થોડી ખાટી, થોડી મીઠી – (૭) – દિપલ પટેલ
મને જૂન 2011માં કોમ્પ્યુટર એન્જિનિયરની ડીગ્રી મળી અને જુલાઈ 2011માં ભારતની પહેલી મહિલા એન્જિનિયરિંગ કોલેજમાં ટ્રેની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરીની શરૂઆત કરી.
મારી એ 2.5-3 વર્ષની નોકરીમાં મને ઢગલાબંધ અનુભવો થયા અને એ અનુભવથી ખુબ શીખી.
મને જીવનમાં ઘણું મોડા સમજાયું કે મારે શું કરવું છે એટલે જયારે પણ કોઈ વિદ્યાર્થી ખોટી જગ્યાએ હોય એ મને તરત દેખાઈ જાય. કોલેજમાં એક છોકરી હતી જે બહુજ ફેશનેબલ કહી શકાય એવા રોજ સરસ કપડાં પહેરીને આવે. એના કપડાં, વાહન અને રોજ અલગ અલગ બેગ પરથી એ તો સમજી જ શકાય કે ખુબ પૈસાદાર ઘરની દીકરી છે. એને ભણવામાં ખાસ રસ ન પડે, માંડ માંડ પાસ થાય અને થોડી આખા બોલી અને તોફાની પણ! એટલે કોલેજના અન્ય પ્રોફેસર્સ એને પરીક્ષા વખતે હેરાન કરે, એને ન આવડતા પ્રશ્નો પૂછે અને આખાં સેમિસ્ટરના એના તોફાનોનો બદલો પરીક્ષામાં લે. હું પણ એને ભણાવું એટલે મને ખબર કે આ છોકરી એની મરજીથી ભણવા નથી આવતી એ ચોક્કસ. મેં એને એક દિવસ પૂછ્યું કે કેમ તારા ઓછા માર્ક્સ આવે છે? તને સમજ નથી પડતી? તને આવડતું નથી? તો એણે એના અંદાઝમાં કહેલું કે “મારા બાપાને ડિગ્રી જોઈએ છે. બસ, એ આપી દઉં એટલે હું છુટ્ટી”, મને સમજાયું એનું કારણ અને એનાં આવી રીતે જવાબ આપવાનું વર્તન પણ.
દરેક પરીક્ષામાં હું એને એટલું જ પૂછું કે તને શું આવડે છે? તે કેટલું વાંચ્યું છે એમાંથી તું નક્કી કર પ્રશ્ન અને તું જ જવાબ આપ અને જા. એને કાયમ આશ્ચર્ય થાય અને એને આવડે એવા જવાબ આપીને એ જાય. ધીમે ધીમે એને સમજાયું કે હું બીજા પ્રોફેસર્સ કરતાં અલગ છું. હું કદી વિદ્યાર્થીઓને એમનાં માર્ક્સથી ના તોલુ. હું એની સાથે એટલા જ પ્રેમથી વર્તન કરું. દરેક વિદ્યાર્થી અલગ છે એ 3 ઇડિયટ જોઈને બરાબર પચાવેલું.
એ ધીમે ધીમે મારી સાથે મસ્તી કરતી અને વાતો કરતી થઈ એ પણ પ્રેમથી અને માનથી. એક દિવસ મેં એને કહ્યું: “મને તારા કપડાં બહુ રસપ્રદ લાગે છે અને બધાથી અલગ હોય છે, તું બહુ શોખીન લાગુ છું.” અને એને કહ્યું: “આ બધા કપડાં હું જાતે દરજી પાસે ડિઝાઇન આપીને સીવડાવું છું. મારે ડ્રેસ ડિઝાઈનરનું ભણવું છે અને એમાં આગળ વધવું છે, મને આ એન્જિનિયરિંગમાં કોઈ જ રસ નથી પણ મારા પપ્પાને મને એન્જિનિયર બનાવીને અમેરિકાના છોકરા સાથે પરણાવવી છે એટલે મારે અહીં ભણવું પડે છે.”
હું એની સ્થિતિ સમજી ગઈ અને એના પપ્પાનો ફોન નંબર મેં લીધો. એના પપ્પાને ફોન લગાવ્યો.
ફોન ઉપર એ સારું છે કે મારી ઉંમર કોઈને ખબર ન પડે અને વિદ્યાર્થીના માં-બાપ ખુબ માન આપે!
મેં એના પપ્પાને ફોન લગાવ્યો. એના પપ્પા ચોંકી ગયા કે મારી દીકરીએ કંઈ કર્યું કે નાપાસ થઇ? મેં કીધું ના, તમારી દીકરી સારા માર્ક્સ સાથે એન્જિનિયરિંગ કરી દેશે એની જવાબદારી મારી, પણ તમે મને એક વચન આપો કે એને એન્જિનયર થઇ જાય પછી ફેશન ડિઝાઇનનું ભણવા દેશો. તમે ઘણા પૈસાદાર લાગો છો એટલે તમને દીકરી પાસે નોકરી તો નહિ જ કરાવવી હોય. પણ એને આ ભણવાની ઈચ્છા છે તો તમે કરવા દેજો. બાકી એને એન્જિનિયર બનાવવાની જવાબદારી મારી.
મેં આ વાત છોકરીને પણ કરી અને કહ્યું કે તું બસ પહેલા ટ્ર્રાયમાં પાસ થઇ જા, તને ના આવડે તો હું ભણાવીશ બીજા વિષયો પણ, બસ, તું પેલા પ્રયત્ને પાસ થઇ જજે. પછી એ છોકરીને હું બીજા વિષય પણ ભણાવતી અને પાસ થાય એટલું શીખવાડતી. એ છોકરીએ સાચે જ પેલા પ્રયત્ને પરીક્ષા પાસ કરી અને એન્જિનિયર થઇ ગઈ! પછી તો એ ખુશીથી મળવા આવી અને ભણીને ચાલી ગઈ.
પછી શું થયું મને કંઈ ખબર નથી પણ અચાનક 4-5 વર્ષ પછી એ છોકરીઓનો મને ફેસબુક મેસેન્જર ઉપર મેસેજ આવ્યો અને ખુબ ખુશ થઈને મને સમાચાર આપ્યા. એ છોકરી પછી ફેશન ડિઝાઇનનું ભણી! ત્યાંથી મુંબઈ ગઈ, કમાતી થઇ, અમેરિકાના છોકરા જોડે લગન ફગાવીને એ મુંબઈમાં એટલી પ્રખ્યાત થઇ કે એના ફેશન શોઝ થવા માંડ્યા અને તાજેતરમાં ચિટ ઇન્ડિયા કરીને બોલીવુડ ફિલ્મમાં એ કોસ્ટ્યૂમ ડિઝાઈનર થઇ 🙂
મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો, મેં એને ખુબ શુભેચ્છાઓ પાઠવી અને એણે મારો ખુબ આભાર માન્યો અને કહ્યું કે મારી જીવનમાં એ પડાવમાં મારા ઉપર કોઈએ વિશ્વાસ નહોતો મુક્યો, બધાંને મને શું ગમે છે એમાં રસ જ ન હતો, એ સમયે તમે મને સમજ્યા હતાં અને મારા પપ્પાને વાત કરી હતી એ પછી મને ખુબ હિમ્મત મળી અને આજે હું અહીં પહોંચી 🙂
મને નથી ખબર કે એક શિક્ષક તરીકે મેં જે કર્યું એ યોગ્ય છે કે નહિ પણ એ છોકરીની કપાતી પાંખો બચાવવાં મેં થોડો મારો સમય આપ્યો અને એ ખુબ સુંદર ઉડી પણ 🙂 બાળકોને શું કરવું છે જીવનમાં એમને નક્કી કરવા દઈએ, જો એમનું ગમતું કરશે તો એ ખુબ ખુશ રહેશે.
દલાઈ લામાનું એક સુંદર વાક્ય છે :
“The planet does not need more ‘successful people’. The planet desperately needs more peacemakers, healers, restorers, storytellers and lovers of all kinds.” — Dalai Lama.
દિપલ પટેલ ની થોડી ખાટી, થોડી મીઠી વાતમા
‘એ છોકરીની કપાતી પાંખો બચાવવાં મેં થોડો મારો સમય આપ્યો અને એ ખુબ સુંદર ઉડી .’
વાત ખૂબ ગમી
LikeLiked by 1 person
કાશ…. ભલે બધાજ નહીં, પણ, બાકીના સિક્ષકો પણ જો તમારા જેવી ભાવના રાખે, તો છોકરીઓની સાથે છોકરાઓ પણ તેમના ભવિષ્ય ઉજ્જવળ કરી શકે.
બહુ સુંદર પ્રસંગ આલેખ્યો છે.
LikeLiked by 2 people
EVERY PERSON HAVE DIFFRENT THINKING, OTHER PERSON THEY DON’T LIKE THEY SAY NO. PARENT MUST THINK THEIR SON-DAUGHTER THINKING & INTEREST IN HIS-HER LIKLY SUBJECT. THEY GET THEIR OWN CHOICE AND SUCCESSFUL
LikeLiked by 2 people
આભાર 🙂
LikeLike