https://youtu.be/aJhIxW5rr_k
અને એક દિવસ એ ખોવાયેલું નગર પાછું મળે છે!સપનાઓનું નગર.જેને કોઈ ડેલી-દરવાજા નથી.જેના આભાસી બારણે કંકુના થાપા પરાણે ચોંટાડેલાં નથી કે નથી ત્યાં કોઈ લીંબુ-મરચાં લટકતાં. ને છતાંયે એ હજી હેમખેમ છે!
પાંદડાઓનો સળવળાટ દરેકને ન સંભળાય એ સમજી શકાય તેવું છે, પણ વસ્તીના છેલ્લા કૂબામાંથી રોજ આવતો એક-સરખો અવાજ કણસી રહ્યો હોય ને તોય આપણે ન સાંભળી શકીએ, તો ક્યાંક ખોટ રહી ગઈ છે એવું નથી લાગતું?
તમે બસના કે ટ્રકના ડ્રાઈવરની લાલ-લાલ ઊંઘરેટી ને છતાં સજાગ આંખો જોઈ છે કોઈ દિવસ? એમાં કેટલો ઇંતજાર ખડકાયેલો હોય છે! કેટલી વાર્તાઓ રોજ એની નજર સમક્ષ ભજવાતી હોય છે. ને તોય જો એની સાથે વાતો કરવા બેસો તો એકાદ નકાર સિવાય ક્યાં કશું એ બોલી શકે છે? અને એય સાચો જ છે ને! માણસ કેટલું સંઘરે? ને ક્યાં સુધી?
કોઈ દૂર દરિયા કિનારે એકાદ નાની મઢીમાં જોરથી દુહા લલકારતા બાવાજી જોયા છે? એની પાસે કેટલું છે એ સમજવા આપણી જિંદગી ટૂંકી પડી શકે હોં. ને તોય મને પ્રશ્ન થાય કે એનો જીવ પણ ક્યારેક તો અકળાતો હશે ને? માણસ બધું જ છોડીને કશે પહોંચવા મથે, ત્યારે એ બધું જ એમ છૂટી જતું હશે? આમ જોવા જઈએ તો કેટલું સહેલું અને આમ જોઈએ તો આનાથી અઘરું જગતમાં બીજું છે શું?
ગાયો ચારતો જુવાન ગોવાળિયો જ્યારે ટેકરી માથે બેઠો-બેઠો અનંત તરફ મીટ માંડીને જે જોઈ રહ્યો હોય છે, એ શેની રાહ હોય છે?એની જિંદગી એને સવાલો નહિ પૂછતી હોય?અને પૂછે તો પણ,જવાબો આપવા દર વખતે જરૂરી ક્યાં હોય છે!
આ જે આસપાસ ધબકે છે એ જીવો ક્યારેક ધબકારો ચૂકી જવાના છે એ નક્કી વાત છે. કોઈ કેટલુંય આપીને જશે તો કોઈ બધું જ લઈને જતું રહેશે. જેવી જેની નિયત.જેવો જેનો ખેલ અને જેવી જેની સ્ક્રિપ્ટ! ભજવ્યા વિના છૂટકો છે?
પણ જો આવા કોઈ ધબકતા જીવ સાથે, બે ઘડી વાતું કરવા મળે કે એના મનમાં ધરબાયેલા ડૂસકાં ખાળવાની તક મળે ને તો ચૂકી ન જાતા! આ બધી જીવતાની જ માયા છે. દીવાલ પર લટકાવેલા ફોટા ધૂંધળા થઈ જશે પણ સ્મૃતિઓને કાટ નહીં લાગી શકે.
એટલે સ્મૃતિઓ ડસવા આવશે કે ભેટવા, એ નક્કી આપણે જ કરવાનું છે!
~ Brinda Thakkar
Attachments area
Preview YouTube video સ્મૃતિઓ ડંખવા આવશે કે ભેટવા,તે આપણે જ નક્કી કરવાનું છે!
“સ્મૃતિઓ ડંખવા કે ભેટવા…”! ખૂબ સરસ વિચાર.
સરયૂ
LikeLiked by 2 people
બ્રિન્દા ઠક્કરની સ્ક્રિપ્ટઃની , દિપલ પટેલની સુંદર રજૂઆતઃ


સ્મૃતિઓ ડંખવા આવશે કે ભેટવા,તે આપણે જ નક્કી કરવાનું છે!
વાહ્
આ નથી માણી શકાઇ
LikeLike