કોને કહું? – સપના વિજાપુરા
સામે રાહુલની લાશ પડી હતી. આલિયા ફાટી આંખે રાહુલનો નિર્જીવ દેહ જોઈ રહી હતી. કેવી રીતે માનું કે હવે રાહુલ નહીં બોલે? . થયો. રાહુલને બદલે એની લાશ આવી.
આલિયા અને રાહુલે દસ વરસ પહેલાં મા બાપની જાણ બહાર કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં. દસ વરસ આ લગ્ન મા બાપથી છૂપાવ્યા હતાં. આલિયા મુસલમાન અને રાહુલ બ્રાહ્મણ. સમાજ આ સંબંધ શી રીતે સ્વીકારે? રાહુલની મમ્મી તો મુસલમાનના હાથનું ખાઈ પણ નહીં. આલિયાને પુત્રવધુ તરીકે શી રીતે સ્વીકારી શકે? છૂપો છૂપો રોમાન્સ ચાલતો. ગળાડૂબ પ્રેમમાં બન્ને દુનિયાથી છૂપાવીને પતિપત્ની હોવા છતાં પ્રેમી બનીને જીવતાં હતાં. આલિયાના ઊંચા બંગલામાં પાઈપથી રાહુલ ત્રીજા માળે પહોંચી જતો અને બન્ને પોતાની પ્રેમની દુનિયામાં ખોવાઈ જતાં.
આ સમય દરમિયાન આલિયાને પેટનો ખૂબ દુખાવો રહેતો અને અમદાવાદ મોટા ડોકટરને બતાવતા જાણવા મળ્યું કે આલિયાની ઓવરીમાં મોટી ગાંઠ છે અને એક ઓવરી કાઢી નાંખવી પડશે. એટલે કે બાળક થવાની શક્યતા પણ ઘટી ગઈ. પણ રાહુલ કહેતો કે હું તને ચાહું છું તને બાળક થાય કે ના થાય તું મારી હોઈશ તો હું પૂર્ણ હોઈશ. લગ્ન દસ વરસ સુધી રહસ્ય રહ્યા. અને આલિયાનાં મા બાપ આલિયાને લગ્ન માટે દબાણ કરતાં હતાં. પણ આલિયા કોઈ ને કોઈ બહાનાથી વાત ટાળી દેતી. પણ બહાના ક્યાં સુધી ચાલે? મમ્મી એક પછી એક છોકરા બતાવતી અને આલિયા બધાને ના પાડતી. હવે સમય આવી ગયો હતો કે મા બાપને પોતાનાં આ સિક્રેટ લગ્ન વિષે બતાવવામાં આવે! રાહુલ સાથેનાં લગ્નની વાત સાંભળી આલિયાના ઘરવાળા અને રાહુલના ઘરવાળા હેબતાઈ ગયાં.
આલિયાના મા બાપ મોર્ડન હતાં. રાહુલ અને આલિયાના લગ્ન સ્વીકારી લીધાં અને આલિયા સાસરે રવાના થઈ ગઈ. ત્યાં સાસુ સસરાનો પ્રેમ ના મળ્યો. મુસલમાન છે એમ કહીને ઉપરની મેડી પર રાખી. જુદી રાખેલી થાળીમાં ખાવાનું મોકલી આપવામાં આવતું અને રસોઈમાં દાખલ થવાની મનાઈ હતી. સાસુ સસરાની નફરતને સમજી શકે એવી આલિયા હોશિયાર ન હતી. આલિયા ખૂબ ભોળી હતી એટલે કે પછી રાહુલને ખૂબ પ્રેમ કરતી હતી એટલે આ બધાં અપમાન સહન કરતી હતી. બસ, આલિયા આવી અપમાનભરી જિંદગી જીવી રહી હતી.
અચાનક જ આલિયાના પપ્પા સખત બિમાર પડ્યા. અને છ મહિનાની ટૂંકી બિમારીમાંમૃત્યુ પામ્યા. આલિયાના પપ્પાની બિમારી દરમ્યાન રાહુલે ખૂબ મદદ કરી હોસ્પિટલની દોડાદોડીમાં અને આલિયાની મમ્મીને બરાબર સહારો આપ્યો. મમ્મી રાહુલથી ખૂબ ખુશ હતી. હવે એના ઉપર વિશ્વાસ કરવા લાગી હતી. એકલવાયી મમ્મીનો જાણે રાહુલ દિકરો બની ગયો હતો. આલિયાની મમ્મી કાંઈ પણ કામ હોય તો રાહુલને બોલાવતી.
આલિયાની મમ્મી પાસે આલીશાન બંગલો હતો. લગભગ આઠ કરોડનો. આલિયાના પિતાના અવસાન પછી એની મમ્મી એ બંગલો વેચીને નાના ફ્લેટમાં રહેવા જવા માંગતી હતી. કારણકે આલિયાની મોટી બહેનના લગ્ન થઈ ગયાં હતાં. આલિયાનો એક ભાઈ હતો જે થોડો મંદબુદ્ધિનો હતો. એટલે મોટો બંગલો હેન્ડલ કરવો એકલી આલિયાની મમ્મી માટે અશક્ય હતું. રાહુલ બંગલો વેચવામાં પણ મદદ કરતો હતો. છેવટે બંગલો વેચાઈ ગયો. આલિયાની મમ્મી મિલકતના ત્રણ ભાગ પાડ્યા જેમાંથી એક ભાગ આલિયાને પણ મળ્યો. રાહુલે અને આલિયાએ હવે એક કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો. પણ આ ફલેટ આલિયાની મમ્મીએ આલિયાનાં નામ પર લીધો હતો.
ઓવરીના પ્રોબલેમ હોવા છતાં આલિયા પ્રેગનેટ થઈ. રાહુલ બાળકને પડાવી નાખવા માટે કહેતો હતો કારણ કે આલિયાની જિંદગીને પ્રોબલેમ થઈ શકે. પણ ડોકટરે કહ્યુ કે એક જ બાળક આલિયાને થઈ શકે. આલિયાએ જીદ કરીને બાળકને પાડવા ના દીધું. રાહુલનું વર્તન એને થોડું વિચિત્ર લાગતું હતું. પણ, આલિયાને એમ કે મારી ચિંતા કરે છે એમ માની એ વાતને બહુ મહત્વ ના આપ્યું. આલિયાની પ્રેગન્સીને ત્રણ મહિના થયા હતાં.
રાહુલ આલિયાનું ખૂબ ધ્યાન રાખતો. બન્ને જણા બાળકનાં સપનાં જોવા લાગ્યા હતાં. આલિયા આખો દિવસ ગાયા કરતી કે, “જીવનકી બગીયા મહેંકેગી ચહેંકેગી. થોડાં હમારા થોડાં તુમ્હારા આયેગા ફિરસે બચપન હમારા” આલિયા ખૂબ ખુશ હતી. અને એ દિવસ આવ્યો. એ ગોઝારો દિવસ! જ્યારે રાહુલ જીપ લઈને નીકળ્યો ત્યારે આલિયાને ખબર ના હતી કે આ છેલ્લી વાર રાહુલને જીવિત જુએ છે!
મોબાઈલની રિંગ વાગી. અને સમાચાર મળ્યા, રાહુલની જીપનો અકસ્માત થયો છે. આલિયાના કાનમાં જાણે કોઈએ પારો રેડી દીધો! આઠ કલાકે ઘરે રાહુલની લાશ આવી! આલિયાને વિશ્વાસ પડતો નથી. સામે એનાં રાહુલની લાશ પડી હતી!
આંખો માનવા તૈયાર ના હતી. છાતીમાં ડૂમાઓ ફસાયાં હતાં. રડી શકતી ન હતી. ડોક્ટરે એને રડાવાનું કહ્યું, .નહીંતર એનાં બાળક પર અસર પડશે. આલિયાની મમ્મીએ સમજાવી સમજાવીને કહ્યું કે રાહુલ હવે પાછો નહીં આવે, કદી નહીં, પણ સ્તબ્ધ આંખો રાહુલનાં નિર્જીવ દેહને તાકી રહી હતી. સાસુ અને સસરા આલિયાને કલમૂઈ કહીને ગાળો ભાંડી રહ્યા હતાં. પણ આલિયાને જાણે કાંઈ સંભળાતું ન હતું. કોઈએ આલિયાનાં હાથમાં રાહુલની પોલીસની ટોપી અને લાકડી મૂક્યા. અને આલિયા રડી પડી. ધમપછાડાં કરીને રડી પડી.” રાહુલ, રાહુલ, રાહુલ..”પણ રાહુલ સાંભળતો ના હતો. અને બધાં “રામ બોલો ભાઈ રામ” કરતાં રાહુલનાં નિર્જીવ દેહને સ્મશાન તરફ લઈ ગયાં.
થોડાં દિવસ રોકકળમાં ગયાં. પોલિસ રાહુલની અમૂક વસ્તુ પાછી આપવા આવી. એમાં એનો સેલ ફોન પણ હતો. સેલફોન રાહુલ કોઈને અડવા દેતો ન હતો. .આલિયાને પણ નહીં. આલિયા ક્યારેક મજાકમાં કહેતી પણ ખરી કે આ સેલ ફોન મારી સૌતન છે. આલિયા એટલી ભોળી હતી કે કદી ચેક કરવાનો વિચાર પણ નહોતો આવ્યો. જો કે માણસ કોઈનો વિશ્વાસ કરે એનો અર્થ એ નથી કે એ બેવકુફ છે. બસ, એને તમારા પ્રત્યે વિશ્વાસ છે! હવે આલિયાના હાથમાં રાહુલનો ફોન હતો. રાહુલ ત્યાં ન હતો ફોન ઝૂંટવી લેવા માટે! પાસવર્ડ એ જાણતી હતી. ક્યાંય સુધી ફોનને હાથથી સેહલાવતી રહી. જાણે કે રાહુલનો હાથ હોય! પાસવર્ડ ફોનમાં નાખ્યો. આલિયા રાહુલના જુનાં ફોટા અને વિડીયો મળી આવ્યાં. ફોનમાં રાહુલે ઘણી જુની યાદો સાચવી હતી. એમાથી એક વિડીયો મળ્યો જે કોઈ સ્ત્રી સાથેનો હતો. જેમાં બન્નેની પ્રેમની વાતો કરતા હતા અને આલિયાની મિલ્કતને હડપ કરવાનો પ્લાન અને આલિયાના બાળકનું એબોર્શન નું પ્લાનિંગ હતું. જેવી મિલકત મારાહાથમાં આવશે હું આલિયાનું કાસળ કાઢી નાખીશ અને તારી પાસે હમેશા માટે આવી જઈશ એવું પ્રોમીસ એ અજાણી સ્ત્રીને આપતો હતો અને બન્નેના એમાં નગ્ન ફોટા પણ હતાં. એ બીજા ગામમાં રાહુલના અપાવેલા એક ઘરમાં રહેતી હતી. આલિયા અન્યમનસ્ક થઈને રાહુલના ફોનને તાકી રહી! હવે એ કોને કહે? કોની સાથે ઝગડે? કોને ફરિયાદ કરે! કે પછી ઈશ્વરે એનો ન્યાય કર્યો!
એ કશું એને અથવા એની મમ્મીને નુકસાન કરે એ પહેલા ઈશ્વરે એને પોતાની પાસે બોલાવી લીધો! કોને કહું? કોને કહું?
સુ શ્રી સપના વિજાપુરાની સરળ પ્રવાહે વહેતી વાર્તા કોને કહું? મા
‘આલિયાના હાથમાં રાહુલનો ફોન હતો.’ વાતે અણધાર્યો અંત આણ્યો.વાર્તાના પાત્રોના નામો પ્રખ્યાત નામો છે તેથી વાર્તા કટાક્ષ કથાની યાદ આપે..
LikeLike
બહુ ક્ણરૂ વાર્તા….
LikeLike