ભાવનગરમાં શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા શરૂ થયેલ નેત્ર-યજ્ઞની અસંખ્ય વાતો અને ચક્ષુદાનની ઘટનાઓ માનવતાને એક મુઠ્ઠી ઊંચે લઈ જાય છે. આજે કલાકાર જ્યોતિભાઈ માનભાઈ ભટ્ટનો લેખ આદરભાવપૂર્વક રજુ કરું છું. સરયૂ.
નેત્ર-યજ્ઞઃ મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો – જ્યોતિ ભટ્ટ.
ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રકાશિત.

Bhavnagar, 1968
1968માં મેં 35mm કેમેરા, તે પણ ત્રણ લેન્સીસ સાથે વસાવી લીધેલ. શિયાળા દરમિયાન ભાવનગરમાં આવેલ મારા ફેમિલી હાઉસ પર ગયો હતો, ત્યારે ત્યાં મારા પિતાજીની સંસ્થા ‘શિશુવિહાર’માં નેત્રયજ્ઞ ચાલી રહ્યો હતો. આઈ કૅમ્પ (Eye Camp) ને માટે ‘નેત્ર-યજ્ઞ’ તથા ‘કિન્ડરગાર્ડન’ માટે ‘બાળશાળા’ ને સ્થાને ‘બાળમંદિર’ કહેવાની પ્રથા ત્યાં અપનાવાઈ છે. જે આ પ્રવૃત્તિઓને એક આધ્યાત્મિક સ્તર ઉપર લઈ જવા તેની સાથે જોડાયેલાઓને પ્રેરણા આપે છે. એ ‘નેત્રયજ્ઞ’માં આજુબાજુનાં 40સેક કિલોમીટર વિસ્તારમાં રહેતા, મુખ્યત્વે ગ્રામજનો આવતા. જ્યાં તેમને આંખના મોતિયા તથા ઝામર જેવા દર્દોની સારવાર વિના ખર્ચે અપાતી.
ભારતમાં ગરીબી અને કુપોષણ તથા ધૂળ અને પ્રખર સૂર્ય પ્રકાશ ને કારણે મોતિયા જેવા દર્દોના ભોગ બનનારાઓની સંખ્યા ઘણી મોટી છે. પૂરતી હોસ્પિટલોના અભાવ ઉપરાંત ત્યાં મળતી સારવાર અત્યંત મોંઘી હોય છે. આના નીવેડા તરીકે કેટલીક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળે આ પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. શિશુવિહારના નેત્રયજ્ઞમાં મુખ્ય ડોક્ટર શિવાનંદ અધ્વર્યું હતા. જોકે, તેમને બધા બાપુજી નામે જ ઓળખતા. ડો. શિવાનંદ અધ્વર્યું પહેલા સરકારી મેડિકલ ડોક્ટર હતા. કોઈ કારણસર તેમણે રાજીનામું આપ્યું અને ઋષિકેશ ‘દિવ્ય જીવન સંઘ‘ના આશ્રમમાં ગયા. અને ત્યાં જઈ દીક્ષા લઈ સાધુ થઈ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. આશ્રમના મુખ્ય પ્રણેતા (બીજા) શિવાનંદજીએ દીક્ષા તો આપી પરંતુ અધ્વર્યુંજીને ત્યાં રહેવાની રજા ન આપી. કહ્યું કે, ‘તમે જે કામ સારી રીતે જાણો છો, તે જ કામ હવે પાછા જઈને સેવાભાવે લોકોના લાભાર્થે કરો’. એમની આજ્ઞાને અનુસરી અધ્વર્યુંજી સૌરાષ્ટ્ર પાછા ફર્યા અને રાજકોટ પાસે આવેલ વીરનગરમાં મોટું આંખનું દવાખાનું શરુ કર્યું. પરંતુ ત્યાં સુધી જવાનું પણ ગરીબ ગ્રામજનોને પોસાતું ન હતું. તેથી વિવિધ સ્થળોએ જઈ ‘નેત્રયજ્ઞ‘ સ્વરૂપે સગવડ પૂરી પાડવાનું શરુ કર્યું.
‘શિશુવિહાર’માં મોટી જગ્યા હતી. બાળમંદિરનું મકાન હતું અને એક મોટો શેડ પણ હતો. જેમાં સોએક ખાટલાઓ સમાતા. વધારાના ખાટલાની જરૂર હોય ત્યારે શમિયાનો પણ ઉભો કરાતો. ‘બાપુજી‘ વહેલી સવારથી ઓપરેશન શરુ કરતા. વચ્ચે ત્રણેક વિરામ લઇ સાંજ સુધીમાં એકલે હાથે બધા દર્દીની આંખના ઓપેરશન પૂરા કરી દેતા. ‘શિશુવિહાર’ના 12થી 16ની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ ત્યાં દિવસે તથા રાત્રે સ્વયંસેવક તરીકે કામ કરતા. સંસ્થાના કાર્યકરો ઉપરાંત કેટલાક શહેરીજનો પણ આ નેત્રયજ્ઞમાં સેવા આપવા આવતા. આખી વ્યવસ્થા અંગે વાત કરવી અહીં મુશ્કેલ છે. પરંતુ એક પ્રસંગ યાદ આવે છે. મારા પિતાજીની ઓળખાણને કારણે મને જ્યાં બાપુજી ઓપરેશન કરી રહ્યા હતા, તે સ્થળે જવાની રજા તો મળી. ત્યાં ગયો પણ ખરો. હોસ્પિટલ જેવી સગવડને અભાવે એક નાનો કિશોર હાથમાં ટોર્ચ પકડી દર્દીની આંખ પર પ્રકાશ નાખતો હતો. અને બાપુજી મોતીયું કાઢી રહ્યા હતા. બસ, આટલું જ યાદ છે. પછી આંખ ખુલી ત્યારે ખ્યાલ આવ્યો કે હું મારા ઘરે પથારીમાં સૂતો હતો. જે દૃશ્યો પેલા કિશોર જેવા બાળકો દિવસભર જોઈ શકતા હતા તેના અણસારથી જ હું બેભાન થઇ ગયેલો એમ મને એક કાર્યકરે જણાવેલ.
એ સમયે આજ જેવી ‘ફેકો–સર્જરી‘ની વ્યવસ્થા ન હતી અને ઓપરેશન પછી સાત–આઠ દિવસ દર્દીઓએ ખાટલામાં પડખું ફેરવ્યા વિના સુઈ રહેવું પડતું. કેટલાક ચા – બીડી તથા તમાકુના બંધાણીઓને કાબુમાં રાખવા તે કામ સ્વયંસેવકો માટે સૌથી કપરુ હતું. હું પૂરું અઠવાડિયું ત્યાં રોકાયો અને બધા જ વિધિઓ તથા પ્રસંગોની છબીઓ લેવાની તક મળી.
-જ્યોતિ ભટ્ટ. ઈમેઈલ: jotu72@gmail.com
Photograph of Jyoti Bhatt taken by the artist himself in Baroda, 1967
નેત્ર-યજ્ઞ સાથે સંકળાયેલો પ્રસંગ. ભાવનગર.
મારી નાની બહેન ઉર્વશીની સંભાળ લેવા માટે હરીબહેને અમારે ત્યાં કામ કરવાનું શરું કર્યું હતું. હરીબહેન એક રજપૂત પ્રૌઢા, નમ્ર અને ગૌરવશાળી વ્યક્તિત્વવાળા બહેન લાલ રંગના ગામઠી પોશાકમાં અમારે ઘેર કામ કરવા આવ્યાં. તેમનો બહાર કામ કરવાનો આ પહેલો પ્રયત્ન હોવાથી મૂંઝાયેલાં લાગતાં હતાં. મારા બા, ભાગીરથી મહેતા માજીરાજ હાઈસ્કુલમાં શિક્ષિકા હતાં, તેથી હરીબેન સવારથી સાંજ સુધી અમારે ઘેર રહેતાં અને ઉર્વશીની સંભાળ લેતાં…સાથે છ-વર્ષની હું અને દસેક વર્ષના મુનિભાઈ તેમની સાથે પ્રેમથી હળી ગયાં. અમારાં જીવનમાં શું વળાંક આવ્યો તે આગળ લખું છું, પણ અહીં નેત્ર-યજ્ઞના અનુસંધાનમાં શું બન્યું તે જોઈએ…
વર્ષો પછી એક સવારે ઘરડાં હરીબેન ઘેર આવ્યાં. આંખે મોતિયો ઉતરાવ્યા પછી ચશ્મા પહેરલાં હતાં અને શીશુવિહારમાં કેટલી સરળતાથી આંખે દેખતાં થયાં તેની ખુશીનો પાર ન હતો. હરીબેન પોતાની જેવા અનેક લોકો, જેમને આવા કેમ્પમાં મદદ ન મળે તો કેટલી હેરાનગતિ વેઠવી પડે તેની વાત કરતાં હતાં. નવદંપતિ મુનિભાઈ અને ઈલાભાભી આવીને હરીબેનને પગે લાગ્યાં. મુનિભાઈ કહે, “હરીબેન, તમે અમારાં લગ્નને દિવસે વહેલાં જતાં રહ્યાં હતાં, તેથી આજે આશિર્વાદ લેવાનાં છે.”
મારા બાએ આગળ પરિચય આપતાં ઉમેર્યું, “અને તમે શિશુવિહારવાળા, શ્રી.માનભાઈના સેવાકાર્યની વાત કરો છો… તેમની આ દીકરી છે, ઈલા.” હરીબેન ખુશીનાં માર્યા ઊભાં થઈ ગયાં અને વ્હાલથી મુનિભાઈ-ઈલા પર આશિર્વાદ વરસાવી રહ્યાં. નેત્ર-યજ્ઞના સદકાર્યનો પુરાવો હરીબેનમાં દૃશ્યમાન થયો.
…મારી બહેન ઉર્વશી, પાંચ વર્ષની ઉંમરે બે દિવસનાં તાવમાં અવસાન પામી. એ સમયે મારા માતા-પિતા, મુનિભાઈ અને હરીબેનને સાંત્વના આપી શાંત કરવાં કોઈ શક્તિમાન ન હતું. હરીબેનની યાદ સાથે ઉર્વશીની યાદ જોડાયેલી છે.
એક અશ્રુબિંદુ મારી પાંપણની કોર પર.
ગીત લઈ આવ્યું જુની યાદો દિલદોર પર.
નાનેરી બહેની મારી, ઉર્વશી પરી હતી,
આવી‘તી આભથી, પાંચ વર્ષ રહી હતી.
માતપિતા ભ્રાતાના ઉરની ઓજસ હતી,
બેન સહજ બચપણની મારી હરીફ હતી.
ઓચિંતી ઈશ ઘેર પાછી એ ફરી હતી,
માત તાત નજરુંમાં મરુતા ઝરતી હતી.
ના સુણ્યું જાયે આ ગીત ઉરૂ ગાતી‘તી,
“કકડુપતિ રાઘવ રાજારામ” રટતી‘તી.
શબ્દો અંહી આવેલાં સૂરોની પાંખ પર,
જઈને જે ભીંજવશે ભૈયાની આંખ પણ.
ઉર્વશીની ઉષ્માથી નયણાંનાં તોરણ પર,
મીઠું હસી ને રડી કેટલીયે યાદ પર.
———
સરયૂ પરીખ
લેખ તો સરસ છે જ.અંતે આપેલ અશ્રુ બિંદુ કવિતા પણ ભાવાશ્રુથી ભીંજવે છે.
LikeLiked by 1 person
મા કલાકાર જ્યોતિભાઈ માનભાઈ ભટ્ટનો નેત્રદાન અંગે સ રસ લેખ
શબ્દો અંહી આવેલાં સૂરોની પાંખ પર,
જઈને જે ભીંજવશે ભૈયાની આંખ પણ.
ઉર્વશીની ઉષ્માથી નયણાંનાં તોરણ પર,
મીઠું હસી ને રડી કેટલીયે યાદ પર.
સુ શ્રી સરયૂ પરીખની ભાવવિભોર કરતુ કાવ્ય
LikeLike
ખૂબ જ સરસ લેખ. કવિતા હ્રદયને સ્પર્શી ગઈ.
LikeLiked by 1 person
Jyoti Bhatt writes…
Dear Saryuben,
We all appreciated your addition to my ‘Nolvel’ (નોળવેળ) write-up… I am forwarding the response received from Kalpana Desai. She is a well-known humor writer.
Jyoti નોળવેલ નો રેલો પરદેશ – અમેરીકા
જઈ દાવડાના આંગણે પહોંચ્યો છે .
સ્નેહી જ્યોતિભાઈ,
કુશળ હશો.
નેત્ર-યજ્ઞની માહિતી અને ફોટા ગમ્યા. નાની બહેનની યાદો અને સરયૂબહેને આપેલી અંજલિ હૃદયસ્પર્શી રહ્યાં. આ શ્રેણી ખૂબ સરસ રહી છે. ખૂબ આભાર.
આ વખતના પરબ મૅગેઝિનના કવર ઉપર જ્યોત્સનાબહેનની પ્રિય બિલ્લી ઠાઠથી ગોઠવાઈ છે. જોજો.
કલ્પના દેસાઈનાં સુમિરન.
LikeLike
લેખ સરસ છે. અંતે આપેલ અશ્રુ બિંદુ કવિતા પણ ભાવાશ્રુથી ભીંજવે છે.
LikeLike