દેહની માટી અને માટલાની માટીમાં ફેર શું?
લોગ ઇનઃ
ખરો બપ્પોર, માથે ચૈતરનો આકરો તાપ,
શોષ પડતો હતો ગળામાં.
ઝપટમાં ને ઝપટમાં પાણી પીવાનું ય ભુલાઈ ગયું ‘તું
થયુઃ આટલો ચાસ કાલાની વીણ પૂરી કરી પાણી પીઉં
શેઢે જઈને અમારાવાળો મોરિયો વાંકો કર્યો,
પણ ટીપું પાણી ના મળે!
છેટે ગાડાના શીકામાં ઈમનાવાળી ગટકુડી દેખાઈ,
ખેતરધણી દૂર ખીજડા હેઠે આડો પડ્યો’તો.
હું આગળ વધી…
પગરવથી એણે પડખું ફેરવ્યું,
હું થડકારો ચૂકી ગઈ!
મારી સામું જોતાં જ એના મોંમાંથી લાળ ટપકી,
એવામાં ગટકુડી પર મારી નજર એને પરખાઈ ગઈ,
એની મૂછો તંગ થઈ, ફરફરી, મોંનો કડપ બદલાયો,
એને ગટુકડીની માટી સામે વાંધો હતો,
મારી માટી સામે નહીં!
– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ. એક સમય હતો કે વર્ણવ્યવસ્થાના ભેદભાવો પૂરબહારમાં હતા. જોકે એ ભેદભાવો આજે મટી ગયા છે એવું નથી. મારા નાની કહેતા હતા કે એ વખતની આભડછેટું અત્યારની આભડછેટું કરતાં જુદી. એ વખતે દેખાતી, અત્યારે દેખાય નહીં એવી આભછેટું સમાજમાં હાલી રહી છે. દેશીમાં ભાષામાં એ કહેતા ત્યારે અમુક નહીં દેખાતી આભડછેટ આંખ સામે છતી થઈ જતી. પ્રતાપસિંહ ડાભીની આ કવિતા કંઈક એવી જ દિશામાં ‘હાકલ’ કરે છે. આ કવિતા આપણે એક વાર્તા દ્વારા સમજીએ.
નાનકડું એક ગામ છે. ખરા બપોરનો સમય છે. માથે ચૈતરનો આકરો તાપ ધખધખી રહ્યો છે. એક ખેતરમાં એક મજૂરણ બાઈ કામ કાલા વીણવાનું કામ કરી રહી છે. તરસ લાગી છે, પણ તેને કાલાનો ચાસ પૂરો કરવાની ઉતાવળ છે. ચાસ પૂરો કરવામાં તરસ તેની ચરમસીમાએ પહોંચે છે, ગળું સાવ સુકાવા લાગે છે. તે પાણી પીવા માટે આવે છે અને એમનાવાળો મોરિયો (ગામડામાં માટલાને મોરિયો પણ કહેવામાં આવે છે.) જુએ છે તો ખબર પડે છે કે અંદર તો પાણી જ નથી! આકરા તાપમાં તરસના માર્યા જીવ જાય છે. એવામાં તેનું ધ્યાન થોડે દૂર ગાડામાં રહેલી ખેતરધણીની ગટકુડી (પાણી ભરવાનું એક માટીનું વાસણ) પર ગઈ. ખેતરમાલિક ખીજડના ઝાડ નીચે આડો પડીને આરામ કરી રહ્યો છે. આ બાઈને થાય છે કે ખેતરધણીનું ધ્યાન નથી તો લાવ થોડું પાણી પી લઉં. પણ તે પાણી પીવા માટે આગળ વધે એ જ વખતે તેના પગલાંના અવાજથી ખેતરમાલિક પડખું ફેરવીને આ બાઈ સામે જુએ છે. તે આ સ્ત્રીની દશા સમજી જાય છે. તે જાણી જાય છે કે આને મારી ગટકુડીમાંથી પાણી પીવું છે. તરત જ તેની મૂછો તંગ થઈ જાય છે, થોડો ગુસ્સે થઈ જાય છે. બાઈ રૂપાળી છે, સુંદર છે. તેને જોઈને ખેતરમાલિકની લાળ ટપકે છે. તેનામાં સૂતેલી વાસના જાગી ઊઠે છે. કોઈ પણ સ્ત્રી પુરુષની વાસના તરત સમજી જતી હોય છે. કાવ્યનાયિકા ખેતરમાલિકની વાસના જાણી ગઈ અને અંદરથી ધ્રૂજી ઊઠી. કાવ્યને અંતે કવિએ કાવ્યનાયિકાના મનમાં એક વાક્ય મૂકીને કવિતા પૂરી કરી દીધી છે. નાયિકા વિચારે છે કે ખેતરમાલિકને ગટકુડીની માટી સામે વાંધો છે, પણ મારી માટી સામે વાંધો નથી!
આપણે શરીરને માટી સાથે સરખાવતા આવ્યા છીએ. માટીનો દેહ છે ને માટીમાં મળી જવાનો છે. બધું જ આખરે માટીને હવાલે થવાનું છે, એ બળીને થાય કે દટાઈને! હિન્દીની એક કાવ્યપંક્તિ છે, ‘માટી કા હૈ પૂતલા એક દિન માટી મેં મિલ જાના હૈ.’ કબીરનો એક સુપ્રસિદ્ધ દુહો છે, ‘माटी कहे कुम्हार सो, क्यां तू रौंदे मोहि । एक दिन एसा होयगा, मैं रोंदूंगी तोही ।’ કોઈ પણ જાતિનો માણસ હોય, રાજા હોય કે રંક, પોલીસ હોય કે ગુનેગાર, વકીલ હોય કે અસીલ, કાળો હોય કે ધોળો; ધરતી પરનો દરેક માણસ એક દિવસ માટીમાં મળી જવાનો છે. કવિએ જમીનની માટી અને દેહની માટીને સામેસામે લાવીને મૂકી દીધા છે. આજે પણ સમાજમાં આવી અનેક ઘટનાઓ ઘટે છે, અમુક ઘટનાઓ બહાર આવે છે અને અમુક હંમેશાં માટે સમયના પેટાળમાં ધરબાઈ જાય છે. વાસણને અડવામાં અભડાઈ જતા ઘણા લોકો આખા શરીરને ભોગવવામાં જરા પણ અભડાતા નથી! આ કાવ્યમાં રહેલા ખેતરમાલિક માટે પેલી સ્ત્રી કરતા માટીની ગટકુડી વિશેષ મહત્ત્વની છે. સ્ત્રી એને અડશે તો ગટકુડી અને પાણી અભડાઈ જશે, પણ એ પોતે જો સ્ત્રીને અડશે તો એ પોતે નહીં અભડાય! કોઈ પણ જાતિ હોય, એક માણસે બીજા માણસથી શા માટે અભડાવું જોઈએ એ સમજાતું નથી. ખેતરમાલિકના મોંમાંથી ટપકતી લાળમાં તેની વાસના દેખાય છે. કામ કરનાર બાઈના આખા શરીરનો ઉપભોગ કરવામાં એને વાંધો નથી, પણ જો એ જ શરીર ધરાવતી એ બાઈ માટીની ગટુકડીને અડકે તો વાંધો છે! આપણે આવી અનેક વિસમતાઓમાં જીવી રહ્યા છીએ. કવિએ તળપદી ભાષાનો સુપેરે ઉપયોગ કરી જાણ્યો છે. પ્રતાપસિંહ ડાભીની કવિતામાં છલકાતી આવી તળપદી બાની તેમનું જમાપાસું છે.
લોગ આઉટઃ
દેહ માટીનો લઈને નીકળ્યા છો,
માર્ગમાં આગળ સમંદર આવશે.
– હનીફ સાહિલ
મારી માટી સામે નહીં!
વાહ કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
અને
દેહ માટીનો લઈને નીકળ્યા છો,
માર્ગમાં આગળ સમંદર આવશે.
વાહ કવિ શ્રી હનીફ સાહિલ
અંતરનેટની કવિતા, દેહની માટી અને માટલાની માટીમાં ફેર શું?
એને ગટુકડીની માટી સામે વાંધો હતો,શ્રીઅનિલ ચાવડાનો સ રસ આસ્વાદ
LikeLiked by 1 person