દેવદૂત બની ગયેલો માણસ
બાબુ સુથાર
એવું કહેવાય છે કે ઇટાલિયન લેખક ગેસુઆલ્ડો બુફાલિનો (Gesualdo Bufalino) એનાં લખા઼ણોમાં શબ્દોના વાવાઝોડાની સામે લડતો હોય છે અને એમ કરતી વખતે એ જે કોઈ શબ્દો કે વાક્યો એના હાથમાં આવે એને કથામાં મૂકી દેતો હોય છે. એને કારણે ઘણી વાર એના સર્જનમાં આવતી ઘટનાઓ સરળતાથી જોડાતી ન હોય એવું લાગતું હોય છે. સાચું પૂછો તો આ એની શૈલી છે. એનું કાવ્યશાસ્ત્ર છે. આ લેખક એનાં લખાણોમાં એક પ્રકારની અરાજકતા ઊભી કરવાનો પ્રયાસ કરતો હોય છે. એ અરાજકતા પાછી ભાષા પૂરતી જ મર્યાદિત નથી રહેતી. ત્યાંથી પણ આગળ જતી હોય છે.
આપણા ત્યાં એમ કહેવામાં આવ્યું કે વાર્તાકાર વાસ્તવિકતાનું કાં તો નિરૂપણ, કાં તો રૂપાન્તર કરતો હોય છે. આ વિધાનને જો આપણે જરા ધ્યાનથી જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આ બન્ને કિસ્સાઓમાં આપણે વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેતા હોઈએ છીએ. પહેલા કિસ્સામાં વાયા નિરૂપણ અને બીજા કિસ્સામાં વાયા રૂપાન્તર. પણ, બુફાલિનો એમ નથી કરતા. એ એમની કથાને વાયા નિરૂપણ કે વાયા રૂપાન્તર નથી જોડતા. એ ફેન્ટસી વડે જોડતા હોય છે. જો કે, એનો અર્થ એવો પણ નથી કરવાનો કે એની વાર્તાઓને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી હોતો. હોય છે. ગાઢ સંબંધ હોય છે. પણ એ સમજવા માટે આપણે ત્રીજો માર્ગ લેવો પડે.
એની The Inveded Man નામની વાર્તામાં પણ આવું જ બને છે. આ વાર્તાના નાયક વિન્ચેન્ઝિનો લા ગ્રુઆને એકાએક એવું લાગવા માંડે છે કે એ દેવદૂત છે! એટલું જ નહીં, એને એવું પણ લાગે છે કે એ ઊંચામાં ઊંચા પ્રકારનો દેવદૂત છે! વાર્તાના આરંભમાં જ એ જાણે કે સોગન ન લેતો હોય એવી ભાષામાં આવી જાહેરાત કરે છે અને પછી એ એના દેવદૂત તરીકેના જીવનની વાત માંડે છે ને આપણે સાંભળતા હોઈએ છીએ. આપણું વાંચવું અંતે સાંભળવું બની જતું હોય છે.
એ કહે છે કે એક દિવસ એ બાથરૂમમાં નાહી રહ્યો હતો ત્યારે એકાએક એને એવું લાગેલું કે એ એનું વજન ગુમાવી રહ્યો છે અને હળવો બની રહ્યો છે. દેવદૂત તરીકેની આ એની પહેલી અનુભૂતિ. પછી એક દિવસ એ એના શર્ટ પર લોહીનો ડાઘો જુએ છે. એને સમજાતું નથી કે આ લોહીનો ડાઘો ક્યાંથી આવ્યો હશે. જ્યારે ફરી વાર આવું થાય છે ત્યારે એ દર્પણ સામે ઊભો રહે છે. જુએ છે તો એની બોચીમાં બે બાજુ બે ઘા પડેલા છે. એ ઘામાંથી લોહી વહી રહ્યું છે. એને લાગે છે કે હવે મારે દેવદૂતની જેમ પાંખો ઊગી રહી છે. એ એની બહેનપણી એમિલિયાને પણ આ વાત કરે છે પણ એ એની વાતને હસી કાઢે છે.
બાકી હોય એમ થોડા દિવસ પછી એના વાળ પણ ખરવા લાગે છે અને થોડા દિવસમાં પાછા એને દેવદૂતને હોય એવા વાળ આવી જાય છે! હવે એના માટે બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની જાય છે. યુવતીઓ એને આંખ મારે છે, લલચાવે છે. જો કે, એ આવી ઘટનાઓથી મનોમન ખુશ થતો હોય છે. પણ, એ દેવદૂત છે એટલે કોઈના પ્રેમમાં પડતો નથી. એક વાર તો એક પુરુષે એની આગળ ઘૂંટણીએ બેસીને એના હાથે ચૂમી કરી લીધેલી! એને એનાથી ખૂબ આશ્ચર્ય થયેલું.
જો કે, એ આગળ જતાં કબૂલ કરે છે કે દેવદૂતનું જીવન ઘણી વાર બિહામણી ઘટનાઓથી ભરેલું હોય છે. એ કહે છે કે એક વાર હું દર્પણ પાસે ઊભો રહ્યો તો ત્યાં જ મારાં પીંછા ખરવા લાગેલાં. હું ત્યાંથી ખસી ગયો પછી મને એ દેખાયેલાં. આવું બેચાર વાર બને છે.
હવે એને પ્રશ્નો પણ થવા લાગે છે. એને થાય છે: મારા પર કોઈ દેવદૂતે હુમલો તો નહીં કર્યો હોયને? કે પછી શું સાચેસાચ મારું દેવદૂતમાં રૂપાન્તર થઈ રહ્યું છે? હું કોઈ પદભ્રષ્ટ દેવદૂત તો નહીં હોઉં ને? એને લાગે છે કે કદાચ કોઈક શેતાન એનામાં પ્રવેશી ગયો છે. અહીં લેખક Exorcism ફિલ્મનો હવાલો પણ આપે છે. એની બહેનપણી પણ એને કહે છે કે તને બીજું કઈ નથી પણ Exorcismમાં બને છે એમ તારામાં પણ કોઈક શેતાન પ્રવેશી ગયો છે. જવાબમાં એ એની બહેનપણીને કહે છે કે જે હોય તે પણ હું પીડા સહન કરું છું એનું શું?
આખી વાર્તા પહેલા પુરુષમાં કહેવામાં આવી છે. પણ લેખકે એવી યોજના કરી છે કે આપણે વાંચીએ ત્યારે આપણે ઘડીકમાં એને માણસ તરીકે જોઈએ તો ઘડીકમાં દેવદૂત તરીકે તો ઘડીકમાં શેતાન તરીકે. આ અસ્થિરતા આપણને ગમી જાય છે.
આગળ એ આપણને કહે છે કે ગઈ કાલે તો કોણ જાણે કેમ હું એકાએક લેટિન ભાષા બોલવા લાગેલો. એ વખતે હું સિનેમામાં હતો. એ લોકોએ મને થિયેટરની બહાર તગેડી મૂકેલો. કેમ કે એમને મારી લેટિન ભાષા સમજાતી ન હતી.
અહીં ‘ગઈ કાલે’ શબ્દ ખૂબ મહત્ત્વનો છે. આ વાર્તા ૧૯૮૬માં પ્રગટ થયેલી. તો પછી આપણે અહીં ‘ગઈ કાલે’નો શો અર્થ કરીશું? વાર્તા લખાઈ છે તો વરસો પહેલાં. એમ છતાં ‘ગઈ કાલે’ના કારણે આપણે એવું સ્વીકારવું પડે છે કે આ ઘટના કાલે જ બની છે. એથી જ આ કથક આપણને આપણામાંનો એક લાગવા માંડે છે.
જેમ જેમ કથક એની વાત પૂરી કરવા ભણી જાય છે એમ એમ આપણે જોઈ શકીએ છીએ કે એ ઘડિયાળના લોલકની જેમ ઘડીકમાં વાસ્તવિકતામાં અને ઘડીકમાં ઉન્માદમાં પ્રવેશતો હોય છે. આ અસ્થિરતા વાર્તાની ભાષામાં પણ જોવા મળે છે. અને હા, આ જ અસ્થિરતાને આપણે જે તે સમયના રૂપક તરીકે પણ જોઈ શકીએ. મને લાગે છે કે આપણા સમયમાં પણ એવી જ પરિસ્થિતિ છે. અસ્થિરતા હવે આપણા રોજબરોજના વર્તનનો અંશ બનવા લાગ્યો છે.
છેલ્લે, કથક ઊર્ફે લા ગ્રુઆ કહે છે કે હું અત્યારે મેન્ટલ હૉસ્પિટલમાં છું. એમિલિયા છાપાં લાવે છે. હું વાંચું છું. હવે મારી ભાષા રાબેતા મુજબની બનતી જાય છે. પણ, સવાલ એ છે કે આપણે એની વાત સાચી માનીશું ખરા?
કેટલાક ગુજરાતી સાહિત્યકારો કહે છે કે આ પ્રકારની ફેન્ટસી કથાઓ હકીકતમાં તો વાસ્તવિકતામાંથી છટકવા માટે હોય છે. હું માનું છું કે આ માન્યતા બરાબર નથી. હકીકત એ છે કે ફેન્ટસીમાં લેખક વાસ્તવિકતામાં ઝંપલાવતો હોય છે અને વાચકોને પણ એમ કરવા માટે મજબૂર કરતો હોય છે.
જો કે, ફેન્ટસીના લેખકે એક પડકારનો સામનો કરવો પડતો હોય છે: વાસ્વિકતામાં ઝંપલાવ્યા પછી એમાંથી બહાર નીકળવાનો પડકાર. અહીં કથક કહે છે કે હું અત્યારે મેન્ટલ હૉસ્પિટલમાં છું એમ કહીને લેખક આપણને મુંઝવણમાં મૂકી દે છે ને એ પેલી ફેન્ટસીમાંથી બહાર નીકળી જાય છે.
હવે છેલ્લે, પેલો પ્રશ્ન: આ વાર્તાને આપણા સમયની allegory તરીકે વાંચી શકાય કે નહીં? Allegorical વાંચનમાં એક કોઠામાં વાર્તા મૂકવાની, બીજા કોઠામાં આપણો સમય. પછી બન્નેને જોડવાનાં. પ્રયત્ન કરજો.
આજના સમય સાથે આ વાર્તા જોડી શકાય. મોટાભાગે આધુનિક માનવ કયારેક ગુરુતાગ્રંથિ તો કયારેક લઘુતાગ્રંથિ વચ્ચે ઝૂલે છે. તેનું વિશુદ્ધ વ્યકિતત્વ જ રહ્યું નથી.
LikeLiked by 3 people
atyarni paristhitima jodvu hoy e jode ane shekhachallina vicar karva hoynte kare. aapana emma ketala taka babbhai.
LikeLiked by 1 person
.
વાર્તા દેવદૂત બની ગયેલો માણસનો મા બાબુ સુથાર દ્વારા સ રસ આસ્વાદ
.
આ વાર્તા આપણા સમયના દૃષ્ટાંત રૂપક તરીકે જરુર વાંચી શકાય .
LikeLiked by 2 people