ખો રહા ચૈન–ઓ–અમન, મુશ્કિલોં મેં હૈ વતન
નંદિની ત્રિવેદી
આમિરખાનના ઉત્કૃષ્ટ અભિનયવાળી ફિલ્મ ‘સરફરોશ’નું આ હ્રદયસ્પર્શી ગીત ખો રહા ચૈન-ઓ-અમન, મુશ્કિલોં મેં હૈ વતન, સરફરોશી કી શમા દિલ મેં જગા લો યારોં….યાદ છે ને? અત્યારના સંજોગોમાં વિચારીએ તો સરહદ પર ચાલી રહેલો જંગ, વિશ્વયુદ્ધના ભણકારા, વ્યાપક આર્થિક મંદી અને બાકી હતું તે આ કોરોનાએ દેશવાસીઓનું હીર ચૂસી લીધું છે. સુખ-શાંતિ, ચૈન-ઓ-અમન છિનવાઇ ગયાં છે ત્યારે માનસિક શાંતિ મેળવવા સૌ કોઈ તત્પર છે. આ શાંતિ મેળવવા કોઈ મેડિટેશન કરે છે તો કોઈ મંત્રોચ્ચાર. આપણે તો અહીં સ્વાસ્થ્યના સંગીતમય ઉપચાર વિશે જ જાણવાનું છે.
સંગીત અને ઔષધિનો પ્રયોગ સદીઓથી ચાલ્યો આવે છે. ગ્રીક સંસ્કૃતિમાં એપોલોને સંગીતના દેવ માનવામાં આવે છે અને એના પુત્ર એસ્કુલાપિયસને ઔષધિઓ દ્વારા રોગમુક્ત કરવાના દેવતા માનવામાં આવે છે. ગ્રીક લોકોને વિશ્વાસ છે કે સંગીતમાં શરીર અને આત્માને સ્વસ્થ રાખવાની શક્તિ છે. માનસિક દર્દીઓને સાજા કરનાર જેનોક્રેટ્સ, સારપેન્ટર અને એરિયન સૌપ્રથમ ગ્રીક સાઈકિયાટ્રિસ્ટ હતા.
નાટ્યવેત્તા હોમરને શ્રદ્ધા હતી કે સંગીત વિપરિત ભાવનાઓ ઉત્પન્ન થતી રોકે છે. કન્ફ્યુશિયસ, પ્લેટો અને પાઈથાગોરસ જેવા ચિંતકોને વિશ્વાસ હતો કે રોજ સંગીત સાંભળનાર વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં ગ્રામોફોનની શોધ થઈ ત્યારે હોસ્પિટલોમાં રોગીઓને શાંતિ પૂર્વક ઊંઘ આવે એ માટે તથા ઓપરેશન પહેલાંના માનસિક તણાવને દૂર કરવા સંભળાવવામાં આવતું હતું. સંગીત એ લાગણીની અભિવ્યક્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.
પરંતુ, કેટલાય સંગીતકારો માને છે કે સંગીત સાંભળવાથી જ નહીં, પોતાના ગાયનથી પણ ઉપચાર કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા સંગીત ચિકિત્સક, પિયાનોવાદક તથા ‘ઈન્સ્ટિટ્યુટ ફોર મ્યુઝિક, હેલ્થ એન્ડ એજ્યુકેશન’ના સ્થાપક ડૉન કેમ્પબેલે એમના દર્દીઓની ગાયનથેરપી દ્વારા સારવાર કરીને સફળતા મેળવી હતી.
ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે જેને ગાવું ન ગમતું હોય. બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણી અંદરનો ગાયક જાગૃત થઈ ઊઠે છે. ભલે સંગીતકાર કે ગાયક ન હોઈએ પણ અવસર મળતાં કે પછી એકાંતમાં, દરેક માણસ ગણગણી લેતો હોય છે. પોતાના ગાયન દ્વારા વ્યક્તિનો અવાજ બહાર આવે છે ત્યારે એના રોજિંદી વાણી કરતાં એ વધારે શુદ્ધ હોય છે. માણસ વાત કરતો હોય ત્યારે વાતચીતમાં લોભ, મોહ, રાગ-દ્વેષ, ઈર્ષ્યા-અહંકાર છૂપી રીતે દેખાઈ આવે છે પરંતુ એ માણસ ગીત ગાય ત્યારે એનું ગાયન ભલે સૂર-તાલમાં ન હોય પણ વિશુદ્ધ અને વિકાર રહિત તો હોય જ છે. તેથી નિજી ગાયન પણ સંગીત ચિકિત્સાનું મહત્વનું અંગ છે જે માણસની આંતરિક, દબાયેલી, કચડાયેલી લાગણીઓને અભિવ્યક્ત કરે છે. એ રીતે ગાયનથી મન-શરીરની તાણ દૂર થાય છે અને એ હળવાશ અનુભવે છે.
હકીકતમાં સ્વરગંગામાં ડૂબકી લગાવવા હર કોઈ ઉત્સુક હોય છે. બસ, એને મોકળું વાતાવરણ મળે તો ગાયન થેરાપી દ્વારા પોતે આનંદિત થઈ શકે છે તથા આસપાસના વાતાવરણને પણ પ્રફુલ્લિત કરી શકે છે.
શીર્ષકમાંનું ગીત અત્યંત મેલોડિયસ રાગ કલાવતી પર આધારિત છે. કલાવતી રાગ મારા ખૂબ ગમતા રાગોમાંનો એક છે. કલાની દેવી મા સરસ્વતીના નામ સાથે સામ્ય ધરાવે છે. મૂળ કર્ણાટકી સંગીતમાંથી ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં લેવાયેલો રાગ કલાવતી ટેન્શન દૂર કરીને માનસિક હળવાશ આપનારો રાગ છે. સ્પર્ધાના જમાનામાં યુવાનો સાંભળે તો એમને પણ એના સ્વરો સ્પર્શી જાય એવા મેલોડિયસ છે. શાસ્ત્રીય સંગીતમાં એવી તાકાત છે જે મનુષ્યમાં જાગરૂકતા, ફોકસ, સંવેદના, સહાનુભૂતિ, કરૂણા તથા સહનશક્તિ કેળવી શકે છે. માનવીની આંતરિક શક્તિ જાગૃત કરે છે. આ રાગના સ્વરો નર્વ્સ પર આનંદદાયી અસર છોડે છે. ખમાજ થાટના ઓડવ જાતિના આ રાગમાં આરોહ અવરોહમાં પાંચ સ્વરો લેવાય છે.
આરોહ : સા ગ પ ધ નિ (કોમળ) સા
અવરોહ : સા નિ (કોમળ) ધ પ ગ સા
કલાવતી રાગ આભોગી કાનડા તથા જન સંમોહિની રાગ સાથે મળતો આવે છે.
કયા કલાકારોને સાંભળશો?
કલાવતી રાગ જેમની પર્સનાલિટી સાથે અભિન્ન રીતે જોડાયો છે એ સુપ્રસિદ્ધ કલાકાર ડૉ. પ્રભા અત્રેનો કલાવતી તો સાંભળવો જ પડે. ‘તન મન ધન તો પે વારુ…’જેવી લાજવાબ બંદિશે રાગ કલાવતીને જાણે અમરત્વ આપ્યું છે. શ્રીમતી એન. રાજમે વાયોલીન પર અદ્ભુત વગાડ્યો છે. કૌશિકી ચક્રવર્તી તથા સાવની શિંદેના કંઠે પણ કલાવતી મધુર લાગે છે. ઉસ્તાદ અમીરખાં સાહેબનો જનસંમોહિની લાજવાબ અને જેમણે આ જનસંમોહિની રાગનું સર્જન કર્યું છે એ પં. રવિશંકરજીની સિતાર પર જનસંમોહિની તથા કલાવતીની મધુરતા માણવી જોઈએ.
સહાયક ફિલ્મી ગીતો
“ખો રહા ચૈન-ઓ-અમન” તો રાગ કલાવતીનું સુંદર સર્જન છે જ. ફિલ્મ ‘ચિત્રલેખા’નું આશા ભોંસલે-ઉષા મંગેશકરે ગાયેલું ડ્યુએટ “કાહે તરસાયે જિયરા” સંગીતકાર રોશન અને ગીતકાર સાહિર લુધિયાનવીનું લાજવાબ ગીત છે. આર.ડી. બર્મનની લોકપ્રિય કવ્વાલી “હૈ અગર દુશ્મન, દુશ્મન ઝમાના કમ નહીં, કોઈ આયે કોઈ હમ કિસી સે કમ નહીં” કેવી રીતે ભૂલાય? રફીસાહેબે હ્રદયપૂર્વક ગાયેલું ભાવવાહી ગીત “કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં” કલાવતી અને જનસંમોહિનીનું સંયોજન છે. વીતેલા જમાનાની સુંદર અભિનેત્રી લીલા નાયડુ અભિનીત ‘અનુરાધા’ ફિલ્મનું ખૂબસૂરત ગીત “હાયે રે વો દિન ક્યૂં ના આયે…”કર્ણપ્રિય છે. પં. રવિશંકરના સંગીતનો સ્પર્શ મળે પછી પૂછવું જ શું? ફિલ્મ ‘સતી સાવિત્રી’નું થોડું ઓછું જાણીતું પણ ખૂબ મીઠું ગીત “કભી તો મિલોગે જીવનસાથી” રાગ કલાવતીને ઓર નિખારે છે. આ સિવાય રાગ કલાવતીનાં સુંદર ગીતોમાં, “ઓ ઘટા સાંવરી..”.માં કલાવતીના અમુક સ્વરો લેવાયા છે. “અગર દિલબર કી રુસવાઈ,” “સુબહ ઔર શામ કામ હી કામ”, “આજા રે મેરે પ્યાર કે રાહી.”. ગીતો પણ કલાવતીમાં જ છે. ફિલ્મ ‘સૂરસંગમ’નું ગીત “મૈકા પિયા બુલાવે..”.અદ્ભુત છે.
ગુજરાતી ગીતોમાં અનિલ જોશીનું ઉદય મઝુમદારે સ્વરબદ્ધ કરેલું “પેલ્લા વરસાદનો છાંટો” તથા કવિ કિરીટ બારોટ રચિત, સંગીતકાર મોહન બલસારાએ સંગીતબદ્ધ કરેલું, “બે ભીંતોના એક ખૂણે, ચાલ આપણને ગોઠવીએ…” કલાવતીનાં ઉત્તમ ઉદાહરણ છે. ‘બરસાત કી એક રાત’ની આઈકોનિક કવ્વાલી “ના તો કારવાં કી તલાશ હૈ” તથા ફિલ્મ ‘સ્વદેસ’નું ઉદિત નારાયણે ગાયેલું પ્રમાણમાં નવું ગીત, “યે તારા વો તારા હર તારા” કલાવતી પર આધારિત છે. “ખૂબસૂરત” ફિલ્મનું “પિયા બાવરી” ખમાજ, બિહાગ અને કલાવતીનું સંયોજન છે. આ બધાં સુંદર ગીતો ગાયન થેરપીના ભાગરૂપે ગાજો. સરગમ, પલટા ઇત્યાદિ ગાવાથી શ્વાસની સરસ એક્સરસાઇઝ પણ થશે. સવારે સા અથવા ઓમકારનો રિયાઝ શ્વાસ ભરવા કરવો. 20 થી 30 સેકન્ડ તો સા ગાવાની પ્રેક્ટિસ રોજ કરવી.
Brain Power: He who sings frightens away his ills.
Miguel de Cervantes
(“મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો.
કલાવતી રાગ પર આધારિત આ બંદિશો સાંભળીને દિલ બાગબાગ. ખૂબ જ સુંદર છે આ સંદેશો. આભાર,નંદિની બેન.
LikeLike
સુ શ્રી નંદિની ત્રિવેદીજીનો સંગીત અંગે આલ્હાદક લેખ સમજવા પ્રયત્ન કર્યો.
‘શાસ્ત્રીય સંગીતમાં એવી તાકાત છે જે મનુષ્યમાં જાગરૂકતા, ફોકસ, સંવેદના, સહાનુભૂતિ, કરૂણા તથા સહનશક્તિ કેળવી શકે છે. માનવીની આંતરિક શક્તિ જાગૃત કરે છે’અમારી અનુભૂતિની વાત વધુ ગમી. સુમધુર ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન વારંવાર માણ્યું ધન્યવાદ
LikeLiked by 1 person
રાગ કલાવતીમાં “સૂર સંગમ”નામનાં ચલચિત્રમાં સાંભળેલું એક ગીત હતું. ૪૦વર્ષ પહેલાં સાંભળેલું, તે યાદ રહી ગયું છે. “શંકરાભરણ” મુવી પરથી હિન્દી મુવી હતું.
સંગીતની વાતોથી આનંદ થયો.
સરયૂ
LikeLike
SHTRIYA SANGEET MA TAKAT CHE JEM KHE CHE VARSAD NATHI PADTO TO RAG MALHAR MA TANSEN E GAI VARSAD VARSAYO
LikeLike