ચાલો મારી સાથે. ઉત્કર્ષ મઝુમદાર
ગયા વખતે આપણે જોયું કે બ્રિટિશ પાર્લામેન્ટ જેમાં બહુમતી પુરિટંસની થઇ ગઈ હતી તેમને ઠરાવ પસાર કરીને ગ્લોબ થિયેટરમાં થતી નાટ્ય પ્રવૃતિઓ બંધ કરાવી થિયેટરને તાળાં મરાવી દીધાં. એમાં એમને એક કાંકરે બે પક્ષી માર્યા. એમને નાટ્ય પ્રવૃત્તિ ફૂલી ફળીએ દીઠે ગમ્યું નહતું એટલે ગ્લોબમાં થતી નાટ્ય ને ઈતર પ્રવૃત્તિ બંધ કરાવી અને બીજું એ રાજ્યાશ્રય મેળવનારી કંપની હતી. રાજમહેલમાં રાજા હોંશે હોંશે એના પ્રયોગો ગોઠવતાં. ગ્લોબ બંધ કરાવીને એમણે રાજાને પણ દેખાડી દીધું કે ખરી સત્તા કોની પાસે છે.
પ્યુરિટર્ન્સને રાજા સામે સખત વાંધાઓ હતા. એક તો ચાર્લ્સ પ્રથમે સં 1629થી 1640 સુધી વગર પાર્લામેન્ટથી શાસન કર્યું એમ કહીને કે મને આવું કરવાના અધિકાર પ્રાપ્ત થયા છે. પછી સ્કોટલેન્ડ સામે યુદ્ધ કરવા પૈસાની જરૂર પડવાથી અગિયાર વર્ષે પાર્લામેન્ટ બોલાવી જે માત્ર 13મી એપ્રિલથી 5મી મેં 1640 એમ ત્રણ અઠવાડિયા ચાલી. પાર્લામેન્ટે પૈસાની બાબત અંગે કહ્યું કે પહેલા અમને રાજ વહીવટ અંગે જે સમસ્યાઓ છે તેનું પહેલા નિરાકરણ લાવો પછી બીજી બધી વાતચીત કરો. રાજાએ નાના એવા સુધારા કરવાની તૈયારી દેખાડી પરંતુ મોટા પ્રશ્નો માટે ચુપકીદી સેવી.
એણે બળતામાં ઘી નાખવાનું કામ કર્યું. શિરસ્તા મુજબ,વણલખ્યાં કાયદા મુજબ રાજા વગર પરવાનગીએ હાઉસ ઓફ કોમન્સમાં દાખલ થઇ ના શકે છતાંય એ દાખલ થયો ને એણે નવ સભ્યોની અટકાયતની વાત કરી. પણ, રાજા આવે એ પહેલા તેઓ પલાયન થઇ ગયા હતા. પોતાના પગલાંની ગંભીરતા જાણી રાજા પણ લંડન છોડીને જતો રહ્યો અને યુદ્ધની તૈયારી આદરી. પરિસ્થિતિ વધુ વકરી તેથી વાત વણસીને મોટું સ્વરૂપ ન લે માટે, એણે પાર્લામેન્ટને બરખાસ્ત કરી નાખી. આમ બ્રિટનના ઇતિહાસમાં આ સૌથી નાની પાર્લામેન્ટ ગણાઈ. પછી ભરતી આવે એમ નાની પાર્લામેન્ટ પછી તરત કે મોટી પાર્લામેન્ટ આવી જે અગિયાર વર્ષ ચાલી. આ દરમ્યાન રાજાના લશ્કર અને પાર્લામેન્ટના લશ્કર વચ્ચે બે વાર ગૃહ યુદ્ધ થયાં અને એમાં છેવટે પાર્લામેન્ટનું પલડું ભારે રહ્યું અને રાજા કેદ થયો. પછી એના પર દેશદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો. 20મી જાન્યુઆરી 1649ના રોજ વિશેષ હાઈકૉર્ટનું ગઠન કરવામાં આવ્યું ને ખાટલો શરુ થયો. રાજાએ હુંકાર કર્યો કે આ ધરતી પર એને પર ખાટલો ચલાવી શકે એવી કોઈ સત્તા નથી. હું તમારી સત્તાને અમાન્ય જાહેર કરું છું એટલે બચાવ પણ નહિ કરું.
27મી જાન્યુઆરીના રોજ મૃત્યુદંડનો ચુકાદો અપાયો. કાર્લો હતાં -આપખુદી, દેશદ્રોહી, ખૂની અને જનશત્રુ. વ્હાઈટહોલના બેન્કવેટિંગ હોલ આગળ એક ફાંસીનો માંચડો તૈયાર કરવામાં આવ્યો. ને 30મી જાન્યુઆરી 1649ના રોજ એને ફાંસી અપાઈ. રાજાએ મરતી વખતે ભારે હિમ્મત અને સ્વસ્થતા દેખાડીને એલાન કર્યું કે એ લોકોને માટે શાહિદ થાય છે. એક અઠવાડિયા પછી એને વિન્ડસર પેલેસમાં દફનાવવામાં આવ્યા.
નાટકો પર બંધી લાદવાનો કાયદો આ મોટી પાર્લામેન્ટે કરેલો. થિયેટરમાં નાટક સિવાયના કાર્યક્રમો પર બંધી ના હતી. 1648માં એણે કાયદાનું સ્વરૂપ લઇ લીધું. આની પહેલાં, એટલે કે સન 1944માં પ્યુરિટનસે એક મહત્વની પગલું ભર્યું. એમણે ગ્લોબ થિયેટરને જમીનદોસ્ત કરી નાખ્યું. એટલું જ નહિ, ભવિષ્યમાં ત્યાં કોઈ થિયેટર બંડવાનું ન વિચારે એ હેતુથી તેમણે ત્યાં રહેઠાણ માટે પંચ્યાસી ટેનામેન્ટ્સ બાંધી દીધા. આમ ગ્લોબ થિયેટરનું અસ્તિત્વ મિટાવવામાં તેઓ સફળ થયા.
નાટકો ભજવવાના બંધ થઈ ગયા, પણ એક નવી પ્રવૃત્તિ વિકસી, નાટકના પ્રકાશનની. આને લીધે સન 1576થી લઈને 1642 સુધીના નાટકો મરી પરવાર્યા નહિ બલ્કે જીવંત રહ્યા ને ફૂલ્યાં ફાલ્યાં. જે નાટકો પ્રકાશિત નહોતા થયા, એનું ધડાધડ પ્રકાશન થવા લાગ્યું. લોકોને આ નવીનતા પસંદ આવી. એક પરંપરા જે સમાપ્ત થઇ ગઈ તેના વિષે આને લીધે જાણકારી ઉપલબ્ધ બની એટલું જ નહિ પરંતુ નાટકોની એન્થોલોજી સૂચિપત્રો ને નાટય સ્મરણો છપાતા રહ્યાં અને છાના છપનાં નાટ્યપ્રયોગો પણ થતા રહ્યાં.
આ બધું તો ઠીક, મારા ભાઈ, પણ નાટકો જોવાનું શું એવો સવાલ કોઈ નાટકનો રસિયો કે પૂછે તો એની ભૂખ કેવી રીતે શમાવવી? એનો રસ્તો પણ નીકળ્યો. જેનું નામમાં શેક્સપિયરે જોડે સામ્ય હતું તેવો વિલિયમ દવેનાન કરીને એક કવિ નાટ્યકાર એ અરસામાં (1606-1668)હતો જેને આગળ જતા સરનો ઈલ્કાબ પણ મળ્યો. એ પોતાની જાતને શેક્સ્પિયરનો માનસ-પુત્ર લેખાવતો. અમુકને મન તો એ એનો પુત્ર જ હતો. વાત એમ હતી કે એના માતા પિતાની માલિકીનું એક ક્રાઉન નામે વીશી કમ શરાબઘર હતું. એ લંડનથી પોતાને ગામ સ્ટ્રેડફોર્ડ અપોન એવોન જતા ઘણીવાર અહીં રોકાતો. તેથી પણ આવી વાત ઊડી હોય, એવું બની શકે. સન1618માં શેક્સપિયરના મરણ બાદ 12 વર્ષના એવા એણે ઈન રીમેમ્બરન્સ ઓફ માસ્ટર શેક્સપિયર નામનું ઊર્મિ કાવ્ય પણ લખ્યું. નાટક બંધ પડતા એ મુશ્કેલીમાં આવી ગયો. જીવન નિર્વાહ માટે કરવું શું? એ ચતુર હતો એણે એક ઉપાય શોધી કાઢ્યો.
શો હતો એ ઉપાય? ઇંગ્લેન્ડમાં એ વખતે ઓપેરા નું કોઈ ચલણ ન હતું પણ અહીં સિવાય આખાય યુરોપમાં એ મનોરંજનનો લોકપ્રિય પ્રકાર હતો જેમાં સંગીત,નૃત્ય,અભિનય સંવાદ (અલબત્ત પદ્યમાં) બધું આવી જતું. એણે ઓપેરાના ગુણગાન ગાતાં ફરફરિયાં બહાર પાડવા માંડ્યા કે ઓપેરાથી દેશપ્રેમને વેગ મળશે અને એનો ઉપયોગ લોકોમાં પ્યુરિટન સત્તા તરફ આજ્ઞાંકિતતા માટે પણ થઇ શકશે. ખાસ તો એમાં નાટકોમાં આવતું છીછરાપણું ને આછકલાપણું પણ ગેહાજર હશે.
રાજા ગયો ને એના સ્થાને થોડાક જ વખતમાં રાજકારણી અને યોદ્ધા, પ્યુરિટન્સનો આગેવાન એવો ઓલિવર ક્રોમવેલ વહીવટકાર, ચીફ પ્રોટેક્ટર યાને સાદી ભાષામાં સરમુખ્યતાર પદે આવી ગયેલો. એની પાસે પણ આ ફરફરીયું પહોંચ્યું પણ એણે એનો શો પ્રત્યુત્તર આપ્યો એ ખબર નથી. પણ દવેનાન રાજકીય કુનેહ ને ચોકઠાંબાજ હતો. એણે પોતાની યોજાના અમલમાં મૂકી દીધી અને સન 1656માં પ્રથમ અંગ્રેજી ઓપેરા નામે ધ સિજ઼ ઓફ રોડ્સ ટિકિટ ખરીદીને આવેલા પ્રેક્ષકો સમક્ષ લંડનના રટલૅંડ હાઉસમાં રજુ થયું.
કોઈ પ્યુરિટન ટોળકીની વ્યક્તિ આ બંધ કરાવવા આવી નહિ. આ પ્રયોગ એટલો સફળ થયો કે એણે બીજો ભાગ પણ લખ્યો. એણે આંધળી દેશભક્તિને છાપરે ચઢાવતા, ક્રોમવેલની વિદેશીનીતિની ચાટુકારિ કરતા બે બીજા નાટકો પણ લખ્યા. સન 1657માં ઓગણસાઈઠ વર્ષની વયે ક્રોમવેલ મૃત્યુ પામે છે એના પછી એનો દીકરો રિચર્ડ ગાદીએ આવે છે પણ એનું શાસન માત્ર એક વર્ષ ચાલે છે ને ચાર્લ્સ પ્રથમનો પુત્ર ચાર્લ્સ દ્વિતિય રાજા તરીકે સત્તા પર આવે છે ને નાટકો ફરી ભજવાતાં થાય છે.
ગ્લોબ એના નવ સ્વરૂપે કેવી રીતે આવે છે તે આપણે જાણીશું આવતા વખતે.
(વધુ આવતા શનિવારે)
MAZMUDAR BHAI. INTERESTING STORY LOOK LIKE SIT WATCH DRAMA. EXCELLENT 300-400 YRS BACK PICTURE STORY.
LikeLike