બે કાંઠાની અધવચ —– પ્રીતિ સેનગુપ્તા
પ્રકરણઃ ૮
સુજીત નાનપણથી જ હોંશિયાર. આસપાસનાં ઘણાંને એ વધારે પડતો હોંશિયાર પણ લાગે. દરેક વાતમાં એને કાંઈ ને કાંઈ જુદું જ કહેવાનું હોય. દરેક બાબતનો ઉપાય પણ એની પાસે હોય. તેથી જ, જે લોકો એનાથી કંટાળતા હોય તે બધા પણ એટલું તો કહે જ, કે ભઇ, સુજીતને બધી ખબર તો હોય છે જ. એની સલાહ કોઈ દિવસ ખોટી નથી નીકળતી.
પણ એને પોતાને ઘેર ફાધર એની આ સ્માર્ટનેસ જાણતા લાગતા નહતા.
ત્રણ ભાઈઓમાં ઉંમરનો બહુ ફેર નહતો, એટલે આમ તો એ બધા મિત્રો જેવા જ હતા. સાથે જ રમતા હોય. ભણવામાં બે-ત્રણ ચોપડી આગળ-પાછળ હતા, તે જ. સમજણા થતા ગયા તેમ, ધીરે ધીરે એ દરેકને ખબર પડવા માંડી, કે ઘરમાં વધારે લાડકું કોણ છે.
અલબત્ત, પ્રજીત. સૌથી નાનો, એટલે અમ્માનો તો એ બાબો હતો. મીઠાઈ પહેલી એને આપવાની. પૂરતી ના હોય તે દિવસે બીજા બે ભાઈઓને ના મળે. અમ્મા પ્રજીતને આગ્રહ કરીને ખવડાવે. જાડો થતો જાય છે, એ એમને દેખાતું નહીં હોય? સુજીતને ઓછું આવી જતું. એને પણ અમ્માનું વહાલ જોઈતું હતું.
ફાધરને પણ પ્રજીત વધારે લાડકો હતો, તે દેખીતું જ હતું. પ્રજીત તો બહુ જ ચપળ. દરેક વિષયમાં એ પહેલો જ આવે. સ્કૂલ પછી, એ તો સાયન્સમાં જ જવાનો. એ દાક્તર બનવાનો, ખાત્રીપૂર્વક ફાધર બધાંને કહેતા. એ વખતે સુજીતને ગુસ્સો ચઢતો. હા, એ વધારે વહાલો લાગે છે બધાંને. હજી તો ડૉક્ટર થવાને વર્ષોની વાર છે. ને થશે કે નહીં એની શું ખાતરી?
ગમે તે રીતે સુજીત બતાવી દેવા માગતો હતો, કે પોતે પણ મોટી ડીગ્રી લેશે, આગળ આવશે, ખૂબ પૈસા બનાવશે. આ વિચારે સુજીતે ઍન્જિનિયરીંગમાં જવાનું જાતે જ નક્કી કરી દીધેલું. ફાધરે તો કહેલું, એટલું લાંબું ભણવાનું ફાવશે? રહેશે ધીરજ? અડધેથી છોડી તો નહીં દે ને? ખોટા પૈસા ના બગાડતો, ભઇ.
સુજીતના મનમાં ઊંડે ઊંડે અપમાન લાગી ગયું હતું. એણે ગાંઠ વાળી, કે એ સ્કૉલરશીપ મેળવશે જ. ફાધરને બતાવી દેશે. એમના પૈસા એ લેશે જ નહીં. પોતાની મહેનતથી ભણશે, અને પોતાની પસંદ પ્રમાણે જ જીવશે. વખત આવ્યે એ આઇ.આઇ.ટી. મદ્રાસમાં ભણવા જતો રહ્યો.
મોટો રંજીત ભણવામાં જરા ધીમો હતો. એ એના ભાઈઓની સાથે કોઈ હરિફાઈ કરી શકે તેમ નહતો. સ્કૂલમાં તો દર વર્ષે પાસ થઈ જતો, પણ કૉલૅજમાં એને કઈ લાઇનમાં મોકલવો, તે વિષે ફાધર ચિંતા કરતા. પછી એને ક્લૅરિકલ અને સૅક્રૅટરિયલ કામ શીખવાના વર્ગો લેવડાવવા, એમ નક્કી થયેલું.
સ્કૂલ પૂરી થતી ગઈ તેમ દરેક ભાઈ, પોતપોતાની રીતે, જુદો પડતો ગયો. મિત્રો બદલાયા, પ્રવૃત્તિઓ બદલાઈ, અને વિચારસરણી પણ બદલાતી ગઈ. રંજીતે ઘર સૌથી પહેલાં છોડ્યું. એક વર્ષના કોર્સ પછી એને નોકરી મળી, પણ દૂર. એ જુદો રહેવા લાગ્યો. અમ્માએ ઘડીક ચિંતા કરી હતી, પણ ફાધરે કહ્યું હતું, અરે, હવે તો જમવા માટે બધે વીશીઓ થઈ ગઈ છે. એ તો એની મેળે ટેવાઈ જશે.
થોડા વખત પછી, રંજીત છેક જમશેદપુર ચાલી ગયો. ત્યાં કોઈ બંગાળી છોકરી સાથે લગ્ન કરી લીધાંનું જાણ્યું ત્યારે ફાધરે એને કહી દીધું હતું, કે હવે ઘેર આવવાનો ધક્કો ખાવાની જરૂર નથી. એને ત્યાં દીકરી થઈ છે, એ સાંભળીને અમ્માની બહુ ઈચ્છા હતી દીકરા-વહુને ઘેર બોલાવવાની, પૌત્રીને જોવાની. ફાધરે ત્યારે પણ વાતને સંમતિ આપી નહતી.
સુજીતનો જીવ બળ્યો હતો. એક એણે જ ભાઈ અને ભાભી સાથે સંપર્ક રાખ્યો હતો, અને નાની ભત્રીજી રૂહી આવ્યાનું સાંભળ્યું ત્યારે, અભિનંદનના કાગળની સાથે, ભેટના રૂપિયા મોકલ્યા હતા.
પ્રજીત મૅડિકલમાં ગયો તો હતો, પણ એને કેટલાક કોર્સ બહુ અઘરા પડતા હતા. લાઇન બદલવી છે, એવું એ ફાધરને કહી શકે તેમ નહતો. દીકરો દાક્તર થવાનો છે, કહીને ફાધર, વર્ષોથી, કેટલોયે વટ મારતા હતા. પ્રજીત પોતાનું માન કેવી રીતે ખોઈ શકે? પણ એના મનમાં એક પ્રકારની ચીડ ચઢેલી રહી – ફાધર પર, ને જાત પર પણ, કે એ ફાધરને કહી ના શક્યો.
માંડ માંડ કરતાં એ પાસ તો થઈ ગયો, પણ એથી યે વધારે મહેનત કરીને એણે અમેરિકા જવાનો પરવાનો મેળવ્યો. જાણે એને છટકી જવું હતું બધા સંબંધોમાંથી, કશી પણ જવાબદારીમાંથી. ત્યાં ગયા પછી એને પ્રગ્ના નામની છોકરી સાથે ઓળખાણ થઈ. એની જ હૉસ્પિટલમાં લૅબ ટૅકનિશિયન હતી. નાનપણથી એ મા-બાપ સાથે અમેરિકા આવેલી, અને ગ્રીન કાર્ડ હતું પ્રગ્ના પાસે. બંને પરણી ગયાં. પ્રજીતને અમેરિકામાં રહેવાનો સરખો વિસા મળી જાય તે માટે લગ્ન કરવામાં એમણે કદાચ થોડી ઉતાવળ પણ કરી.
બે વર્ષ પછી દીકરો થયો, અમેરિકામાં રહેવાનો વિસા પણ મળી ગયો, અને ઇન્ડિયા જઈને એક વાર અમ્મા અને ફાધરને મળી આવ્યાં. બીજાં બેએક વર્ષ પછી બીજો દીકરો જન્મ્યો. હવે બહુ બિઝી થઈ ગયાં એ બે જણ. બંનેની ફુલ- ટાઇમની નોકરી, અને બે બાળકોનો ઉછેર. હવે જલદી ફરી ઇન્ડિયા ના જઈ શકાય.
એ દરમ્યાન સુજીત ભણવાનું પૂરું કરીને મદ્રાસથી પાછો આવી ગયો. એની નોકરી સારી હતી, અને નજીકની કૉલૅજમાં બે કોર્સ શીખવાડતો પણ હતો. અમ્મા અને ફાધરનો હવે એ જ આધાર બની ગયો. હવે અમ્માનું બધું વહાલ, ને જમતી વખતે અમ્માનો બધો આગ્રહ, સુજીતને માટે જ હતાં.
મોડું થઈ ગયું આ બધાં માટે હવે, અમ્મા, એ મનમાં કહેતો. નાનપણમાં અનુભવેલી ઓછપ હવે સરભર ના થઈ જાય, અમ્મા. પણ એ હસી લેતો અમ્મા સામે, આવું કશું બોલતો નહીં.
અમ્માએ વહુ લાવવાની વાત કરવા માંડી હતી. પહેલી વાર એ સાંભળીને સુજીત સુન્ન થઈ ગયો. એને સજની યાદ આવી ગઈ. કેટલા વખતે યાદ આવી? કે યાદમાં હોય, ને એ ધ્યાન જ ના આપતો હોય, એમ હશે? સાથે અભ્યાસ દરમ્યાન મદ્રાસમાં મળેલો સજનીને.
સુજીત પહેલેથી એનાથી દૂર રહેલો. પૈસાદારની છોકરી, અને ખૂબ પૉપ્યુલર. આપણું કામ નહીં, એ જાણતો હતો. પણ બીજાં મિત્રો સાથેના પ્રસંગોમાં મળવાનું થયું, ઓળખાણ થઈ, સજની જાતે જ કારણ કાઢીને એને મળવા લાગી. સુજીતને એ ગમવા માંડેલી- ચબરાક, મિલનસાર. વળી, સરસ કપડાં, છુટ્ટા રાખેલા વાળ, ને કડકડાટ અંગ્રેજી, એટલે આકર્ષક તો લાગે જ.
પણ સજની તો એને પ્રેમ કરવા લાગી હતી. મરીના બીચની રેતી પર, એકબીજાનો હાથ પકડીને, બંને ચાલતાં હતાં ત્યારે સજનીએ કહ્યું હતું, આ મોજાં કેવાં અવિરત ચાલુ રહે છે. એવી જ રીતે, સુજીત, આપણો સાથ પણ ચાલુ રહેશે, તું યાદ રાખજે.
પણ તું જ ભૂલી જાય તો?
અરે, હું તો તારી, રાજકપૂર જેવી, આંખોના મોહમાં છું, તું જાણે છેને? સ્વપ્નમાં પણ એ જ દેખાય છે મને.
સજની આવું મીઠું બોલે ત્યારે સુજીતના દિલમાં વહાલની ભરતી આવતી. છતાં, એની બુદ્ધિ સતેજ થઈ જતી, અને ચેતવતી, કે આ સ્વપ્નમાંથી જાગી જઈ શકાય તેમ છે, તે ભૂલતો નહીં. પણ લાગતું તો હતું, કે સજની એને પરણવા માગતી હતી.
ભણવાનાં વર્ષ પૂરાં ના થાય ત્યાં સુધી, લગ્નનો વિચાર સુજીત કરી શકે તેમ નહતો. હજી એ જાત-મહેનતથી જ ભણી રહ્યો હતો. સજનીએ એક વાર, લગ્ન અંગેના એના ખ્યાલ વિષે, પૂછી લીધેલું, જરાક આડકતરી રીતે, પણ અર્થ સમજાઈ જાય તેમ.
સુજીત કહેવા લાગેલો, બસ, આ છેલ્લું વર્ષ છે. પછી મને નોકરી મળશે કે તરત —-
સજનીએ એને અટકાવેલો, ઓહો, તો હજી વાર લાગશે, એમ ને? પણ સાંભળ, રાહ જોવાની જરૂર નથી. અને નોકરીની કોઈ ચિંતા નથી. મારા પપ્પાના કેટલાયે બિઝનેસ છે.
હવે સુજીતે એને અટકાવી. શું કહે છે તું આ? તારા પપ્પાનો નોકર થાઉં એમ?
સજની હેબતાઈ ગઈ હતી. આ તું શું કહે છે, સુજીત? ક્યારેય હું એવું ઈચ્છું તારે માટે?, આપણે માટે? પછી વહાલથી સુજીતના મોઢાને બે હાથમાં લઈને, મનાવતી હોય તેમ, એ આગળ બોલી, જો, આપણે એમનાંથી રહેવાનું અલગ, ને આપણે આપણી રીતે જ જીવવાનું. તું ને હું, બસ. પણ તારે નોકરી શોધવાનું ટૅન્શન લેવું નહીં પડે. તને ગમે તેવી, અને તારે માટે યોગ્ય હોય તેવી જ, નોકરીની ગોઠવણ થશે, એમ કહું છું.
સુજીતે પોતાના મોઢા પર મૂકેલા સજનીના હાથને પકડીને ચુમ્યા, ને કહ્યું, સારું, ચાલ, મને ડીગ્રી મળે તે પછીની વાત છે ને? ત્યારે જોઈશું.
સુજીતનું મન એક ગુંચવણમાં હતું. ક્યારેય કોઈને ના કહી હોય તેવી ઈચ્છાને હવે સજની પાસે તો વ્યક્ત કરવી જ પડશે. લગ્ન વિષે આટલી ચર્ચા આ પહેલાં ક્યારેય થઈ નહતી, અને ભવિષ્ય વિષે હજી કશું વિચારાયું નહતું. પણ હવે, પોતાની એ તીવ્ર ઇચ્છાની વાત, સજનીને જણાવી દેવી જોઈએ, સુજીતે વિચાર્યું.
સાંભળ, સજની, તારા પપ્પા પાસે મારે નોકરી કદાચ લેવી જ નહીં પડે.
કેમ, તું પણ બિઝનેસ શરૂ કરવાનો છું?
ના, એવું નથી. જો, સજની, આ તને જ સૌથી પહેલાં જણાવું છું. મને ડીગ્રી મળી જાય પછી હું- એટલેકે તું અને હું અમેરિકા જતાં રહીશું. મારે ત્યાં જ કામ કરવું છે, અને ત્યાં જ રહેવું છે.
સજની સ્તબ્ધ થઈ ગઈ. અચાનક એક બૉમ્બ પડ્યો એના પર. સુજીત, સુજીત, ના હોય. તું મજાક કરે છેને?
પણ એ મજાક નહતી. સજની ગંભીર થઈ ગઈ. હું મમ્મી-પપ્પાથી દૂર રહેવા નથી માગતી.
તારો ભાઈ અહીં જ છે. દીકરો જ સાચવેને મા-બાપને.
તે હશે, પણ અમારા કેસમાં તો હું નાની હતી ત્યારથી જ પપ્પા મને ખોળામાં લઈને કહેતા, જો, બેટા, આ મહેનત હું કોના માટે કરું છું તે તને ખબર છેને? તારે ને તારા ભાઈ માટે. મોટાં થાય પછી મારાં દીકરી ને જમાઈ, અને દીકરો ને વહુ, ભેગાં મળીને બધો બિઝનેસ સંભાળે એવી મારી ઝંખના છે.
હવે તું જ કહે, સુજીત, એમને નિરાશ હું કઈ રીતે કરી શકું? આટલું તો વર્ષોથી નક્કી જ છે. સજની કહેતી ગઈ,
આપણે અમેરિકા દર વર્ષે ફરવા જઈશું. યુરોપ, ઑસ્ટ્રૅલિયા- તું કહીશ ત્યાં ફરીશું. પણ પરદેશમાં હું વસી તો નહીં શકું.
અચાનક આ બધી વિગતો ક્યાંથી આવી ગઈ સજની સાથેની વાતોમાં? ભવિષ્ય વિષેના, આ કંાઠે કે પેલા કાંઠે જેવા, નિર્ણયો ક્યાં કર્યા હતા સુજીતે? હજી તો જીવન વિષે પૂરતું ભાન પણ આવ્યું નહતું સુજીતના મગજમાં. જો સમય મળ્યો હોત, અને સરખી સલાહ, તો કદાચ સુજીતે ઍડજસ્ટ કર્યું હોત અમેરિકી જીવનના પોતાના સ્વપ્નને, પણ અણધારી જ થઈ ગઈ આ વાતો.
બીજાં મિત્રોની સાથેના પ્રસંગોમાં પણ હવે પહેલાંની જેમ એમનું મળવાનું નહતું થતું. સુજીતને છેલ્લા વર્ષનું ભણવાનું હતું, અને સજની પપ્પાની સાથે ટ્રેઇનિન્ગ લેવામાં બિઝી થઈ ગઈ. ફોનમાં વાતો થતી. પ્રેમ કાંઈ બપોર થતાં ઝાકળની જેમ ઊડી નહતો ગયો, પણ ખરેખર તો, એ સારું જ થયું કે બંનેએ ઉતાવળે લગ્ન કરવાનું ગાંડપણ ના કર્યું.
હવે અમ્મા લગ્નની વાતો શરૂ કરતાં હતાં, ત્યારે શબ્દશઃ સજની યાદ આવી ગઈ. સુજીતે અપવાદ જેવો નાનો નિસાસો નાખ્યો. ના, સજનીની સાથે લગ્ન થયું હોત તો પણ કદાચ ટક્યું ના હોત. ઘણી જુદી છે જીવવાની રીતો અમારાં બેની.
બે કાંઠાની અધવચ —સુ શ્રી– પ્રીતિ સેનગુપ્તાની સરળ પ્રવાહે વહેતી નવલકથા
LikeLike