બે કાંઠાની અધવચ —– પ્રીતિ સેનગુપ્તા
પ્રકરણ – ૭
કૉલૅજનું ડ્રામા-ગ્રૂપ ફરીથી ‘હૅમલૅટ’ની રજુઆત ગોઠવી રહ્યું હતું. કેતકીનું પાત્ર તો નક્કી જ છે, અને નવો દાખલ થયેલો બીજો એક સરસ ઊંચો, કૉનાદ નામનો છોકરો હૅમલૅટ બનશે, એમ વાત થતી હતી. કેતકીએ ત્યારે જ ના પાડી દીધી. કહ્યું, કે આ તો સિનિયર ઇયર છે, પહેલેથી જ ઘણું વાંચવું પડશે, આ વર્ષે ઇતર પ્રવૃત્તિ માટે જરા પણ સમય આપી નહીં શકાય.
વિકાસ તો હજી પણ નહતો આવ્યો કૉલૅજમાં. એના સમાચાર કોઈની પાસે લાગતા નહતા. પણ કેતકી માનતી હતી, કે વિકાસ હોત તો પણ હવે એ નાટક કરવા, કે ઑફિલિયા બનવા તૈયાર નહતી. એ ઉત્સાહ, એ આતુરતા હવે મનમાં નહતાં રહ્યાં. ઉપરાંત, આ છેલ્લા વર્ષે તો બાપ્સ, નાટક હોય કે સંગીત હોય, કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજા ના જ આપે.
કૉનાદની જેમ જ, કૉલૅજની કોઈ બીજી છોકરી પણ, એ પાત્ર માટે સહેલાઈથી મળી જશે. તોયે, ઠાકર સર મનાવવા કે સમજાવવા આવ્યા નહતા, એની જરાક નવાઇ કેતકીને લાગેલી; પણ, ઠીક છે, હું હવે ગ્રૂપમાં ક્યાં છું જ તે?, એણે મન વાળી લીધેલું
આ ત્રણ વર્ષમાં મન વાળતાં શીખી ગઈ હતી કેતકી? કોઈ આવું શીખી જઈ શકે? ભાંગે કે તૂટે નહીં એવી ધાતુનું બની જાય તે પહેલાં, કેટલી વાર મનને ભાગવું ને તૂટવું પડતું હશે? ફાઇન આર્ટ્સમાં જવા ના મળ્યું તે પહેલી તડ; સ્નેહના અનુભવના આરંભે જ, એક પણ શબ્દની આપ-લે વગર, વિકાસ અદૃશ્ય થઈ ગયો તે બીજી તડ, અને ઑફિલિયાના પાત્ર વિષે આટલા શોખથી વિચાર્યું, ને પછી જતું કર્યું તે ત્રીજી તડ.
એમને અવગણવાના ઉપાય તો કેતકીએ અજમાવ્યા જ હતા – લાયબ્રેરીનો વધારે ઉપયોગ, ને ઘરની બહાર નીકળીને મુંબઈમાં ગાળેલા થોડા દિવસ. હવે જરૂર પડે તો કયો ઉપાય શોધીશ?, કેતકીને સમજાતું નહતું. પણ થઈ પડશે, એણે અપનાવેલી નવી મક્કમતા ખાતરી આપતી હતી.
એમ તો, વચમાં, નવી એક તડની સંભાવના ઊભી થઈ પણ હતી. દેવકીનો કૉલૅજમાં જવાનો વારો આવી ગયો હતો. એને કૉમર્સમાં જવું હતું, અને એ માટે હૉસ્ટૅલમાં રહેવું પડે તેમ હતું. બાપ્સ તરફથી એને મંજૂરી મળી હતી. એવું કેમ? કેતકી વખતે બધાં મોટેરાંની અસંમતિ હતી, ને પછીનાં આ ત્રણ વર્ષમાં એવું શું બદલાયું?
કારણ એ હતું, કે દેવકીની ખાસ બહેનપણી ચિત્રા એ જ કૉલૅજમાં અને એ જ હૉસ્ટૅલમાં જવાની હતી. બંને સાથે રહી શકે. વળી, ચિત્રાનો મોટો ભાઈ પણ ત્યાં જ હતો. એ બંને છોકરીઓનું ધ્યાન રાખી શકશે. મંજૂરી મળી જતાં દેવકીની ખુશીનો પાર નહતો. પણ એણે જરા ગભરાટ સાથે કહેલું, તુકી, સૉરી. હું શું કરું? બાપ્સ માની ગયા. તું મારા પર ગુસ્સે ના થતી, હોં.
પોતાને જેની ઇચ્છા હતી તે ફાઇન આર્ટ્સની લાઇનમાં ભણવા નહીં જઈ શકવાની, કેતકીની નિરાશા તો ક્યારની યે સંકોરાઈ ગઈ હતી. એને પોતાને માટે તો ઘણું મોડું થઈ ગયું હતું, પણ હવે દેવકી પર, કે બાપ્સ પર, ગુસ્સે થઈને શું કરવાનું? જેનો જે સમય. ને જેને જે મળવાનું હોય તે મળે.
ના, આ કારણે નવેસરથી કેતકીનું મન ભાંગ્યું નહતું.
દીજીની ચકોર આંખોને પણ ખ્યાલ નહતો આવ્યો કે કેતકીની અંદર શું પરિવર્તન આવ્યું છે, કે એના માનસની અંદર શું વિકસી ગયું છે. એમને તો હજી એમની તુકી એ જ સીધી લીટી જેવી લાગતી હતી. એમને કે કોઈને ક્યાં ખબર હતી, કે કેતકી શૈશવની સુરક્શિતતાને બદલે હવે યૌવનની જટીલતા ભોગવી રહી હતી.
એ દુનિયાના આટાપાટામાં પ્રવેશી ગઈ હતી, જેમાંથી બહાર નીકળવાનો વિકલ્પ જીવન કોઈને આપતું નથી. પહેલાંની પડેલી તડોની માવજત કરવામાં નહીં, બલ્કે નવી તડો કેમ ના પડે તેવી મજબુતાઈ પ્રાપ્ત કરવામાં કેતકી માનતી થઈ ગઈ હતી.
સામે, કેતકીને એ ખ્યાલ નહતો કે હવે એને માટે મૂરતિયો શોધાઈ રહ્યો છે. કોઈ સરખું નજરમાં આવે, બાપ્સ એ કુટુંબ વિષે માહિતી મેળવે, બને તો છોકરાને જોઈ આવે, પછી એમને ને દીજીને કંઇક પણ પસંદ પડે ત્યારે કેતકીને જોવા કોઈને બોલાવાય ને. વાત ત્યાં સુધી પહોંચી નહતી, ને તેથી કેતકી એના સામાન્ય જીવનના કોશેટામાં જ રહેલી હતી.
થોડા આવા પ્રયત્નો પછી એક શક્યતા ઊભી થઈ પણ હતી. દીજી ને બાપ્સ વિચારણા કરતાં હતાં કે ક્યારે એ કુટુંબને આમંત્રણ આપીને ઘેર બોલાવવું. સાંભળ્યું હતું તે મુજબ, સારો હતો છોકરો. કેતકીને ગમશે, એમ દીજીને લાગતું હતું. પણ એ તો ના ગોઠવાયું. બે દિવસ પહેલાં જોયેલી કોઈ છોકરી એને પસંદ પડી ગઈ હતી.
મહિનાઓ પસાર થતા હતા, પણ ઉતાવળ નહતી. કેતકીનું ફાઇનલ ઇયર ચાલતું હતું, ને એ વાંચવામાં બિઝી હતી. એનું ટૅન્શન ના વધારવું, તે જ સારું. બધું કાળક્રમે થશે, દીજીએ હંમેશ મુજબ કહ્યું.
પ્રિલિમ્સના અરસામાં બીજા એક સારા કુટુંબ વિષે બાપ્સને જાણ થઈ. એમને એ ઘરનો છોકરો લાયક લાગ્યો – ઊંચો, દેખાવડો, ઍન્જિનિયરની નોકરી કરતો હતો, અને મળતાવડો હતો. બાપ્સ મળી આવ્યા. એમને ગમ્યો, અને દીજી ને માઇની સાથે નક્કી કરીને એક બપોરે ચ્હા માટે આવવાનું આમંત્રણ આપ્યું. આટલું બધું થયા પછી એમણે કેતકીને વાત કરી.
દીજી, અઠવાડિયામાં મારી પ્રિલિમ્સ છે. એની વચમાં તમે બધાં આ સજા કેમ ઊભી કરો છો?
દીજી હસી પડેલાં. તને સજા લાગે છે આ, તુકી? પછી જોજેને કેવી મઝા થઈ જાય છે તે.
વાહ, દીજી, તમે તો પ્રાસ મેળવીને વાત કરતાં થઈ ગયાં છો ને.
કેતકીએ આથી વધારે સામનો નહતો કર્યો. પરણવાનું તો છે જ, તો સારો છોકરો હોય તો જોઈ લેવાનો. મૂરતિયો એટલે શું, તે કેતકી ક્યારની જાણતી થઈ ગયેલી. કેવો શબ્દ છે? મૂરખિયા જેવો લાગે છે. ખરેખર મૂરખ જેવો ના હોય તો સારું.
એ બપોરે માઇએ કેતકીને સરસ સાડીમાં તૈયાર કરી. આછા ભૂરા રશમી પોત પર જાંબલી અને રૂપેરીમાં કિનાર, પાલવ અને નાના બુટ્ટાની શોભા હતી. કેતકીને લાગ્યું કે બહુ સૂક્શ્મ-સુંદર હતી એ સાડી. જોનારાનું ધ્યાન ખેંચાશે? કોઈ લાલ-પીળી સારી ના પડત? પણ એ કાંઈ બોલી નહીં. નહીં ગમે તો નિરાંત.
કેતકીને ભાગ્યે જ સાડી પહેરવાની આવી હશે, એટલે એને બહુ ફાવતું નહતું. માઇએ સાચવીને છેડાની ગડી કરી, ખભા પર ગોઠવ્યો, અને પીન નાખી આપી. જો, હવે તારે એને સંભાળવો નહીં પડે, બસ?
પણ પાટલીનું શું? એ નીકળી જાય તો? માઇએ પાટલીઓને ભેગી કરી, અને એમાં પણ એક પીન લગાવી આપી. બહુ નીચી નથી રાખી. તને પગમાં નહીં આવે. બસ, હવે બરાબર ને?
દેવકી આગલી સાંજે ઘેર આવી ગઈ હતી. એ કેતકીને વળગતી હતી, તુકી, તું હવે સાસરે જવાની?
કેતકી માથું હલાવીને કહે, આ શું ગાંડા જેવી વાત કરે છે? હજી આવવા તો દે એ લોકોને.
એ લોકો આવ્યા ત્યારે દેવકી બહારના રૂમમાં જઈને બધાંને વિવેકથી નમસ્તે કરી આવી. જલદીથી અંદર આવીને કહે, ઓ તુકી, બહુ સરસ છે જીજાજી. તને ગમશે જ.
અરે પણ, અત્યારથી જીજાજી વળી શું?
અરે, તું જોજે તો ખરી. તને ગમશે જ. ઊંચા છે, ગોરા છે, ને એમની આંખો –આહાહા—
ત્યાં જ માઇ કેતકીને અંદર લઈ જવા આવ્યાં. આવી રીતે પરસ્પર પસંદગી કરવાની આવશે, તેવું કેતકીએ ક્યારેય કલ્પ્યું નહતું. પણ આવી રીતે એ કોઈ છોકરાને નહીં જ મળે, એવી જેહાદ પોકારવાનો પણ અર્થ નહતો. ગમતા કોઈ છોકરાને એ જાતે ક્યાંથી શોધવાની હતી?
અચાનક, આટલા મહિનાઓ પછી, આ ઘડીએ, કટુતાનો સ્વાદ મનમાં અડકી ગયો. હા, એક છોકરો ગમી ગયેલો, ને કેવી ક્રૂર રીતે સરકી પણ ગયો.
એણે ઊંડો શ્વાસ લીધો. ના ભાઈ, જાત પર જુલમ કરવાનો પણ અર્થ નથી. જે થવાનું હશે તે થશે. ચાલો. એણે જાત સાથેનો સંવાદ પતાવ્યો. માઈએ એનું નામ બોલીને ઓળખાણ કરાવી. એણે બે હાથ જોડી પ્રણામ કર્યા. સાડી સરસ છે, બહુ સટલ કૉમ્બિનેશન છે, કોઈ બોલ્યું.
હવે કેતકીએ ઊંચું જોયું. બોલનાર ઊભો થયેલો. ઊંચો, ગોરો, અને એની આંખો –આહા, આ આંખો તો માંજરી છે. હલકી માંજરી, પણ ના ગમે તેવી ભૂરી નહીં, આછી ભૂખરી- ગ્રે રંગની- છે. જુદી જ છે.
એ આંખો કેતકીની સામે જોઈને હસતી હતી. કેતકી પણ જરાક હસી, થૅન્ક યૂ.
બીજે જ દિવસે સામેના એ ઘેરથી વધામણી આવી. ખોલીને, શું છે તે જોઈને, માઇ અને દીજી ઘણાં પ્રસન્ન થયાં. સામસામે બંને કહે, વાહ, સરસ આઇડિયા છે. નાગરવેલના પાન પર કંકુ અને ચોખા મૂક્યાં છે. અને આ જોયું? લાલ કાગળમાં મૂકીને એક જોડી ઝાંઝર મોકલ્યાં છે.
બહુ સરસ શુકન કર્યાં છે, ભાઈ.
હા, ચાંદીનાં ઝાંઝર. પહેરીને વહુ રૂમઝુમ કરતી નવો ઊંબરો ઓળંગે, એવો ખ્યાલ, નહીં?
માઇ ને દીજી ખુશ ખુશ લાગ્યાં. કેતકીને કહે, જો તુકી, તું તો એમને બહુ પસંદ પડી ગઈ છું. ઘર સારું છે. અમને પણ છોકરો બહુ ગમ્યો. તારા બાપ્સને પણ એની વાતો મચ્યૉર અને ઇન્ટલિજન્ટ લાગી. નોકરીની સાથે સાથે એ ઍન્જિનિયરીન્ગ ભણાવે પણ છે, તે તો હવે જ ખબર પડી.
નાનું કુટુંબ જ કહેવાય. ત્રણ ભાઈઓ છે. આ વચલા છે.
તને ક્યારે મળવું ફાવશે, એમ પૂછતાં હતાં. તમે બેએક વાર મળી લો, ને પછી નક્કી કરો.
માઇ કહે, નહીં તો નક્કી કરી જ લે ને, તુકી. તેં જોઈ લીધા એમને, બધી વિગતો જાણી લીધી, હવે નક્કી કરી લઈએ. પછી નિરાંતે મળજોને તમે બંને રોજ.
કેતકી કહે, પણ હજી મારી પ્રિલિમ્સ. પછી ફાઇનલ ઍક્ઝામ. આમ ને આમ નપાસ થવા દેવી છે મને?
દીજી કહે, અરે ના રે. તું હા પાડી દે, પછી તમે મળતાં રહેજો તને ફાવે તે પ્રમાણે. લગ્ન કાંઈ હમણાં નથી લેવાનાં. તારી પરીક્શા પતે નહીં ત્યાં સુધી કાંઈ નહીં, હોં.
દેવકી કહે, અરે, દીજી, તમે તુકીને એ ત્રણ ભાઈઓનાં નામ તો કહો. એમાં એમનું નામ સાંભળીને જ તુકીને એ પસંદ પડી જશે.
હા, મોટો ભાઈ તે રંજીત. સૌથી નાનો તે પ્રજીત.
દીજીનું મોઢું આનંદથી ચમકી રહ્યું હતું. ને દેવકીના જીજાજીનું નામ છે સુજીત.
દેવકી બોલી, ના, જીજાજી નહીં. હું એમને માટે એક જુદું નામ બનાવીશ.
પછી ઘડીક વાર વિચાર કરીને કહે, સુજીતમાંનું જીત રાખીએ, અને જીજાજીમાંથી ફક્ત જી રાખીએ. ભેગાં કરીએ તો જીતજી. બોલ, તુકી, કેવું લાગે છે આ નામ? આપણા ઘરની પ્રથા પ્રમાણે કંઇક જુદું જ થયું કે નહીં?
પછીને દિવસે સાંજે દેવકી દોડતી આવી, તુકી, તુકી, જો, તારે માટે પ્રૅઝન્ટ છે. અત્યારથી જ શરૂ?
એના હાથમાં એક નાની ચોપડી હતી. શું છે? ક્યાંથી આવી આ?
અરે, જીજાજીએ – એટલેકે એમણે- મોકલાવી છે. તું જો તો ખરી.
કેતકીએ જોયું કે એ શેક્સપિયરે લખેલાં લવ-સૉનૅટ્સનું કલેક્શન હતું.
શેક્સપિયરનાં પ્રેમ-કાવ્યો?
એમને ખબર કઈ રીતે પડી, આમ રાતોરાત?
એણે દેવકીની સામે જોયું.
અરે, એવું થયું કે બધાં જતાં હતાં ત્યારે જીજાજીએ – ચલ, એમણે – તારે માટે પૂછ્યું, કે તને શેનો ખાસ શોખ છે. મેં કહ્યું, વાંચવાનો. એ પૂછે, શું વાંચવું વધારે ગમે છે? મેં કહ્યું, શેક્સપિયર. ને જુઓ, તારે માટે પ્રેમભર્યાં કાવ્યો તરત હાજર. વાહ, તારું નસીબ તો જો.
એની આંખોનો રંગ, એ આંખોની અંદરનું સ્મિત, અને હવે આ સંગ્રહ – હૃદયની પાંદડીઓને હળવેથી સ્પર્શતો આ ભાવ શું કશાક પ્રેમની શક્યતાનું ઇંગિત હતો? આટલો વખત જે મજબૂતાઇને માટે કેતકીએ મહેનત કરી હતી તે કૈંક નબળી પડતી જણાઈ. આટલું જલદી? આખા જીવન વિષેનો નિર્ણય આમ લઈ શકાય? લઈ લેવો જોઈએ?
(વધુ આવતા સોમવારે)
બે કાંઠાની અધવચ પ્રીતિ સેનગુપ્તાની સરળ પ્રવાહે વહેલી નવલકથાનુ મધુરુ રોમાંટીક પ્રકરણ માણી આનંદ
LikeLike
કેતકીના જીવનમાં એક નવા પ્રકરણની શરૂઆત..
આવતા અંકની પ્રતિક્ષા!
LikeLike