શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ચૌદમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ
પ્રથમ સ્કંધ – ચૌદમો અધ્યાય – અપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારકાથી પાછા ફરવું
(પ્રથમ સ્કંધના તેરમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, વિદુરજીના કહેવાથી ધૃતરાષ્ટ્રના આંતર્ચક્ષુ ઉઘડે છે અને તેઓ સંસાર છોડીને આશ્રમગમન કરે છે.
ઉદ્વિગ્ન ચિત્તે બેઠેલા મહારાજ યુધિષ્ઠિરના મહેલે નારદજી પધારે છે. મહારાજ યુધિષ્ઠિર એમનું ઉચિત સન્માન કરે છે અને વિહ્વળ થઈને શોક વ્યક્ત કરતાં પોતાના બેઉ પિતાતુલ્ય કાકા અને માતા ગાંધારીના ગમનની વાત કરે છે ત્યારે નારદજી તેમને કહે છે કે હે ધર્મરાજ, તમે કોઈનાય માટે શોક ન કરો. કારણ સઘળું જગત ઈશ્વરને વશ છે. સહુ પ્રાણી અહીં જ્ઞાતરૂપે કે અજ્ઞાતરૂપે, ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરે છે. સંસારમાં સંયોગ અને વિયોગ પ્રભુની મરજીથી જ થાય છે તો એનો શોક કરવો આપ જેવા ધર્મના જાણકાર માટે યોગ્ય નથી. પાંચ મહાભૂતોનું બનેલું આ શરીર અંતે તો કાળ અને કર્મના વશમાં છે અને ‘જીવો જીવસ્ય કારણમ્’ બની રહે છે. આ બધું જ કાળચક્રને આધીન છે અને એને કોઈ રોકી શકતું નથી. હે ધર્મરાજ, સપ્તસ્ત્રોત સ્થિત ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ કામના નથી. તેઓ માત્ર પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે. એમણે પોતાની આસક્તિઓનો ત્યાગ કરી દીધો છે. ભગવદ્ કૃપાથી એમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ પણ નષ્ટ થઈ ચૂક્યા છે. ધૃતરાષ્ટ્રએ એમના અહંકારને બ્રહ્મમાં લીન કરી દીધો છે અને જીવને પણ બ્રહ્મમાં લીન કરી દીધો છે. માયાથી થતા પરિણામોને તેમણે સર્વથા ટાળી દીધાં છે. હે ધર્મરાજ, આજથી પાંચમા દિવસે તેઓ દેહત્યાગ કરશે અને એમનું શરીર બળીને ભસ્મ થઈ જશે. ગાર્હપત્ય વગેરે અગ્નિઓ વડે પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતાં તે અગ્નિમાં પ્રવેશ કરશે. આમ વિદુરજી પોતાના ભાઈને મોક્ષ પામતા જોઈને, બાકી રહેલા એમના દિવસો તીર્થાટનમાં વ્યતીત કરશે. તો હે યુધિષ્ઠિર, તમે હવે એમના જીવને મુક્ત થવા દો અને તમે પણ શોકમુક્ત થાવ.” આમ કહીને દેવર્ષિ નારદજીએ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે પણ એમનો ઉપદેશ અક્ષરસઃ ગ્રહણ કર્યો અને શોકનો ત્યાગ કર્યો. હવે અહીંથી વાંચો આગળ ચૌદમો અધ્યાય)
સૂતજી કહે છે – મહારાજ યુધિષ્ઠિર રાજકાજમાં વ્યસ્ત હતા પણ હવે એમને અર્જુનની ચિંતા થવા માંડી હતી. મહારાજની રજા લઈને અર્જુન સ્વયં સ્વજનોને મળવા અને પુણ્યશ્લોક શ્રી કૃષ્ણ હવે આગળ શું કરવા ઈચ્છે છે અને એમની પાંડવો માટે શી આજ્ઞા છે એ જાણવા દ્વારકા ગયા હતા. કેટલાક મહિના વીતવા છતાં, અર્જુન હજી ત્યાંથી પાછા વળ્યા નહોતા. યુધિષ્ઠિરને હવે અપશુકન દેખાવા માંડ્યા હતાં. કાળની ગતિ પણ વસમી થઈ ગઈ હતી. ઋતુઓ પણ એમના ચક્રથી વિપરીત થવા માંડી હતી. લોકો પણ ક્રોધ, મોહ, અસત્ય અને પાપપૂર્ણ વ્યવહારમાં રચવા લાગ્યાં હતાં. મિત્રો, માતા-પિતા, ભાઈ-બંધુઓ, પતિપત્ની અને સગાં સંબંધીઓ, સહુના જીવન કંકાસથી ગ્રસિત થવા માંડ્યા હતાં. અને આ બધાં જ ધર્મરાજને અશુભના એંધાણ દેખાતા હતા.
વ્યથિત અને ચિંતિત થયેલા યુધિષ્ઠિર પોતાના અનુજ, ભીમસેનને બોલાવીને, પોતાની વેદના વ્યક્ત કરે છે અને કહે છે કે, સાત મહિનાઓ વીતી ગયા પણ અર્જુન, પુણ્યશ્લોક શ્રી કૃષ્ણ પાસે ગયો છે, જેથી એમની આજ્ઞા હવે શું છે એ જાણી શકાય. પણ, એ હજી સુધી પરત આવ્યો નથી. એને અત્યાર સુધીમાં તો પાછા આવી જવું જોઈતું હતું. મને થાય છે કે નક્કી કશુંક અશુભ બન્યું છે. કદાચ, દેવર્ષિ નારદજી કહેતા હતા એ સમય તો નથી આવી પહોંચ્યોને? હે ભીમસેન, આપણી આજુબાજુ જો તો ખરો, હમણાં કુદરતના કાળચક્રમાં સંવાદિતા નથી રહી, કેટલા પણ પ્રજા માટેના સદકર્મો કર્યાં છતાં પણ, આપાણા સામ્રાજ્યની પ્રજા મહીં સતત કંકાસ, કલહ, રોષ અને પાપકૃત્યોનો પ્રભાવ પ્રસરી રહ્યો છે. અને, આકાશલોકમાં ઉલ્કાપાત થઈ રહ્યા છે, ભૂલોક અને સમંદરમાં પણ જ્વાળામુખી ફાટી રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં અણધારી વિપત્તિઓની એંધાણી મળે છે. મને સતત અપશુકન થઈ રહ્યા છે. મારી ડાબી આંખ, ભૂજા અને જાંઘ વારંવાર ફરકે છે. મને મારા ઘોડા, વગેરે વાહનપશુ રડતાં દેખાય છે. મૃત્યુના દૂત સમા આ ચીબરી, ઘુવડાને કાગડો, રાત્રે કર્ણ કઠોર અવાજે કંપાવી રહ્યાં છે. આઠેય દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રમાની ચારે બાજુ વારંવાર કુંડાળા રચાય છે. પહાડ, વાદળ, વિજળી બધાં જ મને સતત ન બનાવવાની ઘટનાઓને સૂચિત કરી રહ્યાં છે. વાછરડાં દૂધ પીતા નથી, ગાયો આંસુ વહાવીને રડી રહી છે. બળદો ઉદાસ ઉદાસ છે. મને લાગે છે કે મંદિરમાં મૂકેલી દેવતાઓની મૂર્તિઓ પણ રડી રહી છે. આ નગરી, શહેરો, બાગ, બગીચા, આશ્રમો શ્રી-હીન અને આનંદહીન થઈ ગયા છે. નિશ્ચિતપણે, આ ભાગ્યહીન ભૂમિ પ્રભુના ચરણકમળો રહિત બની ગઈ છે, એવો જ અંદેશો મને વારંવાર કેમ થાય છે, હે મહાબલી, ભીમ?
સૂતજી આગળ કહે છેઃ ધર્મરાજને વહેમ તો પડે જ છે કે કશુંક અઘટિત બની ગયું છે અને નકી આ ધરા નારાયણ વિહીન બની ગઈ છે. બરાબર આ જ સમયે અર્જુન દ્વારકાથી પાછા ફરે છે અને જરા પણ વિલંબ કર્યા વિના મહારાજની સભામાં આવે છે. યુધિષ્ઠિરે જોયું કે અર્જુન પહેલાં આટલાં દુઃખી ક્યારેય નહોતા. એમનું મોં પડી ગયેલું હતું અને શરીરમાંથી કાન્તિ બિલકુલ હણાઈ ગઈ હતી. અર્જુનને આવા રૂપમાં પોતાના ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર સહુની હાજરીમાં જ પૂછે છે કે, હે અર્જુન, દ્વારકાપુરીમાં આપણા સ્વજનો, સંબંધીઓ અને સહુ યાદવો કુશળ તો છે ને? નાનાજી શૂરસેન, મામા વસુદેવજી, અને માતા દેવકી, – આપણી સાતેય મામીઓ સહિત અને પોતાના બહોળા પરિવાર સાથે આનંદમાં તો છે? કુશળ તો છે ને? ભગવાન શ્રી કૃષ્ણના વડિલબંધુ બળરામ કેમ છે? અને ઉદ્ધવજી? આમ, ધર્મરાજ એકેએકનાં નામ લઈ લઈને અર્જુનને સમાચાર પૂછે છે. એમની ધીરજ ખૂટી ગઈ છે અને અધીરા થઈ ગયા છે. અને હવે છેલ્લો પ્રશ્ન ડરતાં, ડરતાં પૂછે છે કે, હે અર્જુન, તારો આ હતપ્રભ ચહેરો મને અમંગળના એંધાણ આપી રહ્યો છે. મહાભારતના યુદ્ધમાં લડતી વખતે પણ નહોતો લાગ્યો એવો ભય મને હાલ લાગી રહ્યો છે. મને એટલું કહે કે ભક્તવત્સલ બ્રાહ્મણભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત, રાણીઓ અને પુત્રોના વિશાળ કુટુંબ સાથે દ્વારકામાં સુખપૂર્વક તો છે ને? અને ભાઈ તું પોતે તો કુશળ છે ને?
સૂતજી કહે છેઃ હે શૌનકાદિ મુનિઓ, સારા રાજા બધાનાં સમાચાર પૂછ્યા પછી જ પોતાના ભાઈ, બંધુ, પુત્રો કે પત્નીના સમાચાર પૂછે છે. યુધિષ્ઠિરે પણ બિલકુલ એમ જ કર્યું. આગળ હવે અર્જુનને પૂછે છે કે, તું આવો તેજહીન ભાસે છે તો તારા સન્માનમાં તો કોઈ કમી નહોતી રહી ગઈ ને? કોઈએ તારી અવજ્ઞા તો નહોતી કરીને? શું કોઈએ દુર્ભાગ્ય અને અમંગળ શબ્દબાણોથી તારું મન દુભાવ્યું છે? આમ યુધિષ્ઠિરે આટલું બધું પૂછવા છતાં અર્જુનના ડૂમો ભરાયેલા કંઠમાંથી કોઈ અવાજ જ નીકળતો નથી. આથી યુધિષ્ઠિર એમનો તર્ક આગળ ચલાવે છે અને પૂછે છે કે, અર્જુન, તારી પાસે આવેલા કોઈ યાચકને તેં ખાલી હાથે તો પાછો નથી ઠેલ્યો ને? તેં કાયમ એક રાજાને શોભે એમ રાજધર્મ નિભાવીને શરણાગતોની રક્ષા કરી છે, સ્ત્રીઓ સાથે ઉચિત અને માનપૂર્ણ વ્યવહાર કર્યો છે. શું તને માર્ગમાં કોઈના વડે પરાજિત તો નથી થવું પડ્યું ને? અથવા અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને? અથવા તો, તારું રાજા તરીકેનું કર્તવ્ય ભૂલીને, ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખીને તેં એકલાએ તો ભોજન નથી કર્યું ને? એવો કોઈ સંતાપ તો તને કોરી નથી ખાતો ને? આ બધાં જ જુદાંજુદાં સંજોગો વર્ણવીને અંતમાં, ધર્મરાજ જે સવાલ પૂછવાનો ભય એમને લાગતો હતો એને જવાબના રૂપે જ પૂછે છે અને કહે છે કે, હે અર્જુન, મને અમંગળના એંધાણ તો ક્યારનાં વર્તાઈ રહ્યાં છે. તારી આ દશા જોઈને મને કેમ એવી ખાતરી થવા માંડી છે કે હોય ન હોય, પણ તું અને તારી સાથે અમે સહુ, પરમપ્રિય, અભિન્ન હ્રદય, ભક્તવત્સલ, પરમ સુહ્રદ ભગવાન શ્રી કૃષ્ણ વિનાના થઈ ગયા છીએ? એના સિવાય કોઈ એવું કારણ મને નથી સમજાતું કે જે તને આટલો હતવીર્ય કરે અને આટલી પીડા કરે.
યુધિષ્ઠિર આમ અનેક તર્ક-વિતર્ક કરે છે અને એ રીતે પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન પણ કરે છે કે, કદાચ આ બધાં જ અપશુકન, એક સ્વપ્ન પણ હોય અને શ્રી હરિ, નારાયણ સહુને છોડીને ન પણ ગયા હોય.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમીષીયોપાખ્યાને ”યુધિષ્ઠિરવિતર્કો” નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર બીજઃ
૧. આ આખાયે અધ્યાયમાં સારા રાજાના લક્ષણો કેવાં હોય અને કઈ રીતે અગમનાં એંધાણ રાજાએ પારખી લેવાં જોઈએ એના વિષે આડકતરું જ્ઞાન આપવામાં આવ્યું છે. પ્રજામાં આવતાં બદલાવની, પ્રકૃત્તિમાં થતાં ફેરફારોની અને પશુપક્ષીઓ ને અન્ય રાજ્યો સાથેના સંબંધોની નીતિ રાખતી વખતે એક સારા શાસકે કેટલા સજાગ અને સતર્ક રહેવું પડે છે, એની સમજણ પડે છે. અણધારી દુઃખદ ઘટનાઓ અને એના પરિણામોથી નિપટવાની તાકાત પણ શાસકે રાખવી પડે છે, એ આજના સમયમાં પણ સાચું છે.
હંમેશ જેમ સરળ ભાષામ સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ચૌદમો અધ્યાય – માણ્યો
વિચાર બીજ-‘અણધારી દુઃખદ ઘટનાઓ અને એના પરિણામોથી નિપટવાની તાકાત પણ શાસકે રાખવી પડે છે, એ આજના સમયમાં પણ સાચું વિશ્વમા દરેક શાસકે તો આ વાત સદા યાદ રાખી તે અંગે તૈયાર રહેવું જ જોઇએ પણ સામાન્ય માનવી માટે પણ એ એટલું જ સાચુ છે.
LikeLike