“ઘણીયે ના ભણી રાતે, સવારે સહી કરી દીધી ” – ગઝલ – અશરફ ડબાવાલા
લોગ ઇનઃ
વગડતે ઢોલ ને ઊભી બજારે સહી કરી દીધી,
જખમના લાગની નીચે કટારે સહી કરી દીધી.
મને સપનાંએ ભેગા થઈ મનાવ્યો જીવવા માટે,
ઘણી મેં ના ભણી રાતે, સવારે સહી કરી દીધી.
ગઝલ લખવાની મેં જ્યારે રજા સંકોચથી માગી,
કળાએ સ્મિત વેર્યું ને વિચારે સહી કરી દીધી.
મેં જેવો શ્વાસ છેડ્યો ને બધુંયે થઈ ગયું થાળે,
હવાએ ભીનું સંકેલ્યું, મઝારે સહી કરી દીધી.
તમે લઈ પ્રેમનો ખરડો ફર્યા’તા ગામ આખામાં,
અભણ એક જ હતો અશરફ, હજારે સહી કરી દીધી.
– અશરફ ડબાવાલા
અશરફ ડબાવાલા ગઝલને સમજી, જાણી-પ્રમાણી લખનારા કવિ છે. આ ગઝલની રદીફ આપણું તરત ધ્યાન ખેંચે છે. ‘સહી કરી દીધી’ એ રદીફને તેમણે નિભાવી છે પણ બહુ જ સારી રીતે. ગુજરાતમાં ઘણા નવયુવાન ગઝલકારો ગઝલો લખી રહ્યા છે. ત્યારે રદીફ કાફિયાનું પ્રયોજન સારી રીતે થાય, રદીફ જળવાય અને કાફિયા શેરના ચોટ તથા ભાવ સાથે ફૂટે તે ખૂબ જરૂરી છે. અશરફ ડબાવાલાએ તે કામ સારી રીતે કરી જાણ્યું છે.
સહી કરવાની વાત છે, પણ સાવ છાનામાના બંધ ઓફિસમાં બેસીને નહીં, ઢોલ વગાડીને અને ઊભી બજારે. પહેલાના સમયમાં જાહેરાત કરવાની હોય અથવા સમાચાર આપવાના હોય ત્યારે આખા નગરમાં ઢોલ વગડાવવામાં આવતો. જેથી બધા તે સાંભળી શકે. અહીં કાવ્યનાયકે પણ વાગતા ઢોલે અને ઊભી બજારે સહી કરી દીધી છે. ક્યાં સહી કરી તેનો જવાબ નીચેની પંક્તિમાં આવે છે. જ્યાં જખમ થયો છે, તેની બરોબર નીચે, અને એ પણ પેનથી નહીં કટારથી! આમ પણ ગઝલ એ જખમની નીચે કટારથી સહી કરવા જેવું જ કામ છે. જે તમને આનંદ આપે તે સારી ગઝલ છે, જે તીરની જેમ હૃદયની આરપાર નીકળી જાય તે શ્રેષ્ઠ ગઝલ છે, પણ જે તીરની જેમ આરપાર નીકળ્યા વિના હૃદયમાં ખૂંપેલી રહે તે સર્વશ્રેષ્ઠ ગઝલ છે.
બીજા શેરમાં કાવ્યનાયક જીવનથી હારી ગયો છે. પોતાનું જીવન હવે તે પૂર્ણ કરી દેવા માગે છે, પણ હજી જીવન જીવવા માટેનાં સપનાં તેની આંખમાં તગતગી રહ્યાં છે. સપનાંઓ જીવવા માટે વિનવી રહ્યાં છે. એક તરફ મૃત્યુ ભણીની ઊંડી ખાઈ છે, બીજી તરફ જીવવાની મથામણો. આખી રાત નથી જીવવું – નથી જીવવુંની રટણા ચાલ્યા કરે છે, પણ વહેલી પરોઢનો સૂર્ય નવું જીવન લઈને આવે છે. રાતે ઘણી વાર ના કહી, પણ સવારે તો સપનાની વાતમાં સહી કરી દે છે. ‘ઘણીયે ના ભણી રાતે’ પછી અલ્પવિરામ આવે છે, તે પણ સૂચક છે. કવિતામાં વપરાતાં વિરામચિહ્નો પણ મહત્ત્વનાં હોય છે. તમે વારંવાર ના પાડતા હોવ પછી તરત જ હા નથી પાડતા, તમારે અટકવું પડે છે, ‘રાતે’ શબ્દ પછી તમે થોડા અટકીને બોલશો તો શેરને વધારે સારી રીતે માણી શકશો.
કહેવાય છે કે કવિતાની પ્રથમ પંક્તિ ઈશ્વરદત્ત હોય છે. ગઝલ લખવા માટે કાવ્યમય વિચારનું અવતરવું જરૂરી છે. વળી તેમાં કલા પણ હોવી જોઈએ. વિચાર અને કાવ્યત્વનો સંગમ થાય ત્યારે સારી ગઝલ નિપજે છે તે કવિ જાણે છે. તે સંકોચપૂર્વક ગઝલ લખવાની રજા માગે છે, તેમની વિનવણી સાંભળીને કળા સ્મિત વેરે છે અને વિચારો તેમની ગઝલ લખવાની વિનંતી નીચે સહી કરી આપે છે કે લખો કવિ!
શ્વાસ અટકે એટલે માણસનું મૃત્યુ થાય એટલી વાત બધા જ જાણે છે. શ્વાસ અટકવાથી જીવનની સંપૂર્ણ વાત થાળે પડી જાય છે. શરીરમાં હવાની અવરજવર અટકી જાય છે. પછી તમારા દેહને દાટી કે બાળી દેવામાં આવે છે. તમારી મઝાર એ જાણે તમારા મૃત્યુની સહી છે.
કવિ પ્રિય વ્યક્તિને કહે છે કે તમે પ્રેમનો ખરડો લઈને આખા ગામમાં ફર્યા. તે ખરડામાં તો ગામના હજારો લોકોએ સહી કરી દીધી. પણ હું તો સાવ અભણ, ક્યાંથી સહી કરું? અર્થાત સામેની વ્યક્તિના પ્રેમથી કાવ્યનાયક સાવ અજાણ છે, અથવા તો એમનો પ્રેમ તે સમજી શકતા નથી અને અહીં પેનથી કાગળમાં સહી નથી કરવાની. સમજણ નામની પેનથી હૃદય પર સહી કરવાની છે, લાગણીને સમજી જ ન શકાઈ હોય તો અભણ સમજણ બાપડી ક્યાંથી ક્યાંથી સહી કરી શકે?
પાંચે શેરમાં કવિએ સરસ રીતે કાવ્યત્વ નિપજાવ્યું છે. બધા શેરનો હજી પણ વિવિધ અર્થો સાથે આનંદ લઈ શકાય તેમ છે. અશરફ ડબાવાલા મૂળ ડોક્ટર છે, પણ તેમની કવિતાની સૂઝ ખૂબ ઊંડી છે, તેમની જ એક સુંદર ગઝલથી લેખને લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.
ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં?
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયા આવે.
ડગલું એક ભરી શકવાના હોંશ નથી, પણ;
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.
ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને-
મારી-તારી વચ્ચે બબ્બે દરિયા આવે.
શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.
– અશરફ ડબાવાલા
ખૂબ સુંદર રચનાઓ!
LikeLiked by 1 person
અશરફ ડબાવાલા ની સુંદર ગઝલો અને અનિલભાઈ નો આસ્વાદ લેખ-બધું જ આનંદની ઉજાણી કરીને જમતા હોય તેમ લાગે.
LikeLiked by 2 people
મને સપનાંએ ભેગા થઈ મનાવ્યો જીવવા માટે,
ઘણી મેં ના ભણી રાતે, સવારે સહી કરી દીધી.
વાહ
શ્રી અશરફજી ની સુંદર ગઝલો નો ચાવડા નો સ રસ આસ્વાદ લેખ
LikeLiked by 2 people
બન્ને ગઝલ સરસ.
ગઝલ લખવાની મેં જ્યારે રજા સંકોચથી માગી,
કળાએ સ્મિત વેર્યું ને વિચારે સહી કરી દીધી… અવનવો વિચાર.
સરયૂ
LikeLiked by 2 people
Both Gazals are very good.
LikeLiked by 2 people