનર્સ અને ડીસન્ટ નામની કૅટેગરીમાં વહેંચાઈ ગયું છે. એ બધાની જરૂર છે જ, પણ આખો દિવસ??

એ ખાટી આંબલીઓ, ચણી બોર, સાઈકલની ઉતરી ગયેલી ચેન, વારંવાર લેવા પડતા દાવ, નવા નવા ચશ્માં આવ્યા હોય અને બધાં સામે જોઈ રહ્યા હોય એ ફીલિંગ, સાહેબે છુટ્ટુ મારેલું ડસ્ટર, 2 કલાક પકડેલા અંગુઠા અને કોપી પેસ્ટ કરેલા નિબંધ! અમૂલ્ય ખજાનો હતો આપણી પાસે! અને આ બધુંય આટલી હદે યાદ રહી શક્યું છે આપણા એ દોસ્તોને કારણે! આજે એમાંથી કેટલા આપણી પાસે છે?

વ્રતના જાગરણ વખતે, સોસાયટીના છોકરાઓ સવારના ચાર વાગ્યા સુધી સાથે ને સાથે જાગતા અને અમારું જાગરણ ઉજાગરો ન બની જાય એની કાળજી રાખતા. છોકરીઓ સ્કૂલમાં રજા પાડી શકતી, પણ છોકરાઓએ ક્યારેય રજા પાડી નથી!

આ બધું નિર્વ્યાજ, નિખાલસ, સહજતાથી છલોછલ જીવન આપણે કેટલું પાછળ છોડી આવ્યા છીએ! એકવાર ફરી પ્રયત્ન ન કરી શકાય, બાઝી ગયેલી ધૂળ અને ચડી ગયેલા કાટને ખંખેરવાનો?Preview YouTube video સ્કૂલની યાદોનો ખજાનો ખોલીએ,દોસ્તોને એકવાર યાદ કરી લઈએ!

 

સ્કૂલની યાદોનો ખજાનો ખોલીએ,દોસ્તોને એકવાર યાદ કરી લઈએ!

“સોરી રાધા”-વાર્તા- વૈશાલી રાડિયા

(રાધા અને કિશન આજના જમાનામાં મળે તો વાતો કઈ રીતે થાય? આ વાતોની આજુબાજુ ઘટતી ઘટનાઓનું અનુસંધાન ગોકુળની રાધા અને કાનાના સમય સાથે કેવી રીતે સંધાય, એની એક પરિકલ્પના આ વાર્તામાં કલાત્મક રીતે રજુ કરવામાં આવી છે. પ્રાચીન યુગ અને અર્વાચીન યુગને જોડતી કડી સમાન એક કાલ્પનિક કથા. સદીઓથી કૃષ્ણને થતાં રાધાના સવાલો. રાધા-કૃષ્ણનું મિલન થશે? માણો એક કલ્પન… )  

સોરી રાધા- વૈશાલી રાડિયા

ગોકુળમાં યમુના નદીના કિનારે એક બેઠા ઘાટનું નાનું પણ સુંદર દેખાતું ઘર, મકાન નહીં ઘર! એમાં પહેલા માળે આવેલ બે બેડરૂમમાં માસ્ટર બેડરૂમમાં સુંદર ગોળાકાર બેડમાં એક નમણી રમણી સફેદ કુર્તી અને સફેદ લેગિન્સમાં કોઈ પરી જેવી લાગતી ઊંધી પડીને કોઈ પુસ્તક વાંચી રહી હતી. એ રમણીનું નામ પણ એટલું જ રમણીય હતું, રાધિકા. ગોરી કાયા અને કૃષ્ણની માયા! એના બેડરૂમના વોલ પેઇન્ટિંગસ પર નજર કરો એટલે સમજાઈ જાય. એક આખી વોલ પર કૃષ્ણનું તમામ જીવન આવી જાય એમ કેટલાં નાનાં-નાનાં ચિત્રો ભેગા થઈને એક મોટું વોલ પેઇન્ટિંગ બનતું હતું! અન્ય દિવાલો પર પણ રાધા-કૃષ્ણ હિંચકે ઝૂલતાં હોય, રંગોથી હોળી રમતાં હોય એ પ્રકારના પેઇન્ટિંગસ નજરે ચડતાં હતાં. આધુનિક ગોકુળની આધુનિક રાધાનો રૂમ જોઈ લ્યો! 

******

Continue reading “સોરી રાધા”-વાર્તા- વૈશાલી રાડિયા

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

ડો. બાબુ સુથાર જેવા વિદ્વાન ભાષાશાસ્ત્રી અને સાહિત્યકાર પાસેથી એમની આત્મકથા “મને હજી યાદ છે” અને ગુજરાતી ભાષાના વ્યાકરણ-વિજ્ઞાનનું જ્ઞાન કરાવતી સીરીઝ, “ભાષાને શું વળગે ભૂર” મળી, એ “દાવડાનું આંગણું”નું સૌભાગ્ય છે. ગયા અઠવાડિયે “ભાષાને શું વળગે ભૂર” નો છેલ્લો હપ્તો હતો.

આજે એમની વિદ્વતાસભર કલમ આપણને વિશ્વ સાહિત્યના વાર્તા જગતના બગીચામાં ટહેલવા લઈ જાય છે. એમણે નીચેના લેખમાં કહ્યું છે તેમ, કોપીરાઈટના કારણે વાર્તાઓના ભાષાંતર કરવા શક્ય નથી પણ રસાસ્વાદ તો જરૂર કરાવી શકાય. તો આવો, આપણે આજથી આ નવી પ્રારંભ થતી સિરીઝ, “વાર્તા રે વાર્તા” ના શ્રી ગણેશ કરીએ. બાબુભાઈ, આપને “આંગણું” અને એના વાચકો વતી વંદન કરું છું અને આટલો સમય ફાળવીને આટલા સુંદર રત્નોની ગુજરાતી ભાષાને ભેટ આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજથી શરૂ કરીને જ્યાં સુધી બાબુભાઈ થાકે નહીં ત્યાં સુધી, દર શુક્રવારે, આપણે આ “વારતા રે વારતા” માં રજુ થનારા, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ, એમની તાકતવર અને અભ્યાસુ કલમ થકી માણવાનું વાચક મિત્રો, રખે ને ચૂકી જતાં! આજનો પહેલો હપ્તો, આપણને વિશ્વ સાહિત્યની વાર્તાઓના ખજાનાને ‘ખૂલ જા સીમસીમ” કહીને દરવાજા ખોલી આપે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાબુભાઈ.

“વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

વાર્તાલેખકોને બોલાનોની સલાહ

બાબુ સુથાર

ચીલીના લેખક રોબર્તો બોલાનોએ (Roberto Bolano) Advice on the Art of Writing Short Stories નામનો એક સરસ લખ્યો છે. એમાં એમણે વાર્તાલેખકોને બાર સલાહો આપી છે. જો કે, આ સલાહો આપતી વખતે એમણે લેટિન અમેરિકન ભાષાના લેખકોને ધ્યાનમાં રાખ્યા છે. એમ છતાં મને એવું લાગે છે કે એમની ઘણી બધી સલાહ આપણને પણ કામ લાગે એવી છે.

Continue reading “વારતા રે વારતા” – (૧) – બાબુ સુથાર

“તેં સાંભળ્યું?” -વિનોદ જોષી-આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

‘તેં સાંભળ્યું?’-


ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

                                 – વિનોદ જોષી૨૦૦૯

કવિશ્રી વિનોદ જોષીની ગઝલ ‘તેં સાંભળ્યું?’-નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
પ્રિયતમાના આવવાની ઘડીની કાગડોળે રાહ જોવાની એક આગવી મજા છે. “જો મજા હિજ્ર મેં હૈ, વો મજા વસ્લમેં કહાં!” પણ એક દિવસ એવો આવે કે માંગેલી બધી જ દુવાઓ કબૂલ થઈ જાય અને આલિંગનમાં અચાનક જ પ્રિયતમા આવી જાય, અને એ પણ ફક્ત એક રાત માટે, તો શું થાય? ગઝલનો મતલા એની છાની વાત લઈને આવે છે અને કાનમાં ખુલ્લંખુલ્લા કહી જાય છે. આંગળીઓનું પોતાનું વજૂદ છે અને બીજા બધાં અંગોને આંગળીઓની ઈર્ષા આવે, એવું પણ કંઈક અચાનક જ બને તો? રાત આખી હવે ઊંઘ અને સપનાંનો સવાલ જ નથી ઊભો થતો. પ્રિયતમાના કેશમાં આંગળીઓ ફરતી રહી. ન જાણે કેટકેટલા વર્ષોની રાહ જોવાનો થાક એને ઉતારવાનો હતો. રાતભર ન જાણે સેંકડો માઈલોની સફર ખેડી આવેલી એ આંગળીઓ થાકીને સવારમાં જાગે છે. ટેરવે ટેરવે થાક છે પણ આ મનગમતો થાક છે. એની ફરિયાદ આંગળીઓ નથી કરતી પણ રાત આખી સૂઈ ન શકેલી આંખો એની ચાડી કાનને કરે છે કે, ‘ભઈ, અમે જે રાતભર જોયું, એ તેં સાંભળ્યું કે નહીં?’ પ્રિયતમાની ઝુલ્ફોને રાતભર સહેલાવ્યા કરી, જાણે કે જન્મોજનમનાં વિરહના ઓવારણાં લેવાનાં રહી ગયા હતાં!

અને, હા, આ આંગળીઓ થાકેલી જરૂર છે, શરીર પર જરાના ઓછાયા પણ આવી ચૂક્યાં હોય પણ આ આંગળીઓ તો એ ખંડેર થતી ઈમારતનો હિસ્સો હવે ક્યારેય નહીં રહે. આ આંગળીઓ તો એનાં કેશને રાતભર સંવારતા સંવારતા, મંદારપુષ્પ સમી સદાયે મહેકતી ચિરયૌવના ગુલમ્હોરની કળી બની ગઈ છે! 

આટલાં બધાં વર્ષોની લાંબી ડગર અને એકલાં કાપેલી સફર, એ આંગળીઓના કાપા ગણી શકે એમ પણ ક્યાં હતા? પણ આજે, એકમેક વિના કાપેલી બેઉની જિંદગીમાં, જે ગાઢો સૂનકાર હતો, એવા ચિર સુનકારનું આવરણ આ આંગળીઓ પર કાયમ માટે વસી ગયું હોય એવું લાગતું હતું. પણ પ્રિયજનના આવવાથી અને એના કેશમાં આંગળીઓ રાતભર ફેરવતા, ટેરવા પરથી સૂનકાર તો અદ્રશ્ય થયો જ, પણ હવે દરેક આંગળીઓમાં વાંસળીના સૂરની મિઠાશ વસી ગઈ છે. આંખ બંધ કરીને જરા સાંભળો, તો મુલાયમ સ્વરોનો જાદુ કાનને સંભળાયા વિના ક્યાંથી રહેવાનો હતો? એટલું જ નહીં, ડંકાની ચૉટ પરથી એને કહેવું પણ છે કે, પ્રણયની વાંસળીના સૂરો આ અંગળીઓમાં એ રીતે આવીને વસ્યા જાણે કે શ્રીકૄષ્ણએ જ ગોપીઓને ઘેલી કરવા વાંસળી વગાડી હોય! પ્રેમ હોય ત્યાં કૃષ્ણ હોય અને કૃષ્ણ હોય ત્યાં વેરાની, સૂનકાર અને ભેંકારતા તો સંભવે જ નહીં.

પ્રિયાને જે પણ કંઈ કહેવું છે તે એક જનમમાં પણ કહેવાતું નથી તો એક રાત ક્યાંથી પૂરી પડે? એના રેશમી વાળમાં ફરતી આંગળીઓને જમાનાએ આપેલા અનેક દુઃખ દર્દને પોતાના સ્પર્શથી સહેલાવ્યાં પણ એ ઉઝરડાઓ, અચાનક જ ત્રાટકી પડેલી વિરહની વિનાશકારી વિજળીના હતા. આ વાત કોને કહેવી, કાનને કહે તો કદાચ મુખ સુધી જાય અને ફરિયાદ રૂપે કદાચ ઈશ્વર સુધી વાત પહોંચાડી શકાય..!

પ્રિયાના અંગો પર હાથ ફેરવતાં એક “આહ” નીકળી જાય છે કે જે અંગો ક્યારેક રેશમ-રેશમ હતાં, આજે ત્યાં વર્ષોની બરછટતાએ નિવાસ કરી લીધો છે. ન જાણે શું શું વીત્યું હશે એના પર? પોતાને પડેલી બધી જ તકલીકો ત્યારે ભૂલાઈ જવાય છે જ્યારે પ્રિયપાત્ર સાથે હોય, સામે હોય અને શબ્દો કંઈ પણ ન કહેતા હોય, બરછટતાને અડતાં જ, બસ, સ્પર્શના નાજુક પરપોટાં ફૂટી જતાં, વિતેલાં વરસોનું સરવૈયું પોતે જ મુખર બનીને રહસ્યોને ખોલવા માંડે છે. કારણ, સ્પર્શના પરપોટાનું લાંબુ આયુષ્ય નથી હોતું.

“આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
 એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.”

આ અજાણ્યો દેશ ક્યો છે, અને શા માટે એની કબૂલાત કરવી પડે છે, કંઈક સંદિગ્ધતાથી, કદાચ, કોઈક ખાતરી મેળવવા કે હા, પ્રિયતમ પર જે વિત્યું છે અને એ દેશ-કાળ અજાણ્યો છે, પણ સાંભળ, ચિંતા નહીં કર, મને તો ફાવી જશે. આ જ સમયે, જેમ કોઈ ધીર ગંભીર વડીલ કે વ્હાલા મિત્ર સધિયારો અપાવે એમ કાન કહે છે, “ચિંતા શું કરે છે? આ દેશ ને કાળમાં જે જીવવાનું છે, જીરવવાનું છે, તે અજાણી ભોમકા છે તો શું થયું? પ્રણયની એ ગલી તો જાણીતી છે ને? બસ, ત્યાં એ ગલીમાંથી ગુજરતાં કશું જ અજાણ્યું નહીં લાગે, મેં તો એવું જ સાંભળ્યું છે.” આ કવિશ્રી વિનોદ જોષીની સક્ષમ અને ખમતીધર કલમથી જ નિપજી અને, નીતરી શકે એવી આત્મવિશ્વાસથી છલાકાતી ખુમારી છે, ભરોસો છે, Assurance છે. “તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યું હી મસ્ત નગમે લૂંટાતા રહું!”

આ ગઝલનો છેલ્લો શેર, સમાપન કરે છે, સ્નેહનું, પ્રણયનું, એકમેકની સંભાળ લેવાની અદમ્ય ઝંખનાનું અને જો કોઈ પણ શંકા હજુ રહી ગઈ હોય તો, કે,

“આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
 કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.”

કાફિયા ઓઢવા એટલે “મને પણ”-Me too – ની પૂર્તિ કરવી. હવે પ્રિયા એકલી નથી, એના પર જે કંઈ પણ વીત્યું હોય તો એની સાથે “બેક સીટ” પર, ગઝલના રદીફ જેમ હું સાથે જ છું! અહીં, બધાં જ દ્વૈત ખરી પડે છે અને ગઝલના રદીફ-કાફિયા જેમ ઐક્ય સંધાય છે, આત્માથી આત્માનું, શરીરી તત્વોથી અશરીરી તત્વોનું. અહીં સાંભળવાની અને સંભળાવવાની ક્રિયા-પ્રક્રિયાઓ, બધું જ ખરી પડે છે અને પ્રેમ માત્ર “શિવોડ્હમ્ શિવોડ્હમ્, સચ્ચિદાનંદોડ્હમ્!” બની જાય છે.

આ ગઝલ વિરહની કે દુઃખની નથી પણ પ્રેમ નામના પ્રદેશનું રાષ્ટ્રગીત છે.

ક્લોઝ-અપઃ જિગર મુરાદાબાદી

“શબે-વસ્લ ક્યા મુખ્તસર હો ગઈ,

 જરા આંખ ઝપકી, સહર હો ગઈ.

નિગાહોંને સબ રાઝે-દિલ કહ દિયા,

ઉન્હેં આજ અપની ખબર હો ગઈ.”

ભાવાનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

મિલનની ટૂંકી રાત કેમ તાર-તાર થઈ ગઈ?

જરા આંખ શું મળી, તરત સવાર થઈ ગઈ!

શું છે એ મારા માટે એ તો લ્યો જાણી ગયા!

ભેદ ખોલતી નજર કેવી ધારદાર થઈ ગઈ!”

માઈકલ-વાર્તા- સુચી વ્યાસ

(સત્ય ઘટના પર આધારિત. નામઠામ ગોપનિયતા રાખાવા માટે બદલી નાંખવામાં આવ્યા છે.)

માઈકલ –    સુચી વ્યાસ

વાંકોચૂકો, રાંગો ત્રાંગો માઈકલ સાયકલ ઉપર રોજ સવારે અમારી ડ્રગ રિહેબિલિટેશાનની ક્લીનિકમાં આવે. મોઢું ખોલે તો બખડજંતર દંતાવલિનાં દર્શન થાય. આંખો વાંકીચૂંકી. ઊભો રહે તો ત્રિશંકુની મુદ્રા. પણ જયારે એની વાતું સાંભળો તો થાય કે આ ૫ ફટ ૧૦ ઈંચનો  માણસ મોટાં મોટાં ધીંગાણાંમાં ક્યાંથી સમાયો, ક્યાંથી બચી ગયો અને કેમ હજી જીવે છે! ગન ફાઈટ, ફિસ્ટ ફાઇટ, પોલીસ સાથે મારામારી, દુશમનોના ઘર ઉપર ફાયરબોમ્બની બોમ્બમારી 

Continue reading માઈકલ-વાર્તા- સુચી વ્યાસ

ચોરી- વાર્તા- અનિલ ચાવડા

ચોરી
અનિલ ચાવડા

એનું નામ કિરણ. પાતળો બાંધો. સહેજ અણિયાણું નાક. ગોરા ગાલ. હોઠ તો એન્જેલિના જોલીને ય ઈર્ષા આવે એવા. કદાચ તેથી જ કોઈની નજર ન લાગી જાય એટલે ઈશ્વરે તેની પર એક નાનકડો તલ કરી આપ્યો હશે. જોકે એ તો સોનામાં સુગંધ ભળે એમ ચહેરાને ઓર દીપાવતો. એના વાળ પણ એટલા સુંદર કે વાળની જાહેરાત કરતી નાયિકાઓ તેની આગળ પાણી ભરે. ચાલતી હોય ત્યારે રાજરાણીનો ઠાઠ ઝાંખો પડે. જોનારાને લાગે કે કોઈ સ્વર્ગની પરી ધરતી પર આવી ચડી કે શું?

Continue reading ચોરી- વાર્તા- અનિલ ચાવડા

“રામ રમકડું જડિયું” – કવયિત્રીઃ મીરાંબાઈ – સ્વરકારઃ અમર ભટ્ટ

(મીરાંબાઈનું આ પદ વાંચીને વાગોળવા જેવું છે અને એનું જ, અમર ભટ્ટ દ્વરા કરેલું સ્વરાંકન (જે નીચે આપેલી લીંકમાં સાંભળી શકશો) આંખો બંધ કરીને માણવા જેવું છે. શબ્દો અને સૂરની આ રજૂઆત આપ સહુને અભિભૂત કરી જશે એની મને ખાતરી છે.)

રામ રમકડું જડિયું રાણાજી મુંને રામ રમકડું જડિયું
રૂમઝુમ  કરતું મારે મંદિરે પધાર્યું, નહીં કોઈને હાથે ચડિયું
મુંને રામ રમકડું જડિયું
મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા
કોઈ વિરલાને હાથે ચડિયું રે
મુંને રામ રમકડું જડિયું
શૂન શિખરના ઘાટથી ઉપર,
અગમ અગોચર નામ પડિયું રે
મુંને રામ રમકડું જડિયું
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
મારૂં મન શામળિયાશું જડિયું રે
મુંને રામ રમકડું જડિયું


કવયિત્રી: મીરાંબાઈ
સ્વરકાર: અમર ભટ્ટ


મીરાંબાઇનું આ સરળ ને જાણીતું પદ છે. કૃષ્ણ માટે મીરાંનો  ‘રામ રતનધન’ શબ્દપ્રયોગ જાણીતો છે (પાયોજી મૈંને રામ રતનધન પાયો)  તેમ ‘રામ રમકડું’ પણ.  આ ‘રમકડું‘ તે બાળપણમાં એના હાથમાં સોંપેલી કૃષ્ણની મૂર્તિ હશે?  એ રમકડું એને જડે છે ને એની સાથે મીરાંનું મન જડાય છે-(‘હું તો પરણી મારા પ્રીતમ સંગાથ, બીજાના મીંઢળ કેમ રે બાંધું? કે પછી ‘માઈ રી મ્હેં તો સુપણામાં પરણ્યાં રે દીનાનાથ’)
સારંગ રાગના કોઈ પ્રકારની અસર નીચે ને રાજસ્થાની અંગ માં થયેલું આ સ્વરાન્કન ભગતસાહેબના મીરાં ઉપરના પ્રવચનને સાંભળ્યા પછી ને શ્રી કુમારપાળ દેસાઈના આગ્રહથી થયું ને સૌ પ્રથમવાર વિશ્વકોશમાં ડિસેમ્બર 2017માં ગાયેલું તેનું સુખદ સ્મરણ છે.

અમર ભટ્ટ

Sent from my iPhoneAttachments areaPreview YouTube video Amar Bhatt|Mirabai|Ram Ramkadu JadiyuAmar Bhatt|Mirabai|Ram Ramkadu Jadiyu

શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય છઠ્ઠો- જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય છઠ્ઠો

સપ્તાહયજ્ઞની વિધિ- શ્રવણવિધિ કથન

(આગલા પાંચમા અધ્યાયમાં આપણે જાણ્યું કે શ્રીમદ ભાગવત પુરાણની પવિત્ર કથાનું શ્રદ્ધાથી વિધિવત શ્રવણ કરાવીને -કરીને, કઈ રીતે ધુંધુકારીને પ્રેતયોનિમાંથી મુક્તિ અપાવીને ગોકર્ણજી પણ મોક્ષ પામ્યા. પહેલા સ્કંધનો આ છઠ્ઠો અને છેલ્લો અધ્યાય છે. આવતા અઠવાડિયાથી બીજો સ્કંધ પ્રારંભ થશે. આ છઠ્ઠા અધ્યાયમાં ફરીને એકવાર સપ્તાહયજ્ઞની અને સપ્તાહ શ્રવણની વિધિને વિગતવાર વર્ણવવામાં આવી છે. આ બધી જ વિધિ આપણે કથાના પ્રારંભ પહેલાં, શ્રીમદ ભાગવતના મહાત્મ્યના અધ્યાય ૬ અને અધ્યાય ૭ માં આપણે વિગતવાર વર્ણવી છે તો એનું પુનરાવર્તન ના કરતાં, જે આ વિધિને લાગે વળગતી નવી વાત છે એનું જ અહીં આલેખન કરીશું.)   

શ્રી સનકાદિ કહે છેઃ હે મહાભાગ નારદજી, હવે અમે તમને સપ્તાહની વિધિ વિગતવાર કહીશું જેથી નાનાં માં નાની વાત પણ ધ્યાન બહાર ન રહી જાય.

Continue reading શ્રીમદ ભગવત કથા – સ્કંધ પહેલો – અધ્યાય છઠ્ઠો- જયશ્રી વિનુ મરચંટ

“મનને દળવા બેઠી”- કાવ્ય- દેવિકા ધ્રુવ

કાળના મહાપ્રવાહમાં કેટકેટલું ઘસડાઈ જાય છે, વિસરાઈ જાય છે પણ એ જ સમય ક્યારેક ને ક્યારેક, કોઈ ને કોઈ રીતે મૌન રહી અચાનક,નજર સામે ઘણું બધું પાછું ખડું કરી આપે છે. કોરોનાની  મહામારીના સમયમાં માનવીને સમગ્રતયા બદલાવું પડ્યું અને ઘડિયાળના કાંટે ચાલતો,ઘડીની યે નવરાશ ન પામતો એ જ માણસ સ્વયં કેટકેટલું અવનવા રૂપે ઉલેચી લાવ્યો!

વર્ષો જૂની, થાળાવાળી મોટી ઘંટી, મનને દળવા બેઠી.

મૂઠી ધાન, સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

ઘંટો સુધી બેસી સાથે,

ઘંટી-હાથો પકડી સામે;

ગોળ ઘૂમાવી કચડ કચડ હું

બે પડ વચ્ચે, પીસાતા દાણા, રુદિયે ભરવા બેઠી.

છાજલી પરથી  ઉતારી બરણી,

ડાઘા-ડૂઘી, લૂછીને  ભરતી,

નવા મસોતે ઝાપટી, ઝુપટી

ઢાંકી ઘંટી, કણ કણ ક્ષણની ધરવા બેઠી.

વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી…

મૂઠી ધાન સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

(થાળું=જ્યાં ઘંટીનો લોટ કે દાણા ભેગાં થાય તે થાળું. )

(મસોતુ=સફાઈ કરતું પોતું. ‘કોરોના’ જેવું!)

“મારે લાયક કામકાજ હોય તો કહેજો!” – પરભુભાઈ મિસ્ત્રી

ક્યારેક ને ક્યારેક આ વાક્ય આપણે કોઈને આશ્વાસન આપવા માટે બોલ્યા હોઈશું કે ‘મારે લાયક કંઈ પણ કામ હોય તો બોલજો, સંકોચ રાખશો નહિ.’ તો વળી ક્યારેક આપણને મદદ કરવા માટે કોઈના તરફથી પણ એ પ્રમાણે બોલાયું હોય, એ સાવ સામાન્ય ઘટના છે. હૃદયપૂર્વક બોલાયેલા આ શબ્દોથી માણસને તાત્કાલિક રાહત થાય છે. પોતીકાપણું લાગે છે, મુસીબતની વેળા હું એકલો નથી, મારી પાછળ મને ચાહનારાઓનું નક્કર પીઠબળ છે, એની ખાતરી પછી માણસનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો આવે છે. વ્યક્તિ હિંમતભેર પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થાય છે. શબ્દોમાં આ તાકાત છે. એવું પણ બને કે મદદની ઓફર સ્વીકારવાનો વખત જ નહિ આવે. ન તો કોઈ આપણી પાસે મદદ માંગે કે ન તો આપણે કોઈને એ વચન યાદ કરાવવું પડે.

Continue reading “મારે લાયક કામકાજ હોય તો કહેજો!” – પરભુભાઈ મિસ્ત્રી