‘વારતા રે વારતા’ – (૭) – બાબુ સુથાર


સ્વિડિશ લેખક પાર લાગેર્કવિસ્ટની (Pär Lagerkvist) વાર્તા

બાબુ સુથાર

સ્વિડીશ લેખક પાર લાગેર્કવિસ્ટ (સાહિત્યનું નોબલ પ્રાઈઝ ૧૯૫૧) એમની ઘણી બધી વાર્તાઓમાં પુરાણકથાઓ અને પશુકથાઓનો વિનિયોગ કરે છે. એ માને છે કે શુભ અને અશુભ, શ્રદ્ધા અને હતાશા અને જીવન અને મરણ જેવાં સામસામેનાં બળોની વચ્ચે ફસાયેલા આજના માણસની વ્યથા વ્યક્ત કરવા માટે પુરાણકથાઓ અને પશુકથાઓ ખૂબ જ ઉપયોગી બની શકતી હોય છે. એથી જ તો એમની વાર્તાઓમાં, અને નવલકથાઓમાં પણ, પાત્રોને સતત એવું લાગ્યા કરતું હોય છે કે ઈશ્વરે એમને એકલાં ત્યજી દીધાં છે. આ પાત્રો પાછાં આસ્તિક પણ નથી કે તદ્દન નાસ્તિક પણ નથી. લાગેર્કવિસ્ટ પોતાને પણ ‘ધાર્મિક નાસ્તિક’ તરીકે ઓળખાવતા હતા.

એમની ‘પ્રેમ અને મરણ’ નામની એક બોધકથા લો. એનો નાયક એક સાંજે એની પ્રેયસીની સાથે એક શેરીમાં થઈને પસાર થઈ રહ્યો હોય છે ત્યારે એક ઘરમાંથી એક કોવિડ (એક પુરાકથાનું પાત્ર) બહાર આવે છે અને એને છાતીમાં તીર મારીને પાછો ઘરમાં ચાલ્યો જાય છે. આ કોવિડ પુરાકથાઓમાં આવે છે એવા બાળ સ્વરૂપે નથી. એ પુખ્ત વયનો પુરુષ છે. તીર વાગવાથી નાયક નીચે પડી જાય છે પણ એની પ્રેમિકા તો આગળને આગળ ચાલ્યા કરે છે. નાયક કહે છે કે કદાચ એને ખબર પણ નહીં હોય કે મને કોવિડે તીર માર્યું છે અને હું લોહીલુહાણ થઈને નીચે પડ્યો છું. જો એને ખબર હોત તો ચોક્કસ એ મને બચાવવા માટે બધ્ધું જ કરી છૂટી હોત. વાર્તાના અંતે નાયક કહે છે કે તીર વાગવાથી મારા દેહમાંથી નીકળેલું લોહી વહેતું વહેતું મારી પ્રેયસીની પાછળ પાછળ ગટર સુધી ગયું પણ પછી તો એ પણ ખૂટી ગયું. એથી એ ત્યાંથી આગળ ન જઈ શક્યું. જો કે, પ્રેયસી તો હજી ચાલ્યા જ કરતી હતી.

આટલી નાનકડી બોધકથા પણ ઘણું બધું કહી જાય છે. પ્રેમી અને પ્રેયસી સાથે ચાલતાં હોય પણ એમને જુદાં પાડવાનું કામ પુરાણકથાનું એક પાત્ર કરે છે એ પાત્રનું સ્વરૂપ પુરાકથા જેવું નથી. તો એ પાત્ર કેવું હશે? એટલું જ નહીં, નાયકનું લોહી પ્રેયસીની પાછળ પાછળ જતું હોય છે. આ ઘટનાને આપણે કઈ રીતે વાંચીશું? વળી લેખકે આ વાત એક એવા કથકના મુખમાં મૂકી છે જે હવે હયાત નથી. એને કારણે આ કથન મરણોત્તર નિવેદન બની રહે છે.

લાગેર્કવિસ્ટ એમની એક બીજી વાર્તા ‘Father and I’માં પણ માણસ અને ઈશ્વર વચ્ચેના સંબંધની વાત કરી છે. પણ એમાં કોઈ પુરાકથાનાં પાત્રો લીધાં નથી. જો કે, એમાં મુખ્ય પાત્રને લાગે છે કે ઈશ્વરે એને ત્યજી દીધો છે.

કથક આપણને દસ વરસની વયે એને થયેલા એક અનુભવની વાત કરે છે. એક રવિવારની સાંજે એ એના પિતાની આંગળી ઝાલીને ફરવા નીકળી પડે છે. એના પિતા રેલ્વેમાં નોકરી કરતા હતા. એથી રેલ્વેમાં કામ કરતા બધા જ લોકો એમને ઓળખતા હતા. ચાલતાં ચાલતાં કથક એની આસપાસના જગતની નોંધ લે છે. એ જગતમાં પશુઓ છે, પંખીઓ છે, વનસ્પતિ છે, કીટક છે, મનુષ્યો પણ છે. એ આ જગતમાંનું કેટલુંક આંખથી, કેટલુંક કાનથી, કેટલુંક નાકથી, કેટલુંક જીભથી અને કેટલુંક ત્વચાથી અનુભવે છે. લેખકે આ બધા જ પ્રકારનાં કલ્પનોનો અહીં ઉપયોગ કર્યો છે.

કથક કહે છે કે એ સાંજે હું ને મારા પિતા રેલ્વેના પાટે પાટે ચાલીને જઈ રહ્યા હતા. આમ તો રેલ્વેના પાટા પર ચાલવા પર પ્રતિબંધ પણ એના પિતાજી રેલ્વેમાં નોકરી કરતા હતા એટલે એમને કોઈ રોકતું નહીં. ત્યાં જ એકાએક એક ટ્રેઈન આવે છે. બાપદીકરો પાટા પરથી ખસી જાય છે. ટ્રેઈનનો ડ્રાયવર કથકના પિતાને હાથ ઊંચો કરીને ‘હલો’ પણ કરે છે. કથક એ દૃશ્ય જોઈને ખુશ થઈ જાય છે. એને લાગે છે કે ઓહ, મારા પિતાને કેટલા બધા લોકો ઓળખે છે!

પછી કથક અને એના પિતા આગળ જાય છે. આગળ જવનું ખેતર આવે છે. એનું પણ કથક સરસ વર્ણન કરે છે. એ કહે છે કે મારા પિતાએ તો એક જ નજર નાખીને જવના ખેતરનો ક્યાસ કાઢી લીધેલો. પછી એક પૂલ આવે છે. ઝરણા પર બાંધેલો. પણ ઝરણામાં પાણી નથી. ત્યાંથી એ આગળ જાય છે. આગળ એક ઝુંપડું આવે છે. કથક અને એના પિતા ત્યાં જાય છે. ઝુંપડાના લોકો કથકના પિતાને ઓળખે છે. એમને આવકારે છે. એટલું જ નહીં, એ લોકો એમને ફળ આપે છે. દૂધ આપે છે. કથક આ બધી ઘટનાઓ દ્વારા આપણને, અર્થાત્ વાચકોને, એક વાત કહેવા માગે છે: મારા પિતાજીને બધા જ ઓળખે. એમને બધા જ માન આપે. એ ઈશ્વર જેવા. એના કારણે મને સતત એવું લાગે કે હું સુરક્ષિત છું.

આમને આમ કથક અને એના પિતા આગળ ચાલે છે. એમ કરતાં સાંજ પડે છે. ચારે બાજુ અંધારું થવા લાગે છે. કથકને ધીમે ધીમે ડર લાગવા માંડે છે. પણ, એ એના પિતાની આંગળી ઝાલીને ચાલી રહ્યો છે. એથી એ પોતાની જાતને સલામત માને છે. આગળ જંગલ પણ આવે છે.

કથક અને એના પિતા ત્યાંથી પાછા વળે છે. પેલા ઝરણા પરના પૂલ પર આવે છે. એ વખતે કથકને ઝરણામાંથી કોઈક વિચિત્ર અવાજ આવતો સંભળાય છે. એને લાગે છે કે ઝરણાની નીચેની ખીણ જોરથી બગાસાં ખાઈ રહી છે. એ કહે છે કે મને એવું લાગ્યું કે કદાચ એ ખીણ અમને ગળી જવા માગતી હશે. અત્યાર સુધી વાર્તામાં શાન્તિનું વાતાવરણ હતું. કથક ખુશ હતો. પણ, હવે અહીંથી વાર્તામાં ભયના વાતાવરણનો આરંભ થાય છે અને એ સાથે કથકને પ્રશ્નો પણ થવા માંડે છે. પહેલાં પિતા વિશે પછી ઈશ્વર વિશે. જો કે, કથકના કહેવા પ્રમાણે એના પિતાજી શાન્ત હતા. પણ, એમને શાન્ત જોઈને કથકને એમ પણ થયેલું કે આવી ઘટના બને ત્યારે મારા પિતા શાન્ત કઈ રીતે રહેતા હશે?

એક બાજુ કથક. એને ભય લાગે છે. બીજી બાજુ પિતા. એમને ભય નથી લાગતો. ત્રીજી બાજુ અંધકાર વધતો જાય છે. ત્યાં જ કથકને લાગે છે કે ટ્રેઈના પાટા પરના તારના થાંભલા એકાએક ભૂતની જેમ ઊંચા થઈને છેક આકાશ સુધી પહોંચી ગયા છે. એ થાંભલાઓમાંથી બોદા અવાજો ફૂંકાઈ રહ્યા છે. જાણે કે પૃથ્વીના પેટાળમાં જીવતા માણસો વાતો ન કરતા હોય. આ પૃથ્વીના પેટાળમાં વસતા માણસોને આપણે ખ્રિસ્તી પરંપરા પ્રમાણે મરણ પામેલા માણસો સાથે જોડી શકીએ. એ સાથે જ કથક એકાએક એના પિતાને વળગી પડે છે. એના પિતા એને કહે છે: “ડર નહીં. અહીં કશું ડરવા જેવું નથી. આપણે જાણીએ છીએ કે આ જગતમાં ઈશ્વર છે. તો પછી ડર શેનો? એ બધાંની કાળજી લે છે.”

એ વખતે કથકને લાગે છે કે એ એકલો પડી ગયો છે અને એને ત્યજી દેવામાં આવ્યો છે. એ કહે છે કે મારા પિતાએ મને ઈશ્વરની વાત કરેલી પણ એ મને તો ડરામણી લાગેલી. અહીં કથકને એના પિતાએ ત્યજી દીધો હોય એવું લાગે છે. એની સમાન્તરે એને ઈશ્વરે પણ ત્યજી દીધો હોય એવું લાગે છે. કથક કહે છે કે મને તો ઈશ્વર બધ્ધે જ છે એ વિચાર માત્રથી ડર લાગેલો. કેમ કે એનો અર્થ એ થયો કે ઈશ્વર પેલા તારના થાંભલાઓમાં પણ છે અને એ થાંભલાઓમાંથી આવતા અવાજમાં પણ છે. એમ છતાં એ ક્યાંય નથી. કેમ કે એ આપણને દેખાતો નથી. જે દેખાતો નથી એ આપણું રક્ષણ કઈ રીતે કરશે? અથવા તો કરશે જ એની શી ખાતરી?

કથક અને પિતા આગળ ચાલે છે. થોડેક જાય છે અને એકાએક એક ટ્રેઈન આવે છે. રંગે કાળી. એના એકેએક ડબ્બામાં એકે એક લૅમ્પ ચાલુ. એ ટ્રેઈનની ઝડપ રોજની ટ્રેઈન કરતાં પણ વધારે. એ જોતજોતામાં જ કથક અને એના પિતા પાસેથી પસાર થઈ ગઈ. ત્યારે કથકને લાગેલું કે ઉન્માદી ટ્રેઈન જેવું તો નહીં હોય ને? એ ટ્રેઈન ગયા પછી એના પિતાએ પણ એને કહેલું કે અત્યારે કેવી ટ્રેઈન? કેમ કે, અત્યારે કોઈ ટ્રેઈન આવવાનો કે જવાનો સમય ન હતો. એટલું જ નહીં, એ ટ્રેઈનના ડ્રાયવરે એના પિતાને જોયેલા પણ એણે હાથ ઊંચો કરીને એમનું અભિવાદન ન’તું કર્યું. કથક કહે છે કે મારા પિતા પણ ડ્રાયવરને ઓળખી શક્યા ન હતા. તો શું હશે એ ટ્રેઈન?

વાર્તાના અંતે નાયક કહે છે કે ટ્રેઈન પસાર થયા પછી મારું આખું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું હતું. મને લાગેલું કે કોઈક સંતાપ (anguish), કોઈક અજાણ્યો સંતાપ, મારા ભણી ધસી રહ્યો છે અને મારા પિતા મને એ સંતાપની સામે રક્ષણ આપી શકે એમ નથી. આ જગત હવે સદાકાળ મારા માટે એવું જ હશે. મારા પિતાજી માટે બધું સલામત હશે. પણ મારા માટે નહીં. એ કહે છે: It was not a real world, a real life. It just hurtled, blazing, into the darkness that had no end. હવે કથક માટે જીવન એટલે અંત વગરનો અંધકાર.

મૂળ સ્વિડીશ ભાષામાં ૧૯૨૩માં અને અંગ્રેજી અનુવાદ રૂપે ૧૯૫૫માં પ્રગટ થયેલી આ વાર્તા આમ તો સાવ સરળ છે. એમાં આકારની કોઈ આંટીઘૂંટી નથી. પહેલા પુરુષમાં લખાયેલી છે. એ પણ સ્મૃતિકથાની જેમ. કથક પણ મોટી વયનો છે. એમ છતાં આ વાર્તામાં ઘણું બધું છે. કથક પિતાને જે રીતે જુએ છે એમાં ઈશ્વરનું પ્રતિરૂપ જોઈ શકાય કે નહીં? પેલા ઝરણાને આપણે શું કહીશું? લેખકે બે ડરામણી ઘટનાઓનો ઉપયોગ કર્યો છે. એકમાં તારના થાંભલાઓ ભૂત જેવું વર્તે છે. બીજામાં આખેઆખી ટ્રેઈન ભૂતિયા! વાર્તા આમ વાસ્તવવાદી લાગે. પણ બીજી રીતે જોવા જાઓ તો કપોલકલ્પિત. આ વાર્તાને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ વાંચી શકાય. દસ વરસનું બાળક એના પિતાની છત્રછાયામાંથી બહાર આવવાની શરૂઆત કરતું હોય છે. સાંજે પિતાની આંગળી ઝાલીને બહાર ફરવા ગયેલું બાળક રાતે ઘેર આવે ત્યારે આંગળી છોડી દે છે.

૧૯૧૮માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. આ વાર્તા ત્યાર પછી પાંચ વરસે લખાઈ. એમ હોવાથી યુદ્ધોત્તર યુરોપ સાથે કે યુદ્ધોત્તર માનવજગત સાથે જોડી શકાય કે નહીં? આ પણ એક વિચારવા જેવો પ્રશ્ન.

આ વાર્તાની વસ્તુસંકલના પણ ખૂબ જ સરળ. આરંભમાં કથકને પ્રોત્સાહન આપતી ઘટનાઓ બને છે. પછી એ પ્રોત્સાહનમાં ચડાવ આવે છે અને છેલ્લે, પરાકાષ્ટા. લેખકે અહીં તદ્દન પરંપરાગત ઢાંચો વાપર્યો છે. પણ, એ ઢાંચા પાસેથી જે રીતે કામ લીધું છે એ કામ પરંપરાગત નથી.

2 thoughts on “‘વારતા રે વારતા’ – (૭) – બાબુ સુથાર

  1. સ રસ વાર્તાઓનો મા. બાબુભાઇ ખૂબ સ રસ આસ્વાદ
    ‘ વાર્તાની વસ્તુસંકલના પણ ખૂબ જ સરળ. આરંભમાં કથકને પ્રોત્સાહન આપતી ઘટનાઓ બને છે. પછી એ પ્રોત્સાહનમાં ચડાવ આવે છે અને છેલ્લે, પરાકાષ્ટા. લેખકે અહીં તદ્દન પરંપરાગત ઢાંચો વાપર્યો છે. પણ, એ ઢાંચા પાસેથી જે રીતે કામ લીધું છે એ કામ પરંપરાગત નથી.’ આસ્વાદથી વાર્તા માણવાની મઝા આવી

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s