બસ, અમે તો ગિલ્લીદંડો જ રમીશું: કાલ્વિનોની એક બોધકથા
બાબુ સુથાર
આજના સમયમાં ઇટાલિયન લેખક ઈટાલો કાલ્વિનોની ‘Making Do’ બોધકથા સમજવા જેવી છે.
એ બોધકથામાં એક નગર છે અને એ નગરમાં વસતા નગરજનો પર ગિલ્લીદંડો સિવાયની બીજી કોઈ પણ રમત રમવા પર પ્રતિબંધ છે. એથી નગરજનો, રોજ નગરની બહાર આવેલા મેદાનમાં ભેગા થાય અને ત્યાં ગિલ્લીદંડો રમે. પણ નવાઈની વાત એ છે કે કોઈ કોઈને પૂછતું નથી કે કોણે, ક્યારે અને શા માટે આપણા પર ગિલ્લીદંડો સિવાયની બીજી કોઈ પણ રમત રમવા પર પ્રતિબંધ મૂક્યો હશે!
આમને આમ વરસો વીતી જાય છે.
એક દિવસ નગરના વડા અધિકારીને થાય છે: શા માટે નગરજનો પર ગિલ્લીદંડો સિવાયની બીજી બધી રમતો રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હશે? એને પણ કોઈ કારણ જડતું નથી. આખરે એણે એ પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો અને નગરની ચારે દિશાઓમાં સંદેશવાહકો મોકલીને નગરજનોને જાણ કરી કે આજથી તમે ઇચ્છો એવી કોઈ પણ રમત રમી શકો છો. તમારે ગિલ્લીદંડો જ રમવો જોઈએ એ જરૂરી નથી.
તો પણ નગરજનોએ તો ગિલ્લીદંડો જ રમવાનું ચાલું રાખ્યું. પેલા સંદેશવાહકે એમને બીજી વાર પણ કહ્યું કે તમે ગિલ્લીદંડા સિવાયની બીજી રમતો પણ રમી શકો છો.
તો પણ નગરજનોના ગિલ્લીદંડો રમવાની આદતમાં કોઈ ફેરફાર ન આવ્યો.
આખરે પેલા સંદેશવાહકે બીજી કઈ કઈ રમતો રમી શકાય છે એની પણ વાત કરી. એણે કહ્યું કે જગતમાં આટલી બધી અદભૂત રમતો છે ને તમે રમતા નથી. રમો રમો. ગિલ્લીદંડામાં શું મોહી પડ્યા છો?
તો ય નગરજનો તો રોજ સાંજે નગરની બહાર મેદાનમાં ભેગા થતા અને ગિલ્લીદંડા જ રમતા.
આખરે પેલા સંદેશવાહકે નગરના વડા અધિકારીને જાણ કરી અને કહ્યું કે સાહેબ, નગરજનો ગિલ્લીદંડા સિવાય બીજી કોઈ રમત રમવા માગતા નથી.
તો વડા અધિકારીએ કહ્યું, “એક કામ કરો. ગિલ્લીદંડા રમવા પર પ્રતિબંધ મૂકી દો. એ સિવાયની કોઈ પણ રમત એ લોકો રમી શકે.”
પછી વડા અધિકારીએ ગિલ્લીદંડા રમવા પર પ્રતિબંધ મૂકી દીધો. તો નગરજનો અકળાઈ ગયા. એમણે બળવો કર્યો. વડા અધિકારીએ એ બળવો દબાવી દેવા બળ વાપર્યું. કંઈ કેટલાય લોકો માર્યા ગયા. તો પણ નગરજનો તો પછી પણ ગિલ્લીદંડો જ રમતા રહ્યા.
ઈટાલો કાલ્વિનો બહુ મોટા કથાલેખક. એમણે નવલકથાઓ પણ લખી છે. વાર્તાઓ પણ લખી છે. એટલું જ નહીં, એમણે ઇટાલીની લોકકથાઓનું સંપાદન પણ કર્યું છે. એ ઉપરાંત એમણે સાહિત્ય પર પણ ઘણા લેખો લખ્યા છે. એમનું Six Memos for the Next Mellennium નામનું પુસ્તક ખાસ વાંચવા જેવું છે. ગુજરાતીમાં સુમન શાહે એ પુસ્તક વિશે લખ્યું છે. મેં પણ નહીં નહીં તો ત્રણેક વાર એ પુસ્તક વાંચ્યું હશે. કાલ્વિનોની If on a Winter’s Night a Traveler અનુઆધુનિકતાવાદી નવલકથાનો એક ઉત્તમ નમૂનો ગણાય છે. એ નવલકથા પર પણ સનત ભટ્ટે એક સરસ લેખ લખ્યો છે.
જો કે, આપણને હવે જે સવાલ થાય તે આ: શા માટે કાલ્વિનો જેવા લેખકો બોધકથા જેવા સ્વરૂપ પર હાથ અજમાવતા હશે? અને બીજો પ્રશ્ન જે થાય તે એ કે આ બોધકથાને આપણે કઈ રીતે આપણા સમય સાથે સાંકળી શકીએ?
હું માનું છું કે કોઈ પણ ઊંચા દરજ્જાનો સર્જક એના સમયમાં પ્રવર્તતી કટોકટીને એના સર્જનમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કરતો હોય છે. ક્યારેક એ કટોકટી બોલકી બનીને આવે. ક્યારેક એ કટોકટી જે તે સર્જનના આકારમાં પણ પ્રગટ થાય અને ક્યારેક સ્વરૂપમાં પણ. બોધકથા એક એવું સાહિત્ય સ્વરૂપ છે જેનો ઉપયોગ કરીને તમે એ કટોકટી પ્રગટ કરી શકો. એમાં બે ફાયદા પણ છે. એક તો તમે સત્તાને છેતરી શકો અને બીજું તમે તમારી વાત લોકો સુધી સરળતાથી પહોંચાડી શકો. કાલ્વિનોએ આ બોધકથામાં એ જ પ્રયાસ કર્યો છે. એ પ્રત્યક્ષ રીતે રાજ્યની ટીકા નથી કરતા. લોકોની ટીકા કરે છે એવું કોઈને લાગે. પણ સાવ એવું નથી. કાલ્વિનો, મેં આગળ કહ્યું છે એમ, ખૂબ ઊંચા દરજ્જાના સર્જક છે. એમણે અહીં એક એવા રાજ્યની કલ્પના કરી છે જે લોકોના રમવા પર પ્રતિબંધ મૂકે અને ગિલ્લીદંડા જેવી રમત પર કોઈ જ પ્રતિબંધ ન મૂકે. કાલ્વિનોએ આ પ્રતિબંધ કોણે મૂક્યો, ક્યારે મૂક્યો, શા માટે મૂક્યો જેવી વિગતો પ્રગટ કરી નથી. એમ કરવા પાછળ પણ કોઈક ગણતરી હશે. જો એ બધી વિગતો આપે તો કદાચ આ વાર્તા બોધકથા ન બને. પછી એ જે તે રાજ્યની ટીકા કરતી વાસ્તવવાદી વાર્તા બની જાય.
જ્યારે પણ હું આ બોધકથા વાંચું છું ત્યારે મને થાય છે કે આપણે બધાં પણ કદાચ ગિલ્લીદંડો તો નથી રમતાંને? શાસનની વાત આવે ત્યારે આપણને એક જ નેતા ગમે. કોઈ આપણને કહે કે બીજા નેતા છે તો આપણે માનીએ પણ નહીં. કદાચ આપણે ધર્મમાં પણ આવું જ કરતા હોઈશું. આ જ સત્ય છે. બીજું બધું અસત્ય.
હું ઘણી વાર, અલબત્ત મજાકમાં, કહેતો હોઉં છું કે આપણા ગઝલકારોને પણ કહેવા જેવું ખરું: ગિલ્લીદંડા સિવાયની બીજી રમતો પણ છે…
રાજ્ય સત્તા હોય કે લોકમાનસ,ઘરેડમાં ગોઠવેલું નિષ્પ્રાણ જીવન એટલું કોઠે પડી જાય છે કે સમાજ,ધર્મ,શિક્ષણ-બધાં જ વિચાર અને ભાવવિહીન કર્મકાંડમાં કેદ થઇ જાય છે.
LikeLiked by 1 person