[૧૦૦] પ્રાર્થનાને પત્રો…
પ્રિય પ્રાર્થના,
આજે આ પત્રો એક સદી પુરી કરે છે. એટલે હું ગીયર બદલીશ. મને ખબર નથી કેવી ગતિ હશે અને કઈ દિશા હશે. પણ જ્યારે આ પત્રો લખવાનું શરું કર્યું ત્યારે ગુજરાતની સાંસ્કૃતિકજીવનની ઘટનાઓ જેમાં હું પ્રત્યક્ષ રીતે યા પરોક્ષ રીતે જોડાયો હોઉં તેવા પ્રસંગોની તને જાણ કરવી.
આમાં અભિવ્યક્તિ સાહિત્યિક બને અથવા ના પણ બને, પણ મેં એક સાતત્ય અને સત્ય બન્નેની કાળજી રાખી. જીવનમાં જેની ઉપાસના કરી છે, તે સત્ય, શિવ અને સુંદરનું એક સમન્વયાત્મક સ્વરૂપ શબ્દ સુધી પહોંચી શકે તેવો પ્રયત્ન હતો અને છે. હવે, આમાં વિશ્વ સાહિત્ય અને હાસ્ય ઉમેરાણું છે અથવા ઉમેરાશે. હવે, આમાં કથાનું તત્ત્વ અને લિટરરી-નેરેટીવ પ્રગટશે. ખબર નથી કેવા સ્વરુપે હશે અને એનો રંગ કેવો હશે. એની ભાષામાં કઈ છટાઓ પ્રગટશે, એના ફેફસામાં કેવો પવન ભરાશે, ફુલાશે અને થાશે વહેતો… હું પણ મારા જીવનના નવા મુકામે પહોંચી રહ્યો છું. નિવૃત્તિ પછી મને જે પ્રેમ મળી રહ્યો છે, તે અપ્રતિમ છે. શબ્દ જે રીતે મારી સામે ખુલી રહ્યો છે, તે મોહક છે. જીવનના રહસ્યો અને સંબંધોના સત્ય એક અદભુત ગુંથણી સાથે સમજાઈ રહ્યા છે. સરકારી કચેરીઓની એ સુવાસ અને ખુરશીના લાકડામાંથી સાંભળેલા કશાક ટહુકા આજે મારી સામે આવીને ઉભા છે, એ એમને શબ્દાંતરિત કરું એવી કશીક માંગણી કરીને ઉભા છે. અને એટલે આ સદીનો વળાંક અગત્યનો છે, મહત્ત્વનો છે. જો કે પાયાની શરત સાદી છે, મારો શબ્દ મારા જીવનના આનંદ-ઉત્સવનો ઓડકાર બને તેવો મારો પ્રયત્ન છે, માનવ જીવન જે રીતે સંકુલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તેનું અનુભાવન, તેનું પાથેય અથવા કશું શક્ય ના બને તો એ અનુભવને યથાતથ શબ્દાંકિત કરવું છે અને એના માટે મારું કમ્પ્યુટર તલપાપડ છે, મારી આંગળીઓમાં વહેતા રક્તપ્રવાહે એની વાત કી-પેડને કાનમાં કહી છે, સ્ક્રીનની સ્કીન એને લીધે રતુમડી હસી છે તે મેં જોયું છે. હવે, આપણે નવા યુગ માટે લખવું છે. એક એવા વાચક સુધી જવું છે જેણે આવું કશું વાંચ્યું નથી. જીવનને જુદી રીતે જોવું છે, જેમાં હોવાપણાનો ઉત્સવ હોય, જેમાં નવયુગનો સંદેશ અને નવી ટેકનોલોજીનો અણસાર હોય. નવા રચાતા સમાજને સમજવા પણ પ્રયત્ન કરવો છે. એ જેટલો મોટો પડકાર છે તેટલી જ મોટી તક પણ છે.
આમ જોઇએ તો બે હજાર ને વીસ -૨૦૨૦- બારણે આવીને ઉભું છે, મારે માટે ઓગણીસ જાય છે એના કરતાં વીસ આવે છે એ મહત્ત્વનું છે. કારણ ઓગણીસની વાતો કરીને અતીતરાગી નથી થવું. અતીતને પ્રેમ કરવો ખોટો નથી. સ્મૃતિ પણ એક ‘મેડીટેશન’ થઈ શકે છે, પણ આજે નવા વર્ષની પરશાળમાં જ્યાં શક્યતાઓનું આકાશ ખુલતું હોય, જ્યાં મિત્રતાનો સૂરજ ઉગતો હોય, જ્યાં શબ્દો અજવાળું પાથરવા તલપાપડ હોય, જ્યાં આખા જગતની ગાયોના ભાંભરવાનો અવાજ તમે સાંભળી શકો તેવી સગવડ હોય, અહીં છેક કાનલગી આખા જગતના નરસિંહ મહેતાના પ્રભાતિયાં સંભળાતાં હોય, નવી ટેકનોલોજી નવયૌવનાની જેમ આળસ મરડીને ઉભી રહી હોય ત્યારે આવનારી ક્ષણની મારે પૂજા કરવી છે. કારણ આ ક્ષણ એક ઓક્સીજનની મહાનદીનું ગીત છે, એ મારે આંગણે આવીને ઉભું છે. અહીં આ બેઠા સલમાન રશ્દી એમની હીરોઇનની વાત કરે છે. આ માણસ અંગ્રેજીના બાણભટ્ટ છે. એમને એમની નવલકથા ‘ક્વીચોટે’ની શરુઆતમાં જ લખ્યું કે આપણે ‘એની-થીંગ-કેન-હેપન’ એવા સમયમાં જીવીએ છીએ. એટલે એવું લાગે છે, બે હજાર ઓગણીસ જ શું કામ, છેક ઓગણીસો પંચાવનથી -૧૯૫૫- આ પૃથ્વીનો મને જે અનુભવ છે તે આજે સાગમટે આ ક્ષણને વધાવવા ઉભો છે, કારણ મારી એક શ્રધ્ધા છે કે વર્તમાન જેટલું સો ટચનું સત્ય બીજું કશું ના હોઇ શકે. આપણી સામે છે તે ક્ષણ જ સોનાની છે, એ ક્ષણનો જે ચળકાટ છે તે જ સોનું છે, ઈતિહાસકારો જે ભુતકાળની વાત કરતાં કરતાં પોતે જે અભિપ્રાય ધરાવે છે તે સાચો છે એ સાચો છે એ સાબિત કરવા મહેનત કરતા હોય છે. આમાં બગાસાં ખાતા આળસુ લોકોનો એક મોટો શ્રોતાવર્ગ હોય છે, એમને એમ છે કે બધું બગડી ગયું છે અને અમારી વખતે બધું અદભુત હતું ને સોનાના નળિયાં હતાં ને ઘી-દૂધની નદીઓ વહેતી હતી. આ માનસિકતા છે, આ મનોરુગ્ણતા ના પણ હોય તો પણ વર્તમાન પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા પ્રગટાવે છે.
બેટા, આ ક્ષણનો મહિમા કરીએ. જે છે તે સરસ છે. જે પવન વહે છે તે મારે માટે વહે છે, જે નદીનું ગીત મેં હમણાં લણી લીધું, તે ઇશ્વરે મારા માટે દૂરના પર્વત પરથી વહેતું કર્યું હતું. આ ધન્યતાની લાગણીથી ભરી દો આજની આ ક્ષણ. કોઈ “હેપ્પી ન્યુ ઈયર” એવું કહે એ સારું છે, પણ એવી તરબતર ભાવનાથી જ વીસના ઉગતા પ્રભાતનું સ્વાગત કરીએ જ્યાં માત્ર ‘ક્રિયેટીવીટી’ અને ‘પોઝીટીવીટી’ આપણા મુળ મંત્રો બને. મારું તો સાદું સૂત્ર છે, જે મને પ્રેમ કરે છે એને હું પ્રેમ કરું છું. જે મને પ્રેમ નથી કરતા એમને ધિક્કારવાનો મારી પાસે સમય નથી. જે મારી નિંદા કરે છે એમને તો હું છેલ્લા એકાદ હજાર વર્ષથી મળ્યો જ નથી. કારણ પાછળ બોલનારાઓને શોધવામાં આપણે કેટલું પાછળ દોડવું. જીવન એક ડીટેક્ટીવ નવલકથા નથી, એ એક ગુલાબ છે, જેટલી વખત જીવશે સુંદર થઈને જીવશે. જેટલી વખત પાંખડીઓ ફેલાવીને ઉભું રહી શકશે તેટલી વખત સુગંધ પ્રસરાવશે. ઑલ ધ બેસ્ટ.
સુખી થાઓ, સુખી કરો.
ભાગ્યેશ,
જય જય ગરવી ગુજરાત.
આજે સુખી તો કાલે સુખી. મનનાં ખેલ વચ્ચે લાગણીઓ રમ્યાં કરે અને જવાબદાર– પરિસ્થિતિઓને ગણવામાં આવે.
LikeLike
जो भी है बस यही एक पल है
LikeLike
આ ક્ષણનો મહિમા કરીએ
જીવનમાં જે કંઈ મહત્ત્વપૂર્ણ છે, તે હાથમાં રહેલી વર્તમાનની આજની આ ક્ષણ છે,
માટે કાર્યને ઝડપથી પૂર્ણ કરો
LikeLike
bhagyesh bhai. happy new gear for new generation, bhutkal bhulo navi prathna mate gear badlo. navi technologythi door door moon upr lai jashe. mishan tayer che congratulation for new gear (prathna thought)
LikeLike