‘આજ રીસાઇ અકારણ રાધા…
બોલકણી એ મૂંગી થઇ ને મૂંગું એનું મારણ…
મોરલીના સૂર છેડે માધવ વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નિજ મોરપિંચ્છને ગોરા ગાલ લગાવે
આજ જવાને કોઇ બહાને નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ
છાની છેડ કરે છોગાળો, જાય વળી સંતાઇ,
તોયે ન રીઝે રાધા, કા’નનું કાળજું જાયે કંતાઇ
થાય રે આજે શામળિયાને અંતરે બહુ અકળામણ
રાધા… આજ રીસાઇ અકારણ’
સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
ગાયક: અમર ભટ્ટ
આલબમ : સંગીતસુધા
1984માં ક્ષેમુભાઇ અને સુધાબેનને 60 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ક્ષેમુભાઈનાં સ્વરનિયોજનોનો 4 કૅસેટનો સંપુટ “સંગીતસુધા” એ નામે સંગીરપ્રેમીઓને સાંપડ્યો.
એમાં ક્ષેમુભાઈએ મારા જેવા સાવ નવા ગાયક પાસે એક ગીત ગવડાવવાનું સાહસ કર્યું. સંગીતક્ષેત્રમાં રસવશ મારો પ્રવેશ 1981માં થયેલો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં હોવાને કારણે રેકોર્ડિંગ સ્ટુડિયો મુંબઈમાં હતો. એમણે ધાર્યું હોત તો જાણીતાં ને સ્થાપિત કલાકારો પાસે પણ એ આ ગીત ગવડાવી શક્ય હોત. પણ એમને નવી પેઢીમાં વિશ્વાસ હતો.
મને સ્ટેજનો પ્રથમ અનુભવ ક્ષેમુભાઇ થકી મળ્યો. આઇએનટીના નાટક “સપનાંનાં વાવેતર”માં પ્રવીણ જોશી,સરિતા જોશી ને સુરેશ રાજડા સાથે અમદાવાદના શૉઝ પૂરતો બાળકલાકાર તરીકે મને ક્ષેમુભાઈના કહેવાથી લેવામાં આવેલો.
માઈક પર પ્રથમ વાર ગાવાનો અનુભવ પણ ક્ષેમુભાઈએ સ્વરબદ્ધ કરેલા માધવ રામાનુજના કાવ્ય “એકવાર યમુનામાં આવ્યું’તું પૂર” થી મળેલો. આ ગીત મારાં મમ્મીની ગરબા સંસ્થા “નૂપુરઝંકાર”માં 1980-81માં રાસ તરીકે લેવાયેલું.
રેકોર્ડિંગ સ્ટુડીઓમાં ધ્વનિમુદ્રણનો પ્રથમ અનુભવ પણ ક્ષેમુભાઈએ મારા અવાજમાં આ ગીત રેકોર્ડ કરીને કરાવ્યો.
વાત ક્ષેમુભાઈની શબ્દસૂઝની-
બીજા અંતરામાં બીજી પંક્તિ છે-
‘તોયે ન રીઝે રાધા, કા’નનું
કાળજું જાય કંતાઈ’
એમાં પ્રથમ ખંડ બે વાર ગવાય છે પણ કઈ રીતે?
‘તોય ન રીઝે રાધા’ -એટલું બે વાર ગવાય છે- ‘તોય ન રીઝે રાધા, કા’નનું’ એમ બે વાર નથી ગવાતું. કારણ? ‘રાધા’ શબ્દ પછીનો અલ્પવિરામ છે- બોલવામાં ‘તોય ન રીઝે રાધા’ પછી પૉઝ અને પછી વાક્ય પૂરું-‘કા’નનું કાળજું જાય કંતાઈ’. આ અલ્પવિરામનું મહત્ત્વ ક્ષેમુભાઈએ શીખવ્યું. ‘અકળામણ’ શબ્દમાં એ ભાવ કઈ રીતે લાવવો એ એમણે ગાઈ બતાવેલું.
ગીતના રેકોર્ડિંગ વખતે સ્વરકાર દક્ષેશ ધ્રુવ મારો વિશ્વાસ વધારવા હાજર રહેલા ને રેકોર્ડિંગ વ્યવસ્થિત થઇ ગયું એની ખુશાલીમાં રેસ્ટોરન્ટમાં જમવા પણ લઇ ગયેલા તે આજે યાદ આવે છે.
2008ની 10 મેના દિવસે મારાં સ્વરનિયોજનોના આલબમ “શબ્દનો સ્વરાભિષેક”નું ધ્વનિમુદ્રણ શરુ કર્યું ત્યારે મારા આગ્રહથી ક્ષેમુભાઇ પ્રથમ ગીતના ધ્વનિમુદ્રણ સમયે એમની 84 વર્ષની ઉંમરે સ્ટુડિયોમાં હાજર રહેલા ને મને પ્રોત્સાહન આપેલું એ વાતનું પણ સાનંદ સ્મરણ કરું છું.
36 વર્ષ પહેલાં મેં ગાયેલું ક્ષેમુભાઈનું આ ગીત સાંભળો.
‘સંગીતસુધા’ હવે યુટયુબ ઉપર પણ સાંભળી શકાશે એમ ક્ષેમુભાઈના પુત્ર અને જાણીતા સ્વરકાર માલવભાઈએ મને જણાવ્યું.
ક્ષેમુભાઈને સૂરવંદન
અમર ભટ્ટ

સરસ ગીત છે.
LikeLike
મધુરા ગીત ‘રાધા આજ રીસાઈ અકારણ’ નુ
અમર ભટ્ટ દ્વારા ભાવવાહી સ રસ ગાન
ધન્યવાદ
LikeLike