એક વૃક્ષનો વીમો
લોગ ઇનઃ
આજે ગઈ’તી હું એલઆઈસીની ઑફિસમાં,
ઇન્સ્યોરન્સ લેવા, મારા પ્રિય ઝાડનું!
દેખાય આશ્ચર્ય ઓફિસરની આંખ મહી…
પૂછેઃ ‘ઇન્સ્યોરન્સ? એક ઝાડનું?’
પણ, એ માત્ર વૃક્ષ નથી,
વૃક્ષ રૂપે અવતરેલ ઋષી છે.
સ્વજન છે મારું…
એનો વીમો તો ઉતરાવાયને?
ચક્રવાત, વરસાદમાં એને કાંઈ થઈ જાય તો?
ઓફિસર પૂછે વીમાની કીમત…
કરો સરવાળોઃ
રોજ સવારે એનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા સૂર્યનાં કિરણો દ્વારા મારા આંગણામાં પુરાતી રગોળી…
એ મસ્ત ઠંડક આપનારો છાંયડો…
પક્ષીઓનો કલરવ,
ખિસકોલીઓનો દોડાદોડ અને ઉછળકૂદ
વાંદરાઓનું તોફાન,
નવી ઊગતી કૂંપળનું વિસ્મય,
અને એક સ્વજનની હૂંફ!
ઓફિસર નિઃશબ્દ!
– વીરલ જોશી
વીમા જેવા વિષય પર ઓછી કવિતા લખાઈ છે. આપણે ત્યાં કાર, સ્કૂટર, ઘર જેવાં સાધનોનો વીમો સહજતાથી લેવાય છે. માણસના જીવન વીમા ને મેડિકલ વીમા ને એવા બધા તો અનેક વીમાઓ છે, પણ અહીં કવયિત્રી વીરલ જોશી વૃક્ષનો વીમો લેવાની વાત કરે છે. વૃક્ષનો વીમો લેવાની વાત સંવેદનશીલ છે. આવો વિચાર કોઈ કવિહૃદયને જ આવી શકે. લાભશંકર ઠાકરે ‘વૃક્ષ’ નામનું એક એકાંકી લખેલું. તેમાં એક માણસ અચાનક વૃક્ષ થઈ જાય છે. તેના શરીર પર કૂંપળો ફૂટવા લાગે છે. ઘરના બધા જ લોકો ચિંતા કરવા લાગે છે, દુઃખી દુઃખી થઈ જાય છે. આ ઘટના સમાચાર જગતમાં વાયુવેગે પ્રસરે છે. બધા જોવા આવે છે અને તેમાંથી ઘરનાને કમાણી થવા લાગે છે. શરૂઆતમાં આવી ઘટનાથી બધા દુઃખી થઈ ગયા હતા, હવે એ જ ઘટનાને કેશ કરી રહ્યા છે. આખરે એટલા બધા પૈસા આવી જાય છે કે ઘર મોટું કરવામાં તેમને આ જ વૃક્ષ નડે છે અને કાપવાની નોબત આવે છે. કવિને અને વૃક્ષને સીધો સંબંધ છે. કવિ વૃક્ષનું પ્રતિક લઈને અનેક સંદર્ભોની વાત કરતો હોય છે. વૃક્ષ એ સંવેદનાનું હાથવગું અને જીવંત પ્રતીક છે.
વીમો લેનાર માણસો જાણતા હશે કે વીમા એજન્ટો કઈ રીતે વાત કરતા હોય છે. તેમની વાતો રસપ્રદ હોય છે. એ આપણને એમ પૂછે કે ક્યારે વીમો લેવો છે, જાણે એમ પૂછતા હોય કે ક્યારે મરવાનું છે! પછી આગળ ઉમેરે કે તમારી વાઇફનો પણ વીમો સાથે સાથે લઈ જ લોને. એક સાથે બે રિસ્ક કવર થઈ જશે. તમે મરશો તો તમારી પત્નીને ફાયદો થશે ને પત્ની મરશે તો તમને! અને બંને મરશો તો બાળકોને! આ બધું એ એટલી સહજતાથી બોલતો હોય કે જાણે એક કપડું ફાટે તો બીજાને થીંગડું થશે ને બીજું ફાટે તો પહેલાને! આજકાલ અનેક જાતના અને અનેક ભાતના વીમાઓ અપાય છે. એ જોતા લાગે છે કે અમુક કવિસંમેલનમાં જતાં પહેલાં શ્રોતાઓએ વીમો ઉતરાવી લેવો જોઈએ.
અહીં કવયિત્રીના સ્વજન સમા વૃક્ષના વીમાની વાત છે. તે ઓફિસરને જઈને કહે છે કે મારે મારા પ્રિય ઝાડનું ઇન્સ્યોરન્સ લેવું છે. સ્વાભાવિક છે કે ઝાડના ઇસ્યોરન્સથી વીમા ઓફિસરને આશ્ચર્ય થાય જ. પ્રશ્ન પણ થાય કે વૃક્ષનું ઇન્સ્યોરન્સ? તેણે તો કાયમ બીજા પ્રકારના જ ઇન્સ્યોરન્સ ઉતાર્યા હોય. પણ વીરલ જોશી જણાવે છે કે તે વૃક્ષ, વૃક્ષ નથી, મારું સ્વજન છે. વરસાદ, ચક્રવાતમાં તેને કંઈ થઈ જાય તેની મને ચિંતા છે. એટલે સ્વજનનો વીમો તો ઉતારવો જ પડે ને?. ઓફિસર બાપડો પોતાની ડ્યૂટીમાં આવતું હોય તેમ પછી પૂછે બેસે કે ઠીક છે તો પછી વીમાની કીમત શું નક્કી કરવી? તેના આવા સવાલ સામે કવયિત્રી કીમત રજૂ કરે છે. પાંદડામાંથી ચળાઈનો આવતાં સૂર્યકિરણો, તેના દ્વારા પુરાતી રંગોળી, છાંયડો, પંખીઓનો કલરવ, ખિસકોલીઓની દોડાદોડ, વાંદરાની ઉછળકૂદ, કૂંપળનું વિસ્મય અને એક સ્વજનની હૂંફ!
આ બધું સાંભળ્યા પછી ઓફિસર નિઃશબ્દ થઈ જાય છે. આ બધાની કીમત તો ક્યાંથી આંકી શકાય? એક વૃક્ષ પાસેથી માણસને કેટકેટલું મળતું હોય છે. અત્યારનો સમય જ એવો છો કે પહેલાં નવાં બિલ્ડિંગો બનાવવા માટે બધાં જ વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને પછી વૃક્ષારોપણનાં અભિયાનો ચલાવવામાં આવે છે! આવા સમયમાં વૃક્ષમાં પોતાના સ્વજનને જોતી વ્યક્તિને તેનો વીમો ઉતારવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે. વીરલ જોશી વિદ્યાર્થિની છે, પણ તેમની કવિતામાં પક્વતા છે. તેમની કવિતાની ડાળ પર માંડ થોડીક કૂંપળો ફૂટી હશે, પણ તેમાં રહેલી સંવેદના તેમનું જમાપાસું છે. વૃક્ષનો વીમો ઉતારવાનો વિચાર કવિને જ આવી શકે.
લોગ આઉટઃ
ઘર સળગે તો વીમો લેવાય,
સપનાં સળગે તો શું કરવું?
– ગણપત ચાવડા
મનનીય કલ્પન ને વૃક્ષ દેવતાની પ્રસાદી મર્મ સચોટ રીતે વણીલીધું…અભિનંદન
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>
LikeLiked by 1 person
tree insurance. it’s available in usa. my relatives take 25 trees insurance on his back yard. but premiun is cosliy. during hurrican it’s cover each tree demolition by naturaly effect , insurance company pay each tree $500.00 all trees. are grape’s tree
LikeLike