“ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…” – કબીર
તોકો પીયા મિલેંગે. ઘૂંઘટ કે પટ ખોલ રે,
ઘટઘટમેં વો સાંઈ રમતા, કટુક વચન ન બોલ રે, – ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…
ધન જોબન કો ગરબ ન કીજૈ, જૂઠા પચરંગ ચોલ રે,
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસા સોં મત ડોલ રે, – ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…
જોગ જુગત સો રંગમહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો બાજત અનહદ ઢોલ રે, – ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…
કબીરનું આ અત્યંત પ્રસિદ્ધ પદ છે. પ્રસિદ્ધ કદાચ જ્યુથિકા રોયની ગાયકીને કારણે થયું હશે પણ કબીરના પદોમાં આ અત્યંત મહત્વનું પદ ગણાય છે. કહેવાય છે કે કવિતાના આકાશમાં કોઈ કવિ સૂર્ય જેવા હોય, કોઈ ચંદ્ર જેવા, કોઈ નક્ષત્રો જેવા તો કોઈ પછી આગિયા જેવા હોય છે.પણ કબીર માત્ર સૂર્ય કે ચંદ્ર ન હોઈ શકે, એ તો કવિતાનું સ્વયં આકાશ છે. તેમના દોહા અને પદ આપણા મન પર ચંદનનો લેપ કરે છે અને શાતા આપે છે.
કાવ્યની પ્રથમ પંક્તિ ખૂબ મહત્વની છે, કારણ કે એ વાંચતા જ આપણામાં શ્રદ્ધાનો ઉદભવ થાય છે. શ્રદ્ધાની સોગાત રમત રમતમાં આપી જવી એ નાનીસૂની વાત નથી. આ પંક્તિ કોઈ પણ જાતની સંદિગ્ધતા રાખ્યા વિના, કબીર ‘પ્રિયતમ મળશે જ એની પ્રતિતી આપે છે, પણ સાથે એક શરત મૂકે છે કે સામા પક્ષે, એટલે કે આપણે પણ કંઈ જવાબદારીપૂર્વક કરવાનું છે અને તે છે કે “ઘૂંઘટનો પટ ખોલવાનો છે”. પરમાત્મા સહજ છે પ્રાકૃત્ત છે, ખુલ્લો છે, આપણે જ આપણી હયાતી પર પડદાઓ નાખીને આપણો અસલી ચહેરો છુપાવીને રાખ્યો છે. આપણી અને ઈશ્વર વચ્ચેના પટલ હટ્યા કે પરમ તત્વને આપણે સામસામે થયા અને પરમેશ્વરનો આપણને સાક્ષાત્કાર થાય છે. પણ આ પટલો આપણે જ ખસેડવાના છે.
કબીર વણકર હતા આથી વસ્ત્રની ભાષાના તાણાવાણા સમજતા હતા. આ ઘૂંઘટનો પટ એટલે શું? આપણાં કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર અને આપણો પ્રલંબ અહમ્ જ આપણે ઘૂંઘટની ઓથે છુપાવીને રાખીએ છીએ. આ અહમ્ ખસે તો જ સોહમ્ મળે. પરમાત્મા કાશીમાં નથી, વૃંદાવનમાં નથી, એ તો આપણાં ઘટઘટમાં છે. માણસની પાછળ જ માધવ સતત રહેલો છે, એને ટેકો આપવા..! આપણે જ અજ્ઞાની ન તો એના સ્પર્શને ઓળખી શકીએ છીએ કે ન તો આપણી અંદર જ રહેલા એના વજૂદને પીછાણી શકીએ છીએ. દરેક માણસ માત્રમાં રહેલા પરમાત્માને કદીયે કડવાં વચન ન કહેવા જોઈએ. દરેક જીવની અંદર વસતો શિવ આપણી વાણીની કડવાશ અને મિઠાશ બેઉને સાંભળે છે અને ઓળખે છે.
ધન, જુવાની અને સત્તાનો નશો બહુ ખૂંખાર હોય છે. “ઈસ તન ધન કી કૌન બડાઇ” ગાનાર કબીર ઘૂંટી ઘૂંટીને કહે છે કે આ જગતમાં શરીર, દ્રવ્ય બધું જ નશ્વર છે, કશુંય શાશ્વત નથી. આપણું પંચ તત્વનું બનેલું આ શરીર ક્ષણભંગુર છે. જે અંતે પંચ તત્વોમાં જ ભળી જશે તો આ ક્ષણભંગુરનું મમત્વ અને મહત્વ શા માટે?
કબીર જેવા મોટા ગજાના સંત કવિ શૃંગારની ભાષામાં પણ ગહન જ્ઞાનની વાત કરે છે. કબીર કહે છે કે આ બ્રહ્માંડ તો શૂન્યનો મહેલ છે. આ શૂન્યના મહેલ સમા બ્રહ્માંડમાં તું બ્રહ્મનો દીવો પ્રગટાવ અને મૃગજળ જેવી આશાઓથી ચલિત ન થા. “આસ સો મત ડોલ’ આવી પંક્તિ સહજતાથી કબીર જ લખી શકે, આશાથી જીવવું હોય તો હતાશાનો મુકાબલો કરવા તૈયાર રહેવું પડે અને હતાશાથી પાર જવું હોય તો આશાથી વિચલિત ન થવાય!
શૂન્યના મહેલમાંથી કવિ રંગમહેલમાં જાય છે. પણ આ ‘રંગમહેલ’ ‘રાગ’ વિનાનો છે. જે વીતરાગી હોય એને જ બ્રહ્માંડનો રંગ અને રાગ મળે. અહીં પ્રિયતમા અને પ્રિયતમનું મિલન થાય છે – જ્ઞાનના દીવાની સાક્ષીએ. પ્રિયતમ પોતે જ અણમોલ છે અને આ મહામૂલું મિલન પણ અમૂલ્ય છે. આ મિલનના આનંદને કઈ રીતે વર્ણવવો? સુખ ખંડીત હોય છે અને આનંદ અખંડિત હોય છે. સુખને સરહદ હોય છે ત્યારે આનંદ અનહદ હો છે. અને આ જ અનહદનો જ ઢોલ જ્યારે પીટાવા માં ડે છે ત્યારે અહમ્ નો દહનખંડ શૂન્યના શયનખંડમાં પલટાઈ જાય છે અને આત્મા અને પરમાત્માનું શુભ અને શુભ્ર મિલન થાય છે.
(સૌજન્યઃ સુરેશ દલાલ- ‘ભજનયોગ’ પુસ્તકમાંથી સાભાર)
“ઘુંઘટ કે પટ ખોલ, તોકો પીયા…” – કબીર ની ગૂઢ રચનાનો મા સુરેશ દલાલ દ્વારા અભ્યાસપુર્ણ આસ્વાદઃ’“ઘૂંઘટનો પટ ખોલવાનો છે”. પરમાત્મા સહજ છે પ્રાકૃત્ત છે, ખુલ્લો છે, આપણે જ આપણી હયાતી પર પડદાઓ નાખીને આપણો અસલી ચહેરો છુપાવીને રાખ્યો છે. આપણી અને ઈશ્વર વચ્ચેના પટલ હટ્યા કે પરમ તત્વને આપણે સામસામે થયા અને પરમેશ્વરનો આપણને સાક્ષાત્કાર થાય છે. પણ આ પટલો આપણે જ ખસેડવાના છે.આવો આસ્વાદ ન સમજવાથી રહસ્ય સમજાતુ નથી ધન્યવાદ
LikeLike