આજે ઘણા સમય પછી ફરીથી હું મને મળી.
સવારમાં છ વાગ્યે જેવો રૂમનો દરવાજો ખોલ્યો, સામે અગાશીની પાળી પર મોટું પક્ષી બેઠેલું જોયું. પીળી ચાંચ અણીદાર. સમડી અથવા બાજ હશે, મને બહુ ખબર નથી પડતી એ બંનેમાં. અવાજ થતા ઉડી ગયું. એ પછી ત્યાં બે કબૂતર આવ્યાં અને એવી રીતે વાતો કરતા હતા જાણે એવું લાગે કે એમના બચ્ચાને કઇ સ્કૂલમાં મૂકવું, એનું ડિસ્કશન કરી રહ્યા હોય!
સામે જ નાળિયેરીના વૃક્ષો છે, અને બીજા એક બે વૃક્ષ. આંખોને અમૃત જેટલી તૃપ્તિ મળે છે એ જોઈને. એની પાછળ નવી બિલ્ડીંગ બને છે, જ્યાં છેક ઉપર ક્રેન છે અને એમાં રોજ રાત્રે અલગ અલગ કલરની લાઈટ થાય અને મેળો ભરાયો હોય એવું લાગે!
(એને ટાવર ક્રેન કહેવાય એવું મારા ‘ઇ’ એ મને શીખવાડ્યું)
પહેલાંની જેમ જ જીંજર ટી લઈને ગાર્ડનમાં આવી. આ વખતે ફરી એકલી, રૂમ પાર્ટનર વિના. એ સાથે હોય છે ત્યારે રસ્તાઓ બોલકા હોય છે અને ટૂંકા હોય છે. અમે બેસતા એ જ બાંકડા પર આવીને હું બેઠી અને જાણે સંભળાયું કે “બ્રિન્દા ચલિયે, અભી આપકો ઔર પાંચ સૂર્યનમસ્કાર કરને હૈ, વર્ના સુરજજી બુરા માન જાયેંગે ઔર આપકો ‘દર્શન’ નહીં દેગે”!!
હું એકલી એકલી હસી પડી અને મારી બાજુમાં ખાલી રહેલી જગ્યાને ભીની આંખે જોતી રહી! ટ્રેક પર ચાલી રહેલા લગભગ દરેક લોકો મને ઓળખે છે, ફક્ત દ્રષ્ટિનો વહેવાર છે બધા સાથે.
ગઈકાલે ફેસબુક મેમરીએ યાદ અપાવ્યું એ આજે પણ એટલું જ અસર કરે છે.
कोई कैसा भी हो,
नही रहता तो बहोत खलता है!
હવે એવું સમજાય છે કે નવા સંબંધો, જૂના સંબંધો એવું કશું નથી હોતું.. એ હોય જ છે, રહે જ છે કાયમ. બસ, આપણે એને ક્યારેક શબ્દોથી યાદ કરીએ છીએ ને ક્યારેક મૌનથી.
જે આપણી ભીતરની યાત્રામાં ક્યાંકને ક્યાંક સાથે રહ્યાં હોય છે, એ ક્યારેય ક્યાંય જતાં નથી. ભીતરની સમૃદ્ધિ ખાલી થઈ જાય તો પણ!
~ Brinda Thakkar
‘તમારી ભીતરની સમૃદ્ધિ અને ભીતરની યાત્રા કેવી છે?
આજે ઘણા સમય પછી ફરીથી હું મને મળી…’ મધુર સ્વરમા બંધ નયને માણી
ધન્યવાદ
જયહીંદ
LikeLiked by 2 people