સંબંધોની સવિશેષ સુગંધ…દેવિકા રાહુલ ધ્રુવ
http://વિશિષ્ટપૂર્તિ. સવિશેષ…દેવિકા ધ્રુવ. પઢોરે…રાજુલ કૌશિક
વાતમાંથી વાત નીકળી ને અનાયાસે જ એક વર્ષો જૂની સુખદ યાદ બહાર આવી.
૫૦ વર્ષ પહેલાંની એ વાત. લગભગ ૧૯૬૭-૬૮નું વર્ષ હતું. સવારની કોલેજ પછીના સમયમાં બે ચાર કલાક હું કંઈક ને કંઈક પાર્ટ ટાઈમ જોબ કરતી. એ રીતે ૬એક મહિના જેટલો સમય મને એક સામયિકમાં, ફાઈલીંગ, અનુવાદ વગેરે કરવાનું કામ મળેલ. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવામાં ઘણીવાર તકલીફો પડતી. તે સમયે એક પિતાતુલ્ય વ્યક્તિ, જેમનો ચહેરો થોડો ફિલ્મી કલાકાર અશોકકુમારને મળતો આવતો હતો તેમ મને હંમેશા લાગતું. તેઓ મને ખુબ શાંતિથી અને સરસ રીતે માર્ગદર્શન આપતા. મારી નાની વયે નોકરી કરવાની પરિસ્થિતિ અંગે તેમને અપાર અનુકંપા હતી એ મને સતત અનુભવાતુ. મારા મનને પણ સારું લાગતુ. તેમની પાસેથી ઘણું ઘણું શીખવાનું મળતું. ૬-૭ મહિના જેટલો સમય એ રીતે કામ કર્યા પછી તો પરીક્ષાને કારણે અને ફુલ ટાઈમ વધુ સારી જોબ મળવાને કારણે પણ મેં એ કામ છોડી દીધું.
વર્ષો વીતતા ગયાં. મારા લગ્ન થયા, સંસાર શરૂ થયો, નસીબના પાંદડા ફરતા ગયા.૧૯૮૦માં હું અમેરિકા આવી. પિતાતુલ્ય એ વડિલની યાદો પર સમયના થરો ચઢ્યા. સમય અને સંજોગોની સાનુકૂળતા થતાં ધીમી પડેલી મારી કલમ સળવળીને વેગીલી બની. એમ કરતા કરતા ૨૦૦૮માં મારું પ્રથમ પુસ્તક પ્રકાશિત થતા એ અરસામાં ભારતની મુલાકાત લેવાનું બન્યું.
જોગાનુજોગ, કોઈકના કહેવાથી એક અજાણ્યા લેખિકા બહેનને મળવાનું થયું. શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ. વાતો પણ સાહિત્યિક અને મનને ગમે તેવી. મળવાનું ગમ્યું. પહેલી અને એ એક મુલાકાત…. કેવી અજબ રીતે, વર્ષો પહેલા સાંપડેલ વડિલનું સ્નેહઝરણ, નવા નકોર મૈત્રીના સરોવર સુધી ખેંચી ગયું!
ખૂબ મઝાની વાત છે આ. તે બહેન સાથે એકમેકના સાહિત્યિક પરિચય અને થોડીઘણી સામાન્ય વાતચીતને અંતે છૂટા પડતી વખતે અમારી વચ્ચે કંઈક આવો વાર્તાલાપ થયો.
“ચાલો, હું હવે રજા લઉં.”
“હા, મારે પણ પપ્પાને મળવા નીકળવું જ છે. પણ ફરી ચોક્કસ મળીશું હોં” તેમણે કહ્યું.
‘હું રીક્ષામાં જાઉં છું. એ જ રસ્તો હોય તો તમને ઉતારી દઉં.” મેં કહ્યું.
સદભાગ્યે જાણે ભવિષ્યની આગાહી આપતો હોય તેમ અમારો રસ્તો એક જ નીકળ્યો. પછી તો રીક્ષામાં અમે બીજી થોડી વાતો કરી ન કરી ત્યાં તો તેમનું ઘર આવી ગયું. કોણજાણે કેમ કયા નાતે, ખબર નથી પણ મેં તેમને તેમના પપ્પાનું નામ પૂછ્યું અને જવાબ સાંભળતાની સાથે પળવારમાં તો હું પેલા ૧૯૬૭-૬૮ના વર્ષમાં ઉંચકાઈને ફેંકાઈ. એટલું જ નહિ, પૂછવાને બદલે, કોઈક જાગી ઉઠેલા હકપૂર્વક ‘હું તમારે ઘેર તમારી સાથે જ અંદર પણ આવું છું’ કહીને રીક્ષામાંથી ઉતરી તેમની સાથે જ ચાલવા પણ માંડ્યું. બહુમાળી ફ્લેટના દરવાજે પહોંચતા, બારણું ખોલતા જ, ‘રોકીંગચેર’માં બેઠેલ તેમના પપ્પા સાથે મારી નજર મળી. મારા અસીમ આશ્ચર્ય વચ્ચે, પચાસેક વર્ષ જૂના પોપડા એક પળમાં ખરી પડ્યા અને એ પિતાતુલ્ય વડિલે મારા તરફ ઝીણી આંખે, વિસ્મયપૂર્વક જોઈ ‘દેવી, તું ?” કહી દીકરીની જેમ ખૂબ વાત્સલ્યપૂર્વક આવકારી. મારા તો રૂંવાડા ખડા થઈ ગયા. કેવી અદભૂત અને વિરલ ઘટના હતી એ? અજીબ દાસ્તાન… ક્યારે શરૂ થઈ અને કેવો વળાંક લઈ રહી હતી!
મન પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. વિચારપંખી જૂની સ્મરણ-ડાળ પર ફરી એકવાર ઝૂમવા લાગ્યું.
બસ, ત્યારથી શશીકાંત નાણાવટી, મારી અને તેમની દીકરી, રાજુલ કૌશિકની મૈત્રીનો એક સેતુ બની ગયા.
એક અમેરિકન કવિએ સાચું જ કહ્યું છે કે, “The extent and duration of time do not matter much. The worth can be felt even in a very short moment.” અમે માત્ર બે જ વાર અલપઝલપ જ મળ્યા છીએ પણ લાગે તો એવું કે વર્ષોથી જાણે રોજ મળીએ છીએ.
આજે આ આખી યે વાત સરયૂબેનની સાહિત્યિક મૈત્રી થકી ફરી એકવાર રણઝણી ગઈ. તે પણ યોગાનુયોગ કે ઋણાનુબંધ? સંબંધોની સવિશેષ સુગંધ તે આનું જ નામ ને?
દેવિકા રાહુલ ધ્રુવ Devika Dhruva. http://devikadhruva.wordpress.com
————–
પઢો રે ગુગલ રાજા રામના…વાર્તા. લે.રાજુલ કૌશિક
હેલ્લો મમ્મી, એક ગુડ ન્યુઝ છે. યુ આર ગોઇંગ ટુ બી અ ગ્રાન્ડ મધર. હવે તો મમ્મી તારે અમેરિકા આવવુ જ પડશે. અત્યંત ઉમળકાભેર એની મમ્મીને સારા સમાચાર આપ્યા અને એટલા જ ઉમળકાભેર મમ્મીએ અમેરિકા આવવાની સંમતિ પણ આપી દીધી. અને આપે જ ને વળી ! દિકરીના ત્યાં દિકરીનો જન્મ થવાનો હતો. જાણે નિયતીનુ ફરી એક વાર શૈશવ ઘરમાં રમતું થવાનુ હતુ પણ એ પોતાના આંગણમાં નહી પરદેશમાં …કારણ ! બેબીનો જન્મ અમેરિકામાં થાય તો એ જન્મતાની સાથે જ અમેરિકન સિટિઝન બની જાય ને ? નહીં તો ખરેખર તો નિયતીએ અહીં પોતાની પાસે જ ડિલિવરી માટે આવવાનુ હોય ને?
નિયતીમાં જેટલો સમય પોતે આપી શકી નહોતી એ બધો સમય વ્યાજ સાથે કાહિની સાથે એ વ્યતિત કરશે એવુ મનોમન સ્વપ્ન પણ જોઇ લીધું. જૂનમાં બેબી શાવર પહેલા જ અલકા અમેરિકા પહોંચી ગઈ. રંગે ચંગે બેબી શાવરનો પ્રસંગ આટોપાઇ ગયો.
ઓગસ્ટના નિર્ધારિત દિવસે અને સમયે કાહિનીની સવારી પણ આવી ગઈ. અમેરિકા જો હતુ . અહીં તો બધુ જ સમયસર કામ થાય. વળી પાછા લાડ, પ્યાર દુલાર-ખાના-ખિલાનાનો સિલસિલો ચાલ્યો તે છેક અલકાના પાછા આવવાના દિવસ સુધી.
પણ હવે શું? અલકાને થોડી ચિંતા થવા માંડી. બે કારણે –એક તો એને પોતે કાહિની સાથે જે મમતાથી જોડાઇ ગઈ હતી તો એને મુકીને જવાનુ એટલુ તો વસમુ લાગતુ હતુ કે જાણે નિયતી પરણીને પહેલી વાર અમેરિકા આવી ને લાગ્યુ હતું અને બીજુ આટલી નાની સાવ ત્રણ મહિનાની દિકરીને લઈને નિયતી કેવી રીતે પહોંચી વળશે? પણ સમીરે અલકાને વિશ્વાસ અપાવ્યો,
“મમ્મી તમે જરાય ચિંતા ના કરતા. હું છું ને? નિયતીને બધી જ મદદ કરીશ. (છુટકો છે ભાઇ, અમેરિકામાં રહીને તો એ સિવાય ક્યાં ચાલવાનુ છે?) અને મમ્મી અમને તો બધી જ માહિતી ગુગલ પર મળી જાય છે. કંઇ પણ નાની અમસ્તી મુંઝવણ હોય તો એનો રસ્તો પણ ગુગલ સર્ચમાં મળી જશે.” (ખરી જ વાત છે ને? ગુગલે તો જે ફ્રેન્ડ -ફિલોસોફર-ગાઇડ અને ગોડ ફાધરનો રોલ ભજવવા માંડ્યો છે તે?)…અને અલકાને નિરાંત થઈ ગઈ. બંને જણ ટેક્નૉસાવી જો હતા તે! હવે કોઇ ચિંતા જ ક્યાં રહી? અલકા હાથમાં બિસ્તરા -પોટલા અને મનમાં નિશ્ચિંતતા લઈને ઇન્ડીયા પરત થઈ.
માગ્યા માર્ગદર્શન ગુગલ પર મળી જતા હતા. કાહિનીને કેવી રીતે સુવાડવી , કેવી રીતે નવડાવવી- ક્યારે કેટલી વાર ખવડાવવુ..ટપાટપ ગુગલ પર નાખોને લો હાજર છે તમામ હથિયાર. મોર્ડન મમ્મી પપ્પા હતા ને ? બધો ઉછેર અમેરિકન સ્ટાઇલથી જ કરવો હતો.
આમાં એક વાતની ખબર હતી કે અમેરિકામાં અમેરિકનો અને ડૉક્ટરો પણ બેબીને પહેલેથી જ એકલા ઊંઘાડવાની ટેવ પાડવાના હિમાયતી છે. પણ કેવી રીતે ? એકાદ વાર મંથલી ચેક અપ વખતે ડૉક્ટર સાથે અછડતી વાત થઈ હતી અને હવે એને અમલમાં મુકવાનુ હતુ પણ કેવી રીતે? ચાલો નાખો ગુગલ પર..
ગુગલ મહારાજની સલાહ લઇએ. ગુગલે સલાહ આપી. બેબીને એના રૂમમાં એકલુ મુકી દેવાનુ . જો કે શરૂમાં રડશે પણ ખરુ. એકાદ કલાક સુધી્માં શાંત થઈ જવુ જોઇએ. એમ કરતા ધીમે ધીમે ટેવ પડશે.
ચાલો શુભસ્ય શિઘ્રમ! સારા કામમાં વળી ઢીલ શેની? કલ કરે સો આજ ,આજ કરે સો અબ..રાત્રે કાહિનીની ક્રીબ એના અલગ રૂમમાં મુકી દેવામાં આવી અને કાહિનીને એકલી એની ક્રિબમાં. બારણું બંધ કરીને માસ્ટર બેડ રૂમમાં બેસી ગયા સમીર અને નિયતી. દસ મિનિટ ,વીસ મિનિટ ત્રીસ મિનિટ … કાહિનીનુ રડવાનુ તો બંધ થવાનુ નામજ નહોતુ લેતુ. કાહિનીના રડવાનો અવાજ સતત આવતો હતો….
“બટ, ઇટ્સ ઓકે. કાહિનીની જોડે આપણે પણ ટેવાવુ તો પડશે જ ને?” કલાક થવા આવ્યો પણ આ તો રડવાનું ચાલુ જ હતુ… “હવે સમીર?” નિયતીએ આઇ.ટી પ્રોફેશનલ પતિદેવ સામે નજર માંડી.
“વેઇટ, લેટ મી ચેક ઓન ગુગલ.” સમીરે એની વાજા પેટી ખોલી. અલકા એને હંમેશા વાજા પેટી કહેતી…અને બીજી જ મિનિટે બેઉ સફાળા દોડ્યા કાહિનીની રૂમ તરફ…
કારણ? ગુગલ મહારાજની સલાહ પ્રમાણે આવી ટેવ પાડવા માટેનો યોગ્ય સમય હતો બાળક જ્યારે આઠ મહિનાનુ થાય ત્યારે… અને અત્યારે કાહિનીને થયા હતા મહિના પુરા ચાર.
જય હો ગુગલ દેવકી !!!!!!!
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
દેવિકાબેન,
નિયતીએ નિર્ધાર્યુ હોય તો એ મેળાપ માટેનો રસ્તો પણ એ જ કંડારી આપે.
પપ્પા સાથેના તમારા સ્મરણો તાજા કરવાનો અને આપણી મૈત્રી માટેનો યોગ પણ એણે જ નિશ્ચિત કર્યો હશે એટલે આપણા રસ્તો એક નીકળ્યો.
આજે પણ એ ક્ષણ યાદ આવે છે અને મનના તાર રણઝણી ઊઠે છે.
અમે માત્ર બે જ વાર અલપઝલપ જ મળ્યા છીએ પણ લાગે તો એવું કે વર્ષોથી જાણે રોજ મળીએ છીએ.
આજે આ આખી યે વાત સરયૂબેનની સાહિત્યિક મૈત્રી થકી ફરી એકવાર રણઝણી ગઈ. તે પણ યોગાનુયોગ કે ઋણાનુબંધ? સંબંધોની સવિશેષ સુગંધ તે આનું જ નામ ને?
LikeLiked by 1 person
દેવિકાબેન,
નિયતીએ નિર્ધાર્યુ હોય તો એ મેળાપ માટેનો રસ્તો પણ એ જ કંડારી આપે.
પપ્પા સાથેના તમારા સ્મરણો તાજા કરવાનો અને આપણી મૈત્રી માટેનો યોગ પણ એણે જ નિશ્ચિત કર્યો હશે એટલે આપણા રસ્તો એક નીકળ્યો.
આજે પણ એ ક્ષણ યાદ આવે છે અને મનના તાર રણઝણી ઊઠે છે.
LikeLiked by 1 person
હા, આ ૠણાનુબંધની વાતો જ ન્યારી છે. પ્રત્યેક માનવીના જીવનમાં એના જન્મની સાથે લખાઈને આવતી હોય છે. એ જ સંબંધોના સમીકરણો માંડે છે અને દાખલાઓ ઘડે છે. આવી વધુ વાતો વાંચવી ગમે, સાંભળવી પણ ગમે અને એ થકી સારા સંબંધોની મહેંક ફેલાવવી પણ ગમે જ.
સાચું જ કહ્યું છે ને કે,
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે !
સરયૂબહેન, ૠણાનુબંધની નાની નાની વધુ વાતો આ રીતે મૂકતા રહો.
દેવિકા રાહુલ ધ્રુવ
LikeLiked by 2 people
યોગાનુયોગ કે ઋણાનુબંધ..
રાજુલબહેનના પપ્પા સાથે ૬૭ ના દાય્સ્કામાં કામ કર્યું ત્યારે દેવિકા બહેનને ક્યાં ખબર હતી કે એક દિવસ અનાયાસે મુલાકાત રાજુલબહેનના પપ્પા સાથે થશે અને મૈત્રીને મજબૂતીની મહોર લાગી જશે?
LikeLiked by 1 person
રાજુલબહેન,
ગુગલ મહારાજની જય હો, પણ ગુગલ તમને આડે રસ્તે પણ લઈ જાય જો તમે યોગ્ય તકેદારી ના રાખો તો એ આધુનિક લોકોએ સમજવા જેવું છે.
LikeLiked by 1 person
તમારા પ્રતિભાવોથી આનંદ સાથ આભાર. દેવિકા ફોન પર મને આ મેળાપનો પ્રસંગ કહેતા હતા તે વખતે જ દાવડાના આંગણામાં પ્રગટ કરવાના વિચાર સાથે લખી મોકલવા મેં આગ્રહ કર્યો. રાજુલ માટે આ surprise હતું. શૈલ્લાના ચહેરાનું મજાનું હાસ્ય જાણે આ વાંચીને આવ્યું! સરયૂ.
LikeLiked by 1 person
સરયૂબેનની સાહિત્યિક મૈત્રી થકી ફરી એકવાર રણઝણી ગઈ.
તે પણ યોગાનુયોગ કે ઋણાનુબંધ?
સંબંધોની સવિશેષ સુગંધ તે આનું જ નામ ને?
ખૂબ સુંદર વાતો
સરયૂબહેન, ૠણાનુબંધની આવી મધુર વાતો પ્રગટ કરતા રહો
LikeLiked by 1 person