“બુઢ્ઢો” – અર્નેસ્ટ હેમિંગ્વે – અનુવાદઃ ઉષા શેઠ
“મારો વૃદ્ધ માણસ” અથવા “”બુઢ્ઢો” – ટૂંકી વાર્તા
[પરિચયઃ અર્નેસ્ટ મીલર હેમિંગ્વે (૧૮૯૯ – ૧૯૬૧) એક પ્રસિદ્ધ અમેરિકન લેખક હતા. એમણે સર્જેલા સર્જનોની પ્રગાઢ અસર, વિશ્વના ૨૦મી સદીના સાહિત્ય પર વર્તાય છે. એમણે થોડાંક વર્ષો સુધી પત્રકારત્વ કર્યું અને પછી નવલકથા અને વાર્તાઓ લખવા તરફ વળ્યા. એમની પહેલી નવલકથા “ધ સન ઓલસો રાઈઝિસ” ને મિશ્ર વિવેચકોના અને વાચકોના અભિપ્રાય સાંપડ્યા હતાં પણ હવે એની ગણના Iconic – પ્રતિતાત્મક આધુનિક સાહિત્યના સર્જનમાં ગણાય છે. એના પછી એમણે અનેક વિશ્વ સાહિત્યને માતબર અને સમૃદ્ધ કરતી કૃતિઓ સર્જી. એમની નવલકથા “ધ ઓલ્ડમેન એન્ડ સી” ને વીસમી સદીની એક ક્લાસિક કથા ગણવામાં આવે છે અને એને ૧૯૫૩નું પુલિટ્ઝર એવોર્ડ મળ્યો હતો. હેમિંગ્વેએ “ડેથ ઈન ધ આફ્ટરનુન” અને “મુવેબલ ફિસ્ટ” જેવા Non-Fiction -કથા-વાર્તા સિવાયનું સાહિત્ય પણ સર્જ્યું છે. એમની રચેલી ટૂંકી વાર્તા, “કિલર્સ અને હીલ્સ” અને “વ્હાઈટ એલિફન્ટ”આજે પણ એતલાં જ લોકપ્રિય છે. હેમિંગ્વેને ૧૯૫૪માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. એમના છેલ્લાં વર્ષોમાં Depression –માનસિક તણાવ અને એને કારણે આવતી ઉદાસીનતાને કારણે ૧૯૬૧માં એમણે આપઘાત કર્યો. ”માય ઓલ્ડ મેન” વાર્તા ૧૯૨૨માં લખાઈ હતી. આ જ ટૂંકી વાર્તા પરથી ૧૯૫૦ માં “અન્ડર માય સ્કીન” નામની હોલીવુડની ફિલ્મ બની હતી. ૧૯૭૯ માં આ જ વાર્તા પરથી ટેલિવિઝન ફિલ્મ “માય ઓલ્ડ મેન” બની હતી. ચાલો, આજે આ બહુ-ચર્ચિત ટૂંકી વાર્તા માણીએ.]
લોખંડની દાંડીના ચશ્માં પહેરેલો ધૂળિયાં કપડાંવાળો એક બુઢ્ઢો રસ્તાની બાજુએ બેઠો હતો. નદી ઉપર તરાપાઓનો પુલ બનાવ્યો હતો અને એના પર થઈને ગાડાં, ટ્રક, સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો નદી ઓળંગીને જઈ રહ્યાં હતાં. ખચ્ચર જોડેલાં ગાડાં કાંઠાના ચઢાણ આગળ અટકી પડતાં હતાં. એના પૈડાંના આરા ઝાલીને ઉપર ચઢાવવામાં સૈનિકો મદદ કરતા હતા. એ બધાંમાંથી રસ્તો કાઢીને ટ્રક આગળ વધતી હતી અને ખેડૂતો ઘૂંટી જેટલા ધૂળના થરમાં માંડમાંડ પગલાં ભરતાં આગળ વધતા હતા. પણ એ બુઢ્ઢો તો હાલ્યાચાલ્યા વિના રસ્તાની બાજુએ એમનો એમ બેસી રહ્યો હતો. એ એટલો તો થાકી ગયો હતો કે એનાથી એક ડગલું પણ ભરી શકાય એમ નહોતું.
પુલ ઓળંગીને એના આગળના છેડાની સંરક્ષણની વ્યવસ્થા કેવી છે અને દુશ્મનો કેટલે સુધી આગળ વધ્યા છે તે તપાસવાની કામગીરી મારે ભાગે આવી હતી. એ કામગીરી બજાવીને પુલ ઓળંગીને હું પાછો આવ્યો. હવે એટલાં બધાં ગાડાં દેખાતાં નહોતાં. ને પગપાળા જતાં માણસો પણ જૂજ જ રહ્યાં હતાં. પણ પેલો બુઢ્ઢો તો હજી ત્યાં એમનો એમ જ બેસી રહ્યો હતો.
“ક્યાંથી આવો છો, દાદા?” મેં એને પૂછ્યું.
“સાન કાર્લોસથી.” એણે જવાબ વાળ્યો ને એ હસ્યો.
સાન કાર્લોસ એનું વતન હતું, આથી એનું નામ દેતાં એને ખુશી થતી હતી. તેથી એના મોઢા પર સ્મિત ફરકી ગયું.
“હું પ્રાણીઓની દેખભાળ કરતો હતો.” એણે ખુલાસો કર્યો.
“ઓહ !” મેં કહ્યું. મને એની વાત બરાબર સમજાઈ નહોતી.
“હા“ એણે કહ્યું, “હું સાન કાર્લોસ છોડનાર છેલ્લો હતો.
એ ગોવાળ કે ભરવાડ જેવો તો લાગતો નહોતો. મેં એનાં કાળાં ધૂળિયાં કપડાં ને એના ભૂખરા ધૂળિયા ચહેરા તથા લોખંડની દાંડીવાળા ચશ્માં તરફ જોયું ને કહ્યું,
“પ્રાણીઓમાં શું શું હતું?”
“જાતજાતનાં પ્રાણી હતાં.” એણે કહ્યું, ને પછી માથું ધુણાવીને બોલ્યો, “મારે એમને મૂકીને આવવું પડ્યું.
હું પુલ તરફ નજર કરીને આફ્રિકાના જેવા લાગતા એબ્રાના ત્રિકોણિયા પ્રદેશને જોઈ રહ્યો હતો. હવે દુશ્મનોને અહીં આવી પહોંચતાં કેટલી વાર લાગશે તેની મનમાં અટકળ કરતો હતો અને આ દરમિયાન બધો વખત કાન માંડીને દુશ્મનો સાથે સંપર્ક સાધી આપતા એ ભેદભર્યા પ્રથમ સૂચક અવાજને સાંભળવા તત્પર થઈને બેઠો હતો. બુઢ્ઢો ત્યાં નો ત્યાં, એમને એમ જ બેસી રહ્યો હતો.
“પ્રાણીઓમાં શું શું હતું?” મેં પૂછ્યું.
“બધું મળીને ત્રણ પ્રાણી હતાં.” એણે ખુલાસો કર્યો. “બે બકરીઓ હતી ને એક બિલાડી હતી. પારેવાંની ચાર જોડી હતી.”
“તમારે એમને છોડીને આવવું પડ્યું?” મેં જિજ્ઞાસાથી પૂછ્યું.
“હા, તોપમારાને લીધે સ્તો! તોપમારો થવાનો છે માટે કેપ્ટને મને ચાલ્યા જવાનું કહ્યું.”
“તે તમારે કોઈ સગું વહાલું નથી?” પુલને છેડે છેલ્લાં પસાર થઈ રહેલાં ગાડાં પુલ ઓળંગીને ઉતાવળે કાંઠાનો ચઢાવ ચઢી રહ્યાં હતાં. તેના તરફ નજર નાખતાં મેં પુછ્યું.
“ના. આ મેં ગણાવ્યાં તે પ્રાણી અને હું. બિલાડીને તો જાણે વાંધો નહીં આવે. એ તો પોતાની કાળજી લઈ શકે છે. પણ બીજાંઓનું શું થશે તેનો ખ્યાલ પણ હું કરી શકતો નથી.”
“તમે કોને પડખે છો?”
“હું તો કોઈનીયે પડખે નથી મને છોંતેર થયાં છે ને હું બાર કિલોમિટર ચાલીને આવ્યો છું. ને હવે આગળ જવાય એવું લાગતું નથી.
“વિસામો ખાવાને માટે આ સારું સ્થળ નથી.” મેં કહ્યું. “જો થોડું ચાલી નાંખો તો આગળ, તોર્તેસાનો રસ્તો ફંટાય છે. ત્યાં ટ્રક મળશે.”
“હું થોડી વાર થાક ખાઈશ.” એણે કહ્યું, “અને પછી જઈશ. એ ટ્રક કઈ તરફ જવાની છે?”
“બાર્સિલોના તરફ.” મેં કહ્યું.
“એ ભણીના તો કોઈનેય હું ઓળખતો નથી.” એને કહ્યું, “પણ, તમારો મોટો પાડ માનું છું.”
એણે થાકેલી ને સૂની નજરે મારી સામે જોયું. પછી કોઈ સાથે પોતાની ચિંતાનો ભાગ પડાવવો જોઈએ તેથી મને કહ્યુંઃ “બિલાડીને તો કશું નહીં થાય એની મને ખાતરી છે. પણ પેલાં બીજાં પ્રાણી ! તમે શું ધારો છો? એમનું શું થશે?”
“કેમ વળી, થવાનું શું હતું? ભલું હશે તો બધું સરખું પાર ઊતરશે.”
“તમને એવું લાગે છે ખરું?”
“કેમ નહીં” મેં પુલને છેડે નજર કરતાં કહ્યું. ત્યાં હવે એક્કેય ગાડું રહ્યું નહોતું.”
“પણ તોપમારો થશે તો એઓ શું કરશે? એટલા જ સારુ તો મને ચાલી જવાનું કહ્યું હતું.”
“પારેવાંને પિંજરે તાળું તો વાસ્યું નથી ને?”
“ના.”
“તો તો પારેવાં બહાર નીકળીને ઊડી જશે.”
“હા, પારેવાં તો ઊડી જ જવાના. પણ પેલાં બીજાં ! એમનો મનમાં વિચાર જ ન લાવવો તે જ સારું છે!” એ બોલ્યો.
“તમે થાક ખાઈ લીધો હોય તો ચાલો,” મેં એને આગ્રહ કર્યો. “હવે ઊભા થાઓ, ને થોડું ચાલવાનો પ્રયત્ન કરો.”
“પાડ તમારો.” કહીને એ પગ પર ઊભો થયો, પછી આમથી તેમ લથડવા માંડ્યો અને આખરે પાછો ધૂળમાં ફસડાઈ પડ્યો.
“હું તો પ્રાણીઓની માવજત કરતો હતો.” એ પ્રાણ વિનાના અવાજે બોલ્યો, પણ હવે એ મને ઉદ્દેશીને કહેતો નહોતો. “હું તો માત્ર પ્રાણીની દેખભાળ કરતો હતો.”
એને માટે કશું કરી શકાય એવું નહોતું. એ દિવસે ઈસ્ટરનો રવિવાર હતો, ને ફાસિસ્ટો એબ્રો તરફ આગળ વધતા હતા. વાદળોથી ઘેરાયેલો એ ભૂખરો દિવસ હતો, આકાશની છત બહુ નીચે આવી હતી. આથી કોઈ વિમાનો દેખાતાં નહોતાં. આ અને બિલાડી પોતાની સંભાળ લઈ શકે છે એ હકીકત સિવાય બુઢ્ઢાને માટે આશ્વાસનરૂપ બીજું કશું જ નહોતું.
(“વિદેશિની -૨” –સુરેશ જોષી ના સૌજન્યથી, સાભાર)
અર્નેસ્ટ હેમિંગ્વે વાર્તા “બુઢ્ઢો” નો ઉષા શેઠ દ્વારા સ રસ અનુવાદઃ
LikeLike