ઉત્કર્ષ મઝુમદાર
( ઓગષ્ટ ૧૭, ૨૦૨૦ ના રોજ, “થોડી ખાટી, થોડી મીઠી”, સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ તરફથી કરવામાં આવ્યું હતું. આ લેખ અમે ડો. આશિષ ચોક્સીના સૌજન્યથી, સાભાર પ્રગટ કરેલો, જે વિક્રમભાઈ તન્ના અને હિમાંશુ મહેતા તરફથી મળેલ મેસેજ પર આધારિત હતો. આ મેસેજમાં થોડીક હકીકતો કહેવાઈ નહોતી. એ માહિતીદોષને ભાઈશ્રી ઉત્કર્ષ મઝમુદારે નીચેના લેખમાં ઉજાગર કર્યો છે અને કિશોર કુમારે કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર ગીત ગાયું એનો આમાં વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નવો લેખ, ગુજરાતી રંગમંચના અને ફિલ્મોના મંજાયેલા કલાકાર, ઉત્કર્ષભાઈએ ખૂબ મહેનતથી સઘળી માહિતીઓ ભેગી કરીને લખ્યો છે. આ બાબતસર “દાવડાનું આંગણું” ની સમસ્ત ટીમ તરફથી હું એમનો અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું. આશા છે કે આ લેખ આપ સહુને ખૂબ ગમશે.
ઉત્કર્ષભાઈ મઝુમદાર વિષે જેટલું કહી શકાય અને લખી શકાય એટલું ઓછું છે. ઉત્કર્ષ મઝુમદાર ગુજરાતી નાટ્ય, સાહિત્ય અને કલા જગતનું દિગ્ગજ નામ છે. નાટ્ય નિર્માણ, દિગ્દર્શન અને અભિનય એ ત્રણેય કળાનો ત્રિવેણી સંગમ એટલે જ ઉત્કર્ષભાઈ. અભિનય એમના રોમરોમમાં વસે છે. ઉત્કર્ષભાઈ પાસે સાહિત્યથી માંડીને નાટ્ય જગત અને બોલીવુડની અધિકૃત, અવનવી અને અલબેલી વાતોનો ખજાનો છે. આજે આપણને આ ખજાનામાંથી એક મોતી મળી રહ્યું છે અને આગળ પણ આવા અમૂલ્ય રત્નો એમાંથી આપણને મળતાં રહેશે એવી આશા છે. ઉત્કર્ષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમને પ્રમાણિત- ‘ઑથેન્ટિકેઇટેડ’- જાણકારી આપી એ બદલ ફરીથી આપનો અંતઃકરણપૂર્વક આભાર.)
બોલીવુડની ફિલ્મોના મશહૂર ગાયક, કિશોરકુમારે ગાયેલું, ગુજરાતી ફિલ્મનું પહેલું ગીત “ગાઓ સૌ સાથે મળીને તમને બજરંગબલીની આણ છે” ની કહાણી.
રવિન્દ્ર દવેની જેસલ તોરલ નામની ગુજરાતી ફિલ્મે ઇતિહાસ સર્જ્યો અને ફરી એક વાર ગુજરાતી ફિલ્મ્સ બનવાની શરૂઆત થઇ. પત્રકાર દિગંત ઓઝા એની જાહેરાત સંભાળતા હતા. જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ સૌથી પ્રથમ મુંબઈમાં પ્રદર્શિત થઈ અને પછી ગુજરાતમાં. દિગંતભાઈએ નિરંજન મહેતાનો સંપર્ક કર્યો ને પૂછ્યું આ ફિલ્મની રેડીઓ ઉપર જાહેરાત કરવી હોય તો થાય અને તમે એ કરશો? નિરુભાઈ તરીકે જાણીતા નિરંજનભાઈએ કહ્યું ચોક્કસ. આ અગાઉ એમણે ‘આતમને ઓઝલમાં રાખમાં’ જેવા ગુજરાતી નાટકોની જાહેરાત રેડીઓ ઉપર કરેલી. પછીતો ગુજરાતી ફિલ્મ્સની જાહેરાતો તેઓ જ સંભાળવા લાગ્યા. બંને જણની ફિલ્મ્સ વતૃળમાં ઓળખાણ વધી અને એક દિવસ બંને જણાઓએ ફિલ્મ નિર્માણ કરવાનું વિચાર્યું ને પૈસા રોકનાર પણ મળી ગયો.
નિરંજન મહેતા એટલે મુંબઈની ગુજરાતી રંગભૂમિ સાથે નિર્માતા, પ્રચારક અને ઈતિહાસકાર રૂપે છ દાયકાથી પણ વધુ સમયથી સંકળાયેલ એક મહત્વની વ્યક્તિ. સ્વ. દિગંત ઓઝા એટલે વરિષ્ટ પત્રકાર અને આજની ગુજરાતીની સ્ટાર વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદ્યના પિતાશ્રી. બંને એ સાથે મળીને “લાખો ફુલાણી” નામની ફિલ્મનું નિર્માણ કર્યું.
સન 1976માં રજુ થયેલી આ ફિલ્મનું નામ હતું “લાખો ફુલાણી”. મુખ્ય કલાકારો હતાં રાજીવ, રીટા ભાદુરી અને પી. ખરસાણી. કિશોરે કુમારના ભાઈ અનુપ કુમારે મહેમાન કલાકાર તરીકે એક ભૂમિકા નિભાવેલી. દિગ્દર્શક હતા નરેન્દ્ર દવે. મૂળે અરુણ ભટ્ટ આ ફિલ્મ નું દિગ્દર્શન કરવાના હતા પણ પછી પૈસાની સગવડ ન થઈ હોવાથી “લાખો ફુલાણી”નું શૂટિંગ પાછું ઠેલાયું અને ત્યાં અરુણભાઈની ફિલ્મ શરુ થઈ જતા અરુણભાઈ ને બદલે રવિન્દ્ર દવેના પિતરાઈ નરેન્દ્ર દવેને દિગ્દર્શન સોંપાયું. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વતંત્ર સંગીતકાર તરીકેની આ પહેલી ફિલ્મ હતી. જોગાનુંજોગ ગુજરાતના લોકલાડીલા ગાયક પ્રફુલ દવે પણ પહેલી વખત ફિલ્મ માટે ગાઈ રહ્યા હતા.
નિર્માતાને વિચાર આવ્યો કે કિશોર કુમાર પાસે એક ગીત ગવડાવીયે તો કેવું? આ અગાઉ કિશોર કુમારે એક પણ ગુજરાતી ગીત ગાયું નહોતું. એટલે આવું જો થાય તો ફિલ્મને થોડો લાભ થઈ જાય. પ્રશ્ન હતો કિશોર કુમારને રાજી કેવી રીતે કરવા? કિશોર કુમાર એમની ચિત્ર-વિચિત્રતાઓ માટે જાણીતા હતા. તેઓએ અવિનાશભાઈની મદદ લેવાનું નક્કી કર્યું. અવિનાશભાઈએ હિન્દી ફિલ્મ્સમાં પણ સંગીત આપેલું અને કિશોર કુમાર પાસે ગીતો ગવડાવેલા.
દીકરાને મદદ કરવા તેઓ તૈયાર થઇ ગયા. કિશોર કુમાર અતિ વ્યસ્ત ,એમને ઘરે પકડવા એટલે મહામોટું કામ તેથી અવિનાશભાઈએ કહ્યું આપણે એમના ઘરે જવાને બદલે રેકોર્ડિંગમાં જ પકડીએ. અવિનશભાઈએ તાજેતરમાં અવસાન પામેલા ડી.ઓ. ભણસાલી નામના જાણીતા ગુજરાતી સાઉન્ડ રૅકૉર્ડિસ્ટને તારદેવ ખાતે આવેલા “ફેમસ” માં ફોન કર્યો ને પૂછ્યું કે કિશોર કુમારનું રેકોર્ડિંગ ક્યારે છે? જવાબ મળ્યો કે બે દિવસ પછી છે તો તમે સવારના અગિયારેક વાગે આવી જાવ. બંને નિર્માતા અને અવિનાશભાઈ ત્રીજા દિવસે સવારે અગિયારના સુમારે ફેમસ રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચી ગયા. કિશોર કુમાર બહાર સોફા પાર બેસીને કોઈની સાથે વાતો કરતા હતા. અવિનાશભાઈને જોતાં જ લાગલા ઉભા થઇ એમની પાસે ગયા નમસ્કાર કરી પગે લાગ્યા ને પૂછ્યું, “અવિનાશભાઈ આપ યહા કૈસે? કોઈ રેકોર્ડિંગ હૈ?” અવિનાશભાઈ કહે, “કૈં તમારું જ કામ છે.” તો કિશોર કુમારે તેમેને “ બેસો, બેસો” કહીને સોફા પર બેસાડ્યા. અવિનાશભાઈએ નિર્માતા બેલડીનો પરિચય કરાવ્યો અને કહ્યું, “આ બંનેની ઈચ્છા છે કે તમે એમની ગુજરાતી ફિલ્મમાં ગીત ગાઓ.” વાત સાંભળીને ગભરાઈને કિશોર કુમાર કહે ‘ના બાબા ના મેરા કામ નહિ. એક તો મુઝે ગુજરાતી આતી નહિ ઔર મૈને આજ તક ગુજરાતી ગાના એક ભી ગાયા નહિ હૈ તો માફ કરના.” અવિનાશભાઈ છોડે તેમ ના હતા. તેમણે કહ્યુ “મેરા બેટા ગૌરાંગ પહેલી બાર સંગીતકાર બનકર ઈસ ફિલ્મ્સે અપના કેરિયર શુરુ કર રહા હૈ. આપ ગાઓંગે તો ઉસકી શુરુઆત અચ્છી હો જાયેગી.” આ વાત સાંભળીને કિશોર કુમાર કહે, “એમ વાત છે? તો તો હું ચોક્કસ ગાઈશ.” કેવી સારી ભાવના. બે દિવસ રહીને સવારે એમના ઘરે બધું નક્કી કરવા આવવાનું કહ્યું
ઠરાવેલા દિવસે અવિનાશભાઈ, ગૌરાંગભાઈ (જે અમદાવાદ રહેતા હતા, તેમને બોલાવી લીધા હતા), નિરંજનભાઈ, દિગંતભાઈ અને ગુજરાતી ફિલ્મના સફળ નિર્દેશક ને બૈજુ બાવરા ફિલ્મના દિગ્દર્શક વિજય ભટ્ટના દીકરા અરુણ ભટ્ટ, બધા નિરુભાઈની ફિયાટ ગાડીમાં સાંકડમોકડ સમાઈને જુહુ ખાતે આવેલા કિશોર કુમારના ‘ગૌરી કુંજ’ નામના બંગલે ઉત્સાહમાં પહોંચી ગયા ને એમના ઉત્સાહમાં પંક્ચર પડ્યું જયારે માળી કમ ચોકીદાર એવા શખ્સે કહ્યું, ‘સાહબ તો ઘંટા પહલે નિકલ ગયે.’ હવે શું? ધોયેલા મૂળાની જેમ બધા પાછા ગયા.
રાતે અવિનાશભાઈએ કિશોર કુમારને ફોન કર્યો અને કહ્યું, ‘કિશોર, તેં સમય આપ્યો એટલે અમે તારે ઘરે આવ્યા ને તું જ ઘરે નહિ. અમને ધરમનો ધક્કો થયો.’ કિશોર કુમારે જવાબમાં જે કહ્યું તે સાંભળીને આપણે દંગ રહી જઈએ. એમણે કહ્યું “અવિનશભાઈ, માફ કરના,મૈ ઘર પર હી થા મૈને અપને ફર્સ્ટ ફ્લોર કી ખિડકિસે ચાર પાંચ લોગોંકો કારસે ઉતરતે હુએ દેખા તો મૈં ગભરા ગયા.” આવા ભેજાગેપને બીજું શું કહેવાય? ગમ ખાઈને અવિનશભાઈએ પૂછ્યું, ‘તો હવે તને મળવા ક્યારે આવીએ?’ જવાબમાં કિશોર કહે, “તમારે હવે મળવા આવવાની જરૂર નથી હું સીધ્ધો રેકોર્ડિંગ માટે આવું છું. પરમ દિવસે હું બપોરે ફૅમસમાં એલપી (લક્ષ્મીકાંત પ્યારેલાલ હિન્દી ફિલ્મના જાણીતા સંગીતકાર)માટે રેકોર્ડિંગ કરું છું તો તમે સવારનું રેકોર્ડિંગ જો ગોઠવાતું હોય તો નક્કી કરી નાખો. હું સવારે અગિયાર વાગે આવી જઈશ.” ફૅમસનું તો ન ગોઠવાયું, પણ તારદેવમાં એની બાજુમા આવેલા ફિલ્મ સેન્ટરમાં સવારનો સમય મળી ગયો ને બધું ગોઠવાઈ ગયું.
રેકોર્ડિંગના દિવસે વાદ્યકારો બધા નવ વાગે આવી ગયા એમની સાથે રિહર્સલ થઈ ગયું. ને પછી તેઓ કેન્ટીનમાં ચા પાણી કરવા ગયા. બધાને એમ કે અગિયારનો સમય આપ્યો છે પણ બાર વાગ્યા પહેલા નહિ આવે. એટલા વાગે પણ આવી જાય તો ય ‘ભયો, ભયો!’ એમ પણ થતું હતું કે કિશોર કુમાર કોઈ નવું તિકડમ ના કરે તો સારું! પણ કિશોર કુમાર જેનું નામ, તિકડમ ના કરે તો ચૈન ન પડે! એતો અગિયાર ને બદલે દસને ટકોરે આવી ગયો. બધા આશ્ચર્યચકિત. કિશોર કહે ‘ મૈ નર્વસ હો ગયા થા, પહેલી બાર ગુજરાતી ગાના ગા રહા હું ન, કોઈ ગરબડ હોની નહિ ચાહિયે ઈસ લિયે જલ્દી ચલા આયા. રિહર્સલ કરનેકા ટાઈમ મિલ જાયેગા. ધાંધલિમે ગાના બિગડ જાતા હૈ.” કામ પ્રત્યે કેવી નિષ્ઠા. ફટાફટ બધા વાદ્યકારોને કેન્ટીનમાંથી બોલાવી લેવાયા કે કિશોરજી આ ગયે હૈ. નિરંજનભાઈએ દેવનાગરી લિપિમાં ગીત તૈયાર કરીને રાખેલું તે કાગળ આપ્યો.
કિશોર કુમાર કહે, “નહિ મૈં ખુદ લિખ લૂંગા આપ બોલતે જાઈએ. આમ પોતાના હસ્તાક્ષરોમાં ગીત લખી નાખ્યું, અમુક શબ્દોના સાચા ઉચ્ચારો જાણી લીધા અને પૂરતા રિહર્સલ કરી લીધા. આ બાજુ વાદ્યકારોને કહેવામાં આવ્યું કે કોઈ ભૂલચૂક ન થાય તે જોજો. કિશોરજીને બપોરે એલપીના રેકોર્ડિંગ માટે જવાનું છે.
ત્યાં તો કિશોર કુમારે બીજો ધડાકો કર્યો “એલપી કા રેકોર્ડીંગ મૈંને કેન્સલ કરવા દિયા.”
પ્રોડ્યુસરે કહ્યું, “અરે એસા ક્યુ કિયા?”
તો કિશોરજી કહે, “મૈં પહેલી બાર ગુજરાતી ગાના ગા રહા હું. મુજે સર પે કોઈ ટેંશન નહિ ચાહિયે કે જલ્દી જલ્દી ગાના ખતમ કરકે દૂસરે રેકોર્ડિંગ કે લિયે ભાગું. કિશોર કુમાર પૈસેકા ઉતના દીવાના નહિ હૈ કી અપની કલા કે સાથ બેઈમાની કરે.”
બધા આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયા. નામના એમને એમ નથી મળતી. એમને ગુજરાતી ગીત ગાવાનો આત્મા વિશ્વાસ આવ્યા પછી જ કહ્યું, “ચલો મૈ તૈયાર હું.”
ગીતનું રેકોર્ડિંગ થઈ ગયું. સરસ રહ્યું તોયે કિશોર કુમાર રૅકૉર્ડિસ્ટ કૌશિક (બીજા એવા જ જાણીતા ગુજરાતી રૅકૉર્ડિસ્ટ)ને અને ગૌરાંગભાઈને પૂછે, “સબ ઠીક હૈ?. કોઈ ગલતી હો ગયી હો તો ફિર સે કરતે હૈ. આપ બોલોગે ઉતની ની બાર મૈં ગાઉંગા. રેકોર્ડિંગ મૈં ઉન્નીસબીસ નહિ કરના હૈ.” ગૌરાન્ગભાઈએ અને અવિનાશભાઈએ લીલી ઝંડી ફરકાવ્યા પછી જ એમને સંતોષ થયો.
નિરંજનભાઈ કહે કે વચ્ચે રેકોર્ડિંગ શરુ થયું એ પહેલા એક અમારા બધાના હોશ ઉડાડી દે એવો બનાવ બની ગયો. રેકોર્ડિંગ કક્ષમાં અબ્દુલ નામનો કિશોર કુમારનો ડ્રાઈવર કમ સેક્રેટરી જેવો માણસ આવી ગયો અને કાચની પેલે પાર રેકોર્ડિંગ માટે સજ્જ કિશોર કુમાર જોડે ઇશારાથી વાત કરવા લાગ્યો. આ જોઈને અમને પેટમાં ફાળ પડી કે આ નવું નાટક! અમારું રેકોર્ડિંગ હવે ઘોંચમાં આવશે કે શું? કિશોર કુમાર એના મહેનતાણાં માટે એકદમ સજાગ. અબ્દુલ આવીને એને કહે કે પૈસા પુરા આવી ગયા છે પછીજ એ રેકોર્ડિંગ શરુ કરે, નહીંતર કોઈ બહાનું કાઢી એ રેકોર્ડિંગ કરવાનું ટાળી દે ને ગમ ગચ્છન્તિ કરી જાય! અમે એમની જોડે કઈ વાત કરેલી નહિ એણે પણ પૂછેલું નહિ. હવે શું? ત્યાંતો કિશોર કુમારે એને ઈશારાથી બહાર જવાનું કહી દીધુ. અબ્દુલ નવાઈ પામતો બહાર જતો રહ્યો કે સાહેબે આવું પહેલી વાર કર્યું! રેકોર્ડિંગ થઇ ગયા પછી બહાર આવ્યા પછી અમે કિશોર કુમારની માફી માંગતા કહ્યું
“માફ કરજો ધમાલમાં તમારી ફી વિષે કઈ પૂછ્યું નહિ અમે. કેટલા આપવાના છે.” કિશોર કુમાર ની જવાબ સાંભળીને ફરી ચોંકવાનો વારો આવ્યો એ કહે “કુછ નહિ. અવિનાશભાઈ કે બેટે કે લિયે ગુડવિલમે ગા લિયા ઓલ ધ બેસ્ટ ગૌરાંગ.” અમે તો આભા બની ગયા. અમે કહ્યું એવું ન ચાલે. અવિનાશભાઈએ પણ સાથ પુરાવ્યો. બહુ મનાવ્યા, ત્યારે એમની 11 હજારની ફી ને બદલે 2500 લેવાના કબુલ કર્યા.
આ હતી કિશોર કુમારે ગાયેલા પ્રથમ ગુજરાતી ગીત “ગાઓ સૌ સાથે મળીને તમને બજરંગબલીની આણ છે.” ની કહાણી.
ગૌરાંગ વ્યાસ, નિરંજન મહેતા અને કિશોર કુમાર
“ગાઓ સૌ સાથે મળીને તમને બજરંગબલીની આણ છે” ની કહાણી – ઉત્કર્ષ મઝુમદાર માણી
તેમા આ વાત-“માફ કરજો ધમાલમાં તમારી ફી વિષે કઈ પૂછ્યું નહિ અમે. કેટલા આપવાના છે.” કિશોર કુમાર ની જવાબ સાંભળીને ફરી ચોંકવાનો વારો આવ્યો એ કહે “કુછ નહિ. અવિનાશભાઈ કે બેટે કે લિયે ગુડવિલમે ગા લિયા ઓલ ધ બેસ્ટ ગૌરાંગ.” અમે તો આભા બની ગયા. અમે કહ્યું એવું ન ચાલે. અવિનાશભાઈએ પણ સાથ પુરાવ્યો. બહુ મનાવ્યા, ત્યારે એમની 11 હજારની ફી ને બદલે 2500 લેવાના કબુલ કર્યા.’ ખૂબ ગમી
ધન્ય કિશોર કુમાર
ધન્ય અવિનાશભાઈ
LikeLiked by 2 people