ખેલૈયા – ભાગ ૩ જો ને છેલ્લો
‘આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું કોડીલું નામ’
– નંદિની ત્રિવેદી
1990માં અમદાવાદ છોડીને મુંબઈ આવી ત્યારે મુંબઈમાં અદ્ભુત નાટકો જોવા મળશે એ આકર્ષણ સૌથી વધારે હતું. એ વખતે નાટકોમાં બટાટાવડા ‘કલ્ચર’ બહુ વિકસ્યું નહોતું. વિકસ્યું હોય તો કદાચ હું એનાથી અજાણ હતી કારણ કે સામાજિક નાટકો પ્રત્યે રુચિ થોડીક ઓછી હતી. રવીન્દ્ર સંગીત અને બંગાળી ભાષા શીખતી હોવાને કારણે એ સંસ્કૃતિનો પ્રભાવ ઘણો હતો. એ વખતે કન્નડ, ઓરિસ્સા, બંગાળીમાંથી ગુજરાતી અનુવાદો ઘણા વાંચ્યા હોવાથી કોક જુદી જ દુનિયામાં મનોવિહાર ચાલતો હતો.
આર્ટ ફિલ્મો જોવી, ન સમજાય એવાં નાટકો જોવાં એવું બધું…એબ્સર્ડ એબ્સર્ડ અને સર્રિયલ! સિતાંશુ યશશ્ચંદ્ર, મધુ રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સુભાષ શાહ, શિવકુમાર જોશી જેવા લેખકોએ ઉત્તમ નાટકો, રુપાંતર અને મૌલિક સ્વરૂપે ગુજરાતીમાં આપ્યાં એનોય લાભ લીધો હતો.
મને બરાબર યાદ છે કે મુંબઈ શિફ્ટ થયાં પછી છાપાંમાં ‘વેઇટિંગ ફોર ગોદો’ નાટકની એડ વાંચી. મુખ્ય કલાકાર નસીરુદ્દીન શાહ. આ નાટક અમદાવાદમાં નિમેષ દેસાઈ ભજવ્યું હતું ત્યારે જોયું હતું. નિમેષભાઈના નાટકો પણ અનોખાં એટલે એ તો જોવાનાં જ. પણ આ તો ભઈ મુંબઈ! એમાં પાછાં નસીરભાઈ એક્ટિંગ કરે એટલે તો નાટક જોવું જ પડે. એનસીપીએના કોક મિનિ થિયેટરમાં એનો શો હતો. અમે તો ઊપડ્યાં. ટિકિટ વિન્ડો પાસે ગયાં ત્યારે ખબર પડી કે સાત વર્ષથી નીચેનાં બાળકોને પ્રવેશ નથી. અમારી સાથે છ વર્ષની દીકરી હતી એટલે પતિ-પત્ની બેમાંથી એક જ જઈ શકે એમ હતું. તેથી નાટક જોવાને બદલે બેબીને ફુગ્ગા અપાવીને નરીમાન પોઈન્ટની પાળી પર મેં બે કલાક પસાર કર્યા હતા!
નસીરૂદ્દીન શાહે આ નાટક વિશે એક ઈન્ટરેસ્ટિંગ વાત કહી હતી કે, “વર્ષો પછી અમેરિકન બ્રોડવેમાં આ નાટક અમે 150 ડોલર્સ ખર્ચીને જોયું હતું. તમે માનશો? અમે ભજવેલા ‘વેઈટિંગ ફોર ગોદો’ની આખી પ્રોડક્શન કોસ્ટ આ ટિકિટના પૈસા કરતાં ઓછી હતી!” પરંતુ, પેલી ઑફબીટ નાટકોની મારી ચળ ઓછી નહોતી થઈ એટલે ગમે એમ કરીને ગિરીશ કર્નાડનાં નાટકો તોખાર, હયવદન, યયાતિ, તુખલક, બાદલ સરકારનું ‘પગલા ઘોડા’ અને એ પછી સમયાંતરે મોહન રાકેશનું ‘આધે અધૂરે’, પરેશ રાવલ-નસીરૂદ્દીન શાહ અભિનીત ‘ખેલ’, જાવેદ સીદ્દીકીનું ‘તુમ્હારી અમ્રિતા’, શબાના આઝમીનું બ્રોકન ઈમેજ, જયા ભાદૂરીનું મા રિટાયર હોતી હૈ, જયતિ ભાટિયાનું ખતીજાબાઈ ઓફ કર્માલી ટેરેસ, લુબ્ના સલીમ અભિનીત ‘હમસફર’, લિલેટ દૂબેનૂં થર્ટી ડેઝ ઈન સપ્ટેમ્બર, ત્રિશલા પટેલનું ‘ધ ડૉલ’ તથા શુભા મુદગલનું ‘સ્ટોરી એન્ડ સૉંગ્સ’ વિક્રમ કાપડિયાનું ‘બોમ્બે ટૉકિઝ’, નૌશિલ મહેતાનું ‘પત્રમિત્રો’ સહિત ઘણાં મેઈન સ્ટ્રીમ અને પેરેલલ નાટકો જોઈ લીધાં. આ નાટકોએ મન પર દીર્ઘ અસર છોડી હતી.
આધુનિક ગુજરાતી રંગભૂમિનો પાયો 1980માં નંખાયો એ પછી અનેક નાટ્યકર્મીઓએ પાશ્ચાત્ય ટેકનિકનો ઉપયોગ સંગીતથી લઈને મંચસજ્જા સુધી કરીને અઢળક સરસ નાટકો આપીને ગુજરાતી રંગભૂમિને સમૃદ્ધ બનાવી. પરંતુ, માહ્યલો મ્યુઝિકનો એટલે સરસ સંગીત નાટકનો ઈન્તજાર હતો. ખેલૈયા, એવા મુંબઈમાં ચાલ જઈએ (સંગીત પિયુષ કનોજિયા), તાક્ ધિના ધીન તથા તાથૈયા (સંગીત ઉત્તંક વોરા) જેવાં આધુનિક રંગભૂમિનાં મ્યુઝિકલ્સ મુંબઈમાં મારી અનુપસ્થિતિને લીધે ચૂકી જવાયાં હતાં.
એવામાં સાલ 2001માં મેહુલ બૂચ દિગ્દર્શિત ‘અમસ્તા અમસ્તા’ નાટક આવ્યું. એ સંગીત નાટક હતું પરંતુ લાઈવ પ્રેઝન્ટેશન નહીં. છતાં મજા પડી હતી. અનિલ જોશીનાં ગીતો અને આલાપ દેસાઈનું સંગીત અને કંઠ. આજનાં જાણીતાં કલાકાર સ્નેહા દેસાઈનાં લગ્ન નહોતાં થયાં એટલે એમણે સ્નેહા પારેખને નામે બે ગીતો લખ્યાં હતાં. સ્નેહા-જીમિત ત્રિવેદી, સનત વ્યાસે ‘ખેલૈયા’ના રિવાઈવલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ એ પછી ખરા અર્થમાં લાઈવ મ્યુઝિકલ નાટક આવ્યું ‘માસ્ટર ફૂલમણિ’. ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરાની મુખ્ય ભૂમિકા સાથેના આ નાટકમાં ઉદય મઝુમદારના સંગીતની કમાલ તો ખરી જ. જૂની રંગભૂમિના મિજાજમાં આધુનિક ટ્રીટમેન્ટ સાથે ભજવાયેલું આ નાટક ‘ખેલૈયા’ના લેખક ચંદ્ર શાહે જ લખ્યું હતું અને મનોજ શાહનું દિગ્દર્શન હતું. ત્યારબાદ મિહિર ભૂતા લિખિત અને સુનીલ શાનબાગ દિગ્દર્શિત ‘મારો પિયુ ગયો રંગૂન’ એ બહુ સરસ લાઈવ મ્યુઝિકલ હતું. લંડનના ગોલ્ડન ગ્લોબ થિયેટરમાં રજૂ થયેલું પહેલું ગુજરાતી નાટક. ઉદય મઝુમદારનું કર્ણપ્રિય સંગીત તથા મુખ્ય અભિનેત્રી માનસી પારેખ-ગોહિલના કેળવાયેલા અવાજને લીધે એનાં ગીતો વધુ નિખરી ઊઠ્યાં હતાં. મીનળ પટેલ-ઉત્કર્ષ મઝુમદાર તથા ચિરાગ વોરાની પ્રધાન ભૂમિકા હતી.
સંગીત નાટકોનો એક અલગ જ ચાર્મ હોય છે. ‘ખેલૈયા’ વિશેના લેખોનો પ્રતિભાવ જોતાં એ તો નિશ્ચિત થઈ જ ગયું કે લોકોને 40 વર્ષે પણ ગીતો યાદ રહે છે. જૂની રંગભૂમિના સુપ્રસિદ્ધ ‘રસકવિ’ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર અને જાણીતા સેક્સોલોજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટે ‘ખેલૈયા’નાં ગીતોની કથા વાંચીને જૂની યાદો તાજી કરી હતી. એમણે કહ્યું, “ખેલૈયા વિશે વાંચીને તરબતર થઈ ગયો. એ જમાનામાં નાટક પ્રત્યેની લગન અને નિષ્ઠા કમાલનાં હતાં. ચંદ્ર શાહે આ નાટક મજેદાર લખ્યું. એ વખતનો નાનકડો ચંદુ અત્યારે તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે! મહેન્દ્ર જોશી જબરજસ્ત ડિરેક્ટર. ગુજરાતી નાટકોને 125 વર્ષ થયાં ત્યારે પાટકર હૉલમાં એક સમારંભ હતો. મહેન્દ્ર જોશી સ્ટેજ પર હતા. કદ એવું નાનું કે કોઈ વિચારે કે આ માણસ કોણ હશે? એમણે ઊભાં થઈ અનાઉન્સ કર્યું કે અમને સારાં નાટકો, સારાં થિયેટરો આપો. પછી ખબર પડી કે આ તો નાટ્ય દિગ્દર્શક છે. પણ ગજબના દિગ્દર્શક. એમણે જે કોઈ કલાકારને સ્પર્શ કર્યો એ બધાં સોનું થઈ ગયા. પૃથ્વી થિયેટરમાં કેટલાંય અદ્ભુત એકાંકીઓ એમણે કરેલાં. એ જમાનો જ જુદો હતો. સત્યદેવ દૂબે પણ તેજપાલમાં નાટક કરે તો એની ટિકિટ ન હોય. એ પોતે ગેટ પાસે ઝોલો લઈને ઊભા રહે. જેને એમાં જે કંઈ રૂપિયા-પૈસા નાંખવા હોય એ નાંખે. પૃથ્વીરાજ કપૂર પણ આવું કરતા હતા. ખાનદાની કેવી તેઓ ઉપર પણ ના જુએ કે કોણ કેટલું થેલામાં નાખે છે. આવા પ્રતિબદ્ધ કલાકારો! ‘ખેલૈયા’ સાથે કેવાં મોટાં નામો સંકળાયેલા હતા એની પ્રતીતિ હવે થાય!”
આમિર ખાને કરિયરની શરૂઆત ‘ખેલૈયા’થી જ કરી હતી. એય બૅકસ્ટેજ બૉય તરીકે. આ નાટક એને બહેન નિખતને લીધે જ મળ્યું હતું કારણ કે નિખત એ વખતે નાટ્ય દિગ્દર્શક મહેન્દ્ર જોશીના પ્રેમમાં હતી. એણે મહેન્દ્રને ‘ખેલૈયા’ માટે આમિરનું નામ સૂચવ્યું. એ વખતે એ આમિર હુસૈન તરીકે ઓળખાતો. આમિરને એ વખતે એક્ટિંગમાં બિલકુલ રસ નહોતો. એને ફિલ્મ અને નાટકના ટેકનિકલ પાસાં તથા ડિરેક્શન કરવાની ઉમ્મીદ હતી. તેથી જે પાણીએ મગ ચડે એમ ચડાવવા સમજીને ખેલૈયામાં બૅકસ્ટેજનું કામ લઈ લીધું જેમાં ઝાડૂ મારવાથી લઈને કલાકારોનાં કપડાંની ઈસ્ત્રી કરવાં જેવાં કામો હતાં. ધીમે ધીમે નાટકનો સર્વગ્રાહી અનુભવ એ મેળવતા ગયા. આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ પણ બગાસું ખાતાં પતાસું મળી જાય એમ મળી હતી. આમિરનો કઝીન મનસૂર ખાન એ ફિલ્મનો પ્રોડ્યુસર હતો. એ પણ સાવ નવો હતો એટલે એની સાથે કોઈ સ્થાપિત અભિનેતા કામ કરવા તૈયાર ન હોવાથી ચોકલેટી ફેસ ધરાવતા આમિરને એમણે ઊભો કરી દીધો. એન્ડ, રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી!
હીરા બજારમાં કામ કરતો એક યુવાન દર મહિનાનો પગાર ‘ખેલૈયા’ પાછળ ખર્ચી દેતો હતો. પચીસ શો જોયા પછી એણે બૅકસ્ટેજમાં જોડાઈ જઈને બધા શોમાં બૅકસ્ટેજનું કામ કર્યું હતું. એ યુવાન પછી તો જિતેન ગાંધી ફોટોગ્રાફર ઓળખાવા લાગ્યો. જિમિત મલ નામના ગુજરાતી ભાષાના શિક્ષકે ખેલૈયાનો સુવર્ણ કાળ વાગોળ્યો હતો.
મુંબઈ સમાચારના વાચકોની ઈચ્છાને માન આપીને ‘ખેલૈયા’નાં રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં આવ્યા ખેલૈયા અને સૂંઘ્યો પવન તો છે જ તમારી પાસે. અન્ય ત્રણ જાણીતાં ગીતો અહીં માણો. ‘ખેલૈયા’નો ખેલ હવે સમાપ્ત કરીએ. આ ગીતો ‘સ્વરગુર્જરી’ યુટ્યુબ ઉપર સાંભળવા મળી શકશે. સ્મરણો સાથે લઈ જજો અને મિત્રો સાથે વહેંચજો.
*****

અક્ષયકુમાર અને ચૈતાલીનું ગીત
“ફેર ફુદરડી ફરી દઈ તાળી
ભમ્મ ચક્કેડી ભમ્મ ચૈતાલી
રૂપ નીંગળતી સાંજ પડી છે
ભમ્મર કાળી રાત ગુજરતા
સવાર થાશે ઝાકળિયાળી
ફરફર થાતી ઈચ્છાઓને પૂરી કરવી સહેજ રમાડી
અનુભવી લે પાંપણ ઢાળી,
ભમ્મ ચક્કેડી ભમ્મ ચૈતાલી
તું દરિયાનું મીઠ્ઠું પાણી
હોઠે કોકિલકંઠી નદીઓ
હથેળીઓમાં લહેરો તરતી
સાવ છલોછલ તું હરિયાળી
અનુભવી લે પાંપણ ઢાળી
પાંપણ ઢાળી મેં રૂપાળી
લે તું લઇ જ મને ઊપાડી
જુલમ સિતમના જોગી બાવા
હું આવી છું તારી થાવા
ઈચ્છાઓને સહેજ રમાડી
લે તું લઇ જ મને ઊપાડી
આવ તને હું અનુભૂતિનાં ચશ્મા આપું
નથી મળ્યા જે હજી તને એ અજબગજબના સપનાં આપું
આ જો અહીંથી પાંખ સમેટી
ઊડી જતું આકાશ મને દેખાય
અને દેખાય દૂરની પતંગિયા જેવી ટેકરીઓ
સોનમઢ્યા ત્યાં ઘેટાં ચરતાં
ઝલમલ ઝલમલ તળાવ ફરતાં
અહીંના દ્રશ્યો જોઈ બધાનાં
હોઠ ફફડતાં તારી માફક
હું તો આખ્ખે આખ્ખી ફેરફાર થાતી
તારી હથેળીઓમાં ફૂલ ખીલે ને
આંગળીઓની સાથે એની પાંખડીઓ લહેરાતી
હું તો આખ્ખે આખ્ખી ફેરફાર થાતી
ફેર ફુદરડી ફરતાં રહીએ
ભમ્મ ચક્કેડી ભમતાં રહીએ
ચક્કર ચક્કર ફરે દુકાનો, ફરે માણસો ફરે મકાનો
ફેર ચડે તો ભલે ચડે ફરતાં રહીએ ફેર ફુદરડી
ગાયક : પરેશ રાવલ-મમતા શેઠ
*****
છેલશંકર અને મરણદાસ (અપહરણકારો)નું ગીત
ચાલ ઊડી જા ભેરુડા તું પાંખો તારી ખોલ
લાલ બદામી લોક વસે જ્યાં ઢમઢમ વાગે ઢોલ
ઊડી જા તું ભેરુડા!
હવા ચલે જ્યાં વિષ્ણુ બોલે
શંખ ફૂંકે ને સમંદર ડોલે
પરી નામ જ્યાં કોયલ બોલે
કોઈ ના આવે એની તોલે
રૂ ના જેવી ધોળી પાંખો
મોટી જેવી ઝગમગ આંખો
હોઠે એના મબલખ મોલ, પાંખો તારી ખોલ
ઊડી જા તું ભેરુડા!
ગાયકો : દર્શન જરીવાલા-કિરણ પુરોહિત
*****
બોકસમાં મૂકવાનું ગીત
આંગળીમાં ફૂટે ટચાકાને ટાચકામાં
રઘવાતું કોડીલું નામ
એમ કેમ સહેજમાં હું કહી દઉં
એ લખલખતું નામ એ છે કલબલતું નામ
હું હરણની જેમ તરસ આંખોમાં લઈને
ધોમધખ્ખ રણમાં ફરું રેબઝેબ થઈને
આંગળીઓ મૃગજળમાં તરતી પલળતી
ને ત્યાં જ આવી ખળખળતી
તું નદી બરફની એવી
કાનો છે માતર છે ઈ પણ છે દીર્ઘ ઈ
ચંદ્રમાંથી ચ લાવ્યો તારલાનો ત લાવ્યો
કહી દઉં તું ખળખળતું નામ કોનું લઈ આવ્યો
ચ ને માથે બે માતર તને એક કાનો ને
લને દીર્ઘ ઈ લગાવો ચૈતાલી નામ…!
કવિ : ચંદ્રકાન્ત શાહ
સંગીત રજત ધોળકિયા
ગાયન : ફિરોઝ અબ્બાસ ખાન અને મમતા શેઠ
નાટક : ખેલૈયા
(“હૈયાને દરબાર” – “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
(ભાગ ત્રીજો અને છેલ્લો આજે પ્રગટ થતાં “ખેલૈયા નાટકની શ્રેણી અહીં સમાપ્ત થાય છે..)
આપ સહુએ આ શ્રેણીને મન મૂકીને માણી, એ બદલ આપ સહુ વાચકોનો આભાર. આ સાથે બહેનશ્રી નંદિની ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર કે “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી ખેલૈયાની આ શ્રેણી આંગણું માં મૂકવા માટે સહર્ષ આપી. અહીં મારા મિત્ર ચંદ્રકાંત શાહનો આભાર માનું છું.
.ખેલૈયા – ભાગ ૩ થી સમાપ્ત થતી સુ શ્રી નંદિની ત્રિવેદીની ‘આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું કોડીલું નામ’સુંદર લેખોની શ્રેણી માણી ધન્યવાદ
LikeLiked by 1 person