ચાલો મારી સાથે – (9) – ઉત્કર્ષ મઝુમદાર
ઈંગ્લેન્ડમાં થિયેટર પ્રવૃત્તિ પર બંધી આવવાના અણસાર સત્તરમી સદીના બીજા દાયકાથી જ વર્તાઈ રહ્યા હતા. સન 1619માં બ્લેકફ્રાયર થિયેટરના આસપાસના રહેવાસીઓ જે મૉટે ભાગે ધનાઢ્યો હતા, સામાજિક રૂતબો અને રાજકીય રીતે પણ સંપર્કવાળા હતા તેઓને એમના વિસ્તારમાં થિયેટરનું હોવું હંમેશા કઠ્યું હતું. એમને બુલંદ અવાજે ફરિયાદો શરુ કરી કે થિયેટરને લીધે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે અને સ્થાનિક ચર્ચમાં જવા આવાવમી આડખીલી રૂપ બને છે. સત્વરે એને અહિયાંથી ખસેડો. દરેક થિયેટર કંપનીને ખ્રિસ્તીઓના ઈસ્ટર પહેલા લેન્ટ નામના એમના ધાર્મિક ઉત્સવ જે ચાલીસ દિવસ ચાલે એ દરમ્યાન પ્રયોગો કરવાની છૂટ નહતી.
ચર્ચનો દબદબો ને એની અસર, સત્તા સારી એવી રહેતી. ચર્ચ પહેલેથીજ નાટ્ય પ્રવૃતિઓની ખિલાફ હતી. સ્ત્રી નાટકમાં કામ કરે એની તો સખત વિરુદ્ધમાં જ વલણ રહ્યું હતું, એટલું જ નહિ પુરુષ કલાકારોને પણ તિરસ્કારથીજ જોવામાં આવતા. એમનું સ્થાન ચોર ઉચક્કાઓથી, રખડુઓથી સહેજ જ ઉપરનું હતું. સમગ્ર નાટય પ્રવૃત્તિ જ હલકો વ્યવસાય ગણાતી. લોકોને થિયેટર વિરુદ્ધ ભડકાવવા માટે ચર્ચનો મોટો હાથ હતો. શરૂઆતમાં તબક્કા સ્થાયી થિયેટરોના હતા. કલાકાર મંડળી ગામે ગામે ફરતી અને જ્યાં સગવડ હોય ત્યાં નાટક ભજવતી. ચર્ચ એમને નાટક ભજવતા રોકી ન શકતી પણ તે એટલું તો અવશ્ય કરે કે પ્રયોગો થઇ ગયા પછી એમણે ગામમાંથી ઉચાળા ભરવા પડે. લંડનમાં જયારે સ્થાયીરૂપથી થિયટરો બંધાવાના શરુ થયા ત્યારે અમુક વર્ગે આવકાર્યા પણ ચર્ચની અસર તળે ઘણાઓએ વિરોધ નોંધાવેલો એટલે જયારે લંડનમાં પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે લોકોને મન તો આ પાપનું પરિણામ હતું ને ચર્ચને હિસાબે થિયેટરથી મોટું પાપ બીજું કયું હોઈ શકે?. પણ નાટ્યપ્રવૃત્તિ તરફ આટલું ઉગ્ર વલણ શેને લીધે હશે ? લોકો મોટી સંખ્યામાં થિયેટરમાં જતા એટલે? કલાકારો ની વધતી લોકપ્રિયતાની અદેખાઈ આવી હશે?
થિયેટર એમને શક્તિશાળી પ્રતિસ્પર્ધી લાગ્યું હશે? વાચકને પ્રશ્ન થશે કે ચર્ચનો આટલો વિરોધ હોવા છતાં એમની પ્રવૃત્તિ કેવી રીતે ફૂલીફાલી? નાટક મંડળીનું નસીબ પાધરું એમને રાજ્યાશ્રય મળ્યો. ચર્ચ જેટલું વિરુદ્ધ હતું તેટલોજ રાજકર્તાઓ તરફથી એટલોજ આવકારો મળ્યો.
રિચાર્ડ ત્રીજો (1483-1485) પ્રથમ રાજા હતો જેણે પોતાની નાટ્યમંડળી રાખેલી, હેન્રી આઠમો (1509-1547)ને તો આ પ્રવૃત્તિ એટલી ગમતી કે એણે પોતે ગીતો લખ્યા ને એની ભજવાની પણ એ ખુદ કરતો. . એલિઝાબેથ પ્રથમ (15581603) ને તો નાટ્ય પ્રવૃત્તિ ખુબ ગમતી એ ને નાટક જોવા અતિ પસંદ. એના અને એના અનુગામી એવા જેમ્સ પ્રથમ (1603-1625)ના શાસન હેઠળ નાટ્યપ્રવૃત્તિ પૂરબહારમાં ખીલી. શેક્સપિયર,જોનસન,માર્લો,અને ફોર્ડનો આ સમયગાળો હતો. એવું લાગ્યું કે થિયેટરને હવે સ્વીકૃતિ મળી ગઈ છે. હવે એને કોઈ વાંધો નહિ આવે પણ આ વાત કેટલી છેતરામણી નીકળી.
ઇંગ્લેન્ડના પ્રોટેસ્ટન્ટધર્મી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં અમુક વર્ગ એકદમ ચોખલિયો હતો એમને ધર્મમાં એકદમ શિસ્ત ને કડકાઈ લાવવી હતી ને સમાજમાં ફેલાયેલી નાટક જેવી આછકલી પ્રવૃતિઓ,વસ્તુઓને સદંતર દૂર કરી ધર્મને વધારે રૂઢિચુસ્ત બનાવવો હતો. વહાબી પંથવાલા ઇસ્લામે જે હાલ કર્યું છે તેવું. તેમને ગ્લોબ થિયેટર કણાની માફક ખુંચતું. તેઓતો ટાંપીને બેઠા હતા કે ક્યારે લાગે મળે ને ગ્લોબ થિયેટર બંધ કરાવીએ કારણ દિવસે દિવસે ગ્લોબની લોકપ્રિયતા વધતી જતી હતી. ત્રણ ત્રણ હાજર લોકો નાટક જોવા આવતા. સૌ કોઈ આ નવા પ્રકારના મનોરંજનના કાયલ થઇ ગયા હતો. તરહ તરેહના લોકો અહીં આવવા લાગ્યા હતા. એ બધા સભ્ય સમજમાંથી જ આવતા હોય એ જરૂરી ન હતું. નાટક ઉપરાંત અહીં અન્ય મનોરંજક પ્રવૃત્તિ પણ થતી. લંડન મોટા ભાગના પ્રજાજનો ચુસ્ત પ્રોટેસ્ટન્ટ્સ હતાં તેમને લાગતું કે થિયેટરને લીધે ગુનાખોરીને વેગ મળે છે. ઉપરાંત અશ્લીલ નાટકો રજુ થાય છે, મારામારી, શરાબ સેવન ઇત્યાદિ સમાજ ને હાનિ પહોંચે એવી પ્રવૃતિઓ થાય છે એવું એમનું માનવું હતું, તેથી પાર્લિયામેન્ટમાં જોરદાર રજૂઆત કરતા રહ્યા. આને પરિણામે સપ્ટેમ્બર 1642માં આ ચોખલિયા લોકોના દબાણને વશ થઇ ઈંગ્લીશ પાર્લિયામેન્ટ વટહુકમ બહાર પાડી નાટ્ય પ્રવૃત્તિ સંપૂર્ણ પણે બંધ કરાવે છે. રાતોરાત બધા થિયેટરોને તાળાં લાગી જાય છે. બ્રિટનમાં મોટી રાજકીય ઉથલપાથલ થાય છે. રાજાશાહીના સમર્થક અને ઓલિવર ક્રોમવેલની આગેવાની હેઠળ એકઠા થયેલા પ્યોરિટન્સ વચ્ચે આંતર વિગ્રહ થાય છે. જેમાં ક્રોમવેલ તરફી પરિબળોની જીત થાય છે ને ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પ્રથમેગાડી પરથી ઉઠાડી મુકાય છે ને તેની પાર કામ ચલાવાય છે ને ઈંગ્લેન્ડમાં તત્પુરતો રાજાશાહીનો અંત આવે છે.
અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં ખેલાયેલા ગૃહ યુદ્ધો અને આ યુધ્ધમાં પાયાનો ફરક હતો.. અગાઉના યુદ્ધો રાજગાદીએ કોણ આવે એ માટેના હતા. જયારે આ યુદ્ધનો હેતુ હતો ઇંગ્લેન, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ પર કેવી રીતે શાસન ચલાવવું જોઈએ. આના ત્રણપરિણામો આવ્યા. -રાજા ચાર્લ્સ પ્રથમનો 1649 માં શિરચ્છેદ કરાયો. એના દીકરા ચાર્લ્સ બીજાને 1651માં દેશનિકાલ કરાયો ને રાજાશાહી ને બદલેપહેલા કોમનવેલ્થ ઓફ ઈંગ્લેન્ડનું શાસન 1649થી 1653 સુધી ચાલ્યું. પછી કૉમનવેલ્થ ઓફ ઇંગ્લેન્ડ વેલ્સ,સંકટલન્ડ અને આયર્લેન્ડ નું પ્રોટેક્ટરેટ નું ઓલિવર ક્રોમવેલ હેઠળ (1653-1658)નું શાસન ને એન અકાળ મૃત્યુ પછી એના દીકરા રિચર્ડનું ટૂંકું 1658-1659 માત્ર એક વર્ષ પૂરતું શાસન આવ્યું. એમાં થિયેટરની તો પથારી ફેરવાઈ ગઈ.
પછીથી ગ્લોબ થિયેટર ને થિયેટર પ્રવૃત્તિ પુનર્જીવિત થાય છે કે નહિ ને થાય છે તો કયા ફેરફાર સાથે તેના વિષે આવતા વખતે જાણીશું.
(વધુ આવતા શનિવારે)
‘ખૂબ સ રસ અભ્યાસપૂર્ણ માહિતી
રાહ ગ્લોબ થિયેટર ને થિયેટર પ્રવૃત્તિ પુનર્જીવિત થાય છે કે નહિ ને થાય છે તો કયા ફેરફાર સાથેની
LikeLiked by 1 person
કયા બાત હૈ…ઘણું નવું જાણ્યુંં,
LikeLike