“વારતા વૈભવઃ ગત સમય કેરા સર્જકોના સ્મરણમાં” – (૧ )
આ શ્રેણીમાં આપણે ગુજરાતી અને ભારતીય ભાષાના ખમતીધર ભૂતકાળના સર્જકોની વારતા મૂકીશું. આ શ્રેણીની શરૂઆત “નન અધર ધેન” ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તા “ગુડ નાઈટ ડેડી” થી કરીશું.
(ચ્ંદ્રકાંત બક્ષી (૧૯૨૭ થી ૨૦૦૬) – પરિચયઃ ગુજરાતી ભાષાની નવલકથા અને વાર્તાઓને આધુનિકીકરણ બનાવવામાં અને વિશ્વ સાહિત્યની હરોળમાં લાવવા માટેના નવા જમાનાના વિષયો ખેડવાની આવશ્યકતા સમજવાની પહેલ એમણે કરી હતી. એમને એક વિસ્ફોટકારી લેખક પણ ગણી શકાય. સમાજનાં બંધનોમાં કેદ થઈને ઘસીઘસાયેલી વાતો લખવામાં તેઓ કદી માનતા નહોતા.
તેમની પ્રથમ વાર્તા “મકાનનાં ભૂત” “કુમાર” માસિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા “બક્ષીનામા” ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે. તેમની આત્મકથા “બક્ષીનામા” ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. “અતીતવન” અને “અયનવૃત” એમની ઐતિહાસિક નવલકથા છે. ઈતિહાસ અને સંસ્કૃતિ પર એમણે મનનીય લખાણો લખ્યાં છે.
તેઓ તેમના લખાણોનો ક્યારેય એક કરતાં વધુ કાચો મુસદો તૈયાર નહોતો કરતા. તેમનાં લખાણોમાં ગુજરાતી અને ઉર્દુ શબ્દોનું બાહુલ્ય રહેતું, છતાંય ક્યારે પણ આ ઉર્દુ શબ્દો એમના લખાણમાં ‘આઉટ ઓફ પ્લેસ’ નહોતાં લાગતાં. ગુજરાતી અને ઉર્દૂ શબ્દો સાથેની એમની જુગલબંધી અદભૂત હતી. તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલીભર્યું અને ‘આઉટ ઓફ બોક્સ’ જીવન જીવતા દર્શાવાયા છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓમાં વિષમતાભર્યું શહેરી જીવન, લાગણીઓનો ઉફાર, અને સતા કોઈ મનોયુદ્ધ ખેલાતું હોય એવું વાતાવરણ પાશ્વભૂમિકામાં રહેતું. તેમનું લખાણ ધારદાર અને કટાક્ષિક હતું. ચંદ્રકાંત બક્ષી માટે ગ્રે ઝોન કદી ન હતો. એ કાં તો કાળો રંગ છે અને કાં તો સફેદ છે, વચ્ચેની કશ્મકશ એમને કદી થી નહોતી. એમના શબ્દોની તીક્ષ્ણતા ભાલાના નોક જેવી હતી જેને નીચેના લખાણમાં, એમના શબ્દોમાં જ જોવા મળે છે.
“જેને સમજાય એવી સહેલી ભાષા લખતા આવડતી નથી, એણે વાર્તા લખવી ન જોઈએ. સિદ્ધાંતો વાર્તાની દુનિયામાં બહુ કામ પણ આવતા નથી. અને સૌથી મહત્વની વસ્તુ છે અનુભવ-માણસોનો, દુનિયાનો, વસ્તુઓનો, સ્થાનોનો. જ્યારે અનુભવનો જીવનસ્રોત અટકી જાય છે ત્યારે કલાકૃતિ અર્થાત્ વાર્તા ડહોળાઈ જાય છે, વાસી બની જાય છે, ગુજરાત સરકારનાં ઈનામોને લાયક બની જાય છે. (‘મારી પહેલી વાર્તા’ – ‘બીજ’માંથીઃ ૧૯૭૦)”
“વાર્તામાં મારો કલાકાર તરીકે જન્મ થયો હતો, મારું હસવું, રડવું, મારું બ્લીડિંગ, મારું વીરત્વ, મારી માનહાનિ બધું જ વાર્તા દ્વારા આવ્યું છે. છેલ્લી વાર્તા અડધી હશે અને આંખો મીંચાઈ જશે, તો એ અંત મને ગમશે. છાતી પર હાથ મૂકીને હું કહી શકું છું કે હું વાર્તાકાર તરીકે જન્મ્યો એ પહેલાંની ગુજરાતી વાર્તા, અને હું વાર્તાકાર તરીકે મરીશ એ પછીની ગુજરાતી વાર્તામાં ક્યાંક, કંઈક, થોડો ફર્ક હશે અને એ ફર્ક મારે લીધે હશે. (‘ગુજરાતમિત્ર’ દૈનિકમાંથીઃ ડિસેમ્બર ૧૯૭૭)”
તો ચાલો, આજે એમની આ વાર્તા માણીએ.
“ગુડ નાઈટ ડેડી” – ચંદ્રકાંત બક્ષી
એણે જોયું કે બેબી વાર્તા સાંભળતાં સાંભળતાં જ સૂઈ ગઈ હતી.
ધીરેથી એણે બેબીના વાળની બંને રેશમી રિબનો ખોલી. પછી, એક પછી એક, હેરપીનો કાઢી લીધી, વાળ છૂટા કર્યા અને માથા પર હાથ ફેરવ્યો, ગાલ પર એક બચી ભરી. કહેવાનું મન થયું, “ગુડ નાઈટ, ડાર્લિંગ!”
સવારની ફ્લાઈટથી જવાનું હતું બેબીને.
ટેબલ પર પડેલી જૂની ડબલ લાઈનવાળી નોટનું પાનું ફફડ્યું. એ ઊભો થયો. હોમવર્કવાળી નોટ ઠીક કરીને બેગમાં મૂકતાં એનાથી વંચાઈ ગયું. આડાઅવળા અક્ષરે અંગ્રેજીમાં પેન્સિલથી લખ્યું હતું, “ફેરી પિંક કુ’ડ નોટ ફ્લાય ફોર હર વિંગ્સ વેર વેટ.” – પાંખો ભીંજાઈ ગઈ હતી એટલે ફેરી પિંક ઊડી શકતી નહોતી. ફેરી પિંક પરી હતી અને નદીને કિનારે રહેતી હતી. લાઈલેકનાં ફૂલો વચ્ચે ઊડતી હતી. એ ઊડતી હતી એટલે ફૂલો હાલતાં હતાં અને પંખુડીઓ પરથી શબનમ ઝરતું હતું, ત્યાં ત્યાં એક એક પતંગિયું પંખ ફફડાવીને ઊડી જતું હતું.
એણે નોટ બંધ કરી અને બેગમાં મૂકી.
એણે કહેલુંઃ ‘બેટા, વહેલી સૂઈ જા, કાલે વહેલા ઊઠીને તૈયાર થવાનું છે.’
‘કેમ?’
‘કાલે વહેલા ઊઠવાનું છે. પછી તું ઊઠીશ નહીં.’
‘ઊઠીશ, મને વાર્તા કહો.’
‘એણે વાર્તા બનાવવા માંડીઃ એક બેબી હતી….’
‘મારા જેવી?’
‘હા, તારા જેવી, પણ વાળ તારા કરતાં લાંબા હતાં.’
‘કેટલા લાંબા, ડેડી?’
‘બહુ લાંબા.’
‘એ ચશ્માં પહેરતી હતી?’
એ હસ્યો. પછી યાદ આવ્યું; મમ્મી ચશ્માં પહેરતી હતી એટલે. અને એ ગમગીન થઈ ગયો. સંયત થઈ ગયો. ફરી હસ્યો. ‘તને કેવી રીતે ખબર પડી ગઈ?’
‘મને ખબર નથી.’
‘અચ્છા, એ ચશ્માં પહેરતી હતી! પણ, એ બેબીનાં ચશ્માં મમ્મી કરતાં નાનાં હતાં.’
‘એ જોઈ શકતી ન હતી?’
‘જોઈ શકતી હતી. બહુ નહીં.’
‘ચશ્માં પહેરે એટલે ન રડાય?’
‘રડાય.’
‘પછી?’
‘-પછી એ બેબી એક વાદળ પર બેસી ગઈ. વાદળમાં બહુ પાણી હતું.’
‘બેબી ભીંજાઈ ગઈ?’
‘ના બેટા, એ બેબી વાદળ પર બેસી ગઈ અને વાદળ આકાશમાં વહેતું હતું. અને નાનું લીલું પક્ષી આવ્યું. પક્ષી બહુ થાકી ગયું હતું, ઊડી ઊડીને પાંખો ફફડાવતું ફફડાવતું એ વાદળ પર બેસીને શ્વાસ ખાવા લાગ્યું અને ….
‘એ રસ્તો ભૂલી ગયું હતું? રાત પડી ગઈ?’
‘ના, રાત ન હતી પણ અંધારું થઈ ગયું હતું એટલે પક્ષી ગભરાતું હતું. બેબીની પાસે બેસી ગયું.’
‘એને ડર લાગતો હતો?’
‘ડર લાગે ને? આટલા મોટા આકાશમાં એકલું એકલું ઊડ્યા કરે તો ડર લાગે ને?’
‘લાગે.’
‘એટલે બેબીએ પક્ષીને પૂછ્યુંઃ ‘પક્ષી, તું ક્યાં રહે છે?’
‘પક્ષી ક્યાં રહેતું હતું?’
‘પક્ષીએ કહ્યુ કે, હું તો એક તારામાં રહું છું. એ તારો અહીંથી બહુ દૂર છે.’
‘કેટલે દૂર?’
‘બહુ દૂર. મામાનું ઘર છે ને, એટલે બધે દૂર.’
‘પક્ષી રડવા લાગ્યું?’
‘ના, એ કહે બેબી, હું રસ્તો ભૂલી ગયો છું. મને વાદળ પર બેસવા દઈશ?’ બેબી કહેઃ ‘હા જરૂર બેસવા દઈશ’ પછી પક્ષી બેઠું અને વાદળ આગળ વહેવા લાગ્યું.
‘એ ઊડી ઊડીને થાકી ગયું હતું. એટલે વાદળ પર બેબીની સાથે બેસી ગયું.’
‘પછી?’
‘પછી ચશ્માંવાળી બેબીએ લીલા પક્ષીને પૂછ્યુંઃ ‘પક્ષી, તને ગાતાં આવડે છે?’
‘પક્ષીએ કહ્યુંઃ મને તો ગાતાં આવડે જ ને!’
બેબીએ પૂછ્યુંઃ ‘મને એક ગીત સંભળાવીશ?’
પછી, બેબીએ ડેડીને પણ પૂછી લીધુંઃ ‘પક્ષીને ગીત ગાતાં આવડે જ, ડેડી?’
‘આ પક્ષીને આવડતું હતું બેટા, એટલે એણે ગાયું.’
‘બેબીને મજા પડી?’
‘ખૂબ મજા પડી. બેબી ખુશ ખશ થઈ ગઈ. ખૂબ નાચી. એ નાચી એટલે વાદળ હાલ્યું અને વાદળમાંથી વરસાદ પડવા લાગ્યો.’
‘તમે તો કેવી ફાઈન વાર્તા કરો છો, ડેડી!’
‘તને ગમે છે?’
‘હા, મને બહુ ગમે છે. પછી શું થયું?’
‘ખૂબ વરસાદ પડ્યો. વાદળું ખાલી થઈ ગયું. વરસાદ નદી ઉપર પડ્યો. બધાં ઝાડ પર પડ્યો, પાંદડાઓ પર પડ્યો.’
‘બધાં ઝાડ ભીંજાઈ ગયાં?’
‘હા, એક ઝાડ હતું, એનાં પાંદડાં પીળાં પડી ગયાં હતાં. એમાં એક કેસરી કીડી રહેતી હતી.’
‘એ પણ ભીંજાઈ ગઈ?’
‘હા, કેસરી કીડી પીળાં પીળાં પાંદડાં પર સૂતી હતી. હવા આવી એટલે પાંદડું તૂટવા લાગ્યું. કીડીની પાંખો ભીંજાઈ ગઈ. એ ઊડી શકી નહીં. પછી એ રડવા લાગી.’
‘કીડી કેમ રડવા લાગી?’
‘એની પાંખો ભીંજાઈ ગઈને બેટા, એટલે એ ઊડી શકી નહીં. એટલે રડે.’
‘ડેડી, ફેરી પિંકની પાંખો ભીંજાઈ ગઈ હતી. એ પણ રડતી હતી.
‘આ કીડી પણ ફેરી પિંકની જેમ રડવા લાગી. કહેવા લાગી, ’મારી પાંખો ભીંજાઈ ગઈ. હવે હું નહીં ઊડી શકું.’
‘બેબીએ એની પાંખો લૂછી નાખી?’
‘ના, ત્યાં એક જાડો દેડકો બેઠો હતો. એનું ગળું હાલતું હતું અને આંખો બહાર નીકળી ગઈ હતી. કીડીની પાંખો ભીંજાઈ ગઈ ને એટલે એ હસવા લાગ્યો.’
‘પછી?’
‘પછી સૂરજ ચમક્યો. આકાશ ગરમ થયું. નદી ગરમ થઈ. પર્વતો ગરમ થયા. જમીન ગરમ. એટલે કીડીની પાંખો પણ સુકાઈ ગઈ.’
‘કીડી ઊડી ગઈ?’
‘તડકો ખીલ્યો એટલે કીડીની પાંખો પણ સુકાઈ ગઈ અને દેડકાની આંખો ધૂપમાં બંધ થઈ ગઈ. કીડીની પાંખો તડકામાં ચકચક થવા લાગી. પછી કેસરી કીડી ઊડવા લાગી. લીલું પક્ષી ગાવા લાગ્યું. ચશ્માં વાળી બેબી નાચવા લાગી.’
‘કેવું ફાઈન, ડેડી!’
‘પછી સામે એક મેઘધનુષ્ય ખૂલી ગયું.’
‘મેઘધનુષ્ય એટલે?’
‘વરસાદ પડે અને સૂરજ ચમકે એટલે આકાશમાં સાત હલકા રંગોનો એક પુલ બની જાય. ઝૂમાં છે ને એવો. જાપાનીસ પુલ જેવો.’
‘પછી?’
‘કેસરી કીડી એ મેઘધનુષ્યના રંગીન પુલ ઉપર જઈને રમવા લાગી. લીલું પક્ષી એ પુલ ઉપર થઈને ઊડી ગયું. એ રહેતું હતું એ તારા તરફ ઊડી ગયું.’
‘અને બેબી, ડેડી?’
‘બેબી પણ સૂઈ ગઈ, બેટા, ચાલ, હવે તું પણ સૂઈ જા, બેટા.’
‘બેબી ક્યાં સૂઈ ગઈ?’
‘એના ડેડી પાસે. વાર્તા પૂરી થઈ ગઈ.’
‘ચાલો, હવે સૂઈ જવાનું, ગુડ નાઈટ.’
‘ગુડ નાઈટ, ડેડી!’
રેશમી રિબીન અને હેરપીનો એણે બેબીની નાની બેગમાં મૂક્યાં. પેન્સિલથી હોમવર્ક કરેલી નોટ મૂકાઈ ગઈ. કેસરી કીડી મેઘધનુષ્ય પર રમતી હતી. લીલું પક્ષી ઊડી ગયું હતું, તારાઓના દેશમાં. ચશ્માંવાળી બેબી, ચશ્માં, રિબનો અને હેરપીનો કાઢીને ડેડીને ‘ગુડનાઈટ’ કરીને સૂઈ ગઈ હતી. વાર્તા પૂરી થઈ ગઈ હતી.
બેબીને સવારની ફ્લાઈટથી મોકલી દેવાની હતી. એ એકલી જ જવાની હતી. અહીંથી બેસી જવાની હતી નવ વાગ્યે. સાડા બારે મદ્રાસ ઊતરી જવાની હતી. મદ્રાસ પર એની મમ્મી એને લેવા આવવાની હતી.
એનું વેકેશન પણ પૂરું થવા આવ્યું હતું.
અને તેના ડેડી સાથે રહી આવવાની કોર્ટે આપેલી મુદત પણ….!
Touching as usual by Sri Bakshi Shaheb
LikeLiked by 1 person
HI SHRI BABU BHAI SUTHAR SAHEB. A VARTA KAYI CATAGREORY MA AVE? KALPNIK OR OTHER? PL.VARTA RE VARTA NA SHRSHAK UNDER.
LikeLiked by 1 person
બક્ષીના લખાણમાં શબ્દોની ચાલબાજી કે ચાપલૂસીબાજીના બદલે વાસ્તવિકતાની નક્કર ભૂમિ હોય. રેફરન્સ ભરપૂર, પુરાવાના પુરાવા હોય!
‘પેરેલીસીસ’ના પિતામાં વાત્સલ્ય બતાવતા તો ‘આકાર’ ના યશ શાહમાં તે કરડાકીભર્યા પિતા બની જતા, તો પોતાની દીકરી રીવા માટે ‘ગુડ નાઈટ ડેડી’ વાર્તા રચીને પુત્રી માટે હીરો બની જતા ધન્ય ધન્ય
LikeLiked by 1 person
હ્રદયસ્પર્શી વાર્તા.
LikeLiked by 1 person
ખુબ સરસ, હમણા જ તેમની નવલકથા પેરાલિસીસ નવલકથા વાંચી , પિતા પુત્રીના વાત્સલયથી ભરપૂર.
LikeLiked by 1 person
બક્ષીબાબુની આ વાર્તા પહેલાં પણ વાંચેલી. આ એવરગ્રીન વાર્તા છે.તેમાં લાગણી,વાસ્તવ અને કલાત્મક અભિવ્યક્તિના એટલા સુંદર તાણાવાણા છે કે અનેક વખત વાંચવી ગમે તેવી છે. અંતે ઓ હેનરી જેવી પૂંછડે ચોટ આપીને વાચકને મુગ્ધ કરી દે છે.
LikeLiked by 1 person