“માનવજીવનમાં એક આવો પસ્તાવો પણ હોય છે”
આજે ગાર્ડનમાં એક દાદા જોયા. બાંકડા પર બેઠા હતા, એકલા. એટલે આપણને એકલા લાગે, પણ એ હતા નહીં કદાચ. એ આકાશ સામે જોઈને વાતો કરી રહ્યા હતા. સખત દુઃખી લાગતા હતા. બસ, રડવાનું જ બાકી હતું જાણે. એમની પાસેથી પસાર થઈ, અમુક શબ્દો કાને પડ્યાં, પણ હાય રે ભાષા! કોરી પાટી જેવી હું એમના નહીં પડેલા આંસુને જોઈને આગળ વધી ગઈ!
પછી વૉકિંગ દરમિયાન, એક યુદ્ધ ચાલ્યું મનમાં. જાત સાથે લૉજીકલ વાત ઘણા લાંબા સમય પછી કરી આજે. શું હોય છે આ બધું જે સતત અને સખત પીડે છે આપણને? કોઈ જતું રહ્યું એ? કોઈ નથી જતું એ? કશું ન મળ્યું કે કશું વધારે પડતું જ મળી ગયું છે ને પચાવી નથી શકતાં, એ?
મને લાગે છે કે આ બધાની જડ ‘પ્રાયશ્ચિત’ અથવા ‘પસ્તાવો’ છે. અમુક વ્યક્તિની અમુક-તમુક સમયે માફી માંગી લેવાની હતી, જે નથી માંગી શક્યા. અમુક વ્યક્તિને જે-તે સમયે માફ કરીને મીઠી સ્માઈલ આપી દેવાની હતી જે નથી આપી શક્યા. અમુક ભારમાંથી ક્યારનુંયે મુક્ત થઈ જવાનું હતું, ને નથી થયા. હજી વેંઢારીને ફરીએ છીએ. આવા કેટલાય નામી-અનામી બોજ તળે કિંમતી જિંદગીના દિવસો દબાઈ રહ્યા છે, ખોવાઈ રહ્યા છે એક પછી એક!
અને, છેલ્લે જ્યારે સમય મળે છે આ બધું વિચારવાનો, વીતેલા-ખરેલા વર્ષો પર નજર કરવાનો, ત્યારે ચોક્કસ મોડું થઈ ગયું હોય છે. ગમતાં માણસો વિદાય થઈ ચૂક્યા હોય છે, એક સમયે એનર્જીથી ભરેલી જિંદગી હવે પરાણે પાછળ ઢસડાતી હોય છે. આ બધાનું મૂળ એ જ કે જે સમયે જે કરવાનું હતું, તે ન કર્યું.
પછી, આમ કોઈ એક એકાકી બાંકડા પર બેસીને અનંત તરફ તાક્યા કરવાનું કે આભાસી દુનિયામાં પડછાયો થઈને ભટકવા સિવાય બાકી શું રહે છે?
અને એટલે જ, પસ્તાવો જરૂરી છે. જરૂરી સમયે થઈ જવો ખાસ જરૂરી છે. બીજા માટે નહીં, પોતાના માટે. એક ભાર ઓછો થશે, તો બીજો અહેસાસ થશે. એક પછી એક ભૂલો સ્વીકારીને, પછી એનાથી મુક્ત થઈ શકાતું હોય છે. પશ્ચાતાપના પણ અનેક રૂપો હોય છે. ફક્ત ‘સૉરી’ એ ઈલાજ નથી. એક ભૂલની માફી માંગવામાં બીજી ભૂલ ન કરી બેસીએ એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે.
મેં કેટલીયે વાર આળસને લીધે મારા મમ્મી પપ્પાના અમુક કામો નથી કર્યા. એનો પણ મને હવે ભાર લાગે છે. પણ હવે મારી પાસે એમની સાથે વિતાવવાનો સમય નથી. અને એ ગિલ્ટમાંથી છૂટવા, મને સતત એમ થયા કરે કે હવે પછી કોઈપણ વ્યક્તિ કોઈપણ કામ કહેશે, તો હું તરત કરી આપીશ. આ મન મનાવવાની એક રીત છે, જે હું જાણું છું. પણ સમયના અભાવો કેટલા ધારદાર હોય છે તેનો અંદાજ લગાવી જોજો. સમજાઈ જશે. અને એટલે, ફૂલ નહીં તો ફૂલની પાંખડીના ધોરણે જે થઈ શકે તે કરતા રહેવું.
અને હા, સૌથી પહેલા પોતાની જાતને માફ કરી દેવી. એમાં મોડું કરવા જેવું નથી.
~ Brinda Thakkar
મુકામ Zindagi ની બ્રિન્દા ઠક્ક સ્ક્રીપ્ટની દિપલ પટેલ એ ભાવવાહી રજૂઆત આંખ મીંચીને માણતા
સંવેદના અનુભવાઇ
ધન્યવાદ
LikeLike