“કોઈ આઘે આઘેથી વેણુ વાય છે
મને જાતી રહું, જાતી રહું થાય છે…!”
કૌમુદી મુનશી: સ્મૃતિવંદના
નંદિની ત્રિવેદી
ત્રીજી ફેબ્રુઆરી આવે એટલે અમને અંગત મિત્રોને ખબર જ હોય કે એ દિવસે આંખ-કાન-જીભ બધાંને જલસો. બુલબુલ જેવો મીઠો કંઠ ધરાવતાં સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનો એ જન્મદિન. કૌમુદીબહેનનાં શિષ્યા નેહા યાજ્ઞિક જ મોટેભાગે પાર્ટીનું આયોજન કરે અને અમે બધાં જોડાઈ જઈએ.
અમે બધાં એટલે એમનાં શિષ્યગણ સહિત જાણીતાં કલાકારો રેખા ત્રિવેદી, સુરેશ જોશી, ઉપજ્ઞા પંડ્યા અને હું સંગીતભાવક તરીકે. ક્યારેક શ્રદ્ધા શ્રીધરાણી, જાહન્વી શ્રીમાંકર, નુપૂર જોશી, સુરુચિ મોહતા, નેહા ચિમ્મલગી અને પરિજ્ઞા પંડ્યા આવી પહોંચે તો કોઈ વાર એમના ઘરે વિખ્યાત કલાકારો અશ્વિની ભીડે દેશપાંડે, શુભા જોશી કે રજત ધોળકિયાનો ભેટો પણ થઈ જાય. અમેરિકાથી ફાલ્ગુની દલાલ-શાહ શુભેચ્છાઓ મોકલે. ઉદય મઝુમદાર તો હોય જ. પછી તો ખાણી-પીણી સાથે બનારસી ઠુમરી-કજરી-ચૈતીનો વૈભવ એમના વિલેપાર્લેના ઘરમાં છલકાય. રેડિયો પર તથા જાહેર કાર્યક્રમોમાં કૌમુદીબહેનનાં ગુજરાતી ગીતો ઘણાં પ્રચલિત પરંતુ, એમનાં પર્સનલ ફેવરિટ ઉપશાસ્ત્રીય હિન્દી ગીતો, ઉત્તરપ્રદેશ-રાજસ્થાનનાં લોકગીતો, ભક્તિરચનાઓ, કબીર-સૂરદાસનાં પદો સાંભળવાનો વિશેષાધિકાર અમારા જેવાં અંગત સ્નેહીઓને અનેક વાર મળ્યો છે. રેખા ત્રિવેદી, જાહન્વી શ્રીમાંકર, ઉપજ્ઞા-પરિજ્ઞા, ફાલ્ગુની શાહ, સુરુચિ મોહતા, નેહા ચિમ્મલગી, આરોહી, રઘુવીર આ તમામ એમનાં શિષ્યોએ કલાજગતમાં સ્થાન બનાવ્યું છે. સુરુચિ મોહતાએ તો સદભાગ્યે કૌમુદીબહેનનાં અનેક પ્રાઈવેટ રેકોર્ડિંગ સાચવ્યાં છે. ગુજરાતીઓએ સાંભળી ન હોય એવી અદભુત હિન્દી, ભોજપુરી, રાજસ્થાની રચનાઓ, પદો અને ઠુમરીઓ સુરુચિ પાસે છે. 32 વર્ષ સુધી એમણે કૌમુદીબહેન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ફાલ્ગુની દલાલ શાહ જેમણે ફાલુ શાહને નામે રેકોર્ડ કરેલું સંગીત આલ્બમ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું હતું. નલિની પંડ્યા તથા અપર્ણાબહેન પણ એમનાં જૂનાં શિષ્યાઓ.
આ તો થઈ જન્મદિનની વાત. બાકી, કૌમુદીબહેનના ઘરના દરવાજા દરેક માટે ખુલ્લાં. એમના ઘરે જઈએ તો પ્લેટમાં કંઈક નાસ્તો લઈને આવે અને કહે, ચાખો, મેં બનાવ્યું છે. 91 વર્ષની ઉંમરે પણ બધી રીતે સક્રિય. આ લૉકડાઉનમાં એમને પૂછીએ કે શું કરો છો? તો કહે, કવિતા લખું છું, ગાઉં છું. એમણે લૉકડાઉન દરમ્યાન કક્કાવારી પ્રમાણે ગુજરાતી-હિન્દી (ગૈરફિલ્મી)ગીતોનું લિસ્ટ તૈયાર કર્યું હતું જેમાં ક, ખ, ગ ઈત્યાદિ અક્ષરોથી શરૂ થતાં ગીતોની નામાવલિ હતી. કૌમુદીબહેનનાં શિષ્યા જાહન્વી શ્રીમાંકરે તો એટલી હદે કહ્યું કે હાર્મોનિયમ અને ગીતોની ડાયરી એમનાં સાથી તેથી જાતને આનંદમય રાખવા પોતે એકલાં એકલાં અંતકડી રમતાં. છેલ્લો અક્ષર જે આવે એના પરથી પોતે જ બીજું ગીત ગાય! આવો નિજાનંદ કોણ લઈ શકે!
પરીખ પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ‘સ્મરણાંજલિકા’ કેસેટ/સીડી એ એમનું સૌથી મોટું પ્રદાન છે. આ આખો પ્રોજેક્ટ અને સંગીત નિયોજન કૌમુદી મુનશીએ પરિપૂર્ણ કર્યાં હતાં. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખે આ સંદર્ભે જણાવ્યું કે, “વિશ્વભરના લાખો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ કેસેટ મહામૂલું નજરાણું બની રહી છે. લગ્ન વખતે દીકરીને આપવામાં આવતાં કરિયાવરમાં આ કેસેટ તો હોય જ. એ રીતે પેઢી દર પેઢી સુધી એમનું આ પ્રદાન વૈષ્ણવો યાદ રાખશે.”
‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’ તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર સહિત અનેક એવોર્ડ્સ મેળવી ચૂકેલાં કૌમુદીબહેન સાથેની એટલી બધી સ્મૃતિઓ છે કે કેટલી વાતો લખવી એ અવઢવ છે.
છેવટ સુધી કાર્યરત રહેનાર કૌમુદી મુનશી સંગીતજગતનું એવું નામ છે જેમણે સંગીતને માત્ર પચાવ્યું જ નહીં સંગીતમગ્ન રહીને આનંદમય જીવન જીવવાની ચાવી પણ આપી. કૌમુદી મુનશી વિશે ગૌરવપૂર્વક કહી શકાય કે એ નાઈન્ટી (૯૦) પ્લસ નહીં, નાઈન્ટીન (૧૯) યર્સનાં નાઈન્ટિંગલ હતાં. જે ઉંમરે સામાન્ય રીતે માણસ હાથ હેઠા મૂકી દે એ ઉંમરે તેઓ આપણને સસ્મિત આવકારે, હાર્મોનિયમની પેટી લઈને નવી નવી રચનાઓ સંભળાવે, ઠૂમરી કેવી રીતે ગવાય એની સમજ આપે, ગાતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણ તથા અનુસ્વારની અગત્યતા કેટલી છે એ સમજાવે ને વચ્ચે વચ્ચે એમણે પોતે બનાવેલી વાનગીઓ ચખાડે તથા નિતનવી રેસિપી શેર કરે. સ્વચ્છ-સુઘડ સાડી અને નાજુક આભૂષણોનાં શોખીન કૌમુદીબહેનને ભાગ્યે જ કોઈએ હતાશ કે નિરાશ જોયાં હશે.
એમનું અમૂલ્ય ઘરેણું હાર્મોનિયમ. કૌમુદી મુનશી સાથે કેટલાંક ગીતો અનિવાર્યપણે જોડાઈ ગયાં છે, જેમ કે, તમે થોડું ઘણું સમજો તો સારું, વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે, હે કોઈ આઘે આઘેથી વેણુ વાય રે, લાખનો ચૂડલો ઘડાવી દે ઓ માણીગર, વાંકાબોલી વરણાગી વાંસળી, આ રંગ ભીના ભમરાને, મને છેડી ગયો રે નંદલાલા તથા ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો…! કૌમુદી મુનશીએ જવાહર બક્ષીની ગઝલો તારો વિયોગ, બરફનો પહાડ થઈ… વગેરે ખૂબ સરસ ગાઈ છે.
પોતાનો જીવનમંત્ર આ શેર દ્વારા જ એ વ્યક્ત કરતાં ; ઉમ્ર કા બઢના તો દસ્તૂર-એ-જહાં હૈ, મેહસૂસ ન કરો તો બુઢાપા કહાં હૈ?
એક વાર સંગીતકાર સુરેશ જોશી, રેખા ત્રિવેદી સહિત કેટલાક કલાકારો એમના ઘરે ગોષ્ઠિ કરી રહ્યા હતા ત્યારે એમણે સહજતાથી મહત્વની વાત કરી હતી. “કલાકાર માણસ તરીકે પણ સારો હોવો જોઈએ. તો એની કલાને ચાર ચાંદ લાગી જાય. કલાકારમાં અહંકાર ન હોવો જોઈએ. આંબાને ફળ આવે એમ એ ઝૂકતો જાય છે. કલાકારમાં વિનમ્રતા હોવી બહુ જરૂરી છે. ઈશ્વરે દરેકને કંઈક આપ્યું છે. તેથી એકબીજાને તોડવાનાં નહીં, માન આપવાનું.” કેસરબાઈ કેરકર જેવાં દિગ્ગજ કલાકારની વિનમ્રતાનું ઉદાહરણ આપતાં એમણે કહ્યું કે, “બનારસમાં કેસરબાઈનો કાર્યક્રમ હતો. ઓડિયન્સમાં મારાં ગુરુ સિદ્ધેશ્વરી દેવી હતાં. દર્શકોએ કેસરબાઈને ઠુમરી ગાવાની ફરમાઇશ કરી તો એમણે કહ્યું કે મારી સામે ઠુમરી ક્વીન સિદ્ધેશ્વરી દેવી બેઠાં છે, મારાથી ન ગાઈ શકાય. વિખ્યાત ગાયિકા બેગમ અખ્તરના અવસાન વખતે સિદ્ધેશ્વરી દેવીને હૈયાફાટ રૂદન કરતાં મેં જોયાં છે. રડતાં રડતાં એ બોલતાં હતાં કે અખ્તરી કે સાથ ગઝલ ગયી, ઠુમરી ગયી, દાદરા-કજરી-ચૈતી-ઝૂલા સબ કુછ ગયા..! આમ, કલાકારો એકબીજાનો ખૂબ આદર કરતા.” કૌમુદીબહેનનાં અવસાન પછી આપણે પણ આવું જ કંઈક અનુભવીએ છીએ.
કલાકારની તૈયારી વિશે એ કહેતાં કે પરફોર્મન્સ પહેલાં કલાકારે પૂરી સજ્જતા સાથે આવવાનું. રેડિયો પર ગાવાનું હોય તો સંગીતકાર અને મારા જીવનસાથી નિનુ મઝુમદાર મને કહે કે ઘરેથી પંદર વખત પ્રેક્ટિસ કરીને આવજે. કોઈપણ ગીત ગમે ત્યારે ગાઈ શકો એવી તૈયારી હોવી જોઇએ. કૌમુદીબેનના કંઠે ભક્તિ રચનાઓ સાંભળીને ગંગાજળની પવિત્રતા અને મીઠાશનો અનુભવ થતો. ઠુમરી-કજરી ગાનાર ગુજરાતી કલાકાર ભાગ્યે જ જોવા મળે!
મુસ્લિમ કવિઓનાં ગીતોનું સંશોધન કરી, સ્વરબદ્ધ કરી એમણે એક સરસ કાર્યક્રમ કર્યો હતો. તેઓ કૃષ્ણ ભક્ત રસખાન, તાજબીબીની રચનાઓ ગાતાં.
એક જમાનામાં દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરી ચૂકેલાં કૌમુદીબહેનને પ્રવાસવર્ણનો અને ફોટોગ્રાફ્સ જોવામાં બહુ રસ પડતો. બે વર્ષ પહેલાં હું યુરોપના પ્રવાસે ગઈ હતી ત્યારે વિડિયોકૉલ દ્વારા ત્યાંનાં સ્થળો જોવાં ઉત્સુક હતાં. રોમનાં ટ્રેવી ફાઉન્ટન પરથી વિડિયોકૉલ દ્વારા અમે વાતો કરી હતી. દરેક વ્યક્તિની કદર કરી જાણે.
કૌમુદીબહેનની ખાસ ઈચ્છા હતી કે બાળકો સહજતાથી ગાઈ શકે એવાં સરળ ગુજરાતી ગીતો તૈયાર કરાવીને ગુજરાતભરની શાળાઓમાં અભ્યાસક્રમના ભાગરૂપે શિખવાડાય તો બાળકો આજે માત્ર અંગ્રેજી જોડકણાં ગાય છે એને બદલે માતૃભાષા ગુજરાતીમાં ગીતો ગાતાં થાય. ગુજરાતી સંગીતમાં રસ લે. ફક્ત શિક્ષકો એ અભ્યાસક્રમ તૈયાર ન કરે. વિદ્વાનો અને સંગીતજ્ઞોનું સંગઠન ઊભું કરી બાળકોને રસ પડે એવું માળખું તેઓ તૈયાર કરે. બધી સ્કૂલમાં એક સરખો કોર્સ હોવો જોઈએ. ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચવી જોઈએ. એ દિશામાં નક્કર કંઈક થાય તો આપણી સમૃદ્ધ ભાષા છેવાડાના માણસ સુધી પહોંચે. કૌમુદીબહેન એમની શિષ્યાઓને હંમેશાં કહેતાં કે મારી પાસે જે ખજાનો છે એ વહેંચજો. આ જવાબદારી હવે આપણી છે.
ગુજરાતી સુગમ સંગીતનાં માતામહ કૌમુદી મુનશીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે પણ એ તો ચોર્યાસી રંગના સાથિયા(લખ ચોરાસીના ફેરા)ની વાત કરતાં, આઘે આઘેથી કૃષ્ણ કનૈયાની વાંસળી સાંભળીને વૃંદાવન વાટે નિકળી પડ્યાં છે. પુનર્જન્મે એમને કલાકાર કૌમુદી મુનશી તરીકે જ જન્મ લેવાની ઈચ્છા હતી. આમેય કલાકારને સાધના પૂરી કરવા ત્રણ જન્મ મળે એમ કહેવાય છે. વૃંદાવન વાટે કે બનારસના ગંગાઘાટે ક્યારેક મીઠો અવાજ સાંભળવા મળે તો એ કદાચ પુનર્જન્મ પામેલાં કૌમુદી મુનશી હોઈ શકે! ચાહકોના હ્રદયમાં તમે અમર રહેશો, કૌમુદીબહેન!
Attachments area

(“હૈયાને દરબાર” – “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
કલાકાર તરીકે અને સ્નેહાળ નિરહંકારી વ્યકિત તરીકે કૌમુદીબેન હંમેશા યાદ રહેશે.
LikeLiked by 2 people
ફરી ફરી રચનાઓ માણી.
કૌમુદીબહેન! અમારા હ્રદયમાં તમે અમર રહેશો,
LikeLiked by 2 people
કૌમુદી મુનશી એ એક એવું વ્યક્તિત્વ કે તેમની હલક અને કંઠની મીઠાશ કયારે પણ ભૂલી ન શકાય.
LikeLiked by 1 person