કવિતાઃ ભગવતીકુમાર શર્મા
રસદર્શનઃ દેવિકા ધ્રુવ
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
– ભગવતીકુમાર શર્મા
રસદર્શનઃ
રણજીતરામ સુવર્ણચંદ્રક પામેલ શ્રી ભગવતીકુમાર શર્માએ સાહિત્યકાર અને પત્રકાર તરીકે સાહિત્યક્ષેત્રે અદભૂત પ્રદાન કર્યું છે.
ચોમાસાના આ ઝરમરતા દિવસોમાં તેમની કવિતા ‘અઢી અક્ષરનું ચોમાસુ’ યાદ ન આવે તો જ નવાઈ. દેખીતી રીતે આ કવિતા શરૂઆતથી જ અક્ષરોની ગણતરી કરતી ચાલતી હોય તેમ લાગે. પણ હકીકત એવી નથી. કારણ કે, કવિતા એ સંવેદનાની અર્થસભર અભિવ્યક્તિ છે, ગણિત નથી.
ત્રણ અંતરામાં લખાયેલ આ ગીતની ધ્રુવપંક્તિ કઈ છે? “ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!”
અઢી અક્ષરનું ચોમાસુ કહેવા પાછળ આ જ મુખ્ય ભાવ છે. આમ તો ચોમાસુ એ શબ્દ ત્રણ અક્ષરનો બન્યો છે. અઢી અક્ષરનો નહિ. ધાર્યુ હોત તો કવિ અહીં અઢી અક્ષરનો ‘વર્ષા’ શબ્દ ગૂંથી શક્યા હોત. પણ તેમ નથી કર્યું, સહેતુક ચોમાસુ શબ્દ વાપર્યો છે. કેમ? કારણ કે, કોયડા જેવી લાગતી આ અડધી પંક્તિમાં કવિ એમ પ્રસ્થાપિત કરી રહ્યા છે કે ચોમાસાની ઋતુ તો અઢી અક્ષરના પ્રેમથી વરસાદ સમી છલકતી હોવી જોઈએ પણ તેમ નથી. હું અને તે એટલે કે બે અક્ષરના ‘અમે’ દૂર છીએ. એકબીજાના વિરહમાં છીએ. પેલા અડ્ધા અક્ષરની ખોટ સાલી રહી છે. હે સજન, આવો અને એ ખોટને પૂરી કરજો તમે.
કેવી સફાઈપૂર્વક સમજાવ્યું છે કે, ‘ચોમાસુ’ શબ્દના ત્રણ અક્ષરો પર ધ્યાન કેન્દ્રિત ન કરો. ચોમાસુ એટલે કે, અઢી અક્ષરના પ્રેમથી છલકતી મોસમ, વરસાદથી તરબતર મોસમ… છો ને એ છલકતી હોય, મલકતી હોય પણ પ્રિય પાત્ર સાથે હોય તો જ સાચો સરવાળો થાય. ‘એક વત્તા એક એટલે બે’ એવું ગણિત કવિતામાં કે પ્રેમમાં ન મંડાય. અહીં મઝાની વ્યંજના અનુભવાય છે.
થોડી સમજવામાં પઝલ જેવી શરૂઆત કરીને ખૂબ જ ખૂબીપૂર્વક કવિ પહેલા અંતરામાં સરળ શબ્દો તરફ વળી જાય છે. એ કહે છે કે,
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
સમજવામાં સરળ પડે એ રીતે જુદી જુદી સંખ્યાયુક્ત અક્ષરસમૂહ પ્રયોજે છે. દા.ત વીજ. મોર,આકાશ. ઝરમર વગેરે ૨.૩.૪ અક્ષરોવાળા શબ્દોનો ઉપયોગ કરી વર્ષાઋતુનો માહોલ ઊભો કરે છે. આકાશમાં વીજળી ચમકે છે, ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ પડે છે, મોરના ટહૂકાથી વાતાવરણ સારેગમપધની જેવા હાર્મોનિયમના સાત સૂરોની જેમ સંગીતમય બની જાય છે. પણ તે છતાં પેલા અડધા અક્ષરની ખોટ તો છે, તમે આવીને પૂરી કરજો. વિરહની વચ્ચે પ્રેમનો સંભળાતો આ લયબધ્ધ સૂર આપણને સ્પર્શ્યા વગર રહેતો નથી. પંક્તિને અંતે આવતા વીજ,ચીજના પ્રાસ પછી ત્રીજી પંક્તિના છેલ્લાં શબ્દ ‘સમસમે’ માંના ‘સમે’ શબ્દને ધ્રુવ પંક્તિના’ તમે સાથે સુંદર રીતે સજાવી દીધો છે.
આગળ બીજાં અંતરામાં પણ એ જ વાતને કવિ દોહરાવે છે. કહો કે, ભીતરના ગમને ઘૂંટે છે. એ વર્ણવે છે કે,
ચાર અક્ષરના ધોધમારમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
પ્રકૃતિએ માઝા મૂકી છે,વરસાદ ધોધમાર પડી રહ્યો છે, આપણાં ફળિયાં ઉભરાઈ ગયાં છે અને એ જ રીતે આંખોમાં આંસુ પણ. અહીં જુઓ કવિએ આંસુ કે વરસાદ શબ્દ વાપર્યો જ નથી. છતાં ધોધમાર અને ઝળઝળિયા જેવાં શબ્દો ઉચિત રીતે જ પ્રયોજીને નજર સામે વરસાદી દ્રશ્ય ચલચિત્રની જેમ ખડું કરી દીધું છે! ને પછી અતિ મૃદુતાથી, ધીરેથી સવાલ પૂછે છે કે, હવે તમે જ કહો કે, આવા આ વિયોગના ઘાવ કેમ જીરવાશે? હવે તો આવો ને પેલા અડધા અક્ષરની પડેલી ખોટ પરી કરજો.
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
આ અંતરાના અંત્યાનુપ્રાસ, સંવેદનાની નઝાકતને ઉપસાવતા વધુ ધ્યાનાકર્ષક બની રહે છે અને દરેક અંતરાની ત્રીજી પંક્તિને ખૂબસૂરત રીતે મુખ્ય પંક્તિ સાથે જોડી દઈને ભાવને વધુ ઘાટ આપ્યો છે.
ઘણી વાર પ્રશ્ન જાગે છે કે, કોઈ સર્જક એવો હશે ખરો કે જેણે કુદરતના સૌંદયને નવાજ્યું ન હોય? માણસ માત્ર જન્મથી માંડીને જીવે ત્યાં સુધી પ્રકૃતિની સાથે જ રહે છે. જાણે-અજાણે, કોઈ ને કોઈ રૂપે પ્રકૃતિ એની અભિવ્યક્તિનું એક માધ્યમ બની રહે છે. આ કવિતાનો ત્રીજો અંતરો ‘आषाढस्य प्रथम दिवसे કહેનાર ‘મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’ તરફ ખેંચી જાય છે..
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
મેઘને સંદેશવાહક બનાવી મોકલનાર યક્ષની વિરહ વેદના જેવો ભાવ અહીં બરાબર વર્તાય છે.આ બે પંક્તિમાં શબ્દેશબ્દ સહેજ પણ આઘોપાછો ન કરી શકાય એટલો સમુચિત રીતે પ્રયોજ્યો છે. ‘મેઘાડંબર’ પાંચ શબ્દનો. મેહ બે અક્ષરનો અને તેની સાથે ભાવને યથાર્થ કરે તેવો ‘વ્રેહ’ શબ્દ ! વ્રેહ એટલે કે વિરહ, વિયોગ. હવે એ શબ્દ પાછો અઢી અક્ષરનો અને તેનું સંયોજન આબાદ રીતે અઢી અક્ષરના પ્રેમ સાથે કંઈક અંશે વિરોધાભાસી અને કંઈક અંશે ‘ભાગ્ય’ શબ્દ દ્વારા સજીવારોપણ અલંકારથી મઢી દીધો ને? આ બંને પંક્તિ મને તો આખી કવિતામાં શિરમોર સમી લાગી! અને આવા મનોભાવો પછી તેમાંથી બહાર આવીને એક પ્રકારની માનસિક સજ્જતા પણ પ્રગટ થવા દીધી છે. વેદનાની વાંસળીમાં એક મઝાનો આશાવાદી સૂર વહેતો કર્યો છે..
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
અડધા અક્ષરનો તાળો ! કેટલી મોટી વાત? સાચું સાહિત્ય આ જ સંદેશ આપે છે કે, વેદનાને વલોવાવા દો, એને વ્યક્ત થવા દો પણ આખરે તો સ્વસ્થપણે સજ્જ થાવ. જે છે તે આ જ જીવન છે. એ અધૂરું લાગે તો પણ મધૂરું બનાવવાની કોશીશમાં રહો, એવી આશા રાખો. અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે એ દ્વારા કવિ એક સનાતન પ્રશ્ન પણ ગર્ભિત રીતે પૂછીને છોડી દે છે… જો મળે… કવિને જાણ છે જ કે એ તાળો સ્થૂળ પ્રેમનો નથી. સૂક્ષ્મ વાત કેવા અનોખા અંદાજમાં કહી દીધી છે? જીંદગીની આ મથામણ એ તાળો મેળવવાની જ છે ને બધી!
આમ, અઢી અક્ષરથી શરૂ થયેલ, ત્રણ અંતરામાં પથરાયેલ આ ગીત ચોમાસાના વરસાદની જેમ વિવિધ ધારે વહેતું થયું છે. આમાં વિરહની વેદના છે, પ્રેમની નઝાકત છે. આશાનો સૂર પણ સંભળાય છે તો સનાતન પ્રાર્થનાની આરત પણ ગૂંજે છે. આ બધું જ, લયબધ્ધ રીતે કવિતાના હાર્દને એની ઉંચાઈ સુધી લઈ જાય છે.
માત્ર સુરતના જ નહિ, સાહિત્યજગતના આકાશમાં સૂરજની જેમ ઝળહળેલાં ભગવતીકુમાર શર્માના પવિત્ર આત્માએ ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનાની એક સવારે અનંતને પેલે પાર પ્રયાણ કર્યું હતું.
તેમની કલમને વંદન.
દેવિકા રાહુલ ધ્રુવ.
ભગવતીકુમાર શર્મા નું આ કાવ્ય અનેક વખત ઘૂંટાઇ તેનો રસ વધતો જાય છે. દેવિકાબેનનું રસદર્શન કવિતાનો સમુચિત ઉઘાડ કરી પ્રસન્ન કરે છે.
LikeLiked by 3 people
વાહ! કાવ્ય અને રસદર્શન ઉત્તમ. કોયડો જાણવા માટે દેવિકાબેનની મદદ જરૂરી થઈ પડી.
સરયૂ
LikeLiked by 2 people
મા. ભગવતીકુમાર શર્મા ની સાદ્યંત સુંદર કવિતાનું સુ શ્રી દેવિકા ધ્રુવનુ સરસ રસદર્શન.
LikeLiked by 2 people
“અઢી અક્ષરથી શરૂ થયેલ, ત્રણ અંતરામાં પથરાયેલ આ ગીત ચોમાસાના વરસાદની જેમ વિવિધ ધારે વહેતું થયું છે. આમાં વિરહની વેદના છે, પ્રેમની નઝાકત છે. આશાનો સૂર પણ સંભળાય છે તો સનાતન પ્રાર્થનાની આરત પણ ગૂંજે છે. આ બધું જ, લયબધ્ધ રીતે કવિતાના હાર્દને એની ઉંચાઈ સુધી લઈ જાય છે.”
શ્રી ભગવીકુમાર શર્માના ગીત અઢી અક્ષરનુ ચોમાસુમાં વહેતા પ્રેમ અને વિરહની નજાકતને દેવિકાબહેનની કલમે વધુ રસમય બનાવી છે. સમુચા ગીતને એમાં રહેલા ભાવનુ યોગ્ય રસદર્શન કરાવ્યું છે.
LikeLiked by 2 people
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
કવિ શ્રી ભગવતીકુમાર શર્માની આ રચનાનો તાળો મેળવી આપ્યો દેવિકાબેને..
બે, ત્રણ, ચાર અને અંતે પાંચ અક્ષર સુધીના આંકડા સુધી પહોંચીનેય પેલા અઢી અક્ષરનું મહત્વ જે રીતે કવિએ આંક્યું છે એ અઢી અક્ષરના પ્રેમ પાછળની સનાતન પ્રાર્થનાની લયબધ્ધ આરત અને એમાં જ જીંદગીની મથામણના તાળાની જાણે કૂંચી શોધી આપી.
વાહ!
LikeLiked by 2 people
સૌ વાચક,ભાવક અને પ્રતિભાવક મિત્રોનો તહેદિલથી આનંદ સહ આભાર.
LikeLike