http://”જાહ્નવી સ્મૃતિ” ૨૬મું, કવયિત્રી સંમેલન, શિશુવિહાર, ભાવનગર.
કબીર
{સવૈયા}
એક સવારે સૂરજ ઊગ્યો, સોનાવરણી ધરતી થાય,
કલ્લોલે સરિતાનાં પાણી, નીરવતામાં એકલ ગાય,
અતિ ટાઢ છે કડકડતી ને લોક હજુ ના આવે-જાય,
એક અભાગી નારી ત્યારે બાળક તેડી નદીએ જાય.
નૈન ઉદાસી નીર ભરેલાં, વેદન એની અપરંપાર,
સાત સાત શિલાનો જાણે હૈયે એને બેઠો ભાર,
ઉદર ધરી આરાધન કીધું, કેમ વિછોડું એને આજ?
કોણે કાળા કાનૂન કરિયા, નારી-જીવન હણવા કાજ?
અંતરમાં અંધારું ભાસ્યું, દિશા ડગવા લાગી છેક,
કાળ સમી વિકરાળ વાયકા દ્રષ્ટિ સામે આવી નેક;
નદી-કિનારે ઝાડ કરેણી, નાનું સરીખું ઊભું એક,
પાસે પ્રાણ-પથારી કીધી કબીરજી પોઢાડ્યા છેક.
પથ્થર પોચી કરી પથારી માતાએ પોઢાડ્યા પૂત,
જાણ હતી ના જગને કે આ સંત પધાર્યા છે અદભૂત,
સૂરજ સાખે પાણી ભરવા આવી એક સુભાગી નાર,
અંક ધરીને હૈયે ધરિયા ચાલી લઈને કરમાં બાળ.
કોના જન્મ્યા? કોના જાયા? કોણે એને પાયાં દૂધ?
હું ના જાણું, હું તો જાણું સંત મહંતા એ અદ્ભૂત.
સંત કબીરા સલામ તમને, વાણ વિના શું બોલું છેક?
નમું નમું, હે પ્રાણ પ્રભુના, નમું તમારી જીવન-ટેક.
——– ભાગીરથી મહેતા. જાહ્નવી.
ભાગીરથી મહેતા. જાહ્નવી
અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે, “જાહ્નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે જેમા કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. તે ઉપરાંત, દરવર્ષે એક કવિયત્રીનું વિશેષ સન્માન ભાવનગરના મેળાવડામાં કરવામાં આવે છે. mail@shishuvihar.org chairman@glsbiotech.com ૧૯૯૪ની સાલથી શરૂ થયેલ ભાગીરથીના સ્નેહનું ઝરણું હજુ પણ અસ્ખલિત વહે છે. આજે મારા બાને યાદ કરતા કલારસિકોને જોઉં છું, ત્યારે મને એ દિવસોની યાદ આપે છે જ્યારે કવિતાની રજુઆત કરવા, બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલાં, જાજરમાન બહેન ભાગીરથી બોલવા ઊભાં થતાં……સરયૂ મહેતા-પરીખ
————————————–
કાગળ રસિક મેઘાણી
તને એથી મોડો મળેલો છે કાગળ
વિચારી વિચારી લખેલો છે કાગળ
કદી થાકશું ના અમે વાંચી વાંચી
તમારા જો હાથે લખેલો છે કાગળ
છતાં પ્રેમની એમાં ધારા વહે છે
ભલે એ શિકાયત ભરેલો છે કાગળ
અમે લખતા લખતા, તમે વાંચી વાંચી
ઉભય અશ્રુથી તર કરેલો છે કાગળ
બધી યાદ તારી લખેલી છે દિલમાં
વગર વાંચે એથી પડેલો છે કાગળ
તમારી અમે વાટ જોઈ છે જાણે
યુગો યુગ સુધી વિસ્તરેલો છે કાગળ
હવે એમાં કાંઈ નથી લખવા જેવું
બધુંયે લખીને ભરેલો છે કાગળ
‘રસિક’ થોડા શબ્દો લખી છોડી દીધું
ઘણું લખવા માટે બચેલો છે કાગળ.
—— કાવ્યસંગ્રહ ‘શુષ્ક લાંબા મારગે’ ‘૦૨
સ્વ.રસિક મેઘાણી, અબ્દુલ રઝ્ઝાક. ૧૯૪૬-૨૦૨૦. રાજકોટમાં જન્મ અને પાકિસ્તાનમાં રહેવાનું થયું. ૨૦૦૨ મે મહિનામાં, હ્યુસ્ટન-સાહિત્ય સરિતાની એક બેઠકમાં રસિક મેઘાણીએ ગુજરાતી વ્યાકરણ સમજાવી, આગ્રહ સાથે, ‘સરયૂબેન,આવતી બેઠકમાં કંઈક લખી લાવજો,’ એવો મીઠો હુકમ કર્યો. તેથી મેં લખ્યું…,
“અન્યના બાંધેલા માળખામાં કલા પૂરવી ગમતી નથી,
અમે તો ડોલન શૈલીના અનુરાગી, દલપત છંદ બંધી ગમતી નથી.” …ત્યારથી અંતરનો સાહિત્યિક જીવ સળવળી ઉઠ્યો. શ્રી વિજય શાહ અને મેઘાણીભાઈના પ્રોત્સાહનથી ઘણાં સભ્યો લખતા થયા.
———–
નૂતન આનંદ કવિ.ચંદ્રકાન્ત દેસાઈ
આ જીવન સરોવરમાં હોય ભલેને પંકિલ માલિન્ય,
પણ એમાંય પ્રગટાવવું છે અનુપમ પદ્મ;
જેની મધુર સૌરભથી ભરી દેવી છે સમગ્ર સૃષ્ટિને,
જેનું સૌંદર્ય સૃષ્ટિના અણુએ અણુને આકર્ષે,
અને તેમા કોઈ અદભૂત નૂતન સૌંદર્યનો સંચાર કરે,
વળી તેમાં થી ઊડતી રહે દિવ્ય નાવિન્યની પદ્મરેણુ.
જે અવકાશમાં સર્વત્ર પ્રસરી જઈ
પ્રગટાવે નૂતન ચિદાનંદના નિરવધિ ઓઘ.
—— કાવ્યસંગ્રહ ‘કાવ્યાંજલિ અને ગઝલાંજલિ’
સાહિત્યપ્રેમી સર્જક, શ્રી.ચંદ્રકાન્ત દેસાઈનું બહોળું લખાણ છે. આ કાવ્યાંજલિ-સંગ્રહ તેમના પ્રિયતમા પત્ની સ્વ.ચંદ્રકાંતાને યાદ કરતા સર્જાયેલ છે. શુભેચ્છા સાથ નમસ્તે.
વધુ પરિચય માટે cpDesai1@yahoo.com New Jersey.
————-
મા ભાગીરથીબા મહેતા. જાહ્નવીનુ સુંદર કબીર {સવૈયા}
સંત કબીરા સલામ તમને, વાણ વિના શું બોલું છેક?
નમું નમું, હે પ્રાણ પ્રભુના, નમું તમારી જીવન-ટેક
સ રસ અભિવ્યક્તી
રસિક મેઘાણીની સરસ રચના કાગળ
અને
કવિ.ચંદ્રકાન્ત દેસાઈની રચના નૂતન આનંદ
LikeLike
excellent saryu ben, apna matrusri no parichaya sathe triveni sangam, adbhut.
LikeLike
વાહ ખૂબ મજા પડી ત્રણે કાવ્યો વાંચવાની આપણા માતુશ્રીને વંદન આ સાથે રસ્કી મેઘાણી એજ અબ્દુલ રઝાક છે? એમની કવિતા કાગળ હૃદયને સ્પ્રર્શી ગઈ અને આપના માતુશ્રીની કવિતા કબીર પણ !આભાર શેર કરવા માટે.
LikeLike
હાં, અબ્દુલ રઝાક/ રસિક મેઘાણી હ્યુસ્ટનમાં ખૂબ સરસ યાદો મૂકીને ગયા છે. તેમની પાસે બહુ નહોતું તો પણ ઘણું આપ્યું. બીજાને મદદ કરવા હંમેશા તત્પર.
મારા બાની યાદમાં ઘણી કવયિત્રીઓ લખતી થઈ. તમારા સર્વેના પ્રતિભાવથી આનંદ સાથ આભાર. સરયૂ
LikeLike