રુક્ષ્મણીની સોડ
“એષા, આટલા બધા સારા સારા ડ્રેસ છે, સરખો ડ્રેસ પહેરને કોલેજ જતાં.”
“મમ્મી મારે ભણવા જવાનું છે, ફેશન શોમાં નહિ, વળી આપણે વધારે પડતા ભડક-ફેશન વાળા કપડાં પહેરીને, ભણવા માંગતા સૌને ખલેલ શા માટે પહોચાડવી?”
આમ સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં જ હોવાથી એષા સળંગ સીએ થઇ ગઈ. એના કાકા મોટા બિલ્ડર હતા. તેમની ઓફિસમાં અનુભવ લેવા માટે જોડાઈ ગઈ. હવે મમ્મી તેના માટે છોકરાઓ શોધવા લાગી. બે ત્રણ સારા છોકરા હતા. એકબીજાને જોવાનું પણ થઇ ગયું, પણ એષાનું મન માનતું નહોતું. એવામાં અમેરિકાથી ખાસ છોકરી જોવા આવેલા છોકરાની વાત આવી. એષાએ કહ્યું, મોમ, હું ફોરેન તો ઠીક અમદાવાદની બહાર પણ જવા નથી માંગતી. મમ્મીને પણ એ વાતથી રાહત થઇ કે હાશ દીકરી પાસે રહેશે. છતાં પપ્પાની ઈચ્છા હતી એટલે, એકબીજાને જોવાનું ગોઠવાયું.
મલય ઘરમાં પ્રવેશ્યો તે પળ ગજબની હતી. પરદેશનો હતો, એટલે મળવા-કરવામાં એષા કે મમ્મીને રસ નહોતો. છતાં મલયનો પ્રવેશ જાણે ખુબ પોઝીટીવ લાગ્યો. બંને જ્યારે એષાની રુમમાં મળ્યા ત્યારે થોડી વાતચીતનાં અંતે મલયે કહ્યું, “મને ખબર છે, તમે અમદાવાદ છોડવા નથી માંગતા એટલે આપણો સંબંધ શક્ય નથી પણ હું મારી વાત કહું તો તમને જોતાં જ મને તો થયું કે, હું જેની શોઘમાં છું તે તમે જ છો.”
એષા આશ્ચર્યથી જોઈ રહી પછી કહ્યું, “તમે મને જે કહ્યું તે જ હું તમને કહું, એમ થાય છે, પણ મારી મમ્મી જન્મક્ષારમાં માને છે એટલે, તમારા જન્મક્ષાર હોય તો મમ્મીને આપજો. બીજા દિવસે જ્યોતિષીને મળવા એષા અને મલયનાં મમ્મી ગયાં. ઘરના સૌ એષાને ત્યાં રાહ જોઇને બેઠાં. બંનેનાં મમ્મી આવ્યાં ત્યારે, આશાભેર જોઈ રહેલાં સૌને લાગ્યું કે, જવાબ નકારાત્મક લાગે છે.
થોડી વાર ગંભીર મોં રાખીને બંને મમ્મીઓ ઉભી રહી, પછી એક સાથે બોલી, “ગોર બાપાએ કહ્યું કે, આ એ જ કુંડળીઓ છે જેમનાં લગ્ન થવાનાં જ છે.” પલભરનું મૌન અને પછી ખુશીનો માહોલ છવાઈ ગયો. બે દિવસમાં રીંગ સેરીમની ગોઠવાઈ ગઈ. મલય તો અમેરીકામાં જ જન્મેલો સિટીજન હતો એટલે એષાનાં વિઝા માટે તૈયારી થઈ શકે તે માટે રજીસ્ટર મેરેજ કરીને હિંદુ વિધિ ગોઠવીને વિઝા માટે જરૂરી ફોટા પડાવી લીધા. ખરા લગ્ન ૨૯ દિવસ પછી હતાં. બધું એટલું ઝડપથી થયું કે આ વરકન્યાનું જોડું આટલું સુંદર અને સંપૂર્ણ છે તેની નોંધ હવે લેવાઈ.
મલય અને એષા માટે શરુ થયો જીવનનો સુવર્ણકાળ. કોર્ટ મેરેજ પણ થયેલા હતાં એટલે બંને સિંગાપોર ઉપડી ગયાં. સુંદર દેશ અને સુંદર સાથી, બંને માટે દર પળે સ્વર્ગનું સુખ હાજર હતું. એકબીજાને પામીને તૃપ્તિ એવી હતી કે, જીવનમા કોઈ બીજું સુખ શોધવાની જરૂર નહોતી. બંને વચ્ચેનો પ્રેમ જાણે અલૌકિક હતો. એક થાળીમાં જમવું અને એક છત્રીમાં ઘૂમવું, એ નિત્ય ક્રમ થઇ ગયો. એક દિવસ તો તેમને એક છત્રી લઈને ઘૂમતાં જોઇને, એક ભાઈ મોટેથી બુમ પાડી “રાજકપૂર –નરગીસ” અને પછી ગાવા લાગ્યા ‘પ્યાર હુવા ઈકરાર હુવા હૈ પ્યારસે અબ ક્યું ડરતા હૈ દિલ.’
જોત જોતામાં સમય તો વીતી ગયો અને પ્રેમી પંખીડાં પરણીને પરદેશ પહોચ્યાં. દેશમાં તો અમુક મર્યાદાઓ તેઓના પ્રેમનાં વહેણને જાણે રોકતી. હવે અમેરિકામાં બંને બિન્દાસ્ત થઈને સહજીવન માણી રહ્યાં. એક પળ પણ છુટા પડવું તેમને વસમું લાગતું હતું. મલય જોબ પર જતો ત્યારે એષાની આંખો છલકાઈ જતી. તે પૂરો દિવસ મલય માટે નાસ્તો બનાવતી, સરસ રસોઈ તૈયાર કરતી, તેના કપડા ઈસ્ત્રી કરતી, ગોઠવતી, ઘર સજાવતી અને ગીતો ગણગણતી. જાણે શ્યામ વિરહમાં ઘેલી થયેલી રાધા. સાંજે ઘરે આવતાં જ મલય વ્હાલથી વીંટળાઈ વળતો. અને કહેતો તું મારા પ્રેમ નગરની રાણી, તારે કામ નહિ કરવાનું, જોબ પણ નહિ .બસ, તું અને તારી શણગારેલી સુંદરતા –એ જોવામાં જ મારે જીવન વિતાવવું છે. પોતાનાં જ પ્રેમને આમ ખુદ પર ફિદા થતો જોઇને એષા અહોભાવથી જોઈ રહેતી. પોતાના આવા ભાગ્ય પર તે ખુશ હતી.
ત્રણ વરસો વીતી ગયાં. એકબીજા માટેનો પ્રેમ અને ખેંચાણ એવાં ને એવાં અકબંધ હતાં. એ પ્રેમનાં અંકુર ફૂટ્યા અને ઘરમાં એક ફૂટડા દીકરાની કિલકારીઓ ગુંજી રહી. એષાને થયું મારે સાતે સુખ તો હતાં આ આઠમું સુખ! દીકરાના ઉછેરમાં પરોવાયેલી એષા હવે મલયને માટે ઝૂરવાનું તો જાણે ભૂલી જ ગઈ. મલય પણ સમજદારીથી દીકરા-“શામ”નાં લાલન પાલનમાં જોડાઈ જતો. એષાનો શા અને મલાયનો મ –એટલે શામ. અહીં પણ પેલી રાજાની કુંવારી જેવું જ થયું. શામ દીવસે ના વધે તેટલો રાતે વધતો! શામ શાળાએ જવા લાગ્યો. એને લેવા-મૂકવા જવું, જુદી જુદી એક્ટીવિટીમાં મુકવો, એના માટે લંચ-ડીનર-બ્રેકફાસ્ટ, આ બધામાં એષા મશગુલ રહેતી. પહેલા મલય માટે આવું બધું કરવામાં જે ખુશી મળતી એવી જ કે થોડી વધુ ખુશી મળતી. એ લોકોનું પેરેન્ટ્સનું એક ગૃપ પણ થઇ ગયું. એ ગ્રુપમાં એષા સૌથી વધુ ભણેલી અને બ્રીલીયંટ હતી. એ એટલું દેખીતું હતું કે સૌ તેની સલાહ લેતાં. એ ગૃપમાં એની એક ફ્રેન્ડ કહે, તું કહે તો વાત કરું, મારી ઓફિસમાં તારે લાયક એક વેકેન્સી છે, તારી ટેલેન્ટ આમ એળે ના જવા દે. એષાએ મલયને વાત કરી, એને ખાસ ના ગમ્યું પણ એણે હા પાડી.
હવે પ્રેમ સભર ગીતોથી પડતી સવાર, રઘવાટ અને દોડાદોડથી પાડવા લાગી. બધા પોતપોતાના સમયે નીકળી જતાં. એકબીજાને બાય કહેવાનો સમય પણ ભાગ્યે જ રહેતો. શનિ-રવિ, ‘તું આ કર, હું આ કરું, તેં પેલું ના કર્યું’ જેવી ઝંઝટમાં પતી જતાં. દરમ્યાનમા ઊંચી ડીગ્રી, ટેલેન્ટ અને નિષ્ઠાથી કામ કરવાની નીતિને લીધે એષાની જોબમાં ઝડપથી તરક્કી થવા લાગી. શામ ૭ વર્ષનો થયો એટલે એની જવાબદારી પણ ઓછી થઇ. એ સમયે મલયે બીજા બાળકની માંગ મુકી. અને એષાને ધ્રાસકો પડ્યો, મારી થાળે પાડેલી કારકિર્દી અટકી જશે. પછી રોજ એ વાતની ચર્ચા થતી, વાત ઝગડા સુધી પહોંચતી. એક દિવસ આવી ચર્ચા દરમ્યાન ગુસ્સામાં મલયે કહ્યું, “તને જોબ કરવા દીધી તે જ મારી ભૂલ થઇ.” “એટલે તું કહે તે જ મારે કરવાનું? શું હું ગુલામ છું?” “પત્નીએ હંમેશા પતિ કહે તે જ કરવાનું હોય, એને ગુલામી ગણે તો હા ગુલામી,” અને… અને .. એણે ના કહેવાની વાત કહી દીધી. “મલય, તું મારી પ્રગતિથી જલે છે? મારી જોબ તારા કરતાં ૪-૫ વર્ષ પછી ચાલુ કરીને છતાં, હું વધુ કમાણી કરું છું એટલે, તું બળે છે? મારી આગળ તું ઇન્ફીરીયર ફિલ કરે છે? તો સાંભળ, એ તારો પ્રોબ્લેમ છે. સો યુ હેવ ટુ ડીલ વિથ ઇટ.”
આ બનાવ પછી બંને વચ્ચે, વણબોલ્યા અબોલા થઇ ગયાં. એકબીજાને કંઈ કહેવું હોય તો દીકરા-શામને વચ્ચે રાખીને કહેતાં.- જા પપ્પાને જમવા બોલવ, મમ્મીને આપ, શામ આજે હું નથી જમવાનો. અને એવું બધું. આ દિવસોમાં બંને ને એક સત્ય લાગ્યું, કે મને પણ એના વિના ચાલે. અને એની સાથે જ જ્યાં પ્રેમનાં બંધન હતાં ત્યાં ઇગોએ અડીંગો જમાવ્યો. પછી તો બાકી શું રહે! એક સમયે જે વાતો સારી લાગતી તે ખામીયુક્ત અને દંભી જણાવા લાગી. દરેક પળે અને દરેક ડગલે એકબીજાની ખામી શોધીને ઝગડવાનું ચાલુ થઇ જતું. આવાજ કોઈ અશુભ દિવસે ખુબ ઊંચાઇએ પહોંચેલા ઝગડા વખતે મલયે જોરથી ઘાંટો પાડીને કહ્યું, “એય નીચ, મારાથી હવે તારી સાથે આ એક છત નીચે નથી રહેવાતું. આઈ વોન્ટ ડિવોર્સ.” ગુસ્સા અને ઉશ્કેરાટમાં પાગલ બનેલો મલય મોટે મોટેથી રાડો પાડવા લાગ્યો. વસ્તુઓ ઉપાડીને ફાવે ત્યાં ફેંકવા લાગ્યો. એના ગુસ્સાનો પારો એટલો ઊંચે હતો કે એને ખુદને અંદરથી ડર લાગવા માંડ્યો કે, હવે અહીં વધુ રોકાશે તો નક્કી કંઈ અનર્થ સર્જાશે. અને એ પોતાના કપડાં અને જરૂરી વસ્તુઓ લઈને ઘરમાંથી નીકળી ગયો.
મલયનું આવું વરવું રૂપ એષાએ પહેલી જ વાર જોયું. એ થોડી વાર ડઘાઈ ગઈ. એ બેગ લઈને નીકળતો હતો ત્યારે, એક પળ તો એને રોકી લેવાનું મન થયું. પણ જાગૃત થઇ ગયેલો હજાર મણનો ઈગો વચ્ચે આવ્યો અને એ યંત્રવત ઊભી જ રહી. સારું થયું કે, એ સમયે શામ બાજુમાં એના મિત્રના ઘરે રમવા ગયો હતો. નહિ તો બંનેનું બિહામણું સ્વરૂપ જોઇને તે છળી મરત. આવો વિચાર એષાને આવ્યો તે સાથે જ તેને બીજો વિચાર એ આવ્યો કે, શામ પપ્પાને નહિ જુએ અને કંઈ પૂછશે, તો શું જવાબ આપીશ! તેનું બુદ્ધિશાળી મગજ કે ઊંચી ટેલેન્ટ આ સામાન્ય પ્રશ્નનો જવાબ ના આપી શક્યા. મારા કુમળા બાળકનાં મન પર આની કેવી અસર પડશે? એ પ્રશ્ન ભૂતાવળ બનીને તેની આગળ નાચી રહ્યો. તેને થયું કાશ, શામ થોડો મોડો આવે અને મને કોઈ જવાબ મળી જાય! એ જ ક્ષણે ડોરબેલ વાગ્યો. તે થથરી ગઈ. તેણે ઢસડાતા પગે જઈને ડોર ખોલ્યું. શામ તેના મિત્ર સાથે ઊભો હતો.
“મોમ અમે મારી રૂમમાં રમીએ છીએ. પણ મોમ, પપ્પા ક્યાં? આજે તો શોભા આંટીને ઘરે બર્થડે પાર્ટીમાં જવાનું છે ને? કેટલા વાગે નીકળીશું?” આ સંભાળીને એષાને તરત જવાબ જડ્યો.” દીકરા, તું પપ્પાને ફોન કરીને પૂછ, લે આ ફોન.” ફોન પરની વાત સંભાળવાની એષાની જીગર નહોતી. તે ઝડપથી કિચનમાં જતી રહી. કલાકેક પછી ડોર બેલ રણક્યો. તેણે દરવાજો ખોલ્યો તો સામે મલય! તેને પોતાની આંખો પર ભરોસો ન થયો.તે એક્કીટસે મલયને જોઈ રહી. મલય પણ જોઈ જ રહ્યો, પછી હળવેથી કહે “આઈ એમ હોમ ડીયર!” તેમ છતાં આ દ્રશ્યને એષા સાચું ના માની શકી. મલયનો અવાજ સંભાળીને શામ દોડતો નીચે આવ્યો. “પપ્પા મારું લખેલું તમે સુધારી લીધું?”
“હા બેટા, એન્ડ થેન્ક્સ. એષા તું પણ એકવાર જોઈ લે કંઈ ભૂલ રહી હોય તો.”
મલયની વાત સંભાળીને શામ ફરી ઉપર રમવા દોડી ગયો, એનો લાભ લઈને મલયે એષાને કહ્યું,” “તારા બધા સવાલોના જવાબ આમાં છે લે વાંચ. વધારે નહિ તો છેલ્લી ત્રણ લાઈનો વાંચ.”
શામને તેના સારા વહેવાર બદલ “ગુડ બોય” નો એવોર્ડ મળ્યો હતો. બીજા દિવસે એક સમારંભમાં તે એનાયત થવાનો હતો અને તે વખતે શામને તે શા માટે આટલો સરસ છોકરો છે, તે પોતાના શબ્દોમાં બોલવાનું હતું. એષાએ કાગળ લીધો અને વાંચવા માંડ્યું. એક એક વાક્યે એક એક આંસુ સરતું રહ્યું. તેમાંય છેલ્લી લાઈનો વાંચતી વખતે તે ધ્રુસકે ચઢી. લાઈનો આ પ્રમાણે હતી.–“આઈ એમ ગુડ બીકોસ માઈ મોમ એન્ડ ડેડ આર ગુડ, બોથ આર હાઈલી ટેલેન્ટેડ, વેરી લવિંગ એન્ડ ધે હેવ સુપર અન્ડર સ્ટેન્ડિંગ. સો, ધે નેવર ટેક રોંગ ડીસીશન. આઈ ઓલ્વેઝ વોન્ટ ટુ બી વાઈઝ લાઇક ધેમ.”
રડી રહેલી એષાના કાનમાં એક જ વાક્ય હથોડાની જેમ વારંવાર ઠોકાતું હતું.-“એય નીચ, મારાથી હવે તારી સાથે એક છત નીચે નથી રહેવાતું,”
તેણે પોતના બંને કાન પર હાથ મૂકી દીધા. એ જ સમયે મલયે તેના બંને હાથ પકડી લીધા અને તેને કોમળતાથી -વ્હાલથી અંદર લઇ જઈ સોફા પર બેસાડી અને કહ્યું, “એષા તારું પેલું પ્રિય ગીત યાદ કર. હું એટલી હદે ધુંધવાઈને ગયેલો હતો કે પાછા ફરવાનું શક્ય નહોતું. પણ ખીસામા ચાવી મુકતી વખતે, શામે સુધારવા આપેલું આ કાગળ હાથમાં આવ્યું, ને મેં તે વાંચ્યું, તે સાથે જ તારું પ્રિય ગીત યાદ આવ્યું.
‘અધરાતે મધરાતે દ્વારિકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું.
રુક્ષમણીની સોડ ત્યજી ઉઠ્યા માધવ,
બંધ દરવાજે ભાન છેક આવ્યું.’
અને તેં મને સમજાવેલું કે, માધવને જે ભાન આવેલું તે એ હતું કે, રાધા ગમે તેટલી યાદ આવે હવે ત્યાં પાછા ફરવું શક્ય પણ નથી ને યોગ્ય પણ નથી. એ યાદ આવ્યું એટલે મેં નક્કી કર્યું કે, પાછા ફરવાનું શક્ય જ ન રહે તે પહેલાં, મારે પાછા ફરી જવું જોઈએ. વળી મારી પાસે તો કોઈ રુક્ષ્મણીની સોડ પણ નહોતી!! ”
મલયની વાત સંભાળીને એષા હસી પડી અને કહ્યું,” કોઈ રુક્ષમણીની દેન છે કે એષાનું સ્થાન લે!”
સરસ રજુઆત. જે સંબંધમાં ખાનદાની અને સન્માન હોય તે જરૂર ઝંઝાવાત ટકી શકે છે.
સરયૂ
LikeLiked by 2 people
એક રીતે જોઈએ તો શામે માબાપને ભેગા કર્યાં. સંસ્કારની આડે જ્યારે અહમ આવે ત્યારે ઘણા ઘર બરબાદ થાય છે. વખત રહેતા મલયને પોતાની ભુલ સમજાઈ અને એષા એને માફ કરવા જેટલી ઉદારતા દેખાડી શકી.
LikeLiked by 4 people
આપણા કુટુંબમા,સ્નેહીઓમા, સમાજમા આવા મલય અને એષા છે.અહ્ંના ટકરાવ પણ સહજ છે.
છુટાછેડા પણ થાય છે.પરંતુ શામ જેવા દીકરા હોય તો ઝંઝાવાત સામે સંબંધ મધુરા થાય છે.
સરસ રજુઆત.
ચિ હેતલ પાસે
‘અધરાતે મધરાતે દ્વારિકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું.
રુક્ષમણીની સોડ ત્યજી ઉઠ્યા માધવ,
બંધ દરવાજે ભાન છેક આવ્યું.’
સૂર સંગાથે પઠન કરાવો તો આંખ બંધ કરી માણી શકાય…
ધન્યવાદ
LikeLiked by 2 people
સંસારમાં ખટ્ટામીઠા ચાલતા હોય છે, પણ, ક્ષણિક આવેશમાં લીધેલા ખોટા નિર્ણયને પાછળથી ખરા દિલથી સુધારનારજ સંસારને ખાટો-કડવો બનાવવાને બદલે મીઠો બનાવી શકે છે.
સમજુ ને સંસ્કારી સંતાન પણ માબાપની ભુલ સુધારી શકે છે.
સુખદ અંતવાળી સરસ વાર્તા..
LikeLiked by 2 people
ભૂલ તારી નથી. ભૂલ મારી છે.આવું જો પતિ-પત્ની બંને સ્વીકારે તો સંસાર ટકે.નહીં તો મુગ્ધાવસ્થામાં દેખાતો પ્રેમનો લીલોછમ છોડ સમજણના જળ વિના કરમાઇ જાય છે.
LikeLike