સાચી ગજિયાણીનું કાપડું – (ગતાંકથી ચાલુ)
(આગલા પ્રકરણમાં આપે વાંચ્યું કેઃ નિમ્ન જાતિનો લખુડો શેઠ શિવલાલની ગામની એકની એક હાટડીએ આવે છે, સાચી ગજિયાણી** નું કાપડું લેવા. (**ગજિયાણી- એ નામનું એક જાતનું રેશમી કાપડ) લખુડાના વાસમાં, કાકાના ઘેર રહેતી, મનિયા અને જમનીની દીકરીનું આણું હતું. મનિયાના કોગળિયામાં થયેલા અકાળ મરણ પછી, એની ઘરવાળી જમનીએ, દસ વરસની છોકરીને એના કાકા પાસે છોડીને નાતરું કર્યું. લખુડો અને એ છોકરી ભેગા રમીને મોટાં થયાં હતાં. લખુડો પોતાની બાળપણની ભેરુને એના આણાં વખતે, એ નમાઈ છોકરીને સાચી ગજિયાણીનું કપડું પહેરામણીમાં આપવા માગતો હતો. એ લેવા જ એ શિવલાલશેઠની દુકાને આવે છે. એની પાસે હમણાં તો પૈસા નથી અને એ એવી આશા પણ રાખે છે કે શેઠ એને આ કાપડું ઉધાર આપશે. શેઠ સાચી ગજિયાણી અને ભરત ભરેલા કાપડ બતાવે છે. હવે અહીંથી વાંચો આગળ)
શિવલાલનો જીવ પણ રોનકમાં આવી ગયો હતો, એમણે ફટ દઈને ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યાઃ ‘ને એથીય વધુ શોભાવવું હોય તો જો આ ભરત ભરેલો જાણે જીવતો જાગતો મોર…! બોલ આપું આમાંનું?’
લખુડાને આજે શિવલાલનો જીવ કંઈ બદલાયેલો લાગ્યો. અમથા યે પૈસા લઈને જાઓ તોયે આવો ઊંચો માલ ન દેખાડે ને સામે પાછા કહે ય ખરાઃ ‘તમારી હલકી વરણને તો શોભતું હોય ને, ઈ જ શોભે! આની કિંમત તારાથી નહિ ઊંચકાયા! ગાંડા, ઠેઠ લગી વો’રિયે ને એવું જ પે’રવું કે લોકો પાછળથી ઠઠ્ઠા ન કરે!’
આવું કહેવાને બદલે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને બાંહો વગેરે લઈ ઊભા જ થઈ ગયા. લખુડા સામે આવી એ ભરત ઉપર પ્રકાશ પાડતા ને ખુશખુશાલ થતા, અવળે પાટે જ બોલવા લાગ્યાઃ ‘જો શોભવાની જ વાત કરતો હોય તો મરવો દે ગજિયાણીને! ને, લઈ જા પોપટ ને મોર ભરેલું ભરતનું આ રેશમી કાપડું.’ ને ઉમેર્યા જતા હતાઃ ‘પે’રનારીય જિંદગીમાં યાદ કરશે વળી!’ પણ ભાન આવતાં લખુડા સામે આંખો ઉલાળી રહ્યાઃ ‘હા… તો બોલ, છે વિચાર?’
તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પૂરાવતા આબેહૂબ લાગવા માંડ્યા…
પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી, પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યોઃ ‘પણ, એની કિંમત તો કો’ એક ફરા!’
શેઠની સાન પણ આ સવાલ સાંભળીને જાણે ઠેકાણે આવી. ‘વીસ રૂપિયા’ – કહી પાછા ફરતા બોલવા લાગ્યા. ‘આ તો હું તને ભાળું છું ને કહું છું, જેવી પે’રનારી ને જેવો પે’રાવનારો! બાકી તારા જેવાનું આ ગજું નહિ!’ ને, વળી પાછો ગજિયાણીનો પેલો પહેલો તાકો સંભાળતાં પૂછ્યું; ‘લે, બોલ, હેંડ, ફાડુંને આમાંથી?’
લખુડાને કહેવાનું મન થયું કે, મારી કિમત તો સમજ્યા, પણ પે’રનારીને તમે ક્યાં ભાળી છે કે એની કિમત કરો, પણ મૂંગો રહ્યો કારણ એનો જીવ પેલા ભરત ભરેલ પોપટ-મોરમાં ભરાઈ રહ્યો હતો.
હિસાબ ગણતાં શેઠ બોલ્યાઃ ‘કિંમત તો દોઢ રૂપિયાની ગજ ગજિયાણી અને મોરિયાં-કટોરીઓનાં થઈને રૂપિયો એક પડશે. બોલ, ફાડુંને?’
‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ ઉમેર્યું, ‘પણ, એટલું કે એક તો એ નમાઈ છે ને એને પાછું આગળ પાછળેય કોઈ નથી કે પાછળથી મામેરા જેવા સારા અવસરેય મોઘું લૂગડું પે’રવા મળે! એટલે મનભરીને પે’રે એવું આલો. આ તો મેં તમને કીધું પણ પછી તમને જે ગમ પડે તે…’
શેઠ થોડા અકળાઈને બોલ્યા, ‘અરે પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ! આ વખતે એની મા નઈ આવી પણ પાછળના અવસરમાં તો…’
લખુડો વચમાં જ બોલી ઊઠ્યો, ‘એ તો ભૂલી જ જજો કાકા..! મા આ છોડીને મૂકીને નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ સમજી લેવા!’
તાકો ઉકેલતા શેઠ માનતા જ ન હોય તેમ તાકી રહ્યા. ગજ ભરતાં બોલ્યાઃ ‘બેસ, બેસ હવે! તમારે નાતરિયા નાતને આટલી બધી આંટી તે…’
‘પણ આ તો એણે કર્યું જ આંટી પડવા સરખું ને કાકા?’
‘શાની આંટી ને શાના લોચા વાળે છે મૂરખા?’ શેઠે ગજ ભરવામાં જ મૂળ લક્ષ હોય એ રીતે કહ્યું.
‘તમે તો એમ માનો નહિ કાકા! અમારી નાતને તમે હજી ઓળખતા નથી. એ બાઈએ – રાડેલી હતી ને પાછી પેટે…. અમારા નાતના પંચાતિયાઓ પૂછી પૂછીને થાકી ગયા તોયે એવી જબરી કે કોઈનું નામ ન પાડ્યું તે ન જ પાડ્યું! ત્યારે પછી પંચ તો થાય જ ને ભૂંડીના! ‘ચોર થાઓ કે ચોર ભાળો’ આમ કરીને અમારા આખાય વાસને દંડ ઠપકાર્યો. અરે, મારે ને જમનાકાકીને શું? હું તો એમના દીકરા જેવડો તોયે મારે વીસ રુપિયા દંડ ભરવો પડ્યો’તો! પછી અમે પણ નિયમ કર્યો કે એણે ભલે કોઈનુંય નામ નો પાડ્યું પણ હવે સારે-હીણે અવસરે કાં એ નઈ કે કાં તો અમે નઈ! બસ…!’
‘મરવા દે. હેંડ, બોલ, ફાડું ને ત્યારે -‘શેઠને પોતાની સુસ્તીનું જાણે ભાન થઈ આવ્યું.
‘હા, પણ અડધો ગજ લીલું ને અડધો ગજ રાતું હોય તો કાકા… એક રંગની બાંયો તો બીજા રંગના બે પડખાં.. બીજું કંઈ નંઈ પણ શોભત સારું.’ લખુડાએ બને એટલી નમ્રતાથી કહ્યું.
શેઠનેય થયું કે પોતાનું આજે ભવન ફરી ગયું છે. બોલ્યાઃ ‘અરે આમાંનું આ અડધો ગજ લે. ને હેંડ! પણ ફાડું ને હવે?’
લખુડો સમજી ગયો કે શેઠ પોતાનો જીવ પેલા બીજી જાતના કપડામાં છે એ જાણી ગયા છે ને એટલે જ બોલવાની હિંમત એણે કરી જ નાખીઃ ‘તમે જો ઠીક કરીને આલો તો પેલું ભરત ભરેલા કાપડનું તો આપણું ગજું નંઈ પણ મેકું અવતારમાં આવીને આ સાચી ગજિયાણીનું કાપડું એ નમાઈને –‘
કોણ જાણે કેમ શિવલાલકાકા એકદમ ભડકો થઈ ગયાઃ ‘ઊઠ, ઊઠ અહીંથી… એ તો લીધાં તેં કાપડા..!સાલી લુચ્ચી જાત…! પૈસા ખરચવા નઈ ને નમાઈ નમાઈ કરીને –‘
લખુડો તો આભો જ બની ગયો. ધૂંવાપૂંવા થતા શેઠને પેલાં મોરિયાં-કટોરીઓ વાળતા જોઈને લગભગ કરગરી જ પડ્યોઃ ‘અરે પણ કાકા! મરશે. સાચી ગજિયાણી નઈ તો ઓલી જૂઠી તો આલો મા બાપ!’
પણ શેઠ તો ત્યાં બબડી રહ્યા હતાઃ સાલાં, હલકા વરણને ચઢાવ્યાં તેમ પાછા નીચે..’
લખુડો હવે કરગરતો જરા જોરથી બોલ્યોઃ ‘હું તે જ કહું છું ને કાકા.. ન મળે મારે સગાઈ કે સાધો.. આ તો નમાઈ ગણીને વો’રવા નીકળ્યો’તો.’
કોણ જાણે કેમ, શેઠ નમાઈ શબ્દ વારંવાર વાપરવાથી ચીઢાઈ રહ્યા ‘તા. પણ એમને ક્યાં ખબર હતી કે આ જુવાનિયો તો સાચી ગજિયાણીનું કાપડું કો’કને પે’રવાનું વાજબી ઠેરવવા જ આ શબ્દ શેઠ સામે વારંવાર કહેતો હતો જેથી એમના દિલમાં દયા જાગે અને આવું મોઘું કાપડ નહીં તો ઉધાર નઈ મળે, એનીય બીક ઊંડેઊંડે ખરી.
પણ શેઠે એમના ધૂંધવાટને મહામહેનતે દબાવીને ને માત્ર ડોળાં કાઢીને આ છોકરાને દબાવી દીધો. બે પાંચ ક્ષણ તાકી રહ્યા પછી બોલ્યા મક્કમ વલણથી અને ઠંડા અવાજેઃ ‘જો હવે ચુંય કર્યું છે તો!’ ને ભરત ભરેલું પેલું કાપડ કાઢતાં ઉમેર્યુંઃ ‘હું જે આપું એ છાનોમાનો લેતોકને હેંડતો થા!’
પણ લખુડો શેઠના હાથમાં ભરત ભરેલું કાપડું જોઈને અકળાઈ ઊઠ્યો. એને સમજાતું નહોતું કે આ સારું થઈ રહ્યું’તુ કે ખરાબ? રાજી થવું કે દુઃખ લગાડવું? એ અંદર ને અંદર અકળાઈ રહ્યો’તો. બોલે તો શેઠ ધુત્કારી કાઢે છે અને ન બોલે તો…શું અને કેટલાં રૂપિયા થાશે એ સમજાતું નથી! એ મનોમન બબડી પડ્યો, ‘ઓ બાપ! એક કાપડના વીસ રૂપિયા…પૂછાતું ય નથી કે કેટલા દેવાના રે’શે!’
પણ શેઠને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને જાણે એનાથી ચીસ જ નંખાઈ ગઈઃ ‘ના કાકા, આલો તો સાચી ગજિયાણીનું..’
‘અરે, તને મૂલમાં પરવડશે એવું કરીશ. તું તારે લઈ જાને!’ શેઠ પાછા ખુશમિજાજમાં આવતા જતા હતા.
‘મૂલનું તો ઠીક કાકા પણ આટલું ઊંચી જાતનું કાપડું લઈ જાઉં તો પે’રનારીને તો જોઈને જ રાજી થાવાનું ને? આવું કાપડ ઘરના વિવા વિના ક્યાં બીજા અવસરમાં પે’રાવાનું? સાચી ગજિયાણીનું તો નાના મોટા ગમે તે દનેય પે’રાય.’
શેઠ તો એમની ઈન્દ્રિયો જાણે ક્યાંક અટવાઈ પડી હોય એ રીતે જોઈ રહ્યા. બોલ્યા, તે પણ ઊંડેઊંડેથીઃ ‘સાચું કે’જે લ્યા, આ તેં હમણાં કહ્યું કે, આ ભરત ભરેલું કાપડું તો જોઈને રાજી થવાનું કે પે’રીને, એ વાત તેં કોઈની કહેલી કહી કે તારી મેળે કહી? જૂઠું બોલ્યો તો યાદ રાખજે કે દુકાનનું આંગણું જ નહિ ચઢવા દઉં!’
લખુડો તો શેઠની પોલીસના જેવી સૂરત જોઈને હેબતાઈ જ ગયો. કરગરતા અવાજે બોલ્યો” ‘ના હો, આ મારા ઘોગળાના (ગળાના) સોગન, જો જૂઠું કે’તો હોઉં તો! અરે આ છોડીના જ ઘરનો હું તમને દાખલો આલું ને તોયે જો માન્યામાં ન આવતું હોય તો એની માનું આવું જ ભરત ભરેલું કાપડું લાવીને દેખાડું. આંઈ મૂકીને જ ગઈ નાતરે! પછી તો તમે માનશોને કે લખુડો કે’છે એમ, જોઈને જ રાજી થવાની વાત છે?’
ત્યાં તો શેઠે પેલા સાચા ગજિયાણીના કાપડા માટે દરજીની અદાથી ફટોફટ કાતર ચલાવવા માંડી હતી. ઘડીકમાં તો એ બધો જ સરંજામ કાપી, ગોઠવી, એનું બીડું વાળી, લીલાં પીળાં મોતી ભરેલી ને રંગબેરંગી ગોટા ગૂંથેલ પેલી કસો ઉપર વીંટતાક ને એ લખુડાના ખોળા તરફ ઉછાળ્યું પણ ખરુંઃ ‘લે, હેંડતો થા, કંઈ પણ બોલ્યા વગર!’
તો લખુડો પણ – બોલવાનું તો ઘણું ઊભું થયું‘તું, પણ એ કંઈ પણ બોલ્યા વિના બંડલ લઈને ચાલતોક થયો. મૂલ શું માંડ્યું, એ પણ પૂછવા ન’તો રોકાયોઃ ‘મરશે, નામા વખતે ખબર પડશે!’
પણ હાય રે, લખુડા, નામા વખતેય આ ડાહીમાના દીકરાએ મગનું નામ મરી જ નો’તું પાડ્યું! નામામાં સાચી ગજિયાણીના કાપડાનું નામ જ ન બોલ્યું!
ને આ જાણી લખુડો એવો તો આ નામા વખતેય મૂંઝાઈ રહ્યો! ને, અંતે પછી ગાલમાં હસતાં મનને એ મનાવી રહ્યોઃ ‘લખવું ભૂલી ગ્યા, એમ જ સમજ, લખુડા! નકર તું જ કે. આ નમાયી છોડીને ને શેઠને શું? એટલે એ તો ચોપડામાં ભલે ન બોલ્યું, બાકી પે’રનારીના કાળજામાં તો લખાઈ જ ગયું ને કે લખુડાએ જ ગોઠીપણાની યાદમાં આ સાચી ગજિયાણીનું કાપડું પે’રાવ્યું! બસ, ત્યારે!’
સમાપ્ત
સાચી ગજિયાણીનું કાપડું –પન્નાલાલ પટેલની સ રસ વાર્તાનો અણકલ્પ્યો અંત-ચોપડામાં ભલે ન બોલ્યું, બાકી પે’રનારીના કાળજામાં તો લખાઈ જ ગયું ને કે લખુડાએ જ ગોઠીપણાની યાદમાં આ સાચી ગજિયાણીનું કાપડું પે’રાવ્યું! બસ, ત્યારે!’
LikeLiked by 2 people