“વાંસળી મૂક હવે એક બાજુ, ભણીશ નહી તો અમારી જેમ ખેતરમાં મજૂરી કરવી પડશે.” પિતાનો આ આદેશ પાળ્યા વગર નવ વર્ષના મિહિરનો છૂટકો ન હતો.
વાંસળી જ નહી સંગીતના બધા જ વાજીંત્રો મિહિરને શિશુકાળથી ખૂબ જ પ્યારા પણ ગામડાં ગામમાં અન્ય વાજીંત્રોનો તો સ્પર્શ પણ દુર્લભ! ક્યારેક કોઈક ભજનમંડળી આવે ત્યારે જ જોવા સાંભળવા મળે! મંદિરની ઝાલર એનું દીલ ડોલાવી દે અને વાંસળી સાથે દોટ મૂકીને વાંસળીવાળાના ઓટલે બેસી એની વાંસળીના સૂર સાથે સૂર મીલાવવા એનું મન તલપાપડ થતું પણ અભ્યાસ મૂકીને જવાય જ નહી ને!
“આ મિહિરને તો અમારે ડોકટર બનાવવો છે.” પિતાના સ્વપ્ન સાંભળીને એને પુરૂં કરવા એ મથ્યા કરતો અને વાંસળી પર ધૂળ ચઢ્યા કરતી. પછી તો વાંસળી, એની સાથેના બાળપણના સંભારણા, મિત્રોની મજાક, બાપાના ઠપકા અને શેરીની ધૂળ બધું દૂર થતું ગયું. પહેલાં પિતાના અને પછી પત્નીના સ્વપ્નો પૂરા કરવામાં સંગીત પ્રત્યેનો પ્રેમ હ્રદયમાં ઊંડે ધરબાઈ ગયો. વર્ષોના વ્હેણમાં પૈસા ભેગા થતા ગયા અને જીંદગી ખર્ચાતી ગઈ.
પ્રતિષ્ઠીત ડોકટરની વ્યસ્ત જીંદગીમાં ભૂલાયેલ વાંસળીના સૂર દૂર નીકળી ચૂક્યા હતા. નાનકડા શહેરની મોટી શેરીના કાટખૂણે આવેલ નિદાનકેન્દ્રમાં એમનો વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. એક દિવસ બહાર નીકળીને રોજીંદા ક્રમ પ્રમાણે તેઓ કારમાં બેસવા જતા હતા ત્યાં સામેની દુકાન પાસે ઉભેલા નવ વર્ષના એક બાળક પર તેની નજર પડી. એના હાથમાં વાંસળી જોઈ પગ થંભી ગયા. બાળપણનો મિહિર જાણે એ તરફ જવા પ્રેરતો હતો. બાળક પાસે જઈને એણે ખૂબ પ્રેમથી પૂછ્યું, “આ વાંસળી મને આપીશ?”
બાળકે એના હાથમાં વાંસળી મૂકી અને મિહિર બદલામાં રૂપિયાની મોટી નોટ આપી પૂછ્યું, “ ચાલશે?” બાળકે હકારમાં માથું ધૂણાવ્યું.
પાછા વળીને કારમાં બેસતા પહેલાં જ વાંસળીને એમણે હોઠ પર મૂકી. જમણી બાજુથી આવતી એક કારનો એમને ધક્કો લાગ્યો અને ઓચિંતી બ્રેકની ચરચરાટી ભરી ચીસમાં વાંસળીના સૂર ડૂબી ગયા…પણ એક જ ક્ષણ અને ડોક્ટર બચી ગયા. વાંસળીએ એમને જીવતદાન આપ્યું હતું ને! રોમેરોમમાંથી નીતરતા આનંદ સાથે કારની સીટ પર બેસી ડ્રાઈવરને ગાડી હંકારવાની સંજ્ઞા આપી મિહિરે વાંસળી વગાડવાનું ફરી શરૂ કર્યુ.
———
કાળચક્ર રેખા સિંધલ
તરસનો દરિયો પી અને પ્યાસ બુઝાવી આશની
ભુખની જ્વાળાને ઠારી નકોરડાં ઉપવાસથી
કામની તડપને ઝડપથી વાળી કાર્યોમાં અંતે,
ઈચ્છાઓના સ્મશાનમાં, સળગતી રાખના ઉજાસમાં
ભૂત કહે ભાવિને, તારી સંગાથે આજ આનંદ ભયો
પણ પળમાં જ હું થયો નાનો, તું સદાય મોટો
તું પલટતો હું માં અને થાય ક્ષીણ ક્ષણે ક્ષણે.
———–
જ્યારે પ્રયત્નો ઓછાં પડે ત્યારે સમર્પણ અને સ્વીકારનો ભાવ આવી જાય છે.
ભૂતકાળ યાદ કરી ભવિષ્ય થોડો સમય આનંદ પામે, પરંતુ ભવિષ્યની ચિંતાઓ મોટું સ્વરૂપ લઈ લે છે.
ભૂતકાળ- તું અને ભવિષ્ય -હું, ભૂતકાળ ક્ષીણ થતો જાય અને ભવિષ્ય પ્રાધાન્ય લે છે.
રેખા સિંધલ…અક્ષયપાત્ર/Axaypatra
——————————————————————————————-
યાદ ન કરાવ….સરયૂ પરીખ
નહીં રે કરો મારા કાન્હાની વાત,
દિલના દરવાજેથી વાળી લ્યો વાત,
આરત અક્ષરની ના એને વિસાત,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત…..
ઉધ્ધવજી આવ્યા ને લઈ ગ્યાં અમ પ્રાણ,
હવે એની લગનીના ચાલ્યાં લખાણ,
રહેવા રે દયો હવે એના વખાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત…..
રુકમણી બોલાવે દોડી ગ્યા ક્હાન,
હવે એની પ્રીત્યુની ત્રિલોકે જાણ,
આકરી રે સુણવી એ અપહરણ ક્હાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત…..
વાતને વિસારૂં ઘાવ મ્હાણ રે રૂઝાય,
આંખોની ઓઝલમા નીર જઈ સૂકાય,
જીવ મારો રહી રહીને કળીયે કપાય,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત…..
એંધાણી આજ લહે ધ્યાન મારૂં બ્હાર,
અષાઢી અંબર ઝળુંબે મારે દ્વાર,
‘તારો છું‘ કહીને આલિંગે ઘનશ્યામ,
સખી! વ્હાલપ વિભોર સુણું કાન્હાની વાત…..
———
કોલેજમાં ભણતો અને નવા સંબંધોમાં ખોવાયેલો દીકરો ઘેરથી જાય પછી માતાનું દર્દ કેવું હોય! અને એક હેતભર્યા બોલથી માને કેવી રીતે જીતી લે છે…
પ્રતિભાવઃ તમારી કૃષ્ણની કવિતા ખરેખર અનોખી, અનેરી છે, અને મને અત્યંત પ્રિય છે. Dr. P. A. Mevada
સુ શ્રી રેખા સિંધલનુ કાવ્ય વાંસળી…અને એક જ ક્ષણ અને ડોક્ટર બચી ગયા. વાંસળીએ એમને જીવતદાન આપ્યું હતું ને..મજાની વાર્તા અને કાળચક્ર સ રસ કાવ્ય
સુ શ્રી સરયુ પરીખની કૃષ્ણની કવિતા અનેરી અને માધુરી
LikeLiked by 1 person
BHAGWAN SHRI KRISHAN NE VASDI PRIYA HATI. VASDI VAGE NE GOPIO DODI AVE.TEVIJ RITE DR.MIHIR BHAI A VASDI HOTHE MUKI NE KRISHNA DODI AVYA MIHI BHAI NE BACHAVA. KRISHNA NI VASDI NO CHAMTKAR. REKHA BEN NU VASDI KAVYA ANE SARYUBEN NI VARTA PURTI RANG LAVI JANE KE VASDI VAGI RE KANAYA NI.
ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી પ્રિય હતી. વાંસળી વાગે ને ગોપીઓ દોડી આવે.
રેખાબેનની ‘વાંસળી’ વાર્તા અને સરયૂબેનનું કાવ્ય પૂરતી રંગ લાવી, જાણે કે વાંસળી વાગી રે કનૈયાની.
LikeLike