કમ્પાઉન્ડર
“અરે અનુ, અહીં બેસ મારી સાથે, જો આજના છાપામાં ઘણું વાંચવા જેવું છે. શાંતિથી બેસને. રસોડામાં શું માથા માર્યા કરે છે !”
”હા હા લો, આવી ગઈ, શું કઈ ખાસ છે?”
રમેશભાઈ બોલ્યા, ”હા,જો હમણા પુસ્તક મેળો ચાલે છે ને? તેની બધી વિગતો રસપ્રદ છે. આપણે તો વાંચનનાં શોખીન જીવ એટલે મઝા બેવડાઈને મળે.“
“ચાલોને આપણે પણ પુસ્તકમેળામાં જ પહોંચી જઈએ, આજે રસોઈ કરવા નથી બેસતી. સાંભળ્યું છે કે, ત્યાં ખાવા-પીવાની વ્યવાસ્થા તો છે જ.”
”હા, હા આ આઈડિયા સારો છે, તું એક કામ કર મસ્ત ચા બનાવી દે થોડો નાસ્તો કરીને આપણે નીકળી જઈએ.”
બંને પતિ પત્ની ફટાફટ નાસ્તો પતાવીને તૈયાર થઈને નીકળી પડ્યાં. મોડાં ના પડાય અને પુસ્તક મેળાનો વધુમાં વધુ લાભ લેવાય એ વિચારને કારણે અનાયાસ જ થોડી ઉતાવળ થઇ જતી હતી. ગાડી પાર્ક કરીને, રમેશભાઈ જેવા ફર્યા, તેવો જ તેમનો પગ કોઈના પગ પર પડ્યો. ઊઓય એવી ઝીણી ચીસ સંભળાઈ, રમેશભાઈ પણ, “સોરી- સોરી” બોલતા રહ્યા ને જોયું તો, એક યુવતી વાંકી વળીને પગનાં આંગળાં દબાવી રહી હતી.
રમેશભાઈએ દિલગીરી વ્યક્ત કરી, “તને ખુબ વાગ્યું છે બેટા, મને માફ કરી દે, ખરેખર મારે આવી ખોટી ઉતાવળ નહોતી કરવી જોઈતી.”
“ના ના અંકલ ડોન્ટ બી સોરી, ખરેખર તો હું જ ખોટી ઉતાવળ કરીને, આ ઓછી જગ્યામાંથી નિકળવા ગઈ.”
એમ બોલતા તેણે ઉંચે જોયું. બંને એકબીજાને જોતાં રહ્યાં, ને પળમાં જ યુવતી કહે, ” ઓહ! અંકલ આંટી તમે બંને?”
રમેશભાઈ તેની સામે જોઈ રહ્યા પણ અનુબેન તરત બોલ્યાં, ”અરે તું? મીતા? કે રીતા?”
“આંટી હું રીતા છું.”
“તું તો નાની ને ?મીતા મોટી બરાબર? કેટલા વર્ષો વીતી ગયાં! તમે બંને જોડિયા બેનો જેવી લાગતી. શું ચાલે બેટા? તારા મમ્મી -પપ્પા અને બે ભાઈઓ મઝામાં?”
”આંટી આપણે પહેલાં, પુસ્તક મેળામાં ફરીને બધું જોઈ લઈએ? મારે એક-બે જણને મળવાનું પણ છે, બરોબર ૪ વાગે અહીં પાછા મળીએ, ત્યારે હું તમને બધી વાત ને બધાનાં સમાચાર કહું તો ચાલશે? તમે મારો મોબાઈલ નંબર લઇ લો ને હું પણ તમારો સ્ટોર કરી લઉં છું. ૪ વાગે હું તમને રીંગ કરીશ ને આપણે અહીં જ મળીશું, ને જો તમારે બાકી હોય તો જણાવશો થોડા મોડા મળીશું.”
રમેશભાઈ કહે, ”હા ચોક્કસ એવું જ કરીએ.”
અનુબેન કહે, ”પણ આપણે ચોક્કસ મળીએ બેટા.”
છુટા પડીને સૌ પુસ્તકોની દુનિયામાં પરોવાયાં. પણ વચ્ચે-વચ્ચે, અનુબેન, રમેશભાઈને સવાલ પુછતાં, ચારેય ભાઈ બહેન પરણી ગયાં હશે નહિ.?
”હાસ્તો, પરણ્યાં જ હોય ને? આ સૌથી નાની રીતા ને આપણો અમર સરખા, યાદ છે બંને આખો દિવસ જોડે રમ્યા કરતાં?”
પુસ્તકમેળામાં ફરીને થાક્યાં એટલે બંને ફૂડ-કોર્ટમાં આવીને બેઠા. ઘડિયાળમાં જોયું તો ૪ વાગવા આવ્યા હતા. થોડી જ વારમાં રીતાનો ફોન આવ્યો, અને તે પણ ત્યાં જ આવી ગઈ.
રમેશભાઈ કહે, ”બોલ શું ખાવું છે રીતા? આપણે એકવાર ઓર્ડર આપીને પછી વાતો કરીએ.”
ઓર્ડર આપીને બધા વાતો કરવા લાગ્યાં.
”અંકલ-આંટી, આઈ એમ સોરી! તમને જાણીને દુઃખ થશે, મારા બે ભાઈ હતા સૌથી મોટો રાજ અને નાનો શશી, તેઓ બંને ૪ વર્ષમાં ટૂંકી માંદગીમાં જતા રહ્યા, મારા મમ્મી પપ્પા તો બિલકુલ ભાંગી પડેલા, એટલી હદે કે, પપ્પા જોબ પણ પૂરી ના કરી શક્યા. તબિયત એટલી ખરાબ રહેતી. એટલે મારી મોટી બેન મીતાએ જોબ ચાલુ કરી. તેની ઉમર ૨૦ની થઇ એટલે માંગા આવવા લાગ્યા. તે વખતે તે જ કમાતીને, ઘર ચલાવતી. હું હજુ કોલેજમાં હતી. પાંચેક વર્ષ એમ જ ચાલ્યું. ત્યાં સુધીમાં મેં મારું માસ્ટરનું પૂરું કરી કોલેજમાં જોબ લીધી. હવે અમારા બંને માટે માંગા આવવા લાગ્યાં. મીતા મને કહેતી કે, “તું પરણી જા, હું તો મમ્મી-પપ્પાને આમ મુકીને નહિ જઈ શકું. વળી તેઓ ઘર કેવીરીતે ચલાવે?” એક દિવસ સાંજે અમે જમીને બેઠા હતાં ત્યારે મીતાની સાથે જોબ કરતી તેની ફ્રેન્ડ, મીના તેના ફેમીલી સાથે ઘરે આવી ને મારા મમ્મી પપ્પાને કહે કે,
“અંકલ-આંટી, મારા લગ્ન વખતથી, મીતા અને મારો ભાઈ રવિ, એકબીજાને જાણે છે અને ચાહે છે. પણ મીતા લગ્નની ના પાડે છે. તેનું કારણ પણ એટલું જ મજબુત છે, એટલે મારો ભાઈ સમજે છે પણ તે બીજે લગ્ન કરવાની ના પાડે છે. રવિ મારો એક માત્ર ભાઈ છે, તો પ્લીઝ તમે તેને સમજાવો.”
રવિએ પણ મારા મમ્મી-પપ્પાની જવાબદારી સ્વીકારવાની તૈયારી બતાવી, એટલે અમે મીતાને સમજાવી ને, તેના અને રવિનાં લગ્ન થઇ ગયાં. બંને મમ્મી-પપ્પાની જવાબદારી સ્વીકારવા માંગતા હતાં, અને મને લગ્ન કરી લેવા સમજાવતાં. પણ હું મારી જવાબદારીમાંથી એમ છટકવા નહોતી માંગતી.“
અનુબેન કહે, ”અને પછી જવાબદારી નિભાવવા તેં લગ્ન ના કર્યા, બરાબર?”
”તમને કેવી રીતે ખબર ? પણ આંટી હજી મારી વાત બાકી છે. મીતા એના ઘરે સુખી હતી, તેને એક જ દીકરો હતો, નિસાર. એટલે મમ્મી-પપ્પા ખુશ હતા. નિસાર અમારા બધાનો લાડકો હતો. તે પણ દસેક વર્ષનો થયો ત્યારથી જ સમજણો થઇ ગયેલો . મારા મમ્મી-પપ્પા મને કહેતા,
”હવે તું પણ સારું ઠેકાણું જોઈ લગ્ન કરી લે એટલે અમારે નિરાંત.” મીતા, રવિ અને નિસાર પણ તેમાં સાથ પુરાવતાં. પણ બંનેની કથળતી જતી તબીયત અને ઘર ચલાવવા કોઈ આવકનો અભાવ મને રોકતાં હતાં. મીતા અને મમ્મી-પપ્પા, ત્રણે જણા મારે માટે જીવ બળતાં.”
રમેશભાઈએ પુછ્યું, “શું હજી તું એ જ કોલેજમાં છે?”
”લો, હું પણ એ જ પુછવા જતી હતી કે, હવે તું શું કરે છે?”
“ના હવે હું વડોદરા શિફ્ટ થઇ છું ને, ત્યાં એક છાપું ચાલવું છું. કારણ કે, આપણે જ્યાં સાથે રહેતાં તે- કઠલાલ તો, નાનું ગામ અને પપ્પા-મમ્મીને વારંવાર સારા ડોક્ટરની જરૂર પડે એટલે, પછી અમે વડોદરા આવી ગયેલાં.તે પહેલાં જ તમે લોકો તો અમરને સારું ભણતર મળે તે માટે અમદાવાદ જતાં રહેલાં. ભગવાનની મહેરબાની અને આપ સૌ વડીલોના આશીર્વાદથી બધું સરસ ચાલતું હતું. આ ઉપરાંત હું કેટલાંક છાપાઓમાં અને મેગેઝીનોમાં, લેખ-વાર્તા-કાવ્યો- ગઝલ, વિગેરે પણ લખું છું. જીંદગી કંઇક થાળે પડી, એમ લાગે તે પહેલાં જ હંમેશની જેમ ભગવાન મારી કસોટી કરતા હોય, તેમ મમ્મી-પપ્પા સાથે બીમાર પડ્યાં. મેં, મીતાએ તેમજ રવિકુમાર અને નીસારે પણ ખડેપગે ચાકરી કરી, પણ માં-બાપને ના બચાવી શકયાં.”
અનુબેન બોલ્યાં, ” ઓહ! સોરી, જાણીને દુઃખ થયું. આપણે તો એક કુટુંબની જેમ કેટલાં બધા વર્ષો સાથે રહેલા! મારા અમરને તો તારી મમ્મી મારાં કરતાં પણ વધારે લાડ લડાવતાં, એટલે આ સમાચારથી તે ખુબ દુઃખી થશે.”
”હેં આંટી, શું કરે અમર? પછી એ ડોક્ટર જ થયોને? મને તે કાયમ ચીડવતો, -હું ડોક્ટર થઈશ ને તું કમ્પાઉન્ડર! યાદ છે?”
રમેશ ભાઈ કહે, ”હા બેટા, તે ડોક્ટર જ છે, શું તું તેને મળવા ઘરે નહિ આવે અમારી સાથે? ચાલો આપણે જઈએ ઘરે એટલામાં અમર પણ આવી પહોંચશે.”
ત્રણે જણા, સ્ટેડીયમ પાસે આવેલા તેમના બંગલામાં પહોચ્યાં, તે જ સમયે અમરની ગાડી પણ આવી. બધા ઘરમાં ગયાં કે તરત અનુબેન કહે, ”જો અમર, તારા દવાખાના માટે કમ્પાઉન્ડર લઇ આવ્યાં અમે, તારો કમ્પાઉન્ડર આમ પણ જતો જ રહ્યો છે ને?”
અમર વિચારમાં પડ્યો, એક યુવતીની ઓળખ આ રીતે? અને તે રીતા સામે જોઈ રહ્યો.પછી બંને એકસાથે બોલી ઉઠ્યાં,
” ડોક્ટર અમર!”
“અરે કમ્પાઉન્ડર!”
એ સાથે જ પુરા ઘરમાં અને વાતાવરણમાં ખુશીની એક લહેર દોડી ગઈ!
અમર કહે, ”પણ પપ્પા આ તમારો કમ્પાઉન્ડર પણ બીજાઓની જેમ ટેમ્પરરી છે કે, પરમેનેન્ટ?”
રીતા કહે, ”આંટી પહેલાં ઘરનાં બીજા સભ્યો સાથે તો મળવા દો, ક્યાં છે બધા?”
”બીજું કોણ બેટા? અમે ત્રણ જ છીએ ને.”
રમેશભાઈએ કહે, ”અમારો અમર પણ તારી જ રાહ જુએ છે ને? બીજે ક્યાં પરણે છે?”
આ એક વાક્ય-આ એક વાક્ય,– રીતાના દિલમાં ખુશી, મનમાં આશા અને ઉત્સાહ, તનમાં તરવરાટ અને પુરા અસ્તિત્વમાં થનગનાટ જાગૃત કરવા સક્ષમ હતું!
રશ્મિ જાગીરદાર.
આનંદભર્યો અંત બધાને ગમે.
સરયૂ
LikeLiked by 1 person
.
રીતાના દિલમાં ખુશી, મનમાં આશા અને ઉત્સાહ, તનમાં તરવરાટ અને પુરા અસ્તિત્વમાં થનગનાટ જાગૃત કરવા સક્ષમ હતું!
સ રસ વાર્તા મજાનો અંત
LikeLiked by 1 person
અમર અને રીતા બાળપણના દોસ્તોનું આનંદસભર મિલન.
LikeLiked by 1 person
સરયુબેન, પ્રજ્ઞાબેન, ઈંદુબેન આપ સૌને વાર્તા ગમી તેનો આનંદ છે. દિલથી આભાર.
LikeLiked by 1 person