શ્વાસની છેલ્લી સફરમાં એકલો છું
લોગ ઇનઃ
શ્વાસની છેલ્લી સફરમાં એકલો છું,
હું હવે મારા નગરમાં એકલો છું.મોત આવીને ટકોરા મારવાનું,
જિંદગીના ભગ્ન ઘરમાં એકલો છું.
અંત સુધી જેમને મેં સાથ દીધો,
આજ હું તેની નજરમાં એકલો છું.
ફૂલ, પર્ણો, ડાળ, વૃક્ષો સાથ છે પણ,
તોય લાગે પાનખરમાં એકલો છું.
એક ગળતી રાત જેવો છે સમય, ને-
ઝેરની ધીમી અસરમાં એકલો છું.
– પરાજિત ડાભી
આપણે થોડા સમય પહેલાં જ પરાજિત ડાભીને ગુમાવ્યા. પરાજિત ડાભી ગુરજરાતી કવિતારસિકોથી સાવ અજાણ્યું નામ નથી. તેમણે ધ્યાન ખેંચે તેવું કામ કર્યું છે. કવિ છેલ્લા ઘણા સયમથી કેન્સરની અસાધ્ય બીમારીથી પીડાતા હતા. મૃત્યુ નિશ્ચિત હોય છે, ટાળી નથી શકાતું. પણ બીમારી તેનો રસ્તો વધારે સરળ બનાવી દેતી હોય છે. ગાલીબે લખ્યું છે- ‘મોત કા એક દિન મુઅય્યન હૈ, નીંદ ક્યૂં રાતભર નહીં આતી?’ બધાએ મરવાનું છે, છતાં મૃત્યુની વાતથી માણસ ખૂબ ભયભીત હોય છે. પરાજિત ડાભીએ એક જગ્યાએ લખ્યું હતું, ‘શું લખાશે કબ્રની તકતી ઉપર, એ વિચારે હું મરી શકતો નથી.’ શું લખાશે કે શું નહીં લખાય, તેવો વિચાર આવે કે ન આવે, મૃત્યુ નિશ્ચિત છે. પણ ગુજરાતી ભાષામાં ઉષા શેઠે એક પુસ્તક લખ્યું છે, ‘મૃત્યુ મરી ગયું’. હકીકતમાં મૃત્યુ મરતું નથી, પણ તેની કથા કંઈક એવી છે કે દીકરીને અસાધ્ય રોગ છે, મૃત્યુ નિશ્ચિત છે અને છતાં તેમાંથી તે ઊગરી જાય છે, મૃત્યુ મરી જાય છે. મા આનંદમયીએ કહ્યું છે, ‘એવું કરો કે મૃત્યુનું મૃત્યુ થઈ જાય.’ સર્જક પોતાના સર્જન દ્વારા મૃત્યુ પર વિજય મેળવતો હોય છે. મૃત્યુ તો તેના જીર્ણ શરીરનો નાશ કરતું હોય છે, તેણે સર્જેલું સર્જન તો કાયમ રહે છે. તેને મૃત્યુ મારી શકતું નથી. મા આનંદમયીએ કહેલા શબ્દો એક સર્જક, કલાકાર સાચા પાડતો હોય છે. પરાજિત ડાભી પણ પોતાના સર્જન દ્વારા હંમેશાં જીવંત રહેવાના છે.
આ ગઝલમાં તેમણે એવી જ કંઈક વાત કરી છે. શ્વાસની છેલ્લી સફરમાં કોઈ સાથે હોતું નથી. રાજેશ વ્યાસ મિસ્કીને પણ કહ્યું છે, ‘કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી.’ શ્વાસ ચાલે ત્યાં સુધી બધા જ સગપણોની સફર સાથે છે, પછી એ તાર હંમેશાં માટે તૂટી જાય છે. પછી તે મૃત્યુના નગરમાં નિવાસ કરે છે. મૂર્તિ તૂટેલી હોય ત્યારે તે ખંડિત ગણાતી હોય છે. પરાજિત ડાભી કેન્સરગ્રસ્ત હતા. તેમનું શરીર એક રીતે ખંડિત હતું – ભગ્ન હતું. જીવનનું ઘર ભગ્ન હતું, તૂટેલું હતું. મૃત્યુ ટકોરા મારવાનું જ હતું – નિશ્ચિત હતું. કદાચ એ ઘટના તેમનાથી પરખાઈ ગઈ હશે, તેથી જ તેમણે જિંદગીના ભગ્ન ઘરની વાત કરી હોય કદાચ! વળી જીવન દરમિયાન આપણે ગમે તેટલો ગમે તેને સાથ આપીએ, અંતે તો એકલા જ જવાનું છે. મીરાંએ પણ કહ્યું છે, ‘કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.’ આપણા અંતિમ વિદાયના સંગાથી તો માત્ર આપણે પોતે જ હોઈએ છીએ. આપણાં કર્મોના સરવૈયા સિવાય અહીં કશું જ રહેવાનું નથી. પાપ-પૂણ્ય, સુખ-દુઃખ, ભલાઈ-બુરાઈ, પ્રેમ-નફરત એ બધું આપણે આપણી સમજણ માટે ઊભું કર્યું છે, મૃત્યુ પછી તો આ કશું જ કામનું નથી. આપણે માત્ર આપણી સમજણ ખાતર અને અનુભવને પ્રગટ કરવા ભાષાના માધ્યમથી આવાં નામ આપ્યાં છે. મૃત્યુ પછી આ બધું હશે કે નહીં કોને ખબર?
જિંદગીમાં જંગલ જેવી હરિયાળી હોય, પણ આખરે પાનખર આવતાં ઉજ્જડતા આવવાની જ છે. અમુક સત્યો અમર હોય છે. તેને ક્યારેય બદલી નથી શકાતા. મૃત્યુથી મોટું સનાતન સત્ય બીજું કોઈ નથી. સતી સાવિત્રીએ ભલે મૃત્યુને મારી પતિને જીવંત બનાવ્યો હોય, પણ એવા દાખલા કેટલા? અને આ દાખલોય છેવટે તો એક દંતકથા કે વારતા જ ને? એમાં સત્ય કેટલું? અંતિમ સત્ય તો માત્ર મૃત્યુ જ છે! અરબી ભાષામાં કહેવાય છે કે મૃત્યુ એ કાળું ઊંટ છે, જે દરેકને લઈ જવા તેના ઘરની આગળ બેઠેલું હોય છે. આપણા જન્મની સાથે જ મૃત્યુ પણ જન્મતું હોય છે. આપણે સમયના પીંડમાં બંધાયેલા છીએ. તેનું ચક્ર ફર્યા કરે છે, ગળતી રાત જેમ પીંડ ઓગળતો જાય છે. જીવન નામના ધીમા ઝેરથી દેહ જીર્ણ થતો જાય છે અને આખરે મૃત્યુના દ્વાર પાસે આવી પહોંચીએ છીએ. જોકે મૃત્યુ તો આપણી સાથે હતું જ!
પરાજિત ડાભી ભલે નથી, પણ તેમનું સર્જન હંમેશાં રહેશે. તેમની એક ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
પગ હતા, પગલાં હતાં, રસ્તો જ ન્હોતો,
સ્વર હતો, પ્હાડો હતા, પડઘો જ ન્હોતો.
નાવ લઈને ખારવો ઊભો હતો પણ,
શઢ હતો, મંજિલ હતી, દરિયો જ ન્હોતો.
ભીંત સૌ ધ્રૂજી રહી નિર્વસ્ત્ર થઈને,
ઘર હતી, બારી હતી, પરદો જ ન્હોતો.
માણસો ટોળે વળ્યા લઈને મશાલો,
ડર હતો, ગુસ્સો હતો, તણખો જ ન્હોતો.
માણસાઈનો પછી પત્તો ન લાગ્યો,
શોધવા આ હાથમાં દીવો જ ન્હોતો.
– પરાજિત ડાભી
પરાજિત ડાભી ના અવસાનના સમાચાર દુ:ખદાયક.બંને રચનાઓ અત્યંત સુંદર છે.
LikeLike
એક ગળતી રાત જેવો છે સમય, ને-
ઝેરની ધીમી અસરમાં એકલો છું.
અદભુત
સ્વ.– પરાજિત ડાભીની સુંદર રચનાનુ અનિલ ચાવડા દ્વારા સરસ રસદર્શન
LikeLike