પ્રથમ સ્કંધ – નવમો અધ્યાય – યુધિષ્ઠિઅરનું ભીષ્મ પિતામહ પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતાં કરતાં ભ્શઃમજીનો પ્રાણ ત્યાગ કરવો.
(પ્રથમ સ્કંધના આગલા અધ્યાયમાં આપે વાંચ્યું કે, અશ્વત્થામા સૂતેલા દ્રૌપદીના પુત્રોનો વધ કરીને નાસી જાય છે. અર્જુન એને પકડવા માટે એના રથ લઈને એની પાછળ જાય છે, અશ્વત્થામા પોતાના રક્ષણ માટે બ્રહ્માસ્ત્ર છોડે છે પણ એ શસ્ત્રને વાળવાની રીત એને નથી ખબર. અર્જુન સારથી શ્રી કૃષ્ણની સલાહથી પોતે બ્રહ્માસ્ત્ર છોડીને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને પરાસ્ત કરીને બેઉ શસ્ત્રને લોકોની હાનિ ન થાય એ માટે પાછા વાળે છે અને અર્જુન અશ્વત્થામાને પકડીને, એના વચન મુજબ દ્રૌપદીપાસે લઈ આવે છે અને એને શું સજા આપવી એ નક્કી નથી થતું. ક્રોધિત ભીમસેન કહે છે, “જેણે સૂતેલા બાળકોને પોતાના સ્વામીને ખુશ કરવાના હેતુથી મારી નાખ્યા એનો તો વધ કરવો જ ઉત્તમ છે.” ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, “બ્રાહ્મણ પતિત હોય તો પણ એનો વધ ન કરવો જોઈએ અને આતતાયીને તો જીવતો ન છોડવો જોઈએ – આ બે વાતો મેં જ શાસ્ત્રોમાં કહી છે. તેથી હે અર્જુન આ સમસ્યાનો ઉકેલ લાવવા હવે તું મારી એ બંને આજ્ઞાઓનું પાલન કર. આ સાથે તેં દ્રૌપદી સામે જે પ્રતિજ્ઞા લીધી હતી એનું પણ પાલન કર અને ભીમસેન તથા મને જે પ્રિય હોય તે પણ કર.”
સુતજી કહે છે – અર્જુન તરત જ ભગવાનના હ્રદયની વાત પામી ગયો. તેણે તલવારથી અશ્વત્થામાના માથાનો મણિ એના વાળ સાથે ઉતારી લીધો. બાળકોની હત્યા કરવાથી તે શ્રીહીન તો આમેય થઈ ગયો હતો, હવે મણિ અને બ્રહ્મતેજથી પણ રહિત થઈ ગયો. ત્યાર બાદ અર્જુને એનું બંધન ખોલી નાખ્યું અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. આ જ અધમ બ્રાહ્મણોનો વધ છે. તેમના માટે આનાથી જુદું શારીરિક વધનું વિધાન નથી. પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવોએ પોતાના પુત્રોની અને યુદ્ધમાં મૃત અન્ય ભાઈ-બંધુઓની અંત્યેષ્ટિક્રિયા કરી. હવે અહીંથી વાંચો આગળ)
સૂતજી કહે છેઃ મહાભારતના યુદ્ધમાં થયેલી મહાહાનિ અને વિનાશ પછી, મહારાજ યુધિષ્ઠિર સ્વયં પ્રજાદ્રોહની ભાવનાથી પીડાઈ રહ્યા હતા અને એમને ક્યાંય શાંતિ મળતી નહોતી. ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી રાજા યુધિષ્ઠિર બધા ધર્મોના નિચોડનું જ્ઞાન લેવા, ભાઈ-બંધુઓ, વ્યાસજી, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો અને શ્રી કૃષ્ણ સાથે, ઉત્તરાયણ પછી મૃત્યુ પામવાની – ઈચ્છામૃત્યુની રાહ જોતા, બાણશય્યા પર પડેલા ભીષ્મ પિતામહ પાસે ગયા. સહુએ ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા. હે શૌનકજી, આ સમયે, ભરતવંશના ગૌરવરૂપ ભીષ્મ પિતામહને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓ ત્યાં પધાર્યા. પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદશ્ચ, ભારદ્વાજ, શિષ્યો સહિત ભગવાન પરશુરામજી, વસિષ્ઠ, ઈન્દ્રપ્રમદ. ત્રિત, ગૃત્સમદ, અસિત, કક્ષીવાન, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન, શિષ્યો સહિત કશ્યપ, અંગિરાપુત્ર બૃહસ્પતિ વગેરે મહાનુભવો પણ ત્યાં આવવા માંડ્યાં. ભીષ્મ પિતામહ ધર્મને અને દેશકાળના વિભાગને (અર્થાત્ ક્યાં, ક્યા સમયે, શું કરવું જોઈએ તે) જાણતા હતા. તેથી તેમણે તે મહાભાગ ઋષિઓને સંમિલિત થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવને પણ જાણતા હતા. તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્યવેશ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદીશ્વરરૂપે હ્રદયમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની ભીતર અને બહાર – બંને જગ્યાએ પૂજા કરી.
પાંડવો અત્યંત વિનય અને પ્રેમપૂર્વક ભીષ્મ પિતામહની પાસે બેઠા. તેમને જોઈને ભીષ્મ પિતામહની પાસે બેઠા. તેમને જોઈને ભીષ્મ પિતામહની આંખો પ્રેમાશ્રુથી ભરાઈ આવી. તેમણે પાંડવોને કહ્યું, “હે ધર્મપુત્રો, આપને ધર્મ, બ્રાહ્મણ અને ભગવાનના સતત શરણે હોવા છતાં તમારે આટલા કષ્ટમાં જીવન વ્યતીત કરવું પડ્યું, જે ભોગવવાનું તમારા ભાગ્યમાં કદી ન આવવું જોઈતું હતું. તમારા પિતા પાંડુના અકાળ અવસાન સમયે તમે બહુ નાના હતા અને કુન્તીની સાથે તમારે પણ કષ્ટ સહન કરવા પડ્યાં હતાં. મારી અલ્પ સમજ પ્રમાણે આ બધી અપ્રિય ઘટનાઓ બની છે તે બધું શ્રી હરિની લીલા છે. ભગવાનની વહી ખાતામાં દરેક જીવના કર્મ અને ધર્મની નોંધણી છે, જેનો હિસાબ એમની મરજી પ્રમાણે જ થાય છે. નહીં તો જ્યાં ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન હોય, ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુહ્રદ હોય ત્યાં પણ ભલા, વિપત્તિની સંભાવના હોય ખરી? આ કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે એ વાત કોઈ ક્યારેય જાણતું નથી; મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે.
સૂતજી આગળ કહે છે; ભીષ્મ પિતામહ આગળ કહે છે, “હે યુધિષ્ઠિર, સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વરાધીન છે. આટલું જ સમજીને, ધર્મની ધુરી અનુસાર, પ્રામાણિકતાથી પ્રજાનું પાલન કરાવવામાં સંલગ્ન રહો. શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. તેઓ જ આદિ છે, અનાદિ છે અને પરમપુરુષ નારાયણ છે. તેમની લીલાઓ અને પ્રભાવ દેવર્ષિ નારદ, બ્રહ્મા અને શિવ અને ભગવાન કપિલ જેવા મહાભાગો જ જાણે છે. તમારા પક્ષે સારથિ, સુહ્રદ, અને દૂત સ્વયં નારાયણ છે, જેઓ સર્વાત્મા, સમદર્શી, અદ્વિતીય અને અહંકારશૂન્ય છે તેથી અહંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિ તેમને પામી શકતી નથી. હે યુધિષ્ઠિર, ભગવાન તો કાયમ એમના ભક્તો પર અસીમ કૃપા કરે છે. મારા પર પણ આજે એમની અસીમ કૃપા છે કે જે સમયે હું પ્રાણ ત્યાગ કરી રહ્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મને સાક્ષાત દર્શન આપી રહ્યા છે.”
યુધિષ્ઠિરે આ સાંભળીને શરશય્યા પર સૂતેલા ભીષ્મને ધર્મ વિશેનાં અનેક રહસ્યો પૂછ્યાં. તે સમયે, તત્વવેત્તા ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર, મનુષ્યનો સ્વાભાવિક ધર્મ, વૈરાગ્ય તથા રાગને કારણે વિભિન્ન રૂપે દર્શાવેલા નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપી દ્વિવિધ ધર્મ, દાનધર્મ, રાજધર્મ, મોક્ષધર્મ, સ્ત્રીધર્મ, ભગવદ્ ધર્મ- આ બધાની વિસ્તારથી સમજણ આપી. આ સાથે જ ધર્મ, અર્થ, કામ, મોક્ષ – આ ચારેયની પ્રાપ્તિ અને ત્યાગના કારણો તથા સાધનોનું અનેક ઉપાખ્યાનો અને ઈતિહાસ વર્ણવીને, અલૌકિક જ્ઞાન આપ્યું. પિતામહ આમ “ભીષ્મ ગીતા” કહી રહ્યા હતા, ત્યારે, જ ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો, જે, તેમણે ઈચ્છા મૃત્યુ માં માંગ્યો હતો. આ સમયે તેમણે પોતાનું ધ્યાન હવે બધી બાજુથી વાળીને પોતાની સમક્ષ સ્થિત આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવ્યું અને એમણે ઈચ્છ્યું હતું એ જ સ્વરૂપે, ભગવાને એમને દર્શન આપતાં, ભીષ્મ પિતામહની આંખમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતાં. તેઓ શરશય્યાના સેંકડો બાણોની પીડાને ભૂલી ગયા. દેહત્યાગ વેળાએ તેમણે એમની સમસ્ત ઈન્દ્રિયોનો વૃત્તિવિલાસ થંભાવી દીધો અને પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું કે “હું મારી આ શુદ્ધ અને કામનારહિત બુદ્ધિને નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું. જેઓ ત્રિભુવનસુંદર છે, એવા સુંદર કવચમંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઓ. મેમ પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્રગ્રહણ કરાવીને જ છોડીશ; તો મારી એ પ્રતિજ્ઞા પૂરી કરવા તેમણે પોતાની શસ્ત્ર ન ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા તોડી. અને મને મારવા રથ પરથી કૂદી પડ્યા. અર્જુનના રોકવા છતાં પણ મારા પ્રતિના અનુગ્રહ અને ભક્ત વત્સલતાને કારણે જ તેમણે આવું કર્યું. એવા પાર્થસારથિ ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસન્નની પરમ પ્રીતિ થાઓ. હું પામી ગયો છું કે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હ્રદયમાં અનેકરૂપે વસે છે, એવા શ્રી હરિને ભેદભ્રમ રહિત થઈને પામી ગયો છું.” આમ કહેતાં જ પિતામહ ભીષ્મના મુખ પર પરમ શાંતિ છવાઈ ગઈ.
સૂતજી કહે છેઃ આ પ્રમાણે ભીષ્મ પિતામહે મન, વાણી અને દ્રષ્ટિની વૃત્તિઓથી આત્મસ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. એમના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા. તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારાં વગાડવા લાગ્યા, સાધુસ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા માંડી. હે શૌનકજી, યુધિષ્ઠિરે સહુ ઉપસ્થિત ઋષિમુનિઓની હાજરીમાં પિતામહના અંતિમ સંસ્કાર કર્યાં. ત્યાર બાદ તેઓ શ્રી કૃષ્ણની સાથે હસ્તિનાપુરમાં આવ્યા અને તેમણે કાકા ધૃતરાષ્ટ્ર અને કાકી, તપસ્વિની ગાંધારીને ધીરજ બંધાવી. પછી એમની આજ્ઞા લઈને તથા નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશપરંપરાગત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો યુધિષ્ઠિર રાજ્યપ્રલંભ નામનો નવમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર બીજઃ
૧. ભીષ્મનું ઈચ્છામૄત્યુ વિજ્ઞાનની દ્રષ્ટિએ શું હશે? બાણશય્યા પર ઉત્તરાયણ સુધૂ ટકી જવું એ કઈ રીતે બન્યું હશે?
૨. ભીષ્મગીતા સાંભળવા તાત્કાલિક ઋષિ-મુનિઓ અને શંકરજી પધારે છે તો સ્પેસ મશીન- ટાઈમ મશીન (આગળ પણ એની વાત કરી હતી) તે સમયે શોધાયું હશે?
Interesting.
LikeLike
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો યુધિષ્ઠિર રાજ્યપ્રલંભ નામનો નવમો અધ્યાયની ભાવભીની રજુઆત
“અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હ્રદયમાં અનેકરૂપે વસે છે, એવા શ્રી હરિને ભેદભ્રમ રહિત થઈને પામી ગયો છું.” આમ કહેતાં જ પિતામહ ભીષ્મના મુખ પર પરમ શાંતિ છવાઈ ગઈ. આમ પામેલાને પરમ શાંતિ પુર્વક મૃત્યુ મળે છે.
“વિજ્ઞાનીક સત્ય”પણ બદલાતું જાય છે. આત્મા અને પુનર્જન્મ જ્ઞાનના રસ્તે જેટલું જાણ્યું એટલું ઓછું જ છે.મોટા મોટા પુસ્તકો વાંચી જ્ઞાન વધતું રહે પણ અંતે તો બધુ જ પરમ શક્તિને અર્પણ કરતા “એ જ મહાજ્ઞાની” રૂપી સ્વીકાર એ જ શ ર ણા ગ તી…ત્યારે સત્ય જ્ઞાન આપોઆપ ખીલે છે અને અજાણે જ્ઞાનમાં વધારો થાય છે.આધ્યાત્મિક વિષયમાં વેદ વચન સમજવા કહેલી સાધના કરે તો પાત્રતા આવતા સહજ સમજાય.વેદના આ ગહન વિષયને બને ઍટલી સરળતાથી સમજવા પ્રયત્ન કરીએ.
अपाने जुह्वति प्राण प्राणेऽपानं तथाऽपरे।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः।।दूसरे कितने ही प्राणायामके परायण हुए योगीलोग अपानमें प्राणका पूरक करके प्राण और अपानकी गति रोककर फिर प्राणमें अपानका हवन करते हैं ત્યાર બાદ
શાં ભ વી ઉપર ઘણુબધું શોધ-કાર્ય ચાલી રહ્યું છે. તમે જાણો છો, આજના વિશ્વમાં તમારી ભીતર જે થઈ રહ્યું છે તે જ પૂરતું નથી. તે લેબોરેટરીમાં મપાવું જરૂરી છે. વૈજ્ઞાનિકો એ શોધયું છે કે જે લોકો શાંભવી ક્રિયાનો નિયમિત અભ્યાસ કરતાં હોય તે લોકોમાં કોર્ટિસોલ અંતઃસ્ત્રાવની કર્યાન્વિક્તાનો દર નોંધપાત્ર વધારે હોય છે. BDNF- બ્રેઇન ડિરાઈવ્ડ ન્યૂરોટ્રોપિક ફેક્ટર એટલે કે તમારા મગજ દ્વારા ઉત્પાદિત ન્યૂરોનની સંખ્યા પણ વધે છે.કોર્ટિસોલ અંતઃસ્ત્રાવની કર્યાન્વિક્તા તમારામાં અલગ સ્તરનુ . આત્મજ્ઞાન લાવે ત્યાર બાદ પુરુષાર્થથી આત્મા પરમાત્મા વચ્ચે યો ગ થાય છે.આ મહાનંદ કાયમી થાય તેને સ મા ધિ કહેવાય…ત્યારબાદ પોતાની ઇચ્છા પ્રમાણે પમાય ઇચ્છામૃત્યુ
વિચાર બીજઃ ૨ ‘ ભીષ્મગીતા સાંભળવા તાત્કાલિક ઋષિ-મુનિઓ અને શંકરજી પધારે છે’ આ વિજ્ઞાનના પ્રયોગોથી સાબિત થયું છે કે તમારા વિચાર માત્ર તમારા માથામાં પુરાઈને રહેતા નથી. તમે એ બોલીને વ્યક્ત ન કરો તો પણ એ માથાની બહાર નીકળીને વાતાવરણમાં ફેલાય છે. જો એને ઝીલીને સમજી શકે એવી કોઈ વ્યક્તિ ગમે ત્યાં હોય તો એ તમારા વિચારોને બારોબાર ઝીલી શકે.
LikeLiked by 2 people